ચલો એક બાર ફિર સે.
ચાર વાગ્યાનું એર્લામ વાગ્યું, અંજલીએ એર્લામ બંધ કર્યું અને એ
પથારીમાંથી ઉઠી. રૂમની લાઈટ કરી, બાજુના સોફામાં સૂતેલો આસવ અત્યારે ત્યાં નહોતો. ‘બાથરૂમમાં
હશે‘ એમ વિચારીને
એણે ઓઢવાની ચાદરની ઘડી કરી અને ઓશીકાને સરખું
કર્યું, તો ઓશીકાની
બાજુમાંથી એક કાગળ મળી આવ્યો, ઉત્સુકતાવશ
કાગળ ઉપાડીને વાંચ્યો, આસવે લખ્યું હતું,
‘પ્રિય અંજલી, અને વહાલી તન્વી, આજે ફરી એકવાર તમને લોકોને જણાવ્યા વગર જ
આ ઘર, અને તમને બંનેને છોડીને જઈ રહ્યો છું, ક્યાં જઈશ, શું કરીશ, એ કંઈ વિચાર્યું નથી, પણ હવે મારું જવું જ
યથાર્થ છે, એમ મને લાગી
રહ્યું છે. વર્ષો પહેલા આ ઘર છોડીને ગયો હતો ત્યારે મારા સ્વાર્થ માટે ગયો હતો, પણ
હવે ઘર છોડીને જઈ રહ્યો છું, ત્યારે નિસ્વાર્થપણે તમારા સુખ શાંતિ માટે જાઉં છું. વધુ
કંઈ લખતો નથી, લખવાની જરૂર પણ નથી. હવે ફરી ક્યારેય તમારી જિંદગીમાં આવીને તમને
હેરાન નહીં કરું, એ મારુ પ્રોમીસ છે, આસવ નામનો કોઈ માણસ તમારા જીવનમાં ક્યારેક હતો,
એ વાતને દુખદ ઘટનાની જેમ ભૂલી જજો, બની શકે તો આ કમનસીબ પતિ અને દુર્ભાગી પિતાને
માફ કરી દેજો, અંજલી, આ ઘર તારું અને તન્વીનું
જ છે, અને હંમેશા રહેશે. તમે બંને ખુશ રહેજો.’
‘ફરી એકવાર ગૃહત્યાગ ?’ તન્વી ચિઠ્ઠી વાંચીને સ્તબ્ધ બની ગઈ, આસવ આવું
પગલું ભરશે એ તો એણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. કાગળ હાથમાં પકડીને, ‘દુખી
થવું કે ખુશ થવું ?’ તે એ નક્કી ન કરી શકી. એ બેડ પર બેસી પડી, કેટલાય વર્ષો પહેલા
એને અને દીકરી તન્વીને કશું પણ કહ્યા વિના છોડીને ચાલી ગયેલો પતિ આસવ, થોડા દિવસો પૂર્વે જ, અચાનક ઘરે
પાછો આવ્યો, એ દ્રશ્ય એને યાદ આવી ગયું....
ઘરની ડોરબેલ વાગી, અંજલીએ ભીના હાથ સાડીના પાલવથી લુછીને દરવાજો ખોલ્યો.
દરવાજાની સામે આસવને જોઇને અંજલી આશ્ચર્યથી અવાચક થઈ ગઈ, એ પથ્થરની મૂર્તિ
સમાન દરવાજામાં જ ખોડાઈ ગઈ. ‘મને અંદર આવવાનું નહીં કહે ?’ આસવનો સ્વર સાંભળીને એ સહેજ સળવળી, પણ દરવાજાની
વચ્ચેથી સહેજ પણ ખસી નહીં. ‘અંજુ, પ્લીઝ. મને માફ કરી દે’ આસવનો આજીજી ભર્યો અવાજ
સંભળાયો. આસવના મોંએથી ‘અંજુ’નું સંબોધન સાંભળીને હંમેશા ગુલાબના ફૂલની જેમ ખીલી
ઉઠતી અને મોગરાના ફૂલની જેમ મહેકી ઉઠતી અંજલી આજે એ જ સંબોધન સાંભળતા ગુસ્સાને
કારણે મનોમન ધૂંધવાઈ ઉઠી.
અંજલીને થયું એ આસવને બે ચાર તમાચા મારીને એક જોરદાર ધક્કો મારીને અહીંથી
કાઢી મુકે અને ઘરના દરવાજા બંધ કરી દે, પણ ખબર નહીં કેમ એ એવું કરી શકી નહીં, એ દરવાજાની
વચ્ચે પથ્થરની પુતળીની માફક ઉભી રહી. આ તકનો લાભ લઈને આસવ બોલ્યો, ‘મારે તને કંઈ
કહેવું છે, અંજુ. એકવાર મારી વાત તો સાંભળી લે, પ્લીઝ, મને ઘરમાં તો આવવા દે.’
‘મમ્મા, કોણ આવ્યું છે ?’ અંદરની રૂમમાંથી એક કોમળ અને મીઠો સ્વર સંભળાયો
અને અંજલી ધ્રુજી ઉઠી. ‘આપણી દીકરી તન્વીનો અવાજ છે ને ?’ એવા આસવના સવાલનો અંજલી
કંઈ જવાબ આપે તે પહેલા તન્વી એના બેડરુમાંમાંથી ડ્રોઈંગરૂમમાં આવી. ‘બેટા, હું આવી
ગયો છું’ આસવે કહ્યું, આજ સુધી જેમને માત્ર તસવીરમા જ
જોયા હતા, એ પોતાના પિતાને તન્વીએ ઘરના દરવાજામાં ઉભેલા જોયા, એને પોતાની આંખો પર
વિશ્વાસ ન બેઠો.
તન્વીને આવેલી જોઇને અંજલી કમને દરવાજાની વચ્ચેથી સહેજ સાઈડમા ખસી, અને
આસવ ઘરમાં પ્રવેશ્યો. આસવે તન્વી સામે એને બાથમાં લેવા હાથ લંબાવ્યા. ‘શું કરવું
?’ એ વિચારે તન્વી અવઢવમાં ઉભી રહી. ‘બેટા, તારો પિતા તને બોલાવે છે, ગળે નહિ મળે
?’ એવા આસવના બોલથી તન્વી ધીરેથી આસવની પાસે આવી, વાંકી વળીને પગે લાગી. આસવે એને
ઉભી કરીને ગળે વળગાડી. આસવે અંજલી સામે જોયું, એની આંખો હજી પણ લખોટીની જેમ સ્થિર અને ભાવવિહીન હતી. તન્વી બોલી, ‘બેસોને...
પપ્પા.’ અને આસવ સોફામાં બેઠો, તન્વી પિતાના માટે પાણી લઇ આવી, આસવ તન્વીને ખબર
અંતર પુછવા માંડયો, તન્વી વિનયપૂર્વક જવાબો આપવા માંડી. એ બંનેને વાતો કરતાં છોડીને અંજલી પોતાની રૂમમાં ચાલી
ગઈ.
રૂમમાં આવતાં જ અંજલી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. જે વ્યક્તિને પોતે દિલ
ફાડીને પ્રેમ કર્યો હતો, જેને ખાતર એ પોતાના
માબાપ અને ઘરબાર છોડીને ચાલી નીકળી હતી, એ જ પતિ બનેલા પ્રેમીએ લગ્નના માત્ર ચાર જ
વર્ષમાં, એક વર્ષની બાળકી સાથે, પોતાના કોઈ વાંક ગુના વગર, કોઈ પણ કારણ આપ્યા વગર ભવસાગરમાં ડૂબકી ખાતી છોડી દીધી હતી. આસવ વિનાની અનેક રાતો એણે ઊંઘ
વગર તરફડતા પસાર કરી હતી. ‘એનો જ કંઈ વાંક
હશે, નહીંતર એમ કોઈ માણસ પોતાની બૈરીને એક ફૂલ જેવી દીકરીની સાથે છોડીને જતો રહે ?’
લોકોના મહેણાંટોણા અંજલીના દિલને શારડીની
જેમ વહેરતા રહેતા, ‘પોતાનો શું
વાંક ગુનો હતો ?‘ અનુત્તર રહેલો આ સવાલ અંજલીને દિવસ રાત એક દુસ્વપ્નની જેમ સતાવતો રહેતો.
પતિના મિત્રો મદદ કરવાને બહાને આંખોમાં કામ વાસનાના સાપોલિયાં લઈને આવતાં,
પોતાની જાતને બચાવવા અંજલીએ ભારે જહેમત કરવી
પડતી. સજીધજીને પતિ સાથે હરવા ફરવાની ઉંમરે એ સાવ સાદાઈથી રહેતી, તન્વીને લઈને
ઘરના નજીકના બગીચે જતી તો પણ લોકો એને તાકીને એકબીજાના કાનમાં ગુસપુસ કરતા, તે
જોઇને એ બેચેન બની જતી. એ બધા માન અપમાન બાજુ પર રાખીને જીવન જીવતા શીખી ગઈ હતી. એની
એક જ નેમ હતી, ‘તન્વીને કોઈની ઉપર આધાર રાખ્યા વિનાનું સ્વમાનભર્યું જીવન જીવતા શીખવાડવું.’
નાનકડી તન્વીને અધ્ધર જીવે આયાના ભરોસે સોંપીને જોબ પર જવું, જરૂર પડે કપાતે પગારે રજા લેવી,
માંદગીમાં પણ મક્કમ બનીને ચાલતા રહેવું, આ બધું એના જીવનમાં વણાઈ ગયું હતું. ‘રણમાં મીઠી વીરડી’ કહી શકાય તેવા પડોશમાં એકલા
રહેતા માજી અનુમા હતા જે આ મા – દીકરીનું
ધ્યાન રાખતા. અને ઓફિસમાં સહકાર્યકર વિષ્ણુભાઈ હતા, જે કામકાજમાં માર્ગદર્શન
આપતા અને હિંમત બંધાવતા, એથી એને પ્રભુ પર
વિશ્વાસ ટકી રહ્યો હતો. જો કે એક વાત સાચી હતી કે, આ અચાનક આવી પડેલી આપત્તીએ એને મજબુતીથી
જીવતા શીખવાડી દીધું હતું, અને તન્વીમા પણ નાની ઉંમરે ઠાવકાપણું આવી ગયું હતું.
તન્વી સમજણી થઇ ત્યારથી ઘરની સ્થિતિ અને પોતાની મમ્મીની મનોવેદના સમજતી
થઇ હતી. એણે વિચારી લીધું હતું, કે ભણીગણીને પોતે ઉચ્ચ અધિકારી બનશે, અને મમ્મીને
શાંત, સ્થિર અને સગવડ ભર્યું જીવન જરૂર આપશે. પોતે કમાતી થાય પછી, મમ્મી એની નિવૃત્તિનો સમય મનગમતી પ્રવૃત્તિ (વાંચન ,
મ્યુઝીક ) મા પસાર કરશે, મમ્મીને પોતે
સાથે રહીને દેશ વિદેશ ફેરવશે, એને મનગમતી ચીજો અપાવશે.
પણ માંડ માંડ સ્થિર થયેલી જીવનની ક્ષણો આજે આસવના આવવાથી ફરી ખળભળી ઉઠી
હતી. જખમ પર વળી ગયેલો પોપડો કોઈના ખંજવાળવાથી ઉખડી જાય અને લોહી વહેવા માંડે, એમ આસવના
આગમનથી અંજલીના હૃદય પર વળેલી શાતા, અગન બનીને પાછી પ્રજ્વળી ઉઠી હતી. ‘અકારણ અમને
છોડી ગયાને તેર વર્ષ બાદ હવે એણે શા માટે
પાછા આવવું જોઈએ ?’ ‘એની ગેરહાજરીમાં માંડ માંડ ગોઠવાયેલા રૂટીન લાઈફને એણે હવે પોતાની હાજરીથી શા માટે
ડીસ્ટર્બ કરવું જોઈએ ?’ જેમ જેમ વિચારો કરતી ગઈ તેમ તેમ અંજલી વિહ્વળ થતી ગઈ.
‘મમ્મા, જમવા ચાલો’ તન્વીના અવાજથી અંજલી વિચારોમાંથી સફાળી જાગી, એણે
ઘડિયાળમાં જોયું તો રાતના આઠ વાગી ગયા હતા. ‘ઓહ ! વિચારોમાં કલાકો ક્યા પસાર થઇ
ગયા તે ખબર જ ન પડી.’ એણે મોઢું ધોયું, સાડી
અને વાળ સરખા કર્યા. પછી ખાવાનું જરાપણ મન ન હોવા છતાં, દીકરીને ખાતર રૂમની
બહાર આવી. તન્વીએ કહ્યું, ‘મમ્મી, પપ્પા સાથે વાત કરવામાં સમય ક્યાં પસાર થઇ ગયો તે
ખબર ન પડી અને રસોઈ કરવાનો સમય ન રહ્યો, એટલે પછી મેં બહારથી જ ઓર્ડર આપીને
ખાવાનું મંગાવી લીધું છે. અંજલીએ મ્લાન સ્મિત કર્યું અને બધા ચુપચાપ જમ્યા. જમીને ત્રણે
જણે થોડીવાર ટીવી જોયું. પછી સુવા માટે રૂમમાં ગયા. તન્વી એના રૂમમાં ગઈ અને આસવ
અંજલીની પાછળ પાછળ એમના બેડરુમમાં આવ્યો.
અગ્નિની સાક્ષીએ પતિ પત્ની બનેલા આસવ –
અંજલી આજે સાવ અજાણ્યા અજનબી જેવા, નિકટ છતાં એકબીજાથી જાણે જોજનો દૂર હોય એવા ઉભા
હતા. એમને યાદ આવતી હતી ૧૭ વર્ષ પહેલાની એ મીઠી મધુરી લગ્નની પહેલી રાત.
એમના પ્રેમલગ્નથી નારાજ બંને પક્ષે માતાપિતાએ એમની સાથે સંબંધનો છેડો
ફાડી નાખ્યો હતો. પણ એકબીજા પર ભરપુર વિશ્વાસ સાથે બંનેએ પોતાના સહિયારા જીવનની
શરૂઆત કરી હતી. એક નાનકડી ઓરડીમા થોડો સામાન, ઘણો પ્રેમ, ને ખુબ બધી વાતો, ઉજ્જવળ
ભવિષ્યના સોણલા, આંખોમાં રાતના મીઠા ઉજાગરા સાથે સવારનું રૂટીનવર્ક, આંખોમાં આંખો
નાખીને કરાતી વાતો અને હાથોમાં હાથ લઈને કપાતો જીવનપથ, પ્રેમમાં તરબોળ આ યુગલનો
સમય જાણે પાંખો લઈને ઉડતો હતો. આસવને જોબમાં પ્રમોશન મળ્યું, એણે બે બેડરુમના
ફ્લેટ ખરીદી લીધો, લગ્નના ત્રીજા વર્ષે, પ્રેમના પરિપાકરૂપ બાળકીનો જન્મ થયો, બંનેએ
પરી જેવી રૂપકડી બાળકીનું નામ રાખ્યું, ‘તન્વી.’ હવે બંનેનું વિશ્વ એકબીજા તરફથી
થોડું ફંટાઈને બાળકી તરફનું થયું.
‘તમે અહી પલંગમાં સુઈ જાઓ, હું
ડ્રોઈંગરૂમમાં જાઉં છું.’ આસવના પગરવથી વિચારોના વમળમાંથી બહાર આવીને, તકિયો અને
ચાદર હાથમાં લેતા અંજલી ભાવવિહીન સ્વરે બોલી. આસવે એને કહ્યું, ‘તું પલંગમાં સુઈ
જા, હું સાઈડના સોફામાં સુઈ જાઉં છું.’ ‘ના, હું બહાર સુઈ જઈશ’ અંજલીએ મક્કમ સ્વરે
કહ્યું, એને આસવની સાથેની એક એક ક્ષણ જીરવવી અઘરી પડે એવી ઝેર જેવી લાગતી હતી. ‘પ્લીઝ, જરા વિચાર તો કર, તન્વીને કેવું લાગશે
?’ આસવે કહ્યું. ‘અમને છોડીને અચાનક જતા રહ્યા, અને આટલા બધા વર્ષો સુધી કોઈ જાતની ખબર ન કરી ત્યારે નહોતું
વિચાર્યું કે અમને કેવું લાગશે ?’ અત્યાર સુધી શાંત રહેલી અંજલી હવે વિફરી.
‘હું ગુરુજીના વચનોથી ભરમાઈને, ગૃહસંસારને ત્યજીને, સાધુ થવા આશ્રમમાં જતો
રહ્યો હતો, પણ સાધુ થઇ ન શક્યો. હવે મને સમજાયું છે કે તમને લોકોને છોડીને જવાની મેં
બહુ મોટી ભૂલ કરી હતી, મને માફ કર.’ આસવે
હાથ જોડીને કહ્યું. ‘માફી માંગી
લેવાથી અમારા જીવનના મહત્વના એ તેર વર્ષો તમે પાછા આપી શકવાના છો ?’ અંજલી બોલતા
બોલતા રડી પડી. ‘એ વર્ષો તો હવે પાછા નહિ આવે, પણ હવે પછીના વર્ષો તમારી બંનેની તમામ
જવાબદારી હું લેવા તૈયાર છું.’ આસવે ગર્વભેર કહ્યું.
‘સંસારમાં ન ફાવ્યું તો સાધુ થયા, સાધુ તરીકે ન ફાવ્યું તો પાછા સંસારી
થવા આવ્યા, હવે ફરીથી સંસારમાં ન ફાવે તો તમે પાછા સાધુ ન થાવ તેની કોઈ ખાતરી છે ?
જો કે હવે મને એવી કોઈ ખાતરીની જરૂર પણ નથી, સાચું કહું તો અમને હવે
તમારી જ જરૂર નથી, અમારી જવાબદારી અમે લઇ શકીએ એટલા સમર્થ થયા છીએ.’ અંજલીએ ગળામાં
ભરાયેલા ડૂમાને અને આંખમાંના પાણીને માંડ માંડ ખાળતા કહ્યું.
‘તને કદાચ જરૂર ન હોય, પણ તન્વીનો તો વિચાર કર.’ આસવે લાગ જોઇને મહત્વનું
પાસું ચલાવ્યું, અને અંજલી ચુપ થઇ ગઈ. આર્ગ્યુમેન્ટ કરવાનું ટાળીને એ ઊંધું મોં
કરીને ચુપચાપ પલંગમાં સુઈ ગઈ. ‘તન્વીને તો હું ઓલમોસ્ટ મનાવી ચુક્યો છું, અને
અંજલીને તો હું થોડા સમયમાં જ મનાવી લઈશ’ એમ
મનોમન વિચારતો આસવ પોતાના વિજય અને
સામર્થ્ય પર મલકાતો સોફામાં સુઈ ગયો. એ પછીના ચાર પાંચ દિવસમા આસવ ઘરમાં પાછો એ રીતે ગોઠવાઈ ગયો, જાણે કે એ ઘર
છોડીને ક્યારેય ગયો જ નહોતો. ગૃહ વહીવટના તમામ સુત્રો એણે એક પછી એક પોતાના હાથમાં
લેવા માંડ્યા. ‘સવાર સાંજ ભોજન શું બનાવવું’ થી શરુ કરીને ટીવીનું રીમોટ સંચાલન પણ
એ કરવા લાગ્યો. અંજલી મનોમન સંકોચાતી ગઈ, ‘કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહિ એવી
સ્થિતિમાં એ મૌન અને ઉદાસ રહેવા લાગી.
એક દિવસ આસવ સિગારેટ લેવા બહાર ગયો ત્યારે તક જોઇને, ‘મારા મનની વાત
તન્વીને કહું કે ન કહું ?’ ની અવઢવમાં અટવાતી અંજલિ ઉભી હતી, ત્યાં પાછળથી આવીને
તન્વીએ એનો હાથ પકડીને સામેથી પૂછ્યું, ‘મમ્મા, હું જોઉં છું કે જ્યારથી પપ્પા
આવ્યા છે, ત્યારથી તું ખુબ ડીસ્ટર્બ રહે છે, તારા મનમાં શું વાત છે એ તારી આ દીકરીને નહીં કહે ?’ આ સાંભળતાં જ
અંજલિની આંખમાં પાણી આવી ગયા, ભીના અવાજે એ બોલી, ‘તન્વી, હવે અમારો મનમેળ શક્ય નથી, હું
આસવને અને આ ઘરને છોડીને જતી રહેવા વિચારું છું.’ બે ચાર ક્ષણ વિચારીને તન્વી
બોલી, ‘મમ્મી, તું મારી ચિંતા જરાપણ ન કરીશ, તું જે કંઈ નિર્ણય લે એમાં મારો તને
સાથ છે.’ અંજલી તન્વીને ગળે લગાડીને ચોધાર આંસુએ રડી પડી, તન્વી હેતથી એની પીઠે
હાથ પસવારતી રહી.
રાત્રે અંજલીને પોતાના કપડાની બેગ ભરતી જોઇને, આસવે પૂછ્યું, ‘ક્યાં જાય
છે ?’ એના જવાબમાં અંજલીએ આસવના હાથમાં છુટાછેડાના પેપર્સની ફાઈલ પકડાવતા કહ્યું,
‘આવતી કાલે સવારની ટ્રેનમાં હું આ ઘરને અને તમને છોડીને હમેશ માટે જઈ રહી
છું.’ આસવ આ સંભાળીને બેબાકળો થઇ ગયો, એણે
અંજલીને ઘર છોડીને ન જવા માટે ખુબ કાલાવાલા કર્યા, પણ એ પોતાના નિર્ણયમાં અડગ રહી.
બેગ ભરીને સવારે ચાર વાગ્યાનું એર્લામ મૂકી એ સુઈ ગઈ.
અજંપાભર્યો આસવ છુટાછેડાની ફાઈલ લઈને તન્વી પાસે આવ્યો અને આજીજીપૂર્વક બોલ્યો,
‘બેટા, તારી મમ્મી આ ઘરને, આપણને છોડીને જાય છે, તું એને મનાવીને રોકી લે.’ લગભગ અર્ધો
કલાકની ચર્ચા પછી તન્વી બોલી, ‘પપ્પા, મને લાગે છે કે આપણે મમ્મીને એની મરજી મુજબ
જીવવાની તક આપવી જોઈએ.’ ‘જેવી તમારા લોકોની મરજી, બેટા.’ આસવે પેપર્સ પર સહી કરીને
ફાઈલ તન્વીને આપી અને ભાંગેલા પગલે બેડરૂમમાં આવીને પોતાની જગ્યાએ સોફામાં સુઈ
ગયો.
‘મમ્મા, બેડમાં બેસીને તું શું વિચારે છે ?‘ તન્વીનો અવાજ સાંભળી અંજલી
વિચાર વમળમાંથી બહાર આવી. એણે આસવની ચિઠ્ઠી તન્વી તરફ લંબાવી, તન્વીએ કાગળ વાંચીને
એક ઊંડો શ્વાસ લીધો, પોતાની રૂમમાંથી છુટાછેડાની
ફાઈલ લાવીને અંજલીને આપતા કહ્યું, ‘મોમ, નાવ યુ આર ફ્રી ટુ લીવ યોર લાઈફ ઇન યોર વે,
પપ્પાએ છુટાછેડાના પેપર પર સહી કરી દીધી
છે.’ ફાઈલ હાથમાં લેતાં જ અંજલીની આંખોમાં ચમક આવી, એના મનમાં એક પંક્તિ ગુંજી
ઉઠી, ‘ચલો એકબાર ફિર સે......... અજનબી બન જાય હમ દોનો...’
No comments:
Post a Comment