પૂર્વગ્રહ.
મોડી રાત્રે મોબાઈલની રીંગ વાગી અને અમરે ઊંઘરેટી આંખે ફોન ઉપાડ્યો, ‘ હેં ? કેવી રીતે ?
ક્યારે ? ઓહ ! હા, હા. અમે હમણા જ નીકળીએ છીએ.’ અમરનો દુખભર્યો સ્વર સાંભળીને
બાજુમાં સુતેલી પૂર્વી પથારીમાં સફાળી બેઠી થઇ ગઈ. ‘શું થયું ?’ પૂર્વીના એ
પ્રશ્નના જવાબમાં અમરે વ્યથિત હૃદયે કહ્યું, ‘પૂર્વી, મમ્મીને રાત્રે સિવિયર હાર્ટએટેક આવ્યો, ડોક્ટરને
બોલાવ્યા, પણ હોસ્પિટલમાં લઇ જાય એ પહેલાં જ મમ્મી....શી ઈઝ નો મોર.’ અમર ધ્રુસકે
ધ્રુસકે રડી પડ્યો. પૂર્વીએ એને દિલાસો આપતા પૂછ્યું, ‘અમર, અત્યારે આપણને અમદાવાદ
જવા કઈ ફ્લાઈટ મળશે ?’ અમરે મોબાઈલ લીધો અને એજન્ટને ફોન કરીને પહેલી જે ફ્લાઈટ
મળે એમાં બે ટીકીટ બુક કરવા કહ્યું. દરમ્યાન બંને જણે બેગ તૈયાર કરી, એજન્ટ પાસે
ફોન પર બુકિંગની વિગતો લઈને, ઘર બંધ કર્યું, પાડોશીને ઘરની ચાવી અને સુચના આપી અને
એરપોર્ટ જવા નીકળી ગયા.
એરપોર્ટ પર ચેક ઇન ની વિધિ પતાવી, બંને
જણ ખુરશીમાં ફ્લાઈટના એનાઉન્સમેન્ટની રાહ
જોતા બેઠા. અમરની ભીની બંધ આંખોમાં પાંચ
વર્ષ પહેલાના દ્રશ્યો શબ્દસહ તાદશ્ય થયા.
-તું એ છોકરી સાથે લગ્ન કરશે તો હું આ ઘર, તેમ જ તને અને તારા પપ્પાને
છોડીને જતી રહીશ.
મમતાએ રડતાં રડતાં એના ૩૦ વર્ષના
દીકરા અમર અને પતિ સનતને કહ્યું.
-મમ્મી, તું આવું ન બોલ, તને પૂર્વી સામે શું વાંધો છે એ તો કહે.
-એક નહિ હજાર વાંધા છે મને એ છોકરી સામે.
-સારું, એમાંના બે ચાર તો કહે, મને પણ તારા વાંધાની ખબર તો પડે.
-તને બીજી કોઈ ન મળી અને આ જ મળી ?
-પણ એનામાં વાંધો શું છે એ તો તું કહેતી જ નથી..
-સૌથી મોટો વાંધો તો એ છે કે નોનવેજ ખાય છે, જ્યારે આપણે શુદ્ધ શાકાહારી
છીએ, ઈંડા સુધ્ધાને અડકતાં નથી.
-તને જો ફક્ત એજ વાંધો હોય તો એ બાબતે મારે પૂર્વી સાથે વાત થઇ ગઈ છે, એ
લગ્ન પછી નોનવેજ છોડી દેવા તૈયાર છે.
-પણ આટલા વર્ષો સુધી એણે નોનવેજ ખાધું એનું શું ?
-હવે ખાધું એ તો કંઈ ઊલટી કરીને ઓકાવી દેવાય નહિ ને ? એ મારે ખાતર નોનવેજ
છોડવા તૈયાર છે એ તો તું ગણતરીમાં જ નથી લેતી.
-આ બધી તો કહેવાની વાત છે. એ એના પિયરમાં જાય, કોઈ ફંકશનમાં જાય કે પછી બહેનપણીઓ સાથે બહાર
ફરવા જાય ત્યારે નોનવેજ ઝાપટી આવે તો કોણ જોવા જવાનું ?
-પૂર્વી એવી નથી, મમ્મી. એ એકદમ નિખાલસ છે, સાચું બોલનારી છે, એણે મને
પ્રોમિસ કર્યું છે. અને લગ્ન જીવનમાં એકબીજા પર એટલો વિશ્વાસ તો રાખવો જ પડે.
-એનું એટલું ઉપરાણું તાણવાની જરૂર નથી, તારા કરતા મેં વધારે દિવાળી જોઈ
છે, સમજ્યો ?
-તારી વાત સાચી છે, મમ્મી. પણ લગ્ન જીવનમાં બંને પક્ષે ક્યાંક કોઈક કોમ્પ્રોમાઈસ તો કરવું જ પડે ને? આ
સિવાય પૂર્વીમાં બીજી શું ખામી છે ?
-અહીં અમદાવાદમા તને કોઈ છોકરી જ
ન મળી તે તું છેક પુના સુધી પહોંચી ગયો ?
-મમ્મી, આપણે છેલ્લા પાંચ વર્ષથી મારા માટે અમદાવાદ – વડોદરામાં છોકરી શોધી
જ રહ્યા છીએ, તું જ કહે કોઈ પસંદ આવી તને, મને કે પપ્પાને ?
-એટલે ગમે ત્યાંથી લઇ આવવાની ?
-ગમે ત્યાંથી શું મમ્મી, પૂર્વી કોઈ પછાત ગામડામાં નથી રહેતી, પુના જેવા
શહેરમાં રહે છે.
-હશે, એની હું ક્યા ના પાડું છું.
-ઠીક છે, બીજો શું વાંધો છે એ કહે.
-બીજું તો એનું કુળ કયું, એની પણ આપણને ક્યાં ખબર છે ?
-એનું કુળ જોવા કરતાં એ આપણા સૌ સાથે
કેટલી અનુકૂળ થઈને રહે એ જોવું વધારે અગત્યનું છે.
-એટલે કુંડળી ય નહીં મેળવવાની અને એમ જ લગન કરી દેવાના ?
-મમ્મી, તું કયા જમાનામાં જીવે છે ? હવે કુંડળી કોણ મેળવવા રહે છે ? આપણે
જાણીએ છીએ કે રમેશકાકાને ત્યાં અને સુખી ફોઈને ત્યાં કુંડળી મેળવવા છતાં એમના છોકરાઓના છૂટાછેડા થયા
જ છે ને ?
-એ બધી વાત સાચી, પણ આટલે દૂર પૂર્વીના સગા વહાલાની તપાસ આપણે કેવી રીતે
કરવા જઈએ ?
-તપાસમાં તારે શું જાણવું છે તે કહે. એના મમ્મી-પપ્પા સાથે મેં ફોન પર અને બહેન સાથે ઈન્ટરનેટથી વાતચીત કરી જ છે, વાતચીત
પરથી એ લોકો ખુબ સભ્ય અને વેલ એજ્યુકેટેડ લાગ્યા છે.
-એ તો શરૂઆતમાં તો બધું સારું સારું જ લાગે, પછી જ પોત પ્રકાશે.
-તો હું પણ ક્યાં ‘ચટ મંગની પટ
બ્યાહ’ કરવાનું કહું છું. પહેલા એકવાર તું એ લોકોને મળવાની તો હા પાડ. બે ચાર વાર એકબીજાને
મળીને - વાતચીત કરીને પછી નક્કી કરીશું.
-મારે કોઈને મળવું નથી, આપણી નાતવાળા
અને આપણા સગા વહાલા શું કહેશે ? એમ જ ને કે ‘આ લોકોને અહીં અમદાવાદમાં કોઈ છોકરી ન મળી તે આટલે દૂરની છોકરી લઇ આવ્યા ?’
-એમની વાત તો સાચી જ છે ને ? જો
મમ્મી, આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ હકીકત તો એ જ છે કે હું ૨૪ -૨૫ વર્ષનો હતો ત્યારથી તમે જ્ઞાતિમા મારા માટે છોકરી શોધવાની શરૂઆત કરી
દીધી હતી. કારણ જે હોય તે પણ આપણા ઘણા પ્રયત્નો છતાં એમાં કોઈ મેળ બેઠો નહીં. હવે હું ૩૦ વર્ષનો થયો ત્યારે માંડ
માંડ એક સાથે મેળ બેસી રહ્યો છે, ત્યારે તું કારણ વગરના વાંધા કાઢી રહી છે એ બરાબર
નથી.
-તો શું થયું, નાતમાં રહેવું હોય તો નાતીલાઓનું જોવું પડે, અડોશી પડોશીઓ
શું કહેશે ?
-તારું આ જ તો દુ:ખ છે, મમ્મી. ‘સબ સે બડા રોગ ક્યા કહેંગે લોગ’ સગા દીકરા કરતા તને લોકોની વધારે પડી છે ?
-હવે તો તને મમ્મીની દરેક વાત અણગમતી જ લાગશે, બેટા. જે છોકરીને તેં જાતે
જોઈ નથી, જેને તું હજી સુધી એકપણ વાર મળ્યો નથી, એને માટે થઈને તું મારી સાથે આટલી
જીભાજોડી કરે છે, તો એને પરણીને તો તું શું નું શું કરશે, મને ઘરમાંથી જ કાઢી
મૂકશે કે ?
-હવે તું હદ કરે છે, મમ્મી. અમારે બંનેએ લગ્ન પછી પણ તમારી સાથે જ રહેવું
છે, એટલે તો તને આટલું સમજાવી રહ્યો છું, નહીંતર એની સાથે ચુપચાપ કોર્ટ મેરેજ ન
કરી લીધા હોત ?
-હજી ય શું મોડું થયું છે, હવે
તો બધા એમ જ કરે છે ને, બધાની વાદે વાદે તું પણ એમ જ કરી લે, બેટા. અમે તો ખાસ
નહોતા ભણ્યા, તો પણ તને આટલું ભણાવ્યો એ જ અમારી ભૂલ કે ? અમારી ભૂલની સજા તો અમને
મળવી જ જોઈએ ને ?
-તમે મને ભણાવ્યો છે એ વાતનો હું અહોભાવ પૂર્વક સ્વીકાર કરું છું, એટલું
જ નહીં એ ભણતર નો સારો ઉપયોગ કરીને ભવિષ્યમાં તમને સુખી કરવાના પ્લાન પણ મેં
વિચાર્યા છે.
-તો અત્યારે શા માટે અમને દુઃખી કરવા તૈયાર થયો છે, પૂર્વી ને પરણવાની
જીદ છોડી દે.
-પપ્પા, હવે તો તમે જ મમ્મીને સમજાવો.
-મમતા, તું સમજવાની કોશિશ કર. માની લે કે અમર આપણી વાત માનીને પૂર્વીને
ના પણ પાડી દે, તો તને ખાતરી છે કે આપણે એને માટે આપણી મરજી મુજબની સારી છોકરી
શોધી શકીશું ? આમ ને આમ એ ૩૦ વર્ષનો તો થયો, બીજા કેટલા વર્ષ એને લગ્ન માટે તું રાહ
જોવડાવીશ ? શું તું એવું ઈચ્છે છે કે એ આજીવન કુંવારો જ રહે ?
-મમ્મી, પૂર્વી એન્જિનિયર છે, એ જોબ કરશે
અને મારી જોબ, બંનેની કમાણીમાંથી આપણે
સરસ રીતે જીવી શકીશું. તું અને પપ્પા ઘરની
જવાબદારીમાંથી મુક્ત થઈને તમારી મનગમતી પ્રવૃત્તિ કરી શકશો, જ્યાં મન થાય ત્યાં
ફરવા જઈ શકશો. તું પૂર્વી માટે અણગમો કાઢી નાંખ, એકવાર તો એને મળવાની હા પાડ.
-મમતા, અમરની વાત બરાબર છે, જુનવાણી વિચારો છોડીને આપણે હવે નવેસર થી
વિચારવું જોઈએ. પૂર્વી વિશે પૂર્વગ્રહ રાખ્યા વિના એને મળવું જોઈએ. છોકરો આટલી
આજીજી કરે છે તો એકવાર પૂર્વીને મળવામાં શું જાય છે ?
-તમે તો આમાં કશું બોલશો જ નહીં, તમને તો પહેલેથી જ મારી દરેક વાતનો વિરોધ
કરવાની ટેવ પડી છે.
-આમાં વિરોધ કરવાનો સવાલ જ નથી ઉઠતો, આમાં વિચાર કરવાની જરૂર છે. છેલ્લા
પાંચ છ વર્ષમાં અમર માટે છોકરી શોધવાના આપણે કેટકેટલા પ્રયત્નો કર્યા, પણ કમનસીબે આપણને સફળતા મળી નથી. હવે
જ્યારે અમરને છોકરી પસંદ પડી છે અને છોકરીને પણ અમર પસંદ પડ્યો છે, ત્યારે આપણે
છોકરીને જોયા કે મળ્યા વિના ના પાડવી જોઈએ નહીં. જો પૂર્વી અને એના મમ્મી-પપ્પા
રવિવારે પુનાથી ખાસ અમરને જોવા અને આપણને મળવા આવવાના છે, તું આમાં વિરોધ ન કરીશ
પ્લીઝ.
-તમે બાપ દીકરાએ મળીને નક્કી જ કરી નાખ્યું હોય તો હું કોણ વિરોધ કરનારી ?
મમતાએ પગ પછાડ્યા.
રવિવારે પૂર્વી એના મમ્મી પપ્પા સાથે પુનાથી અમદાવાદ અમરને મળવા આવી. બંને કુટુંબો મળ્યા, વાતચીત
કરી. મમતાએ અણગમો છુપાવીને ઔપચારિકતા પૂર્વક એમનું સ્વાગત કર્યું. પૂર્વીના મમ્મી
પપ્પાએ આ સંબંધ મંજુર કર્યો. પણ મમતાએ ખાનગીમાં બાપ દીકરાને કહ્યું, ‘છોકરી ચહેરેમહોરે
સુંદર નથી, મને નથી ગમતી, તું એની સાથે પરણશે તો હું તમને લોકોને છોડીને જતી રહીશ.’
મમતાએ બંનેને ‘ઈમોશનલ બ્લેકમેલ’ કર્યા, ઘરમાં અબોલા લઇ લીધા, બે દિવસ કંઈ ખાધું
નહીં. બાપ દીકરો બંને ભારે ‘અપસેટ’ થઇ ગયા. છેવટે એમણે મમતાની મોટી બહેનને મદદમાં બોલાવી.
એણે આવીને સતત અઠવાડિયા સુધી મમતાને સમજાવી, એનું બ્રેનવોશ કર્યું, ત્યારે મમતા મહાપરાણે
અમરના પૂર્વી સાથેના લગ્ન માટે સહમત થઇ.
લગ્ન પછી અમર અને પૂર્વીએ મમતાને ખુશ રાખવાના અનેક પ્રયત્નો કર્યા.
પિયરમાં મોડી ઉઠતી પૂર્વીએ મમતાને ગમે એટલા
માટે વહેલા ઉઠવાનું શરુ કર્યું. પિયરમાં રસોડામાં ભાગ્યે જ પગ મુકતી પૂર્વીએ
સાસુમાને પ્રસન્ન કરવા રસોઈ શીખવા માંડી. મમતાને ખાતર પૂર્વીએ સાસુમા સાથે ભીડભર્યા
મંદિરમાં અને પોતાની અણઘડ વાતોથી બોર કરતા સગા વહાલાઓના ઘરે પણ જવાનું મુનાસીબ
માન્યું, પણ ‘આ છોકરી મારા દીકરાને મારાથી છીનવી ગઈ’ એવી લાગણી ધરાવતી મમતાનું દિલ
પૂર્વી પ્રત્યે નરમ ન થયું, એનો પૂર્વગ્રહ અને અણગમો ઓછા ન થયા. અમર આ બધું જોઇને
દુખી થતો, પણ પૂર્વી એને સમજાવી લેતી. પછી એક દિવસ અમરે જ પૂર્વીને પોતાના એક
દોસ્તની ઓફિસમાંમાં જોબ અપાવી દીધી.
મમતાએ પૂર્વીની જોબનો પણ થઇ શકે એટલો વિરોધ કર્યો, ‘પૂર્વી જોબ પર જશે તો
ઘરનું બધું કામકાજ મારા માથે આવી જશે.’ અમરે
કહ્યું, ‘મમ્મી, પૂર્વીની જોબથી ઘરમાં દર મહીને ૪૦ હજાર રૂપિયા આવશે, આપણે કુક
રાખી લઈશું, એનાથી આપણી લાઈફ સ્ટાઈલ સુધરશે.’ મમતાએ કુક રાખવાનો વિરોધ કર્યો તો પૂર્વીએ
કહ્યું, ‘મમ્મી હું તમને કામકાજમાં મદદ કરાવીને જોબ પર જઈશ’ અને ખરેખર પોતાના કહ્યા મુજબ પૂર્વી જોબ પર જતા
પહેલા ઘરનું કામકાજ (કુકર મુકવું, રોટલીનો લોટ બાંધવો, દૂધ ગરમ કરવું વગેરે) કરીને
જતી. આવતી વખતે કરિયાણું, શાક –ફ્રુટ અને જોઈતી વસ્તુઓ ખરીદી લાવતી, રજાના દિવસે સવારમાં
ઘરના સાફ સફાઈમાં મદદ કરાવતી. તો પણ રાત્રે અમર સાથે ફરવા જતી, પૂર્વીને જોઈ મમતા
દુખી થતી. મમતાએ તો જાણે પૂર્વી પ્રત્યે
પથ્થરદિલ બનાવાનો નિશ્ચય જ કરી લીધો હતો, એ વાતે વાતે પૂર્વીને કટાક્ષભર્યા અને કઠોર
વચન સંભળાવતી.
અમર અને સનતને મમતાનું પૂર્વી તરફનું આ ઓરમાયું વર્તન ન ગમતું. સનત
ઘણીવાર અમરને સમજાવતો, ‘બેટા, ગમે એટલું કરો, પણ તારી મમ્મી કદી સુધરવાની નથી, એનો
કકળાટ બંધ કરવાનો એક જ ઉપાય છે, તું પૂર્વીને લઈને બીજે રહેવા જતો રહે.’ ‘પણ, પપ્પા. પછી તમે ?’ અમર વ્યથિત હૃદયે
પૂછતો. ‘બેટા, હું તો આટલા વર્ષોના સહવાસથી, એના સ્વભાવથી ટેવાઈ ગયો છું, સાંભળ
તને એક જોક કહું, ડોક્ટર : તમારી પત્નીની તબિયત હવે કેમ છે ? પતિ : હવે સારું છે, આજે સવારે તો એ મારી
સાથે થોડુ ઝઘડી પણ ખરી.’ કહીને સનત હસી પડ્યો. ‘પપ્પા, તમે પણ ખરા છો, આટલા દુખમાં
પણ હસી શકો છો.’ ‘એનું નામ જ તો જીંદગી
છે, બેટા, માટે જ તને કહી રહ્યો છું, શાંતિથી અને સુખેથી જીવવા માટે અલગ રહેવું એ
જ એક ઉપાય મને તો દેખાઈ રહ્યો છે.
અમરે ભારે હૈયે પુનામાં જોબ લઇ લીધી. મમતાએ જયારે આ જાણ્યું ત્યારે
ગુસ્સે થઈને કહ્યું, ‘છોકરાને કેટલા દુખ વેઠીને જન્મ આપે અને પોતાના જીવથીય વધુ
જતન કરીને ઉછેરે એની મા, અને પછી એક દિવસ એને ઉડાવીને લઇ જાય એની બૈરી.’ મમતાના આ કટુવચનો
સામે બધા ચુપ જ રહ્યા. અમર અને પૂર્વી પુના
શિફ્ટ થઇ ગયા, ઘર સુનું સુનું થઇ ગયું. પુનામાં ઘરની સામે જ એક ઓફિસમાં
પૂર્વીને જોબ મળી ગઈ. દીકરા વહુના અત્યંત
આગ્રહને વશ થઈને મમતા એકવાર પતિ સાથે દીકરાના ઘરે પુના થોડા દિવસ રહી આવી. દિવાળીની રજાઓમાં અમર અને પૂર્વી અમદાવાદ મમ્મી
પપ્પાને મળવા આવ્યા. મમતા થોડી શાંત થઇ હતી, પણ હજી પણ પૂર્વીને પુરા દિલથી
સ્વીકારી નહોતી શકી. ‘એ મારા દીકરાને મારાથી છીનવીને લઇ ગઈ’ એવો ભાવ મમતાના દિલમાં
ઘર કરી ગયો હતો.
મમતા ડીપ્રેશનમાં રહેવા લાગી. ‘જેણે નાનપણમાં ખુબ જ કાળજી કરીને અને
પ્રેમ આપીને પોતાને મોટો કરેલો એ મમ્મી હવે આ દુનિયામાં નહોતી રહી’ એ વિચારે અમર
ખુબ ઉદાસ હતો. ‘પપ્પા, હવે એકલા પડી જશે,’ એનાથી મોટેથી બોલી જવાયું. ‘આપણે
પપ્પાને આપણી સાથે રાખીશું’ પૂર્વીએ અમરને
સધિયારો આપ્યો. અમદાવાદ ઘરે પહોંચતા સુધી એ મૌન રહ્યો. ફૂલોથી ઢંકાયેલા મમ્મીના ચહેરાને
અને એના પાર્થિવ દેહને જોઇને, પપ્પાને વળગીને એ ખુબ રડ્યો. અંતિમસંસ્કાર અને બધી વિધિઓ
પત્યા પછી અમર અને પૂર્વીએ સનતને પોતાની સાથે પુના આવવા સમજાવ્યા.
સનતે કહ્યું, ‘બેટા, હું પુના જરૂર આવીશ, પણ આ ઘરમાં તારી મમ્મીની અનેક
યાદો વસેલી છે, હું થોડો સમય એની યાદોની સાથે વિતાવવા માંગુ છું,’ પછી સનતે અમરને એક
કવર આપતા કહ્યું, ‘બેટા, ગયા મહીને તારી
વર્ષગાંઠ પર તારી મમ્મીએ તને આ પત્ર લખ્યો હતો, મને પણ વંચાવ્યો હતો, મેં
જ્યારે પત્ર પોસ્ટ કરવાનું કહ્યું ત્યારે એણે કહ્યું, ‘મારે અમરને હાથો હાથ આ પત્ર
આપવો છે.’ પણ હવે એ જ નથી રહી ત્યારે...’ અને સનતભાઈની આંખો ભીની થઇ, પછી ગળું
ખોંખારીને કહ્યું, ‘એણે પત્ર કબાટમાં સાચવીને મૂકી રાખ્યો હતો, બેટા, ઘરે પહોંચીને
પછીથી નિરાંતે વાંચજે.’ અમર અને પૂર્વીને કુતુહલ થયું, ‘પપ્પા, એમાં શું લખ્યું છે,
તે કહો તો ખરા.’ ‘તમે બંને પોતે જ જોઈ લેજોને’ સનતે આંખના આંસુ છુપાવતા, ગળગળા
સાદે કહ્યું. અધીરાઈને માંડમાંડ વશમાં રાખીને, અમરે ઘરે આવીને પહેલું કામ પપ્પાએ
આપેલું કવર ખોલવાનું કર્યું.
પત્ર લઇ અમરે વાંચવાનું શરુ કર્યું, ‘મારા વહાલા દીકરા અમર, વર્ષગાંઠ ના
ખુબ ખુબ અભિનંદન અને આશીર્વાદ. આજે મારે તને એક એવી વાત કહેવાની છે, જે હું તને
કદાચ મોઢામોઢ નહિ કહી શકું, એટલે કાગળ લખીને જણાવી રહી છું. બેટા, હું માનતી હતી
કે તને મારાથી વિખુટો પાડનાર પૂર્વી જ છે, એટલે મને એના તરફ ખુબ જ નફરત હતી, પણ એકલા
પડ્યા પછી અને તારા પપ્પાની સમજાવટથી મોડું મોડું પણ મને સમજાયું કે એ મારી ખોટી માન્યતા જ હતી. તને
મારાથી વિખુટો પાડનાર પૂર્વી નહીં, પણ પૂર્વી તરફનો મારો પૂર્વગ્રહ હતો, મારી ખોટી
જીદ હતી, મારો અહંકાર હતો. તમારા ઘર છોડી ગયા પછી જ આ હકીકત મને સમજાઈ ગઈ હતી,
જેમ જેમ વિચાર કરતી ગઈ તેમ તેમ પૂર્વીના સ્વભાવની સરળતા મારી નજરમાં આવતી ગઈ, અને
મારી ભૂલો મને સમજાતી ગઈ.
જ્યારે તારી ભાવતી વાનગી બનાવતી, ત્યારે તને યાદ કરીને તારા પપ્પા કોળીયો
મોમાં મુકતા અટકી જતા, પછી મારી સામે જોઇને ચુપચાપ ખાઈ લેતા. હું પણ કોળીયો માંડ
માંડ ગળે ઉતારતી. જુના આલ્બમ કાઢીને તારા નાનપણના ફોટા જોઇને ચુપકીદીથી આંખો ભીની
કરતા અને નિસાસા નાખતા તારા પપ્પાને જોઇને મારું દિલ પણ વલોવાઈ જતું. એવો એક પણ
દિવસ નહીં હોય, જ્યારે અમે તને કોઈ ને કોઈ બહાને યાદન કર્યો હોય. હવે જયારે મને
મારી ભૂલ સમજાઈ ગઈ છે, ત્યારે મારે તમારી બંનેની માફી માંગવી છે, તમને પાછા આ
ઘરમાં લાવી મારી પૂર્વી દીકરીને પોંખીને ગળે લગાડવી છે, અમર દીકરા, ફરીથી એકવાર
તારું માથું મારા ખોળામાં લઈને તારા વાળમાં હાથ ફેરવીને તને વહાલ કરવું છે, બેટા. આજે
તમારી બંનેની સાચા હૃદયથી માફી માંગુ છું, તમારી આ અડીયલ સ્વભાવની મા ને માફ તો કરશોને?’
પત્ર વાંચીને અમરની આંખોમાંથી અવિરત અશ્રુઓ વહેવા લાગ્યા, પૂર્વી પણ
નતમસ્તક થઇ ગઈ. એણે અમરના હાથમાંથી પત્ર લઈને બાજુએ મુકયો, સાડીના પાલવથી અમરના
આંસુ લૂછ્યા અને અમરનું માથું ખોળામાં લઇ,
એના વાળમાં હાથ ફેરવવા લાગી, કેટલાય દિવસોના ઉજાગરાથી થાકેલી અમરની આંખો ઊંઘથી
ઘેરાવા લાગી, અને પૂર્વીના ખોળામાં માથું મુકીને એ નાના બાળકની જેમ ઘસઘસાટ ઊંઘી
ગયો. શૂન્યમનસ્કપણે પૂર્વી વિચારી રહી,
‘શનિ અને મંગળ કરતાં પણ ભયંકર એવો આ ગ્રહ, પૂર્વગ્રહ જો ના નડ્યો હોત, તો આજે મારા
પરિવારમાં શોકના આ વાદળને બદલે ખુશીઓનો મહાસાગર લહેરાઈ રહ્યો હોત.’
No comments:
Post a Comment