Wednesday, 22 July 2020

માડી તારા મંદિરીયે...

માડી તારા મંદિરીયે...             પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

રોજના  ક્રમ મુજબ હીરુ સૂરજ ઉગે એ પહેલાં કૂવે પાણી ભરવા પહોંચી ગઈ, પણ આજે એ કૂવો અને સવાર એને રોજ જેવા ન લાગ્યા. એણે  બેડું અને ઇઢોંણી માથેથી ઉતારીને કૂવાની પાળે મૂક્યા, હાથમાંની ડોલ તો આવતાની વારમાં જ મૂકી દીધી હતી. એ માથે હાથ દઈને  કૂવાની પાળે આવેલા પથ્થર પર બેસી પડી.

રોજ તો એ કૂવે આવતાં જ ગીતો ગણગણતી જાય, પક્ષીઓના ચહુકારને અને મોરના ટહુકારને મનમાં ભરતી જાય, એના પગની પાયલની ઘૂઘરી  પણ જાણે ઘંટડી  બનીને આ કુદરતના સંગીતમાં સાથ પુરાવે, બાજુના આંબાની કોક ડાળીમાં છુપાયેલી એકાદી કોયલ ટહુકે અને હીરૂના હાથ વીજળીવેગે કૂવામાંથી પાણી ખેંચવા માંડે. બેડું અને ડોલ પળભરમાં ભરાઈ જાય, આનંદથી તરબતર થયેલા હીરૂના મનની જેમ જ.

રબારીવાસની બીજી બહેનો રૂપા, મંગળા, કજરી અને જમના પાણી લેવા કૂવે આવે ત્યાં સુધીમાં તો હીરૂના ઘરનું પાણી ભરાઈ પણ ગયું હોય અને ઘર આંગણું વળાઈને ચોક્ખું ચટ્ટ થઇ ગયું હોય. બકરીઓ અને ગાયને રાખવાનો વાડો પણ એકદમ સાફ સુથરો,  અને ઘર - ઘર શું એની ઝૂંપડી પણ ચોક્ખી ચટ્ટાક. એના  પોતાના કપડા પણ એના જેવા રૂપાળા, અને એના વર અને છોકરાના કપડા પણ સાફ સુથરા જ હોય.

પણ આજે ? આજનો દિવસ હીરુ માટે અલગ જ હતો. આજે ન તો એને પંખીઓના અવાજ સંભળાતા હતા, ન તો એના પગમાં ઉભા રહેવાનું જોર હતું ન તો એના હાથમાં ગરગડીથી કૂવામાંથી પાણી ખેંચવાનું. બસ, એના મનમાં એક અજબ પ્રકારનો શોરબકોર હતો. ગઈકાલે જ ઘરમાં વીતી ગયેલા પ્રસંગના દ્રશ્યો એક પછી એક એની નજર સામેથી ફિલમની પટ્ટીની જેમ પસાર થવા લાગ્યા.

દીકરા અને દીકરીની સગાઈનો પ્રસંગ હતો. ખુબ જ હોંશભેર તૈયારી કરી હતી. રબારીવાસની બાજુની જ સોસાયટીમાં એ જેને ઘરે ઘરકામ કરતી હતી એ ભાભીની પાસે અગાઉથી કામના રૂપિયા ઉધાર લીધા હતા. એનો ઘરવાળો જે શેઠના ઘરે રખેવાળીનું કામ કરતો હતો એમની પાસેથી પણ રૂપિયા ઉધાર લીધા હતા. અને થોડા રૂપિયા તો પોતે બચાવીને રાખેલા એ કાઢ્યા હતા.

હોંશભેર જમના અને કજરીની સાથે ખાસ, શહેરમાં જઈને દીકરાની થનાર વહુના માટે પગની વજનદાર પાયલ, ચણીયા-ચોળી-ઓઢણી, આજના જમાનાને અનુરૂપ ઉંચી એડીના ચપ્પલ , મેકઅપ નો સામાન, પર્સ, હાથરૂમાલ, ચૂડી-ચાંદલા, બક્કલ ન જાણે કેટકેટલી વસ્તુઓ રૂપિયાની પરવા કર્યા વિના એ હોંશભેર ખરીદી લાવી હતી.  

ત્રણ દીકરી અને એક દીકરાની મા એવી હીરૂના સોળેક વર્ષના દીકરા જગનની સગાઇ બાજુના ગામમાં તેરેક વર્ષની મીના સાથે કરી હતી, ‘સાટા’ માં એની ચોથા નંબરની પાંચ વર્ષની દીકરી ઈમુની સગાઇ મીનાના કાકાના નવ વર્ષના દીકરા સુમન સાથે કરી હતી. આ ‘સાટુ’ એટલે અદલા-બદલી.  જે ઘરમાંથી  દીકરાના માટે વહુ લાવે એ જ ઘરમાં (કાકાનું અથવા કુટુંબી જનોનું ઘર પણ ચાલે) પોતાની દીકરી પરણાવવી પડે.

જેમ વહુને ચીજ વસ્તુઓ આપીએ એમ એ લોકો એમની વહુને (આપણી દીકરીને ) ચીજ વસ્તુઓ આપે. આ રિવાજનો એક ફાયદો એ કે વહુનો વાંક કાઢીને ઘરમાંથી કાઢી મૂકવાનો કોઈ વિચાર જ ન કરે, કેમ કે સામે આપણી દીકરી પણ એ ઘરમાં વહુ તરીકે આપેલી જ હોય. રબારી જાતમાં સાટાની આ રીત પ્રચલિત હતી.

સવાલ એ હતો કે સગાઈના  દિવસે એવું તે શું  બન્યું કે હીરુનું હીર ઝાંખું પડી ગયું ? વાત જાણે એમ બની હતી કે - રિવાજ મુજબ ઘરના અને રબારી વાસના ત્રણ ચાર પુરુષો જઈને સગાઇનો દિવસ નક્કી કરી આવ્યા હતા. ઘરમાં પહેલો જ શુભ પ્રસંગ હતો એટલે સૌનો ઉત્સાહ માતો નહોતો. આખા રબારીવાસના લોકોને ખાવા આવવાનું કહી દીધું હતું, એક પણ ઘર બાકી નો’તું રાખ્યું. 

હીરુએ હોંશભેર વહેલી સવારથી જ મહેમાનોને પોંખવાની – સ્વાગતની તૈયારી બરાબર કરી લીધી હતી. આગલે દિવસે પુરુષોએ બજારમાં  જઈને સીધું સામાન લાવી રાખ્યું હતું. રબારીવાસની અડોશ પડોશની બહેનો સવારથી જ રસોઈમાં મદદ કરવા આવી ગઈ હતી. ‘સાથી હાથ બઢાના, સાથી રે. એક અકેલા થક જાયેગા મિલકર કદમ બઢાના’ એ હિસાબે આજે કામ કાજ થતા હતા.

પુરુષોએ ફળિયામાં ખાટલા આડા કરીને એના પર ગાદલા અને ધોયેલી ચાદરો પાથરી દીધી હતી. સમય થયો એટલે મહેમાનો આવી પહોંચ્યા. એમનું ચાપાણીથી સ્વાગત કરવામાં આવ્યું. પછી રિવાજ મુજબ સગાઈની વિધિ અને આપવા લેવાનું કામકાજ કરવામાં આવ્યું. આપેલી ચીજવસ્તુઓ એક બીજાને ખુબ જ ગમી. તે પછી મહેમાનોને ભાવતા ભોજન જમાડવામાં આવ્યા. ભોજન જમીને તેઓ રાજી પણ થયા.

જમીને કલાકેક આરામ કરીને મહેમાનો સાંજ ઢળતા રવાના થયા. બધું બરાબર પત્યું. બધાના મોઢા પર ખુશીની ચમક હતી, પણ હીરુ ? એનું ચિત્ત ઠેકાણે નહોતું, એનું મન એના વશમાં નહોતું. એ કામકાજ કરતી હતી પણ અન્યમનસ્ક જેવી. ફળીયાવાળા સૌ લોકો  પ્રસંગના વખાણ કરી, કામકાજમાં મદદ કરાવી પોતપોતાના ઘરે ગયા.

જમનાએ તો જતા જતા કહ્યું પણ ખરું, ‘હીરુ, તારે તો અવે એક મોટું કામ પઇતું, કાલ ઊઠીને તારા દીકરાના લગન થાહે, રૂમઝુમતી તારી વઉ આવી જહે પછી તને પગ વાળીને બેહવા મલહે.’  હીરુ એની સામે જોઇને મ્લાન એવું મલકી,  ‘હં ..’ એમ બોલી, પણ એના મનમાં તો બીજા જ વિચારો ચાલતા હતા.

હીરુના ઘરવાળાએ પણ કહ્યું, ‘હીરુ, આપણે હારા કામ કઈરા અહે તે આપણને હારી વઉ અને હારો જમાઈ  તો મઈલા ને હારા હગાઓ પણ મઈલા.’ અવે આપણે બેઉ પાસા કામ કાજે લાગી જેઇને  પૈહા ભેગા કરીએ, ને તું જોજેને, આપણા દીકરા દીકરીના લગન હો ધામ ધૂમથી કરહું.’  ‘હં ‘  કહીને હીરુએ ખોટું ખોટું મલકીને ઘરવાળાના હોંશિલા સૂરમાં પોતાનો બોદો બોદો સૂર પુરાવ્યો.

એવું તો શું બન્યું હીરુ સાથે ? મહેમાનો આવ્યા ત્યાં સુધી તો એ ઠીકઠાક હતી અને અચાનક શું બની ગયું? વાત જાણે એમ બની હતી કે – હીરુના મનમાં વમળ પેદા કરવાનું કારણ હતો વેવાઈની સાથે આવેલો વેવાઈનો  દૂરનો સગો  પ્રતાપ. પ્રતાપને આવેલો જોઇને હીરુના હોશ ઉડી ગયા હતા, એને વર્ષો પહેલાની વાત યાદ આવી ગઈ.

ત્યારે  હિરુ માત્ર ચૌદ વર્ષની હતી, ખુબ રૂપાળી અને ઘાટીલી હીરુની પાછળ પાછળ ગામના ઉતાર જેવો પ્રતાપ ફરતો રહેતો, એની છેડતી કરતો. એનાથી બચવા ભાગતી ફરતી ગભરુ હરણી જેવી હીરુ. મા તો હતી જ નહિ અને પોતાના  બાપુના ગુસ્સાને સારી રીતે જાણતી હીરુ  એમને  પ્રતાપની  સતામણીની વાત કરતા ડરતી.

પણ એકવાર પ્રતાપે રસ્તે જતી હીરુનો હાથ પકડ્યો અને પ્રેમાલાપ કરવા લાગ્યો, હીરુના બાપુ આ જોઈ ગયા, ડરી ગયેલી હીરુ તો બિચારી એક ઝાડની ઓથે ભરાઈ ગઈ. હીરૂના બાપે કડીયાળી ડાંગથી પ્રતાપની સારી રીતે ધોલાઈ કરી અને ધમકી પણ આપી, ‘આજે તો તને જવા દઉં સું, પણ ફરીવાર આવી હલકાઈ  કરી સે  તો ગામમાં રેવું ભારે થઇ પડહે.’  બીજે દિવસે પ્રતાપ ગામમાંથી રફુચક્કર થઇ ગયો, પછી એના કોઈ સમાચાર ન મળ્યા.

આજે વેવાઈ વસ્તારમાં એણે ફરી દેખા દીધી. એને જોઇને આટલા વર્ષે પણ હીરૂને એની તે વખતની ગુસ્સાથી લાલચોળ આંખો અને ‘તને તો જોઈ લેવા’ ની ધમકી યાદ આવી ગયા, એના ધબકારા વધી ગયા, એણે મનોમન મા જગદંબાને પ્રાર્થના કરી, ‘હે મા, તારી આ દીકરીનો પ્રસંગ આ ખરાબ માણસ બગાડે નહીં તે જોજે.’ અને જાણે માએ પ્રાર્થના સાંભળી, માએ દીકરીનો પ્રસંગ સાચવી લીધો.

પ્રતાપ તો જેમ આવ્યો હતો એમ જ વેવાઈ સાથે જતો રહ્યો, પણ હીરુનો છૂપો ડર ન ગયો. એ આખી રાત હીરુને ઊંઘ ન આવી. સવારે કૂવે પાણી લેવા આવી ત્યારે પણ મનમાં વિચારોનું તોફાન હતું, ‘પેલો ડામીસ મારા દીકરા દીકરીની સગાઇ તોડાવે નઈ તો હારું.’ પથ્થર પર બેઠેલી હીરુ  આજે તો પુતળા જેવી જ લાગતી હતી.  

-‘હીરુ.’ અવાજ સાંભળીને વિચારોમાં ગરકાવ એવી હીરુ ચમકી, અને પ્રતાપને સામે જોઇને ડરનું માર્યું એનું હૃદય ધબકારો  ચૂકી ગયું. એ પત્થર પરથી ઊઠીને ભાગવાનો વિચાર કરતી હતી, ત્યાં જ બે હાથ જોડીને પ્રતાપ બોલ્યો,

-હીરુ, જરાય ઘભરાતી નઈ. ઉં અવે પેલ્લાનો પરતાપ નથી રિયો, ઠેર ઠેરની  ઠોકરો ખાઈ ખાઈને  હું હવે હુધરી ગીયો સું. તારા દીકરા અને દીકરીને મારા આશીરવાદ સે. મનમાં મારો કોઈ ભો’ ઓય તો કાઢી નાખજે, એટલું કે’વા જ રોકાણો સુ. જાઉં સુ, સુખી થાજે.

અને પ્રતાપ ત્યાંથી ચાલી નીકળ્યો. હીરુ ચાલી જતા પ્રતાપની પીઠને તાકી રહી. પછી ઉગતા સૂરજને જોઇને એ પણ ઉત્સાહથી ઉભી થઇ, એના હાથ પગ માં જોમ આવ્યું, હાથ જોડીને માડીનો આભાર માન્યો, અને કૂવામાંથી પાણીનું બેડું સીંચતા એ ગણગણી ઉઠી, ‘માડી તારા મંદિરીયે આરતીની,  ઝીણી ઝીણી ઝાલરૂં હંભળાય.’


No comments:

Post a Comment