Friday, 5 July 2019

એક આખા ય આયખાની વાત.

એક આખા ય આયખાની વાત.    


-મા, મને સુવાવડમાં કંઈ થઇ તો નહિ જાય ને?  ગભરુ યુવતી પાર્વતી ખુબ ડરેલી હતી.


- તુ શું કામ ડરે છે, બેટા. ભગવાન બધું સારી રીતે પાર પાડશે. અને આપણે તો સુવાવડ માટે રુડીમાસીને બોલાવી છે, લોક કહે છે કે એના હાથમાં જશરેખા છે. પાર્વતીની મા મણીએ એને ધીરજ બંધાવી. જો કે મણી પોતે જ ખુબ ડરેલી હતી. એ પોતે એક મા હતી અને જાણતી હતી કે પ્રસુતિની પીડા તો જેણે ભોગવી હોય એ જ જાણે.

વિજ્ઞાન કહે છે કે, "A Human body can bear only up to 45 Del (units) of pain. Yet at time of giving birth, a mother feels up to 57 Del (units) of pain. This is similar to 20 bones getting fractured at the same time."   એક સામટાં ૨૦ હાડકાં ફ્રેક્ચર થાય અને જેટલી પીડા થાય એટલી માત્રાની પીડા પ્રસુતિ વેળાએ માતાને થાય છે. જો કે આજના જમાનામાં તો વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. હવે તો  પેઈનલેસ ડીલીવરી ની શોધ થઈ છે.

પણ આ તો આજથી લગભગ ૯૦ જેટલા વર્ષો પહેલાની વાત છે. ગુજરાતના એક નાના ગામડાંના એક ઘરમાં એક યુવાન સ્ત્રીને પ્રસુતિની પીડા ઉપડી હતી. યુવાન સ્ત્રી એટલા માટે લખ્યું કે તે વખતે એવો જમાનો હતો કે માત્ર યુવાન જ નહીં, આધેડ અને પ્રૌઢ સ્ત્રીને પણ પ્રસુતિની પીડા થઈ શકતી હતી. ક્યારેક મા અને દીકરી અથવા સાસુ અને વહુ બન્ને એકસાથે પણ બાળકને જન્મ આપે તે નવાઈની વાત નહોતી. તે વખતે અમે બે - અમારાં બે એવું કોઈ સૂત્ર ચલણમાં નહોતું. બાળકો તો પ્રભુની પ્રસાદી ગણાતાં. કેટલાંક કુટુંબોમાં તો મોટું બાળક જ એના પછીના ભાઇ-બહેનોને સાચવી લેતું, એમાંય મોટું સંતાન દીકરી હોય ત્યારે તો ખાસ. દીકરીની મા રાણી, ને ઘડપણમાં ભરે પાણી.’  એવી કહેવત પણ પ્રચલિત હતી.

તે વખતે પ્રસુતિ દાયણ જ કરાવતી, હોસ્પિટલમાં જવાનો રિવાજ નહોતો. સુવાવડ એ સ્ત્રીનો બીજો જન્મ ગણાતો. કેમ કે સુવાવડી સ્ત્રીઓના મરણનું પ્રમાણ  ઊંચું રહેતું. બાળ મરણનું પ્રમાણ પણ ઘણું હતું. લગ્ન  નાની ઉમરમાં થઈ જતાં એટલે પતિ-પત્ની નાની ઉંમરે મા-બાપ પણ બની જતાં. હું જે અરસાની વાત કરી રહી છું, તે અરસામાં બેટી બચાઓ કે બેટી પઢાઓ જેવા સૂત્રો અમલમાં નહોતા આવ્યાં. તે વખતે કૂળને તારનારો એક દિકરો તો જોઈએ જ એવી માન્યતા હતી, પણ દીકરી તો ન જોઇએ એવી કોઇ માન્યતા નહોતી. દિકરા માટે થઇને ભલેને બે-ત્રણ-ચાર દીકરી જન્મે, મા-બાપને કે કુટુંમ્બીજનોને કોઈ વાંધો નહોતો. તે વખતે તો એક સ્ત્રીથી સંતાન ન જન્મે તો પુરુષ બીજા લગ્ન પણ કરી લેતો.

એ વખતના અરસામાં આપણે ક્યાં લાટસાહેબ થવું છે?’,  કે આપણે ક્યાં ભણીને નોકરી કરવા જવું છે?’ એવી માન્યતાના  જમાનામાં દીકરીઓ ભણે તો ઠીક છે, નહીંતર એ ઘરકામમાં તો મદદમાં આવવાની જ છે, એમ માનવામાં આવતું. દીકરીઓને બધી જાતની મર્યાદામાં રહેવું પડતું. એ સાત-આઠ વરસની થાય એટલે ફ્રોક પહેરવાનું છોડીને  ચણીયા-ચોળી-ઓઢણી પહેરવાં પડે. છોકરા અને છોકરીના ઊછેરમાં ખાસો તફાવત રહેતો.

આપણે વાત કરતાં હતાં પેલી યુવાન સ્ત્રીની પ્રસુતિની. સ્ત્રીનું નામ હતું પાર્વતી. સ્ત્રીની ઉંમર કંઈ ખાસ વધુ નહોતી, હશે માંડ વીસેક વર્ષની. એનાં લગ્ન તો છેક નાની ઉંમરે એ ૧૨ વર્ષની હતી ત્યારે જ થઈ ગયેલાં. પણ તે વખતના રિવાજ મુજબ લગ્ન પછી એ  પિયરમાં જ રહેતી હતી. સાસરે કોઈ માંદુ હોય ત્યારે હાથલાકડી તરીકે બોલાવવામાં આવતી અથવા કોઇ સારો પ્રસંગ હોય ત્યારે એમાં મહાલવા બોલાવવામાં આવતી. બે વર્ષ પહેલાં જ એનું આણું કર્યું હતું અને ત્યારથી એ સાસરામાં રહેવા આવી હતી. રિવાજ પ્રમાણે પહેલી પ્રસુતિ પિયરમાં કરવામાં આવતી. પાર્વતી પણ સીમંત કરીને પિયર આવી હતી.
- મા, રૂડીમાસી ક્યારે આવશે? બાપુને કહે ને કે એમને જલદી બોલાવી લાવે. મા, આ દરદ સહન નથી થતું. મા મને લાગે છે કે આમાંથી હું નહીં બચું. હું મરી જાઉં તો મારા બાળકને તું જ સાચવજે હોં, મા.  તે વખતે પ્રસુતિમાં મા મરી જાય તો બાપ સહેલાઈથી બીજા લગ્ન કરતો, એ વાત વિચારીને પ્રસૂતા એની માને ખાસ પોતાના બાળક માટે ભલામણ કરી રહી હતી. ભગવાને ખરેખર મા ને અજબ લાગણીશીલ બનાવી છે.  આપણે,  પત્નીએ મંગાવેલું માનુ કાળજું લઈને જતાં પુત્રને ઠોકર વાગે છે ત્યારે –ખમ્મા મારા લાલ- એવું બોલી ઊઠતા માના કાળજાની વાત” સાંભળી જ છે ને?

-મા અંબા,  સારા વાના કરશે, બેટા પાલી, તું ધીરજ રાખ, તારા બાપુ રૂડીમાસીને તેડવા જ ગયા છે મા પોતાની દીકરીને આંખમાં પાણી સાથે કહેતી હતી. એનાથી પણ દીકરીની પીડા જોવાતી નહોતી. ત્યાં જ દાયણ રૂડીને લઈને દીકરીના બાપે ઘરમાં પ્રવેશ કર્યો. રૂડીના આવવાથી દીકરી અને એની માને હાશકારો થયો. રૂડીએ આવતા ની સાથે જ ઘરમાં હાજર મહિલાઓને ફટાફટ સૂચનાઓ આપવા માંડી, ચૂલા પર ગરમ પાણી મૂકાવ્યું, જરૂરી કપડાં તૈયાર રાખવા કહ્યું  અને પોતે સુવાવડના કામમાં લાગી ગઈ.
-લખમીજી પધાર્યા છે.  અર્ધા- પોણા કલાકની મહેનત બાદ બાળકનાં રડવાના ઉંવા ઉંવા અવાજથી ઘર ગૂંજી ઉઠ્યું સાથે સાથે રૂડી નો અવાજ પણ. 
-આપણી પાલીને દીકરી આવી છે. મણીએ બહાર પુરુષ વર્ગમાં સમાચાર આપ્યા.
-આપણી  દીકરી પાલીને  કેમ છે?  પાલીના બાપુએ અધીરાઈથી મણીને પૂછ્યું.
-પાલી અને એની દીકરી, બંને સારા છે. મણીએ ભગવાન સામે હાથ જોડીને કહ્યું. અને એ પાછી ઓરડીમાં સરકી ગઈ. પાલીના બાપુએ પણ હાથ જોડતા પોતાની આંખના આંસુ લૂછ્યા. દીકરી આવી છે’  ના વધામણાં થયાં. કેટલાંક સગાં પહેલા ખોળાએ દીકરી આવી તેથી જરા નિરાશ થયાં. ‘ દિકરો આવ્યો હોત તો પાલીના સાસરે આપણો વટ પડી જાત ને?   સગામાથી કોઈ બોલ્યું..
-આખું કામ સારી રીતે પતી ગયું, આપણી  દીકરી અને  દોહિત્રી બંને સહી સલામત છે  એટલે ગંગા નાહ્યા.  ઘરડા ફોઈ બોલ્યા અને મણીને લાગ્યું કે ફોઈએ પોતાના મનની જ વાત કરી. પાર્વતી પોતાની દીકરીને જોઈને રાજી થઈ. દીકરીને રમાડવા અગિયારમાં દિવસે પાર્વતીના સાસરિયાઓને બોલાવ્યા.

-ચાલો ફોઈબા તમારી ભત્રીજીનું કોઈ સરસ મજાનું નામ પાડો. મોટા માસીએ કહ્યું.  ‘ઓળી ઘોળી પીપળ પાન, ફોઈએ પાડ્યું ચંચળ નામ’ એમ  નવજાત બાળકીની ફોઈએ ભત્રીજીનું નામ ચંચળ પાડ્યું. અને આમ આપણી  - એક આખા ય આયખાની વાત - કથાની શરૂઆત થઈ. એવી લોકવાયકા છે કે, બાળકના જન્મના છઠ્ઠીના દિવસે વિધાતા એના લેખ લખે છે મતલબ કે બાળકનું ભવિષ્ય લખે છે. ચંચળનું ભવિષ્ય પણ એના જન્મ સાથે જ નક્કી થઈ ગયું હશે. એ કેવું હશે તે તો લખનાર વિધાતા જ જાણે, પણ મીઠડી  ચંચળ એના મોસળમાં સૌની વહાલી બની ગઈ. પાર્વતી તો જાણે એને જોતાં જ ધરાતી નહોતી. અને આજીમા મણી .....?

-પાલી, ચંચળને બરાબર માલીશ કરીને નવડાવી છે, અને નજર ન લાગે એટલે મેશનું ટપકું પણ કર્યું છે. લે હવે એને બરાબર ખવડાવીને સુવડાવી દે, ઘોડિયામાં કપડું સરખું ઢાંકજે ... વગેરે વગેરે સૂચનાઓ આપવામાં અને એનું લાલન પાલન કરવામાં મણીનો દિવસ તો ક્યાં પસાર થઈ જતો એને પોતાને પણ ખબર નહોતી રહેતી. સમય ઝડપથી વીતવા માંડ્યો. બન્ને પક્ષે વાતચીત પછી  ત્રણ મહિના પછી પાર્વતી અને ચંચળને સાસરિયાઓ એ તેડી જવાનું નક્કી કર્યું હતું. પણ એક સરખા દિવસ સુખના કોઈના જાતાં નથી.”  સુવાવડના બે મહિનામાં પાર્વતીની તબિયત જોઈએ એવી વળી નહોતી. એના શરીરમાં ઝીણો ઝીણો તાવ ભરાયો હતો. મણીએ પોતે જાણતી હતી તેવા ઘરગથ્થુ ઉપાયો કર્યા, ગાંધીને ત્યાંથી કડું-કરિયાતું લાવીને પાયું. જડીબુટ્ટીઓ અને ઉકાળા પણ પીવડાવી જોયા. તાવ તો વધતો જ ગયો. પછી વૈધજીની દવા પણ શરુ કરી. એનાથી તાવમાં થોડો ફરક જરૂર પડ્યો, પણ પાર્વતીનું વજન ખુબ જ ઉતરી ગયું.

ત્રણ મહિને સાસરે લઈ જવાનો પ્રસંગ પિયર અને સાસરી બન્ને પક્ષે મળીને લંબાવ્યો. પછી તો પાર્વતી પથારીવશ થઈ ગઈ, વૈધજીને પણ પાર્વતીનો  રોગ પકડાતો નહોતો. બહુ પ્રયત્નો કર્યા, બાજુના શહેરનાં દવાખાને લઈ ગયાં, પણ  કોઇ દવા એને કામ લાગી નહીં અને સુવાવડના માત્ર છ જ મહિનામાં પાર્વતી મૃત્યુ પામી. ચંચળે છ જ મહિનાની ઉંમરમાં પોતાની વહાલસોઈ મા ગુમાવી. તે વખતના જમાનામાં જે પુરુષ, પોતાની પત્નીના મૃત્યુ પછી ફરીવાર પરણવા માંગતો હોય, તે પત્નીની ચિતાને આગ મૂકવા સ્મશાન જતો નહીં. પાર્વતીનો પતિ એટલે કે ચંચળનો પિતા પણ મા-બાપના કહેવાથી સ્મશાન  ગયો નહીં. વિધિની વક્રતા ગણો કે જે ગણો તે, પણ એમાં પાર્વતીના પતિનો પણ શું વાંક કાઢીયે? એની ઉંમર હતી માંડ ચોવીસ વર્ષ. અને એને આખી જિંદગી કાઢવાની હતી. અને તે વખતે આટલી ઉંમરમાં સ્વતંત્રપણે વિચારવાની કે વર્તવાની યુવાનોને છુટ નહોતી. મા-બાપ કહે તે જ આખરી નિર્ણય ગણાતો.

દુ:ખનું ઓસડ દહાડા  એ મુજબ ચંચળ પોતાના મોસાળમાં, પોતાની આજી મણીની કાળજીમાં મોટી થવા માંડી.  ચંચળના દાદા-દાદીએ એને પોતાના ઘરે લઈ આવવાની વાત મૂકી. પણ આજીમા મણીને  પોતાની મૃત પુત્રીની વાત, “મા, હું મરી જાઉં તો મારા બાળકને તું જ સાચવજે હોં.” બરાબર યાદ હતી એટલે એમણે ચંચળ મોટી થાય ત્યાં સુધી પોતાની પાસે જ રહે એવો આગ્રહ રાખ્યો, અને એ માટે ચંચળના દાદા-દાદીને મનાવી લેવાયા. આમ ચંચળનું  બાળપણ મોસાળમાં સારી રીતે વીત્યું. મા-વિહોણી હોવાને લીધે ચંચળના લાડ-પ્યારમાં કોઈ કમી નહોતી. ચંચળના બાપુ અને દાદા-દાદી ક્યારેક આવીને એને મળી જતાં. એના બાપુ તો એની આજીમાને ઘણીવાર ખર્ચાજોગી રકમ પણ આપી જતાં.  જોતજોતામાં ચંચળ છ વર્ષની થઈ.
ગામડામાં છ વર્ષે  બાળકને એક પાટી અને પેન આપીને સ્કુલમાં મૂકવામાં આવે. સ્કુલના માસ્તરના કહેવાથી  ચંચળને પણ એના આજાએ સ્કુલમાં મૂકી. પણ ચંચળનું મન પણ એના નામ પ્રમાણે ચંચળ જ હતું. એને ક્યાં ભણવામાં રસ હતો ? એ તો એની ઉંમરના એના મામાઓ અને બીજા છોકરા-છોકરીઓ સાથે રમતી રહેતી. આમ પણ એ જમાનામાં છોકરીઓ ભણે તો ય ઠીક અને ન ભણે તો ય ઠીક, એટલે ચંચળને તો ભાવતુંતું ને વૈધે કહ્યું  જેવો ઘાટ હતો. જિંદગીનાં આ શરૂઆતનાં છ વર્ષ ચંચળના સૌથી સારા સુવર્ણમય દિવસો હતાં. આ તરફ ચંચળના બાપુએ બીજા લગ્ન કર્યાં એટલે ચંચળના જીવનમાં એની  સાવકી મા ની પધરામણી થઈ અને ચંચળના જીવનનો પ્રવાહ પલટાયો.

ચંચળે  એની અને  આજીમાની નામરજી છતાં મોસાળ છોડીને એના બાપુના ઘરે જવું પડ્યું.  મા તે મા, ને બીજા બધાં વગડાનાં વા એ કહેવત ચંચળ માટે સાચી સાબિત થઈ. એના દાદા-દાદી હવે આ દુનિયામાં રહ્યા નહોતાં. એના બાપુ તો ઝાઝું કામસર ઘરની બહાર જ  રહેતા, અને નવી મા નાનકડી ચંચળ પાસે ઘરનાં તમામ કામકાજ કરાવતી. તળાવ પર કપડાં ધોવા જવાનું, મહોલ્લાના કૂવામાંથી પીવાનું પાણી ભરવાનું, કચરા-પોતા કરવાના, એંઠા વાસણો માંજવાના. પહેલા પહેલા તો છોકરીની જાત છે, સાસરે જશે તો – તારી મા એ કંઈ શીખવ્યું જ નથી કે? એવું સાંભળવા મળશે’, એ વાત હેઠળ ચંચળની  સાવકી માએ સાથે રહીને ચંચળને બધાં કામો શીખવ્યાં. રસોઈ કરતાં પણ શીખવ્યું. ચંચળ દસ વર્ષની થઈ ત્યાં સુધીમાં તો ઘરના તમામ કામો જાતે સરસ રીતે કરતી થઈ ગઈ. સાવકી મા તો પોતાના દિકરાઓના લાલન-પાલનમાં લાગેલી રહેતી અને ચંચળ ઘરનાં કામકાજમા.  વો કાગઝકી કશ્તી, વો બારીશકા પાની  ચંચળ માટે હવે ભૂતકાળ બની ગયું. ચંચળનું બાળપણ વહેલું જ પૂરું થયું. હવે તો એ ક્યારેક મોસાળ આવતી તો પણ ઘરડી થઈ રહેલી આજીમાને કામકાજમાં મદદ કરતી અને આજીમાની આંખો એને જોઈને ભરાઈ આવતી.

સમયને પસાર થતાં ક્યાં વાર લાગે છે? બીજા બે વર્ષ પછી બાર વર્ષની ચંચળ હવે પૂરેપૂરી ઘડાઇ ચૂકી હતી. કામકાજમાં હોંશિયાર, દેખાવે નમણી અને સ્વભાવે નરમ એવી ચંચળ માટે એક  સારા ઘરનું માંગુ આવ્યું. છોકરી ભણી નથી પણ ગણી છે, એ જ એનું ક્વોલિફીકેશન. છોકરો જેરામ બીજા ગામમાં  મેટ્રીકમાં ભણતો હતો અને આગળ મુંબઈ જઈને કોલેજમાં પણ ભણવાનો હતો. મા-બાપને  બધું બરાબર લાગતાં ચંચળ અને  જેરામના ગોળ-ધાણા [સગાઇ]  ખવાયા. તે વખતે છોકરા છોકરીને આ બાબતમાં કોણ પૂછતું, મા-બાપ જે કરે એ સાચું અને સારું જ. જેરામ કોલેજનું ભણી લે પછી લગન લેવાં એવું નક્કી થયું, ચંચળ ગામમાં રહે અને જેરામ મુંબઈમાં ભણે.

સગાઈને એક વર્ષ વીત્યું ને જેરામનાં મા ગંભીર માંદગીમાં લપેટાયાં. જીવતે જીવ મારા દિકરાના લગન જોઈ લઉં  એમ વિચારીને જેરામ-ચંચળનાં લગ્ન ગોઠવાયાં, ને તેર વર્ષની ચંચળ અને સત્તર વર્ષનાં જેરામનાં લગ્ન થયાં. બન્નેનાં લગ્ન ભલે થયાં પણ સાંસારિક જીવન શરૂ નહોતું થયું. સ્પર્શની વાત તો દૂર રહી ચંચળ તો શરમની મારી જેરામ સાથે વાત પણ નહોતી કરી શકતી, તો જેરામમાં પણ વળી એટલી હિમ્મત ક્યાં હતી કે વડિલોની હાજરીમાં ચંચળને બોલાવે? બસ, ચોરીછુપીથી બન્ને એક્બીજાને અલપ-ઝલપ જોઇ લેતા એ જ. લગ્ન કરીને જેરામ તો પાછો મુંબઈ ભણવા જતો રહ્યો. પણ ત્રણ મહિનામાં માતાનું મરણ થતાં એ પાછો ગામડે આવ્યો. માતાની બધી વિધિ પતી એટલે ૧૫ દિવસ રહીને એ પાછો મુંબઈ ભણવા ઉપડી ગયો. આ વખતે પતિ-પત્નીને એકાંતમાં થોડી વાતો થઇ. બન્ને ને એકબીજા પ્રત્યે લગાવ થયો. મુંબઈથી જેરામ ગામડે જવાનો હોય ત્યારે એના મિત્રો, કપાલ કુંડલા ફિલ્મ નું ગીત, પિયા મિલનકો જાના...પિયા મિલનકો જાના... જગકી લાજ, મનકી મૌજ, દોનોંકો નિભાના..પિયા મિલનકો જાના...  પંકજ મલિકના રેશમી અવાજમાં ગવાયેલું આ ગીત એને સંભળાવીને ચીઢવતાં.

જેરામના ત્રણ વર્ષના અભ્યાસ દરમ્યાન વેકેશનમાં એ ગામડે આવતો ત્યારે પત્નીને મળતો. ચંચળ પણ થોડા દિવસ સાસરે અને થોડા દિવસ પિયર રહીને સમય પસાર કરતી હતી. સાસરે સાસુમા નહોતા પણ બે કાકી સાસુઓ હતી અને એમનું કડક શાસન હતું. પિયરમાં સાવકી મા નું રાજ હતું. મોસાળમાં આજીમા હવે નહોતી રહી. આવા સંજોગોમાં પણ ચંચળ પોતાના સદગુણો અને સારા સ્વભાવ સાથે સારી રીતે જીવી રહી હતી. ત્યાંજ અચાનક એને આખા શરીરે શીતળા નીકળ્યા. એમાંથી સારી થઈ પણ એનો નમણો ચહેરો હવે જરા ખરબચડો થઈ ગયો હતો. જેરામનો અભ્યાસ પત્યો અને એને મુંબઈમાં જ આછીપાતળી નોકરી મળી ગઈ. આમ જેરામનું મુંબઈ રહેવાનું નક્કી થયું. ચંચળને ડર હતો કે જેરામ હવે એને પસંદ કરશે કે નહીં, એને પોતાની સાથે રાખશે કે નહીં. પણ જેરામ પોતાનું વચન પાળવામાં  માનનારો યુવાન હતો. ચંચળ ફક્ત એના દેખાવને કારણે નહીં પણ એના સારા  સ્વભાવના કારણે, એની કુશળતાને કારણે જેરામને ગમતી હતી. જેરામે વડિલો આગળ વાત નાંખી કે મુંબઈમાં એને હવે નોકરી મળી ગઈ છે અને પોતાને  જમવાની તકલીફ પડે છે, એટલે એ ચંચળને હવે મુંબઈ લઈ જવા માંગે છે. વડીલોએ પણ ભેગા થઈને વિચાર્યું  અને જેરામની વાત ઠીક લાગી એટલે ચંચળને મુંબઈ મોકલવાની તૈયારી બતાવી. અને આમ ચંચળના જીવનમાં સુખનો સૂરજ ઊગ્યો.

પતિ-પત્ની બન્નેને એકબીજા પ્રત્યે અપાર પ્રેમ અને ખુબ આદર હતાં, જાણે પ્રભુએ બન્નેને એકબીજામાટે જ સર્જ્યા હોય એવું લાગતું હતું. જેરામની નોકરીની શરૂઆત હતી, પગાર ઓછો હતો. એમાંથી ઘરખર્ચ ચલાવવાનો અને ગામડે પણ પૈસા મોકલવાના. પણ ચંચળ એક કુશળ ગૃહિણી હતી. ખુબ કરકસર કરીને ઘર ચલાવતી. ઓછા પૈસે કરી શકાય એવી મોજ  બન્ને જણ કરતાં અને આનંદમાં રહેતાં. એક વર્ષ તો જોતજોતામાં વીતી ગયું. હવે જેરામનો નાનો ભાઇ સુરેશ મુંબઈ ભણવા આવ્યો. બે ઓરડીના ઘરમાં હવે ત્રણ જણ થયાં. સુરેશ બહુ આડાઈ ભર્યા સ્વભાવનો હતો. ભાઇ-ભાભી એને સારી રીતે રાખતા હોવા છતાં એમને  હેરાન કરવાનો એક પણ મોકો એ ચૂકતો નહીં. કોલેજથી સમયસર ઘરે આવતો નહીં, વેળાસર જમતો નહીં. ગામડે બાપુને અને વડીલોને  ભાઇ-ભાભીની ફરિયાદ કરતો. જેરામને કોઈવાર ગુસ્સો આવી જતો પણ ચંચળ જેરામને સમજાવીને  વાળતી.

આવા તો પાંચ વર્ષ પસાર થઈ ગયાં. જેરામને લાગ્યું, બસ, હવે બહુ થયું,  સુરેશ મીઠા ઝાડનાં મૂળીયા ખોદી રહ્યો છે. જેરામે અરજી કરીને ગુજરાતમાં સરકારી ઓફિસમાં નોકરી લઈ લીધી.  જ્યારે એ લોકો મુંબઈની રૂમ છોડીને નીકળ્યાં ત્યારે સુરેશ, ભાભી ચંચળના પગમાં પડી ગયો અને બોલ્યો, ભાભી, મને માફ કરો. તમે તો મને એક માની જેમ રાખ્યો પણ મેં તમને બહુ અન્યાય કર્યો.” ચંચળે કહ્યું, ભાઇ, ભૂલ તો બધાંની થાય, તમે હવે અહીં સુખેથી રહેજો. જેરામ-ચંચળ હવે મુંબઈની એ રુમ સુરેશને સોંપીને ગુજરાતના ગામડે આવી ગયાં. લગ્નના સાત વર્ષે ચંચળને સારા દિવસો રહ્યાના સમાચાર મળ્યા. વડિલોને પણ જેરામના ઘરે ઘોડિયું બંધાય એની પ્રતિક્ષા હતી. જેરામને ઓફિસમાં પણ પ્રમોશન મળ્યું. બધાં ખુબ ખુશ હતાં.પણ ત્યાં જ ચંચળને કસુવાવડ થઈ ગઈ. વિપરીત સંજોગોમાં પણ અડીખમ રહેનાર ચંચળ આ બનાવથી ખુબ જ ભાંગી પડી. એને એમ જ થયું, હવે હું કદી મા બની શકીશ જ નહીં” પણ જેરામના પુષ્કળ પ્રેમ અને હૂંફભરી માવજતને કારણે ચંચળ પોતાની જાતને સંભાળી શકી.

ત્યાર પછી જેરામની કુશળતાને કારણે  નોકરીમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી, એ ઊચ્ચ અધિકારીના પદે પહોંચી ગયો અને હવે જેરામ સાહેબ તરીકે ઓળખાવા લાગ્યા. સરકારી નોકરીના કારણે જુદા જુદા ગામોમાં ટ્રાંસફર થતી રહી. એના અને ચંચળનું દામ્પત્યજીવન બે છોકરા અને બે છોકરીઓના આગમનથી ભર્યું ભર્યું બની ગયું. બન્નેનો એકબીજાના પ્રત્યેનો પ્રેમ અદભુત હતો અને એકબીજા પ્રત્યેનો આદર અકલ્પ્ય હતો.  જીવનમાં સમસ્યા નહોતી એવું નહોતું પણ એકબીજાના સહારે એ સૌ નગણ્ય હતી. છોકરાઓ પણ ભણવામાં  હોંશિયાર હતા એટલે સૌની ગાડી પાટા પર ચાલી રહી હતી. જેરામે પોતાની જ્ઞાતિના યુવાનોને માર્ગદર્શન આપીને જ્ઞાતિજનોની પ્રગતિ માટે વર્ષો સુધી ખુબ કામ કર્યું. જેરામને બે સૂત્રો ખુબ જ પ્રિય હતાં, 1-‘Youth is not useless, they are used less.’ અને 2-‘Respect is never Demanded, it is always commanded.’  એમની નિસ્વાર્થ સેવાથી ખુશ થઈને જ્ઞાતિજનોએ એમને સમાજપિતા નું માનદ બિરૂદ આપ્યું.

સૌથી નાની દીકરીના જન્મને છ મહિના થયા હતા અને જેરામને હાર્ટએટેક આવ્યો. ચંચળ ગભરાઇ ગઈ, પણ ફેમિલી  ડૉક્ટરે હિંમત આપી. પૂરતી કાળજી, દવા અને એક મહિનાના આરામ પછી જેરામે ફરી ઓફિસ જવાનું ચાલુ કર્યું. જીવન ફરી રાબેતા મુજબ જીવાવા લાગ્યું. છોકરાઓ મોટા થવા માંડ્યા અને મા-બાપ પ્રૌઢ. ભાગ-દોડની નોકરીના કારણે ત્રણ વર્ષ પછી જેરામને બીજો હાર્ટએટેક આવ્યો. ચંચળે જેરામને નોકરી છોડી દેવા કહ્યું. પણ,  હજી છોકરાઓને ભણાવવાના, નોકરીએ લગાડવાના અને પરણાવવાના (ટુંકમા ઠેકાણે પાડવાના) બાકી અને આટલા જલ્દી રીટાયર્ડ થઈને હું કરું શું?’ એમ કહીને જેરામે જરૂર પૂરતો આરામ કરીને, દવાઓ લઈને સાજા થઈને પાછા જોબ પર જવા માંડ્યું. થોડા સમય પહેલાં ટેસ્ટ કરાવતાં જેરામને ડાયાબિટીસ પણ આવ્યો. આથી ચંચળે ડૉક્ટરની સૂચનાઓ મુજબ  જેરામની ખાવા-પીવામાં ખુબ કાળજી રાખવા માંડી.
મોટા બે દિકરા-દીકરી કોલેજમાં ભણતાં હતાં અને નાના બે દિકરા-દીકરી સ્કુલમાં ભણતાં હતાં. જેરામે સૌને કહી જ રાખ્યું  હતું, હું તો હવે કાચનું વાસણ કહેવાઉં, ક્યારે તૂટી જાઉં કહેવાય નહીં. અને એક એવા ગોઝારા દિવસે આ કાચનું વાસણ તૂટી ગયું. નાની દીકરી તેર વર્ષની હતી અને જેરામને ત્રીજો હાર્ટએટેક આવ્યો, જે જીવલેણ નીવડ્યો. એમને હોસ્પિટલમાં લઈ જાય એ પહેલાં જ એમનું અવસાન થયું. છોકરાંઓ સ્તબ્ધ થઈ ગયાં અને ચંચળના તો હોશ-હવાશ  જ ઉડી ગયા. ચંચળ મનથી ભાંગી પડી, એને જીવનમાંથી રસ ઉડી ગયો. એને પણ જેરામની સાથે પ્રભુ પાસે પહોંચવાની ઈચ્છા થઈ ગઈ. પણ એના માથે ચાર છોકરાંઓની જવાબદારી હતી. 

‘You cannot always control what goes on outside, but you can always control what goes on inside.’ ચંચળે પણ માંહ્યલાને કાબુમાં કરીને કરકસર કરીને ચારે છોકરા-છોકરીઓને ભણાવ્યાં, ચારેને સારા ઘરે પરણાવ્યાં. આ લખવાનુ જેટલું સહેલું છે, એટલું જીવવાનું સહેલું નથી, પણ ચંચળે નીભાવી બતાવ્યું. બન્ને છોકરાંઓ કમાતા થયા પછી એમણે ઘરની  આર્થિક જવાબદારી ઉપાડી લીધી. સમય પસાર થતો ગયો. ચંચળનો ઘડપણમાં પ્રવેશ થઈ ચૂક્યો હતો, ચંચળ હવે ગૌરવવંતા ચંચળબા બન્યાં હતાં. એમણે પૌત્ર-પૌત્રી અને પ્રપૌત્ર-પ્રપૌત્રીને પણ રમાડ્યાં.

દિવસ પછી રાત આવે એ મુજબ ચંચળબાના જીવનમાં પણ સુખ પછી દુ:ખે આવવાનું નક્કી કરી જ લીધું હતું. એમની નાની દીકરી ચાલીસીમાં હતી અને ત્રણ વર્ષ  કેન્સર સામે ઝઝૂમીને છેવટે એ મૃત્યુ પામી. પતિના મૃત્યુ પછી પુત્રીના મૃત્યુનો આ બીજો  ઘા ચંચળબાને માટે બહુ કારમો હતો. બહારથી મજબુત દેખાતાં ચંચળબા હવે અંદરથી સાવ ભાંગી પડ્યાં હતાં. દુનિયામેં હમ આયે હૈં તો જીના હી પડેગા,  જીવન હૈ અગર જહર તો પીના હી પડેગા.  જીવન છે ત્યાં સુધી જીવ્યા વિના કોઈનો છુટકો નથી, પણ હવે જીવનમાં પહેલાં જેવો રસ નહોતો. જીવનની સંધ્યાએ ચંચળબા હવે થાક્યા હતાં. આંખે ઓછું દેખાતું હતું, કાને નહિવત સંભળાતું હતું, ખાવા-પીવાનું ઓછું થઇ ગયું હતું, ઘરની બહાર જવાનું તો લગભગ બંધ જ કરી દીધું હતું. પંખીડાંને આ પિંજરું, જુનું જુનું લાગે,  બહુ ય સમજાવ્યું તોય પંખી નવું પીંજરુ માંગે’, લગભગ એવી સ્થિતિ ચંચળબાની હતી. એમને પ્રતિક્ષા હતી હવે આ દુનિયા છોડીને જેરામ પાસે જવાની.

જેનો જન્મ તેનું મરણ નક્કી જ છે.  આખરે એ દિવસ આવી ગયો, ચંચળબાની તબિયત સવારથી નરમ હતી. છોકરાં-વહુઓ એમની પાસે બેઠા હતાં. સાંજે ૪ વાગ્યાની આસપાસ એમણે એમની નાની વહુની હાજરીમાં  પ્રાણ ત્યજ્યા, ત્યારે એમના મુખ પર અજબની શાંતિ અને સંતોષની આભા હતી. ચંચળબાના નિધનથી  એક તેજમય તારો ખર્યો અને એક આખો યુગ આથમ્યો. ચંચળબાના સહુ સંતાનો પોતપોતાના ઘરે ખુબ સુખી છે, અને ચંચળબાના આપેલા સંસ્કારો વડે ઉજ્જ્વળ જીવન જીવી રહ્યાં છે.

ચંચળબાના જીવન વિશે વિચારું છું, ત્યારે આ સરસ પંક્તિઓ મને અચૂક યાદ આવે છે:

“છે જિંદગી આપણ સૌ તણી તો, ગંજીપાના બાવન પાના શી,
મળે ન પત્તા મનમાગતાં કંઈ, લેવા પડે છે ચીપમાં મળેલાં,
પણ એમાંય,  ક્યાં, ક્યારે, કયાં ઉતરવા, એમાંય સાફલ્ય છે, જિંદગાની.”

No comments:

Post a Comment