Wednesday, 22 July 2020

માંડવાળ ખાતું.

માંડવાળ ખાતું.                                         પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

નીલીમાએ પોતાની ખાસમખાસ ફ્રેંડ મીનળ પાસે ઊધાર લીધેલા એક હજાર રુપિયા, એક દિવસમા, એક અઠવાડિયામા, પંદર દિવસમા અને એક મહિનામા પાછા આપવાના કરેલા વાયદાઓ પાળી ના શકાતા, એની માફી માંગતા કહ્યું,

‘આઇ એમ વેરી સોરી મીનુ,  વારંવારના વાયદા છતાં તારા એક હજાર રુપિયા હું આજે પણ પાછા વાળી શકું એમ નથી.’

‘અરે ! એમા આમ સોરી કહેવાની કોઇ જરૂર નથી નીલુ.’

‘પણ તને એ રુપિયાની જરૂર તો હશે જ ને ?’

‘હા, જરૂર તો છે,  પણ મારી પાસે હમણા બીજા રુપિયા છે.  તું ચિંતા ના કર.  રૂપિયાની કોઈ ઉતાવળ નથી, તારી સગવડ થાય ત્યારે આપજે.’

‘અને ધાર કે સગવડ ના થઇ તો ?’

‘તો કંઇ વાંધો નહી તું તો મારી ખાસ ફ્રેંડ છે.’

‘પણ તો ય………..’

‘ચાલ હું  અત્યારે જ એ રુપિયા ‘માંડવાળ ખાતે’ લઉં છું. માનીશ કે મેં તને એ ગીફ્ટ કર્યા, બસ ?’

‘ધેટ્સ ગ્રેટ  મીનુ. આવું જો તું તારી જીંદગીમા બીજા ખાતા માટે પણ કરતી હોય તો ?’

‘હું તારી વાત સમજી નહી નીલુ.’

‘જો સાંભળ મીનુ. આસ્ટ્રેલિયા ગયેલો તારો દિકરો સુનીલ ભણીગણીને જોબ લઇને, ઓસ્ટ્રેલિયન છોકરીને પરણીને ત્યાં જ સેટલ થઇ ગયો છે, ખરું?

‘હા.’

‘એ તને પૈસા મોકલવાનુ તો ઠીક, ઇંડીયા આવવાની ય ઠીક, પણ તારી સાથે વાતચીતનો વ્યવહાર રાખતાં ય કતરાય છે, ખરું ?

‘હા.’

‘તેં એને અનેક્વાર ફોન કર્યા, અનેક્વાર ઇમેલ કર્યા, પત્રો પણ લખ્યા, પણ સરવાળે…?

‘સરવાળે મીંડું.’

’હા, સરવાળે નો રીપ્લાય’ અને  આ બાબતે તું ખુબ પરેશાન છે, ટેંશનમા છે, સતત દુ:ખી રહે છે. મને આપેલા રુપિયા  તું ગીફ્ટ સમજી ભૂલી જવા તૈયાર છે. તેમ તારી પુત્રવધૂએ છીનવી લીધેલા તારા દિકરાને પણ તેં એને ગીફ્ટ આપ્યો છે, એમ સમજીને એને ભૂલી જા. મને આપેલા રુપિયા સિવાયના  રુપિયાથી તારું કામ ચાલી જાય છે, તેમ જ તારા દિકરા સિવાયના તારા અન્ય સગાઓ, દા.ત. તારા પ્રેમાળ પતિ, તારા કાળજી કરનારા દિકરી જમાઇ, તારો વહાલો દોહિત્ર, એમનાથી તારું કામ ચલાવી લે.’

‘તારી વાત હું બરાબર સમજી ગઈ. અને હા, મારી પાસે તારા જેવું સાચું કહેનારી આત્મીય ફ્રેંડ પણ તો છે.’

‘બસ, તો પછી જે  ‘નથી’  એના પર ધ્યાન કેંદ્રિત કરવાને બદલે જે  ‘છે’  એના પર તારું ધ્યાન કેંદ્રિત કર તો તારું જીવન સુખી અને ઊત્સાહમય બનશે.’

‘સમજદાર કો ઇશારા કાફી હૈ ’ એમ મીનળ માટે નિલીમાની આટલી સલાહ બસ હતી.

તે જ દિવસથી અને તે જ ઘડીથી મીનળે પોતાના દિકરા સુનીલનુ નામ ‘માંડવાળ  ખાતું’ મા મૂકી દઇને પોતાના આળા થયેલા મનને સમજાવી  લીધું. પોતાનું ધ્યાન અન્ય સગાવહાલાઓ અને અન્ય સદ્પ્રવ્રુતિઓ મા જોડીને જીવન સહજ, સરળ અને સુખમય બનાવી  લીધું.

 


No comments:

Post a Comment