Wednesday, 22 July 2020

શુભચિંતક.

શુભચિંતક.            પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

બાર વર્ષની બાળકી પર બળાત્કાર કરીને, એને મારી નાંખીને નજીકની ઝાડીમાં ફેંકી દેનાર યુવકને, લોકોના ટોળાએ ઘેરી લીધો અને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી દીધો.’ સવારના ચા પીતી વખતે  છાપું વાંચતી નીતાનું  ધ્યાન આ સમાચાર પર પડ્યું. ‘હે ભગવાન, હવે આ દેશમાં નાની નાની બાળકીઓ પણ સલામત નથી રહી, આવા નરાધમોનો તો આવો જ અંજામ હોવો જોઈએ. લોકોના હાથે નહીં મરે તો એને કોર્ટમાં જજે ફાંસી આપી દેવી  જોઈએ.’ આક્રોશમાં આવીને  નીતાથી બોલાઈ ગયું.

‘તારે કોઈ પણ જાતના નેગેટીવ ન્યુઝ ડીટેલમાં વાંચવા નહીં, તારા મન પર એની અસર બહુ જલ્દી થઇ જાય છે.’ એના પતિ અમરે કહ્યું, એટલે  નીતાએ છાપું બાજુ પર મૂકી દીધું, અને મોબાઈલમાં વોટ્સ એપ પર  પોતાની નજર દોડાવી. ‘સંબંધો તો પતંગિયા જેવા હોય છે, જોરથી પકડો તો મરી જાય, છોડી દો તો ઉડી જાય, અને જો પ્રેમથી હળવે રહીને પકડો તો તમારા હાથમાં પોતાનો રંગ છોડી જાય છે.’લોકોને પણ સવાર સવારમાં જબરો ટાઈમ મળી જાય છે, આવા સંદેશા લખીને શેર કરવાનો, એમ મનોમન બબડીને  નીતા મોબાઈલ ટીપોય પર મૂકીને ત્યાં પડેલા કપરકાબી લઈને રસોઈ કરવા માટે કિચનમાં ગઈ.  

અમર જમીને ઓફિસે ગયો, ઘરના કામકાજથી પરવારીને નીતા સોફામાં સહેજ આડી પડી ત્યાં જ એના મોબાઈલની રીંગ વાગી.  ‘હેલો  સંધ્યા, બહુ દિવસે  તેં મને યાદ કરી ?’ મોબાઈલની સ્ક્રીન પર સખી સંધ્યાનું નામ વાંચી એ બોલી. ‘નીતા, તું એકલી જ છે, કે ત્યાં બીજું કોઈ છે ?’ સંધ્યાએ પૂછ્યું. ‘એકલી જ છું, પણ કેમ એવું પૂછ્યું ?’ નીતાને નવાઈ લાગી. ‘નીતા, સાંભળ. આજે મેં ન્યુઝ પેપરમાં એક સમાચાર વાંચ્યા, અને તું યાદ આવી.’ સંધ્યા બોલી. ‘એવા તે વળી શું સમાચાર છે કે જે  વાંચીને તને મારી યાદ આવી ?’ નીતાએ ઉત્સુકતાથી પૂછ્યું. ‘આમ જોઈએ તો સમાચાર ખરાબ છે, પણ પછી વિચારીએ તો તારા માટે એ સારા છે એવું લાગે છે’

‘વાતમાં મોણ નાખ્યા વગર કહી દે ને યાર, કે સમાચાર શું છે.’ નીતા અધીરાઈથી બોલી ઉઠી. ‘સાંભળ નીતા, નવીન એક બાર વર્ષની બાળકી પર બળાત્કાર કરીને એને મારી નાખીને ઝાડીમાં ફેંકવા જતાં લોકોના હાથે ઝડપાઈ ગયો, અને લોકોએ એને ઢોરમાર મારીને મારી નાખ્યો.’ સંધ્યા એકીશ્વાસે બોલી ગઈ. નીતાને એના કાન પર વિશ્વાસ ન બેઠો, એણે ખાતરી કરવા પૂછ્યું, ‘કોણ ?’ ‘નવીન, નવીન વાઘેલા, આપણી ક્લાસમેટ અમીના ભાઈનો ફ્રેન્ડ, અને તારો....’ સંધ્યાએ આગળના શબ્દો જાણી જોઇને અધ્યાહાર રાખ્યા. સમાચાર સાંભળીને નીતાના હાથમાંથી ફોન સરી ગયો, અને સંધ્યા, ‘હલો’ ‘હલો’ કરતી રહી.     

‘નવીન વાઘેલા ? મારો નવીન બળાત્કારી ?’ નીતાને સખત આઘાત લાગ્યો. એણે દોડીને છાપું લીધું, સમાચાર વાંચતા છાપું  એકવાર તો એના હાથમાંથી સરકી ગયું. ધ્રુજતા હાથે છાપું ફરીથી હાથમાં લીધું,  પૂરા સમાચાર જાણ્યા ત્યારે તો એનું હૃદય એટલા જોરથી ધડકવા માંડ્યું, કે એને લાગ્યું કે હમણાં પોતાને હાર્ટએટેક આવી જશે. નવીન માત્ર બળાત્કારી અને ખૂની જ નહોતો, એ જુગારી અને દારુડીયો પણ હતો. પહેલાં તો એનું મન માનવા જ તૈયાર ન થયું, કે એક વખતનો પ્રેમી નવીન આટલી હદે અધમ ?

 નીતાને કોલેજના દિવસોની યાદ તાજી થઇ ગઈ. નવીન, કોલેજમાં નીતાની સાથે ભણતી એની ખાસ ફ્રેન્ડ અમીના ભાઈનો એ ફ્રેન્ડ હતો, અમીએ જ નીતાની ઓળખાણ નવીન સાથે કરાવી હતી. નવીન એમનાથી એક વર્ષ આગળ હતો. એક વખતે કોલેજના બસ સ્ટોપ પર ઉભેલી નીતાને જોઇને નવીને પોતાની બાઈક પર એને લીફ્ટ આપવાની ઓફર કરી. નીતા પહેલા તો થોડી ખંચકાઈ, પણ પછી નવીનના આગ્રહને લીધે બાઈક પર બેસી ગઈ. પછી ક્યારેક ક્યારેક લીફ્ટ લેતા લેતા એનો સંકોચ ઓછો થયો.. એક દિવસ નવીન એને આગ્રહ કરીને કોફી પીવા માટે  કોફીહાઉસ લઇ ગયો, અને પછી તો એમની મુલાકાતો વધતી ગઈ. નીતાને આ ફેશનેબલ અને છેલબટાઉ નવીન ગમવા માંડ્યો હતો, એને નવીનનું અદમ્ય આકર્ષણ થવા લાગ્યું હતું.  માત્ર ચાર જ મહિનાની ઓળખાણમાં  નીતાને લાગ્યું કે પોતે નવીન વિના અધુરી છે. એને નવીન સાથે પ્રેમ થઇ ગયો. નવીન તો આ સંબંધ પ્રત્યે જરા પણ  સીરીયસ નહોતો, પણ નીતા નવીનને જીવનસાથીના રૂપમાં મેળવવાના સ્વપ્ન જોવા લાગી હતી.

‘નીતા બેટા, તારા માટે મનુકાકાના દીકરા અમરનું  માંગુ આવ્યું છે, છોકરો  દેખાવે સારો છે, સી..એ. થયેલો છે, કુટુંબ ખાનદાન છે, વળી સામેથી માંગુ આવ્યું છે. તો રવિવારે આપણે એમને ઘરે બોલાવીએ ?’ મનુભાઈએ દીકરી નીતાને પૂછ્યું. નીતા આ સાંભળતાં જ વિચારમાં પડી ગઈ, એટલે એની મમ્મી શીલાબહેને પૂછ્યું, ‘નીતા, તું  કેમ કંઈ બોલતી નથી ? આ બાબતે તારો શું વિચાર છે ?’ નીતાના ઘરનું  વાતાવરણ મોડર્ન અને પારદર્શક હતું, એટલે નીતાએ કહ્યું, ‘મમ્મી – પપ્પા, હું તમને કહેવાની જ હતી. હું નવીન નામના એક છોકરાને પસંદ કરું છું,  મારી ફ્રેન્ડ અમીના ભાઈનો એ ફ્રેન્ડ છે અને મને ગમે છે. જો તમને વાંધો ન હોય તો હું એને મળવા માટે આપણા ઘરે બોલાવું ?’

શીલાબહેને પતિ સામે પ્રશ્નાર્થ નજરે જોયું. મનુભાઈ પાકા વેપારી માણસ હતા. બધી બાજુનો વિચાર કરીને પગલું ભરે એવા ધીર ગંભીર અને ડાહ્યા માણસ. એમણે પત્નીને આંખના ઇશારે જવાબ આપી દીધો. શીલાબહેન પણ  સાચા રૂપમાં મનુભાઈના સહચરી હતા, પતિની વાત એ સાનમાં સમજી ગયા. મનુભાઈએ નીતાના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને  બોલ્યા, ‘બેટા, તને નવીન ગમતો હોય તો એને મળવામાં અમને વાંધો નથી. તારા ભવિષ્યનો સવાલ છે, એટલે મળ્યા બાદ એના વિશે  તપાસ કરાવીને જો યોગ્ય લાગ્યો તો અમે તારા લગ્ન એની સાથે કરાવવા તૈયાર છીએ.’  નીતા તો આ સાંભળીને એટલી ખુશ થઇ ગઈ કે પપ્પાને વળગી જ પડી, અને મમ્મીના ગાલે કિસ કરી લીધી. એ રાત્રે પોતાના બેડરૂમમાં પતિ-પત્નીએ  દીકરીના સારા ભવિષ્ય માટે શું કરવું તે બાબતે કરવા જેવી વાતો કરી લીધી.

નીતાએ તો બીજે દિવસે કોલેજમાં જઈને અતિ ઉત્સાહથી નવીનને આ ખુશખબર સંભળાવ્યા. નવીને ખુશ થવાનો ડોળ તો કર્યો, પણ એને મન તો ટાઈમપાસ માટે આ નીતા નામની એક્ટીવીટી સારી હતી, પણ લગ્ન ? નીતા જેવી સાધારણ ઘરની દીકરી સાથે લગ્ન કરીને શું ફાયદો ?  હા, લગ્નનું વચન આપીને નીતાનો જેટલો લાભ લઇ શકાય એટલો લઇ લેવો, એવી નિયત એ ધરાવતો હતો ખરો. પણ ખરેખર પરણવા માટે તો એ કોઈ કરોડપતિ શેઠની એકની એક દીકરીને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માંગતો  હતો, જો કે હજી સુધી કોઈ આવી માછલી એની જાળમાં ફસાઈ નહોતી, પણ નવીન એમ જલદી હિંમત હારે એવો નહોતો, એના પ્રયત્નો ચાલુ જ હતા.  

‘એય, શું વિચારમાં પડ્યો ? મને તો એમ હતું કે તું આ સમાચાર સાંભળીને ખુશ થઇ જઈશ, પણ તું તો...’  નીતાએ નવીનને સહેજ નિરાશ થઈને પૂછ્યું,  ત્યારે નવીને સજાગ થઇ જઈને નીતાને પોતાની બાંહોમાં સમાવી લઈને, ગાલે કિસ કરીને ખુશી વ્યક્ત કરવાનો અભિનય કર્યો. નીતા ભોળી હતી, એ ખુશ થઇ ગઈ, પછી  એ શરમાઈ ગઈ. એને તો ગાવાનું મન થયું, ‘આજ મૈ ઉપર, આસમાં નીચે, આજ મૈ આગે જમાના હૈ પીછે..’  એ બોલી, ‘બોલ, તું ઘરે ક્યારે આવે છે ?’ ‘ઘરે, ઘરે શા માટે ?’ નવીનથી બોલાઈ ગયું. ‘શા માટે તે મમ્મી-પપ્પાને મળવા’ નીતા બોલી. ‘આવીશ, ઘરે પણ આવીશ.’ નવીને કહ્યું અને પછી ઉતાવળે ઉમેર્યું, ‘નીતા, અત્યારે મારે એક અર્જન્ટ કામ છે, એટલે જવું પડશે, આપણે કાલે મળીએ ?’ કહીને નીતાના જવાબની રાહ જોયા વગર એ ચાલતો થયો. નીતાને નવીનનું આવું વર્તન વિચિત્ર  લાગ્યું, પણ પછી મન મનાવીને એ ક્લાસમાં ગઈ.   

કોલેજમાં નિયમિત મળતો નવીન ‘કાલે આવીશ, કાલે આવીશ’ કહીને પાંચ – છ દિવસ સુધી ઘરે  મળવા ન આવ્યો, એટલે નીતા ઉદાસ હતી. ‘એના મનમાં શું ચાલી રહ્યું છે, તે આજે તો એની સાથે ચોખવટ કરી જ લેવી છે’ એમ વિચારીને નીતા કોલેજ ગઈ, પણ નવીન એને ક્યાંય નજરે ન ચઢ્યો. નીતાએ નવીનને ફોન લગાડ્યો, તો ‘ધીસ નંબર ઈસ ટેમ્પરરીલી આઉટ ઓફ ઓર્ડર’ આવ્યે રાખ્યું.  એટલું જ નહીં એ પછી કોલેજમાં નવીન એને ક્યારેય નજરે ન ચઢ્યો. એ રહેતો હતો તે હોસ્ટેલમાં પણ નીતા તપાસ કરી આવી, પણ એનો ક્યાંય પત્તો નહોતો. એ ક્યાં ગયો તે અમી કે એના ભાઈને પણ જાણ નહોતી. બહુ લાંબા સમય સુધી એનો કોઈ પત્તો ન મળ્યો, એટલે નીતા પાસે  હવે એને ભૂલી જવા સિવાય કોઈ રસ્તો નહોતો.

ભણવાનું પૂરું થયું એટલે નીતા મમ્મી – પપ્પાએ પસંદ કરેલા મુરતિયા અમર સાથે પરણી ગઈ. મમ્મી – પપ્પાની વાત સાચી જ હતી, અમરનો અને એના મમ્મી – પપ્પાનો સ્વભાવ ખુબ સારો હતો. નીતાનું લગ્નજીવન ખુશહાલ હતું. પણ  ક્યારેક  ક્યારેક એને નવીનની યાદ આવી જતી, તો એ એક દુસ્વપ્ન સમજીને ભૂલી જવાની ટ્રાય કરતી. આજે છાપામાં જુગારી, દારૂડિયો અને બળાત્કારી તરીકે પકડાયેલા અને લોકોના હાથે મૃત્યુ પામેલા નવીનના સમાચાર વાંચીને એને અત્યંત આઘાત લાગ્યો, એની આંખોમાંથી આંસુઓ સરી પડ્યા, ક્યાંય સુધી એ સુનમુન થઈને બેસી રહી.

‘જો નવીનને પરણી હોત તો મારું શું થાત ? આખું જીવન બરબાદ થઇ ગયું  હોત. થેંક ગોડ !  સારું થયું કે નવીન મારી જિંદગીમાંથી સમયસર દૂર થઇ ગયો.’ નીતાએ વિચાર્યું. પણ નીતાને  ક્યાં ખબર હતી કે, એના મમ્મીપપ્પાએ નવીન વિશે પુરેપુરી તપાસ કરાવી હતી. અને પછી એના કુલક્ષણો વિશે જાણીને, પોતાની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે એની સાથે એક ‘ડીલ’  કરી હતી, ‘જો નવીન, નીતા સાથેના તમામ કોન્ટેક્ટ છોડી દે તો એને દર મહીને  દસ હજાર રૂપિયા આપવામાં આવશે. નવીને દસ ના બદલે પંદર હજાર માંગ્યા હતા, નીતાના પપ્પા તો  એ માટે પણ તૈયાર થઇ ગયા હતા.

’દીકરીના જીવનભરના સુખ કરતાં રૂપિયા કંઈ વધારે મહત્વના થોડા જ હતા ?’  હા, એમણે નવીનને કડક ચેતવણી જરૂર આપી હતી, ’જે દિવસે મને ખબર પડશે કે તેં નીતાનો સંપર્ક કર્યો છે, એ દિવસથી તને રૂપિયા  મળવાના બંધ થઇ જશે. નવીન કંઈ મૂરખ થોડો જ હતો કે ‘સોનાના ઈંડા મુકતી મરઘીને મારી નાંખે ? એ બેશરમને તો વગર મહેનતે દર મહીને મળતાં પંદર  હજાર રૂપિયા સદી ગયા હતા. એણે નીતા સાથેનો સંપર્ક પુરેપુરો તોડી નાંખ્યો હતો.

એક ફિલ્મનું ગીત છે ને - ‘કોઈ લાખ કરે ચતુરાઈ કરમકા લેખ મીટે ના રે ભાઈ....’ એટલે માણસ ગમે તેટલી ચતુરાઈ કરે પણ ‘કર્મનો સિધ્ધાંત’ કોઈને છોડતો નથી. નવીનને પણ ન જ છોડ્યો, અને આખરે એ કમોતે મર્યો. નવીનના અપમૃત્યુથી  આજે નીતાના મમ્મી પપ્પા નવીનના સકંજામાંથી મુક્ત થઈ ગયા હતા. જો કે નીતા આ વાતથી સંપૂર્ણપણે અજાણ હતી. (આમ પણ  કેટલા સંતાનોને જાણ હોય છે  છે કે - પોતાના મમ્મીપપ્પા હંમેશા પોતાના ‘શુભચિંતક’ હોય છે, અને એ માટે તેઓ કેટલા જોખમો ઉઠાવે છે, કેટલી કુરબાનીઓ આપે છે ?)


No comments:

Post a Comment