Wednesday, 22 July 2020

મેનર્સ.

મેનર્સ.        પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

ઘણા વખત પછી મળવા આવેલી ફ્રેંડ નીમા સાથે ડ્રોઈંગરુમમાં બેસીને વાતો કરી રહેલી સ્નેહાએ ડોરબેલ વાગી એટલે ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો. સવારે કોલેજ ગયેલી દીકરી શ્રુતિને જોઈ એણે ઉત્સાહભેર કહ્યું, જો તો બેટા, નીમા આંટી આવ્યા છે. 

શ્રુતિએ નીમાબેનની સામે જોઈને સ્માઈલ આપ્યું અને પછી સ્નેહાને ઈશારાથી કહ્યું, મમ્મી, મારે મોબાઈલ પર વાત ચાલુ છે. સ્નેહા આગળ કંઈ કહે તે પહેલાં તો શ્રુતિ મોબાઈલ પર વાત કરતાં કરતાં પોતાના બેડરુમમાં જતી રહી.

શ્રુતિના વર્તનથી સ્નેહાએ  જરા ક્ષોભ સાથે ઝંખવાયેલા સ્મિતસહ નીમાને કહ્યું, એને મોબાઈલ પર વાત ચાલુ છે.  નીમાએ હસીને  કહ્યું, ઇટ્સ ઓ.કે. સ્નેહા. અર્ધા કલાકની વાતચીત પછી નીમાએ ઘરે જવા ઉઠતાં કહ્યું, બોલ, હવે તું ક્યારે મારા ઘરે આવે છે ?’ સ્નેહાએ કહ્યું, આવીશ, આ ઘરનાં કામકાજમાંથી જરા ફ્રી થાઉં એટલે જરુર આવીશ. અને નીમા ગઈ. સ્નેહા શ્રુતિના બેડરુમમાં આવી. શ્રુતિ હજી પણ મોબાઈલમાં મગ્ન હતી. કદાચ ફ્રેંડ્સ સાથે  ચેટીંગ કરી રહી હતી.

 શ્રુતિ, આ તે કંઈ રીત છે તારી ?’ જરાક રોષપૂર્વક સ્નેહા બોલી.

 શું થયું મમ્મી ?’ શ્રુતિએ નીમા તરફ જોઇને બેફિકરાઈથી કહ્યું.

 તું પૂછે છે કે શું થયું તો ?  મારી ફ્રેંડ નીમાની સાથે બેસીને ઘડીભર વાત કરવાને બદલે તું બેડરુમમાં આવીને મોબાઈલમાં મચી પડી છે.’ 

મમ્મી, નીમા આંટી તારી ફ્રેંડ છે, એમની સાથે મારે શું વાતો કરવાની હોય ?’

 બેટા, હું તને એમની સાથે બેસીને કલાક  સુધી વાતો કરવાનું નથી કહેતી, પણ તારાથી એમને હાય - હેલો તો કહેવાય કે નહીં ? આવી તોછડાઈ કરવાની ? અમે તને આવું શીખવ્યું છે ? ઇઝ ધીસ યોર મેનર્સ ?’ 

મમ્મી, એક વાત કહે, દાદીને મળવા પણ કોઇ કોઇ વાર એમની ફ્રેંડ્સ અને રીલેટીવ્સ આવતાં હોય છે, ત્યારે તું એમાના કેટલાંને હાય - હેલો કરે છે ? કેટલાંની સાથે બેસીને તું વાતો કરે છે ? લીસન મોમ, યુ આર માય ફર્સ્ટ રોલ-મોડેલ. તું જે નહીં કરતી હોય એ બીહેવિયર મારી પાસે શી રીતે એસ્પેક્ટ કરી શકે ?’ અને સ્નેહા અવાચક થઈને શ્રુતિની વાત સાંભળી રહી.


No comments:

Post a Comment