Wednesday, 22 July 2020

ભર ઊનાળે ચોમાસું.

 ભર ઊનાળે ચોમાસું.             પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

 મેં મારા માટે છોકરો પસંદ કરી લીધો છે  અત્યાર સુધી ખાનગી રાખેલી વાત ધરતીએ ઘરમાં જાહેર કરી દીધી. એણે એમ કરવું પડ્યું, કેમ કે - 

વાત જાણે એમ બની હતી કે ભણીગણીને ધરતી સારી જોબ પર લાગી હતી. એટલે એના માટે સારા સારા ઘરોમાથી લગ્નની ઓફર આવવી શરુ થઈ હતી. એમાથી ધરતીને લાયક એક  મુરતિયાનો ફોટો જ્યારે એને બતાવવામા આવ્યો ત્યારે ધરતીએ કહ્યું કે એણે એના માટે મુરતિયો શોધી લીધો છે. ધરતીના મમ્મીપપ્પા શીલાબહેન અને રાજુભાઇ કોઇ જુનવાણી સ્વભાવના નહોતા. તેઓ આધુનિક વિચારસરણી ધરાવતા  મોડર્ન સ્વભાવના માણસો હતા. એટલે જ્યારે ધરતીએ પોતે મુરતિયો પસંદ કરી લીધો છે, એમ કહ્યું ત્યારે ‘ધરતીની પસંદ બરાબર જ હશે’ એ વિચારે ખુશ થઈને  એમણે પુછ્યું કે  છોકરો શું ભણ્યો છે? ક્યાં કામ કરે છે? કયા ફેમિલીનો છે?’  ત્યારે ધરતીએ જે માહિતી આપી કે એ., છોકરો એની સાથે એની ઓફિસમા જ એના સિનિયર તરીકે કામ કરે છે, એંજિનિયર થયેલો છે. એનું નામ શું  છે?’  પ્રશ્નના જવાબમા સહેજ ખંચકાઇને એણે કહ્યું, એનું નામ અહમદ છે.

અહમદ - નામ સાંભળતાં જ ઘરમાં જાણે બોમ્બ વિસ્ફોટ થયો હોય તેમ મમ્મી-પપ્પા ચોંકી ગયા. ‘અહમદ ? એટલે એ મુસ્લીમ ફેમિલીનો છે?’  બન્ને એકસાથે  બોલી ઉઠ્યા.  હા, એ મુસ્લીમ ફેમિલીનો છે.  ધરતીએ એકદમ શાંત સ્વરે જવાબ આપ્યો, અને ધરતીની આ વાતથી બંને જણા ગુસ્સે થઈ ગયા.  તને પરણવા માટે બીજો કોઇ નહી અને મુસ્લીમ ફેમિલીનો છોકરો જ મળ્યો?’ એના પપ્પાએ અત્યંત ક્રોધિત થઈને કહ્યું. પપ્પા તમે જ તો કહેતા હતા કે - હિંદુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ, દેખ સભી હૈ ભાઈ ભાઈ. તમારે મન તો બધા માણસો સમાન છે ને ?’ ધરતીએ દલીલ કરતા કહ્યું.  એ તો હું આજે પણ કહું છું.  આ વાત માત્ર ઘડી બે ઘડીના સાથની નથી, અહીં સવાલ આખી જિંદગી સાથે વિતાવવાનો છે. એમના રીત-રિવાજો, રહેણી-કરણી, ખાન-પાન અને ધર્મ-પહેરવેશ આપણા કરતાં તદ્દન જુદા છે.  

મને એ વાતની ખબર છે પપ્પા. પણ હું એડજસ્ટ થવા તૈયાર છું કેમ કે હું અહમદને ખુબ પ્રેમ કરું છું.  તારા પ્રેમની હું કદર કરું છું, બેટા. પણ તને ખબર છે, એ લોકોમા એક કરતા વધારે લગ્ન કરવા એ સ્વાભાવિક અને કાયદેસર છે?’ હા, પપ્પા. મને એ પણ ખબર છે, પણ અહમદ એવું નહીં કરે, કેમ કે એ પણ મને  ખુબ ચાહે છે.  ધરતી મક્કમતાથી બોલી. પ્રેમનું ભુત ઉતરી જશે પછી જ બધી ખબર પડશે કે આવા તદ્દન જુદી જ જાતના કલ્ચરમાં એડજસ્ટ થવું કેટલું અઘરું છે. ધરતીની મમ્મી નારાજગીથી બોલી. મમ્મી, એ તો દરેક છોકરીને અઘરું પડતું જ હોય છે ને ?  જોને તું પણ ક્યાં નથી એડજસ્ટ થઈ? અરે, ભાભી પણ જુદા જ ફેમિલીમાથી આવી છે, છતાં એડજસ્ટ થઈ જ ગઇ છે ને? અને હા, ભાઇએ પણ તો લવમેરેજ કર્યા છે. એના વખતે તો તમે કંઇ વિરોધ ના કર્યો અને હવે મારી વખતે તમે વિરોધ કરી રહ્યા છો. ધીસ ઇઝ નોટ ફેર.’ ધરતીએ દલીલ કરી.

બેટા, અમે લવમેરેજના વિરોધી નથી, પણ અહીં તો આખો ધર્મ જ અલગ થઈ જાય છે. પપ્પા બોલ્યા. અરે, આજકાલ તો લવજેહાદ ના નામે મુસ્લીમ છોકરાઓ  હિંદુ છોકરીઓને લગ્ન કરીને ફસાવી રહ્યા છે, તેવા કેટલા બધા કિસ્સા બહાર આવી રહ્યા છે. મમ્મી બોલી.  મમ્મી અને પપ્પા, તમે બન્ને ધ્યાનથી સાંભળો. અહમદે  મને ધર્મપરિવર્તન કરવાનું નથી કહ્યું, હું આપણો હિંદુ  ધર્મ જ પાળીશ. ધરતી એના નિર્ણયમા અફર હતી.

પછી તો આ બાબતે જોરદાર અને ગરમાગરમ ચર્ચાઓ થઈ, અનેક વાદવિવાદ થયા. ધરતીના ભાઇભાભીએ પણ એને સમજાવવાના અનેક પ્રયત્નો કરી જોયા, પણ  ધરતીએ કહ્યું, ડાહી સાસરેના જાય, અને ગાંડીને શીખામણ આપે, એવી વાત થઈ આ તો ભાઇ, તમે પોતે તો  લવમેરેજ કરીને બેઠા છો, અને મને કહો છો કે હું લવમેરેજ ના કરું?’ મેં લવમેરેજ જરુર કર્યા છે, પણ હું કોઇ અલગ ધર્મની મુસ્લીમ છોકરીને નથી લઈ આવ્યો, સમજી?’ ભાઇએ ગુસ્સાથી તમતમીને કહ્યું. એ મુસ્લીમ છે એટલે શું માણસ મટી ગયો?’ ધરતીએ સામી દલીલ કરી. તારી સાથે તો વાત કરવી જ બેકાર છે. ભાઇએ કહ્યું. જવા દો ને તમે એને, વાર્યાના વળે, એ હાર્યા વળશે. કહીને ભાભીએ મોં મચકોડ્યું.   ધરતીના મમ્મીપપ્પાની વિનંતિથી એની બહેનપણીઓએ પણ એને સમજાવી જોઇ, પણ ધરતી તો હિમાલયની જેમ અડગ જ રહી. પ્રેમ આંધળો હોય છે. એવું સાંભળ્યું હતું, પણ કોઇની પણ વાત કાને ન ધરતી, ધરતીને જોઇને લાગતું હતું કે, પ્રેમ માણસને બહેરો પણ બનાવી દેતો  હોય છે.

ઘરનું વાતાવરણ અત્યંત ગમગીન અને શોકમય બની ગયું હતું.  ધરતીના પપ્પાએ ખાનગીમા તપાસ કરાવી તો જાણવા મળ્યું કે જે અહમદ સાથે ધરતી લગ્ન કરવા માંગે છે, તે એના કરતાં ઉમરમા દસ વર્ષ મોટો છે. એ જાણીને એમની ચિંતામા ઓર વધારો થયો. એમણે ધરતી સાથે આ બાબતે ચર્ચા કરી, તો ધરતી પર એની પણ  કંઇ જ અસર ના થઈ. એ બોલી, પપ્પા, તમે પેલુ ફેમસ સોંગ તો સાંભળ્યું જ હશે, ‘ના ઉમ્ર કી સીમા હો, ના જન્મકા હો બંધન, જબ પ્યાર કરે કોઇ તો દેખે કેવલ મન ધરતીને એક સણસણતો તમાચો મારવાનું મન થયું એના પપ્પાને, પણ એમણે મહાપરાણે ગુસ્સા પર કાબુ રાખ્યો, કારણ કે એ જાણતા હતા કે - ‘Argument wins the situation, but lose the Relationship.’ આ બનાવથી ધરતી ઘરના સૌ સભ્યો સાથેની સહાનુભૂતિ અને આત્મીયતા ખોઇ બેઠી હતી.

કોઇ વાતે કે કોઇ રીતે ધરતી માનવા તૈયાર જ નહોતી, અને એના ઘરના તમામ લોકોને એના ભવિષ્યની ચિંતા હતી. એવામા રાજુભાઇના બહારગામ  રહેતા મિત્ર પરેશભાઇ કોઇ કામ અંગે વડોદરા આવ્યા, અને ધરતીના ઘરે ઉતર્યા. સૌને ચિંતામગ્ન જોઇને એમણે કારણ પુછ્યું, તો રાજુભાઇએ એમને ધરતીના લગ્ન બાબતે એના  હઠાગ્રહની વિગતવાર વાત કરી. બે દિવસના રોકાણ દરમ્યાન આ બાબતે બન્ને મિત્રો વચ્ચે ઘણી ચર્ચાઓ થઈ. પરેશભાઇએ આ સમસ્યાનો ઉકેલ લાવવાની એક યોજના રાજુભાઇને સમજાવી. લાગ્યું તો તીર, નહી તો તુક્કો   જો ધરતી આ રીતે પણ એના નિર્ણયમાથી પાછી વળતી હોય તો સારું એમ સમજીને  રાજુભાઈએ આ યોજના અમલમા મૂકી જોવાની તૈયારી બતાવી

 એક દિવસે રાજુભાઇએ ધરતીને કહ્યું, ‘બેટા, માર્કેટમાથી મારે માટે નવો મોબાઇલ લેવાનો છે, તું સાથે હશે તો મને મદદ થશે, તું આવે છે મારી સાથે?’ ઓકે પપ્પા, ચાલો હું આવું છું.  બેટા, મારા એક મિત્ર રફિકભાઇની અમ્મા  બિમાર છે, સાથે સાથે એમને પણ મળી આવીશું. રાજુભાઈએ કહ્યું.  ત્યાં આવીને હું શું કરીશ?’ ધરતીએ કહ્યું  અરે ! તું ચાલ તો ખરી, એમનું ઘર રસ્તામાં જ છે, ત્યાંથી જ પછી માર્કેટ જતા આવીશું પપ્પાના આગ્રહથી ધરતી જવા તૈયાર થઈ ગઈ. બન્ને જણા બેઠા ઘાટના લાગતા એક મકાનમા પહોંચ્યા. રફિકભાઇએ  એમને આવકાર્યા અને એક સોફામા બેસાડ્યા. રફિકભાઇના અમ્મી બીજા સોફામા રજાઇ ઓઢીને સુતા હતા. ખબર અંતર પુછ્યા પછી રફિકભાઇએ રાજુભાઇને કહ્યું, જુવોને રાજુભાઈ, બીવી બહારગામ ગઈ છે, અને અમ્મી અચાનક  બિમાર પડી ગયા છે, એમને ખાવાનુ આપીને દવા આપવાની છે. પણ આજે અમારો કૂક નથી આવ્યો, એટલે ખાવાનું બનાવે કોણ એની મુશ્કેલી થઈ છે. રાજુભાઇએ કહ્યું, અરે! એમા શું? મારી ધરતી ખાવાનું સરસ બનાવે છે, એ મદદ કરશે, હેં ને બેટા?’  ધરતી થોડી ખંચકાઇ, એને રસોઇ કરવાનો ખુબ શોખ હતો, પણ આવી અજાણી જગ્યાએ? પણ આવી પરિસ્થિતિમાં એ પપ્પાને ના પણ કેવી રીતે કહે? ‘એણે કહ્યું, ‘હા, હું ખાવાનું બનાવી આપીશ’  ‘અરે, તો તો ઘણું સારું, ચાલ, બેટા. કિચન આ તરફ છે.’ રફિક્ભાઈએ કહ્યું અને ધરતી પરાણે એમની સાથે એમના કિચનમા ગઈ.

પણ થોડીજ વારમા એ નાક અને મોં પર હાથ દબાવીને બહાર દોડી આવી. એની આંખો અકળ વિકળ થતી હતી, એને ઉબકા આવતા હતા, જાણે હમણા એને ઊલટી થશે એવું લાગતું હતું. એ સડસડાટ ઘરની બહાર દોડી  અને કારનું બારણું ખોલી એમા બેસી ગઇ. રાજુભાઇ પણ એની પાછળ પાછળ બહાર આવ્યા અને પુછ્યું, શું થયું, બેટા, તું કિચનમાથી બહાર કેમ આવી ગઈ’?  ધરતીએ ઇશારાથી રાજુભાઇને કારમા બેસી જવા કહ્યું, પપ્પા, જલ્દીથી ઘરે ચાલો. એણે રાજુભાઇને કહ્યું. રાજુભાઇએ રફિકભાઇની માફી માંગી અને કારમા બેસી ગયા.

ઘરે આવી ધરતીએ સીધા બાથરુમમા જઈ સાબુથી બે વાર હાથ અને મોં ધોયા, એર ફ્રેશનર છાંટ્યું,  બહાર આવી સોફામા બેસી પડી,  થોડીવાર પછી એ સ્વસ્થ થઈ. ધરતી બેટા, કેમ આમ એમના ઘરેથી ભાગી આવી? એમને કેવું ખરાબ લાગ્યું હશે. રાજુભાઇએ પુછ્યું.  ધરતી આક્રોશથી  બોલી, પપ્પા, શું કહું તમને, એમના કિચનમા ઉભા ના રહેવાય કે જોવાય પણ નહી એવું બધું હતું.  એવું તે વળી શું હતું એમના કિચનમા?’  રાજુભાઇએ પુછ્યું.  પપ્પા, વાત ના પુછો, ડોકું કપાયેલી મુર્ગીનું માંસ...લોહી....અને એની દુર્ગંધ... યાદ કરતાં પણ  કમકમા આવે એવું, ઓહ! ધરતીએ બે હાથે માથું પકડી લીધું.  તો એમા શું થયું? એ લોકો તો આવુ બધું ખાતા જ હોય છે. રાજુભાઇએ સ્વાભાવિકપણે કહ્યું.

અને આવું બધું ખાનારા તમારા ફ્રેન્ડ?’  ધરતીએ ગુસ્સાથી કહ્યું.   તો શું થયું? મારે ક્યાં એમને ત્યાં રોજ જમવા જવાનું છે, તે મારે ચિંતા કરવી પડે?’ રાજુભાઈએ શાંતિથી કહ્યું.  તો પણ પપ્પા, જીવતા પ્રાણીઓને મારી નાખીને ખાય એવા માણસો સાથે દોસ્તી પણ ના રખાય. ધરતીનો અવાજ પપ્પા તરફની રીસના કારણે હજી ધ્રુજતો હતો.  હું પણ તો ક્યારનો તને એ જ સમજાવવાની ટ્રાય કરું  છું, બેટા. આવા લોકોની સાથે જ્યારે દોસ્તી પણ ન રખાય, તો આવા માણસને પરણાય  શી રીતે?’

ધરતી વિસ્ફારિત નેત્રે અને શૂન્યમનસ્ક પણે એના પપ્પાને તાકી રહી, એના મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ જામ્યું, થોડી વાર  પછી કળ વળી હોય એમ એની આંખોમાથી એ રીતે અવિરત અશ્રુઓ વહી રહ્યા, જાણે.... ભર ઊનાળે ચોમાસું


No comments:

Post a Comment