બેટી કુછ ભી માંગે તો .. પલ્લવી જીતેંદ્ર
મિસ્ત્રી.
-હલ્લો, કોણ બોલો ?
-ફોન તમે કર્યો છે, પહેલાં તમે કહો કે તમે કોણ બોલો છો ?
-હું ઈન્સ્પેક્ટર રાઠોડ બોલું છું. તમે ઉર્વશીના ઘરેથી બોલો છો ?
-હા, હું ઉર્વશીની
મમ્મી બોલું છું.
-ઉર્વશીને એક્સિડન્ટ થયો છે, તમે વી.એસ. હોસ્પિટલ આવી જાઓ.
- ઈન્સ્પેક્ટર સાહેબ જલદી કહો, શું થયું છે મારી ઉર્વશીને ? એ સલામત તો છે ને ?
-હા, સલામત છે. તમે
હોસ્પિટલ પહોંચો, પછી વાત કરીએ.
ઉર્વશી સવારે ટ્યુશન ક્લાસમાં એનું એક્ટિવા લઇને જવા નીકળી તે પછી લગભગ ચાલીસેક મિનિટમાં ઈન્સ્પેક્ટર રાઠોડનો
ઉર્વશીની મમ્મી શીલાબહેન પર ફોન આવ્યો. શીલાબહેન તો રડવા જ માંડ્યા. પડોશમાં રહેતા
મીનાબહેને આ જોયું, તેઓ તરત શીલાબહેનના ઘરે આવ્યા અને એમને રડવાનું
કારણ પૂછ્યું. જ્યારે એમણે જાણ્યું કે ઉર્વશીને અકસ્માત થયો છે, અને એના પપ્પા આનંદભાઇ
બહારગામ ગયા છે, ત્યારે એમણે પોતાના
પતિ મહેશભાઈને ફોન કરીને તરત ઘરે આવવા
જણાવ્યું. મહેશભાઈની ઓફિસ ઘરની નજીક હતી એટલે તેઓ તરત પોતાની કાર લઈને આવ્યા, એમાં ત્રણે જણ
હોસ્પિટલ પહોંચ્યા.
હોસ્પિટલમાં ઉર્વશી બેભાન પડી હતી. એક ટ્રકને ઓવરટેક
કરવા જતાં એનું એક્ટિવા સામેથી આવતી કાર સાથે અથડાયું હતું. હેલ્મેટ પહેરી હોવાથી
ઉર્વશીનું માથું બચી ગયું, પણ કારનું પૈડું
એના એક પગ પરથી ફરી વળતાં એનો પગ કચડાઈ ગયો અને એ બેભાન થઈ ગઈ. કારચાલક તો ટોળું
જમા થાય તે પહેલાં જ પોતાનો જીવ બચાવીને, કાર લઈને ભાગી ગયો હતો. ત્યાં જમા થયેલા ટોળામાંથી કોઈએ એમ્બ્યુલન્સ
બોલાવી અને એને હોસ્પિટલ પહોંચાડી.
અકસ્માતનો કેસ હોવાથી પોલીસને પણ બોલાવાઇ. ઈન્સ્પેક્ટર રાઠોડે ઉર્વશીના
મોબાઈલમાંથી ‘હોમ’ ના નંબર પર ફોન
કરીને શીલાબહેનને જાણ કરી.
શીલાબહેન તો બેભાન ઉર્વશીને
જોઈને હોસ્પિટલમાં જ ફસડાઈ પડ્યાં. મીનાબહેને એમને હિંમત આપી. જરુરી
કાર્યવાહી-કાગળીયાં કરીને ઉર્વશીને ઓપરેશન થીયેટરમાં લઈ ગયા. ઉર્વશી બચી ગઈ પણ
આ એક્સિડન્ટ માં એણે પોતાનો એક પગ
ગુમાવ્યો. ઉર્વશી માત્ર સોળ વર્ષની હતી, એણે ખોટી રીતે ઓવરટેક કર્યું હતું અને એની પાસે
ડ્રાઈવીંગ લાયસન્સ પણ નહોતું એટલે કારચાલક સામે કોઇ કાનૂની કાર્યવાહી પણ કરી શકાય
એમ નહોતી.
ઉર્વશીએ જ્યારે પોતાની સોળમી વર્ષગાંઠ પર એના પપ્પા પાસે એક્ટિવા માગ્યું, ત્યારે ઉર્વશીની
મમ્મી શીલાબહેને, ઉર્વશીના પપ્પા
આનંદભાઇને વાર્યા હતાં. ‘ઉર્વશી હજી નાની છે,
એની પાસે લાયસન્સ ન આવે ત્યાં સુધી એક્ટિવા અપાવાય નહીં’ પણ ઉર્વશીએ કહ્યું, “મારી બધી ફ્રેન્ડ્સ
પાસે બાઈક છે, મને પણ બાઈક જોઈએ.’ ‘અને પોલીસ પકડશે અને લાયસન્સ માંગશે ત્યારે ?’ શીલાબહેને
કહ્યું. ‘કોઈ પકડતું નથી, અને પકડે તો પચ્ચીસ-પચાસ
રૂપિયા આપી દઈએ તો પોલીસ પણ જવા દે છે. મારા બધા ફ્રેન્ડસ એવું જ કરે છે.’ ઉર્વશીએ
બહુ સ્વાભાવિકતાથી કહ્યું.
શીલાબહેનને આ વાત જરા પણ પસંદ ન આવી. પણ આનંદભાઈએ, “એ સાસરે જતી રહેશે પછી થોડી જ કંઈ આપણી પાસે
માંગવા આવવાની છે
?” કહીને ઉર્વશીને
એક્ટિવા અપાવ્યું. અને આજે ઉર્વશી એ ભૂલની ભોગ બની ગઈ. એણે નાની ઉંમરે પગ
ગુમાવવાનો વારો આવ્યો. આ કિસ્સામાં વાંક કોનો ? નાની ઉંમરે લાયસન્સ વગર એક્ટિવા ચલાવનાર ઉર્વશીનો ? એક્સિડન્ટ
કરનાર
કારવાળાનો ? કે ઉર્વશીની
માગણીને તાબે થઈને એને કાચી ઉંમરે એક્ટિવા ચલાવવા આપનાર એના પપ્પાનો ?
આ કિસ્સો મને એટલા માટે યાદ આવ્યો કે
આજે મેં વોટ્સએપ પર એક મેસેજ
વાંચ્યો:
‘બેટી કુછ ભી માંગે તો બીના સોચે લાકર દેના ! ક્યોં કિ ઉસકી
શાદી કે બાદ જબ આપ ઉસે કુછ ભી દોગે, તો ઉસકે શબ્દ યહી હોંગે- ઇસ કી ક્યા જરૂરત થી પાપા ?’ આ
મેસેજની નીચે લખ્યું હતું, ‘Don’t Forget’
વિચાર્યા વગર આવા આવા મેસેજ વહેતા મૂકતાં મિત્રોને મારું કહેવું એવું છે, કે “બેટી બચાઓ બેટી પઢાઓ” વગેરે વગેરે સૂત્રોથી બેટીના ગુણગાન ગાનારાઓ
બેઝીક રૂલ્સ પણ ભૂલી ગયાં લાગે છે. બેટી હોય કે બેટો, સંતાન તો આખરે
સંતાન છે. એ નાસમજ હોય પણ મા - બાપે નાસમજ થવાની જરૂર નથી. સંતાનોને બહુ માથે ચઢાવવાની જરૂર નથી.
પરિણામોની એને ખબર ના હોય, પણ તમને તો હોય છે ને ? તો સંતાનોને સાચી સમજ આપવાની ફરજ મા-બાપની છે, તમે એ ફરજ ચૂકશો
નહીં, બસ, એટલું જ કહેવું છે.
No comments:
Post a Comment