Wednesday, 22 July 2020

પરિવર્તન.

પરિવર્તન.         પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

આજનું છાપું જોયું તમે ? લખ્યું છે, નવા બંધાઈ રહેલા બ્રીજનો કેટલોક ભાગ તૂટી પડતાં દટાઈ જવાથી ચાર મજૂરોનું મૃત્યુ અને બીજા કેટલાક મજુરો પણ દટાયા હોવાની આશંકા...

  હા, પણ...’

  હજી આગળ તો સાંભળો,  બિલ્ડરકિંગ ગણાતા શહેરના જાણીતા બિલ્ડર રમેશભાઈ શાહની ધરપકડ અને પોલીસ દ્વારા કડક પૂછપરછ.   

હા, પણ હવે...   

હવે નહીં તો પછી ક્યારે તમે મારી વાત સમજશો ? દીકરા ઉપર દબાણ કરીને એને તો આપણાથી અળગો કરી જ ચુક્યા છો, હવે દીકરીની ઈચ્છાને કચડીને એને પણ...     સુધાબહેન આક્રોશથી બોલ્યા અને પછી  છાપું સુમનરાય તરફ ફગાવીને રસોડામાં ચાલી ગયા, આંખોમાંથી અશ્રુઓની ધાર વહી નીકળી, એમને આજથી છ મહિના પહેલા ઘરમાં બની ગયેલો બનાવ યાદ આવી ગયો.

આજ સુધીમાં તને ઘણી છોકરીઓ બતાવી પણ તને તો કોઈ છોકરી પસંદ જ નથી આવતી. આ  મેઘનાબહેનની  દીકરી  રાજુલમાં શું ખોટ છે ? દેખાવે નમણી છે,  ફેશનેબલ છે, પૈસેટકે સધ્ધર ઘરની છે. ઋષિન બેટા, આમને આમ તો બધી સારી સારી છોકરીઓ પરણી જશે. પછી જેવીતેવી સાધારણ ઘરની છોકરી મળશે તો તને ગમશે ? અકળાયેલા સુધાબહેને પરણવા લાયક દીકરા ઋષિનને પૂછ્યું.

ના  નહિ ગમે.’  ઋષિને ટૂંકાક્ષરી જવાબ આપ્યો.

મમ્મી, મારા ભાઈ શું  કોઈનાથી કંઈ કમ છે ? હેન્ડસમ છે, ભણેલાગણેલા છે, ભાઈના માટે  જેવીતેવી સાધારણ  છોકરી આપણે લાવીએ પણ શા માટે ? રૂમમાં બેસીને  બુક વાંચી રહેલી ઋષિનની નાની નટખટ બહેન રમ્યા હસીને બોલી.

હું પણ એ જ તો કહું છું,  કે  રાજુલ જેવી સ્માર્ટ  છોકરીને ના પાડવાનું કારણ શું છે એ તો કહીશ કે નહિ ?

કારણ તો....   આગળ શું કહેવું તે એને સમજાયું નહિ, એટલે ઋષિન આટલું બોલીને અટકી ગયો,

તારા મનમાં શું છે એ બોલને બેટા, અચકાય છે શા માટે ?  સુધાબહેને એને પ્રેમથી પૂછ્યું.

કારણ તો એ જ છે,  કે  એ મારા કરતાં હાઈટમાં ઓછી છે.

જાવ જાવ ભાઈ,  આવું સાવ ખોટું ના બોલો. રાજુલની હાઈટ તમારાથી માંડ ત્રણ-ચાર ઇંચ ઓછી હશે.

તને શું ખબર ?  તું ચુપ રહેને ચિબાવલી. ઋષિને રમ્યા સામે જોઈ ડોળા કાઢ્યા.

રમ્યાની વાત ખોટી તો નથી, ઋષિન. મને પણ એની હાઈટ ઓછી છે એવું તો નથી લાગતું. અને ધારો કે  હાઈટ જરાતરા ઓછી હોય તો પણ એ તે કંઈ કારણ છે એને નાપસંદ કરવાનું ?

વો પરી કહાઁસે લાઉં તેરી દુલ્હન જિસે બનાઉં, કે ગોરી કોઈ પસંદ ન આયે તુજકો, કે છોરી કોઈ પસંદ ન આયે તુજ કો....ઓ... ઓ... ઓ ....  રમ્યાએ રાગડો તાણીને, જીભ કાઢીને, અંગુઠો બતાવીને મોટાભાઈને ચીઢવતા કહ્યું. 

તું મારા હાથનો માર ખાવાની થઇ લાગે છે.  ઋષિને ચીઢાઈને રમ્યાને કહ્યું, પછી બોલ્યો,

મમ્મી, હું શરીરની કે કદની હાઈટ માટે નથી કહેતો,  વેવલેન્થ એટલે કે વિચારોની હાઈટ માટે કહું છું.

તું  અમને કંઈ  સમજાય એવું બોલ, રાજુલમાં શું ખોટ છે એ વાત કર.

મોમ, તું તો રાજુલ માટે આદુ ખાઈને મારી પાછળ પડી ગઈ છે. મને વિચારવાનો થોડો સમય તો આપ.

ખરેખર તો  ઉમરલાયક દીકરા પર, એના લગ્ન માટે પોતાના વિચારોનું દબાણ કરવામાં સુધાબહેન જરા પણ માનતા નહોતા. પણ પતિની એ બાબતે તાકીદના કારણે આજે સુધાબહેન  ઋષિનને રાજુલ માટે ફોર્સ કરી રહ્યા હતા.

ગઈ રાત્રે બેડરુમમાં સુમનરાયે  સુધાબહેનને  કહ્યું હતું, ‘જો સુધા, રાજુલના ફાધર રમેશભાઈ એમના કન્સ્ટ્રકશનના ધંધામાં કરોડો રૂપિયા કમાયા છે, નાતના આગેવાન છે, મોટા મોટા નેતાઓ સુધી એમની લાગવગ છે. એમની એકની એક દીકરી રાજુલ બોલવે ચાલવે ચબરાક છે, સુંદર અને ગોરી તો એટલી છે કે જાણે હિન્દી પિક્ચરની હિરોઈન જ જોઈ લો. તું આ તારા લાડકા દીકરાને સમજાવ કે વધારે પડતો ભાવ ખાવાનું બંધ કરે, સમજી ?’

 ‘હું તો બધું સમજેલી જ છું, પણ તમે સમજો તો સારું કે – યુવાન છોકરાને એની મરજી વિરુદ્ધ લગ્ન માટે દબાણ કરવું સારું નહીં,’  હોઠ સુધી આવી ગયેલાં શબ્દોને પતિ સાથે  મહાયુદ્ધ થતું અટકાવવાના હેતુસર ગળી જઈને  સુધાબહેન બોલ્યા, ‘તમારી બધી વાત બરાબર, પણ રાજુલ ગ્રેજ્યુએટ પણ નથી થઇ, અને આપણો ઋષિન તો સી.એ.સી.એસ. થયેલો છે. એ બંનેનું મેન્ટલલેવલ પણ તો મેચ થવું જોઈએ ને ?’ 

બોલતાં તો સુધાબહેન બોલી ગયાં, પછી એમને પોતાને જ  લાગ્યું કે – ‘આખી દુનિયામાં કયા અને કેટલા પતિપત્નીનું મેન્ટલલેવલ મેચ થતું હશે ? પોતાની જ વાત લઇ લે, તો પોતે એમ.એ. બી.એડ. થયેલા, તક મળી હોત તો એ પી.એચ.ડી. પણ થઇ ગયા હોત અને પતિ સુમનરાય ? એમની વાતચીત, વિચારો અને વર્તન પરથી  અનુમાન કરવાનું મુશ્કેલ નથી કે એ કેટલું ભણ્યા હશે. પોતાને પસંદ કરવા આવ્યા ત્યારે ભલે એમણે કહ્યું કે પોતે  કોમર્સ ગ્રેજ્યુએટ થયેલા છે, પણ  આજ સુધી સુધાબહેનને નથી તો એમના કોઈ સર્ટીફીકેટ મળ્યા, કે નથી તો એ વાતની ખાતરી થઇ.

લગ્નજીવનની  શરૂઆતમાં સુધાબહેને ઘણીવાર સુમનરાય આગળ ઉત્સાહથી પોતાના પ્રગતિશીલ વિચારો રજુ કરવાના પ્રયત્નો કર્યા હતા, પણ સુમનરાય એટલે ‘મિસ્ટર પરફેક્ટ’ ની ભ્રમણામાં રાચતો એક ઘમંડી જીવ. છેવટે સુધાબહેને - ‘ભેંસ આગળ ભાગવત કરવી નકામી છે.’ એમ માનીને પ્રયત્નો છોડી દીધાં હતા. ‘તું વળી ક્યાં આ મેન્ટલલેવલની માથાકૂટ લઈને બેસી ગઈ ? ભણીગણીને પણ બૈરાઓએ તો આખરે રસોડું જ સંભાળવાનું છે ને ? અને વરની હોશિયારી એ કેટલું ભણ્યો છે, એના પરથી નહીં પણ એ કેટલા રૂપિયા કમાઈને  લાવે છે, એના પરથી મપાય છે, સમજી ?’ સુમનરાયે પોતાની ‘કૂપમંડૂક’ એટલે કે ‘કૂવામાંના દેડકા’ જેવી વિચારસારણી રજુ કરી.

સુધાબહેનના હ્રદયમાં એક શૂળ ઉઠી,  ‘કમાવા અને ખાવાપીવા સિવાય પણ માણસને સારી રીતે જીવવા માટે બીજું ઘણું બધું જોઈતું હોય છે,  હુંફ  – લાગણી – પ્રેમ – આદર - પ્રોત્સાહન – પ્રતિભાવ – સહકાર –વગેરે.’ પણ  પતિને કંઈ કહેવું એટલે ‘પથ્થર પર પાણી’ રેડવું.’  એમ સમજી સુધાબહેન ચુપ જ રહ્યા.   કાશ ! પોતાના મમ્મીપપ્પાએ જ્યારે મુરતિયા તરીકે સુમનરાય વિશે  પૂછ્યું,  ત્યારે ચુપ રહેવાને બદલે, શરમસંકોચ છોડીને પોતાના દિલની વાત માબાપને કરી શક્યા હોત ! આમને પરણવાની ના પાડી શક્યા હોત તો કેટલું સારું થાત ! પણ ‘અબ પછતાવે હોત ક્યા જબ ચિડીયા ચુગ ગઈ ખેત ?’ એ વિચારે એમના મુખ પર  દુખની એક લહેરખી આવી ગઈ.

મોમ પ્લીઝ.  તું મારી વાત સમજવાનો પ્રયત્ન કર. મારે રાજુલ જેવી  કોઈ સુંદર પરી નથી જોઈતી, મારે તો એક સીધીસાદી અને સરળ હ્રદયની જીવનસાથી જોઈએ છે. મમ્મીને દુઃખી જોઇને ઋષિને એમને પ્રેમભરી એક ‘જાદુની ઝપ્પી’ આપીને કહ્યું.

બેટા, તને કોઈ બીજી છોકરી પસંદ છે ? ઋષિન રાજુલને શા માટે ના પાડી રહ્યો છે તેનું કારણ જાણવા માટે સુધાબહેને એને પૂછ્યું. એ સાથે જ પોતે દીકરાને એની પસંદગી રજુ કરવાની તક આપી રહ્યા છે, એ વાતે એમને સંતોષ થયો.

તમને લોકોને કઈ રીતે સમજાવું ? મમ્મી,  હું અને રાજુલ એકાંતમાં મળ્યા, ત્યારે એણે મને પૂછ્યું કે  ઘરમાં અને એક્સટેનડેડ ફેમીલીમાં ડસ્ટબીન કેટલા છે ?’

એટલે વળી શું ? સુધાબહેને નવાઈથી પૂછ્યું.

એકઝેટલી મમ્મી !  મેં પણ એને આ જ સવાલ પૂછ્યો. તો એણે મને કહ્યું, ‘તું તો સાવ ડમ્બ છે, એટલું ય સમજતો નથી ? ડસ્ટબિન  એટલે  ડોહાડગરા.  મતલબ કે - તારા મમ્મી – પપ્પા સિવાય તારા  કુટુંબમાં બીજા ઘરડાં લોકો -  મીન્સ કે  – દાદા – દાદી - કાકા – કાકી - મામા – મામી - માસી – માસા - ફોઈ – ફૂવા  વગેરે કેટલા જણા છે ? 

ઓહ ! સુધાબહેન  આ વાત સાંભળીને આઘાત પામી ગયા.

યસ, મોમ, મેં પણ એનો સવાલ સાંભળીને એકઝેટલી આવું જ ફિલ કર્યું, અને આવો જ ઉદગાર કાઢ્યો. 

તો પછી આ રાજુલની વાત જવા દે, એના સિવાય જે ત્રણ છોકરીઓ જોઈ હતી, કેતકી, વસુધા અને સીમા, એમાંથી તને કોઈ મનમાં બેસે છે ખરી ? સુધાબહેને ઉત્સુકતાથી ઋષિનને પૂછ્યું. 

મમ્મી, એ બધી પણ, હોટલોમાં ખવડાવે પીવડાવે – શોપિંગ કરાવે – મુવી જોવા લઇ જાય – ગાર્ડનમાં ફેરવે – પોતાના મોજશોખનો ખ્યાલ રાખે એવો પતિ ઈચ્છનારી, પતિને પોતાની એકલીની જ મિલકત ગણે એવી, અને પરણીને સાસુ – સસરાથી અલગ રહેવાના સપના જુએ એવી – એકલપેટી છોકરીઓ હતી. મારે એવી કોઈ સ્વાર્થી છોકરી સાથે હરગીજ પરણવું નથી. તમે લોકો મારા માટે પૈસેટકે સુખી કે દેખાવે પરી જેવી રૂપાળી છોકરી  જોવાને બદલે, કોઈ સાધારણ ઘરની પણ સંસ્કારી  છોકરી કે જે વડીલોને ડસ્ટબીન ગણવાને બદલે એમને માન આપે, કેર કરે, અને મારા જેવા પ્રગતિશીલ  વિચારો ધરાવે એવી,  ટૂંકમાં કહું તો મારી સાથે જેનું મેન્ટલલેવલ મેચ થાય એવી છોકરી શોધો.

સુધાબહેન આ સાંભળીને વિચારમાં પડી ગયા, એ જોઇને રમ્યા રમતિયાળ અંદાજમાં બોલી, ‘લો, આ તો કાંખમાં છોકરું અને ગામ આખામાં શોધ્યું, એવું કરી રહ્યા છો તમે લોકો.’

એટલે તું કહેવા શું માંગે છે ? રમ્યાની સામે જોઇને ઋષિન અને મમ્મી બંને એકસાથે બોલી પડ્યા.

ભાઈ  તમે આ રક્ષાબંધન પર મને એક નવો ડ્રેસ અપાવવાનું કબુલ કરો તો તમને કહું. રમ્યા બોલી.

જા રે જા, આવી મોટી  નવો ડ્રેસ લેવાવાળી. તને તો કાયમ મારા ખિસ્સા કેમ ખાલી કરવા તેવા આઇડીયા જ સુઝે છે, ખરું ને ?’

નવો ડ્રેસ તને  હું અપાવીશ. બોલ રમ્યા, તું શું કહેતી હતી ? સુધાબહેને ઉત્સુકતાથી પૂછ્યું.

યે હુઈ ના બાત ! જોયું ભાઈ,  મમ્મી કેવી  ઉદાર છે, અને તમે કેવા કંજૂસ છો તે.

જા રે જા  લુચ્ચી.

તમે બંને લડવાનું બંધ કરો, અને રમ્યા તું બોલ, તારા ધ્યાનમાં ઋષિન માટે કોઈ સારી છોકરી છે ?

છે ને. તમે લોકો એને ઓળખો પણ છો, એટલું જ નહિ ઘણીવાર મળી પણ ચુક્યા છો.

કોણ, તારી  ફ્રેન્ડ સૌમ્યા ? રમ્યાની વાત સાંભળીને ઋષિન અચાનક  બોલી ઉઠ્યો.

જોયું મમ્મી તેં ? એક જ ધડાકે ભાઈના મનની વાત કેવી પકડાઈ ગઈ. રમ્યા શરારતી અવાજે બોલી.

જા ને હવે.  મારા મનમાં એવું કંઈ નથી. ઋષિનને બીજું કંઈ સુઝ્યું નહિ એટલે એ બોલ્યો.

એવું કંઈ ના હોય તો તમે હવે એવું કંઈ વિચારો ભાઈ.  મમ્મી, સૌમ્યા એના નામ પ્રમાણે જ સ્વભાવે પણ સૌમ્ય છે, ઈન્ટેલીજન્ટ છે, એટલું જ નહીં ફેમીલી ઓરીયેન્ટેડ પણ છે. એના વિચારો પણ ભાઈના વિચારોની જેમ પ્રગતિશીલ અને પોઝીટીવ છે, અને સૌથી અગત્યની વાત તો એ છે કે....’

‘કે ?’ ઋષિને અધીરાઈથી પૂછ્યું.

‘કે સૌમ્યા ભાઈને પસંદ પણ કરે છે.

તો તેં અત્યાર સુધી અમને કંઈ કહ્યું કેમ નહિ ? સુધાબહેન ખુશીથી બોલ્યા તો ખરા પણ પછી ‘પતિદેવ’  સુમનરાય, પૈસાદાર ઘરની રાજુલને પડતી મુકીને સાધારણ ઘરની આ સૌમ્યાને પસંદ કરશે કે કેમ એ વિચારે એમની ખુશી વરાળ થઇ ગઈ. તો પણ આશાભર્યા અવાજે એમણે કહ્યું,  ’ઋષિન, હું તારા પપ્પાને વાત કરી જોઉં.’

‘યે હુઈ ના બાત, દે તાલી !’ રમ્યાએ કહ્યું, ઋષિને એને તાલી આપી એટલે રમ્યાએ હસીને કહ્યું, ‘ભાઈ તમારી તો લોટરી લાગી ગઈ.’  અને ઋષિન  ‘થેન્ક્સ મોમ.’ કહીને મમ્મીને વળગી પડ્યો.

સાંજે જમ્યા પછી, બધા ડ્રોઈંગરૂમમાં બેઠા હતા ત્યારે સુધાબહેને, ઋષિન, રમ્યા અને પોતાની પસંદગીની કન્યા  સૌમ્યા માટેની વાત સુમનરાયને કહી, જે સાંભળીને  સુમનરાય ખુબ જ ગુસ્સે થઇ ગયા અને બોલ્યા,  ‘ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તૈલી ? છોકરાંઓ તો અણસમજુ છે, પણ તું તો તારી બુધ્ધિ વાપર. જો ઋષિન, રાજુલને પરણવાની હા પાડે  તો રમેશભાઈ  ઋષિનને પોતાના ધંધામાં પાર્ટનર બનાવવા તૈયાર છે. એટલું જ નહીં આપણને એક મોટી ગાડી  અને ત્રણ બેડરૂમનો ફ્લેટ આપવા પણ તૈયાર છે. લક્ષ્મી સામે ચાલીને ચાંલ્લો કરવા આવી રહી છે, ત્યારે તમે બધાં મોઢું ધોવા જાવ એવા ગમાર છો’

‘પણ તમે સાંભળો તો ખરા..’ સુધાબહેને એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ સુમનરાય તો ‘મારે કંઈ સાંભળવું  નથી, અને તમે લોકો પણ કાન ખોલને સાંભળી લો, આ ઘરમાં રહેવું હશે તો તમારે હું કહું એમ જ  કરવું પડશે, સમજ્યા ?’ પપ્પાની વાત સાંભળીને  ઋષિન અને રમ્યા સોફામાંથી ધીરેથી ઉઠીને ચુપચાપ પોતપોતાની  રૂમમાં જતા રહ્યા.

‘ગમાર અમે બધાં નહીં પણ તમે છો, જે દીકરાને કોરો ચેક સમજીને લગ્નના બજારમાં વટાવવા નીકળ્યા છો.’ એવા શબ્દો થૂંકની સાથે ગળી જઈને સુધાબહેન બોલ્યા, ‘છોકરાઓ હવે યુવાન થયા છે, એમની સાથે આપણે સાચવીને  ધીરજથી કામ લેવું જોઈએ.’ ‘છોકરાંઓની સાથે કેમ બોલવું  એ હવે તું મને શીખવાડશે ? તું બહુ ભણી છે, તે મને ખબર છે, પણ એનો અર્થ  એવો નથી કે  તું મને  શિખામણ આપવા બેસી જાય. બહુ હોંશિયાર હોય તો આ તારા છોકરાને જ સમજાવને.’ સુમનરાયનો પિત્તો ગયો, એ ઉઠીને ગુસ્સાથી પગ પછાડતા બેડરૂમમાં જતા રહ્યા.  

સુધાબહેનની આંખોમાં આંસુઓનું પુર ઉમટ્યું. એ મોડે સુધી સોફામાં બેસી રહ્યા. પછી  બેડરૂમમાં સુવા ગયા, પણ આજે નીદ્રાદેવી એમનાથી રિસાઈ ગયા હતા, મોડે સુધી એ પથારીમાં પડખા ઘસતા પડી રહ્યા. છેવટે  ‘મેં તો વગર વિચાર્યે  ખોટું પાત્ર પસંદ કરી લીધું છે, અને એની સજા પણ ભોગવી રહી છું, પણ મારા દીકરાની સાથે એવું નહિ થાય, એ માટે હું પુરેપુરી કાળજી લઈશ, પછી ભલે ને મારે પતિની વિરુદ્ધ  કેમ ન જવું પડે ?’ એવો  એક અડગ નિશ્ચય કર્યો, પછી તેઓ નિદ્રાધીન થયા.

આ બનાવના થોડા જ સમયમાં ઋષિન અને  સૌમ્યા કોર્ટમેરેજ કરીને પરણી ગયા, અને સુમનરાયનું ઘર છોડીને એક નાનકડો ફ્લેટ ભાડે લઈને ત્યાં રહેવા જતા રહ્યા. આ કાર્યમાં સુમનરાયથી છાનામાના કરી શકાય, એ બધી જ મદદ રમ્યા અને સુધાબહેને એમને કરી. એમાં  સૌમ્યાના મમ્મીપપ્પાનો પણ પુરેપુરો સપોર્ટ રહ્યો.

‘સુધા, રમ્યાને આગળ ભણવા માટે અમેરિકા જવું હોય તો ભલે જાય.’ સુમનરાયે રસોડામાં આવીને વિચાર વમળમાં અટવાયેલા સુધાબહેનને ધીરેથી કહ્યું. સુધાબહેનને પોતાના કાન પર વિશ્વાસ નહીં બેઠો, પતિમાં આવેલા આ સુખદ પરિવર્તનને એ  અવિશ્વાસથી તાકી રહ્યા. ‘મારી સામે આમ શું જોઈ રહી છે ? સાચું કહું છું, રમ્યા આવે ત્યારે એને કહેજે કે અમેરિકા જવાની તૈયારી શરુ કરે.’ સુધાને આ વાત કહેતી વખતે સુમનરાયને – ‘પોતાના નાના ભાઈની તેર વર્ષની દીકરી સુહાની એને મોબાઈલ ન અપાવવાના નજીવા કારણસર ગળે ફાંસો ખાઈને મરી ગઈ’ એ વાત યાદ આવી ગઈ.

‘તમને ખબર છે, રમ્યા આ વાત સાંભળશે ત્યારે શું કહેશે ?’ સુધાબહેન ઉત્સાહમાં આવીને બોલ્યા.

 ‘ના, તું જ કહી દે ને એ શું કહેશે ?’ સુમનરાયે પૂછ્યું.

 ‘એ  ખુશીથી ઝૂમી ઉઠશે અને પછી કહેશે – યે હુઈ ના બાત, દે તાલી ! બોલતા સુધાબહેનથી તાલી લેવા માટે પતિ સુમનરાય તરફ હાથ લંબાવાઈ ગયો. અને એમના આશ્ચર્ય વચ્ચે સુમનરાયે હસીને એમને તાલી આપી, અને પહેલી જ વાર પતિ પત્ની બંને એકસાથે હસી પડ્યા.  


No comments:

Post a Comment