સ્ત્રી દાક્ષિણ્ય.
‘સ્ત્રી દાક્ષિણ્ય’ કોને કહેવાય એનો કક્કો અને બારાખડી પણ ન જાણનાર, આજે પૈસાના
જોરે પ્રમુખ થઈને બેઠા અને વિજેતાને ઇનામ વહેંચવા નીકળ્યા છે, એ પણ વિધિની વક્રતા
જ કહેવાય કે બીજું કંઈ ?’ એમ વિચારતા સતીશ
– સીમા અને પાયલ જ્ઞાતિના કાર્યક્રમમાંથી નીકળીને ઘર તરફ જવા નીકળ્યા,
ત્યારે ‘સ્ત્રી દાક્ષિણ્ય’ ના વિચારો ખરેખર દિલથી ધરાવનાર, એક સરળ અને ખાનદાન
કુટુંબની ત્રણ વ્યક્તિઓ (મમ્મી –પપ્પા અને એમનો યુવાન દીકરો) ની છ આંખો પાયલને પુત્રવધુ અને જીવનસંગીની ના
રૂપમાં પસંદ કરી ચુકી હતી, બસ માંગુ મોકલવાની જ વાર
હતી.
જ્ઞાતિના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૫૧૦૦૦ નું માતબર દાન આપી ચુકેલા
જ્ઞાતિના આગેવાન અમુલભાઈને સમારંભના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, એ સૂટમાં સજ્જ
થઈને આવ્યા હતા. એમના જાજરમાન પત્ની રેખાબેન બનારસી સિલ્કની ભારે સાડી અને સાડીને
અનુરૂપ ઘરેણામાં સજ્જ એમની બાજુમાં બેઠા હતા. એમનો દીકરો પરેશ આધુનિક વસ્ત્રોમાં
પોતાની પર્સનાલીટી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં પ્રાર્થના,
પછી સ્વાગતગીત, નૃત્ય, નાટિકા અને પછી વકૃત્વસ્પર્ધા યોજાઈ. વકૃત્વસ્પર્ધાના વિષય
હતા, ૧- દીકરી બચાઓ - દીકરી ભણાવો, અને ૨- સ્ત્રી
દાક્ષિણ્ય.
સ્પર્ધાને અંતે ઇનામ આપતી વખતે વિજેતાઓને બિરદાવતાં અમુલભાઈએ ‘સ્ત્રી
દાક્ષિણ્ય’ વિષય ઉપર કોઈએ લખી આપેલું છટાદાર મંતવ્ય રજુ કર્યું, અને એમના દીકરા
પરેશે એના સમર્થનમાં પોતાના વિચારો રજુ કર્યા, ત્યારે લાગ્યું કે આ ભાઈ ‘સ્ત્રી દાક્ષિણ્ય’ ની ભાવનામાં ચુસ્તપણે માનતા
હોવા જોઈએ. પણ વકૃત્વ સ્પર્ધાની પ્રથમ વિજેતા
પાયલ ઇનામ લેતી વખતે મનોમન બબડી : ‘હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા.’ પાયલનું
એમના માટે આમ કહેવું વ્યાજબી જ હતું. કેમ વ્યાજબી હતું તે જાણવા આપણે એક ઘટના
વિષે જાણવું પડશે. થોડા સમય પહેલાની જ આ વાત છે :
-આવો આવો રમામાસી, ઘણા વખતે આ
તરફ ભૂલા પડ્યા? સીમાએ એના દૂરના માસી રમાબેનને આવકારતા કહ્યું.
-ભૂલી નથી પડી, ખાસ કામે આવી છું. રમાબેને સોફા પર બેસતા કહ્યું.
-બોલો બોલો, માસી. શું કામે અમને આજે યાદ કર્યા ? તબિયત પાણી તો સારા
ને ? સીમાએ એમને
પાણીનો ગ્લાસ ધરતા પૂછ્યું.
-ભગવાનની કૃપાએ બધા સાજા સમા છે, અને જે કામે આવી છું એ વાત તું સાંભળશે
તો તું પણ ખુશ થઇ જશે.
રમાબેને હસું હસું થતા અવાજે કહ્યું. એ સંભાળીને સીમાના કાન સરવા થયા.
-અરે વાહ ! ખુશખબર સંભળાવવા આવ્યા છો ? દાદી બનવાના છો
કે ? રમાબેનના સૌથી
નાના દીકરાના લગ્ન બે વર્ષ પહેલાં જ કર્યા હતા એટલે સીમાએ અટકળ કરીને કહ્યું.
-જવા દે ને એ વાત, સીમા. આજકાલના છોકરાઓ એમ જલદી બાળકની જવાબદારી લેવા
ક્યાં તૈયાર થાય જ છે ? રમાબેને મોઢું કટાણું કરીને બળાપો ઠાલવ્યો.
-ઠીક છે, માસી. એમને એમની રીતે જીવવા દો, તમારે પણ સારું ને, દાદી બનશો પછી તો તમારા પગ
ઘરમાં બંધાઈ જશે, અત્યારે મંદિરે કે પછી
જ્યાં જવું હોય ત્યાં જવા છુટ્ટા, ખરું ને ? સમજદાર સીમાએ વાત વાળી લેતા કહ્યું.
-હા, એ વાત સાચી, પણ હવે મારી વાત ધ્યાનથી સાંભળ. તું, અમુલ અને રેખાને
તો ઓળખે ને?
-હા, હા, ઓળખું છું ને. આપણી જ્ઞાતિના આગેવાન છે, જેમની શહેરમાં જવેલરીની
દુકાન છે, અને પરામાં મોટો બંગલો છે, એજ ને ?
-બરાબર, એ જ. એમણે સામેથી એમના એક ના એક દીકરા પરેશનું આપણી પાયલ માટેનું
માંગુ મોકલ્યું છે. એ કરોડપતિ અમુલનો દીકરો પરેશ, ગ્રેજ્યુએટ થયેલો છે, દેખાવડો અને હોંશિયાર છે. ઉમરલાયક
છોકરીઓના મા બાપ તો પરેશ સાથે એમની દીકરીનું થાય એ માટે ઘણા પ્રયત્નો કરી ચુક્યા
છે. આ તો જ્ઞાતિના મેળાવડામાં એમણે પાયલને ડાન્સ કરતા જોઈ અને પાયલ એમને ગમી ગઈ
એટલે સામેથી માંગુ મોકલ્યું, બાકી એમને કન્યાની ક્યાં ખોટ છે ? એક કહો તો એકવીસ
મળી આવે એમ છે.
-હં. સીમાએ એકાક્ષરી જવાબ આપ્યો.
-શું વિચારમાં પડી તું ? રમામાસીને એમ હતું કે વાત સાંભળીને સીમા ખુશ થઇ
જશે, પોતાનો આભાર માનશે, એના બદલે એ વિચાર
કરવા રોકાઈ એટલે થોડી નારાજગી સાથે એને વિચાર વમળમાથી બહાર કાઢતા રમાબેને પૂછ્યું.
- વિચાર તો...ઘર તો સારું અને રેખાબેનનો સ્વભાવ પણ સારો, પણ...
-પણ શું
?
-પણ એ પરેશ બી.કોમ. થઈને એના પપ્પાની જવેલરીની દુકાન પર બેસી ગયો છે. જ્યારે
આપણી પાયલ તો બી.કોમ. થઈને હજી આગળ એમ.કોમ. નું ભણવા માંગે છે.
-આવું સારું ઘર મળતું હોય ત્યારે આવા બધા વિચાર કરવા રહે તો સારું ઘર અને
વર હાથમાંથી નીકળી જાય, સમજી તું ? મને તો તારું લાગી આવે છે, એટલે તને પહેલા કહેવા આવી. બાકી પેલી રમીલા
અને નિશા તો ‘અમારી દીકરી માટે કોઈ સારું
ઠેકાણું હોય તો કહેજો’ એવું કેટલીય વાર મને કહી ચુકી છે.
-સોરી માસી, મારા કહેવાનો મતલબ હતો કે...જો કે આમ જુઓ તો તમારી વાત પણ એક
રીતે તો સાચી અને વિચારવા લાયક છે.
-હવે તેં સમજદારીની વાત કરી. પરણ્યા પછી છોકરીએ તો ઘર, વર ને છોકરાં જ સંભાળવાના હોય છે, એટલે ભણવાનું એને માટે એટલું
જરૂરી નથી. અને છતાં પાયલની ઈચ્છા ભણવાની હોય, એના સાસરીયાઓ એ માટે તૈયાર થતા હોય,
તો લગ્ન કરીને પછી પણ ભણી શકાય ને? બાકી મારી દ્રષ્ટિ એ તો ‘લક્ષ્મી ચાંદલો કરવા
આવી હોય ત્યારે મોઢું ધોવા જાય તો મૂરખ કહેવાય.’
-ભલે, તો પછી પાયલ આવે એટલે એને, અને એના પપ્પા સતીશને પૂછીને તમને તરત
જવાબ આપું, બરાબર? બોલો હવે શું લેશો, ચા કે કોફી ?
-હવે તો નાસ્તો કરીને જ જઈશ, મીઠુ મોઢું નહીં કરાવે કે ? સીમાએ રમામાસીને
ગરમાગરમ બટાકાવડા ની સાથે શીરો બનાવીને ખવડાવ્યો, આમતેમની વાતો કરીને માસી સંતોષનો
ઓડકાર ખાઈને ગયા.
સાંજે સતીશ અને પાયલ ઘરે આવ્યા એટલે સીમાએ, રમામાસીએ કરેલી વાત બંને
સમક્ષ મૂકી. સતીશે ‘તપાસ કરાવીએ, સારું લાગે તો વિચાર કરી શકાય’ એમ કહ્યું અને પાયલે ‘તમને બન્નેને જેમ યોગ્ય
લાગે તેમ’ કહ્યું, એટલે ‘બીજા ઓળખીતાને પૂછીને પછી જવાબ આપીશું’ એમ નક્કી કર્યું. જ્યારે ઓળખીતા
લોકો તરફથી, ‘માણસો સારા છે, છોકરો સારો છે.’ એવા અભિપ્રાય આવ્યા ત્યારે સીમાએ રમામાસી દ્વારા જ
‘છોકરા છોકરી એકબીજાને મળી લે પછી નક્કી
કરીએ’ એમ જણાવી દીધું.
નક્કી થયા મુજબ પરેશ એના મમ્મી
પપ્પા સાથે પાયલને જોવા આવ્યો. લક્ઝુરીયસ કારમાંથી તેઓ ઉતર્યા, બધાએ ડીઝાઈનર કીમતી
વસ્ત્રો પહેર્યા હતા, રેખાબેન સિલ્કની સાડી અને ભારે ઘરેણામાં સજ્જ હતા, જાણે કોઈ
લગ્ન સમારંભમાં જવાના હોય. સીધી સાદી પાયલને ઠઠારો ગમતો ન હોવા છતાં એ રમામાસીના આગ્રહથી સહેજ ભારેમાનો
ડ્રેસ અને આગવી કેશસજ્જા સાથે પરેશ સામે પ્રસ્તુત થઇ.
અમુલભાઈની વાતમાં એક
પ્રકારના પૈસાના ગરમાવાની ગંધ આવતી હતી,
રેખાબેનને તો એ વાત કરવાનો મોકો જ આપતા નહોતા. એ સિવાય માણસો સારા લાગ્યા. પરેશ
અને પાયલ એકલા વાતચીત માટે મળ્યા, ત્યારે વાતચીત દરમ્યાન પાયલે પોતે આગળ ‘એમ.કોમ.’
નું ભણવા માંગે છે એમ કહ્યું. પરેશે જરા વાર વિચારીને કહ્યું, ‘આમ તો એવી કોઈ જરૂર
નથી, છતાં તારે ભણવું હોય તો મને કોઈ વાંધો નથી,’ અને પાયલને હાશ થઇ. બંને પક્ષે
‘હા’ થઇ અને ‘સવા રૂપિયો અને નાળીયેર’ ની
આપલે થઇ અને ‘ગોળધાણા’ ખવાયા.
પંદર દિવસ પછી સગાઈની તારીખ
નક્કી થઇ. પાયલના મમ્મી પપ્પા સાદાઈથી પ્રસંગ ઉકેલવા માંગતા હતા. પણ પરેશના પપ્પાએ કહ્યું, ’અમારે ક્યા બે પાંચ
છોકરા છે, પરેશ અમારો એકનો એક દીકરો છે,
સગાઇ તો ધામધુમથી જ થશે.’ રમામાસીએ પણ એમની વાતને સમર્થન આપ્યું એટલે ન છુટકે પાયલપક્ષે
સંમત થવું પડ્યું. અને સગાઈમાં એમને એક લાખ રૂપિયાનો ખર્ચ થઇ ગયો. મોબાઈલ નંબરની
આપલે થઇ હતી એટલે પરેશ અને પાયલ વચ્ચે વોટ્સ એપ ના માધ્યમથી ‘હાય’, ‘હેલ્લો’ થી
ઔપચારિક વાતચીત શરુ થઇ. સંદેશાઓની આપલે વધી ત્યારે પાયલને પરેશનું ઈંગ્લીશનું જ્ઞાન
અધકચરું લાગ્યું, એટલું જ નહીં એની
ગુજરાતી ભાષા પણ થોડી રફ લાગી. એણે કોઈને કહ્યું નહિ પણ મનોમન આ વાતની નોંધ લીધી.
એક દિવસ સાંજે એ બંનેએ ગાર્ડનમાં મળવાનું નક્કી કર્યું. પરેશ પાંચ
વાગ્યાને બદલે સાડા પાંચ વાગ્યે આવ્યો. પાયલે પૂછ્યું, તો એ ‘સોરી’ કહેવાને બદલે
બેદરકારીથી બોલ્યો, ‘ટાઈમ માં અર્ધો કલાક આમ કે તેમ, શું ફરક પડે છે ?’ સમયપાલનની આગ્રહી એવી પાયલને આશ્ચર્ય થયું, ‘ પ્રિયાને
પ્રથમવાર મળવા પ્રિયતમ કેટલો ઉત્સુક હોય, એ સમયથી વહેલો જ આવી જાય, જ્યારે અહીં?
એને એમ પણ થયું કે જે વ્યક્તિને સમયની કીમત ન હોય, એવી વ્યક્તિ સાથે મારું જીવન કેવું
જશે ?’ એક રવિવારે પરેશ તરફથી પાયલને મુવી જોવાનું આમંત્રણ મળ્યું. પ્લાન મુજબ
પરેશ પાયલને ઘરેથી પીકઅપ કરવાનો હતો. ઉમંગભરી પાયલ સમયસર તૈયાર થઈને બેઠી હતી,
ત્યાં જ પરેશનો ફોન આવ્યો, ‘હું એક ક્લાયન્ટ સાથે કામમાં બીઝી છું, મારો ડ્રાઈવર
ટીકીટ લઈને ઘરે આવે છે, તું થીયેટર પર પહોચ. હું ફ્રી થઈશ એટલે મુવીમાં પહોચી
જઈશ.’
પાયલને બહુ ગુસ્સો આવ્યો, મુવી જોવાનો
એનો મૂડ મરી ગયો. પણ સીમાએ એને સમજાવી એટલે એ પરાણે ગઈ. પરેશ એક કલાક મોડો
આવ્યો. ઇન્ટરવલમા પાયલે કહ્યું, ‘મૂવીનું તો પહેલેથી નક્કી જ હતું ને? તો પછી
રવિવારના દિવસે પણ ક્લાયન્ટ ને શું કામ ટાઈમ આપ્યો ?’ પરેશે કહ્યું, ‘જો પાયલ,
તારી વાત સાચી છે, પણ આ ક્લાયન્ટનો મેરેજના ઘરેણા બનાવવા માટેનો મોટો ઓર્ડર મળે એમ
હતું. તું એક વાત બરાબર સમજી લે, મારે તો
ધંધો પહેલો, બીજું બધું પછી. અને આપણે તો જિંદગીભર માટે સાથે છીએ જ ને?’ પાયલને આ વાત જરાય ગમી નહીં, ‘જિંદગીભર
ની તો ખબર નથી, કોણ જાણે આપણો સાથ કેટલો હશે ?’ એમ મનોમન બોલી જવાયું પણ એ ચુપ જ
રહી.
એકવાર પાયલે પરેશના ફ્રેન્ડના લગ્નમાં એની સાથે જવાનું હતું. પાયલ પોતાની ચોઈસ મુજબ તૈયાર થઇ હતી, ગુલાબી
ડ્રેસમાં એ સરસ લાગતી હતી, ડ્રેસને અનુરૂપ હળવો મેકપ કર્યો હતો અને ડેલીકેટ ઘરેણા પહેર્યા હતા, જે એને સરસ રીતે
સુટ પણ થતાં હતા. પણ પૈસાદાર પરેશને એનો ડ્રેસ સાવ સાધારણ અને મેકઅપ તદ્દન
ઓર્ડીનરી લાગ્યા. લગ્ન સમારંભમાં સજીધજીને
આવેલી અન્ય સ્ત્રીઓ બતાવીને પાયલને કહ્યું, ‘તું આ લોકોનું જોઇને તો જરા સારી રીતે
આપણા મોભા પ્રમાણે તૈયાર થતા શીખ.’ અને એણે બીજે દિવસે પાયલ માટે ત્રણ થી ચાર મોંઘામાના
ડ્રેસ, એને અનુરૂપ જ્વેલરી અને બ્રાન્ડેડ મેકઅપ કીટ પરેશે મોકલી આપી, પાયલ આ જોઇને
ખુબ ખિન્ન થઇ.
સગાઈના ચાર મહિના વીત્યા, પાયલ જેમ જેમ પરેશને નજીકથી ઓળખવા માંડી તેમ
તેમ મનોમન એનાથી દૂર જવા લાગી. એમાં ત્યાર પછી બીજા પણ બે ચાર બનાવ એવા બની ગયા
જ્યારે પરેશના વાણીવિલાસ, ઉદ્દંડ વિચાર અને સ્વચ્છંદ વર્તને પાયલને વિમાસણમાં મૂકી
દીધી. પાયલને થયું કે પરેશમાં ‘સ્ત્રી દાક્ષિણ્ય’ ની ભાવનાનો અભાવ હતો અને એનું
કારણ હતું, એના ઘરના સંસ્કાર. ઘરમાં એની મમ્મીનું કોઈ માન નહોતું, એના પપ્પા કહે
તે જ ફાઈનલ.
એક દિવસ પરેશ પાયલના ઘરે આવ્યો હતો, ડ્રોઈંગ રૂમમાં પરેશ અને પાયલ એકલા જ
હતા. તે વખતે જ પરેશના મોબાઈલ પર એની મમ્મી રેખાબેનનો ફોન આવ્યો. રેખાબેન શું
બોલ્યા એ સંભળાયું નહીં પણ પરેશ ઊંચા અવાજે બોલ્યો, ‘પપ્પા જે કરે છે તે બરાબર જ છે,
મમ્મી. તારે એમાં ડહાપણ ડોળવાની જરૂર નથી.’
પાયલથી રહેવાયું નહીં, ફોન પત્યા પછી એ
બોલી, ‘પરેશ, તમારે તમારી મમ્મી સાથે આ રીતે વાત ન કરવી જોઈએ.’ આ સાંભળીને પરેશ
ઉશ્કેરાઈ ગયો અને મોટે અવાજે બોલ્યો, ‘મારે
શું કરવું જોઈએ અને શું નહિ એ તારે કહેવાની જરૂર નથી, સમજી? તમારા બૈરાની બુદ્ધિ પગની પાનીએ.’ પાયલ આ
સાંભળીને આઘાત પામી, એની આંખમાં પાણી આવી ગયા. એનાથી રહેવાયું નહીં, એ બોલી, ‘તો
એવા બૈરાને તમે લોકો પરણો છો જ શું કામ?’ હવે
પરેશ ભડકી ઉઠ્યો, બોલ્યો, ‘મારી ભૂલ થઇ કે મેં તને પસંદ કરી. મને તો એક કરતા એકવીસ
મળતી હતી, અને તે પણ તારા કરતા ચડિયાતી.’
‘તો પછી, એ એકવીસ માંથી જ કોઈ એક ચડિયાતીને શોધીને પરણજો, આપણો સંબંધ
અહીં જ પૂરો થાય છે.’ પાયલે ખુબ જ શાંત
અવાજે ખેદ અને મક્કમતાથી કહ્યું. ‘હા, હા. હવે એમ જ કરીશ. મને તો મારી મનપસંદ મળી
રહેશે, પણ જોઉં તો ખરો તને કયો માઈનો લાલ
પસંદ કરે છે તે.’ કહીને પરેશ પગ પછાડતો નીકળી ગયો. પાયલ ક્ષણભર તો જે થયું
તે માટે વિક્ષુબ્ધ થઇ ગઈ, પછી પોતાની હથેળીઓમાં મોં છુપાવી ધ્રુસકે ધ્રુસકે રડી
પડી. કિચનમાંથી આવીને હળવેથી એની હથેળી હટાવીને સીમાએ એનું મોં છાતી સરસુ ચાંપીને
કહ્યું, ‘દીકરા મારા, તું જરાય ઉદાસ થઈશ નહિ, તારે રડવાની પણ જરૂર નથી. હું અને તારા પપ્પા ઘણા વખતથી પરેશ સાથેના
‘મતભેદ’ અને ‘મનભેદ’ ની તારી મુશ્કેલી જોતાં જ હતા. ‘મમ્મી, મેં કઈ ખોટું તો નથી
કર્યું ને ?’ પાયલે આંસુ લુછતા પૂછ્યું.
‘તેં એકદમ સાચું પગલું ભર્યું છે, જે પુરુષમાં સ્ત્રી દાક્ષિણ્યની ભાવના
ન હોય એની સાથે જીવનભર રહેવાય જ શી રીતે? દામ્પત્ય જીવનમાં એક સમયે પ્રેમ ન હોય તો
ચાલે, પણ એકબીજા પ્રત્યે માન તો હોવું જ જોઈએ. એ જ ન હોય ત્યારે બીજું બધું જ હોય
છતાં સંબંધ બેડીરૂપ બની જાય છે, આજે તને એવા સંબંધમાંથી છુટકારો મળ્યો છે, એટલે
સંબંધ છુટવાનો વસવસો કરવાને બદલે ‘મુક્તિનો આનંદ’ મનાવ, બેટા.’ મમ્મીના શબ્દો સાંભળતા જ પાયલના મન પરથી આ મિથ્યા
સંબંધનો એક વજનદાર બોજો ઉતરી ગયો હોય એમ એ રીલેક્સ થઈને મમ્મીને વળગી પડી.
No comments:
Post a Comment