Wednesday, 22 July 2020

અનુશ્રી.

અનુશ્રી.                               પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

‘અનુશ્રીનું કન્યાદાન તો તારા હાથે જ થશે દોસ્ત સંજય, આજ સુધી તારી દરેક વાત અમે માની છે, પણ આ બાબતમાં તારી કોઈ આનાકાની કે બહાનાબાજી હું અને મીરાં ચલાવી લેવાના નથી. કંકોત્રીની સાથે  ફ્લાઈટની ટીકીટ પણ તને મોકલી રહ્યો છું, આવવાની તૈયારી કરી લેજે.’ બાલ્કનીમાં આવીને અનિલ પોતાના મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. વાત કરતી વખતે એનો અવાજ આદ્ર થઇ ગયો હતો અને આંખો ભીની. ‘પપ્પા, મારું કન્યાદાન કોના હાથે કરાવવા માંગો છો ?’ અનુશ્રીનો અવાજ સાંભળીને ચમકી ગયેલો અનિલ પાછળ ફર્યો, પોતાની સમક્ષ અનુશ્રીને ઉભેલી જોતાં જ એણે પોતાની ભીની આંખ તરત જ લુછી નાખી અને અવાજને સંયત કરતાં બોલ્યો. ’બેટા, તને જોબ પર જવાનું લેટ થશે, પછી નિરાંતે વાત કરીશું ?’ ‘પપ્પા, મેં જેટલું  સાંભળ્યું છે, એના પરથી મને લાગે છે કે – વાત મારા લગતી અને મહત્વની છે, હું ઓફિસમાંથી હાફ લીવ લઇ લઈશ, પણ વાત જાણ્યા વગર મને ચેન નહિ પડે, આ સંજય કોણ છે, અને તમે એમના હાથે મારું કન્યાદાન શા માટે કરાવવા માંગો છો ?’ અનુએ જીજ્ઞાસાવશ પૂછ્યું.

અનિલને લાગ્યું કે આટલા વર્ષો સુધી જે વાત છુપાવી રાખી છે, તે હવે અનુને વાત કહ્યા વગર છૂટકો નથી. એટલે એણે ખંચકાતા અવાજે કહ્યું, ‘બેટા, સંજય મારો બેસ્ટ ફ્રેન્ડ છે.’  ‘પણ મેં તો ક્યારેય આ નામ તમારા મોંએથી સાંભળ્યું નથી.’ અનુશ્રીએ  કહ્યું. ‘અનિલ, મને લાગે છે કે – હવે આપણે અનુને એ વાત જણાવી દેવી જોઈએ.’ પાછળથી આવેલી મીરાંએ  કહ્યું. ‘એટલે ? તમે લોકોએ મારાથી કોઈ વાત છુપાવી છે ?’ અનુએ આશ્ચર્યથી પૂછ્યું. ’હા, બેટા. કેટલીક વાતો એવી હોય છે કે સંતાનો સમજણા ન થાય ત્યાં સુધી માબાપ એમને કહી નથી શકતા.’ મીરાંએ કહ્યું. ‘ઓકે, જો તમે બંને હવે મને સમજદાર સમજતા હોય તો પ્લીઝ, જલ્દીથી કહો કે તમે મારાથી કઈ વાત છુપાવી છે ? અનુએ ઉત્સુકતાથી કહ્યું.

‘બેટા, સંજય તારો જન્મદાતા – તારો પિતા છે. અનિલે પોતાનું મન મક્કમ કરીને વર્ષોથી છુપી રાખેલી વાત આખરે અનુને જણાવી જ દીધી. ‘વોટ ? હું તમારી દીકરી નથી ?’  અનુશ્રી બોલી. એનો ચહેરો જ કહી આપતો હતો કે આ વાત સાંભળીને એને ખુબ જ આઘાત લાગ્યો છે. ‘હા, બેટા, તને આઘાત લાગ્યો હશે, પણ હકીકત તો એ જ છે.’ મીરાં બોલી. ‘અને એટલે જ તારું કન્યાદાન સંજયના હાથે થાય એવું અમે બંને ઇચ્છીએ છીએ.’ અનિલે અધુરી વાત પૂરી કરી. ‘ઈમ્પોસીબલ, એ મારા બાયોલોજીકલ ફાધર છે તો શું થયું ? હું કુંવારી  રહેવાનું પસંદ કરીશ, પણ મને જન્મ આપીને તરછોડી દેનાર ફાધરના હાથે તો મારું કન્યાદાન નહિ જ થવા દઉં.’ અનુ આક્રોશથી બોલી, એની આંખમાં પાણી ઉભરાયા. મીરાંએ એને આલિંગનમાં લીધી, અનિલ એના માટે પાણી લઇ આવ્યો.       

પાણી પીને અનુશ્રી થોડી સ્વસ્થ થઇ એટલે મીરાંએ કહ્યું. ‘આપણે  ડ્રોઈંગરૂમમાં બેસીને વાત કરીએ ?’  ત્રણે જણ ડ્રોઈંગરૂમમાં આવીને બેઠા. ‘બેટા, હું જે વાત તને કરી રહ્યો  છું, એ  વાત તું ધીરજપૂર્વક  સાંભળજે, એકદમ કોઈ પણ જાતના જજમેન્ટ લીધા વગર, શાંતિથી એના પર વિચાર કરજે.’ ‘તમે પહેલાં વાત શું  છે એ તો કહો’ અનુ અધીરાઈથી બોલી પડી. અનિલે વાત શરુ કરી, ‘આજથી લગભગ ૨૩ વર્ષ પહેલાની વાત છે.’  ‘એટલે કે મારા જન્મ સમયની આ વાત છે ?’ અનુશ્રી બોલી. ‘હા, બેટા, વાત તારા જન્મ સમયની જ છે,  બનાવ કંઇક આ મુજબનો  બન્યો હતો.....’  અને  અનિલે જે વાત કરી તે નીચે મુજબ હતી.    

-કેતકીઈઈઇ .... નહીં બેટા નહીં..... તાજેતરમાં જ માતા બનેલી પુત્રવધૂ  કેતકીને સાત દિવસની પોતાની બાળકી  અનુશ્રીને બંગલાના ઉપલા માળની બારીમાથી બહાર ફેંકી દેવાની ચેષ્ટા કરતી જોઇને બેડરૂમના દરવાજે આવીને ઉભેલા સાસુમા રસીલાબહેન ઘભરાઈને જોરથી ચીસ પાડી ઉઠ્યા. કેતકીના પલંગની બાજુમાં ખુરશીમાં બેસીને નોવેલ વાંચી રહેલી નર્સ અનુપમા પુસ્તક ફેંકીને કેતકી તરફ ધસી ગઈ. એ કેતકીને રોકે અથવા તો બાળકીને કેતકીના હાથમાંથી ખેંચી લે તે પહેલાં તો કેતકીએ બાળકીને બારીની બહાર ફેંકી દીધી, અને પાગલોની જેમ હસવા લાગી. રસીલાબહેન આ દ્રશ્ય જોઇને આઘાતથી બેભાન થઇ ગયા.

નર્સ અનુપમા પણ આ ભયાનક દ્રશ્ય જોઇને ક્ષણભર તો મૂઢ થઇ ગઈ, અને પુતળાની જેમ પોતાની જગ્યા પર ખોડાઈ ગઈ, એનું મગજ બહેર મારી ગયું, એને સમજાયું નહીં કે પોતે પાગલ બની ગયેલી કેતકીને સંભાળે, બેભાન થઇ ગયેલા માજીને સંભાળે કે પછી બારીની બહાર ફેંકાયેલી બાળકીની શી હાલત  થઇ હશે તે  જોવા બહાર જાય. કામવાળી બાઈ સવારનું કામ પતાવીને બીજા ઘરે કામ કરવા ગઈ હતી, મહારાજ રસોઈ બનાવીને જતા રહ્યા હતા, અને નોકર રાજુ  ખાદ્યસામગ્રી અને દવા લેવા માટે બજારમાં ગયો હતો, માળી તો આજે આવ્યો જ નહોતો. મદદ માટે બીજા કોને બોલાવી શકાય તે વિચારતી અનુપમા બીજી જ ક્ષણે એકદમ સચેત થઇ ગઈ. એક બાહોશ નર્સની ચપળતાથી એણે એક બાજુ પોતાના મોબાઈલ પર સર (કેતકીના પતિ સંજય) ને ફોન જોડ્યો, અને તરત મોબાઈલ હાથમાં લઈને તે ધડાધડ પગથિઆ ઉતરીને ઘરના મુખ્ય દરવાજાની બહાર આવેલા ગાર્ડન તરફ દોડી.

‘હલ્લો...’ સામે છેડેથી સંજયનો અવાજ સંભળાયો એટલે અનુપમા ઝડપભેર બોલી, ‘સર, પ્લીઝ, તમે જેમ બને તેમ જલ્દીથી ઘરે આવો, અને તમારા ફેમીલી ડૉકટર અથવા કોઈ પણ જનરલ ફીજીશીયન ડૉકટરને તરત જ  બોલાવી લો’  ‘પણ શું થયું છે, તે તું મને કહીશ ?’ કોઈ અનિચ્છનીય બનાવની કલ્પના કરીને સંજયે  અકળાઈને પૂછ્યું. ‘સર, અત્યારે કોઈ પણ સવાલ કર્યા વિના મેં કહ્યું એમ કરો, પ્લીઝ.  ઇટ્સ અરજન્ટ, ઈમરજન્સી છે સર, હું તમને થોડી જ વારમાં  ફરી ફોન કરું છું’ કહીને અનુપમાએ ફોન કટ કર્યો અને ઉપરના બેડરૂમની બારીની નીચે આવેલા ગ્રાઉન્ડ તરફ દોડી ગઈ.

મહેંદીની પહોળી અને ગાઢ વાડ પર પડેલી અને જોરજોરથી રડી રહેલી બાળકી અનુશ્રીને જીવિત જોઇને અનુપમાના જીવમાં જીવ આવ્યો. એણે અનુશ્રીને ઉપાડીને પોતાના ગાઢ આલિંગનમાં સમાવી લીધી. હુંફ મળતાં બાળકી રડતી બંધ થઇ,  અનુપમા એને લઈને ઓટલા પર બેસી પડી, અનુશ્રીના હાથપગ પર પડેલા ઉઝરડા જોઇને એનું દિલ દ્રવી ઉઠ્યું. આટલી નાની બાળકીને એની સગી માતા દ્વારા બારીમાંથી ફેંકી દેવાનું દ્રશ્ય યાદ આવતાં જ એ કંપી ઉઠી, અને પછી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. થોડી જ વારમા  સંજયની કાર બંગલાના કમ્પાઉન્ડમાં દાખલ થઇ. કાર પોર્ચમાં જ રહેવા દઈ સંજય ઝડપથી રડી રહેલી અનુપમા પાસે આવ્યો અને પૂછ્યું,  ‘શું થયું છે સિસ્ટર ? જલદી બોલો.’    

અનુપમાએ પોતાના આંસુઓ પર કંટ્રોલ કરતા, ઘરમાં જે બીના બની હતી તેનું  ટૂંકમાં વર્ણન કર્યું. સંજય આ સાંભળીને ચોંકી  ઉઠ્યો, પછી એણે ગુસ્સે થઈને પૂછ્યું, ‘સિસ્ટર, તમને કેતકીનું અને બાળકીનું ધ્યાન રાખવા માટે તો રાખ્યા હતા, આવો ગંભીર બનાવ બન્યો ત્યારે તમારું ધ્યાન ક્યાં હતું ?’ અનુપમા દિલગીરી  સાથે બોલી, ‘સર, હું દર પાંચ મિનિટે એમના પર નજર રાખી જ રહી હતી. જ્યારે  કેતકી મેડમ અને અનુશ્રી બંને શાંતિથી ઊંઘતા હતા, ત્યારે  હું મેડમના પલંગની બાજુની  ખુરશીમાં  બેસીને  નોવેલ વાંચી રહી હતી. મારી નજર ચુકાવીને ક્યારે કેતકી મેડમે  અનુશ્રીને પારણામાંથી લઇ લીધી તેની મને ખબર જ ન પડી, આઈ એમ રીયલી  સોરી સર.’ બોલતા બોલતા સિસ્ટર અનુપમાનો અવાજ ધ્રુજી ગયો, અને આંખમાંથી આંસુઓની ધાર વહી નીકળી.

સંજયે અનુશ્રીના હાથ પગ પર પડેલા ઉઝરડા પર હળવેથી હાથ પસવારતા એને પોતાના હાથમાં લીધી. ‘સર, તમારા બા બેભાન થઇ ગયા છે, ડૉકટર ક્યારે આવે છે ?’ અનુપમાને બેભાન થઇ ગયેલા રસીલાબાની યાદ આવી એટલે પોતાના આંસુ લુછીને સંજયને પૂછ્યું. ‘ડૉકટર પ્રશાંતને ફોન કરી દીધો છે, થોડી જ વારમાં આવી પહોંચશે.’ સંજયે કહ્યું. સંજય ઘરમાં દાખલ થઈને ઝડપભેર પગથીયા ચઢી ગયો, અનુપમા એને અનુસરી. પોતાના બેડરૂમના દરવાજે બાને બેભાન પડેલા જોઇને સંજયે અનુશ્રી અનુપમાને સોંપી અને બાને ઊંચકીને બીજા બેડરૂમમાં પલંગ પર સુવડાવ્યા. અનુપમાને બા અને અનુશ્રીનું ધ્યાન રાખવાનું કહીને એ પોતાના બેડરૂમમાં આવ્યો, તો કેતકી રૂમમાં ક્યાંય નજરે ન ચઢી એટલે એ ઘભરાયો. ‘કેતકી, કેતકી...તું ક્યાં છે ?’ એમ બુમ પાડતા એ બાથરૂમ તરફ ગયો.

બાથરૂમનું બારણું જરાક અમથું ખોલીને કેતકી રમતિયાળ અવાજે બોલી, ‘હું અહી છું.’ ‘તું અબઘડી બહાર આવ’ સંજયે જરા ગુસ્સાથી કહ્યું. ‘નહીં આવું,  જાવ’ કહીને કેતકીએ બાથરૂમનું બારણું બંધ કરીને અંદરથી સ્ટોપર લગાવી લીધી. સંજય ખુબ અકળાયો, એને થયું, બારણા પર લાત મારીને બારણું તોડી નાખું અને ફૂલ જેવી માસુમ બાળકીને ફેંકી દેવાના ક્રૂર કામ બદલ, એના ગાલ પર બે ચાર લાફા લગાવી દઉં. પણ પછી તરત એને કેતકીની માનસિક અવસ્થા વિષે સાઇકોલોજીસ્ટ ડૉકટરે કહેલી વાત યાદ આવતા એ સંયત સ્વરમાં બોલ્યો, ‘ડીયર કેતકીઈઇ. ..બહાર આવ.’ ‘ના, મારે નથી આવવું બહાર.’ કેતકીએ રિસાયેલા અવાજે કહ્યું.

‘સર, ડૉકટર પ્રશાંત આવી ગયા છે.’ અનુપમાએ આવીને સંજયને કહ્યું. ‘ઠીક છે, કેતકી બાથરૂમમાં છે, તું અહીં રહીને એનું ધ્યાન રાખ.’ કહીને એની પાસેથી અનુશ્રીને લઈને સંજય બાને રાખ્યા હતા તે બેડરુમમાં ગયો, અને ડૉકટર પ્રશાંતને ટૂંકમાં ઘરમાં બનેલા બનાવ વિષે કહ્યું. પ્રશાંતે બાને તપાસ્યા અને ઘરમાં બનેલ બનાવ વિષે જાણ્યા પછી સંજયને કહ્યું, ‘આઘાતને લીધે બા બેભાન થઇ ગયા છે, હું ઇન્જેક્શન આપું છું, એનાથી તેઓ થોડીજ વારમાં  ભાનમાં આવી જશે. રસીલાબહેનને ઇન્જેક્શન આપીને પછી પ્રશાંતે અનુશ્રીને બરાબર તપાસી. ‘સદનસીબે શરીર પર થોડા ઉઝરડા સિવાય કશું થયું નથી.’ અને અનુશ્રીના ઉઝરડાને એન્ટીસેપ્ટિક દવાથી સાફ કરીને મલમ લગાડ્યો, સંજયે બોટલથી એને દૂધ આપ્યું, દૂધ પીને એ ઊંઘી ગઈ. સલામતી ખાતર સંજયે એને બા હતા તે રૂમમાં જ એનું પારણું લાવીને સુવડાવી.

વીસેક મિનીટ પછી રસીલાબહેન ભાનમાં આવ્યા, ભાનમાં આવતા તરત જ એમને કેતકી અનુશ્રીને બારી બહાર ફગાવી રહી છે એ બનાવ યાદ આવી ગયો, ‘કોઈ માતા પોતાની આટલી નાનકડી અને ફૂલ જેવી  દીકરીને આમ બારીમાંથી બહાર કેવી રીતે ફેંકી શકે ?’ એ વિચાર એમના દિલમાં શૂળની  જેમ વાગ્યો,. કેતકીનું પાગલપન તમામ હદ પાર કરી ગયું છે,  હવે શું થશે ?  એ વિચારે રસીલાબહેન અત્યંત વિહ્વળ થઇ ગયા. ‘કોઈ મારી અનુને બચાવો’  એ ચીસ પાડવા ગયા પણ અવાજ જાણે ગળામાં જ અટવાઈ ગયો, એમણે પથારીમાંથી ઉભા થવાની કોશિશ કરી પણ એમનાથી ઉભા થવાયું જ નહીં, એમને લાગ્યું કે પોતાનું શરીર શીથીલ થઇ ગયું છે. સંજય અને ડૉકટર પ્રશાંત તરત જ એમની પાસે આવ્યા. સંજયે એમના માથે હાથ પસવારતા કહ્યું, ‘બા, અનુશ્રી સહીસલામત છે, પારણામાં ઊંઘી રહી છે.’ એ સાંભળીને રસીલાબહેનને એકદમ રાહત થઇ ગઈ, એમણે સ્મિત કરવાની કોશિશ કરી તો  એમના હોઠ વંકાઈ ગયા. એ જોઇને સંજયે પ્રશ્નાર્થ દર્ષ્ટિએ ડોક્ટર પ્રશાંત સામે જોયું.   

ડૉકટર પ્રશાંતે રસીલાબહેનને ફરી તપાસ્યા. અને પછી કહ્યું, ‘બાને ડાબા અંગે પેરાલીસીસની અસર થઇ ગઈ છે, એમનું અર્ધું શરીર લકવાગ્રસ્ત થઇ ગયું છે.’ આ સાંભળીને સંજય નિરાશામાં ડૂબી ગયો. ‘હવે શું થશે ?’ ના એના સવાલના જવાબમાં ડૉકટરે કહ્યું, ‘દવા અને ફીજીયોથેરાપીની અમુક ટ્રીટમેન્ટ કરાવવાથી ધીમે ધીમે સારું થઇ જશે.’ ‘આગળ કુવો અને પાછળ ખાઈ’  જેવી સ્થિતિ સંજયની થઇ ગઈ.  એને થયું, ‘ખોબો ભરીને સુખની સાથે સાથે ભગવાને પોતાને દરિયો ભરીને દુઃખ આપ્યું છે, હવે એની જીવનનૈયા કેમ કરીને પાર થશે ?’ એના મનોભાવને ઓળખીને ડૉકટર પ્રશાંતે સાંત્વના આપતા કહ્યું, ‘હિંમત રાખો સંજયભાઈ, દુખનું ઓસડ દહાડા, સમયની સાથે સાથે બધું બરોબર થઇ જશે.’

સંજોગો ક્યારે બદલાઈ જશે, તે પામર મનુષ્ય ક્યાં જાણતો જ હોય છે ? થોડા સમય પહેલાં જ્યારે કેતકીએ ‘ગુડ ન્યુઝ’ આપ્યા કે પોતે મા બનવાની છે, ત્યારે તો આખા ઘરમાં આનંદની લહેર વ્યાપી ગઈ, કેતકી અને સંજય કરતાં પણ દાદીમા બનવા જઈ રહેલા રસીલાબહેનની ખુશીનો પાર નહોતો.  તેઓ કેતકીની દીકરીની જેમ જ રાખતા હતા, હવે તે કાળજીમાં વધારો થયો. ગાયનેક  ડૉકટરની સલાહ મુજબ બધું બરાબર અને વ્યવસ્થિત ચાલતુ હતું. પણ પાંચમાં મહીને કેતકીને અચાનક ફીટ (ચક્કર) આવી. ડૉકટરની ટ્રીટમેન્ટ અને દવાથી કેતકી પાછી નોર્મલ તો થઇ ગઈ. પણ સાતમા મહીને એને ફરીથી ચક્કર આવ્યા અને એ બેભાન થઇ ગઈ. ગાયનેકની સલાહથી એને ન્યુરોસર્જનને પણ બતાવ્યું. બધી જાતની તપાસ અને ટેસ્ટના અંતે ન્યુરોસર્જન ડૉકટરે કહ્યું, કે ‘કેતકીબહેન એકદમ નોર્મલ છે, કોઈ જાતની તકલીફ નથી.’ ત્યારે સંજય અને રસીલાબહેને  નિરાંતનો શ્વાસ લીધો. પણ બહારથી નોર્મલ દેખાતી કેતકી અંદરથી નોર્મલ નહોતી.

એના મનમાં એક જ વિચાર ચાલતો રહેતો હતો,  ‘મારું બાળક નોર્મલ તો હશે ને ? એ મંદબુદ્ધિનું તો નહીં હોય ને ? મારી ખરાબ તબિયતને લીધે ખોડખાપણવાળું કે અપંગ તો નહીં હોય ને ?’ એણે મનમાં ધરબી રાખેલા આ ભયના કારણે એ મૂંઝાયેલી રહેતી, ક્યારેક સુનમુન થઇ જતી, તો ક્યારેક વિચિત્ર વર્તન પણ કરી બેસતી. એનું મનોમંથન જાણ્યા પછી સંજય અને  રસીલાબહેન અવારનવાર એને પ્રેમથી સમજાવતા, ‘બધું બરાબર છે, તું ચિંતા ન કર.’ કેતકી એ વખતે એમની વાત માની લીધાનો ડોળ કરતી, પણ આ સિવાય બીજી પણ એક વાત એના મનમાં ઉત્પાત મચાવતી હતી, એણે એક મેગેઝીનમાં વાંચેલું કે  ‘ડીલીવરી વખતે પ્રસુતાને એટલી બધી પીડા થાય છે કે જાણે એના એકસામટા કેટલા ૨૩ હાડકામાં ફ્રેકચર થયું હોય.’ મનોમન એને થતું, ‘હું ડીલીવરી સમયે જ મરી જઈશ તો ?’  અને મોતના ભયને કારણે એને  વિચાર આવતો, ‘કાશ ! હું પ્રેગનન્ટ જ ન થઇ હોત તો સારું હતું.’ જેમ જેમ ડીલીવરીનો  સમય નજીક આવતો ગયો, તેમ તેમ કેતકીનો ઘભરાટ વધતો ગયો. એની મનોસ્થિતિ વિકટ થતી ગઈ, ક્યારેક તો એ  માનસિક સંતુલન ગુમાવી બેસતી અને બબડતી, ‘મારે આ બાળક નથી જોઈતું, મારે આ બાળક નથી જોઈતું.’

રસીલાબહેન અને સંજયે, કેતકીની મનોચિકિત્સકની સારવાર શરુ કરાવી હતી. બધાને લાગ્યું કે એમની દવા અને સલાહથી  કેતકી થોડી નોર્મલ  થઇ  છે. અંતે  ડીલીવરીનો દિવસ આવી પહોંચ્યો. પ્રસુતિની પીડા ઉપડી એટલે કેતકી ગભરાઈ ગઈ, એણે રડતા રડતા કહ્યું, ‘મારે આ બાળક નથી જોઈતું.’  સંજયે  એને  હુંફાળા સ્પર્શથી આશ્વસ્ત કરી, રસીલાબહેને માથે વાત્સલ્યસભર હાથ પસવારીને શ્રદ્ધા બંધાવી, હોસ્પીટલમાં ગાયનેક લેડી ડૉકટરે પણ હિંમત આપી. ભગવાનની કૃપાથી અને ગાયનેકની કુનેહથી નોર્મલ ડીલીવરી થઇ, અને ડૉકટરે સમાચાર આપ્યા, ‘લક્ષ્મીજી પધાર્યા છે, મા અને દીકરી બંને ઓલરાઈટ  છે.’

સંજય અને રસીલાબહેનને આ સમાચારથી રાહત થઇ ગઈ. પીડીયાટ્રીશિયન -બાળકોના નિષ્ણાત ડૉકટરે  બાળકીને ચેક કરી લીધી, બધું બરાબર હતું, એટલે ત્રીજા દિવસે હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી. સંજયની સાથે  કેતકી બાળકીને લઈને હોસ્પિટલમાંથી ઘરમાં આવી, ત્યારે રસીલાબહેને આરતી અને કંકુ ચોખાથી બંનેને વધાવ્યા. પણ ડીલીવરીના છઠ્ઠા દિવસે કેતકીને ફીટ આવી, બેડ પરથી ઉભા થવા જતા એ પડી ગઈ, ભાનમાં આવ્યા પછી લવારે ચઢી ગઈ. સંજયે તરત જ ડોક્ટરને બોલાવ્યા અને તાત્કાલિક  કેતકી અને બાળકીનું ધ્યાન રાખવા એક મહિના માટે  એક નર્સ પણ રાખી લીધી. 

ડીલીવરીના સાતમા દિવસે અચાનક શું થયું તે ભગવાન જાણે, પણ કેતકીએ અસ્વસ્થ મનોદશામાં  ‘મારે આ બાળક નથી જોઈતું’ કહીને બાળકી અનુશ્રીને ઉપલા માળેથી બારીની બહાર ફેંકી દીધી, અને પોતે બાથરૂમમાં જઈને પુરાઈ ગઈ. સંજય મૂંઝવણમાં મૂકાઈ ગયો.  એકબાજુ રસીલાબહેનની ખરાબ તબિયત, અને એમની ફીજીઓથેરાપી  ટ્રીટમેન્ટ, બીજી બાજુ બાજુ કેતકીનું પાગલપન, અને એની માનોચિકિત્સકની સારવાર, ત્રીજી બાજુ નાનકડી પરી અનુશ્રીની સંભાળ, અને કેતકી એને નુકસાન પહોંચાડશે એનો  ડર, અને ચોથીબાજુ ઓફિસમાં પોતાની ગેરહાજરી. સંજય ચારે તરફથી આપત્તિઓથી  ઘેરાઈ ગયો હતો. એ કેટલાય દિવસોથી બાવરો બાવરો ફરતો હતો. વધી ગયેલી દાઢી અને ઊંડી ઉતરી ગયેલી આંખો ઘણું બધું કહેતી હતી. સગાઓ અને મિત્રો ક્યારેક ક્યારેક આવીને ખબર પૂછીને અને આશ્વાસન આપીને જતા રહેતા, પછી પાછું બધું જેમનું તેમ ચાલતું.

પણ કહેવાય છે કે ‘ભગવાન મુશ્કેલી આપે છે, તો સાથે સાથે એની સામે ઝઝૂમવાની શક્તિ પણ આપે છે, દુઃખ આપે છે, તો એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવે છે.’ એક દિવસ સંજયના બહારગામ રહેતા ખાસ મિત્ર અનિલનો ‘હે દોસ્ત, કેમ છે તું ? શું ચાલે છે જીવનમાં ?’ એવી પૃચ્છા કરતો ફોન આવ્યો. અનિલની આત્મીયતા ભરેલી પૂછપરછ ના કારણે સંજય એનાથી પરિસ્થિતિ છુપાવી ન શક્યો. એણે અનિલને બધી જ વાત કહી દીધી. જે સાંભળીને બીજા જ દિવસે પહેલી ફ્લાઈટ પકડીને એ સંજયના ઘરે હાજર થઇ ગયો. સંજય એને ભેટીને રડી પડ્યો, અનિલે એને શાંત પાડ્યો. સંજયે ભારે હૃદયે અનિલને કહ્યું, ‘હું હવે ખુબ થાકી ગયો છું, દોસ્ત. મારી વિકટ પરિસ્થતિ સામે હારી ગયો છું, મુશ્કેલીઓથી ચારે બાજુઓથી ઘેરાઈ ગયો છું. અનુશ્રીનું પૂરું ધ્યાન રાખી શકતો નથી, ક્યારેક તો એવો વિચાર આવી જાય છે કે – એની સલામતી માટે એને કોઈ અનાથઆશ્રમમાં મૂકી દઉં.’

‘આપણે એ વિશે કાલે સવારે વાત કરીશું, અત્યારે તો ઘણી રાત વીતી ચુકી છે, તું સુઈ જા હવે.’ અનિલે એને  ધીરજ બંધાવતા કહ્યું.  સવારે ડાઈનીગ ટેબલ પર ચા પીતી વખતે અનિલે સંજયને કહ્યું, ‘દોસ્ત, તું મારા પર વિશ્વાસ કરતો હોય તો અનુશ્રીને હું લઇ જાઉં ?  મારી દીકરી તરીકે હું એનો ઉછેર કરીશ’  અનિલનો આ  પ્રસ્તાવ સાંભળીને સંજય અચંબામાં પડી ગયો, પછી બોલ્યો, ‘યાર, તું તો દોસ્તીદાવે અનુશ્રીને સ્વીકારે, પણ મીરાંભાભી ?’ ‘મેં રાત્રે જ મીરાં સાથે આખી વાતની ચર્ચા કરી લીધી છે, અને સાચું કહું તો આ સુઝાવ એણે જ આપ્યો છે. એણે કહ્યું, અનુશ્રીને આપણે આપણી સગી દીકરીની જેમ ઉછેરશું, આપણી દીકરી સોનલને નાની બહેન મળશે, એનાથી બીજું રૂડું શું હોય ? તું જો પરમીશન આપતો હોય તો મીરાં સોનલને એની મમ્મી પાસે મુકીને, અનુશ્રીને લેવા કાલે જ આવી જાય.’ સંજય તો આ સાંભળીને ગળગળો થઇ ગયો, અને અનિલને ભેટી પડ્યો. મીરાં બીજા દિવસે જ આવી પહોંચી. સંજયના આગ્રહને કારણે, ખાસું અઠવાડિયું રોકાઈને, અનુશ્રીને દત્તક લેવાની ફોર્માલીટી પતાવીને  અનુશ્રીને લઈને એ લોકો વિદાય થયા, ત્યારે સંજય આદ્ર હ્રદયે અને ભીની આંખોએ બે ભાવ એકસાથે અનુભવી રહ્યો, એક તો  કાળજાના કટકા જેવી વહાલસોઈ દીકરીની વિદાયનું દુઃખ, અને બીજું દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે એને એક સારા માબાપને સોંપવાનું સુખ.

‘એટલે, હું તમારી સગી દીકરી તો નથી જ ને ?’ અનુશ્રી વાત સાંભળીને અત્યંત હતાશ સ્વરે બોલી. ‘તને કોઈ દિવસ એવું લાગ્યું છે, ખરું ?’ અનિલ બોલ્યો. ‘ના, પપ્પા, તમે મને સગી દીકરીની જેમ ઉછેરી છે, સોનલદીદી અને મારામાં તમે કોઈ ફર્ક નથી કર્યો. ઉલટું હું નાની હતી તો તમે દીદીને સમજાવીને પણ મારી દરેક જરૂરીયાત અને જીદ પૂરી કરી છે.’ અનુશ્રી રડતાં રડતાં બંનેને વળગી પડી.’ પછી આંસુ લુછીને આક્રોશથી બોલી, ‘પપ્પા, પણ  જેમણે મને જન્મ દઈને ત્યજી દીધી, એવા સંજયપપ્પાને હાથે નહિ, પણ મારું કન્યાદાન તમારા અને મીરાંમમ્મીના હાથે જ થશે.’

‘બેટા, સાંભળ. સંજયને તારી સલામતીની સૌથી વધુ ચિંતા હતી, એટલે જ એ તને - એના કાળજાના કટકાને અમને  સોંપતી વખતે એ ધ્રુસકે ધ્રુસકે રડ્યો હતો. માનસિક રીતે બીમાર પત્નીની સંભાળ માટે આખા દિવસની નર્સનો ખર્ચ, શારીરિક રીતે બીમાર માતાની સારવારનો ખર્ચ, એ માટે  પૈસા કમાવાની તાતી જરૂરીયાત. સંજયે પોતાની જાત સામે જોયા વગર દિવસ – રાત એક કરીને તન તોડીને કામ કર્યું છે. કદાચ પોતે ભૂખ્યા રહીને, અગવડ વેઠીને પણ, મારી અને મીરાંની મનાઈ છતાં આટલા વર્ષોથી અચૂક તારા માટે  ‘મારી દીકરીના લગ્ન વખતે એને ભેટમાં આપજો’ કહીને દર મહીને થોડા થોડા  રૂપિયા મોકલ્યા છે. તારા પર એના દુઃખનો પડછાયો સુધ્ધા ન પડે એટલે મનને મારીને એ તારાથી દુર રહ્યો છે. હા, થોડા થોડા સમયે એની એક માંગણી રહેતી, ‘મારી અનુનો ફોટો મોકલજે’, એણે પ્રત્યક્ષ નહિ, પણ પરોક્ષ રીતે તને નાનેથી મોટી થતી જોઈ છે, અને એ જ એનો સહારો કે આનંદ જે ગણે તે છે.

તારા દાદી રસીલાબહેન ચાર વર્ષ પહેલા જ અવસાન પામ્યા, અને તારી મમ્મી કેતકી હજી પણ માનસિક રીતે અસ્વસ્થ છે, સંજય હાર્યા વિના પ્રેમથી પતિધર્મ નિભાવી રહ્યો છે. પણ એ સાવ એકલો થઇ ગયો છે, અને તે છતાં  હજી પણ તારા સુખ પર એના ભૂતકાળના દુઃખનો છાયો ન પડે એટલે આ  વાત તારાથી છુપાવવા માંગતો હતો. અમે તો એક દીકરી સોનલનું કન્યાદાન કરી ચુક્યા છીએ, પણ અમારી બીજી દીકરી અનુશ્રીનું એટલે કે તારું કન્યાદાન કરવાનું ભાગ્ય સંજયને પ્રાપ્ત થાય એવું અમે બંને  ઈચ્છીએ છીએ, શું તું અમારી એક નાનકડી ઈચ્છા પૂરી નહિ કરે ?’

‘પપ્પા, અત્યાર સુધી તમે બંનેએ મારી તમામ ઈચ્છા પૂરી કરી છે, તો તમારી આ ઈચ્છા હું જરૂર પૂરી કરીશ’ અનુશ્રી હવે થોડી સ્વસ્થ થઇ હતી, એણે કહ્યું અને પછી ઉમેર્યું, ‘સંજયપપ્પા સાથે મારી અત્યારે જ વાત કરાવો, હું જાતે એમની પાસે મારું કન્યાદાન કરવાની માંગણી  કરીશ, તો એ મને ના નહિ જ પાડી શકે.’ આ સાંભળતાં જ અનિલ અને મીરાં બંને આનંદિત થઇ ઉઠ્યા, અને અનિલે પોતાના મોબાઈલથી સંજયનો નંબર જોડ્યો, ત્યારે સંજયને સ્વપ્નેય ખ્યાલ નહોતો, કે વર્ષોથી એના કાનને જેની તરસ હતી, એ દીકરી અનુશ્રીનો અવાજ એને સાંભળવા મળવાનો છે.

 


No comments:

Post a Comment