પ્રભુની બક્ષિસ.
એક ખાનગી નર્સિંગ હોમના વેઈટીંગ રૂમમાં, વિમળાબેન સોફાની પોચી સીટમાં
ઉચાટભેર બેઠા હતા. નજર વારંવાર લેબર રૂમના દરવાજા પર જઈને પાછી વળતી હતી. સામેની
દીવાલ પર, શ... શ... શ... લખાણ સાથેનું એક અત્યંત ક્યુટ બેબીનું, હોઠ પર
આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઈશારો કરતુ પોસ્ટર લગાવેલું હતું. એના પર નજર પડતાં જ
વિમળાબેનના મોં પર ક્ષણભર માટે એક અજબ પ્રસન્નતા અને વાત્સલ્યની લહેર આવી ગઈ. પણ
પછી નજર ફરી પાછી લેબર રૂમના દરવાજા પર જતા ડીલીવરી માટે અંદર ગયેલી વહાલસોઈ દીકરી
નીપાની યાદ આવતાં જ જીવ ફરી ઉચાટમાં આવી ગયો.
‘હે મારી અંબા મા, સ્ત્રીની
પ્રસુતિ એટલે એનો બીજો જનમ, મારી દીકરીની આ પ્રસુતિ હેમખેમ પાર પાડજે, એને અને
સંતાનને હેમખેમ રાખજે.’ એમ મનોમન પ્રાર્થના કરીને પછી વિમળાબેને પતિની સામે જોયું.
વિનયભાઈએ આંખોના ઇશારે ‘બધું બરાબર થઇ જશે, ચિંતા ન કર’ એમ કહ્યું. ઓપરેશન રૂમનો દરવાજો ખૂલ્યો, લેડી ડોક્ટર બહાર
આવ્યા અને હસીને બોલ્યા, ‘કોન્ગ્રેચ્યુલેસન્સ, વિમળાબેન-વિનયભાઈ, તમે બંને નાની
અને નાના બન્યા છો, લક્ષ્મીજી પધાર્યા છે, બંનેની તબિયત સારી છે, દસ – પંદર
મીનીટમાં નીપાને રૂમમાં લાવીશું.’
‘લ્યો, નાનીમા. ખુબ ખુબ અભિનંદન ! હવે તો રાહત થઇ ને ?’ વિનયભાઈ બોલ્યા.
‘હા, ખુબ ખુબ પાડ મારી અંબામાનો, તમારે આખી રાતનો ઉજાગરો છે, થાક્યા હશો, હવે
તમારે ઘરે જવું હોય તો જાવ,’ ‘અરે, તને શું લાગે છે, હું એટલો બધો થાકી ગયો હોઈશ
કે લક્ષ્મીજીનું મોં જોયા વગર જ જતો રહીશ ? તારે એકલીએ જ એ લહાવો લેવો છે કે ?’ વિનયભાઈએ કહ્યું. આ સાંભળીને વિમળાબેન હસ્યા. નીપાને
રૂમમાં લઇ આવ્યા એટલે એટલે વિનયભાઈએ એને માથે હાથ પસવારીને અને વિમળાબેને ઓવારણા
લઈને ખુશી વ્યક્ત કરી. નાનકડી મજાની અને નીપાની પ્રતિકૃતિ સમાન એની ઢીંગલી જેવી
દીકરીને જોઈને તો બંને આનંદવિભોર થઇ ગયા, બંનેને નીપાનું બાળપણ સાંભરી આવ્યું.
‘ચાલ બેટા, હવે હું જાઉં અને જીજ્ઞેશને મોકલું, એણે તાકીદથી કહ્યું છે કે
‘મને તરત જ જણાવજો કે હું મામો બન્યો છું કે મામી ?’ ત્રણે જણ આ સાંભળીને હસી
પડ્યા. ‘નીપાને સાસરે ખબર આપી દેજો’ વિમળાબેને વિનયભાઈને યાદ કરાવ્યું. ‘ત્યાં ખબર
આપવાની શી ઉતાવળ છે, મમ્મી. આપણે ઘરે જઈશું પછી ફોન કરીશું.’ નીપાએ ઉદાસ સ્વરે
કહ્યું. ‘બેટા, આપણી ફરજ આપણે નહીં ચૂકવાની, એમની વાત એ જાણે’ નીપાની ઉદાસી અને
વિમળાબેન આવું બોલ્યા તેનું પણ એક કારણ હતું. સાસરે વળાવેલી દીકરીના સીમંતવિધિ
વખતે જ કંઈ ગરબડ હોવાની ગંધ વિમળાબેનને આવી ગઈ હતી. ઔપચારિક રીતે નીપાના સાસરીયાઓએ
વિધિ પતાવી હતી, પણ કોઈના મોં પર હોવો જોઈએ એવો ઉત્સાહ દેખાતો નહોતો. સીમંત કરીને
નીપાને ઘરે લાવ્યા પછી બે મહિનામાં માત્ર બે વાર જ જમાઈનો ફોન આવેલો, અને એક જ વાર
જમાઈ મળવા આવ્યા હતા.
આ બધું જોઇને વિમળાબેને નીપાને પૂછ્યું પણ ખરું, ‘બેટા, બધું બરાબર છે કે
? તું સાસરે સુખી તો છે ને ?’ ‘હા, મમ્મી. બધું બરાબર છે, તું ચિંતા ન કર.’ કહીને
નીપાએ વાતને ટાળી દીધેલી, પણ પીઢ માની અનુભવી આંખે પારખી લીધું હતું કે નીપા સાસરે
સુખી નથી. ‘કદાચ નીપાને બાળક આવી જાય પછી બધું બરાબર થઇ જશે’ એમ વિચારીને આ લાગણીશીલ
માએ ચુપકીદી સેવી લીધી હતી. પણ બાળકીના આવ્યાની ખબર નીપાના સાસરે મોકલ્યાના બે
દિવસ પછી પણ ત્યાંથી કોઈ નીપાને મળવા કે બેબીને જોવા ન આવ્યું ત્યારે માની આંતરડી
કકળી ઊઠી. ‘એવી તે મારી દીકરીની શું ભૂલ થઇ કે જમાઈનો ફોન સુધ્ધાં ન આવ્યો ? ‘
કેટલા લાડકોડમાં દીકરીને મોટી કરી હતી, સારા સંસ્કાર આપ્યા હતા, સારું શિક્ષણ
આપ્યું હતું, એના માટે મૂરતિયો શોધવામાં પણ ખુબ ચીવટ રાખી હતી.
કેટલા બધા છોકરાઓ જોયા, એમાં આ મલય શાંત અને સોહામણો લાગ્યો હતો. ઘરના
માણસોનો સ્વભાવ પણ ગમ્યો હતો. એક નાનકડું ટેનામેન્ટ અને એક કાર. ભાઈ – બહેનોમાં એક મલય
અને એનાથી નાની બહેન શ્વેતા, શ્વેતાની સગાઇ થઇ ગયેલી અને એનો ફિયાન્સ ઓસ્ટ્રેલીયા
ભણવા ગયેલો. એ લોકોને નીપા ગમી અને નીપાને મલય ગમ્યો, અને સગાઇ કરી. લગભગ ત્રણેક
મહિના બંને સાથે ફર્યા, એકબીજાને ઓળખ્યા,
પછી લગ્ન થયા. શ્વેતા તો ‘ભાભી ભાભી’ નું રટણ કરતા થાકતી નહીં, સાસુ સસરાને પણ
નીપાથી કોઈ ફરિયાદ નહોતી, એ ઘરનું કામકાજ ઉલટભેર કરતી, સૌનું માન રાખતી. લગ્નના
દોઢ વર્ષ સુધી તો બધું બરાબર ચાલ્યું, પછી એવું તે શું બન્યું કે સાસરીયાઓએ મોં
ફેરવી લીધું ? વિચાર વંટોળ ને ખંખેરીને વિમળાબેને નક્કી કર્યું કે પોતે ધીરે ધીરે
બધી વાત નીપા પાસે કઢાવશે.
નીપાએ તો દિલોજાનથી ફૂલ જેવી દીકરીની સંભાળ લેવી શરુ કરી, જાણે એ જ એક
માત્ર એના ભવિષ્યનો આધાર હોય એમ. નામ પાડ્યું ફોરમ, એટલે કે સુવાસ – સુગંધ –
ખુશ્બુ. ફોરમના આવવાથી ખુશખુશાલ બનેલ મામા
જીજ્ઞેશ તો એને ‘પરી’ કહીને જ બોલાવતો, અને નાના અને નાનીના આનંદનો કોઈ પાર નહોતો,
૨૪ કલાકનો દિવસ પણ આ ઢીંગલીના કારણે નાનો લાગતો હતો. નીપાના સાસરે વારંવાર આમંત્રણ
આપ્યા છતાં છઠ્ઠીના દિવસે, અગિયારમાં
દિવસે કે સવા મહીને પણ કોઈ ન આવ્યું. પછી નીપાએ મમ્મી – પપ્પાને, પોતાના સાસરે ફોન
કરવાની કડક મનાઈ કરી. ફોરમ ધીમે ધીમે મોટી થતી ગઈ. એ ક્યારે ઉંધી પડતા શીખી, એ
ક્યારે ઘૂંટણીએ ચાલતા શીખી, એ ક્યારે પહેલી વાર ‘મા’ બોલી, વગેરે ઘટનાઓ નીપાની દિમાગી ડાયરીમાં સચવાવા
માંડી.
નીપાની કડક મનાઈ છતાં ફોરમની પહેલી વર્ષગાંઠે વિમળાબેને ડરતા ડરતા
વેવાણને આમંત્રણ આપવા ફોન કર્યો. ત્યારે
વેવાણે કાનમાં વાગે અને હ્રદયમાં જખમ થાય એવો સવાલ કર્યો, ‘કોણ નીપા ? અને કોણ
ફોરમ ? દીકરી જણનાર કોઈ નીપાને અમે ઓળખતા
નથી, હવેથી ફોન કરી હેરાન ન કરશો.’ ત્યારે દીકરીની મા વિમળાબેન ગમ ખાઈ ગયા. ‘દીકરી
જણી તો એમા જવાબદાર કોણ, તમારો દીકરો જ ને ? મેડીકલ સાયન્સ તો એમ જ કહે છે.’ એમણે હોઠ
સુધી આવી ગયેલા શબ્દોને પાછા વાળી દીધા, કેમ કે એ સમાધાનનો રસ્તો ખુલ્લો રાખવા
માગતા હતા, આખરે તો દીકરીના ભવિષ્યનો સવાલ હતો.
પણ સામા પક્ષે સમાધાન ક્યાં ખપતું જ હતું ? ફોરમની પ્રથમ વર્ષગાંઠ ના
દિવસે જ એના નિષ્ઠુર પિતાએ એટલે કે મલયે વકીલ મારફત છૂટાછેડાના પેપર્સ સહી કરવા
મોકલી આપ્યા. નીપાએ કઠોર શબ્દોમાં કહી દીધું, ‘કોઈપણ કારણ કે વાંક ગુના વગર આવી
સજા ન હોય, હું છૂટાછેડા નહિ આપું, જાવ થાય તે કરી લો.’ નીપાનું આખું ઘર મલયના આવા
વર્તનથી વિષાદમાં ડૂબી ગયું. ‘દીકરી જણનાર તમારી દીકરી અમને કોઈ કાળે ખપે નહીં’ એમ
નીપાના સાસરીયાઓએ ભલે કહ્યું, પણ અસલી વાત બહાર આવ્યા વગર રહી નહીં. વહેતા પવનમાં
વાત આવી કે – નીપા સાથે લગ્નના દોઢેક વર્ષ પછી, મલયની ભૂતકાળની પ્રેમિકા શેફાલી
એને ફરી ક્યાંક મળી ગઈ. પૈસાદાર અને ફેશનેબલ શેફાલીની સગાઇ બે વાર તૂટી ગયા પછી
એને લાયક કોઈ મૂરતિયો મળ્યો નહીં, એટલે એણે મલય સાથે નિકટતા વધારી.
હવે બંને પરણવા માંગે છે, એટલે
મલયને નીપાથી છૂટાછેડા જોઈએ છે. વિનયભાઈ આ સાંભળીને ખુબ ગુસ્સે થયા, ‘અરે ! લગ્ન એ
કંઈ ગુડ્ડા ગુડ્ડી નો ખેલ છે કે એકથી મન ભરાઈ ગયું એટલે બીજી ગુડ્ડી લઇ આવ્યા ?’ વિમળાબેન
ને તો બે દિવસ ખાવાનું પણ ન ભાવ્યું, રડી રડીને આંખો સુજી ગઈ. જીજ્ઞેશે કહ્યું, ‘હું જઈને જીજાજીને સમજાવું ?’ નીપા
ગુસ્સે થઈને બોલી, ‘ત્યાં જવાની કંઈ જરૂર નથી,
આજથી મારે હવે મલયની સાથે કે એ ઘર સાથે કોઈ સંબંધ નથી.’ તે છતાં જ્ઞાતિના
કેટલાક આગેવાનોને સાથે લઇ જઈને વિનયભાઈએ મલય અને એના મમ્મી પપ્પાને સમજાવવાની
ટ્રાય કરી જોઈ, પણ ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારીની જેમ પુત્રપ્રેમમા આંધળા થયેલા એ
લોકો એક ના બે ન થયા. એકમાત્ર નીપાની નણંદ શ્વેતાએ સમજદારી દાખવી ભાઈ અને મમ્મી
પપ્પાને કહ્યું, ‘આપણે ભાભીને ઘરે પાછા લઇ આવવા જોઈએ.’
શ્વેતાને ધમકાવીને એ લોકોએ અંદર મોકલી આપી અને વિનયભાઈ અને બીજા લોકોને
પણ જવાની આડકતરી સુચના આપી. આગેવાનોએ વિનયભાઈને ઘરે આવીને કહ્યું, ‘તમે કહો તો
એમની સામે કોઈ પગલા લઈએ, નોટીસ મોકલીએ, એમણે દીકરી નીપાને બોલાવવી જ પડે એવું કંઈ
કરીએ.’ આ સાંભળી રહેલી નીપાએ કહ્યું, ‘મન, મોતી અને કાચ તૂટ્યા પછી સંધાય નહીં.
મારે હવે ત્યાં પાછું જવું જ નથી.’ ફોરમ દોઢ વર્ષની થઇ એટલે નીપાએ જોબ શોધી લીધી.
‘મારી સાથે આવી ક્રૂર મજાક કરવા બદલ હું મલયને કદી માફ નહીં કરું, એને છૂટાછેડા તો કોઈ કાળે
નહીં આપું.’ એમ મનમાં નક્કી કરીને નીપા પોતાના નાનકડા વિશ્વમાં ઓતપ્રોત થઇ ગઈ.
ફોરમની બીજી વર્ષગાંઠ નજીક આવી રહી હતી. નીપા જોબ પરથી સીધી એને માટે
ફ્રોક લેવા મોલમાં પહોંચી. પિંક અને વ્હાઈટ કલરનું ફ્રીલવાળું એક મસ્ત ફ્રોક પસંદ
કરીને એને પેક કરવાનું કહીને એ કાઉન્ટર પર પૈસા ચુકવવા માટે આવી. ત્યારે બાજુમાં
આવીને ઉભી રહેલી એની નણંદ શ્વેતાએ પેમેન્ટ કરી દેતા કહ્યું, ‘મારી વહાલી ભત્રીજી ફોરમને એની
ફોઈ તરફથી આ નાનકડી ભેટ’ નીપાએ
વિરોધ કરતા કહ્યું, ‘મારી દીકરીનો ખર્ચ હું પોતે ઉઠાવી શકું છું, મારે એ માટે કોઈ
પરાયાના સહારાની જરૂર નથી.’ શ્વેતાએ
કહ્યું, ‘જાણું છું, નીપાભાભી. મલયભાઈએ તમારી સાથે ઘણો અન્યાય કર્યો છે. મને તમારા
માટે અહોભાવ અને ફોરમ માટે સાચી લાગણી છે. મારો વિશ્વાસ કરો ભાભી.’ ‘શ્વેતા સાચું
કહે છે, ભાભી. તમે જે ખુમારીથી ફોરમને ઉછેરી રહ્યા છો તે કાબિલે તારીફ છે.’ પાછળથી
કાઉન્ટર પર આવેલા શ્વેતાના ફિયાન્સ સુહાસે કહ્યું.
‘ભાભી, તમે ચાહો તો ભાઈની સાન ઠેકાણે લાવવામાં અમે બંને તમને મદદ કરવા
તૈયાર છીએ.
આમ પણ એમની દશા – ધોબીનો કુતરો
ન ઘરનો કે ન ઘાટનો - એના જેવી થઇ છે. તમે છૂટાછેડા નથી આપ્યા અને શેફાલી લગ્ન વગર
એમની સાથે રહેવા આવવા નથી માંગતી, બંને વચ્ચે આ બાબતે ખુબ ઝઘડા થાય છે, એમના
કર્યાની સજા એમને બરાબર મળી ગઈ છે, તમારા ગયા પછી ભાઈ આમ પણ હવે થોડા નરમ પડ્યા
છે, તમે કહો તો એમને સમજાવીને તમને પાછા બોલાવી લઈએ.’ શ્વેતા બોલી. ‘શ્વેતાબેન,
હું તો માનું છું કે - આવ નહીં આદર નહીં, નહીં નયનમાં સ્નેહ, તુલસી વહાં ન જઈએ
ચાહે કંચન બરસે મેહ, આથી હવે ત્યાં પાછા
આવવાનો સમય નીકળી ગયો છે,’ કહીને નીપા ત્યાંથી ચાલી નીકળી, શ્વેતા અને સુહાસ એક
નિશ્વાસ નાખીને એને જતી જોઈ રહ્યા.
બીજે દિવસે ખબર નહિ કેમ, નીપાને શું સુજ્યું તે એણે છૂટાછેડાના કાગળ પર
સહી કરીને મલયને મોકલી આપ્યા, પછી એ ચોધાર આંસુએ અને ડૂસકે ને ડૂસકે રડી પડી.
થોડીવાર પછી સ્વસ્થ થઈને મોં ધોયું, વાળ ઓળ્યા, હિંચકે બેઠી અને પછી હિંચકાને ઠેસ
મારતા મનોમન બોલી, ‘મલય, ભલે તેં મને ન ચાહી, પણ મેં તો તને પૂરા દિલથી ચાહ્યો હતો.
મને ફોરમ જેવી મજાની દીકરી આપવા બદલ તારો ગુનો માફ કરું છું, અને તને આપણા સંબંધના
બંધનમાંથી મુક્ત કરું છું.’
અને એ દિવસે ફોરમ સાથે રમતી નીપા, વિનયભાઈ અને વિમળાબેન ને ખુબ જ
બદલાયેલી લાગી. સ્ફટિક શી પારદર્શક – વાદળ જેવી હલકી ફૂલકી – પતંગિયા જેવી પ્રસન્ન
અને ચંદ્રમાં જેવી શીતળ. કદાચ બીજાની ભૂલને ઉદારતા પૂર્વક માફી આપનારને પ્રભુની
આવી જ મજાની બક્ષિસ મળતી હશે ?
No comments:
Post a Comment