માયકાંગલો. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
‘દાગતર સાયેબે શું કીધું?’ ડૉકટરે દર્દી રમેશભાઈને તપાસી લીધા પછી એમને અને
રમીલાબહેનને કેબીનની બહાર બેસવાનું કહીને, દર્દીના ઉપચાર બાબતે રમેશભાઈના દીકરા સુરેશ સાથે વિગતવાર
ચર્ચા કરી લીધી. સુરેશ બહાર આવ્યો એટલે રમીલાબહેને સુરેશને ડૉકટરે શું કહ્યું તે
અંગે પૂછ્યું. વાત જાણે એમ બની હતી કે ગુજરાતના એક ગામડામાં રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઈની તબિયત ઘણા
વખતથી સારી નહોતી રહેતી. ગામમાં ડૉકટરની દવા લાંબો સમય લીધા પછી પણ તબિયતમાં ખાસ
ફેર ન પડ્યો, એટલે પતિ – પત્ની શહેરમાં જઈ મોટા ડૉકટરને બતાવવાનું વિચારતા જ હતા.
એમાં ગામના ડૉકટરે સામેથી એમને શહેરના દવાખાને તપાસ અર્થે જવા સૂચન કર્યું, મોટો
દીકરો સુરેશ મુંબઈમાં રહેતો હતો એટલે બંને જણાએ મુંબઈ જઈ મોટા ડૉકટરને બતાવવાનું
નક્કી કર્યું.
ફોન કરીને મુંબઈ રહેતા મોટા દીકરા સુરેશને આ અંગે જણાવ્યું, અને ડૉકટરનો ટાઈમ (એપોઇન્ટમેન્ટ)
લેવાનું કહ્યું. સુરેશે બીજે દિવસે
ફોન કરીને માબાપને કહ્યું કે ડૉકટર બહારગામ ગયા છે, ત્યાંથી આવશે એટલે પોતે
એપોઇન્ટમેન્ટ લઈને જણાવશે. એ વાતને અઠવાડિયું વીતી ગયું છતાં સુરેશ તરફથી કોઈ
ફોન ન આવતા રમેશભાઈએ સુરેશને ફરી ફોન
કર્યો. સુરેશે કહ્યું, ‘હું મારી ઓફીસના કામકાજમાં વ્યસ્ત હતો એટલે એપોઇન્ટમેન્ટ
લેવાનું ભૂલી ગયો છું, કાલે ડૉકટર સાથે
વાત કરીને તમને જણાવું છું.’ બીજા દિવસે સુરેશનો ફોન આવ્યો કે ડૉકટરે આવતા
અઠવાડીયે ગુરુવારની એપોઇન્ટમેન્ટ આપી છે, તમે બંને જણ બુધવાર સુધીમાં મુંબઈ આવી
જાવ.’
રમેશભાઈ અને રમીલાબહેન બુધવારે દીકરા સુરેશના ઘરે મુંબઈ પહોંચી ગયા, ગુરુવારે
ડૉકટરને બતાવ્યું. ડૉકટરે રમેશભાઈને તપાસીને એમને બહાર બેસવાનું કહીને સુરેશ સાથે
વિગતવાર ચર્ચા કરી. રમીલાબહેનના સવાલ ‘દાગતર સાયેબે શું કીધું ?’ ના જવાબમાં સુરેશે ‘ઘરે જઈને તમને વિગતે
વાત કહું છું.’ એમ કહ્યું એટલે બંને જણ અધીરાઈ પૂર્વક ઘરે પહોંચવાની રાહ જોઈ
રહ્યા. ઘરે પહોચીને સુરેશે એની પત્ની સીમાની હાજરીમાં મા - બાપુને કહ્યું, ‘ડૉકટરે
કહ્યું છે કે બાપુની એક કિડની ફેઈલ થઇ ગઈ
છે, અને બીજી પણ થોડી નબળી પડી છે. ઓપરેશન કરાવીને એક કિડની બદલાવવી પડશે.’ આ
સાંભળતાં જ રમેશભાઈ અને રમીલાબહેનના મોં પર
ચિંતાના વાદળો ઘેરાઈ આવ્યા. ‘ઓપરેશન ક્યારે કરાવવાનું કહ્યું છે ?’
રમેશભાઈએ પૂછ્યું. ‘જેમ બંને એમ જલદી, પણ એ માટે તમારી બોડીને મેચ થાય એવી કિડની
મળવી જોઈએ.’
સાંજે ડીનર લીધા પછી વહુ – દીકરો ક્લબમાં જવા માટે પોતાની રૂમમાં કપડાં
બદલવા ગયા, ત્યારે ગુસપુસ અવાજે વાત કરી રહ્યા હતા. સીમા કહી રહી હતી,’ આ વળી નવી
ઉપાધી આવી, ખર્ચાના ખર્ચા ને ઉપરથી કેટલાય દિવસો સુધી ચાકરી કરવી પડશે તે જુદી.’ ‘તારી વાત તો સાચી
છે, પણ હું દીકરો છું, અને એ સગા મા-બાપ છે, તે ઉપચાર કરાવ્યા વગર કંઈ છૂટકો છે ?‘ ‘તમે એકલા જ
દીકરા છો કે ? મહેશ પણ તો એમનો દીકરો જ છે ને ? એની કંઈ ફરજ ખરી કે નહીં ?’ સીમા
નારાજગીથી બોલી. ‘એ માયકાંગલો ? શેક્યો પાપડ પણ ભાંગી ન શકે, એ વળી મા- બાપ માટે
શું કરવાનો ?’ સુરેશે કહ્યું. અને બંને જણ ક્લબમાં જવા નીકળી ગયા.
પતિ પત્ની ઘરમાં એકલા પડ્યા એટલે રમેશભાઈ અને રમીલાબહેન ‘હવે શું કરશું
?’ એવા વિચારમાં પડ્યા. ‘મહેશને ફોન તો કરો’ રમીલાબહેને કહ્યું. ‘એ માયકાંગલો વળી આમાં
શું કરી શકવાનો હતો ?’ રમેશભાઈએ નિસાસો નાખીને જાણે સુરેશની વાતનો પડઘો પાડતા હોય
એમ કહ્યું. રમીલાબહેન હજી કંઈ બોલવા જાય એ પહેલાં જ રમેશભાઈના મોબાઈલની રીંગ વાગી. મહેશનો જ ફોન
હતો, નિરાશ થયેલા રમેશભાઈ મહેશને કંઈ કહેવા નહોતા માંગતા, એટલે રમીલાબહેને જ ફોન
ઉપાડ્યો. ‘મા, ડૉકટરે બાપુને શું કીધું ?’ ચીંતાતુર અવાજે એણે પૂછ્યું. રમીલાબહેને
એને બધી વાત કરી. મહેશે કહ્યું, ‘મા, બાપુને કહેજે કે ચિંતા ન કરે, ભગવાનના આશીરવાદથી બાપુ સાજા થઇ
જાહે.’
રમેશભાઈ અને રમીલાબહેનને બે દીકરા, સુરેશ અને મહેશ. એમાં સુરેશ બધી રીતે હોંશિયાર.
ભણવામાં, રમત ગમતમાં, સંસ્કૃતિક પ્રોગ્રામમાં બધામાં આગળ, અને મહેશ બધી રીતે પાછળ.
ગામના લોકો રમેશભાઈ આગળ સુરેશના વખાણ કરે,
ત્યારે એમની છાતી ગજ ગજ ફૂલે. પણ મહેશની વાત નીકળે ત્યારે એ ચુપ થઇ જાય. સુરેશને
જોઇને એમનું મન હરખાય, ગર્વનો અનુભવ થાય, પણ મહેશને જોઇને એ નિસાસો નાખે, ‘જો ને
એક જ મા બાપના બે દીકરા તો પણ કેટલો ફરક ?’ રમેશભાઈ જ્યારે જ્યારે આવું બોલે ત્યારે રમીલાબહેન
એમને સમજાવે કે ભગવાને આપેલા બંને દીકરાને હરખા ગણવા, એમની વચ્ચે હરખામણી કરવી નહિ,
પણ રમેશભાઈ પત્નીની વાત માને નહિ.
સુરેશ ભણવામાં હોંશિયાર એટલે એ ગામની નિશાળનું બાર ધોરણ સુધીનું ભણતર
પૂરું કરીને શહેરમાં કોલેજનું ભણવા ગયો.
શહેરની હોસ્ટેલમાં રહીને ભણવાથી તે સ્માર્ટ
બન્યો, ફેશનેબલ પણ બન્યો. ભણી રહ્યા પછી એને ગામડું નાનું અને પછાત લાગવા
માંડ્યું. એણે શહેરમાં જ નોકરી શોધી લીધી. નોકરીમાં સ્થિર થયા બાદ એણે પોતાની પસંદની
છોકરી પણ શહેરમાંથી જ શોધી લીધી અને પરણી પણ
ગયો. એને તો હવે પોતાના મા બાપ પણ અભણ અને સંકુચિત માનસના લાગવા માંડ્યા, એટલે એણે
ગામડે આવવાનું પણ ઓછું કરી નાખ્યું. ખેતી અને ઢોર – ઢાંખર હોવાથી રમેશભાઈ –
રમીલાબહેન મુંબઈ ઓછું જ જતા. મહેશને તો મુંબઈ જવાનું જરાય ગમતું નહિ, એ ભલો ને એનું
ગામ, એનું કામ અને એના ભાઈબંધો ભલા.
મહેશને ભણવામાં બહુ રસ નહોતો એટલે એણે ગામની સ્કુલમાં ફક્ત બાર ધોરણ સુધી
ભણ્યા બાદ, બાપુ રમેશભાઈને ખેતીમાં મદદ કરવા માંડી. ગામના સરપંચની નવમું પાસ થયેલી
અને સારી દેખાતી છોકરી સીતાને આ સીધો સરળ મહેશ ગમી ગયેલો, એટલે એણે પોતાના મનની
વાત માને કહીને, બાપુ દ્વારા સામેથી જ રમેશભાઈના
ઘરે મહેશ માટે લગ્નનું કહેણ
મોકલાવેલું. ‘ક્યાં પોતાનું સાધારણ ઘર, અને ક્યાં સરપંચ ચમનભાઈનું ભર્યું ભાદર્યું
ઘર ? ક્યાં ચપળ અને સુંદર દેખાતી સીતા અને
ક્યાં સીધો સાદો મહેશ ?’ રમેશભાઈને નવાઈ તો લાગી, પણ રમીલાબહેને કહ્યું, ‘જોડી તો
ઉપરવાળો બનાવે છે, ત્યારે જ તો મારા મહેશ માટે સામેથી આવું સારું માંગુ આવ્યું ને
?’ મહેશને મન તો પોતાના મા- બાપુની આજ્ઞા શિરોમાન્ય, એમના કહેવાથી એ સીતાને પરણી ગયો. સીતા આ ઘરમાં ‘દૂધમાં સાકર
ભળે’ એમ ભળી ગયેલી, ચારે જણા સુખ શાંતિ અને સંપથી રહેતા, અને ત્યાં જ આ અચાનકની
તકલીફ આવી પડી. રમેશભાઈની કિડની ફેઈલ થઇ
ગઈ, ઓપરેશન કરાવવાનું આવ્યું.
મહેશે સીતાને બાપુની તબિયત અંગે વાત કરી, એટલે સીતાએ કહ્યું, ‘આપણે પહેલા
તો અહીના ડૉકટર પાસે આજે જ જઈને એમની સલાહ લઇ લઈએ.’ બંને જણાએ ડૉકટર પાસે જઈને જાણી લીધું કે ‘બેમાંથી એક પણ દીકરાની કિડની મેચ થાય તો
રમેશભાઈની કિડની બદલી શકાય.’ બીજે જ દિવસે
સીતાએ મહેશના હાથમાં બે લાખ રૂપિયા મૂક્યા અને કહ્યું, ‘હું અહીનું કામકાજ સંભાળી
લેવા, તમે વહેલી તકે મુંબઈ ઉપડો અને તમારી કિડની કામ લાગે તો આપીને બાપુને બચાવી
લો’ ‘પણ આ રૂપિયા તું કાંથી લાવી ?’ એવા મહેશના સવાલના જવાબમાં હસીને એણે કહ્યું,
‘ચોરી કરીને નથી લાવી, મારા માબાપુએ મારા લગન વખતે મને આપવા માટે બચાવીને રાખેલા,
પણ તમે તો દહેજ લેવાની જ ના પાડી, એ જ રૂપિયા માબાપુએ આપણને જરૂર પડી એટલે આઈપા
છે. મહેશની આંખમાં આવેલાં ઝળઝળીયાં જોઇને સીતાએ કહ્યું, ‘અરે, આવા વખતે કામ નઈ
લાગે તો એ રૂપિયા હું કામના?’ તે છતાં તમને લેવાનું નઈ ગમતું હોય તો આપણા ખેતરના
પાકના પૈસા આવશે એટલે ટુકડે ટુકડે એમને પાછા આપી દઈશું, હવે અહીની ચિંતા કર્યા
વિના જાવ, અને બાપુને સાજા કરીને પાછા લઇ આવો.’
મહેશે જ્યારે પોતાની કિડની આપીને રમેશભાઈનો જીવ બચાવ્યો, દવાખાનાનું બીલ
ભર્યું અને ખડે પગે બાપુની ચાકરી કરીને સાજા કરીને ઘરે લઇ આવ્યો, ત્યારે સાજા થઈને
આવેલા રમેશભાઈના પસ્તાવાનો પાર નહોતો, પતિપત્ની એકલા હતા, ત્યારે એમણે પોતાની ભૂલ
કબુલ કરતાં કહ્યું, ‘રમીલા, તું તો કહેતી રહી, પણ હું જ મારા સાચા હીરા જેવા દીકરાને
પારખી નઈ શક્યો, કાયમ મહેશને માયકાંગલો માનતો રીયો, પણ અનુભવ થીઓ ત્યારે જ ખબર પડી
કે મહેશ નહીં, પણ માયકાંગલો દીકરો તો સુરેશ જ છે.’ આ
સાંભળીને રમીલાબહેને રમેશભાઈને કહ્યું, ‘સુરેશના
બાપુ, એક વાત નક્કી રાખો કે હરખામણી
કરવાથી તો દુઃખ જ મલે, એટલે કોઈ દિ’ કોઈની હરખામણી કોઈ
હાથે કરવી નઈ, બધા પોતપોતાની જગાએ બરાબર જ છે,
જુવો ને આપણા હાથની જ પાંચ આંગળી કાં હરખી છે ?’ અને રમેશભાઈ પત્નીની આ
સમજદારી જોઈને મલકી રહ્યા.
No comments:
Post a Comment