Wednesday, 22 July 2020

ભલુ થયું ભાંગી જંજાળ.

ભલુ થયું ભાંગી જંજાળ.                            પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

આપણું આ ગામડાનું જુનું  ઘર પડું પડું થઇ રહ્યું છે, એને ટેકો કરવા ચાર થાંભલા ભરવા પડશે, દિવાલો પરથી ચુનો ખરે છે, તેના પર પ્લાસ્ટર કરીને રંગરોગાન કરાવવી પડશે, અને છત ચોમાસામા ચૂવે છે તે પણ નવા નળિયા નાખીને રીપેર કરાવવી પડશે. કોંટ્રાક્ટરે બે લાખ રુપિયા ખર્ચનો અંદાજ આપ્યો છે. તારાથી થોડી ઘણી સગવડ થઇ શકતી હોય તો સારું.  એવા બોરસદ ગામેથી બાપા કરસનભાઇના પત્રના જવાબમા પુત્ર જયેશ, કે જે અમદાવાદમા સ્થાયી થયેલો હતો, તેણે લખ્યું, બાપુ, આ નવો ફ્લેટ લીધો છે, તેની લોનના હપ્તા ચાલુ છે. ગયા મહિને ગાડી લીધી છે, તેની લોનના હપ્તા પણ ચાલુ છે, ઉપરથી છોકરાઓના ભણતરનો  ખર્ચો. હમણા તો મારાથી રૂપિયાની સગવડ થાય તેમ નથી.  એક કામ કરો, વડોદરા ફોન કરીને બનેવી પાસે રૂપિયા માંગો, અને જો એ રૂપિયા આપવાની ના પાડે તો એ લોકોને રહેવા જે ફ્લેટ તમે આપ્યો છે, તે વેચીને ગોઠવણ કરી લો.’

કરસનભાઇ અને કાશીબહેન પુત્રનો પત્ર વાંચીને થોડા નારાજ થયા અને થોડા ગુસ્સે પણ થયા. પુત્ર જયેશે જ્યારે અમદાવાદમા ઘર લીધું, ત્યારે બાપાએ ગામડે ત્રણ ખેતરમાથી એક ખેતર વેચી દઇને એને દસ લાખ રુપિયા આપેલા ત્યારે  વિચારેલું, જ્યારે જરૂર પડશે ત્યારે પુત્ર મદદ કરશે જ ને ?’  પણ હવે ?  જયેશે તો હાથ ઊંચા કરી દીધા. બંને જણા  વિમાસણમા પડ્યા, દિકરી જમાઇને રહેવા આપેલો ફ્લેટ ખાલી કરવાનુ કેમ કહેવાય ?  આ પડું પડું થઇ રહેલા ઘરને રીપેર કરાવવું પણ ખુબ જરૂરી હતું, પણ એના માટે રૂપિયા ક્યાંથી લાવવા ?  બન્ને જણ ચિંતામા ડૂબેલા હતા. એ વખતે કરસનભાઇના વડોદરા રહેતા મિત્ર સુરેશભાઇ એમને મળવા આવ્યા.

‘શું વિચારમાં પડ્યા છો બંને જણ ?’  એવું પુછાતા કરસનભાઈએ  સુરેશભાઇને પોતાની આર્થિક સમસ્યાની વાત કહી. એ જાણીને સુરેશભાઈ  બોલ્યા, જો કરસન, તારે દિકરો – દિકરી, બંને સારે ઘેર પરણીને ઠેકાણે પડી ગયા છે, તું ય હવે મારી જેમ નિવૃત્તિની ઉંમરે પહોંચ્યો છે. શહેરમાં વસી ગયેલો તારો દિકરો પણ હવે કંઇ ખેતર સંભાળવા ગામડે આવવાનો નથી. આજકાલ જમીનના ભાવ સારા મળી રહ્યા છે. તો તું તારા બાકીના બે ખેતર વેચી કાઢ. જે રુપિયા આવે એમાથી બે લાખ ખરચીને ઘર રીપેર કરાવી લે,  અને બાકીના રુપિયાની બેંકમા ફિક્સ ડીપોઝીટ મૂકી દે. એના વ્યાજમાથી તારો ઘરખરચ, વટ - વ્યવહાર સારી રીતે ચાલી જશે, ને બેય જણા એ ય ને નિરાંતની જીંદગી જીવી શકશો.

કરસનકાકા અને કાશીકાકીએ સુરેશભાઇની વાત વિચારી જોઇ, તો એમની વાત બંનેના ગળે ઉતરી. અંતે એ મુજબ બાકીના બે ખેતરો વેચી નાખ્યા. ઘર રીપેર કરાવ્યું અને બાકીના રુપિયા ઘરખર્ચ માટે વ્યાજે મૂકી દીધા. અને બોલ્યા,  ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ.


No comments:

Post a Comment