Wednesday, 22 July 2020

પછાત.

પછાત.             પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. 

‘લો, પપ્પા. આ તમારી ફાઈલ. તમને તો આ જ જોઈતું હતું ને ?’ એક સાંજે ઓફિસેથી  ઘરે આવીને પુત્ર રોહિતે ડ્રોઈંગરૂમમાં સોફા પર બેસીને ટી.વી. પર ન્યુઝ જોઈ રહેલા પોતાના પપ્પા ચંપકભાઈની સામે એક ફાઈલ લંબાવતા કહ્યું. ‘આ શાની ફાઈલ છે, બેટા ?’ ચંપકભાઈએ રોહિતને પૂછ્યું, ચંપકભાઈની બાજુમાં બેસીને શાક સમારી રહેલા સુધાબહેન ઉત્સુકતાપૂર્વક શાક સમારવાની પ્રવૃત્તિ અટકાવીને રોહિતની સામે જોઈ રહ્યા. ‘મને શું પૂછો છો, તમે પોતે જ જોઈ લો ને’ એમ કહીને ગુસ્સાથી પગ પછાડતો રોહિત પોતાની રૂમમાં જતો રહ્યો. પતિપત્ની બંને વિમાસણમાં પડ્યા.

ચંપકભાઈએ ફાઈલ ખોલીને કાગળો જોયા તો આશ્ચર્યથી અવાક થઇ ગયા. ‘શું છે આમાં ? શેના કાગળો છે ?’ સુધાબહેને એમની સામે જોઇને પૂછ્યું,  પણ વિચારમાં ગરકાવ થઇ ગયેલા ચંપકભાઈના કાને આ બોલ પડ્યા નહિ, એટલે સુધાબહેને એમનો હાથ પકડીને એમને વિચારોમાંથી બહાર કાઢ્યા અને ફરીવાર એ જ સવાલ પૂછ્યો, ‘શેની ફાઈલ છે ? ચંપકભાઈએ  ઢીલા અવાજે કહ્યું, ‘આપણા કુટુંબને ઓ.બી.સી. (અધર બેકવર્ડ ક્લાસ)માં  સમાવી લીધાના પુરાવારૂપ કાગળો છે.’  ‘ઓ.બી.સી. એટલે પછાત જાતિ જ ને ?’ સુધાબહેને પૂછ્યું અને ચંપકભાઈએ એમની સાથે નજર મેળવ્યા વગર હકારમાં ડોકું ધુણાવ્યું. એ જોઇને સુધાબહેનના મોં પર પતિ પ્રત્યેનો અણગમો ચોખ્ખો તરી આવ્યો.

વાત જાણે એમ બની હતી કે ચંપકભાઈ ઘણા વર્ષોથી એક સ્કુલમાં ટીચર હતા. અનુભવ અને લાયકાતની દ્રષ્ટિએ જોઈએ તો ચંપકભાઈ વર્ષો પહેલા પ્રિન્સીપાલ બની ચુક્યા હોવા જોઈએ, પણ એવું થયું નહિ. સ્કુલમાં જ્યારે પણ   પ્રિન્સીપાલ નિવૃત્ત થતા ત્યારે એમનું નામ આ પદ માટે ચર્ચાતું  ખરું, પણ પછી જ્ઞાતિને લગતા સરકારી કાયદાઓના કારણે, એમના પછી આવેલા, ઓછું ભણેલા, ઓછા અનુભવી અને ઓછી લાયકાતવાળા પણ પછાતજાતિના શિક્ષકો આ પદ પડાવી લેતા હતા. ચંપકભાઈ આ જોઇને અત્યંત દુખી અને હતાશ થઇ જતા, પોતે સવર્ણજ્ઞાતિના હોવાનો આ એક જ ગેરફાયદો એમને કઠતો.

એમની ટીચર તરીકેની વર્ષોની કારકિર્દી દરમ્યાન બે ત્રણ વાર આવું બન્યું, એટલે તેઓ ખુબ જ નિરાશ થઇ ગયા હતા. આવતા  વર્ષે પણ એમની સ્કુલના પ્રિન્સીપાલ નિવૃત્ત થઇ રહ્યા હતા. ચંપકભાઈ તમામ ટ્રસ્ટીઓને મળીને પોતાને આ પદ આપવા માટે ભારપૂર્વક રીક્વેસ્ટ કરી ચુક્યા હતા ટ્રસ્ટીઓએ ખુલીને વાત કરવાને બદલે મોઘમ ભાષામાં એક જ વાત કહી, ‘આ બધું કંઈ અમારા હાથમાં નથી હોતું, અમારે તો સરકારી કાયદા પ્રમાણે ચાલવું પડે, છતાં તમારે માટે અમારાથી થાય એવા પ્રયત્ન અમે કરીશું.’  ચંપકભાઈ એમના કહેવાનો અર્થ ન સમજે એટલા ‘નાસમજ’ તો હતા નહિ, પણ તેઓ લાચાર જરૂર હતા.

એક દિવસ રવિવારે ચંપકભાઈના ઘરે  મળવા આવેલા એમના ખાસ દોસ્ત સનતભાઈએ  ચંપકભાઈની મનોવ્યથા અને કરમની કઠણાઈની વાત સાંભળીને એમને  સલાહ આપી, ‘હવે તો સરકારી લાભો મેળવવા માટે ઘણી સવર્ણ જ્ઞાતિઓ પણ પોતાને ઓ.બી.સી.માં  સમાવી લેવા સરકારી કાર્યવાહી  કરી ચુકી છે, તારી જ્ઞાતિ પણ એમાં આવી ચુકી હશે, તો તું કેમ એ માટે કોઈ તપાસ કે પ્રયત્ન કરતો નથી ?’ ‘તારી વાત તો સાચી છે, યાર. પણ આપણે સવર્ણ તરીકે જન્મ લીધા છતાં જાણી કરીને  પછાત થવાનું ?’ ચંપકભાઈ ખેદપૂર્વક બોલ્યા. ‘સરકાર કાયદા જ એવા કરે તો પ્રજાએ આવું કરવું પડે, મેં તો તને ઉપાય બતાવ્યો, તારે અજમાવવો કે નહિ તે તું જાણે’ કહીને  સનતભાઈ  તો સુધાબહેનના હાથની ચા પીને ચાલતા  થયા.

ચંપકભાઈએ તપાસ કરી તો એમને જાણવા મળ્યું કે, પોતાની જ્ઞાતિમાં ઘણા કુટુંબો ઓ.બી.સી. માં સમાવિષ્ટ થઇ ચુક્યા હતા. ‘પ્રિન્સીપાલ થવા માટેની  આ કદાચ છેલ્લી જ તક છે, પછી તો રીટાયર્ડ  થવાનો સમય આવી જશે.’ એમ વિચારીને ચંપકભાઈએ પણ પોતાના કુટુંબને  ઓ.બી.સી.મા સમાવી લેવાની અરજી પોતાની જ્ઞાતિના લીડરને કરી હતી. આજે રોહિતે જે ફાઈલ એમને આપી એમાં એને લગતા જ કાગળીયા હતા, જેના આધારે હવે પોતાને પ્રિન્સીપાલ  પદ મળવાની ગેરેંટી હતી. આમ જુઓ તો ચંપકભાઈએ ખુશ થવાની  વાત હતી, એના બદલે તેઓ અવાક કેમ થઇ ગયા ? અને રોહિત ફાઈલ આપતી વખતે એમના પર ગુસ્સે કેમ થયો ?     

એ પણ એક રહસ્યની વાત છે. વાત જાણે એવી છે, કે રોહિતને ગમેલી અને  જીવનસાથી તરીકે એણે પસંદ કરેલી એક છોકરી જીજ્ઞા, બધી રીતે સારી  હતી. એનો દેખાવ, એનું ફેમીલી, એનું એજ્યુકેશન અને જોબ, એનો સ્વભાવ, એની રહેણી કરણી, રીતભાત બધું જ બરાબર હતું. પણ માત્ર ‘પછાતજાતિ’ ની હોવાથી ચંપકભાઈએ એની સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. રોહિતે જીજ્ઞાના સ્વભાવના પોઝીટીવ પાસાઓ બતાવીને પપ્પા આગળ એની ઘણી  તરફેણ કરી, પણ ચંપકભાઈ એક ના બે ન થયા. ‘પછાતજાતિની’ છોકરીને હું કોઈ કાળે  આ ઘરમાં વહુ તરીકે સ્વીકારું નહિ’ એ જાહેરાત તેઓ મક્કમપણે કરી ચુક્યા હતા.  

રોહિતે પપ્પાની ગેરહાજરીમાં મમ્મી સુધાબહેન આગળ જીજ્ઞાની બાબતે પપ્પાને સમજાવવાનું કામ સોંપ્યું હતું. સુધાબહેને ચંપકભાઈને ઘણું સમજાવ્યા, ‘છોકરી બધી રીતે સારી છે, તમે તમારો નિર્ણય બદલશો નહિ તો છોકરો આપણા હાથમાંથી(ઘરમાંથી) જતો રહેશે’ એવી દહેશત પણ વ્યક્ત કરી હતી, પણ ચંપકભાઈનો પછાતજાતિ માટેનો તિરસ્કારનો ભાવ એટલો મજબુત હતો કે એમના મગજમાં આ વાત ઉતરતી જ નહોતી. અને આજે હવે પોતાના ફાયદા માટે  પોતે પછાત બનવા પણ તૈયાર થઇ ગયા ? આજ સુધી પતિ સામે ભાગ્યે જ દલીલ કરતા સુધાબેન બોલ્યા, ‘હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાડવાના જુદા – એ આજ સુધી માત્ર સાંભળ્યું જ હતું, આજે તો જોઈ પણ લીધું’ કહીને સમારેલા શાકની થાળી લઈને રસોડામાં ચાલતા થયા.   

રસોઈ થઇ ગઈ એટલે સુધાબેને બાપ – દીકરાને જમવા બોલાવ્યા, બંનેએ જમવાની આનાકાની કરી તો સુધાબહેન ‘ગમે એટલી નારાજગી હોય, અન્નાદેવતાનું અપમાન કોઈ દિવસ ન કરવું’ કહીને બંનેને સમજાવીને જમવા લઇ આવ્યા. ત્રણે જણે ચુપચાપ ડીનર લીધું. રોહિત જમીને પાછો એની રૂમમાં ચાલી ગયો, સુધાબેન રસોડામાં બાકી રહેલું કામ પતાવીને બહાર આવ્યા. ‘ચાલ મારી સાથે’ કહીને ચંપકભાઈએ એમનો હાથ પકડ્યો. ‘મને ક્યા લઇ જાવ છો ?’ સુધાબહેન નવાઈથી એમને  પૂછ્યું. ‘તું ચાલ તો ખરી’ કહીને  એ સુધાબહેનને રોહિતની  રૂમ તરફ લઇ ગયા. સુધાબહેન કંઈ સમજાયું નહિ, તેઓ  હજી પણ નવાઈપૂર્વક પતિની આ ચેષ્ટા જોઈ રહ્યા હતા.

ચંપકભાઈએ  રોહિતની રૂમના બારણે ટકોરા મારીને પૂછ્યું, ‘બેટા, રોહિત. તારી સાથે એક અગત્યની વાત કરવી છે, અમે અંદર આવીએ ?’ ‘મારી સાથે શું વાત કરવી છે ‘પપ્પા ?’ રોહિત એમને પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો. ‘બેટા, મારી ભૂલ બદલ તારી માફી માંગુ છું, અને ભૂલ સુધારવા માંગુ છું. મને એક તક આપીશ ?’ ચંપકભાઈએ હાથ જોડ્યા અને રોહિત કંઈ કહે તે પહેલાં જ ઉમેર્યું,  ‘બેટા, જીજ્ઞાને હું આ ઘરની પુત્રવધુ તરીકે સ્વીકારું છું. આ રવિવારે જ આપણે એના ઘરે માંગુ લઈને જઈશું.’

રોહિત તો આ સાંભળીને ‘થેંક્યું પપ્પા’ કહેતો  ખુશીથી ચંપકભાઈને વળગી પડ્યો. સુધાબહેન પણ પિતા – પુત્રનું આ મધુર મિલન  જોઇને હાથ જોડીને મનોમન  બોલ્યા, ‘મારા વહાલા કાન્હા, આખરે તેં મારી પ્રાર્થના સાંભળી ખરી.’


No comments:

Post a Comment