સીમાને કોણ સમજાવે? . પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
-સીમા, આજે તેં ફરીથી બટાકાનું શાક બનાવ્યું ? આ અઠવાડિયામા ત્રીજી વખત તેં
બટાકા બનાવ્યા.
-સતીશ, સોમવારે તો બટાકાની સુકી ભાજી કરેલી, બુધવારે જ્ઞાતિ ભોજનમાં હોય
છે એવું મસ્ત રસાદાર બટાકાનું શાક બનાવેલું અને આજે શુક્રવારે ફરાળી સ્ટાઈલ નું બટાકાનું શાક બનાવ્યું છે.
આટલી વેરાયટી રાંધુ છું તો ય તને પસંદ નથી ?
-વેરાયટી રાંધવા બદલ હું તારો ખુબ આભારી છું, સીમા. પણ મને બટાકો વાયડો
પડે છે, એનાથી મને ગેસ થાય છે. અને આજે તો તું ભીંડા બનાવવાની હતી ને ?
-હા, ભીંડા જ બનાવવાની હતી, હું ભીંડા લેવા બજારમાં પણ ગઈ હતી, પણ ૮૦ રૂપિયે
કિલોનો ભાવ સાંભળી ભીંડા લીધા વગર જ પાછી આવી.
-ઘણું સરસ, તો પછી તું એમ જ કરને, રોજ બટાકા જ રાંધ, એ જ સસ્તામાં સસ્તા
હશે, ખરું ને ?
-આવું શું કરે છે, સતીશ ?
-હું પણ તને એ જ કહું છું, સીમા, આવું શું કરે છે ? હું તને ઘરખર્ચ માટે પુરતા પૈસા નથી આપતો ? આ
મહીને પણ તને ત્રીસ હજાર રૂપિયા આપ્યા હતા ને ? આજે તો હજી ૧૮ તારીખ થઇ છે, એટલામાં
પૈસા પુરા પણ થઇ ગયા ?
-તું ત્રીસ હજાર આપે છે, એની હું
ક્યા ના પાડું છું. પણ તું જુએ છે ને કે એક તો આ મોંઘવારી અને ઉપરથી સગા-વહાલાઓ
અને વટ–વ્યવહાર સાચવવાના, પૈસા ક્યાં પુરા થઇ જાય છે તે જ ખબર નથી પડતી.
-નથી ખબર પડતી તો હવે ખબર રાખ, પણ ખાવાની બાબતમાં કંજુસી ન કર. તને રોજ
છાશ બનાવવાનું કહું છું તો તે પણ ક્યારેક બનાવે છે અને ક્યારેક નથી બનાવતી. પૈસાનું
બરાબર આયોજન કરતી હોય તો ત્રીસ હજારમાં રોજ જુદા જુદા શાક અને રોજ છાશ બનાવીજ શકાય,
અને તો પણ પૈસા વધે.
-એટલે તમારું કહેવું એમ છે કે હું પૈસાનું આયોજન બરાબર કરતી નથી, એમ જ ને
?
-એમ તો એમ સમજ. ગુરુવારે તેં આપણા ઘરે કિટી પાર્ટી રાખેલી, એમાં બહારથી
પીઝા, બર્ગર ને નાચોઝ મંગાવેલા. એવા ખોટા ખર્ચ કરવાને બદલે ઘરમાં નાસ્તો બનાવતી
હોય તો પૈસા બચે કે નહિ ?
-ઘરમાં નાસ્તો બનાવવામાં મને કશો વાંધો છે જ નહીં. પણ શેફાલી, અંગીરા,
મોના, સુષ્મા.. બધા જ પોતપોતાના ઘરે કિટીપાર્ટી રાખે ત્યારે બહાર ઓર્ડર આપીને જ નાસ્તો મંગાવે
છે, ઉપરથી કોલ્ડ ડ્રીન્કસ, કુલ્ફી કે આઈસ્ક્રીમ પણ હોય જ. હું બટાકાપૌઆ, ઉપમા કે
લોચાપુરી બનાવું ને સાથે ચા, તો એ લોકો આપણા વિશે શું ધારે ? એવું જ ને કે લોકો તો સાવ મુફલીસ છે.’ અને એમાં તો તારું જ ખરાબ દેખાય ને ?
-તું મારા ખરાબ દેખાવા વિશે સહેજ પણ ચિંતા ન કર. પૈસાના પ્રદર્શનના આધારે બહારના
લોકો મારા વિશે શું કહે તેની મને પડી નથી. અઠવાડિયે ત્રણવાર બટાકા ખાવા કરતા કોઈ
મને ‘સાવ મુફલીસ છે’ એવું સંભળાવી જાય તો તે સાંભળવાનું સારું છે, એમાં મને કોઈ
મુશ્કેલી નથી.
-પણ મને છે ને.
-તારી આ જ તકલીફ છે. ‘સબ સે બડા રોગ, ક્યા કહેંગે લોગ’ એમાં ને એમાં જ
તું ખેંચાઈ જાય છે.
-સમાજમાં રહીએ છે, તો એટલું ખેંચાવું તો પડે જ.
-એની કોણ ના પાડે છે ? મારું તો ફક્ત એટલું જ કહેવું છે કે - ‘ચાદર હોય એ
પ્રમાણે માણસે પગ પસારવા જોઈએ.’
-તારા કહેવાનો મતલબ શું છે ?
-એ જ કે, તારી મોટી બહેન અમેરિકાથી આવવાની હતી ત્યારે તેં દેખાડો કરવા આપણા
ઘરના સોફાના કવર, પરદા, બેડશીટ બધું સારું હોવા છતાં બદલી નાખીને ખોટો ખર્ચ કર્યો હતો
કે નહિ ?
-બહેન તો એના ઘરે દર બે વર્ષે બધું બદલે છે, જ્યારે આપણે તો પાંચ વર્ષે
બદલ્યું.
-ફરીથી તને એ જ કહું છું, ‘લાંબા સાથે ટુંકો જાય, મરે નહિ તો માંદો
થાય.’ તારી બહેનને પોસાતું હોય તો દર
વર્ષે બધું બદલે, આપણને ન પોસાતું હોય તો આપણે બદલવાની જરૂર ખરી ? ખોટો ખર્ચ કર્યો
એમાં FD તોડવી પડી ને ?
-તને તો મારા બધા ખર્ચ ખોટા જ લાગે છે.
-તું કરે એવું તો લાગે જ ને ? બહેનના છોકરાઓને મોલમાં લઇ જઈને મોંઘામાના બ્રાન્ડેડ કપડાં અપાવવાની કોઈ જરૂર
હતી ?
-જરૂર હતી ત્યારે જ તો અપાવ્યા. આપણે અપાવતા જ હોઈએ ત્યારે એ લોકો જે બ્રાન્ડના કપડાં પહેરતા હોય તે બ્રાન્ડના કપડાં
અપાવવા જોઈએ એવું હું માનું છું, સસ્તામાના અપાવીએ તો એ પહેરે પણ નહિ.
-અને આપણા છોકરા સસ્તામાના કપડાં પહેરે તેનું કઈ નહિ ? તું તારા જ ડ્રેસ
જોને, કેવા ઘસાયેલા છે. આ તો ‘ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો’ એવું થયું.
-ઘરમાં આપણે ગમે તે પહેરીએ, કોણ જોવા આવવાનું છે ?
-કોઈ જોવા આવવાનું હોય તો જ આપણે સારી રીતે રહેવાનું ? તારી તો થીઅરી જ
મારા ગળે નથી ઉતરતી. અને બીજી વાત, આપણે એ લોકોને મોંઘામાં મોંઘી હોટલમાં લઇ જઈને સાડા સાતસો રૂપિયાના ભાવની ગુજરાતી થાળી મંગાવી,
તો પણ એ લોકોને ખાવાનું ભાવ્યું નહિ. બીજીવાર પંજાબી હોટલમાં લઇ ગયા, તો આઠસો પર
પર્સન ના ભાવે લંચ કેટલું મોંઘુ પડ્યું તે તું વિચાર. ઉપરાંત એમણે શહેરમાં
ફેરવ્યા, મુવી દેખાડ્યું તે ખર્ચ જુદો.
-એ બધો ખર્ચ થયો એટલે જ તો પછી ભીંડાને બદલે બટાકા કર્યા.
-અચ્છા! તો તેં ‘હાથી નિકાલ ગયા ઔર દુમ રહ ગઈ’ જેવું કર્યું ?
-એક જ તો બેન છે મારી, ને તે પણ ત્રણ વર્ષે આવે છે.
-સારું છે, એક જ બહેન છે અને ત્રણ વર્ષે જ આવે છે, નહીતર મારે ખર્ચ સરભર કરવા
ક્યાંક પાર્ટ ટાઈમ જોબ કરવાનો વારો આવત. અથવા બોસને કહેવું પડત, ‘સર, મારે
મહેમાનોને પોષવા લોન જોઈએ છે, આપશો ?’
-સતીશ, તું જરા અમથી વાતને ક્યાં થી ક્યાં લઇ જાય છે?
-સીમા, અત્યારે ભલે તને વાત જરા અમથી લાગતી હોય, પણ વાત અત્યંત મહત્વની
છે. આપણે જો આમ બિનજરૂરી ખર્ચ માટે બચત
તોડતા રહીશું, તો જ્યારે જરૂર હશે ત્યારે – આપણા બાળકોના હાયર એજ્યુકેશન માટે કે
આપણા ઘડપણ માટે – પૈસા જોઇશે ત્યારે હશે નહિ. મારા હાથપગ નહિ ચાલે તે વખત કોની
પાસે પૈસા માંગવા જઈશું ?
સતીશની વાત વિચારવા જેવી હતી, ખરેખર તો આવો વિચાર સીમાને આવવો જોઈતો હતો.
કેમ કે ઘરના બજેટનું આયોજન પુરુષ કરતા પણ સ્ત્રી સારી રીતે કરી શકે. પણ સીમાનો ઉછેર જ એ રીતે થયો હતો કે એને આવી
સમજણ પડતી નહોતી. વળી સીમાનું વાંચન પણ ખાસ નહિ, એને લીધે એની વિચારધારા પણ વિકસેલી
નહિ. ફ્રેન્ડ સર્કલ પણ એવું જ, પૈસાદાર હોવાને લીધે ખાઈપીને મોજ કરવામાં માને
એવું. પરિણામે સીમા આડેધડ ખર્ચ કરતી અને નહિ
કરવી જોઈએ ત્યાં - ખાવા પીવામાં અને પહેરવાના કપડામાં એણે કરકસર કરવી પડતી.
‘અમે કઈ ગરીબ નથી’ એવી મનોદશા ધરાવતી સીમા સગાઓના ઘરે જવાનું થાય, ત્યારે
મોંઘામાં મોંઘી મીઠાઈઓ લઇ જઈને સારું દેખાડવામાં માનતી, પછી ભલે પોતાના ઘરમાં
સસ્તામાના લોટ અને ખાંડ લાવવા પડે. સગામાં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈની બર્થ ડે
પાર્ટી હોય, તો વટ પડી જાય એવી મોંઘી ગીફ્ટ લેતી, કોઈને આપતી વખતે કવરમાં પાંચસોથી
નાની નોટ મુકવામાં એને નાનમ લાગતી. પોતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને નહિ, પણ
સામેવાળાની હેસિયત પ્રમાણે એ વ્યવહાર કરવામાં માનતી. જ્યારે સતીશ માનતો કે જો
‘પૈસાનું આયોજન બરાબર કરવામાં આવે, દર
મહીને ઘરનું બજેટ બનાવવામાં આવે કે આવક પ્રમાણે જાવક રાખવામાં આવે તો વધુ સારી
રીતે જીવી શકાય. અને ખોટી કરકસર કરાવી પડે નહિ અને પોતાના જ સારા ભવિષ્યને માટે
બચત પણ કરી શકાય. ’ એની વાત સાચી હતી, પણ આ વાત સીમાને કોણ સમજાવે ?
No comments:
Post a Comment