Friday, 5 July 2019

પ્રસ્તાવના: 'દેવદૂત' (સંબંધ,સંવેદના અને સમજણની વાર્તાઓ)


પ્રસ્તાવના:  'દેવદૂત' (સંબંધ,સંવેદના અને સમજણની વાર્તાઓ) પલ્લવી મિસ્ત્રી.

બાળક નાનું હોય ત્યારથી વાર્તાઓ પ્રત્યે એને એક અજબ પ્રકારનો લગાવ હોય છે, જે મોટપણે પણ જળવાય રહે છે. અને એટલે જ વાર્તાના અનેક પુસ્તકો પ્રગટ થતાં જ રહે છે, વાચકો ખુબ જ રસથી એ વાંચે છે પણ ખરા. ‘એક સમયે આવું હતું...’ થી વાર્તાનો પાયો મંડાય છે. ‘પછી શું થયું ?’ માનવીની ઉત્સુકતાને લીધે પુછાતા આ પ્રશ્નથી વાર્તા આગળ વધે છે, અંતે ‘ખાધું, પીધું ને રાજ કર્યું’ અથવા ‘ખાધું, પીધું ને તારાજ કર્યું’ થી વાર્તાનો સુખાંત કે દુખાંત  થાય છે. મારો આ પ્રથમ વાર્તાસંગ્રહ ‘દેવદૂત’ મારા વાચકોની સમક્ષ મુકતા હું આનંદ અને રોમાંચની લાગણી અનુભવું છું.


વાર્તાસંગ્રહ ‘દેવદૂત’ ની શરૂઆત, મમતા મેગેઝીનમાં દ્વિતીય પારિતોષિક ઇનામ વિજેતા વાર્તા ‘સ્વાગતની તૈયારી’ થી થાય છે.  સંતાન ભલે નાનું હોય, એ પોતાના વિચારો અને વર્તનથી માર્ગ ભૂલેલા માતા પિતાને સાચું માર્ગદર્શન કરી શકે છે, એની વાત આમાં કહી છે. ‘લક્ષ્મણરેખા’ વાર્તા યુવાનીમાં કેવા પ્રકારની ભૂલ થઇ શકે અને એનું કેવું ગંભીર પરિણામ આવી શકે એની વાત  છે. ‘તમે તો કશું બોલશો જ નહિ, પપ્પા’ એ વાર્તા સંતાનોની કેરિયર પાછળ આદુ ખાઈને, એમના બચપણને છીનવી લેનાર દરેક  માબાપને વાંચવાની હું ખાસ ભલામણ કરું છું.

‘એક અનોખા લગ્ન’ હળવીફૂલ સંવાદમય વાર્તા છે. ‘ચલો એક બાર ફિર સે’ વાર્તા પત્ની અને સંતાનને ત્યજી દેનાર વ્યક્તિ વર્ષો બાદ ઘરે  પાછી આવે છે, ત્યારે કેવા સંજોગો ઉભા થાય તેનું સચોટ વર્ણન છે. માનવીને નડતા બધા ગ્રહોને ટપી જાય એવો એક ગ્રહ ‘પૂર્વગ્રહ’ એક સુખી પરિવારને કેવી રીતે પાયમાલ કરે છે એની વાર્તા છે. ‘બદલાયેલા સંબંધો’ વાર્તા એક ખોટવાયેલા સંબંધને સુધારનાર એક અજીબોગરીબ પ્રસંગની વાત છે.

‘ઓપરેશન સક્સેસફૂલ’ એક જીદ્દી માતાના સ્વભાવનું પરિવર્તન કરનાર દીકરી અને એની બહેનપણીની વાત છે.   ’એક આખાય આયખાની વાત’ હું નાની હતી ત્યારે ક્યારેક મારી મમ્મીના મોઢેથી સાંભળેલી, આજથી લગભગ ૯૦ વર્ષ પહેલાના સમાજ અને પરિવારની થોડી સત્ય અને થોડી કલ્પના પર આધારિત વાર્તા છે. ‘ન મુંહ છુપાકે જીઓ’ વાર્તા પ્રેમમાં પડીને ભાગી જઈને લગ્ન કરનાર એક દીકરીના મનોવલણને પ્રદર્શિત કરતી વાર્તા છે. ’રુચિની ચિઠ્ઠી’  વાર્તામાં અંતે પુત્રવધૂની સાચી ઓળખ છતી થાય છે. ‘વ્યસન નામનો દાનવ’ વાર્તા વાંચીને એકાદ બે વાચક પણ પોતાનું વ્યસન છોડે તો એ વાર્તા લખવાની મારી મહેનત સફળ થઇ ગણાશે. 
  
‘પ્રેમનો અસ્ત કે ઉદય ?’ એ પણ એક હળવાશભરી મજાની વાર્તા છે. ‘પ્રભુની બક્ષીસ’ વાર્તામાં વ્યક્તિથી સંબંધમાં થયેલી ભૂલને માફ કરીને હળવા થવા  બાબતની વાત છે. ‘મૈ તેરે પ્યારમે પાગલ’ એક જાણીતા ફિલ્મ કલાકારના જીવનમાં બનેલી સાચી ઘટના પરથી, થોડી સાંભળેલી અને  થોડી કલ્પના કરીને લખેલી વાર્તા છે. ‘સ્ત્રી દાક્ષિણ્ય’ સ્ત્રી પ્રત્યે સન્માનની ભાવના વિશેની વાર્તા છે. અગેઇન ‘લવમેરેજ કે એરેન્જડ?’ એક  સફળ ઉધોગપતિનો હળવાશભર્યો ઇન્ટરવ્યુ વિશેની વાર્તા છે. અંતમાં આવતી ‘દેવદૂત’ વાર્તા ‘કર્મના સિધ્ધાંત’ પર આધારિત પ્રસન્નતા આપે એવી  વાર્તા છે.

આપણા ઘરોમાં, સોસાયટીમાં, સમાજમાં અને આપણી આજુબાજુ બનતી વાસ્તવિક ઘટનાઓનું અવલોકન કરીને લખાયેલી આ ૧૮ વાર્તાઓ, બની શકે એટલી સરળ અને રસમય શૈલીમાં લખી છે. જે લખવાનો મારો હેતુ વાચકોને પ્રસન્નતા આપવાનો જ છે. વાચકોને એ જરૂર પસંદ આવશે એવી આશા છે. પ્રિય વાચકો, નીચે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપ્યા છે, આપના પ્રતિભાવ આવકાર્ય છે, જરૂરથી મોકલશો, અને હંમેશા પ્રસન્ન રહેજો.

પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.(અમદાવાદ)

 મોબાઈલ : 9327227770       E mail :pallavimistry@gmail.com

દેવદૂત.

દેવદૂત.               


‘દાદી, મમ્મી તમને બોલાવે છે’ રીન્કુએ સીતાબાને મમ્મીની સૂચના આપી અને બહાર રમવા દોડી ગયો. ’ચાલ જીવ કોરટ (કોર્ટ) નો ઓડર (ઓર્ડર) આવી ગીયો, વઉ જે સજા કરે તે ભોગવવા તિયાર થઇ જા.’ સીતાબાને સવારે ઘરમાં બનેલો  બનાવ યાદ આવી ગયો, એટલે આ વાક્ય મનમાં બોલીને એ  ડગુમગુ ચાલે પોતાની બખોલ જેવડી રૂમમાંથી બહાર આવ્યા.’ આજે મોનાવહુ હમેશની માફક આકરા વેણ સંભળાવશે, તોબરો ચઢાવશે, આખો દિવસ અબોલા લેશે, અને સુકુંપાકું ખાવાનું આપશે.’ પતિની હયાતીમાં પોતે ગાળેલો સુવર્ણયુગ સીતાબાને યાદ આવી ગયો, અને એમના ગળામાં યાદોનો ડૂમો જામ્યો.
 ‘બા, અહીં ખુરશીમાં બેસો’ સીતાબાને આવેલા જોઇને મોનાએ ડાઈનીંગ ટેબલ પાસેની ખુરશી હળવેકથી ખસેડી આપતા  કહ્યું. વહુના નરમ વર્તનથી સીતાબાને નવાઈ લાગી, એ બેઠા એટલે મોના રસોડામાંથી દાળ, શાક, મીઠાઈ, ફરસાણ, કચુબર અને પાપડ પીરસેલી થાળી  લઇ આવી એમની આગળ મૂકતાં બોલી, ’બા તમે ખાવાનું શરુ કરો, ગરમ રોટલી હમણા બનાવીને લઇ આવું છું.’ વહુ મોનાના બદલાયેલા રંગઢંગ અને વિવિધ વાનગીઓથી ભરપુર થાળી જોઈને સીતાબા દંગ રહી ગયા. એમને સમજાયું નહીં, ‘આજે સૂરજ ઉગમણીના બદલે આથમણી કોરે કેમનોક  ઉઈગો ? ફીટકારની જગાએ આ આગતાસાગતા કેમ ?’
કોઈ બનાવ અકારણ નથી બનતો, એમ આ બનાવ બનવાનું પણ એક કારણ હતું, જે સમજવા આ ઘરમાં સવારે શું બન્યું હતું તે જાણવું જોઇશે. વાત જાણે આમ બની હતી  
-મોના, બધી તૈયારી બરાબર કરી રાખી છે ને?
-હા, નીલવ, મીઠાઈ, ફરસાણ, આઈસ્ક્રીમ..બધું તૈયાર છે, તમે પૈસાનું કવર રેડી રાખ્યું છે ને ?
-હા, પુરા એક લાખ રૂપિયાનું કવર તૈયાર રાખ્યું છે. અજયસર આમ તો ક્યાંય જતા નથી, પણ મેં બહુ આગ્રહ કર્યો, તો વળી ઘરે આવવા તૈયાર થયા, મારા માટે તો નોકરી બચાવવાની આ છેલ્લી તક છે, સાંભળ્યું છે કે તેઓ કોઈ પાસે એક પૈસો પણ  લેતા નથી, એટલે હું  બહુ ટેન્શનમાં છું.
-ટેન્શન ન કરો, મેં એમના સ્વાગતની બરાબર તૈયારી કરી છે, બસ આ જરા ...
-બસ, આ જરા... શું ?
-તમારા બા વચ્ચે આવીને વાત બગાડે નહિ તો સારું. એમને કેટલીયવાર કહ્યું છે કે તમારે તમારી રૂમમાં જ રહેવું, જે જોઈએ તે માંગવું, હું આપી જઈશ. પણ એ સમજતા જ નથી, કોઈ નહીં ને કોઈ  બહાનું કાઢીને રૂમમાંથી બહાર આવી જ જાય છે, કોઈ બહારનું આવે ત્યારે તો ખાસ, આપણી દરેક વાતમાં વચ્ચે દખલ કરવાની એમની કુટેવ જતી નથી.
-ઠીક છે, મોના. ઘરડું માણસ કંટાળી જાય એટલે એવું કરે, વડીલ છે એટલે સહી લેવાનું. જો કે તારી વાત સાચી છે, આજે તો એ બહાર ન આવે તો જ સારું, મારી નોકરીનો સવાલ છે.
   
બરાબર સવારે સાડા દસ વાગ્યે એક લક્ઝુરીયસ કાર નીલવના આંગણે આવીને ઉભી રહી ગઈ. નીલવ તરત જ ઘરની બહાર આવ્યો, અને ‘આવો આવો, સર’ કહેતા  કારનો  દરવાજો ખોલીને અદબથી આગંતુક ઓફિસરના ઉતરવાની રાહ જોઇને  ઊભો રહ્યો. અજયે કારમાંથી ઉતરીને નીલવ સાથે શેકહેન્ડ્સ કર્યા, પછી એની પાછળ ઘરમાં પ્રવેશ્યા. મોનાએ પણ હસીને, ‘આવો આવો’  ના આવકારથી અજયનું સ્વાગત કર્યું. કલાત્મક કાચના ગ્લાસમાં કોલ્ડડ્રીંક  રજુ કરવામાં આવ્યું. ફરસાણ – મીઠાઈ સહિત ખાણી પીણીની વિવિધ આઈટમો રજુ કરવામાં આવી.

આ સત્કાર, આ આગ્રહ અને આ અદબ અકારણ નહોતા. ઓફિસર અજય, નીલવના કામનો - પરફોર્મન્સનો પોઝીટીવ રીપોર્ટ આપે અને એની ફાઈલ આગળ જવા દે, તો જ નીલવ આ ઓફિસમાં ટકી રહે એમ હતું. નહીતર લોકોની ફરિયાદના આધારે એની બરતરફી નક્કી હતી. અને એટલે જ નીલવે આજે ખાસ આગ્રહ કરીને અજયને ઘરે આમન્ત્ર્યા હતા.  નોકરી બચાવવાના ભાગરૂપે ( લાંચરૂપે ?) એણે  એક લાખ રૂપિયા પણ કાઢી રાખ્યા હતા.

પ્રમાણિક ઓફિસર તરીકે પંકાયેલા અજય આ રીતે કોઈના ઘરે જતા નહોતા, પણ નીલવના અતિ આગ્રહના કારણે ઉત્સુકતાવશ (નીલવ ની સફાઈ સાંભળવા) તેઓ આજે અહીં આવ્યા હતા. મોના અને નીલવ અજયને  ખાવાપીવાનો આગ્રહ કરવા લાગ્યા, પણ અજયે ખાવાપીવા તરફ જોયું સુધ્ધા નહિ. સીધા જ મુદ્દા પર આવીને એમણે કહ્યું, ‘મી. નીલવ, તમારી વિરુદ્ધ ઘણી ફરિયાદો મારા કાને આવી છે. તમારા કામકાજ ની ઉણપની  વાત જવા દઈએ, તો પણ લોકો તરફનું તમારું વર્તન  તપાસ માંગી લે એવું છે, આ બાબતમાં તમારે શું કહેવાનું છે ?’

‘સર, મારા વિરોધીઓની એ ચાલ છે. મારી પ્રગતિ થાય એવું એ લોકો ઇચ્છતા નથી એટલે એવી અફવાઓ ફેલાવે છે.’ નીલવે હાથ જોડીને પોતાનો ખોટો બચાવ કર્યો. એણે  જોયું કે અજયના ગળે આ વાત ઉતરી નથી. ’ઠીક છે, બે દિવસ પછી મને મળજો, હું તપાસ કરીને વિચારીને કહું.’  અજય સોફામાંથી ઊભો થઇ ગયો અને બારણા તરફ ડગ ભર્યા. ત્યાં દીવાલ  પર સુખડનો હાર લગાડેલા  ફોટા તરફ તાકી રહ્યા. નીલવે આજીજીભર્યા સાદે  ઉમેર્યું, ‘સર, મને એક મોકો આપો, હું મારી કામગીરી અને લોકો તરફનું વર્તન સુધારી દઈશ, સર. તમને ફરિયાદનો મોકો નહીં આપું, પ્લીઝ સર.’ મોનાએ નીલવને આંખોના ઇશારે પૈસાનું કવર અજયને આપવા મૌન સૂચના આપી. નીલવ એ કવર ખીસામાંથી કાઢવા જતો હતો,  ત્યાં જ...

‘કોણ આવ્યું છે, બેટા નીલવ?’ અંદરની રૂમમાંથી સીતાબા બહાર આવ્યા અને આંખો ખેંચીને આગંતુકને જોવા લાગ્યા. નીલવ અને મોનાના ચહેરા પર  બાની આ હરકત થી ગુસ્સો અને નારાજગી સ્પષ્ટ જોઈ  શકાતા હતા. એમણે બાને કડક ફરમાન કર્યું હતું, ‘તમારે તમારી રૂમમાં જ રહેવું, બહાર આવવું નહીં, કોઈ આવ્યું હોય ત્યારે તો કદાપી નહિ.’ ‘કોઈને મળવાનું નહીં, કોઈ સાથે વાત કરવાની નહિ,’ એ ઘરડો જીવ એકલતાથી વાજ આવી જતો. નીલવ અને મોના તો એમની સાથે ખપ પુરતી જ વાત કરતા, ખાવા પીવાનું અને અન્ય વસ્તુઓ રૂમમાં જ પહોચાડી દેવામાં આવતી, બસ, જરૂરિયાતો પૂરી થતી, પણ લાગણીઓનો અભાવ હતો. સીતાબા ને થતું, ‘આવું જીવન જીવવા  કરતા તો હું પણ એમની (પતિની) સાથે જ મરી ગઈ હોત તો સારું થાત.’ આજે બા જુનો અને ઘસાયેલો સાડલો પહેરીને બહાર આવી ગયા, તે અજય અને મોનાને જરાપણ ન ગમ્યું, પણ  અજયસરની હાજરીમાં તેઓ બાને કશું કહી શક્યા નહીં.

‘કોણ આવ્યું છે, બેટા. મને તો જાણે માણસ ઓળખીતું હોય એવો ભરમ થાય છે.’ બા બોલ્યા અને અજયને જોઇને  યાદ કરવા મથી રહ્યા. અચાનક અજયે આગળ વધીને  વાંકા વળીને સીતાબાને પ્રણામ કરતા કહ્યું, ‘માસી, તમારી વાત એકદમ સાચી છે. માણસ ઓળખીતો જ છે, ધ્યાનથી જુઓ, હું તમારો અજુ-અજય.’  ‘અરે, તું અમરતનો અજુ    કે ? કેટલા વરસો પછી તને જોયો તે જલદી ઓળખી ન શકી, દીકરા.’ સીતાબાના બોખુ મોં હસી ઉઠ્યું. એમણે અજયને ગળે લગાવી દીધો.  ‘માસી, મેં તો આ રૂમમાં રમેશકાકાનો સુખડનો હાર ચઢાવેલો ફોટો જોયો, ત્યારે જ હું તો મી.નીલવને તમારા વિષે પૂછવાનું વિચારતો હતો અને તમે જાતે જ હાજર થઇ ગયા.

 હું  તમને કેવી રીતે  ભૂલી શકું ? તમે જ તો આ નમાયા દીકરાને મમતા આપી, હુંફ આપી અને જીવવાનું બળ આપ્યું, નહીતર સાવકીમાના ત્રાસથી મેં તો ત્યારે જ આપઘાત કરી લીધો હોત..’

‘દીકરા, જીવાડનાર તો એક જ - મારો પરભુ’, સીતાબા બોલ્યા, ‘નીલવબેટા, આ અજયને ત્યારનો ઓળખું જ્યારે તારો જનમ પણ નહોતો થયો, અજય  છ મહિનાનો હતો ત્યારે જ એની મા મરી ગઈ. પડોશમાં રહેતા એટલે એની હારે  બહુ માયા બંધાઈ ગયેલી, બસ મારા પેટે જન્મ નહોતો લીધો એટલું જ.’ સીતાબાએ સાડલાના છેડાથી ભીની આંખો લુછી. (અજયની સાવકીમાએ પોતાના પ્રેમી સાથે મળીને અજયના પિતાનું ખૂન કરાવ્યું, સાવકીમા જેલમાં ગઈ, અજયને એના મામા મુંબઈ લઇ ગયા તે પછી કંઈ સમાચાર નહોતા)  સીતાબા અને અજય, બંને જણા એવા વાતોએ લાગ્યા જાણે એ બે સિવાય ત્રીજું કોઈ રૂમમાં છે જ નહીં.

પછી જતા જતા બા તરફ ફરીને અજય બોલ્યા, ‘માસી, હું પાછો એક દિવસ તમને મળવા આવીશ, તમારા હાથના જુવારના રોટલા - વેંગણ બટાકાનું શાક ને છાશ ખાવા આવીશ, ખવડાવશોને ?’ સીતાબાના તો બત્રીસે કોઠે દીવા ઝળહળી ઉઠ્યા, પ્રવેશબંધી ને લીધે અહી તો એમને રસોડામાં ગયે વર્ષો વીત્યા હતા, એમનો અપરાધ એટલો જ કે એમનાથી  મોઘાંમાની ક્રોકરીસેટની રકાબી તૂટી ગઈ હતી, અને એવા બીજા નાના નાના નુકસાન થયા હતા. જો કે એ તો માત્ર બહાનું, મોનાને રસોડામાં (અને ઘરમાં) પોતાનું એકચક્રી રાજ જોઈતું હતું. અજયની ફરમાઈશથી એ ખુશ થઇ ગયા અને બોલ્યા,  ‘બેટા, અબઘડી  બનાવી દઉં, જમીને જ જા.’ ‘માસી, આજે તો બીજી એક જગ્યાએ કમીટમેન્ટ છે, એટલે જાઉં છું, પણ જલ્દી આવીશ.’ અજયે વચન આપ્યું.  ‘તું રોજ આવે તો રોજ તને મારા હાથની રસોઈ જમાડું,  હું રાહ જોઇશ તારી, જરૂર આવજે, બેટા.’ સીતાબા દરવાજા સુધી અજયને વળાવવા ગયા.

અજયના ગયા પછી બા, દીકરા વહુને પોતાની ભૂતકાળની વાતો  કહેવા માંગતા હતા, પણ  મોના મોઢું મચકોડીને રસોડામાં જતી રહી અને નીલવને ઓફીસ જવાનું  મોડું થતું હતું એટલે ‘બા, સાંજે વાત કરશું’ કહીને  તૈયાર થવા એની રૂમમાં જતો રહ્યો. સીતાબા પોતાની રૂમમાં આવીને ભૂતકાળની મીઠી યાદોમાં સરી ગયા. બે કલાક પસાર થઇ ગયા, રીન્કુ બોલાવવા આવ્યો ત્યારે ખબર પડી કે બપોરનો ખાવાનો ટાઈમ થઇ ગયો છે. ટાઢી રોટલીને બદલે ગરમ ગરમ રોટલી અને ભરપુર ખાણું જોઇને સીતાબા નવાઈ પામ્યા. મોનાએ એમને આગ્રહ કરીને ખવડાવ્યું, ખાઈને રૂમમાં જઈ આરામ કરીને એ ઉઠ્યા ત્યારે મોનાએ એમની મનપસંદ મસાલાવાળી ચા રજુ કરી, મોના સાંજે એમને મંદિરે લઇ ગઈ, દીકરો ઓફિસેથી આવ્યો ત્યારે બાને માટે બે નવા સાડલા લઇ આવ્યો હતો, અને બાને રાત્રે રૂમમાં ખાવાનું આપી જવાના બદલે ડાઈનીગ ટેબલ પર બધાની સાથે બેસીને રાત્રીભોજન કરવા મળ્યું.

સીતાબાને દીકરા વહુના આ બદલાયેલા વર્તનનું રહસ્ય શું છે તે સમજાયું નહીં, પણ ‘ભગવાને છેવટે એમને સદબુદ્ધિ આપી ખરી’ એમ માની લીધું.  જો એમણે નીલવે ઓફિસમાંથી મોનાને કરેલ ટેલીફોન પર થયેલી વાત સાંભળી હોત તો એમને આ  રહસ્યની ખબર પડી હોત.  ‘હલ્લો મોના, સાંભળ, એક ખુશખબર છે, બાની અજયસર સાથેની ઓળખાણના લીધે મારી નોકરી બચી ગઈ છે, એટલું જ નહીં, આપણા એક લાખ રૂપિયા પણ બચી ગયા છે. અજયસરે મને કહ્યું, મી. નીલવ, તમે સીતામાસીના દીકરા છો, એટલે  હું તમને એક મોકો જરૂર આપીશ. પણ બે વર્ષમાં તમારે પરફોર્મન્સ સુધારવું પડશે અને લોકોની ફરિયાદ દૂર કરવી પડશે.’
 
સીતાબા તો ‘કર્મનો સિધ્ધાંત’ પણ નહોતા જાણતા, છતાં એ સિધ્ધાંત પ્રમાણે એક નમાયા બાળકને માની મમતા આપીને ઉગારનાર સીતાબા માટે  ‘દેવદૂત’  જેવો એ બાળક જ એમની ‘એકદંડિયા મહેલ’ જેવી પરિસ્થિતિ માંથી ઉગારવાનું નિમિત્ત બન્યો હતો..

લવ મેરેજ કે એરેન્જડ?

લવ મેરેજ કે એરેન્જડ?               


-અચ્છા મી. શાહ હવે એક લાસ્ટ ક્વેશ્ચન– ઇફ યુ ડોન્ટ માઈન્ડ..
-યેસ, મિસ દિપ્તી, ગો અહેડ.
-સર, સવાલ થોડો પર્સનલ છે.
-યેસ, ડોન્ટ હેસીટેટ. પૂછો.

-સર, તમારા મેરેજ એરેન્જડ છે કે લવ મેરેજ ?  ૩૬ વર્ષની યંગ એજમાં સફળ બીઝનેસમેન બની ચુકેલા મી. પ્રણવ શાહની ઉજ્જવળ કારકિર્દી ને આવરી લેતા તમામ પ્રશ્નો પૂછીને એમનો ઈન્ટરવ્યૂ લઈ રહેલી એક ફેમસ બીઝનેસ મેગેઝીન ની સ્માર્ટ સીનીયર રિપોર્ટર દીપ્તિએ ઈન્ટરવ્યૂ ના અંતે એના મનમાં ઘૂંટાય રહેલ સવાલ પૂછી જ લીધો.
-મારા ‘લવ મેરેજ ‘ અને મારી પત્નીના ‘એરેન્જડ મેરેજ’  પ્રણવે  સ્મિત કરતાં કહ્યું.

-આઈ કુડ નોટ ગેટ યુ, સર. તમારા  ‘લવ મેરેજ’ અને તમારી પત્નીના ‘એરેન્જડ મેરેજ?’ એ કઈ રીતે? વિગતવાર કહેશો પ્લીઝ?
-સ્યોર. પણ અમારી કહાણી ઘણી લાંબી છે.
-આઈ એમ ઇગર ટુ લિસન, સર. લોકોને પણ એક સફળ ઉધોગપતિ, ‘પતિ’ કેવી રીતે બન્યા તે જાણવામાં જરૂર રસ પડશે. ઇફ યુ હેવ અ લીટલ ટાઇમ, તમારી વાત જણાવો સર.

-ઓકે, તો સાંભળો. આજથી લગભગ દસેક વર્ષ પહેલા હું વિદેશથી MBA  નું ભણીને ભારત પાછો આવ્યો હતો. મારી આંખોમાં એક સફળ બીઝનેસમેન બનવાનું સ્વપ્ન રમતું હતું. મારા દિમાગમાં એ માટેની અવનવી યોજનાઓ ફીટ કરીને આવ્યો હતો. પપ્પાનો લાખોનો બીઝનેસ મારે કરોડોનો કરવો હતો. એટલે ઇન્ડીયા આવીને ઈતર પ્રવૃતિમાં સમય બરબાદ કરવાને બદલે મે પપ્પાની ઓફીસ જોઈન કરી દીધી. પપ્પાની આગેવાની હેઠળ મેં બિઝનેસની આંટીઘૂંટીઓ અને દાવપેચ શીખવા માંડ્યા. પપ્પાએ પણ મારામાં વિશ્વાસ મૂકી ધીમે ધીમે ઓફિસની બાગડોર મારા હાથમાં મૂકી નિશ્ચિંત થવા માંડ્યું. એ હવે ઓફીસના બદલે ઘરે રહીને પોતાનો વાચનનો શોખ પૂરો કરવા લાગ્યા.

અમારા ગુજરાતી પરિવારમાં યુવાન થયેલો  દિકરો, ભણીગણી રહે અને કમાતો થાય એટલે એના લગ્નના માગાં આવવા માંડે. માબાપ પણ એ માગાંઓ પ્રત્યે સીરીયસલી ધ્યાન આપવા માંડે. મારા માટે પણ ૪-૫ જગ્યાએથી માગાં આવ્યા. અમારી જ્ઞાતિના પ્રમુખ મુકુન્દરાયની દીકરી શેફાલીનું માગું ધ્યાનાકર્ષક હતું, એવું મારા મમ્મી પપ્પાને લાગ્યું. મને તો પરણવા કરતા ઔધોગિક ક્ષેત્રે કેરિયર બનાવવામાં વધુ રસ હતો, એટલે પહેલા તો મેં લગ્ન માટેના માગાં ટાળવાનો પ્રયત્ન કર્યો. મમ્મીએ કહ્યું, ‘બેટા, લગ્ન ભલે એક બે વર્ષ પછી કરજે, પણ છોકરી જોવામાં શું વાંધો છે ? છોકરી તને ગમે તો જ સગાઇ કરીશું.’
મમ્મી પ્રત્યે મને પહેલેથી જ વધુ લગાવ. મારી પસંદ નાપસંદ નો ખ્યાલ કરતી, મારી જરૂરીયાતોને વગર કહ્યે સમજી જતી, મારા માટે ભાવતા ભોજન બનાવતી, મારી સાચા દિલથી કાળજી કરતી મમ્મીને હું કોઈ પણ બાબતે નારાજ કરવા નહોતો માંગતો. એટલે મમ્મીનું મન અને પપ્પાનાં સુચનનું  માન રાખવા, સામે કોઈ પણ જાતની દલીલ કર્યા વગર મે શેફાલીને જોવા જવાની – મળવાની હા પાડી. એક દિવસ મમ્મી પપ્પા સાથે શેફાલીના ઘરે જવાનો પ્રોગ્રામ બનાવ્યો. એના ઘરે ચા નાસ્તાનો ઔપચારિક કાર્યક્રમ પત્યો એટલે એના પપ્પાએ કહ્યું, ‘શેફાલી પ્રણવને આપણું ઘર અને તારો રૂમ તો બતાવ.’ ‘સ્યોર, પપ્પા’ એમ કહેતા શેફાલીએ વડીલોની હાજરી છતાં, અને અમે પહેલી જ વાર મળતા હતા છતાં, મારો હાથ નિ:સંકોચ પણે પકડીને મને કહ્યું, ‘ચાલ પ્રણવ, તને મારું ઘર બતાવું.’

હું ઉઠ્યો, અને એની પાછળ દોરવાયો. એણે બધા સાંભળે એમ મોટેથી કહ્યું, ‘ડ્રોઈંગરૂમનું આ કાચનું ઝુમ્મર ખાસ જર્મની થી મંગાવ્યું છે, અને આ કાર્વિંગવાળો સોફાસેટ ખાસ બર્માથી મંગાવ્યો છે.’ પછી ઘરનાં બીજા રૂમોમાં  લઈ જઈ એક પછી એક કીમતી ચીજ વસ્તુઓ બતાવતા, એ ક્યાં કયાંથી મંગાવી છે, એની માહિતી શેફાલી મને આપતી ગઈ. છેલ્લે વારો આવ્યો એના બેડરુમનો. બેડરૂમની વચ્ચોવચ એક ભવ્ય અને કલાત્મક રાઉન્ડ બેડ હતો. એના પર સાટીન ની સુંવાળી ઝુલવાળી  ગુલાબી રંગની ચાદર પાથરેલી હતી. સીસમની પટ્ટી પર સુંદર મચ્છરદાની લટકતી હતી. રૂમના કલરને મેચ થાય એવા આછા ગુલાબી રંગના રેશમી પરદાઓ બારીએ ઝુલતા હતા. એક તરફ ત્રણ અરીસા વાળું સરસ ડ્રેસિંગ ટેબલ હતું. જેના પર જાત જાતના ઈમ્પોર્ટેડ પરફ્યુમ્સ અને વિવિધ કોસ્મેટીક્સ પડ્યા હતા.

ભાતભાતના ભારતીય અને વિદેશી પોશાકો, અને એને મેચિંગ પર્સ, ચપ્પલ, શુઝ, બેલ્ટ્સ ધરાવતો શેફાલીનો વોર્ડરોબ અને શુરેક જોઇને મારી તો આંખો જ ચકરાઈ ગઈ. વિશાળ ટીવી, વીસીડી પ્લેયર, મ્યુઝીક સીસ્ટમ, નાનું ફ્રીઝ વગેરે શેફાલીએ અતિ ઉત્સાહથી મને બતાવ્યું. અને શેફાલીનો બાથરૂમ તો કોઈ સામાન્યજનના ડ્રોઈંગ રૂમ કરતા પણ મોટો અને ભવ્ય હતો. હું આગળ કશું વિચારું એ પહેલા શેફાલી મારો હાથ પકડીને એના રાઉન્ડ બેડ પાસે લઈ ગઈ, મને બેસાડીને  બિલકુલ મારી અડોઅડ બેસી જઈને મને પૂછ્યું, ‘પ્રણવ, કેવું લાગ્યું મારું ઘર ? મારો બેડરૂમ?’ ‘ખુબ સરસ, ખુબ ભવ્ય.’ મેં કહ્યું. અને પછી મારા મનમાં રમી રહેલો પ્રશ્ન પૂછી લીધો, ‘શેફાલી, ઘરમાં ક્યાંય લાયબ્રેરી નથી ? બુક્સ વાંચવાનો કોઈને શોખ નથી ઘરમાં ?’
‘યુ નો, પ્રણવ, હું ક્યારેક ફિલ્મી મેગેઝીન કે ફેશન મેગેઝીન જોઈ લઉં. મમ્મીને તો વાંચવાનો બિલકુલ જ શોખ નથી,એ તો એની કીટી પાર્ટીઓ અને સોશીયલ  મીટીંગોમાં વ્યસ્ત હોય. પપ્પા એમના બિઝનેસને લગતી બુક કદાચ વાંચતા હશે, મને ખબર નથી  કેમ કે બુક્સ એમની ઓફિસમાં હોય છે.’  શેફાલીની વાત સાંભળી લીધા પછી મેં પૂછ્યું, ‘ઓકે, શેફાલી. તને કોઈ શોખ ખરો કે ? આઈ મીન તારી હોબી શું છે ?’ ‘મને ફિલ્મો જોવાનો, પોપ મ્યુઝીક સાંભળવાનો, ડિસ્કો થેકમાં જઈને ડાન્સ કરવાનો, ટ્રાવેલિંગ નો, શોપિંગ નો વગેરે શોખ છે.’ શેફાલીએ પોરસાતા કહ્યું.

‘અને કૂકિંગ ?’ મેં ખચકાતા ખચકાતા એને પૂછ્યું, કેમ કે મને તો ઘરની બનાવેલી સાદી અને વૈવિધ્ય સભર વાનગીઓ ખાવાનો શોખ છે. ‘ફ્રેન્કલી સ્પીકિંગ, આઈ ડોન્ટ નો કૂકિંગ. એન્ડ ઇવન આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ટુ લર્ન. અમારે ત્યાં ૩ કુક છે, એ લોકો રાંધે અને એ લોકો જ ફૂડ સર્વ પણ કરે. ઘરમાં અડધો ડઝન તો સર્વન્ટ છે, એટલે મારે કદિ ઘરના કામકાજ કરવાની પણ જરૂર નથી પડી.’  શેફાલીએ ગર્વથી કહ્યું. ‘અને સાસરે કુક કે સર્વન્ટ ન હોય તો ?’ મારાથી પુછાઈ ગયું. ‘ડોન્ટ વરી. પપ્પાએ કહ્યું છે કે એ મારા સાસરે  કુક અને  સર્વન્ટ મોકલશે, અને એમનો પગાર પણ પપ્પા જ ચૂકવશે.’ શેફાલીએ સ્માઈલ આપતા કહ્યું.
‘બાય ધ વે, પ્રણવ. હું તને ગમું છું કે નહિ ? એવો વાહિયાત સવાલ હું તને નહિ પૂછું. આઈ નો ધેટ આઈ એમ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ. પપ્પાની કરોડોની મિલકતની હું એકમાત્ર વારસદાર છું, એટલે લગ્નના બજારમાં મારી કિમત શું છે તે  પણ હું સારી રીતે જાણું છું. આઈ થીંક, મારી સાથેના લગ્નની પ્રપોઝલ ન સ્વીકારવાનું તારી પાસે કોઈ રીઝન નથી, એમ આઈ રાઈટ ?’ શેફાલીએ મારી વધુ નજીક આવતા મારી આંખોમાં આંખ નાખી કહ્યું. શેફાલીની વિચારધારા જાણીને હું અવાચક થઈ ગયો. એનો હાથ છોડાવતા હું ધીરેથી ઉભો થઇ ગયો અને બોલ્યો, ‘ચાલો, આપણે ડ્રોઈંગ રૂમમાં જઈશું ?’  એ થોડી નારાજગી સાથે ઉઠી અને અમે બન્ને ડ્રોઈંગ રૂમમાં આવ્યા. થોડી ઔપચારિક વાતો બાદ વિદાય લેતી વખતે પપ્પાએ ‘પછી ફોનથી મળીશું’ કહ્યું. શેફાલીના પપ્પાએ, ‘હવે તો તમારું જ ઘર છે, મન થાય ત્યારે આવી જવું.’ એમ મારી સામે જોઇને કહ્યું.   
મમ્મી પપ્પાએ શેફાલી વિશે  મારો અભિપ્રાય પૂછ્યો. ‘મને લાગે છે કે મારે હજી એક વર્ષ બીઝનેસ પાછળ ધ્યાન આપવું જોઈએ, લગ્નનું પછી વિચારીશ’ એમ મે કહ્યું. ‘જેવી તારી મરજી,’ કહીને અમે એ વાત પર ચર્ચા બંધ કરી. આ વાતને લગભગ અઠવાડિયું થઈ ગયું હતું. હું તો મારા બીઝનેસ પ્રોજેક્ટમાં એવો ડૂબી ગયો હતો કે શેફાલી મારા મનમાંથી ભૂંસાઈ ગઈ હતી. એક દિવસ હું ઓફિસમાં હતો અને શેફાલીનો ફોન આવ્યો, ‘પ્રણવ, મને લાગે છે કે તું તો મને ભૂલી જ ગયો, પણ મે  આજે લાસ્ટ શોની મલ્ટીપ્લેક્સની આપણા બેની ટીકીટ બુક કરાવી છે. બોલ, તને કેટલા પીક કરું ?’ હું જરા વિચારમાં પડ્યો અને પછી એને ટાળવા મે કહ્યું, ‘શેફાલી, મને ખબર નથી કે હું કેટલા વાગ્યે કામથી ફ્રી થઈશ.’  પણ એને પીછો ન છોડ્યો બોલી, ‘ઓકે ડીયર, હું  આઠ  વાગ્યે ઓફીસ પર આવું છું.’ હું આનાકાની કરું તે પહેલા એણે ફોન મૂકી દીધો.

બરાબર પોણા આઠ વાગ્યે  શેફાલી મારી ઓફીસ પર આવી. મારી પી.એ. પ્રિયા એને ‘એપોઇન્ટમેન્ટ’  માટે કઈ પૂછે તે પહેલા તો એ વાવાઝોડાની જેમ મારી કેબીનમાં ધસી આવી. એને રોકવા પ્રિયા પણ એની પાછળ કેબીનમાં આવી. ‘પ્રણવ, લેટ્સ મુવ ફોર ધ મૂવી’ એ મારો હાથ પકડતા બોલી. ‘પ્લીઝ બી સીટેડ’ મે હાથ છોડાવતા એને બેસવાનો ઈશારો કર્યો.  પ્રિયા આશ્ચર્યથી શેફાલીને જોઈ રહી. મે પ્રિયાને, ‘આ શેફાલી, મારી ફ્રેન્ડ છે’ કહીને ઓળખાણ કરાવી, પણ શેફાલીએ એની સામે પણ ન જોયું. મેં  બાકી રહેલા કામ અગે પ્રિયાને  સૂચનાઓ આપી અને હું શેફાલી સાથે મૂવી જોવા ગયો. શેફાલીનું આવું વર્તન મને ગમ્યું તો નહિ પણ મેં ‘લેટ ગો ‘ કર્યું. 
 
થોડા દિવસો બાદ મારી સિસ્ટર દિવાળીના દિવસોમાં અમારા ઘરે રહેવા આવી હતી. અમે બધા વાતો કરી રહ્યા હતા ત્યારે શેફાલી અને એના પપ્પા અમારા ઘરે આવ્યા. ‘શેફાલી ઘરે બોર થઈ રહી હતી એટલે તમને મળવા આવ્યા’ એનાં પપ્પા મુકુન્દરાય એ કહ્યું. ‘સારું કર્યું, બેસો.’ મારા પપ્પાએ વિવેક કરતા કહ્યું. મુકુન્દરાય તો બેઠા પણ શેફાલી ઉભી જ રહી એટલે મમ્મીએ કહ્યું, ‘બેસ ને બેટા, જો તને ઘરના સભ્યોની  ઓળખાણ કરાવું’ શેફાલી કમને બેઠી. બધાની ઓળખાણ પતી એટલે શેફાલી ઉભી થતા બોલી, ‘ચાલ પ્રણવ, આપણે ક્યાંક ફરવા જઈએ, અહી ભીડમાં મારો જીવ અકળાય છે.’ ‘સોરી શેફાલી, આજે તો મારી સિસ્ટર અને એના બાળકો  સાથે જ સમય વીતાવવાનો પ્લાન છે, હું ઘરે જ રહેવાનું પસંદ કરીશ.’ મેં કહ્યું. અને એ નારાજ થઇને જતી રહી.

એકવાર હું ઓફિસમાં એક અગત્યની મીટીંગમાં બીઝી હતો, ફોન સયાલન્ટ મોડ પર રાખ્યો હતો, એટલે  શેફાલીએ ઓફીસના લેન્ડલાઇન પર ફોન કર્યો. પ્રિયાએ ફોન ઉપાડ્યો અને મારી સૂચના હતી એ પ્રમાણે કહ્યું, ‘સોરી મેડમ, સર ઈમ્પોર્ટન્ટ મીટીંગમાં બીઝી છે એટલે ફોન ઉપાડી શકે એમ નથી.’ સામે શેફાલીએ પ્રિયાને કઈ એલફેલ સંભળાવ્યું હશે, કેમ કે મેં પ્રિયાને ખુબ ધીમા, દબાયેલા પણ મક્કમ અવાજે કહેતા સાંભળી, ‘મેડમ, બિહેવ યોરસેલ્ફ, આઈ એમ નોટ યોર સર્વન્ટ, માઈન્ડ યોર લેન્ગેવેજ.’ પ્રિયાએ ફોન મૂકી દીધો અને સ્વસ્થ થઇ અમારી સાથે મીટીંગમાં જોડાઈ ગઈ.
 
મીટીંગ પૂરી થઈ પછી એકલા પડ્યા ત્યારે મેં  પ્રિયાને  કહ્યું, ‘લાગે છે કે શેફાલીએ તારું ઈન્સલ્ટ કર્યું, એના વતીથી હું માફી માંગું છું. ‘સર, દરેક વ્યક્તિ પોતાના સંસ્કાર, સમજ અને ઘડતર પ્રમાણે બોલે કે વર્તે, ઇટ્સ ઓકે સર, ફર્ગેટ ઈટ.’  કહીને એણે  મધુરું સ્માઈલ આપ્યું. ‘પ્રિયા, હું કન્ફ્યુઝ્ડ છું, તું કહે કે મારે શેફાલી સાથે લગ્ન કરવા જોઈએ કે નહિ ? મારી પીએ તરીકે નહિ પણ મારી ફ્રેન્ડ તરીકે તું મને આ બાબતમાં હેલ્પ કરીશ ? મને સાચી સલાહ આપીશ ?’ મે પ્રિયાને પૂછ્યું. ‘સર, જીવનમાં કેટલાક અગત્યના નિર્ણયો આપણે જાતે જ લેવાના હોય છે, લગ્ન પણ એક એવો જ નિર્ણય છે.’ એણે ડહાપણ ભરી વાત કરી. ‘પ્રિયા, આવા ઉડાઉ જવાબ ન આપ, મને સાફ શબ્દોમાં જે કહેવું હોય તે કહે.’ મે કહ્યું. મારી વાત સાંભળી ને થોડીવાર વિચારીને એ બોલી, ‘સર, સાફ શબ્દોમાં કહું તો  એ જ કે તમારે મન જિંદગીમાં પૈસા અગત્યના હોય તો શેફાલી સાથે લગ્ન કરવા જોઈએ, અને માનસિક શાંતિ કે પ્રસન્નતા અગત્યના હોય તો તમારા ઘર અને તમારા વિચારોને અનુરૂપ થાય એવી છોકરી સાથે લગ્ન કરવા જોઈએ.’ મે કહ્યું, ‘પ્રિયા, થેન્ક્સ. હું તારી વાત ધ્યાનમાં રાખીશ.’

એ રાત્રે મેં મમ્મી પપ્પા સાથે શેફાલીની બાબતમાં બની ગયેલા બનાવો વિશે ચર્ચા કરી અને શેફાલીને ન પરણવાનો મારો વિચાર એમની સામે રજુ કર્યો. એમને તો મારી પસંદગીમાં પૂરેપૂરો વિશ્વાસ હતો. એમણે મને કહ્યું, ‘પ્રણવ, કાલે તું પોતે જ એમના ઘરે જઈ એના પપ્પાને વિનય પૂર્વક ના પાડી આવજે. હું બીજે દિવસે ફોન કરી શેફાલીના ઘરે ગયો. એના પપ્પા મમ્મીની હાજરીમાં જ એમની માફી માગી લઈને એમને મે શેફાલી સાથે લગ્ન ન કરવાની મારી મરજી જણાવી. એના મમ્મી પપ્પાને મારી ‘ના’  થી ઘણું આશ્ચર્ય થયું. શેફાલીને ખુબ ગુસ્સો આવ્યો. એણે મને આકરા વેણ સંભળાવ્યા. મારા પર ડ્રોઈંગ રૂમની ચીજ વસ્તુઓ ઉઠાવીને ફેંકવા માંડી. એના મમ્મી પપ્પા એને વારવા લાગ્યા અને હું ત્યાંથી ઉઠીને ઘરની બહાર નીકળી ગયો. ત્યાર પછી પપ્પાએ બે ત્રણ છોકરીઓની વાત કરી, ફોટા બતાવ્યા. પણ મારા મનમાં તો સરળ, શાંત, સંસ્કારી અને બુધ્ધિશાળી  પ્રિયા વસી ગઈ  હતી. મારું મન એની તરફ આકર્ષાતું ગયું અને હું મનોમન એને પ્રેમ કરવા લાગ્યો, એની સાથે વધુ ને વધુ સમય વિતાવવાની તક શોધવા લાગ્યો.

એકવાર અમે આમ જ ફ્રી બેઠા હતા ત્યારે મેં એને લગ્નસંસ્થા અંગેનો એનો મત પુછતા એણે કહ્યું, ‘સર, સ્ત્રી અને પુરુષને એક પવિત્ર  સંબન્ધમાં બાંધનાર આ સંસ્થા પ્રત્યે મને માન છે.  એનાથી સ્ત્રી સુરક્ષાની અને પુરુષ રાહતના ભાવની લાગણી અનુભવે છે. બાળકોને પણ આનાં લીધે પ્રગતિ કરી શકે એવી હૂંફની લાગણી થાય છે.’ હું અહોભાવ પૂર્વક એને બોલતી સાંભળી રહ્યો અને પછી પૂછ્યું, ‘પ્રિયા, તને કેવો જીવનસાથી ગમે ?’ એણે મારી સામે જોઈ રહી અને પછી ખુબ સાહજીકતાથી બોલી, ‘ જે વ્યક્તિ મને મારા ગુણ અને દોષ સહિત પૂરેપૂરી સ્વીકારે, મારી ખૂબીઓને ઓળખી વિકસાવવામાં મારી મદદ કરે, મારી ખામીઓને પ્રેમથી અને સહાનુભૂતિથી દૂર કરવામાં મદદ કરે, જેમ હું એના માતા પિતાને સ્વીકારું - આદર કરુ, તેમ જ એ પણ મારા પેરેન્ટ્સની કાળજી કરે, માન આપે એવી વ્યક્તિ સાથે હું લગ્ન કરીશ.’ પછી બોલી, ‘સર, કેમ મને આ બધું પૂછો છો ?’ મે કહ્યું, ‘એમ જ, જાણવાની ઈચ્છા થઇ એટલે.’

પ્રિયાના આવા સરસ વિચારોથી પ્રભાવિત થઈને હું એને વધુ ચાહવા લાગ્યો, એને મારી જીવનસાથીના રૂપમાં કલ્પવા લાગ્યો. પણ સીધે સીધું એને કહેવાની હિંમત ન ચાલી, ‘ક્યાંક મારી વાત સાંભળી એ જોબ છોડીને જતી રહેશે તો ?’ એ ડરથી હું ચુપ જ રહ્યો. મેં એને એકવાર પ્રેમપત્ર પણ લખ્યો, પણ એને આપવાની હિંમત ન કરી શક્યો.

-સર, પછી એ હિંમત તમારામાં કઈ રીતે આવી ? તમે પ્રિયા મેડમને કેવી રીતે પ્રપોઝ કર્યું ? રિપોર્ટર દીપ્તિએ પૂછ્યું.
-એ વાત પર જ આવી રહ્યો છું, સાંભળો આગળ શું બન્યું તે. એક દિવસ પ્રિયાએ મારી કેબીનમાં આવીને કહ્યું, ‘સર, આજે મારે જરા વહેલા ઘરે જવું છે.’  મે પૂછ્યું, ‘કેમ, વહેલું જવું છે ?’ એટલે  એ બોલી, ‘મારા મમ્મી પપ્પાએ કોઈ મુરતિયાને મારા ઘરે, મને જોવા બોલાવ્યો છે, સર, હું જાઉં ?’ આ સાંભળીને મારુ  હૃદય એક ધબકારો ચૂકી ગયું. મેં માંડમાંડ સ્વસ્થતા રાખી કહ્યું, ‘યા સ્યોર’  પ્રિયા ગઈ પછી મારું મન ઓફીસના કામમાં ચોંટ્યું નહિ. એ રાત્રે જમ્યા પછી મને ડ્રોઈંગ રૂમમાં આંટા મારતો જોઇને પપ્પાએ પુછ્યું, ‘બેટા પ્રણવ, એની પ્રોબ્લેમ ?’ ‘નો પપ્પા, નોટ એટ ઓલ’ કહીને હું એમને ‘ગુડનાઇટ’ કહીને મારા બેડરુમમાં ભરાઈ ગયો, પણ મોડી રાત સુધી મને ઊંઘ ન આવી, પ્રિયાના જ વિચારો ચાલતા રહ્યા. ફોન કરીને ‘શું થયું, છોકરો પસંદ આવ્યો ?’ પૂછી લેવાનો વિચાર આવ્યો પણ મન પર કાબુ રાખ્યો.

બીજે દિવસે હું સવારે વહેલો ઓફિસે પહોચ્યો. મારી અધીરાઈનો પાર નહોતો. પ્રિયા આવી કે તરત જ પૂછી બેઠો, ‘પ્રિયા કાલે છોકરો જોવા આવ્યો હતો તે પસંદ આવ્યો ?’ એ બોલી, ‘હા સર, છોકરો હેન્ડસમ છે, વેલ એજ્યુકેટેડ અને વેલ મેનર્ડ છે’ એ બોલી અને મારા ધબકારા વધી ગયા. ‘તો તેં હા પાડી દીધી ? નક્કી થઈ ગયું ?’ એવા મારા સવાલના જવાબમાં તે બોલી, ‘સર, મને તો છોકરો ગમ્યો છે, પણ મે બધું મમ્મી પપ્પા પર છોડ્યું છે. મમ્મી પપ્પા જે નક્કી કરે તે ખરું,’  ‘પ્રિયા, વિલ યુ મેરી મી ?’ એવા વારંવાર રટેલા શબ્દો મારા હોઠ સુધી આવીને અટકી ગયા. એક વાત મારા મનમાં નોંધાઈ કે ‘પ્રિયાને પરણવું હશે તો એના મમ્મી પપ્પાને મળીને પ્રિયાનો હાથ એમની પાસે માગવો પડશે અને તે પણ જેમ બને એમ જલદી, બીજા કોઈ સાથે એનું નક્કી થઇ જાય તે પહેલા.’ 

એ દિવસે સાંજે હું રોજ કરતા વહેલો ઘરે પહોંચી ગયો અને મમ્મીને પૂછ્યું, ‘પપ્પા ક્યાં છે ?’ મમ્મીએ કહ્યું, ‘એમની ફેવરીટ પ્લેસ – લાયબ્રેરીમાં, બેટા, વાત શું છે ?’ ‘અરજન્ટ કામ છે, મમ્મી. તને પછી કહું છું.’ એમ કહીને હું ઘરની લાયબ્રેરીમાં પહોચી ગયો. પપ્પા બુક વાંચતા હતા, મારી સામે જોઇને કહ્યું, ‘બોલ બેટા, શું કામ પડ્યું મારું ?’ મે એમના હાથમાંથી બુક લઈને બાજુ પર મુકતા કહ્યું, ‘પપ્પા, આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથીંગ.’ અને મે પપ્પાને પ્રિયા વિશેની મારી લાગણી જણાવી, પછી એમનો અભિપ્રાય પૂછ્યો. એમણે કહ્યું, ‘પ્રિયા ઈઝ અ ગુડ ગર્લ. બટ આર યુ સ્યોર યુ વોન્ટ ટુ મેરી પ્રિયા ?’ ‘યેસ, પાપા, આઈ એમ ૧૦૦% સ્યોર. મારે પ્રિયાને જ પરણવું છે, પણ પ્રિયા મને પસંદ કરશે ખરી ?’ મે શંકા વ્યક્ત કરતા કહ્યું. ‘એ ઓલરેડી તને પસંદ કરી ચૂકી છે.’ મમ્મીએ  પાછળથી રૂમમાં પ્રવેશતા ટહુકો કરીને કહ્યું. ‘વ્હોટ ?  હાવ ડુ યુ નો એબાઉટ ઇટ ?’ મે આશ્ચર્યથી મમ્મી સામે જોઇને પૂછ્યું.

‘તેં એના પર લખેલો પ્રેમપત્ર તું અહી જ ડ્રોઈંગ રૂમમાં ભૂલી ગયો હતો. તે અમે બન્ને એ જોયો, વાંચ્યો એટલે પ્રિયા તરફની તારી લાગણી અમે જાણી,  પણ પ્રિયા આ બાબતમાં શું લાગણી કે વિચારો ધરાવે છે તે અમને ખબર નહોતી એટલે એક દિવસ  તારા પપ્પા ઓફિસે આવ્યા હતા ત્યારે એમણે પ્રિયાને  સીધે સીધું જ પૂછી લીધું.  અને  પ્રિયાએ પણ પપ્પાને કહ્યું, ‘સર, પ્રણવ મને પસંદ છે, હું લગ્ન માટે પણ તૈયાર છું, પણ મારા લગ્ન માટેનો આખરી ફેંસલો મેં  મારા મમ્મી પપ્પા પર છોડ્યો છે.’ મમ્મીએ હસીને કહ્યું.

‘એટલે હું અને તારી મમ્મી પ્રિયાના ઘરે જઈ એના મમ્મી પપ્પાને મળીને તારું માંગુ કરી આવ્યા અને એમણે એ સહર્ષ સ્વીકાર્યું.’ પપ્પાએ મમ્મીની વાત આગળ વધારતા કહ્યું.  ‘મને કશું સમજાતું નથી. પ્રિયાને જોવા તો બીજો જ કોઈ છોકરો એના ઘરે આવ્યો હતો ને ?’ મેં માથું ખંજવાળતા કહ્યું. ‘તું તારા પ્રેમનો એકરાર કરે એ માટેનો અમારો સહુનો એ પ્લાન હતો, બેટા અને અમે એમાં સફળ થયા.’ પપ્પાએ હસીને કહ્યું. ‘એટલે તમે બધાએ મળીને મને ઉલ્લુ બનાવ્યો એમ ને ?’ હું હસી પડ્યો. ‘હવે તું જા અને પ્રિયા પાસે તારા પ્રેમનો એકરાર કરીને એનો હાથ માંગ’ મમ્મીએ કહ્યું. 

-અને એમ મારા ‘લવમેરેજ’ અને પ્રિયાના ‘એરેન્જડ મેરેજ’ થયા. પ્રણવ શાહે વાત પૂરી કરતા કહ્યું.

-વન્ડરફુલ સ્ટોરી, થેન્ક્સ ફોર શેરીંગ એન્ડ ગીવીંગ અસ યોર વેલ્યુએબલ ટાઈમ, સર. દીપ્તિએ પેક અપ કરતા કહ્યું. 

સ્ત્રી દાક્ષિણ્ય.

સ્ત્રી દાક્ષિણ્ય.                

જ્ઞાતિના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૫૧૦૦૦ નું માતબર દાન આપી ચુકેલા જ્ઞાતિના આગેવાન અમુલભાઈને સમારંભના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, એ સૂટમાં સજ્જ થઈને આવ્યા હતા. એમના જાજરમાન પત્ની રેખાબેન બનારસી સિલ્કની ભારે સાડી અને સાડીને અનુરૂપ ઘરેણામાં સજ્જ એમની બાજુમાં બેઠા હતા. એમનો દીકરો પરેશ આધુનિક વસ્ત્રોમાં પોતાની પર્સનાલીટી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં પ્રાર્થના, પછી સ્વાગતગીત, નૃત્ય, નાટિકા અને પછી વકૃત્વસ્પર્ધા યોજાઈ. વકૃત્વસ્પર્ધાના વિષય હતા,  ૧- દીકરી બચાઓ - દીકરી ભણાવો,  અને        ૨- સ્ત્રી દાક્ષિણ્ય.

સ્પર્ધાને અંતે ઇનામ આપતી વખતે વિજેતાઓને બિરદાવતાં અમુલભાઈએ ‘સ્ત્રી દાક્ષિણ્ય’ વિષય ઉપર કોઈએ લખી આપેલું છટાદાર મંતવ્ય રજુ કર્યું, અને એમના દીકરા પરેશે એના સમર્થનમાં પોતાના વિચારો રજુ કર્યા, ત્યારે લાગ્યું કે આ ભાઈ  ‘સ્ત્રી દાક્ષિણ્ય’ ની ભાવનામાં ચુસ્તપણે માનતા હોવા જોઈએ. પણ વકૃત્વ સ્પર્ધાની પ્રથમ  વિજેતા પાયલ ઇનામ લેતી વખતે મનોમન બબડી : ‘હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા.’ પાયલનું એમના માટે આમ કહેવું વ્યાજબી જ હતું. કેમ વ્યાજબી હતું તે જાણવા આપણે  એક  ઘટના વિષે જાણવું પડશે. થોડા સમય પહેલાની જ આ વાત છે :

-આવો આવો  રમામાસી, ઘણા વખતે આ તરફ ભૂલા પડ્યા? સીમાએ એના દૂરના માસી રમાબેનને આવકારતા કહ્યું.
-ભૂલી નથી પડી, ખાસ કામે આવી છું. રમાબેને સોફા પર બેસતા કહ્યું.
-બોલો બોલો, માસી. શું કામે અમને આજે યાદ કર્યા ? તબિયત પાણી તો સારા ને ? સીમાએ એમને પાણીનો ગ્લાસ ધરતા પૂછ્યું.
-ભગવાનની કૃપાએ બધા સાજા સમા છે, અને જે કામે આવી છું એ વાત તું સાંભળશે તો તું પણ ખુશ થઇ જશે.
રમાબેને હસું હસું થતા અવાજે કહ્યું. એ સંભાળીને સીમાના કાન સરવા થયા.
-અરે વાહ ! ખુશખબર સંભળાવવા આવ્યા છો ? દાદી બનવાના છો કે ? રમાબેનના સૌથી નાના દીકરાના લગ્ન બે વર્ષ પહેલાં જ કર્યા હતા એટલે સીમાએ અટકળ કરીને કહ્યું.
-જવા દે ને એ વાત, સીમા. આજકાલના છોકરાઓ એમ જલદી બાળકની જવાબદારી લેવા ક્યાં તૈયાર થાય જ છે ? રમાબેને મોઢું કટાણું કરીને બળાપો ઠાલવ્યો.
-ઠીક છે, માસી. એમને એમની રીતે જીવવા  દો, તમારે પણ સારું ને, દાદી બનશો પછી તો તમારા પગ ઘરમાં  બંધાઈ જશે, અત્યારે મંદિરે કે પછી જ્યાં જવું હોય ત્યાં જવા છુટ્ટા, ખરું ને ? સમજદાર સીમાએ વાત વાળી લેતા કહ્યું.
-હા, એ વાત સાચી, પણ હવે મારી વાત ધ્યાનથી સાંભળ. તું, અમુલ અને રેખાને તો ઓળખે ને?
-હા, હા, ઓળખું છું ને. આપણી જ્ઞાતિના આગેવાન છે, જેમની શહેરમાં જવેલરીની દુકાન છે, અને પરામાં મોટો બંગલો છે, એજ ને ?
-બરાબર, એ જ. એમણે સામેથી એમના એક ના એક દીકરા પરેશનું આપણી પાયલ માટેનું માંગુ મોકલ્યું  છે. એ કરોડપતિ અમુલનો  દીકરો પરેશ, ગ્રેજ્યુએટ  થયેલો છે, દેખાવડો અને હોંશિયાર છે. ઉમરલાયક છોકરીઓના મા બાપ તો પરેશ સાથે એમની દીકરીનું થાય એ માટે ઘણા પ્રયત્નો કરી ચુક્યા છે. આ તો જ્ઞાતિના મેળાવડામાં એમણે પાયલને ડાન્સ કરતા જોઈ અને પાયલ એમને ગમી ગઈ એટલે સામેથી માંગુ મોકલ્યું, બાકી એમને કન્યાની ક્યાં ખોટ છે ? એક કહો તો એકવીસ મળી આવે એમ છે.
-હં.  સીમાએ એકાક્ષરી જવાબ આપ્યો.
-શું વિચારમાં પડી તું ? રમામાસીને એમ હતું કે વાત સાંભળીને સીમા ખુશ થઇ જશે, પોતાનો આભાર માનશે,  એના બદલે એ વિચાર કરવા રોકાઈ એટલે થોડી નારાજગી સાથે એને વિચાર વમળમાથી બહાર કાઢતા રમાબેને પૂછ્યું.
- વિચાર તો...ઘર તો સારું અને રેખાબેનનો સ્વભાવ પણ સારો, પણ...
-પણ શું ?
-પણ એ પરેશ બી.કોમ. થઈને એના પપ્પાની જવેલરીની દુકાન પર બેસી ગયો છે. જ્યારે આપણી પાયલ તો બી.કોમ. થઈને હજી આગળ એમ.કોમ. નું ભણવા માંગે છે.
-આવું સારું ઘર મળતું હોય ત્યારે આવા બધા વિચાર કરવા રહે તો સારું ઘર અને વર હાથમાંથી નીકળી જાય, સમજી તું ? મને તો તારું લાગી આવે  છે, એટલે તને પહેલા કહેવા આવી. બાકી પેલી રમીલા અને નિશા તો ‘અમારી  દીકરી માટે કોઈ સારું ઠેકાણું હોય તો કહેજો’ એવું કેટલીય વાર મને કહી ચુકી છે.
-સોરી માસી, મારા કહેવાનો મતલબ હતો કે...જો કે આમ જુઓ તો તમારી વાત પણ એક રીતે તો સાચી અને વિચારવા લાયક છે.
-હવે તેં સમજદારીની વાત કરી. પરણ્યા પછી છોકરીએ તો ઘર, વર ને છોકરાં  જ સંભાળવાના હોય છે, એટલે ભણવાનું એને માટે એટલું જરૂરી નથી. અને છતાં પાયલની ઈચ્છા ભણવાની હોય, એના સાસરીયાઓ એ માટે તૈયાર થતા હોય, તો લગ્ન કરીને પછી પણ ભણી શકાય ને? બાકી મારી દ્રષ્ટિ એ તો ‘લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય  ત્યારે  મોઢું ધોવા જાય તો મૂરખ કહેવાય.’
-ભલે, તો પછી પાયલ આવે એટલે એને, અને એના પપ્પા સતીશને પૂછીને તમને તરત જવાબ આપું, બરાબર? બોલો હવે શું લેશો, ચા કે કોફી ?
-હવે તો નાસ્તો કરીને જ જઈશ, મીઠુ મોઢું નહીં કરાવે કે ? સીમાએ રમામાસીને ગરમાગરમ બટાકાવડા ની સાથે શીરો બનાવીને ખવડાવ્યો, આમતેમની વાતો કરીને માસી સંતોષનો ઓડકાર ખાઈને ગયા.

સાંજે સતીશ અને પાયલ ઘરે આવ્યા એટલે સીમાએ, રમામાસીએ કરેલી વાત બંને સમક્ષ મૂકી. સતીશે ‘તપાસ કરાવીએ, સારું લાગે તો વિચાર કરી શકાય’  એમ કહ્યું અને પાયલે ‘તમને બન્નેને જેમ યોગ્ય લાગે તેમ’ કહ્યું, એટલે ‘બીજા ઓળખીતાને પૂછીને પછી  જવાબ આપીશું’ એમ નક્કી કર્યું. જ્યારે ઓળખીતા લોકો તરફથી, ‘માણસો સારા છે, છોકરો સારો છે.’ એવા  અભિપ્રાય આવ્યા ત્યારે સીમાએ રમામાસી દ્વારા જ ‘છોકરા છોકરી  એકબીજાને મળી લે પછી નક્કી કરીએ’ એમ જણાવી દીધું.
નક્કી થયા મુજબ  પરેશ એના મમ્મી પપ્પા સાથે પાયલને જોવા આવ્યો. લક્ઝુરીયસ કારમાંથી તેઓ ઉતર્યા, બધાએ ડીઝાઈનર કીમતી વસ્ત્રો પહેર્યા હતા, રેખાબેન સિલ્કની સાડી અને ભારે ઘરેણામાં સજ્જ હતા, જાણે કોઈ લગ્ન સમારંભમાં જવાના હોય. સીધી સાદી પાયલને ઠઠારો ગમતો  ન હોવા છતાં એ રમામાસીના આગ્રહથી સહેજ ભારેમાનો ડ્રેસ અને આગવી કેશસજ્જા સાથે પરેશ સામે પ્રસ્તુત થઇ. 
અમુલભાઈની  વાતમાં એક પ્રકારના  પૈસાના ગરમાવાની ગંધ આવતી હતી, રેખાબેનને તો એ વાત કરવાનો મોકો જ આપતા નહોતા. એ સિવાય માણસો સારા લાગ્યા. પરેશ અને પાયલ એકલા વાતચીત માટે મળ્યા, ત્યારે વાતચીત દરમ્યાન પાયલે પોતે આગળ ‘એમ.કોમ.’ નું ભણવા માંગે છે એમ કહ્યું. પરેશે જરા વાર વિચારીને કહ્યું, ‘આમ તો એવી કોઈ જરૂર નથી, છતાં તારે ભણવું હોય તો મને કોઈ વાંધો નથી,’ અને પાયલને હાશ થઇ. બંને પક્ષે ‘હા’ થઇ અને  ‘સવા રૂપિયો અને નાળીયેર’ ની આપલે થઇ અને ‘ગોળધાણા’ ખવાયા.

પંદર દિવસ  પછી સગાઈની તારીખ નક્કી થઇ. પાયલના મમ્મી પપ્પા સાદાઈથી પ્રસંગ ઉકેલવા માંગતા હતા. પણ  પરેશના પપ્પાએ કહ્યું, ’અમારે ક્યા બે પાંચ છોકરા છે, પરેશ અમારો  એકનો એક દીકરો છે, સગાઇ તો ધામધુમથી જ થશે.’ રમામાસીએ પણ એમની વાતને સમર્થન આપ્યું એટલે ન છુટકે પાયલપક્ષે સંમત થવું પડ્યું. અને સગાઈમાં એમને એક લાખ રૂપિયાનો ખર્ચ થઇ ગયો. મોબાઈલ નંબરની આપલે થઇ હતી એટલે પરેશ અને પાયલ વચ્ચે વોટ્સ એપ ના માધ્યમથી ‘હાય’, ‘હેલ્લો’ થી ઔપચારિક વાતચીત શરુ થઇ. સંદેશાઓની આપલે વધી ત્યારે પાયલને પરેશનું ઈંગ્લીશનું જ્ઞાન અધકચરું  લાગ્યું, એટલું જ નહીં એની ગુજરાતી ભાષા પણ થોડી રફ લાગી. એણે કોઈને કહ્યું નહિ પણ મનોમન આ વાતની નોંધ લીધી.
એક દિવસ સાંજે એ બંનેએ ગાર્ડનમાં મળવાનું નક્કી કર્યું. પરેશ પાંચ વાગ્યાને બદલે સાડા પાંચ વાગ્યે આવ્યો. પાયલે પૂછ્યું, તો એ ‘સોરી’ કહેવાને બદલે બેદરકારીથી બોલ્યો, ‘ટાઈમ માં અર્ધો કલાક આમ કે તેમ, શું ફરક પડે છે ?’  સમયપાલનની આગ્રહી એવી પાયલને આશ્ચર્ય થયું, ‘ પ્રિયાને પ્રથમવાર મળવા પ્રિયતમ કેટલો ઉત્સુક હોય, એ સમયથી વહેલો જ આવી જાય, જ્યારે અહીં? એને એમ પણ થયું કે જે વ્યક્તિને સમયની કીમત ન હોય, એવી વ્યક્તિ સાથે મારું  જીવન  કેવું જશે ?’ એક રવિવારે પરેશ તરફથી પાયલને મુવી જોવાનું આમંત્રણ મળ્યું. પ્લાન મુજબ પરેશ પાયલને ઘરેથી પીકઅપ કરવાનો હતો. ઉમંગભરી પાયલ સમયસર તૈયાર થઈને બેઠી હતી, ત્યાં જ પરેશનો ફોન આવ્યો, ‘હું એક ક્લાયન્ટ સાથે કામમાં બીઝી છું, મારો ડ્રાઈવર ટીકીટ લઈને ઘરે આવે છે, તું થીયેટર પર પહોચ. હું ફ્રી થઈશ એટલે મુવીમાં પહોચી જઈશ.’
પાયલને બહુ ગુસ્સો આવ્યો, મુવી જોવાનો  એનો મૂડ મરી ગયો. પણ સીમાએ એને સમજાવી એટલે એ પરાણે ગઈ. પરેશ એક કલાક મોડો આવ્યો. ઇન્ટરવલમા પાયલે કહ્યું, ‘મૂવીનું તો પહેલેથી નક્કી જ હતું ને? તો પછી રવિવારના દિવસે પણ ક્લાયન્ટ ને શું કામ ટાઈમ આપ્યો ?’ પરેશે કહ્યું, ‘જો પાયલ, તારી વાત સાચી છે, પણ આ ક્લાયન્ટનો મેરેજના ઘરેણા બનાવવા માટેનો મોટો ઓર્ડર મળે એમ હતું. તું એક વાત બરાબર સમજી લે, મારે તો  ધંધો પહેલો, બીજું બધું પછી. અને આપણે તો જિંદગીભર માટે  સાથે છીએ જ ને?’ પાયલને આ વાત જરાય ગમી નહીં, ‘જિંદગીભર ની તો ખબર નથી, કોણ જાણે આપણો સાથ કેટલો હશે ?’ એમ મનોમન બોલી જવાયું પણ એ ચુપ જ રહી.

એકવાર પાયલે પરેશના ફ્રેન્ડના લગ્નમાં એની સાથે જવાનું હતું.  પાયલ પોતાની ચોઈસ મુજબ તૈયાર થઇ હતી, ગુલાબી ડ્રેસમાં એ સરસ લાગતી હતી, ડ્રેસને અનુરૂપ હળવો મેકપ કર્યો હતો અને  ડેલીકેટ ઘરેણા પહેર્યા હતા, જે એને સરસ રીતે સુટ પણ થતાં હતા. પણ પૈસાદાર પરેશને એનો ડ્રેસ સાવ સાધારણ અને મેકઅપ તદ્દન ઓર્ડીનરી લાગ્યા. લગ્ન સમારંભમાં  સજીધજીને આવેલી અન્ય સ્ત્રીઓ બતાવીને પાયલને કહ્યું, ‘તું આ લોકોનું જોઇને તો જરા સારી રીતે આપણા મોભા પ્રમાણે તૈયાર થતા શીખ.’ અને એણે બીજે દિવસે પાયલ માટે ત્રણ થી ચાર મોંઘામાના ડ્રેસ, એને અનુરૂપ જ્વેલરી અને બ્રાન્ડેડ મેકઅપ કીટ પરેશે મોકલી આપી, પાયલ આ જોઇને ખુબ ખિન્ન થઇ.

સગાઈના ચાર મહિના વીત્યા, પાયલ જેમ જેમ પરેશને નજીકથી ઓળખવા માંડી તેમ તેમ મનોમન એનાથી દૂર જવા લાગી. એમાં ત્યાર પછી બીજા પણ બે ચાર બનાવ એવા બની ગયા જ્યારે પરેશના વાણીવિલાસ, ઉદ્દંડ વિચાર અને સ્વચ્છંદ વર્તને પાયલને વિમાસણમાં મૂકી દીધી. પાયલને થયું કે પરેશમાં ‘સ્ત્રી દાક્ષિણ્ય’ ની ભાવનાનો અભાવ હતો અને એનું કારણ હતું, એના ઘરના સંસ્કાર. ઘરમાં એની મમ્મીનું કોઈ માન નહોતું, એના પપ્પા કહે તે જ ફાઈનલ.
એક દિવસ પરેશ પાયલના ઘરે આવ્યો હતો, ડ્રોઈંગ રૂમમાં પરેશ અને પાયલ એકલા જ હતા. તે વખતે જ પરેશના મોબાઈલ પર એની મમ્મી રેખાબેનનો ફોન આવ્યો. રેખાબેન શું બોલ્યા એ સંભળાયું નહીં પણ પરેશ ઊંચા અવાજે બોલ્યો, ‘પપ્પા જે કરે છે તે બરાબર જ છે, મમ્મી. તારે એમાં ડહાપણ ડોળવાની જરૂર નથી.’ 

પાયલથી રહેવાયું નહીં, ફોન પત્યા પછી એ બોલી, ‘પરેશ, તમારે તમારી મમ્મી સાથે આ રીતે વાત ન કરવી જોઈએ.’ આ સાંભળીને પરેશ ઉશ્કેરાઈ ગયો અને  મોટે અવાજે બોલ્યો, ‘મારે શું કરવું જોઈએ અને શું નહિ એ તારે કહેવાની જરૂર નથી, સમજી?  તમારા બૈરાની બુદ્ધિ પગની પાનીએ.’ પાયલ આ સાંભળીને આઘાત પામી, એની આંખમાં પાણી આવી ગયા. એનાથી રહેવાયું નહીં, એ બોલી, ‘તો એવા બૈરાને તમે લોકો પરણો છો જ શું કામ?’  હવે પરેશ ભડકી ઉઠ્યો, બોલ્યો, ‘મારી ભૂલ થઇ કે મેં તને પસંદ કરી. મને તો એક કરતા એકવીસ મળતી હતી, અને તે પણ તારા કરતા ચડિયાતી.’

‘તો પછી, એ એકવીસ માંથી જ કોઈ એક ચડિયાતીને શોધીને પરણજો, આપણો સંબંધ અહીં જ પૂરો થાય છે.’ પાયલે  ખુબ જ શાંત અવાજે ખેદ અને મક્કમતાથી કહ્યું. ‘હા, હા. હવે એમ જ કરીશ. મને તો મારી મનપસંદ મળી રહેશે, પણ જોઉં તો ખરો તને કયો  માઈનો લાલ પસંદ કરે છે તે.’  કહીને  પરેશ પગ પછાડતો નીકળી ગયો. પાયલ ક્ષણભર તો જે થયું તે માટે વિક્ષુબ્ધ થઇ ગઈ, પછી પોતાની હથેળીઓમાં મોં છુપાવી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કિચનમાંથી આવીને હળવેથી એની હથેળી હટાવીને સીમાએ એનું મોં છાતી સરસુ ચાંપીને કહ્યું, ‘દીકરા મારા, તું જરાય ઉદાસ થઈશ નહિ, તારે રડવાની પણ જરૂર નથી.  હું અને તારા પપ્પા ઘણા વખતથી પરેશ સાથેના ‘મતભેદ’ અને ‘મનભેદ’ ની તારી મુશ્કેલી જોતાં જ હતા. ‘મમ્મી, મેં કઈ ખોટું તો નથી કર્યું ને ?’ પાયલે આંસુ લુછતા પૂછ્યું.

‘તેં એકદમ સાચું પગલું ભર્યું છે, જે પુરુષમાં સ્ત્રી દાક્ષિણ્યની ભાવના ન હોય એની સાથે જીવનભર રહેવાય જ શી રીતે? દામ્પત્ય જીવનમાં એક સમયે પ્રેમ ન હોય તો ચાલે, પણ એકબીજા પ્રત્યે માન તો હોવું જ જોઈએ. એ જ ન હોય ત્યારે બીજું બધું જ હોય છતાં સંબંધ બેડીરૂપ બની જાય છે, આજે તને એવા સંબંધમાંથી છુટકારો મળ્યો છે, એટલે સંબંધ છુટવાનો વસવસો કરવાને બદલે ‘મુક્તિનો આનંદ’ મનાવ, બેટા.’  મમ્મીના શબ્દો સાંભળતા જ પાયલના મન પરથી આ મિથ્યા સંબંધનો એક વજનદાર બોજો ઉતરી ગયો હોય એમ એ રીલેક્સ થઈને મમ્મીને વળગી પડી.

‘સ્ત્રી દાક્ષિણ્ય’ કોને કહેવાય એનો કક્કો અને બારાખડી પણ ન જાણનાર, આજે પૈસાના જોરે પ્રમુખ થઈને બેઠા અને વિજેતાને ઇનામ વહેંચવા નીકળ્યા છે, એ પણ વિધિની વક્રતા જ કહેવાય કે બીજું કંઈ ?’  એમ વિચારતા સતીશ – સીમા અને પાયલ જ્ઞાતિના કાર્યક્રમમાંથી નીકળીને ઘર તરફ જવા નીકળ્યા, ત્યારે ‘સ્ત્રી દાક્ષિણ્ય’ ના વિચારો ખરેખર દિલથી ધરાવનાર, એક સરળ અને ખાનદાન કુટુંબની ત્રણ વ્યક્તિઓ (મમ્મી –પપ્પા અને એમનો યુવાન દીકરો) ની  છ આંખો પાયલને પુત્રવધુ અને જીવનસંગીની ના રૂપમાં પસંદ કરી ચુકી હતી, બસ માંગુ મોકલવાની જ વાર હતી.   

મૈ તેરે પ્યાર મેં પાગલ.

મૈ તેરે પ્યાર મેં પાગલ.

-મારા માટે મમ્મી પપ્પાએ છોકરાઓ જોવાના શરુ કરી દીધા છે. અરુણાએ તળાવની પાળે આવીને જેરામની બાજુમાં બેસતાવેંત કહ્યું.
-તો ?  જેરામે પૂછ્યું.
-તો ? ‘એમાંથી વહેલી તકે એકાદને પસંદ કરીને મારે પરણી જવું’, એવું કડક ફરમાન એમણે જારી કર્યું છે.
-અચ્છા,  કોઈ પસંદ આવ્યો ? જેરામે એની કાયમની સાહજીકતાથી પૂછ્યું.
-મારી પસંદ તો તું છે, જેરામ. અરુણાએ હિંમત કરીને દિલની વાત આખરે જેરામને કહી જ દીધી.
-ઓયે, એવી ભૂલમાં ન રહીશ કે હું તને પરણીશ, આપણે તો દોસ્ત તરીકે જ ઠીક છીએ, સમજી ?
-જેરામ પ્લીઝ, સાચું કહે તું મજાક કરે છે ને ?

-ના, હું મજાક નથી કરતો, અરુણા. તને ખબર નહીં હોય તો કહી દઉં કે મારી એક ‘ગર્લફ્રેન્ડ’ છે, પાયલ. હાલ એ અમેરિકા એક પ્રોજેક્ટ માટે ગઈ છે, પ્રોજેક્ટ પૂરો થશે એટલે એ આવશે અને અમે પરણીશું.
-ઓહ ! અને હું અત્યાર સુધી સમજતી રહી તું મને પ્રેમ કરે છે. અરુણા હતાશ થઈને બોલી.
-હું તને એક દોસ્તના રૂપમાં જોઉં છું, અરુણા. જેરામે એને સયંત સ્વરે કહ્યું.

-પણ હું તો તને મારા પ્રાણથી પણ અધિક ચાહું છું, હું તારા વિના નહીં જીવી શકું. અરુણા આક્રોશપૂર્વક બોલી ઉઠી.
-આઈ એમ વેરી સોરી, અરુણા. મેં તને ક્યારેય એ નજરથી જોઈ નથી, મેં મારી ગર્લફ્રેન્ડને પરણવાનું વચન આપ્યું છે.
જેરામની વાત સાંભળીને અરુણા ત્યાં વધુ વખત બેસી ન શકી, એ આંખોમાં આંસુ સાથે ઉભી થઇ ગઈ, જેરામ એને જતી જોઈ રહ્યો. જેરામને મળવા ગઈ તે અરુણા અને આ ઘરે પાછી ફરી તે અરુણા, બંને જાણે સાવ અલગ જ વ્યક્તિ હતા. જેરામને મળવા આવેલી અરુણા ઉત્સાહથી થનગનતી હતી, જ્યારે પાછી ફરેલી અરુણા સાવ નિષ્પ્રાણ, એના ખોળીયામાં જાણે કે જીવ જ નહોતો રહ્યો. મમ્મી પપ્પા ઘરે આવ્યા ત્યારે એણે માંડ માંડ જાતને સંભાળી. પણ રાત્રે સુતી વખતે ફરીથી જેરામની યાદ એને સતાવવા માંડી, એની ઊંઘ વેરણ થઇ ગઈ, આ  નવા ઘરમાં રહેવા આવ્યા તે પછીની, ભૂતકાળની યાદો તાજી થઇ ગઈ.
‘તને હજારવાર કહ્યું છે કે એ ગલીનો ગુંડો જ્યારે એના ઘરની બહાર નીકળે ત્યારે, કે પછી એ ગલીમાંથી પસાર થતો હોય ત્યારે, તારે આપણા ઘરના ઓટલા પર નીકળવું નહિ.’ અરુણાની માએ અરુણાની સામે જોઈ ગુસ્સાથી ડોળા કાઢ્યા અરુણા ચુપચાપ ઘરની અંદર પોતાના રૂમમાં જતી રહી, પણ થોડી મીનીટો પહેલાં જ જેના દીદાર કર્યા હતા, એવા પોતાના મનમીત જેરામની છબીને યાદ કરીને અત્યંત પ્રફુલ્લિત થઇ ગઈ. માની લાખ મનાઈ છતાં  બેકાબુ બનેલા પોતાના મનને એ વશમાં નહોતી કરી શકતી. મા ભલે એને, એટલે કે જેરામને ‘ગલીનો ગુંડો’ કહેતી હોય, અરુણાને મન તો એ પોતાના ‘મનનો માણીગર’ હતો. 

એણે ક્યારેય ગલીની કે ગલી બહારની કોઈ છોકરીની છેડતી નહોતી કરી, પછી એ ‘ગલીનો ગુંડો’ કેવી રીતે  થયો ? ‘આ મા પણ છે ને તે કંઈ સમજતી જ નથી’ એમ બબડીને અરુણા રૂમ ઠીકઠાક કરવાના કામે લાગી.
અરુણાના હાથ ભલે કામમાં લાગ્યા, પણ વિચારોમાં તો જેરામ જ છવાયેલો રહ્યો. ગોરો વાન, કસાયેલું શરીર, અલમસ્ત અદા, બેફિકરો સ્વભાવ. એને પહેલીવાર ગલીના નાકે, પાનના ગલ્લે ઉભો રહેલો જોયો ત્યારથી જ એ અરુણાના મનમાં વસી ગયો હતો. ત્યાર પછી કોલેજ જતા કે આવતા, ગલીમાંથી નીકળતા, કેટલીય વાર જેરામનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવાના પ્રયત્નો એણે કર્યા હતા, પણ જેરામ  તો એની જ ધૂનમાં મસ્ત રહેતો હતો, એકાદ બે વાર અછડતી નજર નાખીને  જેરામે નજર ફેરવી લીધી હતી, અને એ નજરથી ઘાયલ અરુણા એને મળવા અધીરી થઇ ગઈ હતી.

આ તરફ અરુણાની મા નો બબડાટ ચાલુ હતો. ‘કામકાજ કંઈ કરવું નહિ, બસ ફક્કડરામ થઈને ગલી-મહોલ્લામાં  ફર્યા કરવું. એના કારણે અમારી ભણેલી ગણેલી છોકરીઓને સાચવવી પડે છે, કંઈ અજુગતું ન બની જાય એટલા ખાતર ઘરમાં ઘાલી રાખવી પડે છે, એનું શું ? ‘વળી પાછુ શું થયું , સવિતા?’ અરુણાના પિતાએ ઘરમાં દાખલ થતાં એકલી એકલી  બળાપો કાઢી રહેલી પત્નીને પૂછ્યું. અને પછી તો , ‘કોણ જાણે હતી કેવી વર્ષો જૂની, જિંદગીમાં અસર એક તનહાઈની, કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું - કેમ છો ? એને આખી કહાની સુણાવી દીધી’  કવિની આ પ્રખ્યાત પંક્તિની યાદ અપાવે, એમ સવિતાએ પતિ સુરેશભાઈ આગળ જેરામની ગલીમાંથી નીકળવાની, અને અરુણાની  ઓટલા પર ઉભા રહીને એના દર્શન કરવાની બીના, મીઠું મરચું  ભભરાવીને વર્ણવી, અને અંતે અરુણાને આ બાબતમાં ટોકવાનું અને રોકવાનું કહ્યું. 
-અરે પપ્પા, તમે ક્યારે આવ્યા ? કેવો રહ્યો આજનો તમારો દિવસ ? પપ્પાનો અવાજ સાંભળીને અરુણા રૂમમાંથી આવીને ટહુકો કરતા બોલી,
-હમણા જ આવ્યો, બેટા. આજનો દિવસ ખુબ સરસ રહ્યો, સારો એવો માલ વેચાયો, અને નફો પણ સારો થયો.
-એની સાથે આડી અવળી વાતો કર્યા વિના, સીધેસીધી મેં જે કહી છે તે કામની વાત જ કરોને. સવિતા ચીઢાઈને બોલી.  
-તું શાંતિ રાખ, હું એ જ વાત પર આવું છું. પતિએ પત્નીને શાંત પાડતા કહ્યું.
-શું વાત છે, પપ્પા ?
-બેટા, તારી મમ્મી કહે છે કે - તારે જેરામ સાથે વાતચીત કરવી નહિ.
-મેં હજી સુધી એની સાથે ક્યારેય વાતચીત કરી નથી, પપ્પા.
-વાતચીત ભલે નહિ કરી હોય, પણ એના આવવા જવાના સમયે કાયમ ઘરની બહાર ઓટલા પર જઈને ઉભી રહી જાય છે, તે મને નથી દેખાતું કે ?  જુનું ઘર છોડીને  અહી નવા ઘરમાં રહેવા આવ્યા તે જ મોટી ભૂલ થઇ ગઈ.  સવિતાએ ગુસ્સે થઈને કહ્યું.
-બેટા, તારી મમ્મીને ન ગમતું હોય તો તારે એમ ન કરવું. 
-એટલે, તમને આ બધું ગમે છે, એમ તમે કહેવા માંગો છો ?
-સવિતા, તું વાતને ક્યાંની ક્યાં લઇ જાય છે ?
-મમ્મી - પપ્પા, પ્લીઝ. તમે મારે કારણે ઝઘડો નહીં.
-તારા કારણે જ ઝઘડો થાય છે, સમજી ? કાલે ઉઠીને તેં કંઈ આડું અવળું કર્યું છે તો તારી ખેર નથી.
-સવિતા, તું જરા શાંત રહીશ ?
-તમે તમારી આ લાડકીને કંઈ  કહેતા નથી ત્યારે જ તો મારે બોલવું પડે છે, અને પછી હું જ ભૂંડી થાઉં છું.
-મમ્મી, પ્લીઝ, તું શાંત થા. હવેથી જેરામ આવે ત્યારે હું ઓટલા પર નહિ નીકળું, ઓકે ?
અરુણાએ મમ્મીને આવું પ્રોમિસ કર્યું એટલે એણે ત્યારપછી જેરામના આવવા જવાના સમયે એણે ઓટલા પર નીકળવાનું બંધ કર્યું. પણ જેરામને નહિ જોયાના બે જ દિવસમાં એની દશા, ‘જલ બિન મછલી’  જેવી થઇ ગઈ. જેરામ માટેનો એનો પ્રેમ અરુણાની  રગેરગમાં વ્યાપી ગયો હતો, એના મનમાં જેરામને જોવાની, એને મળવાની અને મળીને એની સાથે વાતચીત કરવાની ઈચ્છા પહેલા કરતા પણ વધારે પ્રબળ થઇ ગઈ. એક દિવસ મા ઘરમાં નહોતી, આ તકનો લાભ લઈને અરુણાએ જેરામ ગલીમાંથી નીકળ્યો ત્યારે ઓટલા પર આવીને હિંમત ભેગી કરીને એને બોલાવ્યો, જેરામ ઉભો રહ્યો એટલે એણે સીધેસીધું જ  કહ્યું,
-મારે તમારી સાથે વાતચીત કરવી છે.
-તો કરને, હું આ ઉભો. જેરામે મસ્તીથી અદબ વાળીને  કહ્યું.
-ના, અહીં નહિ.
-તો ક્યાં ?
-તળાવ પાસે આવેલી કોફી શોપમાં મળી શકો ?
-ભલે, કોફી શોપમાં મળીએ, ચાલ.
-તમે જાવ, હું થોડીવારમાં આવું છું.
અને એ દિવસે અરુણાને  ‘મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે’  થઇ ગયું. એ ઝટપટ અને ચીવટપૂર્વક તૈયાર થઈને કોફીશોપ પહોચી. એક તરફ ‘કોઈ જોઈ તો નહીં જાય ને ?’ એવો ડર તો બીજી તરફ ‘શું વાત કરું ને કેવી રીતે વાત કરું ?’ એવી મૂંઝવણ.
-બોલ, મને અહીં શા માટે બોલાવ્યો ? જેરામે પૂછ્યું, અને અરુણાનું દિલ જોર જોરથી ધડકી ઉઠ્યું. 
-ઘણા દિવસથી તમને જોતી હતી, વાત કરવાનું મન હતું, પણ... અરુણાએ પોતાના ધડકતા દિલ પર માંડ માંડ કાબુ મેળવીને જવાબ આપ્યો.
-પણ, તારી મમ્મીને એ પસંદ નથી એટલે તું ડરીને ચુપ રહી ખરુંને ? જેરામે હસીને કહ્યું.
-ના, ના. એટલે કે હા. તમે જ  કહો, શું આપણે આપણી મનગમતી વ્યક્તિને મળી ન શકીએ ? એની સાથે વાત  ન કરી શકીએ ? અરુણાથી મનની વાત છાતી થઇ ગઈ.
-હું તો મને જે ગમે તે કરું જ છું, તારી વાત તું જાણે. જેરામ મસ્તીથી બોલ્યો.
-મા આવી જશે તો મને ઘરે નહીં જોઇને અકળાશે. પણ મળતાં રહેજો. કહીને અરુણા ઉઠી ગઈ, પણ જેરામનું  વાક્ય, ‘હું તો મને ગમે તે જ કરું છું’ અરુણાને જેરામ જેટલું જ ગમી ગયું. એ મુલાકાત પછી, એણે મહોલ્લાની નવરાત્રીમાં નવ નવ દિવસ સુધી એણે જેરામને મન ભરીને જોયો, એની સાથે રાસ ગરબાનો સંગ માણ્યો. પછી ચોરીછૂપીથી જેરામને મહોલ્લાની બહાર મળવાનું ચાલુ કરી દીધું. ક્યારે જેરામને ‘તમે’ પરથી ‘તું’ કહેવા પર આવી ગઈ તે પણ એને યાદ ન રહ્યું. જેરામ સાથેની એની મુલાકાતો  વધતી ગઈ,  તેમ તેમ એના એકતરફી પ્રેમની ઉત્કટતા પણ વધતી ગઈ.

એની આ  લાગણીથી જેરામ અજાણ હતો, એ તો આને દોસ્તી જ સમજતો રહ્યો. અરુણાએ જ્યારે તળાવની પાળે આવીને ઘટસ્ફોટ  કર્યો, ત્યારે એની લાગણી જાહેર થઇ. પણ તો શું ? જેરામ તો ઓલરેડી એના વચનથી બંધાયેલો હતો. અરુણાને થયું, ‘હવે જીવવું તો કોના માટે ?’ એને આપઘાત કરવાના વિચાર આવ્યો. પણ એ સાથે જ ‘હું મારા માબાપની એક ની એક દીકરી છું, આપઘાત કરું તો એમની શું દશા થાય ? જીવતે જીવ મરવાનું જ થાય ને ?’ એવો ખ્યાલ આવતા જ આપઘાતના  વિચારને એણે ખંખેરી નાખ્યો. બે દિવસના માનોમંથનના અંતે એણે જેરામને મળવાનું નક્કી કર્યું, અને એ એને બગીચાના બાંકડે મળી. 

-બે દિવસથી ક્યાં ગુમ થઇ ગઈ હતી ? જેરામે પૂછ્યું.
-ઘરમાં જ હતી. મને તારી ગર્લફ્રેન્ડનો ફોન નંબર આપીશ? એણે હિંમતભેર સીધું જ પૂછી નાખ્યું.
-શું ? જેરામ એની માંગણી સમજી ન શક્યો.
-ફોન નંબર જોઈએ છે, તારી ગર્લફ્રેન્ડનો, આપીશ ? અરુણાએ ભાર દઈને પોતાનું વાક્ય દોહરાવ્યું.
-શું કરીશ, એનો નંબર લઈને ? જેરામે મૂંઝાતા કહ્યું.
-મારે કામ છે.  કેમ, તું મને એનો નંબર આપતા ડરે છે ?
-ના, ડરતો નથી,  પણ.. જેરામ અચકાયો.
-મારા પર ભરોસો નથી ?
-એવું પણ નથી. છેવટે અરુણાના હઠાગ્રહને વશ થઇ  જેરામે અરુણાને પાયલનો મોબાઈલ નંબર આપ્યો.  
-થોડા દિવસ પછી મળું છું. જેરામ જોતો જ રહી ગયો અને અરુણા ઉઠીને ચાલતી થઇ.
બે દિવસ પછી જેરામને અમેરિકાથી એની ગર્લફ્રેન્ડ પાયલનો ફોન આવ્યો.
-જેરી, આ અરુણા કોણ છે ?
-મારી ફ્રેન્ડ છે, કેમ ? શું થયું ?
-એ તારી ફક્ત ફ્રેન્ડ છે ?
-પાયલ, શું વાત છે ? એણે તને શું કહ્યું ?
-શું કહ્યું ? એણે મને  કહ્યું કે -
 ‘‘પાયલ દીદી, મારું નામ અરુણા છે. હું તમારા જેરામની દોસ્ત છું. જેરામને મન હું ફક્ત એક દોસ્ત જ છું, જાણું છું કે તમે જેરામને ખુબ પ્રેમ કરો છો, અને જેરામ પણ તમને પોતાના જીવથી અધિક ચાહે છે. પણ જેરામ મારે માટે મારો પ્રાણ છે, એના વગરનું મારું જીવન હું કલ્પી નથી શકતી, સાથે સાથે એ પણ સ્વીકારું છું  કે એના પર તમારો પહેલો અધિકાર છે, પણ એવું ન થઇ શકે કે આપણે ત્રણે જણ આખી જીંદગી પ્રેમથી એકસાથે રહીને વિતાવીએ ? હું વચન આપું છું કે તમારા બંનેના પ્રેમની વચ્ચે હું ક્યારેય ‘અડચણરૂપ’ નહિ બનીશ, હું ક્યારેય પત્ની તરીકે મારો અધિકાર નહીં માંગુ, બસ મને થોડી જગા તમારા બંનેના જીવનમાં આપી દો, પ્લીઝ. હું તમારી જીવનભર આભારી  રહીશ, તમે ‘ના’ કહેશો તો ખબર નથી હું શું કરીશ, પણ તમે ‘હા’ કહેશો તો સમજી લેજો કે તમે એક મરતા ‘જીવ’ ને ‘નવજીવન’ આપ્યુ છે, દીદી.’’

-આ છોકરી પાગલ થઇ ગઈ છે. જેરામે પાયલની વાત સાંભળીને ગળે લાગેલો ડૂમો સાફ કરતા કહ્યું.
-હા, જેરી. એ તારી પાછળ પાગલ થઇ છે. પાયલે કટાક્ષમાં કહ્યું.
-તું કહે, એ પાગલનું શું કરીશું ? હંમેશ બેફીકર રહેતા જેરામનો  આજે ચિંતિત સ્વર સંભળાયો. પછી એણે ઉમેર્યું : ‘પાયલ. તું જલ્દીથી ઇન્ડીયા આવી જા, અને અરુણાને સમજાવવામાં મને મદદ કર, પ્લીઝ. બોલ, ક્યારે આવે છે તું ?
-પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી એટલે કે બે વર્ષ સુધી તો એ શક્ય નથી, જેરામ. પણ ત્યાં સુધી તું મારી રાહ તો જોઈશને ?
-મરતે દમ તક તેરી રાહ દેખૂંગા. જેરામે ફિલ્મી સ્ટાઈલ થી કહ્યું.
-અચ્છા ! તો અરુણાનું શું કરીશ ? પાયલે એને ટીઝ કરતાં કહ્યું.
-તું જ કહે, હું શું કરું એનું ? અરુણાનું નામ આવતા જેરામનો અવાજ ઢીલો  પડી ગયો.
-તને જે યોગ્ય લાગે તે કર, પણ હા, મને જણાવજે ખરો. જો મને કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા એ સાંભળવા મળશે કે તું અરુણાને પરણી ગયો છે, તો તારી ખેર નથી. એટલું કહીને હસીને પાયલે ફોન કટ કર્યો.

‘પછી શું થયું ? જેરામે પાયલની રાહ જોઈ કે અરુણાને પરણ્યો ?’ આ સવાલ તમારા મનમાં જાગ્યો હશે, ખરુંને ?
અરુણાનો જેરામ પ્રત્યેનો ઉત્કટ પ્રેમ, એની સમર્પણની ભાવના, એનો લગાવ અને ઉમદા સ્વભાવ જોઇને જેરામે એની સાથે જ જીંદગી વિતાવવાનું નક્કી કર્યું. તો એની પ્રેમિકા પાયલનું શું થયું ? એને  વિના વાંકે  જેરામાંથી છુટા પડવાનું આવ્યું ? ના, જેરામે એની સાથેની અનેકવારની વાતચીત અને સલાહ – સૂચનો પછી જ આ નિર્ણય લીધો હતો. પાયલે જાતે જ ખુશીથી આ બે સાચા પ્રેમીની વચ્ચેથી ખસી જવાનું મુનાસીબ માન્યું. વર્ષો પછી આજે પણ અરુણાનો  જેરામ પ્રત્યેનો પ્રેમ એટલો જ પ્રગાઢ છે, બંનેનું દામ્પત્યજીવન ખુબ સુખી છે. પ્રેમના પરિપાક એમના રૂપ બે બાળકોનો સરસ ઉછેર થઇ રહ્યો છે.