ઓર્થોડોક્સ
વુમન. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
-યુ આર રીયલી એન
ઓર્થોડોક્સ વુમન. અકળાયેલા વિનયે બોસના ગયા બાદ ગુસ્સાથી શેફાલીને કહ્યું.
-તારે જે માનવું હોય
તે માન અને જે કહેવું હોય તે કહે, પણ મને જે યોગ્ય લાગ્યું તે મેં કર્યું. શેફાલીએ
ખુબ જ સંયત સ્વરે કહ્યું.
-મારા બોસ માત્ર
તારા હાથ પર કિસ કરવા માંગતા હતા, અને તેં તારો હાથ ખસેડી લીધો. એમને કેટલું
ઈન્સલ્ટ લાગ્યું હશે તે તેં વિચાર્યું ખરું ?
-અચ્છા ? બોસને
કેવું લાગ્યું હશે એની તને ચિંતા છે, અને પોતાની પત્નીને કેવું લાગ્યું હશે એની
તને કોઈ જ પડી નથી ?
-તને વળી શું લાગવાનું હતું ? મારા બોસ તારા હાથ
પર કિસ કરવા માંગતા હતા, તારા હોઠ પર નહિ.
-આજે એમને મારા હાથ
પર કિસ કરવા દઉં તો કાલે એ મારા હોઠ સુધી નહીં પહોંચે એની શી ખાતરી ? કે પછી એ
મારા હોઠ પર કિસ કરે એનો પણ તને વાંધો નથી ?
-તારી સાથે તો દલીલ
કરવી જ નકામી છે, હવે મને પ્રમોશન મળી રહ્યું.
-મારા રૂપના જોરે કે
ચરિત્રના ભોગે તને પ્રમોશન મળતું હોય તો એ ન મળે એ જ બહેતર છે.
-યુ આર રીયલી એન
ઓર્થોડોક્સ વુમન.
શેફાલી પર ગુસ્સો
કરીને વિનય ઘરની બહાર નીકળી ગયો. શેફાલીની આંખો આંસુથી છલકાઈ ગઈ. આમ જુઓ તો વાત
સાવ નાનકડી હતી. વિનયના બોસના પત્ની બહારગામ ગયા હતા, રવિવારની રજાનો દિવસ
હતો અને પ્રમોશનની લાલચમાં વિનયે બોસને
પોતાના ઘરે લંચ પર બોલાવ્યા હતા.
શેફાલીએ પણ ઉત્સાહથી
વિવિધ વાનગીઓ વડે લંચ પ્રિપેર કર્યું હતું, સુઘડ રીતે તૈયાર થઈને હસીને એમને આવકાર આપ્યો હતો. બોસે વિનયને શેક હેન્ડ કર્યા,
ત્યાર પછી શેફાલીને શેક હેન્ડ કર્યા અને શેફાલીના હાથે કિસ કરવા સહેજ ઝુક્યા
ત્યારે શેફાલીએ હળવેથી પોતાનો હાથ એમના હાથમાંથી છોડાવીને વિવેકપૂર્વક એમને નમસ્કાર
કર્યા હતા.
શેફાલી મોડર્ન છતાં
ભારતીય નારી હતી, એને ભારતીય સંસ્કૃતિ ગમતી હતી. એને પોતાના કૃત્યનો સહેજ પણ અફસોસ
નહોતો, પણ વિનય રીતસર એના પર મનોમન ધૂંધવાઈ પડ્યો હતો. જો કે બોસે તો આ આખી ઘટનાને
ખુબ સાહજીકતાથી સ્વીકારીને આનંદપૂર્વક લંચ
લીધું હતું, જેની નોંધ ચબરાક શેફાલીએ લીધી હતી,પણ વિનય શેફાલીના વર્તનથી નાખુશ હતો.
શેફાલી સાથે ઝઘડો
કરીને, ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી ગયેલો વિનય મોડી રાત્રે ઘરે આવ્યો. શેફાલીએ
વારંવાર કરેલા મોબાઈલ કોલનો જવાબ પણ એણે ન આપ્યો. ઘરે આવીને પણ શેફાલી સાથે કોઈ વાતચીત કર્યા વિના કે ડીનર લીધા
વિના જ એ સુઈ ગયો. શેફાલીને વિનયના આ
રુક્ષ વર્તનથી ખુબ લાગી આવ્યું, રાત્રે મોડે સુધી એની આંખમાંથી આંસુ ટપકતા રહ્યા,
છેવટે સવાર સુધીમાં વિનયનો ગુસ્સો શાંત થશે એટલે આપોઆપ જ એ વાત કરશે એમ વિચારીને એ સુઈ ગઈ.
પરંતુ સવારે પણ
શેફાલીના અનેક પ્રયત્ન છતાં વિનયના અબોલા ચાલુ રહ્યા, એ કશું ખાધા પીધા વિના જ
ઓફિસે ચાલી ગયો ત્યારે શેફાલીએ મનોમન દુખી થવાનું માંડી વાળીને એક નિર્ણય કર્યો, ‘ઘરના
કામેથી પરવારીને, થોડો આરામ કરીને સાંજે વિનયની ઓફિસે જવું અને વિનયના બોસને મળીને
આખા બનાવનું નિરૂપણ કરીને, એમની સાથે મળીને વિનયનું બ્રેઈન વોશ કરવું’ અને એ ઘરના કામે
લાગી ગઈ.
એ આરામ કરીને ઉઠી,
ત્યાં જ એના મોબાઈલની રીંગ વાગી, મોબાઈલના સ્ક્રીન પર વિનયનું નામ ઝબકયું, એ જોઇને
શેફાલીએ વિચાર્યું, ‘ભાઈસાહેબનો ગુસ્સો
ઉતાર્યો લાગે છે,’ એણે ફોન ઉપાડ્યો એટલે વિનય બોલ્યો, ‘શેફાલી, સોરી યાર, મેં તને
ગુસ્સામાં જેમતેમ સંભળાવ્યું.’ ‘વિનય, તને જ્યારે ગુસ્સો આવે છે, ત્યારે તું
વિચાર્યા વિના જ બોલતો હોય છે, એમાં નવું શું છે ?’ ‘નવું એ છે કે બોસે મારું
પ્રમોશન ડીકલેર કર્યું છે, એમણે તારી રસોઈના, સુઘડતાના, ડ્રેસિંગ સેન્સના અને
સ્વભાવના ખુબ વખાણ કર્યા.’ વિનય ઉત્સાહથી બોલ્યો.
ખુશીના સમાચાર
સાંભળ્યા છતાં શેફાલી કંઈ બોલી નહિ એટલે વિનયે કહ્યું, ‘સોરી તો કહ્યું યાર, હવે
તો તું કંઈ બોલ.’ ‘શું બોલું ? તારે તો ઘરકી મુર્ગી દાલ બરાબર, ખરું ને ?’શેફાલીએ
વિનયને સંભળાવ્યું. ‘પ્રોમિસ આપું છું, ડીયર. હવેથી મારા ગુસ્સા પર કાબુ રાખીશ,
ઓકે ?’ ‘બસ, ફક્ત પ્રોમિસ જ આપશે ?’ ‘તો બીજું શું જોઈએ છે તને ?’ ‘પ્રમોશન મળ્યું
છે, પાર્ટી નહિ આપે કે, કંજૂસ.’ શેફાલીએ કહ્યું અને હસી પડી. વિનય ફરીથી ખુશીના
મુડમાં આવી ગયો, બોલ્યો, ‘સાંજે તૈયાર રહેજે, તારી ફેવરીટ રેસ્ટોરાંમા ડીનર કરવા
લઇ જઈશ, અને પછી ત્યાંથી મુવી જોવા જઈશું.’ ‘ઓકે, જનાબ’ શેફાલીના હોઠો પર એનું મનગમતું ગીત રમી રહ્યું - ‘આજ સે પહેલે, આજસે જ્યાદા.. ખુશી આજ તક નહિ
મિલી...’
No comments:
Post a Comment