Tuesday, 21 July 2020

અમારું નહીં આપણું.


અમારું નહીં આપણું.           પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

‘અમારે ત્યાં તો કોઈ આવું  મોડે સુધી સૂઈ રહીને સવારે ૯ વાગ્યે ઊઠે એવું નથી બનતું, પછી ભલે ને આગલે દિવસે કેટલા પણ મોડા સૂતા હોય, બધાએ સવારે ટાઈમસર ઉઠી જવાનું એટલે ઉઠી જ જવાનું.’

વહુ અમૃતા જ્યારે સવારે ૯ વાગ્યે ઊઠી ત્યારે સહેજ નારાજગીથી, જરા કઠોર શબ્દોમાં સાસુજી રસીલાબહેને ઉપર મુજબનું વિધાન એને સંભળાવ્યું. હજી તો  દસ દિવસ પહેલા જ પરણેલા અને પરણીને હનીમુન કરવા ગયેલા પુત્ર અક્ષય અને પુત્રવધુ અમૃતા ગઈ કાલે  રાત્રે જ ઘરે પાછા ફર્યા હતા. બધા માટે બહારગામથી લાવેલા તે ગીફ્ટ આપવામાં, અને બધા સાથે બેસીને વાતો કરવામાં રાત્રે સુતા એક વાગી ગયો હતો.

બીજા બધા તો કાયમની ટેવ મુજબ સવારે વહેલા એટલે કે પોતપોતાના નિયત સમય પ્રમાણે ઉઠી ગયા હતા, માત્ર અમૃતા જ મોડી એટલે કે નવ વાગ્યે ઉઠી હતી. અમૃતાના મોડા ઉઠવાથી અકળાયેલા રસીલાબહેને એને જરા આકરા શબ્દોમાં આ ઘરની રીતરસમ અંગે જણાવી દીધું. મમ્મીનું આવું વચન સાંભળીને ત્યાં હાજર રહેલો  દિકરો અક્ષય સ્તબ્ધ થઇ ગયો, અને પતિ રમેશભાઈ પણ એક ક્ષણ તો અવાચક થઈ ગયા. ‘હવે શું થશે?’ ની ફિકરમાં શું કહેવું તે બે માંથી એકે ને સુઝ્યું નહીં. ‘વાતને કઈ રીતે વાળી લેવી કે પરિસ્થિતિને કઈ રીતે કાબુમાં લેવી ? એ વિશે હજી તો અક્ષય કંઈ વિચારે અને કંઈ કહે તે પહેલાં તો – અમૃતા જ બોલી પડી, ‘પણ અમારે ત્યાં એવું નહીં, મમ્મીજી. રાત્રે સૂતા મોડું થયું હોય તો બીજે દિવસે સવારે મોડા ઊઠવાની છૂટ.’

અમૃતાના આ વાક્યે જાણે ધરતીકંપ થયો. અક્ષય અને રમેશભાઈ બન્ને ધ્રૂજી ગયા. આ ઘરમાં વડીલોની સામે આ રીતે સ્પષ્ટપણે કે નિર્ભિક રીતે આવું વિધાન કરવાની અક્ષય કે પ્રકાશ, બેમાંથી એક પણ છોકરાએ હિંમત કરી નહોતી. છોકરાંઓની તો વાત છોડો, પતિ  રમેશભાઈ પણ પત્ની રસીલા આગળ મૃદુતાથી અને સંપૂર્ણ માનપૂર્વક પોતાની વાત રજૂ કરતાં. સાચી વાત કહેવાની સૌને છૂટ હતી, પણ એક મર્યાદામાં રહીને અને ખુબ નમ્રતાપૂર્વક, અનુકૂળ સમય જોઈને સૌ પોતાની વાત રસીલાબહેન સામે રજૂ કરતાં. અને વાત યોગ્ય હોય રસીલાબહેન દ્વારા એનો સ્વીકાર પણ જરૂર થતો જ. ઘરનું વાતાવરણ ખુબ જ શાલીન અને સંસ્કારમય હતું.

રસીલાબહેન છોકરાઓની અને પતિની ખુબ કાળજી રાખતા, બધાને ભાવતા ભોજન બનાવતા, બધાના સમય સાચવતા, ઘરનો તમામ વહીવટ કુશળતાપૂર્વક કરતા. મહેમાનોની આગતા સ્વાગતા અને સગા વહાલાઓ સાથેનો વહેવાર પણ ખુબ સારી રીતે સાચવતા. એટલે જ પતિ અને બાળકો ઘરની કોઈ પણ બાબતે નચિંત રહીને પોતાના ક્ષેત્રે પ્રગતિ કરી શકતા હતા. આજ સુધી પતિ અને બંને બાળકો, બાળકો શાના હવે તો જુવાનો  પર એમની એક એકહથ્થુ સત્તા ચાલતી હતી. રસીલાબહેન ખુબ પ્રેમાળ હતા, પણ એમને ગુસ્સો ખુબ જલદી આવતો, જો કે એટલો જ જલ્દી ગુસ્સો ઉતરી પણ જતો. ઘરમાં બધાએ  એમના આ સ્વભાવને સ્વીકારી લીધો હતો.

અમૃતાના બોલ્ડ જવાબની  રસીલાબહેન પર શું  અસર થશે અને એનું રીએક્શન શું આવશે તે જાણવા પિતા – પુત્ર બન્ને અધ્ધર શ્વાસે જોઈ રહ્યા, એટલું જ નહિ હવે પછી જે વાકયુદ્ધ થશે એના સમાધાનનો રસ્તો શું, એ પણ વિચારી રહ્યા. થોડીવાર માટે તો  રસીલાબહેનના મુખભાવ તંગ થયા, પછી જરાવાર એ વિચારવા રહ્યા, આંખો બંધ કરીને બેત્રણ  ઊંડા શ્વાસ લીધા, પછી આંખો ખોલીને ધીમા સ્વરે કહ્યું,

-અમૃતા,  પ્રકાશ (નાનો  દિકરો) નું ટીફિન લેવા ૧૧ વાગ્યે  ડબ્બાવાળો  આવી જશે, અને તારા પપ્પા (રમેશભાઈ) પણ જમીને ૧૨ ની બસમાં વડોદરા જવાના છે, કિચનમાં ચાનાસ્તાના વાસણો એમ જ પડ્યા છે, હજી શાક સમારવાનું બાકી છે, અને લોટ બાંધવાનો પણ બાકી છે, અધૂરામાં પૂરું આજે મહારાજે (કુક) અચાનક રજા પાડી દીધી છે, અને અત્યારે સવારના નવ વાગી ગયા છે, સમય ઓછો છે અને કામ વધુ છે, એટલે મારાથી ટેન્શનમાં એવું બોલાઈ ગયું, સોરી, બેટા.
અને સ્તબ્ધતા તૂટી. અક્ષય અને રમેશભાઈ, બંનેએ નિરાંતનો શ્વાસ લીધો. પણ તેઓ નવાઈથી રસીલાબહેન સામે જોઈ રહ્યા. એમણે રસીલાબહેનને આટલી વિનમ્રતાથી બોલતા કે આટલી સહેલાઈથી માફી માગતા ક્યારેય જોયા નહોતા. ‘સાસુજી’ની માનદ પદવી પામેલા રસીલાબહેનમાં આવેલો આ મજાનો બદલાવ એમને ગમ્યો તો ખરો, પણ હવે આગળ શું થશે  એ જાણવા તેઓ ઉત્સુકતાપૂર્વક બંનેને જોઈ રહ્યા. 

- મમ્મીજી,  હું ઘરમાં હોઉં ત્યારે તમારે ઘરના કામકાજ અંગે કોઈ પણ જાતનું ટેન્શન લેવાનું નથી, હવે હું આવી ગઈ છું એટલે તમારી જવાબદારીમાં ભાગ તો પડાવીશ જ, એટલું જ નહિ આપણે જરૂર પડશે ત્યારે ઘરના જેન્ટ્સ મેમ્બરોની મદદ પણ લઈશું. શું કહો છો, અક્ષય તમે અને પપ્પાજી તમે,  અમને  કામમાં મદદ કરશોને ?

‘પણ અમને તો રસોઈ બનાવતા નથી આવડતી’ અક્ષય અને રમેશભાઈ બંને એકસાથે બોલી ઉઠ્યા. ‘ભલે ને રસોઈ બનાવતા ન આવડે, બીજા નાના મોટા કામમાં તો મદદ કરી જ શકો ને ?’ અમૃતા બોલી. ‘એ લોકોને કિચનનું કંઈ કામ નથી આવડતું’ રસીલાબહેન બોલ્યા. ‘નથી આવડતું તો આપણે શીખવશું’ અમૃતા હસીને બોલી અને પછી ઉમેર્યું, ‘પણ મમ્મીજી, હમણા તો તમે મારી એક વાત સ્વીકારો એવું હું ઈચ્છું છું.’
‘કઈ વાત?  રસીલાબહેન નવાઈથી અમૃતાને તાકી  રહ્યા.

‘મમ્મી, હું તમારી પુત્રવધૂ છું, એટલે કે પુત્રથી પણ વધુ – વધારે છું. હવે પછી તમે મને જ્યારે પણ કંઈપણ  કહો ત્યારે, અમારે ત્યાં આવું ન હોય ના બદલે આપણે ત્યાં આવું ન હોય એમ કહેવાનું છે, અને હક્કપૂર્વક કહેવાનું છે.. કેમ કે હવે હું સંપૂર્ણપણે - કાયદાકીય રીતે તો ઘરની સભ્ય બની જ ચૂકી છું, પણ ભાવનાત્મક રીતે પણ તમારા સૌની સાથે જોડાઈ ચૂકી છું’  અમૃતા બોલી.  તારી વાત મને મંજૂર છે, બેટા’  કહીને રસીલાબેને એને ગળે લગાવી લીધી.

’તો ચાલો, મમ્મી. આપણે આપણા કર્મક્ષેત્રે સંચરીએ એટલે કે રસોડામાં જઈએ ?’ અમૃતા બોલી અને સૌ હસી પડ્યા, અને આખું ઘર એક હળવાશ અને પ્રસન્નતાથી છલકાઈ ગયું.

No comments:

Post a Comment