Wednesday, 22 July 2020

આખલાના શીંગડા.

આખલાના શીંગડા.      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

‘માસી, તમે મારી મમ્મીને સમજાવશો ?’ સ્વાતિએ શારદામાસીને જરા ખંચકાતા અવાજે સવાલ કર્યો.

સ્વાતિ, શારદામાસીની દીકરી આરતીની ફ્રેન્ડ હતી, એટલે વારંવાર આ ઘરમાં આવતી જતી રહેતી હતી. શારદાબહેન એક ખાનગી સ્કુલમાં ઘણા વર્ષો પ્રિન્સીપાલપદે રહી ચુક્યા હતા, હજી ગયા વર્ષે જ તેઓ આ પદેથી નિવૃત્ત થયા હતા, હવે તેઓ અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેતા હતા. ‘કાઉન્સેલિંગ’ એ એમની મનગમતી પ્રવૃત્તિ હતી. પોતાની સમસ્યા લઈને આવતા લોકોના પ્રોબ્લેમ વિષે અભ્યાસ કરીને, પ્રોબ્લેમ દૂર થાય એવું સોલ્યુશન બતાવવામાં એમને અનેરો આનંદ થતો.

સ્વાતિ આ વાત જાણતી હતી, એટલે જ એ પોતાના ઘરની સમસ્યા લઈને શારદામાસી સમક્ષ ઉપસ્થિત થઇ હતી. ‘બોલ બેટા, શું થયું તને તારી મમ્મી સાથે ?’ શારદાબેને સ્વાતિને સહાનુભુતિ પૂર્વક પૂછ્યું. ‘મને મમ્મી સાથે કંઈ નથી થયું, માસી, પણ મારા ભાભીને...’ બોલતાં બોલતાં સ્વાતિ ક્ષણભર રોકાઈ એટલે શારદાબેને એના ખભે હાથ મૂકતા કહ્યું, ‘હા, બોલ બેટા, ભાભી અને મમ્મી વચ્ચે શું થયું ?’

સ્વાતિને ઘરમાં બનેલો સવારનો કિસ્સો યાદ આવી ગયો. મમ્મીએ મોનાભાભીને કહ્યું, ‘આજે સાંજે હું અને તારા પપ્પા સ્મિતા આન્ટીના ઘરે જવાના છીએ’.  ‘કેટલા વાગ્યા સુધીમાં પાછા આવશો?’ મોનાભાભીએ મમ્મીને પૂછ્યું. ‘’સાતેક વાગ્યાની આસપાસ પાછા આવી જઈશું.’  ‘જમવાના ત્યાં છો કે અહી ઘરે ?’ ‘અહીં ઘરે આવીને જ જમીશું’ ‘ના, આ તો સ્મિતાઆન્ટી  આગ્રહ કરે અને તમે ત્યાં જ જમી લેવાના હો તો મને કહો તો મને ખબર પડે કે મારે તમારા લોકોનું જમવાનું બનાવવું કે નહીં એટલે પૂછ્યું.’ ‘સ્મિતાઆન્ટીએ ફોન કર્યો, ત્યારે જમવાની કોઈ વાત નથી થઇ.’ ‘અને એ આવવાના હોય ત્યારે કાયમ આપણે એમને  જમવાનો  આગ્રહ કરીએ છીએ.’

‘આપણા ઘરની રીત પ્રમાણે, આપણા સ્વભાવ પ્રમાણે આપણે લોકોને બોલાવતા હોઈએ છીએ, એમાં શું ?’ ‘આપણે આપણો સ્વભાવ અને આપણા ઘરની રીત હવે બદલવી જોઈએ એમ તમને નથી લાગતું, મમ્મી ?’ આખું બોલવાના સ્વભાવવાળા મોનાભાભીએ  સાસુમાને સંભળાવી દીધું. ’કોઈ આપણને જમાડે તો જ આપણે એમને જમાડવાના ? સંબંધમાં પણ ગણતરી કરીકરીને લોકોને  બોલાવવાના ? આપણે પણ સ્વાર્થના જ સંબંધો રાખવાના ? આ ઘરમાં મને એટલી પણ સ્વતંત્રતા નહીં કે હું ઘરે આવનારને જમવાનું કહી શકું ?’ મમ્મીએ દુખી થઈને પૂછ્યું. ‘મમ્મી, હવેના જમાનામાં સંબંધોમાં લાગણીવેડા નહીં ચાલે, પ્રેકટીકલ થવું પડે, નહીંતર લોકો એનો ગેરલાભ લે.’ મોનાભાભીએ એમના સ્વભાવ પ્રમાણે ‘તડ અને ફડ’ રીતે કહી દીધું.

અને પછી મમ્મી અને ભાભી વચ્ચેની આ રામાયણ (કે મહાભારત ?) લાંબી ચાલી. ભાભીએ તોબરો ચઢાવ્યો અને મમ્મી પહેલા ગુસ્સે થઇ ગઈ, પછી એની રૂમમાં જઈને રડવા લાગી. સ્વાતિ મમ્મી અને ભાભીની આ શાબ્દિક ટપાટપીથી વ્યથિત થઇ, ભાભીના ઉગ્ર સ્વભાવને જોતાં એમને કંઈ કહેવાનું  ઉચિત ન લાગતાં એણે મમ્મીને સમજાવી. આવા તો કેટકેટલા કિસ્સા સ્વાતિને યાદ આવી ગયા, પણ ઘરની વાત બહાર કરાય કે નહીં એના અવઢવમાં એ હતી, એ મૌન રહી એટલે શારદાબેને કહ્યું,

‘જો બેટા, દર્દની દવા જોઈતી હોય તો ડોક્ટરને દર્દ વિષે કહેવું તો પડે જ, તો જ ડોક્ટર એની અસરકારક દવા આપી શકે.’ શારદામાસીની વાત સાંભળીને સ્વાતિએ સંકોચ છોડીને એની મમ્મી અને ભાભીના ઘર્ષણના ત્રણ ચાર કિસ્સા કહી સંભળાવ્યા. શરદામાસીએ ધ્યાનપૂર્વક સ્વાતિની વાત સાંભળી, પછી વિચાર કરીને બોલ્યા, ‘ઠીક છે, સ્વાતિ બેટા, તું એકવાર તારા મમ્મીને અહી લઇ આવ, અથવા તારા ભાભી ન હોય ત્યારે મને તારા ઘરે લઇ જજે.’

એ પછીના અઠવાડિયે  ભાભી જ્યારે બે દિવસ માટે એમના પિયર રહેવા ગયા, ત્યારે સ્વાતિ શારદામાસીને પોતાના ઘરે લઇ આવી. બે બહેનપણીઓની મમ્મીઓ તરીકે ઔપચારિક ઓળખાણ તો હતી જ, અને સ્વાતિએ, ‘મમ્મી, આ શારદામાસી મારા ફેવરીટ આંટી છે, અને માસી આ મારી લવલી લવલી મોમ’ કહીને વાતાવરણ હળવું બનાવી દીધું અને પછી, ‘મમ્મી, તું માસી સાથે નિરાંતે વાત કર, હું આપણા બધા માટે ચા નાસ્તો બનાવી લાવું છું.’ કહીને મમ્મી માસી સાથે નિસંકોચપણે વાત કરી શકે એટલા માટે પોતે કિચનમાં  સરકી ગઈ.

‘કેમ છો, મઝામાં ? ઘરમાં બધા કેમ છે ?’ જેવી આડીઅવળી વાત પત્યા પછી શારદામાસીએ સ્વાતિની મમ્મીને પૂછ્યું, સીમાબેન, મારી એક વાતનો જવાબ આપો, ધારો કે તમે કંઈ ખરીદવા માટે બજારના રસ્તે જઈ રહ્યા છો,  અને સામેથી એક ધારદાર મોટા શીંગડાવાળો આખલો  નિરંકુશપણે તમારી તરફ ધસી આવતો તમે જુઓ તો તમે શું કરો ?’ સીમાબેનને આ સવાલ સાંભળીને આશ્ચર્ય થયું, થોડીવાર માટે તેઓ શારદાબેનને તાકી રહ્યા, પછી બોલ્યા, ‘તો હું રસ્તાની સાઈડમાં ખસી જઈને એને જવાની જગ્યા કરી આપું.’  ‘કેમ એવું ? રસ્તો કંઈ એના બાપનો થોડો છે ? તમે શા માટે ખસી જાવ ? તમે એની સામે ટટ્ટાર ઉભા ન રહો ?’

‘કેવી વાત કરો છો, શારદાબેન તમે ? મારી અક્કલ મારી ગઈ છે તે જંગલી આખલા સામે બાથ ભીડું ?’  ‘બાથ ભીડો તો શું થાય ?’ શારદાબેને માર્મિક અવાજે પૂછ્યું. ‘તો તો એ મને એના ધારદાર શીંગડાથી લોહીલુહાણ જ કરી મૂકે ને ?’ સીમાબેને કહ્યું. ‘સાવ સાચી વાત છે સીમાબેન. તમારી પુત્રવધૂ પણ એના ધારદાર વાક્યોથી તમારા લાગણીતંત્રને લોહીલુહાણ જ કરે છે, છતાં તમે એની સાથે વારંવાર શાબ્દિક બાથ ભીડો છો, શા માટે ?’ સીમાબેન વિચારમાં પડી ગયા, એમને શારદાબેનની વાત સાચી લાગી. ‘મારાથી એની આર્ગ્યુમેન્ટ સાંભળીને રહેવાતું નથી અને બોલાઈ જાય છે.’ એમણે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો.

‘તો તમે નક્કી કરો કે તમારી પુત્રવધૂ જ્યારે તમારી સામે ઉશ્કેરણીજનક કોઈ વાત બોલે, તો તમારે એની સામે બોલવું નહીં, આર્ગ્યુંમેન્ટ ન કરવી અને શાંત રહેવું.’  શારદાબેને કહ્યું. એ જ વખતે ચા નાસ્તાની ટ્રે લઈને પ્રવેશી રહેલી સ્વાતિએ કહ્યું, ‘હા, મમ્મી. તું નક્કી કર કે હવેથી તું ભાભીની આર્ગ્યુમેન્ટનો જવાબ નહિ આપે. કેમ કે તમારા બંનેના ટકરાવથી ઘરનું વાતાવરણ કલુષિત થાય છે અને આપણે સૌ દુખી થઈએ છીએ.’ ‘’આ વાત તું તારી ભાભીને પણ સમજાવી શકે ને ?’ સીમાબેને મનમાં ઘોળાતો સવાલ દીકરીને પૂછી જ લીધો. ‘ચોક્કસ સમજાવી  શકું, પણ મમ્મી, સાચુ કહું તું ભાભી કરતાં વધુ અનુભવી છે, વધારે સમજદાર છે, અને મારા દિલની વધારે નજીક છે, ભાભીની નજદીક આવતા મને હજી થોડો સમય લાગશે. અને બીજી વાત, ભાભીને તો મારા ભાઈ ઘણીવાર સમજાવતા જ હોય છે, મને વિશ્વાસ છે કે એમને પણ આ વાત સમજાશે જ, પણ થોડો સમય લાગશે.’

‘તો ?’ સ્વાતિએ મમ્મી સામે જોયું. ‘તો હવેથી એક વાત નક્કી, હું આખલાના શીંગડામાં માથું નહીં ભરાવું, બસ ?’ સીમાબેન હસીને બોલ્યા, અને સ્વાતિ અને શરદામાસી પણ હસી પડ્યા.    

 

 


No comments:

Post a Comment