જીંદાદિલ સુધામાસી. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
એક દિવસ મીનુને એની મમ્મીએ સમાચાર આપ્યા
કે સુધામાસીની કારને એકસીડન્ટ થયો છે, અને એમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે,
ત્યારે મીનુ ગભરાઈ ગઈ, એ ઝડપભેર અને ઊંચા
જીવે હોસ્પિટલ પહોંચી. માસીને ઓપરેશન થીયેટરમાં લઇ ગયા હતા, એણે સમીર અંકલને
પૂછ્યું, તો ખબર પડી કે એક સ્કુટરચાલક યુવક રોંગ સાઈડથી અચાનક સામે આવી ગયો, એને
બચાવવા જતા સુધાએ કાર સાઈડમાં લીધી તો કાર
લાઈટના થાંભલા સાથે અથડાઈ ગઈ, કારનું બારણું ખુલી ગયું, અને સુધાએ સેફટીબેલ્ટ
નહોતો લગાવ્યો એટલે એ બહાર ફંગોળાઈ ગઈ, શરીરનું
વજન હાથ પર આવી ગયું, અને હાથમાં ફ્રેકચર થઇ ગયું છે.
-અંકલ, આઈ એમ સોરી. મારા કહેવાથી સુધામાસી કાર ચલાવતા શીખ્યા, અને એમને
એકસીડન્ટ થયો. મીનુ અફસોસ સાથે આંખમાં આંસુ સાથે બોલી ઉઠી.
-બેટા, તું શું કામ અફસોસ કરે છે ? જયારે જ્યારે જે થવાનું હોય તે થઈને જ
રહે છે, એટલે અફસોસ કરવો નકામો છે. સમીરભાઈ બોલ્યા.
સમીરભાઈ ભલે એમ બોલ્યા, પણ સુધામાસીના એકસીડન્ટ માટે મીનુ પોતાને જ જવાબદાર ગણવા લાગી. વાત જાણે એમ
બની હતી કે –
-સુધામાસી, તમે ચાર વાગ્યે તૈયાર રહેજો, હું તમને તમારા ઘરેથી પીક અપ કરી
લઈશ.
-ઓકે મીનુ, તું ઘરેથી નીકળે એટલે મને ફોન કરી દેજે, હું તૈયાર રહીશ.
મીનુ એના ઘરેથી નીકળી એટલે સુધામાસીને ફોન કરી દીધો, મીનુ લેવા આવી
ત્યારે સુધામાસી એમના ચોથા માળના ફલેટમાંથી નીચે આવીને ઉભા જ હતા. માસી અને ભાણી
બંને ખરીદી કરવા ઉપડી ગયા. પહેલા ડ્રેસ મટીરીયલ લીધા, પછી દરજીની દુકાને જઈ સીવવા
આપી આવ્યા, પછી કરીયાણા વાળાને ત્યાંથી કરિયાણું લીધું, વળતા લારીએથી શાક ભાજી અને
ફ્રુટ્સ પણ લેતા આવ્યા.
-મીનુ, તને ગાડી ચલાવતા આવડે છે, તો બધા કામ કેવા ફટાફટ પતે છે, મને કાર ડ્રાઈવિંગ
આવડતું નથી એટલે રીક્ષાવાલા પર આધાર રાખવો પડે છે. કોઈવાર તો રીક્ષાવાળાની રાહ
જોતા જ દસ પંદર મિનીટ નીકળી જાય છે. વળી ત્રણ ચાર જુદી જુદી જગ્યાએથી ખરીદી કરવાની
હોય, ત્યારે એટલીવાર રીક્ષા બદલવાની એટલી અગવડ પડે કે કંટાળી જવાય, ને
રીક્ષાવાળાને રોકી રાખીએ તો વેઈટીંગ ચાર્જ લાગી જાય. ક્યારેક રીક્ષાવાળા આવવાની ના
પાડે ત્યારે તો ગુસ્સો પણ આવી જાય.
-માસી, તમારે રીક્ષામાં શા માટે જવું પડે ? જ્યારે જવું હોય ત્યારે મને
કહી દેવું, હું તમને લઇ જઈશ.
-એ તો તું કાયમ લઇ જ જાય છે, પણ તું બહારગામ જાય છે ત્યારે શું ?
-હા, એ પ્રોબ્લેમ તો ખરો. માસી, તમારા ઘરે પણ બે ગાડીઓ છે, જેમાંની એક
અંકલ લઇ જાય છે, અને બીજી તો ઘરે જ પડી રહે છે, તો તમે કાર ચલાવતા શીખી જાવ તો
તમને બીજી કાર કામ તો લાગે.
-તારી વાત તો સાચી
છે, પણ આ ઉમરે હું કાર ચલાવતા શીખી શકું ?
-કેમ નહિ, માસી તમારા કરતા મોટી ઉમરના લોકો પણ કાર ચલાવતા શીખતા હોય છે.
-સાચે જ ? કેવી રીતે ? તું કાર ચલાવતા કઈ રીતે શીખી ?
-ડ્રાઈવિંગ સ્કુલમાં જઈને. માસી, નજીકની કોઈ કાર ડ્રાઈવિંગસ્કુલમાં જઈને
કાર શીખી લેવાની. એ લોકો તમને ઘરેથી પીકઅપ કરે અને પાછા ઘરે ડ્રોપ પણ કરે. વળી ડ્રાઈવિંગ
લાયસન્સ તો એ લોકો જ અપાવી દેતા હોય છે, એટલે એની પણ ચિંતા નહીં.
-કઈ સ્કુલમાં જવાનું તે તું તપાસ કરીને મને કહીશ ?
-હા, માસી. હું એની તપાસ કરીને તમને કહીશ.
મીનુ બધી વિગતો અને એડમીશન ફોર્મ લઈને ત્રીજા દિવસે સુધામાસીના ઘરે હાજર
થઇ ગઈ, અને બધું સમજાવી દીધું. પતિ સમીરભાઈ સાંજે ઘરે આવ્યા એટલે સુધાબેને એમને
બધી વાત કરી. સમીરભાઈ પહેલા તો અચરજથી પત્ની સુધાની સામે તાકી રહ્યા, પછી કહ્યું,
-તને ગાડી ચલાવતા શીખવાની ઈચ્છા થઇ તે જાણીને ખુશી થઇ. ક્યારથી શીખવા
જવાની છે ?
-વિચારું છું કે કાલથી જ જાઉં.
-સરસ, સરસ. શુભ કામમાં દેર શાની ? પણ જરા સાચવીને ચલાવજે.
-ભલે.
અને આમ સુધાબેન પચાસમે વર્ષે કાર ડ્રાઈવિંગ શીખ્યા. શરૂઆતમાં એમને ખુબ ડર
લાગ્યો, ભૂલો પણ ઘણી થતી, પણ સદભાગ્યે એમને કાર શીખવનારો છોકરો ખુબ ધીરજવાળો હતો,
શાંતિથી બધું સમજાવતો અને શીખવતો હતો. પંદર દિવસની ટ્રેનીંગમા ટેકનીકલી કાર કઈ
રીતે ચાલાવાય તે તો સુધાબેન શીખી ગયા, પણ હજી એમને જોઈએ એટલો કોન્ફિડન્સ નહોતો
આવતો.
સમીરભાઈએ કહ્યું કે વહેલી સવારમાં જ્યારે ટ્રાફિક નહીવત હોય ત્યારે તું
એકલી કાર લઈને નીકળી પડ અને આપણા ઘરની આજુબાજુના એરીયામાં ચક્કર મારી આવ. સુધાબેને
એ પ્રમાણે કરવા માંડ્યું, પણ પહેલે જ દિવસે એમની કાર એક સ્કુટર સવારને અથડાતા માંડ
બચી એટલે પછી એકલા કાર લઈને નીકળતા ગભરાયા.
મીનુએ એનો રસ્તો પણ શોધી નાખ્યો. સુધાબેન કાર ડ્રાઈવ કરતા હોય ત્યારે
ડ્રાઈવિંગ સ્કૂલનો છોકરો એમની સાથે રહે
એવી ગોઠવણ એને એક્સ્ટ્રા પૈસા આપીને કરી.
અને બીજા દસ દિવસમાં તો સુધાબેનને એકલા કાર ચલાવવાનો આત્મવિશ્વાસ આવી ગયો. હવે એ
પોતે પણ કાર લઈને નજીકના આજુબાજુના એરીયામાં જવા માંડ્યા.
બધું બરાબર ચાલતું હતું, સુધામાસી પણ ખુશ હતા, ત્યાં અચાનક મીનુને
સુધામાસીના કાર એકસીડન્ટના સમાચાર મળ્યા, અને એ હોસ્પિટલમાં દોડી આવી. ઓપરેશન પછી
સુધાબેનની હાલત જોઇને મીનુ રડી પડી અને દિલથી
એમની માફી માંગી. સુધાબેન હસીને બોલ્યા, ‘મીનુ, તું રડે છે શા માટે ? ભૂલ મારી હતી
એટલે આમ થયું. અને હવેથી હું વધારે સાવધ રહીને કાર ચલાવીશ, તું જોજે તો ખરી, હવેથી
શોપીંગમાં આપણે બંને સાથે જઈશું ત્યારે તું મને પીકઅપ કરવા આવતી હતી, એમ હું તને
પીકઅપ કરવા આવીશ, તું આવશે ને મારી સાથે મારી કારમાં ?
-જરૂર આવીશ, માસી. મીનુ આંસુ લુછતા હસીને બોલી.
-તું સાંભળ તો ખરી, સૌથી સારી વાત તો એ થઇ કે મને હાથમાં ફ્રેકચર થયું, એ
તો થોડા દિવસમાં ઠીક થઇ જશે, પણ કોઈના લાડકવાયા એ છોકરાનો જીવ તો બચી ગયો, તું જ
કહે મને - ‘શુળીનો ઘા સોયથી ગયો કે નહિ ?’ અને મીનુ આ જીંદાદિલ સુધામાસીને અહોભાવ
પૂર્વક તાકી રહી.
No comments:
Post a Comment