સબક. પલ્લવી જીતેન્દ્ર
મિસ્ત્રી.
‘આભા બેટા, દરવાજો ખોલ તો જરા,
મારા હાથ લોટવાળા છે.’ ડોરબેલનો અવાજ સાંભળીને રસોડામાં લોટ બાંધી રહેલા ચારુબહેને
અંદરની રૂમમાં કપડાની ઘડી કરી રહેલી પુત્રવધૂ આભાને બૂમ પાડીને કહ્યું. ‘એ આવું
છું, મમ્મી. બોલતાં બોલતાં, કપડાની ઘડી કરવાનું કામ તત્કાળ પડતું મૂકી આભાએ
ડ્રોઈંગરૂમનો મુખ્ય દરવાજો ખોલ્યો. ‘અહા, વોટ એ સરપ્રાઈઝ ! વૈશાલીબહેન આવ્યા છે,
મમ્મી. એકલાં જ આવ્યા છો દીદી, જીજાજીને સાથે નથી લાવ્યા ?’ વૈશાલી બેગસહિત ઘરમાં
દાખલ થઇ એટલે આભાએ દરવાજા બહાર ડોકિયું કરી લઈને પૂછ્યું.‘વૈભવને મારા માટે ટાઈમ જ
ક્યાં છે ?’ વૈશાલીએ મોઢું બગાડતાં કહ્યું. ‘એય દીદી, સાચુ કહેજો હોં, જીજાજી સાથે ઝઘડીને કે
રીસાઈને તો નથી આવ્યા ને ?’
‘આભા, બધાય પુરુષો એકસરખા. લગ્ન કરવાના હોય તે પહેલા તો એવા લટુડાપટુડા
કરે અને એકવાર લગ્ન થઇ ગયા પછી..’ ‘ગરજ
સારી કે વૈદ વેરી...એના જેવું ને દીદી ?’ આભાએ વૈશાલીએ અધૂરું છોડેલું વાક્ય પૂરું
કરી વાતાવરણમાં હળવાશ લાવતા કહ્યું. ‘આવ બેટા, બેસ. બોલ શું થયું છે તને ? કોઈએ કંઈ
કહ્યું ?’ ચારુબહેન હાથ ધોઈ વૈશાલી માટે પાણીનો ગ્લાસ લઇ આવ્યા પછી બાજુમાં બેસી,
એની પીઠ પર, માથા પર હાથ ફેરવવા
લાગ્યા કે વૈશાલીએ અત્યાર સુધી માંડ માંડ બાંધી રાખેલા આંસુઓના બંધ છૂટી પડ્યા અને એ રડતાં રડતાં બોલી, ‘મમ્મી, હવે હું
કદી પણ પાછી ત્યાં નથી જવાની.’ ‘દીદી, તમારે માટે મસાલાવાળી ચા બનાવી લાવું, સારું લાગશે,’ આભાએ
કહ્યું. ‘નહીં, આભા, ચા
પીવાનો મારો મૂડ નથી.’ ‘ઠીક છે, બેટા. તું હાથ – પગ – મોં ધોઈ લે, કપડાં બદલ, પછી આરામ કર. આપણે પછીથી
શાંતિથી વાત કરીશું.’ ‘ચાલો દીદી અંદર.’ કહેતાં આભાએ એની બેગ ઉંચકી
લીધી.
આભા અને વૈશાલી અંદર ગયા એટલે સોફામાં બેઠેલા ચારુબહેન વિચારમાં ગરકાવ થઇ
ગયા. ચંદ્રકાંતભાઈ સાથે એમના લગ્ન થયા ત્યારે ચારુબહેન માંડ વીસેક વર્ષના હતા.
ત્યારે તો જમાનો સાવ જુદો હતો. ત્યારે વડીલોની આમન્યા જાળવવી પડતી હતી. પતિ –
પત્ની વડીલોની હાજરીમાં પાસ – પાસે બેસી નહોતા શકતા. અરે ! એકબીજા સાથે વાત કરતા
પણ સંકોચ થતો. ચારુબહેનના લગ્નને ચાર વર્ષ થઇ ગયા છતાં કોઈ સારા સમાચારના એંધાણ ના
મળ્યા એટલે ઘરમાં ગુસપુસ ચાલુ થઇ ગઈ. પછી ડૉક્ટર, વૈદ, ભૂવા, જ્યોતિષીઓના ચક્કર
ચાલુ થયા, અનેક ઉપચારો પછી પાંચમા વર્ષે સારા સમાચાર મળ્યા, ત્યારે ઘરમાં ખુશીની
લહેર ફરી વળી.
અને જન્મી વૈશાલી, એક તો પહેલું સંતાન અને અનેક માનતાઓ પછી જન્મેલી એટલે
એ ખુબ લાડ – પ્યારમાં મોટી થઇ. ચારુબહેન શિસ્તના આગ્રહી, પણ એમના સાસુ – સસરા, એટલે કે વૈશાલીના દાદા – દાદી એને ખુબ લાડ લડાવતા, એટલે એ થોડી જીદ્દી થઇ
ગયેલી. વળી ચંદ્રકાંતભાઈનો ગુસ્સો પણ એને વારસામાં મળેલો. ચારુબહેને થોડા સ્ટ્રીકટ
થઈને એને ઘરકામમાં બરાબર ટ્રેઈન્ડ તો કરી
જ. ચંદ્રકાંતભાઈ અભ્યાસના આગ્રહી એટલે એ ગ્રેજ્યુએટ પણ થઇ. વૈશાલી પછી ત્રીજા
વર્ષે જન્મેલો અભય ચારુબહેન જેવો શાંત સ્વભાવનો હતો.
ઉમરલાયક થયેલી વૈશાલી માટે છોકરાઓ જોવાની શરૂઆત થઇ. ઘણા છોકરાઓની માહિતી
મેળવ્યા બાદ એન્જિનિયર થયેલો વૈભવ બધાને પસંદ આવ્યો. બે – ત્રણ મુલાકાત પછી
વૈશાલીએ હા પાડતા ધામધૂમથી લગ્ન થયા. લગ્ન સમારંભમાં આવેલી આભા, અભયને ગમી જતાં
પાંચ – છ મહિનામાં એના પણ લગ્ન ગોઠવાઈ ગયા. આભા મોર્ડન છતાં સમજદાર હતી, નવું નવું
શીખવાની અને ઘરમાં બધાને મદદરૂપ થવાની તમન્નાવાળી ઉત્સાહી યુવતી હતી. પોતાના સાસુ –
સસરાને જ નહીં, પરંતુ વડ સાસુ – સસરાને સાચવવાની કળા પણ એ જાણતી હતી. એટલે જ એ
ઘરમાં અભયથી માંડીને સૌને વહાલી લાગતી હતી. ક્યારેક ચંદ્રકાંતભાઈના નાનાભાઈ મનોહરભાઈના ઘરે રહેવા
જવાનું થાય ત્યારે પણ વડસાસુ – સસરા દિવસમાં એકવાર આભા સાથે વાત ન કરે તો એમને ચેન
ન પડતું.
ડોરબેલ વાગી એટલે ચારુબહેન વિચારોના વમળમાંથી બહાર આવ્યા, દરવાજો ખોલ્યો.
ચંદ્રકાંતભાઈએ અજાણ્યા ચપ્પલ અને પર્સ જોઇને પૂછ્યું, ‘કોણ આવ્યું છે ?’ ‘વૈશુ આવી છે.’ ‘અચાનક ?’
‘હં, સાસરે કંઈ અણબનાવ થયો લાગે છે, ગુસ્સામાં છે, રાત્રે શાંતિથી વાત
કઢાવીશું.’ ‘ઓકે. હું કપડા બદલી લઉં, અભય
આવ્યો કે નહીં ?’ ‘આવતો જ હશે.’
ચંદ્રકાંતભાઈ કપડાં બદલવા ગયા અને અભય આવ્યો. વૈશાલીને આમ અચાનક આવેલી જોઇને એને
પણ આશ્ચર્ય તો થયું, પણ એ બોલ્યો, ‘સારું થયું, વિશુડી તું આવી તો. તારા વિના
ઘરમાં મજા નહોતી આવતી.’ ‘કેમ, કોઈ ઝઘડનાર નહોતું એટલે ?’ ‘લે, તું તો સમજી ગઈ, આ આભા છે ને તે કેટલી
ટ્રાય કરું તો પણ ઝઘડે જ નહીં ને.’
‘ચાલો ચાલો હવે, વાતોના વડા પછી કરજો, પહેલા ગરમ ગરમ રસોઈ જમી લ્યો.’
આભાએ બધાની થાળી પીરસતા કહ્યું. બધા જમીને અગાસીમાં બેઠા એટલે ચંદ્રકાંતભાઈએ હળવે રહીને વાત કઢાવી, ‘વૈશુ
બેટા, કેમ અચાનક ચાલી આવી ? શું થયું છે જરા અમને પણ કહે તો ખરી.’ ‘પપ્પા, એ ઘરમાં
હવે હું પાછી નથી જવાની.’ વૈશાલી ગુસ્સામાં બોલી. ‘પણ ખરેખર થયું છે તે શું તું અમને
કહે તો ખબર તો પડે ને.’ ચારુબહેન બોલ્યા.
‘પપ્પા, વૈભવ સાવ બદલાઈ ગયો છે. આખો દિવસ બીઝનેસમાં રચ્યોપચ્યો રહે છે.
હરવા ફરવા કે ફિલ્મો જોવામાં હવે એને ઇન્ટરેસ્ટ રહ્યો નથી. રાત્રે મોડો ઘરે આવે
અને આવીને મોબાઈલ, ટીવી, કે કમ્પ્યુટરને ચોંટી જાય. હું બહારગામ ફરવા જવાનું કહું
તો મને કહે – મારી પાસે ટાઈમ નથી. અને મારા સાસુ ? ઓહ ! આ સભા અને તે સભા. આ
મીટીંગ અને તે મીટીંગ. ક્યારેક ઘરમાં જ એમની મહિલામંડળી જામે, તો ક્યારેક એ પોતે જ
બહારગામ ઉપડી જાય. અને મારા નણંદબા ? એમની કોલેજ, ફ્રેન્ડસ અને પાર્ટીમાં મશગુલ.
ગમે ત્યારે એમની ફ્રેન્ડસ ઘરમાં ટપકી પડે. હું કંઈ ઘરની કામવાળી કે રસોયણબાઈ છું
તે આ બધાંને સાચવતી ફરું ? ઘરમાં કોઈને મારા માટે ટાઈમ જ નથી.’
‘બસ, આટલી અમથી વાતમાં તું ઝઘડો કરીને ઘર છોડીને ચાલી આવી ?’ ચારુબહેન
બોલ્યા. ‘મમ્મી, તને ખબર નથી કે શું થયું. ઘણા વખત પછી વૈભવ મારી સાથે ફિલ્મ જોવા જવા માટે
તૈયાર થયો હતો. ઓનલાઈનથી ટીકીટો પણ બુક
કરાવી લીધી હતી. અમે તૈયાર થઈને બહાર નીકળતા જ હતા અને એના કઝીનનો ફોન આવ્યો, -
પપ્પાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. બસ, વૈભવે તરત જ ફિલ્મ જોવા જવાનું કેન્સલ
કર્યું, અને હોસ્પિટલ જવાનું નક્કી કરી દીધું. મેં એનો હાથ પકડીને કહ્યું – આપણે
પહેલા ફિલ્મ જોઈ લઈએ પછી કાકાની ખબર કાઢવા
જઈશું. તો મારો હાથ છોડાવીને મને ધક્કો મારીને એ હોસ્પિટલ ચાલી ગયો. એટલે પછી મને
પણ ગુસ્સો આવ્યો અને હું અહી ચાલી આવી.’ આટલું કહેતાં વૈશાલીનો ચહેરો ગુસ્સાથી
તમતમી ગયો.
‘સારું કર્યું બેટા, એ સમજે છે શું એના મનમાં ? લાડમાં ઉછેરેલી દીકરીને
કંઈ ધક્કો ખાવા સાસરે નથી મોકલી મેં’ ચંદ્રકાંતભાઈ ગુસ્સાથી બોલ્યા. ‘ચંદ્ર,
પ્લીઝ. તમે જરા ધીરજ રાખશો ? વૈશુ બેટા, સામેની વ્યક્તિની મનોદશા પારખીને એ
મુજબનું વર્તન કરવું એ પણ એક કળા છે.’ ચારુબહેન બોલ્યા. ‘મમ્મી, તું ભલે ગમે તે
કહે, હું પાછી ત્યાં નથી જવાની એટલે નથી જવાની કહી દીધું, બસ.’ ‘ચાલો હવે, આ ચર્ચા
આજ પૂરતી અહીં સમાપ્ત કરીએ અને આપણે કેરમ રમીએ ?’ અભયે વાત વાળી લેતા કહ્યું.
ચારુબહેન કંઈ બોલ્યા નહીં, પણ હવે પછી શું કરવું તે અંગેની યોજના એમના
કુશળ મગજમાં ઘડાઈ ગઈ. બીજા દિવસે વૈશાલી ટીવી પર ફિલ્મ જોઈ રહી હતી, એ દરમ્યાન
એમણે આભાને કહ્યું, ‘આભા બેટા, બજારમાંથી થોડી ચીજો લાવવાની છે, મારી સાથે આવશે ?’
ચારુબહેન આભાને લઈને બજાર જવાના બહાને વૈશાલીના સાસરે પહોંચી ગયા. એમને જોઇને
વૈશાલીના સાસુને આશ્ચર્ય તો જરૂર થયું, પણ એમને આવકાર આપીને બોલ્યા, ‘આવો આવો,
બેસો.’ ચા – પાણીની ઔપચારિક વિધિ પતી એટલે ચારુબહેન બોલ્યા, ‘માફ કરજો મીતાબહેન,
અમે તમને જણાવ્યા વિના આવી ચઢ્યા, પણ મારે
જાણવું છે કે અહીં ખરેખર શું બન્યું કે
વૈશુ ઘર છોડીને આવી ગઈ છે. હું તમારી સાથે એકદમ નિખાલસપણે વાત કરવા આવી છું, એટલે
જે કંઈ પણ બન્યું હોય તે વિના સંકોચે મને જણાવો.’
‘વૈશાલીએ તમને જણાવ્યું તો હશે જ ને કે અહીં શું બન્યું ?’ મીતાબહેન
બોલ્યા. ‘હા, જણાવ્યું. પણ એ એના એન્ગલથી કહ્યું હોય. સાસરે આવેલી દીકરીને તો બધી જ
માતા પૂછે કે તને સાસરે ફાવે તો છે ને ? પણ સાસરેથી રિસાઈને ઘરે આવેલી દીકરીની મા
તરીકે હું તમને પૂછું છું કે તમને મારી દીકરી સાથે ફાવે છે કે નહિ ? એ સાસરામાં
બરાબર રહે છે કે નહીં ? તમારી સૌની સાથે યોગ્ય વર્તન કરે છે કે નહીં ? મારે આ બધું
તમારી પાસેથી જાણવું છે, મીતાબહેન. પ્લીઝ, મને સાચી વાત કહો.’ ચારુબહેને મીતાબહેનનો હાથ પકડીને લાગણીસભર અવાજે પૂછ્યું.
‘ચારુબહેન, તમારી જેમ ભાગ્યે જ કોઈ માતા પોતાની દીકરીની સાસુને આવા સવાલો
પૂછતી હશે. પણ હું તમારી દીકરીની ફરિયાદ તમને જ શી રીતે કરી શકું ?’ ‘મીતાબહેન, આપણે બંને આખરે તો જનેતાઓ જ છીએ.
જનેતાને મન સંતાનના સુખથી વિશેષ બીજું શું હોઈ શકે ? તમે મને હકીકત કહેશો તો જ આ
સમસ્યાનો સુખદ ઉકેલ મળશે. માટે હવે જે કંઈ પણ બન્યું હોય તે મને નિસંકોચપણે
વિગતવાર જણાવો.’
ચારુબહેને મીતાબહેનને વિશ્વાસમાં લઈને કુનેહપૂર્વક વાત કઢાવી ત્યારે
જાણવા મળ્યું કે - વૈશાલી સાસરામાં ખુબ અતડી રહેતી. સગા, સંબંધી કે મિત્રો મળવા
આવે તે એને ગમતું નહીં. એ કોઈને ચા – નાસ્તાનું તો પૂછતી જ નહીં, પણ પાણીનો ગ્લાસ
પણ ધરતી નહીં. વૈશાલીને મન વૈભવ એની એકલીની માલિકીની ચીજ હતો. વૈભવના સગા વૈશાલીના
સગા નહોતા. વૈશાલી મોડી ઉઠતી, મન થાય તો જ ઘરકામમાં મદદ કરાવતી. કોઈ એને કંઈ કહે
તો એ નાનામોટાની પરવા કર્યા વિના તડ ને ફડ જવાબ આપતી અને જોરદાર દલીલો કરતી. ઘરમાં
શાંતિ જળવાય એ હેતુથી ઘરનાં તમામ સભ્યોએ વૈશાલીને કંઈ પણ કહેવાનું બંધ કરી દીધું
હતું.
વૈશાલીને સંગીત – કળા – ભરત ગુંથણ – સીવણ – વાંચન – કશાયમાં રસ
નહોતો કે નહોતી કશું નવું શીખવાની તમન્ના.
ઘરનું કામકાજ જેવું કે રસોઈ – સફાઈ – ગોઠવણી વગેરેમાં પણ એને આળસ ચઢતી. એના રૂમમાં
તમામ ચીજો અસ્તવ્યસ્ત રહેતી. હા, એને એક વાતમાં ખુબ જ રસ હતો અને તે એ કે – તૈયાર
થઈને વૈભવ સાથે ફરવા જવું, ફિલ્મ જોવા જવું કે શોપિંગમાં જવું. આવું થાય ત્યારે એ
ખુશખુશાલ લાગતી. વૈભવના સગા કાકાને હાર્ટએટેક આવ્યો અને હોસ્પિટલના આઈ.સી.યુ.
વિભાગમાં દાખલ કરવા પડ્યા, તે જાણવા છતાં વૈશાલીએ ફિલ્મ જોવા જવાની જીદ પકડી રાખી,
ત્યારે વૈભવ ગુસ્સે થઈને એનો હાથ છોડાવીને હોસ્પિટલ જવા નીકળી ગયો, અને વૈશાલી
રીસાઈને પિયર જતી રહી. ‘અચ્છા, હવે બધી વાત મારી સમજમાં આવી ગઈ. મીતાબહેન, હવે તમે
નચિંત રહેજો. વૈશાલીને કઈ રીતથી સમજાવીને સાસરે મોકલવી તે મારું કામ. તમે આપણી આ
મુલાકાતને ખાનગી રાખજો.’
વૈશાલીની સાસુને મળીને આવ્યા પછી એક કુશળ ગૃહિણી અને માતા એવા ચારુબહેને
વૈશાલીને કઈ રીતે સુધારવી અને સમજાવીને સાસરે મોકલવી, તેની સ્ટ્રેટેજી ઘડી નાંખી.
અભય અને આભાને ખાનગીમાં એમના રોલ સમજાવી દીધા. બીજા દિવસથી એ પ્રમાણે અમલ શરુ થઇ
ગયો. રોજ વહેલી ઉઠતી આભા એ દિવસે સૂરજ માથે ચઢી ગયો પછી એટલે કે ૧૧ વાગ્યે ઉઠી.
પોતાના માટે મોટો કપ ભરીને ચા બનાવી અને ચા પીતા પીતા આરામથી છાપું વાચ્યું. મોડેથી નહાવા ગઈ. જમવાના સમયે રસોડામાં આવી
પોતાની થાળી પીરસી લઇ એકલા એકલા જમી લીધું, થાળી રસોડામાં જઈ સિન્કમાં મૂકીને પાછી
પોતાના રૂમમાં જતી રહી. ન તો એણે ચારુબહેનને
રસોઈ બનાવવામાં મદદ કરી કે ન તો એણે ઘરના કોઈ કામમાં મદદ કરી.
રૂમમાં બેસીને આભાએ મોબાઈલમાં મેસેજીસ અને વિડીઓ જોયા, પછી થોડીવાર સુઈ
ગઈ. ઉઠ્યા પછી તૈયાર થઈને કોઈને કશું કહ્યા વિના ઘરની બહાર નીકળી ગઈ. સાંજે કેટલાક મહેમાન ઘરે ડીનર પર આવવાના હતા,
ચારુબહેને વૈશાલીને કહ્યું કે આભાને આ બાબતે ફોન કરીને ઘરે જલ્દી આવવાનું કહી દે.
વૈશાલીએ જ્યારે આભાને ફોન કરીને મમ્મીનો સંદેશો આપ્યો ત્યારે આભા બોલી, ‘દીદી,
મહેમાન આવવાના છે તો એ તો મમ્મીના મહેમાન છે, મારા તો નથી ને ? સોરી દીદી, મમ્મીને
કહી દેજો કે મારે આજે ઘણું શોપિંગનું કરવાનું છે, મને આવતા લેઇટ થશે.’
આભાનો આવો જવાબ સાંભળીને વૈશાલીને ખુબ ગુસ્સો આવ્યો, એણે ફોન કટ કર્યો
અને બોલી, ‘મમ્મી આભા કેટલી બદલાઈ ગઈ, એ કેવી વાત કરે છે, આપણા મહેમાન તે એના
મહેમાન નથી ?’ ‘હશે બેટા, કોઈવાર એવું થાય પણ ખરું, તું જવા દે એ વાત, ચાલ મને
કિચનમાં થોડી મદદ કરાવ.’ બીજા દિવસે રવિવાર હતો, અભય અને આભા સાંજે ફિલ્મ જોવા ગયા
અને રાત્રે બહાર જમીને ઘરે આવ્યા. વિવેક ખાતર પણ બેમાંથી એકે વૈશાલીને પૂછ્યું
નહીં, કે – ‘તારે/તમારે મૂવી જોવા આવવું છે ?’ વૈશાલીને બહુ ખરાબ લાગ્યું.
પછી તો આખું અઠવાડિયું આવું જ ચાલ્યું. આભા રોજ મોડી ઊઠે, ઘરકામમાં કોઈ
મદદ ન કરાવે, પોતાની ચીજો અસ્તવ્યસ્ત રાખે, મન થાય ત્યારે કોઈને કંઈ પણ કહ્યા વિના
બહાર જાય / આવે. અભયનું વર્તન પણ અતડું અતડું પારકાજણ જેવું થઇ ગયું. વૈશાલી આ
બધું જોઇને ખુબ અકળાઈ ગઈ, એણે અભય – આભાની ગેરહાજરીમાં આ વાત કાઢી. ચારુબહેન તો એમના સ્વભાવ મુજબ શાંત
રહ્યા, પણ ચંદ્રકાંતભાઈ ગુસ્સે થઇ ગયા. અભય અને આભા બહારથી આવ્યા એટલે એમણે
કહ્યું, ‘અભય – આભા, છેલ્લા ઘણા દિવસથી હું જોઈ રહ્યો છું, કે તમે બંને મનસ્વીપણે
વર્તી રહ્યા છો. તમને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને સ્વચ્છંદી બની ગયા છો.
ઘરમાં સંપ અને સહકારથી રહેવાને બદલે જો તમે તમારું ધારેલું જ કરવાના હોય, તો તમે
જુદા ઘરમાં રહેવા જઈ શકો છો.’
‘એ બંનેને જુદા રહેવા જવાનું કહેવાની જરૂર નથી. જરૂર હોય તો તમારી આ
લાડલીને સાસરે રહેવા જવાનું કહેવાની જરૂર છે.’ ચારુબહેન મક્કમતાથી બોલ્યા. ‘એટલે
તું કહેવા શું માંગે છે ?’ ‘જો આભાનું આવું વર્તન આપણને દુઃખ પહોંચાડે છે, તો
વૈશાલીનું આવું વર્તન એના સાસુ સસરાને કેટલું દુઃખ પહોંચાડતું હશે, એ તમે કદી
જાણવાની પરવા કરી છે ખરી ?’ ‘બંને જ નહીં ચારુ, આપણી વૈશુ એના સાસરામાં આવી રીતે
વર્તે છે ?’ ‘બિલકુલ આ જ રીતે, માન્યામાં ન આવતું હોય તો એને જ પૂછી લો.’ ‘વૈશુ,
તારી મમ્મીની વાત સાચી છે ?’ વૈશાલીની નજરો નીચી ઢળી ગઈ.
એને એનું વર્તન યાદ આવ્યું. ખરેખર પોતે પણ આમ આભાની જેમ જ, અરે આભા કરતા
પણ વધારે ખરાબ રીતે સાસરામાં બધાની સાથે વર્તતી હતી. જો આભાના વર્તનથી મને અને
મમ્મી પપ્પાને દુઃખ પહોંચે છે, તો મારા વર્તનથી વૈભવને અને એના મમ્મી પપ્પાને
કેટલું દુઃખ પહોંચતું હશે ? મેં કદી આવી રીતે તો વિચાર્યું જ નહોતું. એના મોં પર
શરમના અને પસ્તાવાના ભાવો આવી ગયા. એ બોલી, ‘સોરી, મમ્મી, સોરી પપ્પા, મારી ભૂલ થઇ
ગઈ.’ ‘બેટા, માફી તો તારે વૈભવની અને તારા સાસુ સસરાની માંગવી જોઈએ.’ ચારુબહેન
બોલ્યા. ‘મમ્મી, એ લોકો મને માફ કરશે ?’ ‘જરૂર માફ કરશે, બેટા. એ લોકો ખુબ સારા
છે, ચંદ્ર તમે એમને ફોન કરો’
‘ના, મમ્મી, પપ્પા એમને ફોન નહીં કરે.’ વૈશાલી બોલી. ‘કેમ, શું થયું પાછું
?’ ‘હું પોતે જ ફોન કરીને એમની માફી માંગીશ, અને હું આજે જ મારા ઘરે પાછી જઈશ.’
‘ભલે બેટા, તું ફોન કરીને માફી માંગી લે, પછી તારા પપ્પાને ફોન આપજે. તારા
સાસરીયાને આજે ડીનર પર બોલાવીએ, અને બધા સાથે જમીએ’ ‘ચારુ, તારી સમજદારીની પ્રશંસા
કરવા માટે મને શબ્દો જડતા નથી.’ ફોન પતી ગયા પછી ચંદ્રકાંતભાઈ બોલ્યા. ‘નથી જડતા તો રહેવા દો, ચંદ્ર. આવો રસોડામાં
અને મને વટાણા છોલવામાં મદદ કરો.’ ‘મમ્મી, આજે તો હવે હું તમને કામમાં મદદ કરાવીશને.’
આભા બોલી અને સૌ ખડખડાટ હસી પડ્યા.
No comments:
Post a Comment