બદલાયેલા બા. પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.
- બા, અમે - હું અને અવિનાશ, અમદાવાદ
આવીએ છીએ.
- અચ્છા બેટા, તમે
લોકો ક્યારે આવવાના છો ?
- અમે આજે સવારે
સુરતથી ટ્રેનમાં બેસી ગયા છીએ, લગભગ ૨ વાગ્યે
અમદાવાદ ઘરે પહોંચીશું.
- કેમ આમ અચાનક, બધું બરાબર તો છે ને ?
- અરે હા બા, બધું બરાબર છે. આ તો અવિનાશને કાયમ શનિ-રવિ તો રજા હોય જ છે, એમાં આ વખતે શુક્રવારની રજા પણ ડીકલેર થઇ. એટલે શુક્ર - શનિ – રવિ એમ ત્રણ દિવસની રજા સાથે મળી ગઈ, એટલે
પછી વિચાર્યું કે લોંગ વીકએન્ડમાં અમદાવાદ ફરી આવીએ. તમારા લોકો
જોડે રહેવાય, અને થોડો ચેન્જ પણ મળે, કેમ
બરાબરને ?
- એ તો ઠીક બેટા, પણ
અચાનક નક્કી કર્યું તો પણ ટ્રેનમાં
રીઝર્વેશન કેવી રીતે મળ્યું ?.
- બા, અમે થોડા
વખતથી ત્યાં આવવાનો વિચાર કરતા જ હતા, એમાં સોમવારે ખબર પડી કે શુક્રવારે રજા છે,
એટલે સોમવારે જ અવિનાશે ટ્રેનની ટીકીટનું રીઝર્વેશન
કરાવી લીધુ હતું, બા.
- બેટા, રીઝર્વેશન
કરાવ્યું ત્યારે ફોન કરી દીધો હોત તો સારું થાત.
- કેમ એમ કહો છો બા
? અમે કંઈ મહેમાન થોડા છીએ ? પોતાના ઘરે જ તો આવવાનું
છે, ખરું કે નહિ ?
- અરે હા, બેટા. તારી એ વાત
તો સોળ આના સાચી હોં. ભલે ભલે, રાહ જોઉં છું, તમે પહોંચો.
સવારે દસ વાગ્યે
દીકરી આરતીનો ફોન આવ્યો અને રમાબહેનને ઉપર મુજબની વાત થઇ.
- બા, તમારી રસોઈ બનાવીને કિચનમાં પ્લેટફોર્મ પર ઢાંકી
દીધી છે, ચટણી ફ્રીઝમાં અને થેપલા રોટલીના ડબ્બામાં મુક્યા છે, ચેવડો અને
સક્કરપારા પણ બનાવીને પ્લેટફોર્મની નીચેના ખાનામાં રાખ્યા છે, તમારી દવા મંગાવી રાખી
છે, આમ તો મધુફોઈને તમારું ધ્યાન રાખવાની
સૂચનાઓ આપી દીધી છે, પણ તમે યાદ રાખીને દવા સમયસર લેજો, પુત્રવધૂ સ્નેહાએ અંદરની
રુમમાંથી બહાર આવીને રમાબાને કહ્યું.
- તું અહીંની અને
મારી ચિંતા ન કર, બેટા. તમે લોકો આનંદથી ફરી આવો.
- ભલે બા, સંજય
ટેક્સી લઈને આવે એટલે અમે નીકળીએ. અરે હા, કોનો ફોન હતો, બા ?
- આરતીનો ફોન હતો.
રમાબાએ સ્નેહાને કહ્યું
- અચ્છા, શું કહેતા હતા આરતીબહેન ? સુરત
બધા મજામાં ને ?
- હા, બધા બરાબર છે,
આરતી અને અવિનાશ અમદાવાદ આવી રહ્યા છે.
- ક્યારે ?
- આજે. સુરતથી નીકળી ગયા છે, અહીં લગભગ ૨ વાગ્યે ઘરે પહોંચશે.
- ઓહ! તો હવે અમે
શું કરીએ, અમારી બહારગામની ટ્રીપ કેન્સલ કરીએ ?
- અરે નહીં, બેટા. સંજયને માંડ માંડ ઓફિસમાંથી રજા મળી છે, કેટલા બધા સમયથી તમે લોકો કશે ફરવા માટે ગયા
નથી. સંજયને ઓફિસમાં અને દક્ષને સ્કુલમાં સાથે રજા હોય એવું ભાગ્યે જ બને છે, મારો લાડકો પૌત્ર દક્ષ ફરવા જવા માટે કેટલો
ઉત્સુક છે, પેકિંગ થઈ ગયું છે અને બધી તૈયારી પણ થઈ ગઇ છે,
એટલે તમતમારે ઊપડો, હું છું ને ઘરે.
- એ વાત સાચી બા, પણ
આરતીબહેન અને અવિનાશભાઈને ખોટું નહીં લાગે, કે અમે
આવ્યા અને આ લોકો ફરવા જતા રહ્યા ?
- જો બેટા, હું તો એક સીધી સાદી વાત સમજું છું, અને તે એ છે કે, કોઈના
પણ ઘરે જવું હોય તો ટીકિટ બુક કરાવતાં પહેલા એમની અનુકૂળતા પૂછવી જોઈએ, પછી ભલેને પોતાના પિયર કેમ ન જતાં હોઈએ. એમ ન કરીએ,
અને આપણે આપણી પોતાની મરજી પ્રમાણે જ કરીએ,
ત્યારે સામાવાળાની મરજીને અને એની પરિસ્થિતિને સમજવાની અને સ્વીકારવાની તૈયારી પણ રાખવી જોઈએ. એટલે વધારે
કંઈ વિચાર્યા વગર કે અહીની ચિંતા કર્યા વગર તમે નક્કી કર્યું છે, એ મુજબ તમે લોકો
આનંદથી ફરી આવો.
સ્નેહા અચરજથી બા
સામું જોઈ રહી, એટલે રમાબા બોલ્યા :
- તને એમ થાય છે ને
કે ક્યાં પહેલાંના કડક, જીદ્દી, આપખુદ
બા, અને ક્યાં હમણાંના નરમ, સમજદાર બા ?
- હા, અરે ના, બા.
-બેટા, સુખી થવું હોય તો માણસે સમયની સાથે બદલાવું જોઈએ. પોતાના અનુભવમાંથી માણસે શીખ લેવી જોઈએ, અને
પોતાની ભૂલો સમજીને એને સુધારવી જોઈએ. ચાલ હવે બહુ વિચાર ન કર, સંજય ટેક્સી લઈને આવતો જ હશે, દક્ષને બોલાવ અને તમે લોકો નીકળો, ખુશીથી
ફરી આવો.
સ્નેહા આ ‘બદલાયેલા
બા’ – એટલે કે સુધરેલા સાસુમાને પગે લાગીને અહોભાવ પૂર્વક નિહાળી રહી.
No comments:
Post a Comment