Wednesday, 22 July 2020

કઈ બાર યૂં હી દેખા હૈ.

કઈ બાર યૂં હી દેખા હૈ.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી

અમદાવાદની જાણીતી કોલેજમાંથી ઇન્ફર્મેશન ટેકનોલોજી ( IT ) ક્ષેત્રે ગ્રેજ્યુએશનનો કોર્સ કર્યા પછી પ્રિયલ MBA નો કોર્સ કરવા અમેરિકા ઉપડી ગઈ. આજે બે વર્ષ પછી એ પોતાના એક મિત્ર હસિતના લગ્નમાં હાજરી આપવા ભારત પાછી આવી રહી હતી. મિત્રના લગ્ન એટેન્ડ કરવા, અને મમ્મી – પપ્પાના આગ્રહને માન આપીને પોતાના માટે લાઈફ પાર્ટનર પસંદ કરવો, પ્રિયલને ભારત આવવા પાછળ ‘એક પંથ દો કાજ’ જેવું પ્રયોજન હતું.

પ્રિયલના બધા મિત્રો એક પછી એક લગ્ન કરીને ઠરીઠામ થવા માંડ્યા હતા. પ્રિયલની મમ્મીને હવે પ્રિયલ પરણી જાય તે માટે અધીરાઈ આવી ગઈ હતી. એમાં ‘બહુ મોટી ઉંમર થઇ જાય તો પછી કોઈ સારો છોકરો મળે નહીં’ એવી એમની ગણતરી પણ ખરી. ‘પ્રિયા, એકવાર તું ઇન્ડીયા આવી જા, મૂરતિયો પસંદ કરીને પરણી જા, પછી તારે જ્યાં રહેવું – ફરવું હોય તેની છૂટ છે.’ મમ્મીનો આ તકિયાકલમ થઇ ગયો હતો. અને કેમ ન હોય ? દરેક મા બાપની  ઈચ્છા એવી જ હોય છે કે પોતાના ઉંમરલાયક સંતાનો યોગ્ય સમયે યોગ્ય પાત્ર શોધીને પરણે અને જીવનમાં સુખી થાય.

પ્રિયલ દેખાવે સુંદર, સ્વભાવે ચંચળ, બુદ્ધિમાં હોંશિયાર અને સોનામાં સુગંધની જેમ સદાય મુખ પર રમતું હાસ્ય એના વ્યક્તિત્વનું જમા પાસુ હતું. પ્રિયલે  મુંબઈના એરપોર્ટ પર પગ મૂક્યો એ સાથે એને આ દેશની માટીની મહેક અને ટાઢક સ્પર્શી ગઈ, એ ખુશખુશાલ થઇ ગઈ. પપ્પાને એરપોર્ટ પર લેવા આવેલા જોઇને એ દોડીને એમને ભેટી પડી. એમની પ્રેમાળ હૂંફ માણીને પછી મમ્મીના ગળે વળગી એની વાત્સલ્યની સરવાણીમાં ડૂબી ગઈ. મમ્મીની આંખો ખુશીના આંસુથી છલકાઈ ગઈ, તે જોઇને  પ્રિયલ બોલી, ‘પપ્પા, જોયું તમે, હું આવી તે મમ્મીને ન ગમ્યું એટલે એ રડી.’ આ સાંભળતાં જ બધાના મોં પર હાસ્ય ફરક્યું, પ્રિયલે એના સ્વભાવ જેવા જ મુલાયમ એવા રૂમાલથી મમ્મીના આંસુ લૂછ્યા.

અંધેરીમાં પ્રિયલની માસીનો નાનકડો ફ્લેટ હતો, ત્યાં ત્રણ દિવસનું રોકાણ હતું. ‘રાત થોડી અને વેશ ઝાઝા’ ની માફક ત્રણ  દિવસમાં ત્રણ મૂરતિયા જોવાના હતા. એન્જીનિયર થયેલો પ્રણવ સ્વભાવે શાંત હતો,  બહુર્મુખી પ્રતિભા ધરાવતો સુજય ડોક્ટર હતો અને  નામ પ્રમાણે ગુણો ધરાવતો આનંદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો, એ પ્રાયવેટ ફર્મમાં જોબ કરતો હતો. ત્રણે મૂરતિયાની મુલાકાત પ્રિયલ માટે પોઝીટીવ રહી, પણ તેમ છતાં અકારણ જ પ્રિયલને અંદરથી એવું લાગતું હતું કે  આ બધામાં ‘કશુંક ખૂટે છે.’ પણ આ ‘કશુંક’ શું છે તે એ નક્કી નહોતી કરી શકતી.

મમ્મી પપ્પાએ પ્રિયલની મરજી પૂછી, ત્યારે એણે એની હમેશની રમતિયાળ શૈલીમાં કહ્યું, ‘જાનૂ ના જાનૂ ના, ઉલઝન યે જાનૂ ના, કિસ કો મિત બનાઉં કિસ કી પ્રીત ભૂલાઉં ?’ પપ્પાએ હસીને કહ્યું, ‘ડોન્ટ વરી માય ડીયર ડોટર, ટેક યોર ઓન ટાઇમ.’ અમદાવાદમાં હસિતના લગ્નમાં બધા જૂના જોગીઓ જેવા ફ્રેન્ડસને મળીને પ્રિયલે ખુબ ધમાલમસ્તી કરી, ખૂબ એન્જોય કર્યું. બીજા દિવસે પ્રિયલ એની ખાસ ફ્રેન્ડ અવની અને એના મમ્મી પપ્પા સાથે શ્રીનાથજી ભગવાનના દર્શન કરવા ઉપડી ગઈ. ભગવાનના દર્શન કરતા એણે બે હાથ જોડીને, આંખો બંધ કરીને મનોમન પ્રાર્થના કરી, ‘હે પ્રભુ, એવો જીવનસાથી આપજે, કે વૃદ્ધ થતાં સુધી જેની સાથે ખુશીથી જીવવાનું મન થાય.’

જીવનસાથીના વિચારથી એને પ્રણવ, સુજય અને આનંદ યાદ આવ્યાં. એને થયું, ‘આટલી ટૂંકી મુલાકાતમાં જીવનસાથીની પસંદગી કઈ રીતે કરી શકાય ? વાંચનની શોખીન પ્રિયલને ક્યાંક વાંચેલી વાત યાદ આવી, ‘જેની સાથે રહીને સુખેથી જીવી શકાય એમ લાગે એને તો ઘણા પરણે, પણ જેના વિના જીવી જ ના શકાય એવું લાગે તેવા લગ્ન તો ઘણા ઓછા હોય.’ એ સાથે જ પ્રિયલને યાદ આવી ગયો સ્વપ્નિલ, સ્વપ્નિલ એની કોલેજ કાળનો સહાધ્યાયી હતો. કોલેજમાં ફ્રેન્ડશીપ ડે, રોઝ ડે, ટ્રેડીશનલ ડે, વેલેન્ટાઇન’સ ડે.. વગેરે જાતજાતના દિવસો ઉજવાતા. સુંદર અને સ્માર્ટ પ્રિયલનું ધ્યાન પોતાના તરફ ખેંચવા કેટલાક છોકરાઓ  પ્રિયલને કાર્ડ, બુકે, અને જાતજાતની ગીફ્ટ આપવાનો પ્રયાસ કરતા. પ્રિયલ કોઈની પણ ગીફ્ટ સ્વીકારતી નહીં, એને આવા ‘મજનુ’ ટાઈપ છોકરાઓમાં સહેજ પણ રસ નહોતો.

સ્વપ્નિલ  આ બધાથી જુદો તરી આવતો, ભણવામાં હોંશિયાર હતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રસ લેતો. એન્યુઅલ ડે ના ડ્રામા વખતે સ્વપ્નિલ અને પ્રિયલને વારંવાર મળવાનું થતું, એમાં મૈત્રી થઇ અને બંને  એકબીજાની નજીક પણ આવ્યા. પણ કોલેજ પત્યા પછી સ્વપ્નિલ અચાનક એના વતન ચાલી ગયો, અને  પ્રિયલ MBA કરવા અમેરિકા ઉપડી ગઈ, પછી એ બંને વચ્ચે કોઈ કોન્ટેક્ટ રહ્યો નહીં.

‘કોણ જાણે અત્યારે એ ક્યાં હશે, કુંવારો હશે કે પરણી ગયો હશે ?’ પ્રિયા વિચારી રહી. ‘એય પ્રિયા, ક્યારની ભગવાનની સામે આંખ મીચીને – હાથ જોડીને ઉભી છે, એટલું બધું શું માંગી રહી છે ? તારો  લાઈફ પાર્ટનર ?’ અવનીએ પ્રિયલને વિચાર વમળમાંથી બહાર કાઢી. પ્રિયલ એના અસલી ખુશમિજાજમા આવીને બોલી, ‘હા, યાર. ભગવાને મારા માટે પણ કોઈ નમૂનો તૈયાર કર્યો જ હશે ને ? એ ક્યાં હશે અને શું કરતો હશે એ જ વિચારતી હતી.’ ‘કોઈ પસંદ કરી રાખ્યો છે કે શું ?’ અવનીના આ સવાલના જવાબમાં પ્રિયલે એને મસ્ત સ્માઈલ આપ્યું.   

પ્રિયલ અમદાવાદ આવી એના બીજા દિવસે જ એના દાદાજીની તબિયત લથડી અને એમને હોસ્પિટલમાં એડમીટ કરવા પડ્યા. દાદાજીની માંદગી લાંબી ચાલી, એમાં પ્રિયલનો અમેરિકા જવાનો દિવસ નજીક આવી ગયો. દાદાજી ઘરે આવ્યા પછી પ્રિયલ માટે શોપિંગ, નાસ્તા બનાવવા અને બેગ પેક કરવાની પ્રક્રિયા ચાલી, એમાં ને એમાં મૂરતિયો નક્કી ન થઇ શક્યો, એટલે મમ્મી અપસેટ હતી. મમ્મીને તો પ્રિયલે અને એના પપ્પાએ મનાવી લીધી. પ્રિયલને એરપોર્ટ પર મૂકવા એનો કઝીન અને અવની ગયા. એ બંનેને બાય-બાય કરીને, પ્રિયલ ચેક ઇન કરીને અમેરિકા જતા એરક્રાફ્ટમાં પોતાની સીટ પર આંખો બંધ કરીને રીલેક્સ થઈને બેઠી.

-જો હું ભૂલતો ન હોઉં તો તું જ પ્રિયલ છે, ખરું ને ?  બાજુની સીટ પરથી કોઈ પરિચિત અવાજ સાંભળીને પ્રિયલે આંખો ખોલી અને સ્વપ્નિલને જોઇને આશ્ચર્યચકિત થઇ ગઈ.  

-અરે વાહ ! સ્વપ્નિલ તમે ? તમને તો મારું નામ હજી યાદ છે ને કંઈ ?

-ફક્ત નામ નહીં, તારો ચહેરો અને કોલેજમાં તારી સાથે સાથે વિતાવેલી દરેક ક્ષણ યાદ છે.

-આ એ જ સ્વપ્નિલ છે, ઓછાબોલો – અંતર્મુખી ? પ્રિયલે નવાઈથી કહ્યું.

-હા, છે તો એ જ, પણ હવે થોડો બદલાઈ ગયો છે.

-અચ્છા ! ક્યારથી ?

-જ્યારથી એની મનગમતી છોકરી ઉડીને અમેરિકા જતી રહી ત્યારથી. એટલે પછી એણે નક્કી જ કર્યું કે વધારે મોડું થઇ જાય અને એ બીજાને પરણી જાય એ પહેલાં એના મનની વાત પૂછી લેવી, અને એને મનની વાત કહી પણ દેવી.

-અને ધારો કે એ ઓલરેડી બીજાને પરણી ગઈ હોય તો ?

-એ નથી પરણી એ વાત જાણ્યા પછી જ તો આટલી હિંમતથી પૂછી રહ્યો છું, બોલ પ્રિયલ તને મારી સાથે રહીને આખું જીવન વિતાવવાનું ગમશે ?

-એનો જવાબ પછી આપું, પહેલાં એ કહો, મારી જાસૂસી કરતા હતા ? કોણ છે તમારો એ સિક્રેટ એજન્ટ ?

-પ્રિયલ. હું અવનીના કોન્ટેક્ટમાં હતો, તારા વિષે બધી જ માહિતી મેળવતો હતો. તું અમેરિકાની ટીકીટ બુક કરાવે ત્યારે તારી બાજુમાં જ મારી ટીકીટ બુક કરાવવાનું મેં એને કહી રાખ્યું હતું. જેથી તારી સાથેના પ્રવાસ દરમ્યાન હું તારા મનની વાત જાણી શકું. હું થોડા દિવસ અમેરિકા મારા ફોઈના ઘરે રહેવાનો છું.

-તો અત્યાર સુધી સંતાયેલા કેમ રહ્યા, પ્રપોઝ કેમ ન કર્યું ?

-સારું કમાતો ન થાઉં ત્યાં સુધી કેવી રીતે પ્રપોઝ કરું ? હવે સારી જોબ મળી ગઈ, સેટલ થયો અને જાણ્યું કે તું જીવનસાથીની શોધમાં ઇન્ડિયા આવી છે, આવો ચાન્સ હું કેમ જવા દઉં ? મારા વિષે જે કંઈ જાણવું હોય તે તું મને અથવા અવનીને પૂછી શકે છે.

-અવનીને તો હું પછી જોઈ લઈશ, પહેલા તમારો વારો.

અને પછી તો આખી મુસાફરી દરમ્યાન બંને વચ્ચે વાતચીતનો એવો દોર ચાલ્યો, જાણે જન્મોજન્મથી બંને એક બીજાને ઓળખતા ન હોય ! સ્વપ્નિલે  જયારે પ્રિયલને પ્રપોઝ કર્યું ‘પ્રિયા, મને પરણશે ?’ ત્યારે પ્રિયલને તો ‘ભાવતું’તું ને વૈધે કહ્યું’ જેવો ઘાટ થયો,  બંનેની જોડી જામી ગઈ.  પ્રિયલ ને થયું, ‘શ્રીનાથજી’ ભગવાને કેટલી જલ્દી મારી પ્રાર્થના સાંભળી  લીધી.

અમેરિકા પહોંચીને એણે પહેલું કામ મમ્મી-પપ્પાને ફોન કરીને આ ખુશખબરી આપવાનું કર્યું. મમ્મી-પપ્પા તો સ્વપ્નિલને એક ‘સારા છોકરા’ તરીકે પહેલેથી જાણતા જ હતા. મમ્મી બોલી, ‘ખરેખર જોડી તો ઉપરવાળો જ બનાવે છે.’ પપ્પાએ કહ્યું, ‘પ્રિયા, હવે તારે વિચારવું નહિ પડે કે – કિસ કો મિત બનાઉં કિસ કી પ્રીત ભૂલાઉ, ખરુંને ?’ ‘હા, પપ્પા, હવે તો હું એમ ગાઈશ – કઈ બાર યું હી દેખા હૈ, યે જો મનકી સીમારેખા હૈ, મન દૌડને લગતા હૈ...’ 

  


No comments:

Post a Comment