સમૂહ ભોજન. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
આજે મનાલી ખુબ જ ખુશ હતી. વર્ષો બાદ એના મમ્મી-પપ્પા એના ઘરે આવી રહ્યા
હતા. વાત એમ હતી કે - મનાલીએ
પોતાના માતા –પિતાની ઈચ્છા વિરુદ્ધ ભાગી જઈને મનન સાથે લગ્ન કર્યા હતા. એના આ
પગલાથી નારાજ થયેલા મા-બાપે, ‘હવે તારે અને અમારે કોઈ સંબંધ નથી, તું અમારે મન મરી
ચૂકી છે.’ કહીને એની સાથેનો છેડો ફાડી નાખ્યો હતો.
મનાલીએ જાતે જઈને, ફોન દ્વારા અને પછી પોતાની ફ્રેન્ડ અસિતા દ્વારા એમને
મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, પણ એમના તરફથી અપમાન સિવાય કંઈ મળ્યું નહોતું. લગ્નના બે વર્ષ બાદ દીકરી નિરાલી જન્મી ત્યારે
એને રમાડવા આવવા ફોન પર એણે મમ્મી-પપ્પાને ઘણા કાલાવાલા કરેલા, ‘તારી દીકરી તને
કહ્યા વગર ભાગી જશે ત્યારે જ તને ખબર પડશે, જોજે ને’ કહીને એમણે મનાલીને ધુત્કારી
હતી. પત્નીના સંતોષ ખાતર મનને પોતે જાતે જઈને સાસુ – સસરાને મનાવવાના પ્રયત્નો
કર્યા હતા, પણ તેઓ ટસ થી મસ નહોતા થયા.
આજે હવે મનાલી – મનનના લગ્નને નવ વર્ષ પુરા થયા, નિરાલી સાત વર્ષની થઇ
ગઈ, ત્યારે અસિતાનો ફોન આવ્યો, ‘મનાલી,
તારા મમ્મી-પપ્પા મને બજારમાં મળેલા, બંનેની તબિયત સાવ નખાઇ ગઈ છે, હવે તને
બહુ યાદ કરે છે, તારા વગર ઝૂરે છે, મેં એમને બહુ સમજાવ્યા ત્યારે મારી વાત માનીને
તને મળવા આવવા તૈયાર થયા છે.’
મનાલી તો આ વાત સાંભળીને ખુશીની મારી ઉછળી જ પડી. એણે ધડકતે હૃદયે
મમ્મી-પપ્પા સાથે ફોન પર વાત કરીને એમના આવવાની વાત કન્ફર્મ કરી. પછી મનનને ખુશખબર આપ્યા. ઘર નવેસરથી સજાવી દીધું,
અવનવી વાનગીઓ બનાવી. મનન જાતે એમને લેવા રેલ્વે સ્ટેશન ગયો. મનન જ્યારે મનાલીના
મમ્મી - પપ્પા લઈને ઘરે
આવ્યો ત્યારે મનાલી એના મમ્મી પપ્પાને
પ્રણામ કર્યા બાદ વળગી પડી અને એના
અશ્રુબંધો તૂટી પડ્યા, તો મમ્મી પપ્પાની આંખો પણ ચોધાર વરસી પડી.
થોડીવારે સ્વસ્થ થયા બાદ મનાલીએ નિરાલીને
કહ્યું, ‘બેટા, આ તારા નાના - નાની છે, એમને પ્રણામ તો કર.’ નિરાલી સોફામાંથી
ઉઠી જ નહીં, ન તો એણે એમને પ્રણામ કર્યા, ન તો એમને બોલાવ્યા કે ન તો એમની પાસે
ગઈ. બસ, પોતાના મોબાઈલમાં મેસેજ જોતી રહી. મનનને એના વર્તનથી નવાઈ લાગી, મનાલીને
ખુબ ગુસ્સો આવ્યો. એણે નિરાલીને એના વર્તન બદલ ધમકાવી.
મનને પૂછ્યું, ‘બેટા, નિરાલી, આજે આમ કેમ કરે છે? વાત શું છે ?’ એટલે નિરાલી
મનાલીની સામે જોઇને બોલી, ‘મમ્મી, તારા મમ્મી- પપ્પા એટલે કે મારા
નાના- નાની સાથે મેં જરાક
મીસબીહેવ કર્યું, તો તને કેવું ખરાબ લાગ્યું, અને તું પપ્પાના મમ્મી-પપ્પા એટલે કે મારા દાદા-દાદી
સાથે મીસબીહેવ કરે છે તો પપ્પાને ખરાબ નહિ લાગતું હોય?’
મનાલી આ વાત સાંભળીને સ્તબ્ધ થઇ ગઈ. નિરાલીની વાત સાચી હતી, મનાલી પોતાના
સાસુ-સસરાને પોતાની સાથે રાખવા તૈયાર નહોતી, એટલું જ નહીં તેઓ જ્યારે મનનને મળવા
કે નિરાલીને રમાડવા આવતા ત્યારે એ એમની અવગણના કરતી, ચા-પાણીનું કે ભોજનનું પૂછતી
નહીં, કેટલીકવાર તો એમની સાથે સરખું બોલતી પણ નહીં. મનન એને આ બાબતમાં કહેતો તો
એની સાથે ઝઘડો કરતી અથવા અબોલા લેતી. ધીરે ધીરે મનને ‘કજીયાનું મોં કાળું’ એમ
માનીને મનાલીને કંઈ પણ કહેવાનું બંધ કર્યું અને મમ્મી પપ્પાએ પણ એ જ શહેરમાં રહેતા
હોવા છતાં દીકરાના ઘરે આવવાનું ઓછું કરી નાખ્યું.
મનાલીને નિરાલીના કહેવાથી પોતાની
ભૂલ સમજાઈ, એણે જરાવાર વિચાર કર્યો અને પછી મનનને કહ્યું, ‘મનન, અત્યારે જ જાઓ અને મમ્મી-પપ્પાને
આપણા ઘરે લઇ આવો. મને મારી ભૂલ સમજાઈ છે, એમને કરેલા અન્યાય બદલ મારે એમની માફી
માંગવી છે.’ ‘યે હુઈ ના બાત!’ કહેતી નિરાલી એની મમ્મીને વળગી પડી, નાના- નાનીને
પ્રણામ કર્યા, નાના-નાનીએ આ નાનકડી સમજદાર પરીને ખુબ ખુબ વહાલ કર્યું.
‘અરે વાહ ! મનાલી, હું મમ્મી પપ્પાને લઇ આવું, આજે તો બધા સાથે જમીશું
એટલે ભોજનની – ‘સમૂહ ભોજન’ ની રંગત જામશે. ‘પપ્પા, હું પણ તમારી સાથે આવું છું
મારા દાદા દાદીને લેવા માટે.’ નિરાલી ઉત્સાહભેર બોલી. ‘ચાલ નિરાલી તારા
દાદા-દાદીને લેવા જઈએ’ મનન પણ એકદમ ઉત્સાહમાં આવી ગયો. ઘરનું વાતાવરણ વર્ષો બાદ
એકદમ ખુશનુમા બની ગયેલું જોઇને મનાલી પણ હસીને રસોડા ભણી વળી, ઘણા સમય બાદ પોતાના
સાસુ સસરાનું ઉમળકાભેર સ્વાગત કરવા માટે.
No comments:
Post a Comment