Friday, 5 July 2019

એક અનોખા લગ્ન.

એક અનોખા લગ્ન.       


દ્રશ્ય-  ૧ :

કોલેજની કેન્ટિનમાં ફાઈનલ ઇયરના ચાર પાંચ છોકરાઓ અને ત્રણ ચાર છોકરીઓ ભેગા થઈને ચા કોફી પીતા પીતા ટી.વી. શૉ, મૂવીઝ, ક્રિકેટ, ગેઈમ્સ વગેરે ટોપિક પર ચર્ચા કરી રહ્યા છે. સદાયનો  હસમુખો અને મિલનસાર તેમ જ મિત્રોમાં પ્રિય એવો અમિત આજે શાંત, ચુપ અને કંઇક અંશે ઊદાસ બેસી રહ્યો છે.
-અલ્યા અમિતિયા, આમ ચાર ચમચી દિવેલ પીને આવ્યો હોય એમ સોગીયું મોં લઈને કેમ બેઠો છે ?  નિલય પૂછે છે.
-કંઈ નહીં યાર... કહીને અમિત પાછો ઊંડા વિચારમાં ખોવાઈ જાય છે.
-જો અમિત, અમને તારા ફ્રેન્ડ ગણતો હોય તો વાત કર, આમ મોંમા મગ ભરીને બેઠો છે તે સારો નથી લાગતો. ચુલબુલી નમિતા અમિતનો હાથ પકડીને એને વિચારમાંથી બહાર ખેંચે છે.
-પણ મારો પ્રોબ્લેમ જ એવો છે કે... અમિત આટલું બોલીને પાછો ચુપ થઈ જાય છે.
-દેખ, અપને પાસ હર મર્જકી દવા હૈ, તુ બોલ તો સહી.  મીતેષ ઉવાચ.
-યાર, મારો પ્રોબ્લેમ એવો છે કે એમાં તમે કોઈ કંઈ મદદ કરી શકો એમ નથી. અમિતે કહ્યું.
-અચ્છા ?  પહેલા પ્રોબ્લેમ શું છે તે તું કહે, પછી આપણે નક્કી કરીએ કે શું કરવું.  વૈભવીએ કહ્યું.
-જુઓ, વાત જાણે એમ છે કે મારા મમ્મી પપ્પા ઘણા વખતથી મારી પાછળ આદુ ખાઈને પડ્યા છે, કે  આ ફાઈનલ ઈયરની એક્ઝામ પતે એટલે મારે લગ્ન કરી લેવાં. આજે આ છોકરીનું માંગુ આવ્યું અને કાલે પેલીનું, રોજ ઉમેદવાર છોકરીઓના ફોટા મને બતાવે છે. એ ઓછું હોય એમ મારા દાદાજી પણ મને સપોર્ટ કરવાને બદલે એમનામાં ભળી ગયા છે,  હું સાવ એકલો પડી ગયો છું.  અમિતે કહ્યું.
-તો લગ્ન કરી લે, એમાં વાંધો શું છે ? આમ પણ તારે તો તારા પપ્પાની ઓફિસ જ સંભાળવાની છે ને ? નિલય બોલ્યો.
-બોલ્યા લગ્ન કરી લે, પછી મારી માસ્ટર્સ ડીગ્રીનું શું ?  –અમિત
-માસ્ટર્સનું ભણવાનું  લગ્ન પછી કરજે, ઘણા લોકો લગ્ન પછી ભણતાં જ હોય છે ને ?  નમિતા બોલી.
-હા, પણ મને એવું બધું નહીં ફાવે, સાચુ કહું તો મારે અત્યારે લગ્ન જ નથી કરવા. એ માટે કોઈ ઉપાય હોય તો બતાવો.
-એક ઉપાય છે.  -નિલય બોલ્યો.
-શું ? જલ્દી જણાવ.    – અમિત
-ધીરજ ધર, એમ ઉતાવળે આંબા ન પાકે.  - નિલય
-ભાવ ખાધા વિના સીધી રીતે બોલને હવે. – અમિત
-નથી કહેવું જા. –નિલય આડાઈ કરે છે.
-પ્લીઝ... નિલય તુ કેટલો સારો છે. – અમિત એનો હાથ પંપાળે છે..
-ઓકે ઓકે, મસ્કા ન માર અને સાંભળ, તું એમને કહી દે કે તું તારી કોલેજની એક છોકરીના પ્રેમમાં છે. –નિલયે  કહ્યું
-પણ હું કોઈ છોકરીના પ્રેમમાં નથી એનું શું ? અમિત રૂપલની સામે જોઈને બોલે છે. રૂપલ સંકોચવશ નજર નીચી કરી દે છે.
-ડફોળ, તારે લગ્ન નથી કરવાં ને ?  – નિલય
-હા, પણ તારો ઉપાય તો, ‘આ બૈલ મુજે માર’ ટાઈપનો છે.   ‌ ‌‌ ‌-  અમિત.
-શાંતિથી સાંભળ, તારે મમ્મી પપ્પાને  કહેવું કે – હું એક છોકરીને પ્રેમ કરું છું અને પરણીશ તો એની સાથે જ, નહીંતર જીંદગીભર કુંવારો રહીશ.  – નિલય.
-હવે  ડફોળ મને તું લાગી રહ્યો છે, નિલીયા.  એ લોકો તો મને પરણાવવા થનગની જ રહ્યા છે. હવે હું આવું કહીશ તો એ લોકો તો મને કાલે પરણાવતાં હશે તો એને બદલે આજે જ પરણાવી નાંખશે. એમને તો ભાવતુંતું ને વૈધે કહ્યું,  કે પછી પેલું શું ?  હા, દોડવુંતું ને ઢાળ મળ્યો  જેવું થશે.  – અમિત નિરાશાથી બોલ્યો.
-એ લોકો ભલેને તને પરણાવવા અધીરા થાય, તારે પૂરેપૂરી ધીરજ ધરવાની, ન પરણવા માટેના બહાના કાઢવાના,  અને એમાં તો આપણી આખેઆખી ટીમ એક્ષપર્ટ છે, તને ભરપૂર મદદ મળી રહેશે.    - નિલય.
-દાખલા તરીકે ?  -અમિત.
–દાખલા તરીકે - તારે કહેવાનું, -છોકરીના દાદાજીનું હમણા જ અવસાન થયું છે, એક વર્ષ સુધી લગ્ન નહીં થઈ શકે   અથવા તો -  છોકરીની મોટીબહેનના લગ્ન ન થાય ત્યાં સુધી અમારા લગ્ન નહીં થઈ શકે  વગેરે...   –નમિતા.
- અરે વાહ ! દોનો આઈડીયા તો અચ્છે હૈ.  નમિતા, યુ આર રીઅલી જીનીયસ.  –અમિત.
-યેસ, આઈ નો.   – નમિતા.
-તુ શું કહે છે, રૂપલ? અચાનક અમિતે રૂપલને પૂછ્યું.
-હું શું કહું ? હા, પણ હું માનું છું કે જુઠું બોલવું કે વડીલોને છેતરવા સારા નહીં. – રૂપલ બોલી.
-તો પછી તું જ કોઈ રસ્તો બતાવ કે મારે એમને છેતરવા પણ નહીં પડે અને મારે પરણવું પણ નહીં પડે. –અમિત.
-મારી પાસે એવો કંઈ રસ્તો નથી. હા, ક્લાસમાં જવાનો સમય થયો છે, તું કહે તો ક્લાસનો રસ્તો બતાવું. –રૂપલ

દ્રશ્ય- ૨:  અમિતના ઘરે સાજે :

તુજે દેખા તો યે જાના સનમ, પ્યાર હોતા હૈ દિવાના સનમ....  અમિત ગીત ગણગણતો ઘરમાં દાખલ થયો. મમ્મી પપ્પા ડ્રોઈંગરૂમમાં જ બેઠા હતાં.
-કોલેજ જઈ આવ્યો, બેટા, શુ ભણી આવ્યો ?  પપ્પાએ પૂછ્યું.
-અં અં અં.., કંઈ નહીં પપ્પા. 
-જો બેટા, અહીં આવ, બેસ. આ ત્રણ છોકરીઓના માંગા આવ્યા છે, ત્રણે ઘર સરસ છે, છોકરીઓ પણ સારી છે. તું ફોટા જોઈ લે, કંઈ પૂછવું હોય તો અમને પૂછી લે, પછી નક્કી કર એટલે આપણે વાત આગળ ચલાવીએ.  –મમ્મી બોલી.
-પ્લીઝ મમ્મી, મારે હમણા લગ્ન નથી કરવાં, મારે આગળ ભણવું છે, માસ્ટર્સ કરવું છે.
-તને ભણવાની કોણે ના પાડી, લગ્ન પછી ભણી ન શકાય એવું કોણે કહ્યું ?  – પપ્પા બોલ્યા.
-હું તારી ઉંમરનો હતો ત્યારે તારો આ પપ્પો મારા ખોળામાં રમતો હતો, -દાદાજીએ વાતમાં ઝૂકાવતા કહ્યું.
-એ જમાનો જુદો હતો અને આ જમાનો જુદો છે, દાદાજી. હવે તો છોકરાઓ કેરિયર બનાવ્યા વગર કે પૂરતું કમાતા  થયા વગર પરણતાં નથી. એટલું જ નહીં હવે તો છોકરીઓ પણ સારું કમાતા અને વેલ સેટલ છોકરાને જ પતિ તરીકે પસંદ કરે છે.
-હા, જમાનો બદલાયો છે એ તો દેખાઈ જ રહ્યું છે. ફૂલફટાક થઈને છોકરી સાથે ફરવું, મજાક મસ્તી કરવી, ટોળ ટપ્પા કરવા અને જ્યારે પરણવાની કે જવાબદારી લેવાની વાત આવે ત્યારે કેરિયરના બહાને છટકી જવાનું. –દાદાજી.
-એવું નથી દાદાજી, મારે ખરેખર ભણવું છે.
-જો અમિત, તું મારી પણ વાત ન માનવાનો હોય તો મારે અહીં રહીને શું કામ છે ? હું તો ગામડે જતો રહીશ, પછી તું કરજે મનમાની.  –દાદાજીએ અલ્ટીમેટમ આપી દીધું.
-મમ્મી પપ્પા,દાદાજી,  મને વિચારવા માટે  એક અઠવાડિયાનો સમય આપો.
-ભલે, અઠવાડિયા પછી વાત કરીએ.

દ્રશ્ય : 3 :  અમિતના ઘરે  સવારે:

અમિતને અઠવાડિયાની આપેલી મુદત આજે પૂરી થાય છે, મમ્મી ખુશખુશાલ છે. અમિત કોફી પીવા આવ્યો ત્યારે –
-અમિત, આજે સાંજે ઘરે ટાઈમસર આવી જજે,  છોકરીવાળા તને જોવા આવવાના છે.
-સોરી મમ્મી, આજે ઘરે આવતા મોડું થશે, મારે એકસ્ટ્રા પીરીયડ છે.
-જો અમિત, હવે તારા કોઈ બહાના નહીં ચાલે, તને આપેલી મુદત આજે પૂરી થાય છે. –પપ્પા.
-તારા મમ્મી પપ્પાની વાત વ્યાજબી છે, અમિત.  હવે તું છોકરી પસંદ કરી લે.  – દાદાજી બોલ્યા.
-ઓકે, તો તમે પણ સૌ મારી વાત ધ્યાનથી સાંભળો. મેં છોકરી પસંદ કરી લીધી છે, હું એને પ્રેમ કરું છું અને પરણીશ તો એને જ, નહીંતર કુંવારો રહીશ.  –અમિત  એકીશ્વાસે બોલી ગયો. 
-હેં ? હેં ? અમિતના મમ્મી પપ્પા બન્ને આશ્ચર્યથી અવાક થઈ ગયા.
--છુપે રૂસ્તમ, હવે આવ્યોને બેટમજી સીધા રસ્તા પર ? આજ સુધી મોંમા મગ ભર્યાતા ?  –દાદાજી.
-શું કરું દાદાજી, તમે ત્રણે એ ભેગા થઈને મારું મોં પરાણે ખોલાવ્યું એટલે...
-પણ એ છોકરી છે કોણ ? ક્યાં રહે છે ? શું નામ છે ? શું કરે છે ?  - મમ્મી પપ્પા.
-એ બધું તમને સાંજે કહીશ, હમણા તો મારે કોલેજ જવાનું મોડું થાય છે. કહેતો અમિત બુક્સ લઈને ભાગ્યો.

દ્રશ્ય ૪ : કોલેજની લોન:

કોલેજ પહોંચીને અમિત બધા મિત્રો ગાર્ડનની લોન પર બેઠા હતા ત્યાં પહોંચ્યો.
-યાર, આજે તો ફસાતા ફસાતા માંડ બચ્યો.  – અમિત.
-કેમ કેમ,  કોઈ છોકરી પાછળ પડી હતી કે ? – નમિતા. 
-મારા એવા ભાગ્ય ક્યાં ? અમિત રુપલ તરફ જોઈને બોલ્યો, રૂપલ નીચું જોઈ ગઈ.
-તો પ્રીન્સીપાલે તને ક્લાસ બંક કરતા જોઈ લીધો ?   –મીતેષ
-ના, યાર, મમ્મી પપ્પા પાછળ પડેલા, પરણ, પરણ અને પરણ... નું રટણ લઈને. – અમિત
-તો પરણી જા ને, એમાં વાંધો શું છે ?      – નિલય
-તું એક કામ કર નીલીયા, મારા બદલે તું જ પરણી જા. – અમિત
-બંદા તો તૈયાર જ છે, કોઈ છોકરી પસંદ કરે એટલી જ વાર. – નિલય
-તારો દિદાર તો જો, તને તો કોણ પસંદ કરે ?  - નમિતા.
-એ જ વાતનું તો દુ:ખ છે ને, તું પણ ક્યાં મારી સામે જુએ છે ? – નિલય
-હવે મૂળ વાત પર આવીએ ? મમ્મી પપ્પા પાછળ પડ્યા પછી શું થયું એ તો કહે અમિત. – નમિતા.
-અરે, ત્રણ ચાર છોકરીઓના ફોટા બતાવીને કહે, આમાંથી એક પસંદ કર, અને આજે તારુ કોઈ બહાનું નહીં ચાલે, સાંજ સુધીમાં અમારે ફાઈનલ જવાબ જોઈએ.  -અમિત.
-પછી તેં શું કહ્યું ? – રૂપલ અધીરાઈ પૂર્વક પૂછી બેઠી અને પછી જરા સંકોચાઈ.
-પછી શું, મેં તો કહી દીધું કે હું એક છોકરીને પ્રેમ કરું છુ. –અમિતે રૂપલને જવાબ આપતાં કહ્યું.
-અરે વાહ ! સો રોમેન્ટીક.   – વૈભવી બોલી.
-પણ  એક આફત થઈ ગઈ, મમ્મી પપ્પાએ પૂછ્યું, કે છોકરી કોણ છે, શું કરે છે, નામ શું છે?  -અમિત.
-તો આ રૂપલનું નામ આપી દેવુંતું ને ? –નિલયે મસ્તીથી કહ્યું.
-એ એ ખોટે ખોટું મારું નામ નથી દેવાનું   –રૂપલ બોલી.
-તો સાચે સાચું તો તારું નામ દેવાય ને ? –અમિત શરારતથી બોલ્યો.
-ને તારું નામ દેવાથી એ કંઈ ઘસાઈ નથી જવાનુ, સમજી ?  -નમિતાએ ઉમેર્યું.
-ક્લાસમાં જવાનો સમય થઈ ગયો છે. –કહીને રૂપલ ઊઠી અને બધા ક્લાસમાં ગયા.

દ્રશ્ય: ૫ :  કોલેજની કેન્ટિન:

કેન્ટિનમાં બધા ચા કોફી પીતા બેઠા છે, અમિત માથે હાથ દઈને ચિંતાતુર વદને બેઠો છે.
-હવે વળી પાછું શું થયું છે, અમિતીયા ?   – નિલય
-યાર, મમ્મી પપ્પા અને દાદાજી હવે એ છોકરીને મળવા માંગે છે.  – અમિત
-કઈ છોકરીને ?  - મીતેષ
-ડફોળ, કઈ ને તે જેને હું પ્રેમ કરું છું તેને.  –અમિત સહેજ ચીઢથી બોલે છે.
-પણ તું તો  કહેતો હતોને કે તું કોઈ છોકરીને પ્રેમ કરતો નથી ?  - મીતેષ.
-ઓહ ! નિલય, આ મહામૂર્ખ શિરોમણીને કંઈ સમજાવ. –અમિત
-શાંતિ શાંતિ, મિત્રો, અમિતે આપણા કહેવાથી એના ઘરે નાટક કર્યું ને કહ્યું કે એ એક છોકરીને ચાહે છે અને એને જ પરણવા માંગે છે. એ લોકોએ અમિતની વાત સાચી માની અને હવે એ છોકરીને  તેઓ મળવા માંગે છે.  –નિલય.
-તો હવે શું થશે ? –રૂપલ ચિંતિત સ્વરે બોલી.
-તને તો નાટ્યક્ષેત્રનો થોડો ઘણો અનુભવ છે, રૂપલ. તું ધારે તો અમિતને મદદ કરી શકે.  –નિલય.
-ના બાબા ના, મને આવું નાટક કરવાનું નહીં ફાવે. હું તો પહેલેથી જ કહું છું કે વડીલોને છેતરવા ન જોઈએ. –રૂપલ.
-હવે તો તું જ મને મદદ કરી શકે એમ છે, રૂપલ. તું મારી સાથે મારા ઘરે આવ, અને મારી જીવન સંગીનીનો રોલ ભજવ.   –અમિત બોલ્યો.
-ના ના,  મને એવું નાટક કરવું નહિ ફાવે.  –રૂપલ.
-પ્લીઝ રૂપલ, મારી આબરૂ હવે તારા હાથમાં છે. – અમિત આજીજી કરતા બોલ્યો.
-છે ખરી ?  -નિલયે મજાકીયા સૂરમાં કહ્યું.
-તું.. તું... નીલીયા, તને તો હું પછીથી જોઈ લઈશ. –અમિત
-તારે ક્યાં સાચેસાચ પરણવાનું છે, નાટક જ તો કરવાનું છે, એમાં આટલો ભાવ શાને ખાય છે ?  -નમિતા.
બધા ભેગા થઈને રૂપલને સમજાવે છે, રૂપલ મહા પરાણે માની જઈને અમિતના ઘરે જાય છે.

દ્રશ્ય ૬: અમિતનું ઘર.

અમિત રૂપલને લઈને ઘરે જાય છે, મમ્મી પપ્પા અને દાદાજી સાથે પરિચય કરાવે છે. વડીલોને પગે લાગવાનો ઈશારો કરે છે, રૂપલ પગે લાગે છે, દાદાજી એને આશિર્વાદ આપે છે, સદા સુખી રહો.’  મમ્મી એનો હાથ પકડી પૂજા ઘરમાં લઈ જાય છે, મોં મીઠું કરાવે છે. બધા ભેગા મળીને  ચા નાસ્તો  કરે છે.  પછી અમિત રૂપલને  મૂકવા એને ઘરે જાય છે. રસ્તામાં રૂપલ કહે છે, અમિત,આ રીતે વડીલો આગળ જુઠું બોલવાનું મને બિલકુલ પસંદ નથી. અમિત એની માફી માંગે છે અને ઘરે આવવા બદલ આભાર વ્યક્ત કરે છે. રૂપલને મૂકીને પાછા આવેલા અમિતને મમ્મી પપ્પા કહે છે, તારી પસંદ સરસ છે, અમિત. છોકરી અમને પસંદ પડી છે, હવે તું કહે ત્યારે એના ઘરે કહેણ લઈને આપણે જઈએ અમિત કહે છે, હમણા કંઈ નહીં, પરીક્ષા પછી વાત.
પરીક્ષા નજીક આવતા બધા મિત્રો એની તૈયારીમાં લાગી જાય છે. પરીક્ષા સારી રીતે પતી જાય છે. એક દિવસ અમિતના દાદાજી બહુ બિમાર પડી જાય છે, એમને હોસ્પિટલમાંદાખલ કરવા પડે છે. બધાની સાથે  રૂપલ પણ એમને મળવા આવે છે. દાદાજી રૂપલને કહે છે, બેટી, હુ મરું તે પહેલાં તું આ ઘરમાં પૂત્રવધૂ બનીને આવી જાય, એવું હું ઈચ્છુ છું, તું મારા અમિત સાથે લગ્ન કરી લે,’ રૂપલ એમને સાંત્વન આપતાં કહે છે, દાદાજી, તમે ઘણું જીવવાના છો, જલદી સાજા થઈ જશો.
અમિત રૂપલને દાદાજીની મરજી ખાતર પોતાની સાથે લગ્ન કરી લેવા સમજાવે છે. રૂપલ વિચારવા માટે થોડો સમય માગે છે. થોડા દિવસ પછી એ અમિતને કહે છે કે મારા મમ્મી પપ્પા રાજી થાય તો તારી સાથે લગ્ન માટે હું તૈયાર છું.  દાદાજીના કહેવાથી અમિતના મમ્મી પપ્પા  અમિતનું માંગુ લઈને રૂપલના ઘરે જાય છે. રૂપલના મમ્મી પપ્પા છોકરાના ઘર વિશે, માણસો વિશે તપાસ કરાવીને, રૂપલની ઈચ્છા જાણીને, અમિત સાથે રૂપલનાં લગ્ન નક્કી કરે છે. લગ્ન ધામધૂમથી કરવામાં આવે છે.

દ્રશ્ય ૭: અમિતના ઘરે:

અમિત રૂપલના લગ્ન પછી એક દિવસ બધા મિત્રો અમિતના ઘરે ભેગા થાય છે, અને આઈસક્રીમની મોજ માણતા બેઠા હોય છે.
-હવે શરત મુજબ તારે મારા વિશે કંઈક વિચારવું પડશે. –નિલય અમિતને કહે છે.
-અલ્યા, હમણાં તો અહીં ચુપ રહે. – અમિત ડોળા કાઢે છે.
-હવે શું છુપાવવાનું યાર, હવે તો તારા લગ્ન પણ થઈ ગયાં. –નિલય
-મને મરાવશે, નિલિયા, ચુપ રહેને પ્લીઝ. – અમિત વિનંતી કરે છે.
-એ નિલય, શું વાત છે, અમને કહે, નહીંતર અમારા હાથનો માર ખાશે.  -વૈભવી, મીતેષ, શેફાલી.
-વાત જાણે એમ છે કે – અમિત પહેલેથી જ રૂપલને ચાહતો હતો, પણ એને દિલની વાત કહી નહોતો શકતો, તેથી અમે મળીને આ મમ્મી પપ્પા વાળું નાટક કર્યું.   –નિલય
-ઓહ ગોડ, આ વાત સાચી છે અમિત?  -રૂપલે આશ્ચર્યથી અમિત સામે જોયું.
-પૂરું નાટક અમને સમજાવ, અમિત – વૈભવી, મીતેષ, શેફાલી એ કહ્યું.
-મારી મમ્મી બહુ સ્ટ્રીક્ટ અને પપ્પા તો મમ્મી કહે એમ હા એ હા કરે. એટલે મેં આ બાબતમાં (રૂપલને મનાવવામાં)  એક બાજુ દાદાજીની મદદ લીધી અને બીજી તરફ આ નિલયની મદદ માંગી.
-હા, પણ બદલામાં તેં મને મદદ કરવાનું વચન આપ્યું છે, તે ન ભૂલતો.  – નિલય.
-હું ભૂલવા માંગુ તો પણ તું મને ભૂલવા દેશે ખરો ? –અમિત.
-નિલય, તને તો હું પછી જોઈ લઈશ, પણ.. ઓહ દાદાજી!  તમે પણ મારી સાથે નાટક કર્યું ?  –રૂપલ બનાવટી ગુસ્સા સાથે કહે છે.
-જરા પણ નહીં દીકરી. મેં તારી આ ખાસ ફ્રેન્ડ નમિતાને પૂછીને તારા દિલની વાત જાણી લીધી હતી, કે તું પણ અમિતને ચાહે છે.   –દાદાજી હસીને બોલ્યા.
-શું સાચ્ચે જ ?  રૂપલ આ વાત સાચી છે ?  – અમિત આશ્ચર્યથી પૂછે છે.
-ઓહ દાદાજી !  રૂપલ શરમાઈ  જાય છે.
-કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ.  –નમિતા શરારતથી કહે છે.
-યુ ચીટર, કહીને રૂપલ એને મારવા દોડે છે, અને નમિતા દાદાજી ની પાછળ સંતાય છે.
-નમિતા, તું જો તૈયાર હોય તો અમે તને અને આ નીલયને પણ ‘કોન્ગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ’ કહેવા તૈયાર છીએ. આ નીલીયો કે’ દાડા નો પૈણુંપૈણું કરી રહ્યો છે અને તને પસંદ પણ કરે છે.  –અમિત હસીને કહે છે.
-આહા ! તારા મોંમાં ઘી-સક્કર.  નિલય બોલે છે. 
અને બધા ખડખડાટ હસી પડે છે.

No comments:

Post a Comment