દેવદૂત.
‘દાદી, મમ્મી તમને બોલાવે છે’ રીન્કુએ સીતાબાને મમ્મીની સૂચના આપી અને
બહાર રમવા દોડી ગયો. ’ચાલ જીવ કોરટ (કોર્ટ) નો ઓડર (ઓર્ડર) આવી ગીયો, વઉ જે સજા કરે
તે ભોગવવા તિયાર થઇ જા.’ સીતાબાને સવારે ઘરમાં બનેલો બનાવ યાદ આવી ગયો, એટલે આ વાક્ય મનમાં બોલીને એ ડગુમગુ ચાલે પોતાની બખોલ જેવડી રૂમમાંથી બહાર
આવ્યા.’ આજે મોનાવહુ હમેશની માફક આકરા વેણ સંભળાવશે, તોબરો ચઢાવશે, આખો દિવસ અબોલા
લેશે, અને સુકુંપાકું ખાવાનું આપશે.’ પતિની હયાતીમાં પોતે ગાળેલો સુવર્ણયુગ સીતાબાને
યાદ આવી ગયો, અને એમના ગળામાં યાદોનો ડૂમો જામ્યો.
‘બા, અહીં ખુરશીમાં બેસો’ સીતાબાને
આવેલા જોઇને મોનાએ ડાઈનીંગ ટેબલ પાસેની ખુરશી હળવેકથી ખસેડી આપતા કહ્યું. વહુના નરમ વર્તનથી સીતાબાને નવાઈ લાગી,
એ બેઠા એટલે મોના રસોડામાંથી દાળ, શાક, મીઠાઈ, ફરસાણ, કચુબર અને પાપડ પીરસેલી થાળી
લઇ આવી એમની આગળ મૂકતાં બોલી, ’બા તમે
ખાવાનું શરુ કરો, ગરમ રોટલી હમણા બનાવીને લઇ આવું છું.’ વહુ મોનાના બદલાયેલા
રંગઢંગ અને વિવિધ વાનગીઓથી ભરપુર થાળી જોઈને સીતાબા દંગ રહી ગયા. એમને સમજાયું
નહીં, ‘આજે સૂરજ ઉગમણીના બદલે આથમણી કોરે કેમનોક ઉઈગો ? ફીટકારની જગાએ આ આગતાસાગતા કેમ ?’
કોઈ બનાવ અકારણ નથી બનતો, એમ આ બનાવ બનવાનું પણ એક કારણ હતું, જે સમજવા આ
ઘરમાં સવારે શું બન્યું હતું તે જાણવું જોઇશે. વાત જાણે આમ બની હતી –
-મોના, બધી તૈયારી બરાબર કરી રાખી છે ને?
-હા, નીલવ, મીઠાઈ, ફરસાણ, આઈસ્ક્રીમ..બધું તૈયાર છે, તમે પૈસાનું કવર
રેડી રાખ્યું છે ને ?
-હા, પુરા એક લાખ રૂપિયાનું કવર તૈયાર રાખ્યું છે. અજયસર આમ તો ક્યાંય
જતા નથી, પણ મેં બહુ આગ્રહ કર્યો, તો વળી ઘરે આવવા તૈયાર થયા, મારા માટે તો નોકરી
બચાવવાની આ છેલ્લી તક છે, સાંભળ્યું છે કે તેઓ કોઈ પાસે એક પૈસો પણ લેતા નથી, એટલે હું બહુ ટેન્શનમાં છું.
-ટેન્શન ન કરો, મેં એમના સ્વાગતની બરાબર તૈયારી કરી છે, બસ આ જરા ...
-બસ, આ જરા... શું ?
-તમારા બા વચ્ચે આવીને વાત બગાડે નહિ તો સારું. એમને કેટલીયવાર કહ્યું છે
કે તમારે તમારી રૂમમાં જ રહેવું, જે જોઈએ તે માંગવું, હું આપી જઈશ. પણ એ સમજતા જ
નથી, કોઈ નહીં ને કોઈ બહાનું કાઢીને
રૂમમાંથી બહાર આવી જ જાય છે, કોઈ બહારનું આવે ત્યારે તો ખાસ, આપણી દરેક વાતમાં
વચ્ચે દખલ કરવાની એમની કુટેવ જતી નથી.
-ઠીક છે, મોના. ઘરડું માણસ કંટાળી જાય એટલે એવું કરે, વડીલ છે એટલે સહી
લેવાનું. જો કે તારી વાત સાચી છે, આજે તો એ બહાર ન આવે તો જ સારું, મારી નોકરીનો
સવાલ છે.
બરાબર સવારે સાડા દસ વાગ્યે એક લક્ઝુરીયસ કાર નીલવના આંગણે આવીને ઉભી રહી
ગઈ. નીલવ તરત જ ઘરની બહાર આવ્યો, અને ‘આવો આવો, સર’ કહેતા કારનો
દરવાજો ખોલીને અદબથી આગંતુક ઓફિસરના ઉતરવાની રાહ જોઇને ઊભો રહ્યો. અજયે કારમાંથી ઉતરીને નીલવ સાથે
શેકહેન્ડ્સ કર્યા, પછી એની પાછળ ઘરમાં પ્રવેશ્યા. મોનાએ પણ હસીને, ‘આવો આવો’ ના આવકારથી અજયનું સ્વાગત કર્યું. કલાત્મક કાચના
ગ્લાસમાં કોલ્ડડ્રીંક રજુ કરવામાં આવ્યું.
ફરસાણ – મીઠાઈ સહિત ખાણી પીણીની વિવિધ આઈટમો રજુ કરવામાં આવી.
આ સત્કાર, આ આગ્રહ અને આ અદબ અકારણ નહોતા. ઓફિસર અજય, નીલવના કામનો - પરફોર્મન્સનો
પોઝીટીવ રીપોર્ટ આપે અને એની ફાઈલ આગળ જવા દે, તો જ નીલવ આ ઓફિસમાં ટકી રહે એમ
હતું. નહીતર લોકોની ફરિયાદના આધારે એની બરતરફી નક્કી હતી. અને એટલે જ નીલવે આજે
ખાસ આગ્રહ કરીને અજયને ઘરે આમન્ત્ર્યા હતા. નોકરી બચાવવાના ભાગરૂપે ( લાંચરૂપે ?) એણે એક લાખ રૂપિયા પણ કાઢી રાખ્યા હતા.
પ્રમાણિક ઓફિસર તરીકે પંકાયેલા અજય આ રીતે કોઈના ઘરે જતા નહોતા, પણ નીલવના
અતિ આગ્રહના કારણે ઉત્સુકતાવશ (નીલવ ની સફાઈ સાંભળવા) તેઓ આજે અહીં આવ્યા હતા. મોના
અને નીલવ અજયને ખાવાપીવાનો આગ્રહ કરવા
લાગ્યા, પણ અજયે ખાવાપીવા તરફ જોયું સુધ્ધા નહિ. સીધા જ મુદ્દા પર આવીને એમણે
કહ્યું, ‘મી. નીલવ, તમારી વિરુદ્ધ ઘણી ફરિયાદો મારા કાને આવી છે. તમારા કામકાજ ની ઉણપની
વાત જવા દઈએ, તો પણ લોકો તરફનું તમારું
વર્તન તપાસ માંગી લે એવું છે, આ બાબતમાં
તમારે શું કહેવાનું છે ?’
‘સર, મારા વિરોધીઓની એ ચાલ છે. મારી પ્રગતિ થાય એવું એ લોકો ઇચ્છતા નથી
એટલે એવી અફવાઓ ફેલાવે છે.’ નીલવે હાથ જોડીને પોતાનો ખોટો બચાવ કર્યો. એણે જોયું કે અજયના ગળે આ વાત ઉતરી નથી. ’ઠીક છે, બે
દિવસ પછી મને મળજો, હું તપાસ કરીને વિચારીને કહું.’ અજય સોફામાંથી ઊભો થઇ ગયો અને બારણા તરફ ડગ
ભર્યા. ત્યાં દીવાલ પર સુખડનો હાર લગાડેલા
ફોટા તરફ તાકી રહ્યા. નીલવે આજીજીભર્યા
સાદે ઉમેર્યું, ‘સર, મને એક મોકો આપો, હું
મારી કામગીરી અને લોકો તરફનું વર્તન સુધારી દઈશ, સર. તમને ફરિયાદનો મોકો નહીં આપું,
પ્લીઝ સર.’ મોનાએ નીલવને આંખોના ઇશારે પૈસાનું કવર અજયને આપવા મૌન સૂચના આપી. નીલવ
એ કવર ખીસામાંથી કાઢવા જતો હતો, ત્યાં
જ...
‘કોણ આવ્યું છે, બેટા નીલવ?’ અંદરની રૂમમાંથી સીતાબા બહાર આવ્યા અને આંખો
ખેંચીને આગંતુકને જોવા લાગ્યા. નીલવ અને મોનાના ચહેરા પર બાની આ હરકત થી ગુસ્સો અને નારાજગી સ્પષ્ટ
જોઈ શકાતા હતા. એમણે બાને કડક ફરમાન
કર્યું હતું, ‘તમારે તમારી રૂમમાં જ રહેવું, બહાર આવવું નહીં, કોઈ આવ્યું હોય
ત્યારે તો કદાપી નહિ.’ ‘કોઈને મળવાનું નહીં, કોઈ સાથે વાત કરવાની નહિ,’ એ ઘરડો જીવ
એકલતાથી વાજ આવી જતો. નીલવ અને મોના તો એમની સાથે ખપ પુરતી જ વાત કરતા, ખાવા
પીવાનું અને અન્ય વસ્તુઓ રૂમમાં જ પહોચાડી દેવામાં આવતી, બસ, જરૂરિયાતો પૂરી થતી, પણ
લાગણીઓનો અભાવ હતો. સીતાબા ને થતું, ‘આવું જીવન જીવવા કરતા તો હું પણ એમની (પતિની) સાથે જ મરી ગઈ હોત
તો સારું થાત.’ આજે બા જુનો અને ઘસાયેલો સાડલો પહેરીને બહાર આવી ગયા, તે અજય અને
મોનાને જરાપણ ન ગમ્યું, પણ અજયસરની
હાજરીમાં તેઓ બાને કશું કહી શક્યા નહીં.
‘કોણ આવ્યું છે, બેટા. મને તો જાણે માણસ ઓળખીતું હોય એવો ભરમ થાય છે.’ બા
બોલ્યા અને અજયને જોઇને યાદ કરવા મથી
રહ્યા. અચાનક અજયે આગળ વધીને વાંકા વળીને
સીતાબાને પ્રણામ કરતા કહ્યું, ‘માસી, તમારી વાત એકદમ સાચી છે. માણસ ઓળખીતો જ છે,
ધ્યાનથી જુઓ, હું તમારો અજુ-અજય.’ ‘અરે,
તું અમરતનો અજુ કે ? કેટલા વરસો પછી તને
જોયો તે જલદી ઓળખી ન શકી, દીકરા.’ સીતાબાના બોખુ મોં હસી ઉઠ્યું. એમણે અજયને ગળે
લગાવી દીધો. ‘માસી, મેં તો આ રૂમમાં
રમેશકાકાનો સુખડનો હાર ચઢાવેલો ફોટો જોયો, ત્યારે જ હું તો મી.નીલવને તમારા વિષે
પૂછવાનું વિચારતો હતો અને તમે જાતે જ હાજર થઇ ગયા.
હું તમને કેવી રીતે ભૂલી શકું ? તમે જ તો આ નમાયા દીકરાને મમતા આપી,
હુંફ આપી અને જીવવાનું બળ આપ્યું, નહીતર સાવકીમાના ત્રાસથી મેં તો ત્યારે જ આપઘાત
કરી લીધો હોત..’
‘દીકરા, જીવાડનાર તો એક જ - મારો પરભુ’, સીતાબા બોલ્યા, ‘નીલવબેટા, આ
અજયને ત્યારનો ઓળખું જ્યારે તારો જનમ પણ નહોતો થયો, અજય છ મહિનાનો હતો ત્યારે જ એની મા મરી ગઈ. પડોશમાં
રહેતા એટલે એની હારે બહુ માયા બંધાઈ
ગયેલી, બસ મારા પેટે જન્મ નહોતો લીધો એટલું જ.’ સીતાબાએ સાડલાના છેડાથી ભીની આંખો
લુછી. (અજયની સાવકીમાએ પોતાના પ્રેમી સાથે મળીને અજયના પિતાનું ખૂન કરાવ્યું, સાવકીમા
જેલમાં ગઈ, અજયને એના મામા મુંબઈ લઇ ગયા તે પછી કંઈ સમાચાર નહોતા) સીતાબા અને અજય, બંને જણા એવા વાતોએ લાગ્યા જાણે
એ બે સિવાય ત્રીજું કોઈ રૂમમાં છે જ નહીં.
પછી જતા જતા બા તરફ ફરીને અજય બોલ્યા, ‘માસી, હું પાછો એક દિવસ તમને મળવા
આવીશ, તમારા હાથના જુવારના રોટલા - વેંગણ બટાકાનું શાક ને છાશ ખાવા આવીશ,
ખવડાવશોને ?’ સીતાબાના તો બત્રીસે કોઠે દીવા ઝળહળી ઉઠ્યા, પ્રવેશબંધી ને લીધે અહી
તો એમને રસોડામાં ગયે વર્ષો વીત્યા હતા, એમનો અપરાધ એટલો જ કે એમનાથી મોઘાંમાની ક્રોકરીસેટની રકાબી તૂટી ગઈ હતી, અને
એવા બીજા નાના નાના નુકસાન થયા હતા. જો કે એ તો માત્ર બહાનું, મોનાને રસોડામાં
(અને ઘરમાં) પોતાનું એકચક્રી રાજ જોઈતું હતું. અજયની ફરમાઈશથી એ ખુશ થઇ ગયા અને
બોલ્યા, ‘બેટા, અબઘડી બનાવી દઉં, જમીને જ જા.’ ‘માસી, આજે તો બીજી એક
જગ્યાએ કમીટમેન્ટ છે, એટલે જાઉં છું, પણ જલ્દી આવીશ.’ અજયે વચન આપ્યું. ‘તું રોજ આવે તો રોજ તને મારા હાથની રસોઈ
જમાડું, હું રાહ જોઇશ તારી, જરૂર આવજે,
બેટા.’ સીતાબા દરવાજા સુધી અજયને વળાવવા ગયા.
અજયના ગયા પછી બા, દીકરા વહુને પોતાની ભૂતકાળની વાતો કહેવા માંગતા હતા, પણ મોના મોઢું મચકોડીને રસોડામાં જતી રહી અને
નીલવને ઓફીસ જવાનું મોડું થતું હતું એટલે
‘બા, સાંજે વાત કરશું’ કહીને તૈયાર થવા
એની રૂમમાં જતો રહ્યો. સીતાબા પોતાની રૂમમાં આવીને ભૂતકાળની મીઠી યાદોમાં સરી ગયા.
બે કલાક પસાર થઇ ગયા, રીન્કુ બોલાવવા આવ્યો ત્યારે ખબર પડી કે બપોરનો ખાવાનો ટાઈમ
થઇ ગયો છે. ટાઢી રોટલીને બદલે ગરમ ગરમ રોટલી અને ભરપુર ખાણું જોઇને સીતાબા નવાઈ
પામ્યા. મોનાએ એમને આગ્રહ કરીને ખવડાવ્યું, ખાઈને રૂમમાં જઈ આરામ કરીને એ ઉઠ્યા
ત્યારે મોનાએ એમની મનપસંદ મસાલાવાળી ચા રજુ કરી, મોના સાંજે એમને મંદિરે લઇ ગઈ, દીકરો
ઓફિસેથી આવ્યો ત્યારે બાને માટે બે નવા સાડલા લઇ આવ્યો હતો, અને બાને રાત્રે રૂમમાં
ખાવાનું આપી જવાના બદલે ડાઈનીગ ટેબલ પર બધાની સાથે બેસીને રાત્રીભોજન કરવા મળ્યું.
સીતાબાને દીકરા વહુના આ બદલાયેલા વર્તનનું રહસ્ય શું છે તે સમજાયું નહીં,
પણ ‘ભગવાને છેવટે એમને સદબુદ્ધિ આપી ખરી’ એમ માની લીધું. જો એમણે નીલવે ઓફિસમાંથી મોનાને કરેલ ટેલીફોન પર
થયેલી વાત સાંભળી હોત તો એમને આ રહસ્યની
ખબર પડી હોત. ‘હલ્લો મોના, સાંભળ, એક
ખુશખબર છે, બાની અજયસર સાથેની ઓળખાણના લીધે મારી નોકરી બચી ગઈ છે, એટલું જ નહીં,
આપણા એક લાખ રૂપિયા પણ બચી ગયા છે. અજયસરે મને કહ્યું, મી. નીલવ, તમે સીતામાસીના
દીકરા છો, એટલે હું તમને એક મોકો જરૂર
આપીશ. પણ બે વર્ષમાં તમારે પરફોર્મન્સ સુધારવું પડશે અને લોકોની ફરિયાદ દૂર કરવી
પડશે.’
સીતાબા તો ‘કર્મનો સિધ્ધાંત’ પણ નહોતા જાણતા, છતાં એ સિધ્ધાંત પ્રમાણે એક
નમાયા બાળકને માની મમતા આપીને ઉગારનાર સીતાબા માટે ‘દેવદૂત’ જેવો એ બાળક જ એમની ‘એકદંડિયા મહેલ’ જેવી પરિસ્થિતિ
માંથી ઉગારવાનું નિમિત્ત બન્યો હતો..
No comments:
Post a Comment