Wednesday, 22 July 2020

જે હશે તે ચાલશે.

જે હશે તે ચાલશે.                  પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

બપોરના લગભગ સાડા બાર વાગ્યા હતા. અમદાવાદના સેટેલાઈટ એરીયામાં આવેલા પૂજન એપાર્ટમેન્ટના બીજે માળે આવેલા બે બેડરુમના એક ફ્લેટમાં, એક સાસુ - વહુ , રમાબહેન અને નમિતા,  કિચનના કામથી પરવારીને હમણા જ ડ્રોઈંગ હોલમાં આવીને ‘હાશ’ કરીને પગ વાળીને નહિ, પણ ટીપોઈ પર પગ લાંબા કરીને સોફામાં બેઠા. નમિતાએ રિમોટથી ટીવી ચાલુ કર્યું. આ લગભગ રોજનો એમનો નિયમ. સવારથી ઘરકામમાં લાગેલા હોય તે, સાડા બારની ટીવી સીરીયલ શરુ થાય તે પહેલા સાસુ વહુ તમામ કામકાજથી પરવારી જાય અને પછી નિરાંતે  ટીવી જુવે.

પુત્ર અનંત વહેલી સવારે ચા નાસ્તો કરીને નવ વાગ્યે જ દુકાન પર ચાલી જાય, અમદાવાદના નવરંગપુરા એરીયામાં એમની જવેલરીની દુકાન હતી. સુરેશભાઈ લગભગ અગિયાર વાગ્યે પોતાનું અને પુત્ર અનંત નું ટીફીન લઈને દુકાને જવા નીકળે એટલે સાસુ વહુ રમાબહેન અને નમિતા પણ ગરમ રસોઈ જમી લે. નમિતા ફર્નીચર સાફ કરવાનું અને મશીનમાં ધોવાયેલા કપડાં સુકાવવાનું કામકાજ કરે ત્યાં સુધીમાં રમાબેન વાસણો એકઠા કરી, કામવાળીને માટે બહાર ચોકડીમાં મુકવાનું અને ગેસ તેમ જ ડાઈનીગ ટેબલ અને પ્લેટફોર્મ સાફ કરવાનું કામ પતાવે.

નમિતા તો હજી ચાર મહિના પહેલા જ અનંત સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી હતી, પણ એવી  સરળતાથી ઘરમાં ગોઠવાઈ ગઈ હતી, જાણે વર્ષોથી એ આ જ ઘરમાં રહેતી હોય. સાસુ - સસરા અને પતિ, ત્રણેની પસંદ – નાપસંદ અને ટેવોને એણે સારી રીતે જાણી લીધી હતી એટલે એમની સગવડ સાચવવામાં એને સરળતા રહેતી. જો કે સાથે સાથે પોતાની પસંદ – નાપસંદ અને ટેવો પણ સાલસતાથી એણે બધાને જણાવી દીધી હતી. એટલે એ ત્રણે જણ પણ નમિતા ને સાચવતા,  ટુંકમાં કહીએ તો બધા સંપીને રહેતા.

આજે પણ રૂટીન કામથી પરવારીને બંને સોફામાં બેઠા અને નમિતાએ ટીવી શરુ કર્યું, ત્યાં જ ડોરબેલ વાગી. નમિતાએ દરવાજો ખોલ્યો, જોયું તો મહેસાણામાં રહેતા ફોઈસાસુ – સસરા  અને  જેઠ (ફોઈનો દીકરો) આવ્યા હતા. ટીપોઈ પરથી પગ ઉઠાવી લઈને, ઉભા થઈને રમાબહેને એમને આવકાર્યા. ત્રણે જણ સોફામાં બેઠા, નમિતા કિચનમાંથી એમને માટે પાણી લઇ આવી. રમાબહેન એમની સાથે વાતોમાં ગુથાયા. કોઈ કોર્ટ કેસના સંદર્ભમાં એ લોકો મહેસાણાથી સવારે દસ વાગ્યે જ અમદાવાદ આવ્યા હતા, અને સાંજે પાછા મહેસાણા જવા નીકળી જવાના હતા.

‘ચા બનાવું કે કોફી?’ એવા નમિતાના સવાલના જવાબમાં ફોઈસાસુ  કપિલાબેન બોલ્યા, ‘છોડી તું તો આ ઘરમાં નવી નવી આવી  છે એટલે તારે પૂછવું પડે, બાકી તારી સાસુ રમાને તો ખબર જ છે કે અમે બે ચા પીએ છીએ અને અમારો દીકરો અસંગ એટલે કે આ તારો  જેઠ કોફી પીએ છે.’ નમિતાને ફોઈબાની વાત કરવાની આવી રૂડ સ્ટાઈલ ગમી નહિ,  એ કંઈ પણ બોલ્યા વિના ચુપચાપ કિચનમાં ચાલી ગઈ, અને ચા – કોફી બનાવીને લઇ આવી.ચા પાણી  પત્યા એટલે વિવેક ખાતર રમાબહેને જમવાનું પૂછ્યું, તો  ફોઈ બોલ્યા, ‘જમવામાં તો જે હશે તે ચાલશે, કશું પેસીયલ(સ્પેશીયલ)  બનાવવાની જરૂર નથી’

સાસુવહુએ કિચનમાં જઈ સંતલસ કરીને શું બનાવવું એ વિચારી લીધું, અને એ મુજબ  દાળ –ભાત – પૂરી- બટાકાનું શાક અને શીરો બનાવ્યા. ‘વહુ આવી તો પણ તારું રસોડું છૂટ્યું નથી?’ નમિતાને મદદ કરાવતા રમાબહેનને ફોઈએ સંભળાવ્યું, જે રમાબહેન અને નમિતાને ન ગમ્યું પણ તેઓ કંઈ બોલ્યા નહિ. કેશવ ફૂવાજીએ ઘરના ફોનથી સુરેશભાઈ સાથે અને અનંત સાથે ફોન પર વાત કરી લીધી. અસંગ તો ટીવી જોવામાં જ ડૂબેલો રહ્યો. જમી પરવારીને બધાએ આરામ કર્યો અને સાંજે પાંચ વાગ્યે ચાકોફી પીને એ લોકો મહેસાણા જવા નીકળ્યા.

રાત્રે ડાઈનીગ ટેબલ પર ચારે જણા જમવા બેઠા ત્યારે વાત નીકળી.

-ગામડાના માણસો મોબાઈલ ન રાખે એ તો ઠીક, પણ હવે તો ગામે ગામ લેન્ડલાઈન ફોનની સગવડ થઇ ગઈ છે, તો મહેસાણા ઘરેથી નીકળતી વખતે એ લોકો ફોન કરીને નીકળતા હોય તો તમને ફરીથી રસોઈ બનાવવાની ઝંઝટ તો નહિ થાય ને?   સુરેશભાઈ બોલ્યા

-મેં પણ એમને એ જ કહ્યું, તો મને કહે – કોર્ટમાંથી કેટલા વાગ્યે ફી(ફ્રી) થવાય તે નક્કી નહોતું, પછી તમે લોકો નકામી રાહ જોયા કરો એટલે ફોન ન કર્યો.   રમાબહેન બોલ્યા.

-દર વખતે એમના આવા જ કોઈ એસ્ક્યુઝીસ હોય જ  છે. વર્ષમાં બે ચાર વાર તો આવી રીતે કામકાજ અંગે અમદાવાદ આવે છે અને આપણા ઘરે આવીને મમ્મી પાસે ફરી રસોઈ બનાવડાવે જ છે. અને આ મમ્મી પણ દયાની દેવી – તે દર વખતે એમના માટે મીઠાઈ સહીત પૂરેપૂરું ભાણું બનાવીને જમાડે છે. અનંત જરા ગુસ્સાથી બોલ્યો.

-મને પણ એમની આ ટેવ પસંદ નથી, પણ સગા રહ્યા એટલે એટલી ઊઠવેઠ તો કરવી જ પડે ને?’ રમાબહેન બોલ્યા.

-સગા હોય તો સગાની રીતે રહેવું જોઈએ ને? સગા થઈને સગાને હેરાન કરવાનું કયા શાસ્ત્રમાં લખ્યું છે? મમ્મી, હવે પછી આ લોકો આવી રીતે આવે તો તારે કે નમિતાએ આવી  ઊઠવેઠ નથી કરવાની સમજી?  અનંતે અલ્ટીમેટમ આપ્યું.

-આવી રીતે ઊઠવેઠ કરવાનું તો મને પણ ગમતું નથી, બેટા. પણ આખી બપોર આપણી સામે બેઠા રહે તો કરવું શું? જમાડવા તો પડે જ ને? રમાબહેને મૂંઝવણ રજુ કરી.

-નમિતા, આવા સગા સાથે કેમ પનારો પાડવો તે તું જ કંઈ વિચારીને ઉપાય શોધી રાખ, કે જેથી એ લોકો આ રીતે ફરીવાર કોઈને પણ હેરાન કરવાનું ભૂલી જાય.  સુરેશભાઈએ નમિતાને આ કામ સોપ્યું.

અને નમિતાનું મગજ કામે લાગી ગયું, એણે ઉપાય  શોધીને બધાને સમજાવી દીધું કે હવે જ્યારે ફોઈબાનું ફેમિલી આ રીતે અચાનક ટપકી પડે અને ફરીવાર ભોજન બનાવવાનું કહે તો શું કરવું. રમાબહેન ને તો એક બે વાર રીહર્સલ પણ કરાવી લીધું. ત્રણેક મહિના પછી ફરીવાર ફોઈબા – ફુવાજી અને જેઠજી એમની ફિતરત મુજબ બરાબર બપોરે એક વાગ્યે અચાનક ઘરે પધાર્યા. નમિતાએ રમાબહેનને ઈશારો કરીને ‘મમ્મી, તૈયાર છો ને?’ એમ પૂછી લીધું અને રમાબહેને પણ ખાનગીમાં ‘થમ્સ અપ’ આપીને ‘રેડી છું’ એમ કહી દીધું.

-આવો આવો, બેસો બેસો, કેમ છો ?- ના સ્વાગત પછીના પ્રશ્નના  જવાબમાં ફોઈ બોલ્યા :

-અરે વાત જવા દે રમા, તારા અમદાવાદના બજારમાં તો કેટલી ભીડ, પડે એના કટકા થાય એવી ભીડ, ને ગરમી  તો બાપ રે બાપ! સવારથી ઘરે નીકળેલા તે અત્યાર સુધીમાં તો ત્રાસી ગયા. નમિતા તું જલ્દી પાણી આપ ને પછી ચા કોફી બનાવ, અને હા, જમવામાં તો જે  હશે તે ચાલશે.

-જમવામાં તો  તૈયારમાં કંઈ નથી, ફોઈબા. તમને તો ખબર જ છે કે  પપ્પા એમનું અને અનંત નું ટીફીન અગિયાર વાગ્યે લઈને જાય પછી અમે બંને મા-દીકરી એટલે કે સાસુ-વહુ પણ જમી લઈએ છીએ. મોંઘવારીના હિસાબે અમે જેટલું ખાઈ શકીએ એટલું જ બનાવીએ છીએ, જેથી અમારે વાસી ખાવું ન પડે કે અનાજ ફેંકવું ન પડે. નમિતા બોલી.

-તો ઠીક છે ને, રસોઈ કરવાની એમાં વળી શું વેદ ભણવાના છે? અમારા ત્રણ જણને જોઈએ વળી કેટલું? ફોઈબા પણ બોલવામાં કંઈ કમ ન હતા, એમણે નમિતાને રોકડું પરખાવ્યું, પછી રમાબહેન તરફ ફરીને  ઉમેર્યું,

-તારી વહુ તો ધાણીની જેમ ફૂટે છે અને તું કેમ કંઈ બોલતી નથી, રમા ?

ફોઈ હજી વધુ કંઈ બોલે તે પહેલા જ સોફામાંથી ઉભા થવા જતા રમાબહેનને ચક્કર આવ્યા, અને તેઓ માથું પકડીને પાછા સોફામાં બેસી પડ્યા.

-શું થયું મમ્મી? નમિતાએ ચિંતાથી પૂછ્યું.

-બેટા, બહુ ચક્કર આવે છે, બધું ગોળ ગોળ ઘૂમતું દેખાય છે.

-તમારું બ્લડપ્રેશર જ ઘટી ગયું હશે, આજે દવા લીધી હતી કે નહિ?

-બેટા, દવા તો  ખલાસ થઇ ગઈ છે. રમાબહેને પોતાનું માથું પકડીને કહ્યું.

-તમે પણ ખરા છો, મમ્મી. દવા ખલાસ થઇ ગઈ છે, તો મને કહેવાય નહિ? હું લાવી આપત ને?

-બેટા, કેમીસ્ટને ફોન કર્યો હતો, પણ એને ત્યાં પણ દવા નહોતી. વળી તું સવારથી કામમાં હતી એટલે તને ન કહ્યું.

-તમને  ડોકટરે આરામ કરવાનું કહ્યું છે, તો પણ તમે ચાલ ચાલ કરો છો, પપ્પા જાણશે તો મને જ વઢશે. ચાલો મારો ટેકો લો અને બેડરૂમાં જઈને સુઈ જાવ. અને હા, હું તમારી દવા લઈને પાછી આવું નહિ ત્યાં સુધી તમારે પથારીમાંથી ઉભા નથી થવાનું, સમજ્યા?  હું  બીજા કેમીસ્ટ પાસેથી  દવા લઇ આવું છું.

રમાબહેન નમિતાની સૂચના મુજબ એનો ટેકો લઈને બેડરુમમાં જઈને સુઈ ગયા, નમિતાએ ઘરમાં જે કંઈ સુકો નાસ્તો પડ્યો હતો તે અને ફ્રીઝમાં કોલ્ડડ્રીંક પડ્યું હતું તે ફોઈબા ફેમીલીની આગળ ધરી દીધું.

-ફોઈબા તમે કહો છો કે – ‘જે હશે તે ચાલશે’ તો આજે આનાથી અત્યારે ચલાવો. હું મમ્મીની દવા લેવા જાઉં છું, અહી નજીકના કેમિસ્ટ ને ત્યાં દવા નથી એટલે મારે સીટીમાં જવું પડશે. મને આવતા વાર લાગશે. રસોડામાં અને ફ્રીઝમાં બધી કાચી સામગ્રી (લોટ, મસાલા,અનાજ,તેલ-ઘી, શાકભાજી) પડી છે,  તો તમતમારે રસોઈ બનાવીને ખાઈ લેજો. આમ પણ ત્રણ જણની રસોઈમાં શું વેદ ભણવાના, હેં ને? ખાઈ પીને પછી નિરાંતે આરામ કરજો. ચાલો ત્યારે, હું જાઉં, જે શ્રીકૃષ્ણ. કહીને નમિતા વટભેર ત્યાંથી નીકળી ગઈ. ફોઈબા ફેમીલી મોં વકાસીને એને જતી જોઈ  રહ્યું.

જમવાના વેદ ભણ્યા વિના, જે કંઈ સુકો નાસ્તો અને કોલ્ડડ્રીંક નમિતાએ આપ્યું હતું, તે ગ્રહણ કરીને ફોઈબા ફેમીલી રોકાયા વિના મહેસાણા જવા નીકળી ગયું. સાંભળ્યું છે કે ત્યાર પછી બે વર્ષમાં ફોઈબા ફેમિલી ક્યારેય પણ જમવાના ટાઈમે તો ઠીક, બીજા કોઈ ટાઈમે પણ સુરેશભાઈના ઘરે આવ્યું નથી. જો કે  સાંભળવામાં આવ્યું છે કે ફોઈબા ફેમિલીએ અમદાવાદમાં રહેતા બીજા સગાઓના ઘરે ફાવે તે ટાઈમે અચાનક જઈને  ‘જે હશે તે ચાલશે’ ની ફોર્મ્યુલા તો ચાલુ જ રાખી છે. (કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી?)  


કાચની કરચો.

કાચની કરચો.          પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

સવારમાં પ્રીતિ સસરાને ચાનો કપ આપવા ગઈ ત્યારે એના હાથ રીતસર ધ્રુજતા હતા.

સાત દિવસ પહેલા જ એ પ્રણવને પરણીને આ ઘરમાં આવી હતી. બંને વરઘોડીયા સીમલા ફરીને હજી ગઈ કાલે જ પાછા  ફર્યા હતા.  આજે એ પહેલીવાર આ ઘરમાં ચા બનાવીને સસરાને આપી રહી હતી. સસરાજીના કડક સ્વભાવ વિષે એણે થોડું ઘણું સાંભળ્યું હતું, એટલે ‘ચા બરાબર બની હશે કે નહીં, પપ્પાજીને ચા  ભાવશે કે નહીં ?’ ના સંદેહ હેઠળ એ ચાનો કપ લઈને કિચનમાંથી બેઠક રૂમમાં આવી.

ચાનો કપ સસરાજીને આપે તે પહેલા જ એના હાથમાંથી કપરકાબી  છટકી ગયા, ફર્શ પર પડયા, ચા ઢોળાઈ અને ‘ખણ ણ ણ..’ ના અવાજ સાથે રકાબીના ટુકડા થઇ ગયા. એ શિયાવિયા થઇ ગઈ, એક ક્ષણ તો ઉભી હતી ત્યાં જ જડાઈ ગઈ, પછી ગભરાટમાં આવીને રકાબીના ટુકડા ભેગા કરવા માંડી.

‘શું થયું ?’ એમ બોલતો પ્રણવ રૂમમાંથી બહાર આવ્યો. સસરાજી કંઈ બોલે તે પહેલાં જ સાસુજીએ કહ્યું, ‘બેટા, સાચવજે, ક્યાંક કાચની કરચો હાથમાં વાગી ન જાય.’  પ્રણવ કિચનમાંથી એક નાની પ્લાસ્ટિકબેગ  લઇ આવ્યો, પ્રીતિએ રકાબીના ટુકડા એમાં નાખ્યા, પ્રીતિએ પોતું લાવીને ઢોળાયેલી ચા સાફ કરી. પ્રીતિએ આંખોમાં આવેલા આંસુઓ માંડ માંડ રોક્યા, પ્રણવે, ‘થઇ જાય એવું કોઈકવાર, રડવાનું કે ડરવાનું નહીં’ એમ આંખોથી જ એને સધિયારો આપ્યો.

પ્રીતિએ રસોઈમા સાસુજીને મદદ કરવામાં મન પરોવ્યું. જમીને સસરાજી એમની ઓફિસે અને પ્રણવ પોતાની જોબ પર ગયો. બપોરે સાસુજી બેઠક રૂમમાં આડા પડ્યા અને એ પોતાના બેડરૂમમાં આરામ કરવા ગઈ. એ ઉઠી ત્યારે બહારની રૂમમાં ધીમી ધીમી બોલચાલનો અવાજ સાંભળી એ બેઠકરૂમના બારણા પાસે આવી, એના આગમનથી અજાણ એવા સાસુમાને એણે બાજુવાળા રમીલામાસી સાથે વાત કરતા સાંભળ્યા, ‘પુત્રના લક્ષણ પારણામાંથી, અને વહુના લક્ષણ બારણામાંથી. રસોડામાં પગ મુકતા જ એણે તો રકાબી તોડીને શુકન કર્યા’     

સાંભળીને પ્રીતિ ડઘાઈ ગઈ, એને જોઈ સાસુમા થોડા ખાસિયાણા પડી ગયા, પછી ફેરવી તોળીને બોલ્યા, ‘આવ બેટા, જો, રમીલામાસીની ઓળખાણ કરાવું.....’ પછી સાસુમા બોલતા ગયા, પણ પ્રીતિનું ધ્યાન એમની વાતમાં ક્યાં હતું જ ? એ તો એની ઘવાયેલી લાગણીને પંપાળનારની, મલમ લગાડનાર પ્રણવની રાહ જોઈ રહી હતી.

સાંજે પ્રણવ આવ્યો, ત્યારે પ્રીતિના જીવને  થોડી રાહત લાગી.  પપ્પા આવ્યા એટલે બધા જમવા બેઠા. જમીને પ્રણવે કહ્યું, ‘મમ્મી, અમે થોડું ફરી આવીએ.’ અને બંને જણ ઘરની બહાર નીકળ્યા, ત્યારે પ્રીતિને બહારની ખુલ્લી હવા આજે રોજ કરતાં વધારે રાહતમય લાગી.

બાગમાં બેસીને પ્રણવે જ્યારે પૂછ્યું, ‘આજે મારી પ્રીતિરાણીએ શું કર્યું ?’  ત્યારે પહેલાં તો પ્રીતિએ માત્ર સ્મિત કર્યું. બપોરે સાસુમાએ કહેલી વાત પ્રણવને કરવી કે નહિ ? પ્રીતિ વિમાસણ અનુભવતી ચુપ જ રહી. પણ પ્રણવ સમજી ગયો કે પ્રીતિ કોઈ વાત પોતાનાથી છુપાવી રહી છે. એણે પ્રીતિનો હાથ પોતાના હાથમાં લીધો અને હળવેથી દબાવીને બોલ્યો, ‘જે કહેવું હોય તે મને નિખાલસપણે કહી શકે છે. એનાથી તારા દિલનો ભાર હળવો થશે.’

પ્રીતિએ બપોરના સમયે સાસુમાએ કહેલી વાત પ્રણવને સંભળાવી. પ્રણવે શાંતિથી કહ્યું, ‘પ્રીતિ, બધા કહે છે કે મારા પપ્પા આકરા સ્વભાવના છે, પણ એવું નથી. ખરેખર તો પપ્પા સમજદાર છે. સાચું કહું તો મારી મમ્મીનો સ્વભાવ જ આકરો છે, એ ખાસ ભણ્યા નથી, અને જુનવાણી વિચારના છે. આટલા વર્ષે એમને બદલવા પણ અઘરા છે,  તું તો વેલ એજ્યુકેટેડ છે, સમજદાર છે, આપણે જ એડજસ્ટ થવું પડશે, તું સમજે છે ને કે હું શું કહેવા માંગુ છું ?’

પ્રીતિ પ્રણવની વાત સમજી ગઈ, એણે ધીરે ધીરે એડજસ્ટ થતાં શીખી લીધું. ઘરમાં સાસુજીનું એકચક્રી રાજ સ્વીકારી લીધું. પોતાના પિયરનું નિખાલસ અને ખુલ્લું વાતાવરણ એને બહુ યાદ આવતું. જ્યારે સાસરામાં તો કોઈપણ વાત સીધે સીધી કહેવાને બદલે સાસુજી વ્યંગ – કટાક્ષ – વક્રોક્તિમાં કહેતા, જે પ્રીતિને શૂળની જેમ  ખુંચતા, પણ એણે મૂંગા રહેતા શીખી લીધું હતું. સસરાજી કંઈ બોલતા નહિ, પણ સાસુજી નાની નાની વાતે કલેશ કરતાં.

એકવાર ગેસનો સીલીન્ડર ખલાસ થઇ ગયો હતો, સાસુજીએ સ્ટવમાં કેરોસીન ભરવાની સૂચના આપી હતી, ઘરના બીજા કામમાં પ્રીતિ એ વાત ભૂલી ગઈ, પછી તો સાસુજી કંઈ આ તક છોડે ?  - ‘જેને કામ કરવું જ ન હોય, એને કોઈ યાદ અપાવે તો પણ શેનું યાદ રહે ? એની પાસેથી પરાણે કોણ કામ કરાવી શકે ?’ વગેરે વગેરે કહીને પ્રીતિને ભારે કટાક્ષ બાણથી વીંધી નાખી. આંખોમાં આવેલા આંસુઓને ખાળતા પ્રીતિ ચુપચાપ સાંભળતી રહી, કેમ કે વાંક એનો જ હતો.

એકવાર રોજના નિયમ મુજબ રોટલી કરીને એણે આડણી – વેલણ ધોઈને મુક્યા, અને પ્રણવે સોપેલું કામ કરવા બજાર જવા માટે પગમાં ચપ્પલ પહેર્યા, ત્યાં જ સાસુજીનો અવાજ સંભળાયો, ‘ફરવા જવું હોય તો ખુશીથી જાવ, મને વાંધો નથી, નાસ્તાની પૂરી હું બનાવી દઈશ, પણ આડણી – વેલણ તો કોરા રાખવા હતા, ધોઈને ભીના કરી દેવાની શી જરૂર હતી ?’ ચપ્પલ કાઢીને એ પાછી રસોડામાં આવી, આડણી-વેલણ કપડાથી કોરા કરીને એણે પૂરીઓ બનાવી દીધી.

પ્રણવે જોબ પરથી આવીને પ્રીતિને પૂછ્યું કે એણે સોપેલું કામ થયું કે નહીં, તો મમ્મીજી બોલ્યા, ‘એને બિચારીને ઘરના કામમાંથી ફુરસદ જ ક્યાં મળે છે ? એવી હોંશીલી છે ને કે ફટાફટ કામ નીપટાવી દે છે. આજે તો એણે એવી મસ્ત  પુરીઓ બનાવી છે, તું ખાઈશ તો ખુશ થઇ જઈશ.’ પ્રીતિ નવાઈથી સાંભળતી જ રહી ગઈ. એણે મનોમન  નોંધ લીધી કે -  એની સાથેનું સાસુજીનું  વર્તન પ્રણવની હાજરીમાં મધુરું અને એની ગેરહાજરીમાં અધૂરું (આડું) રહેતું.

સાસુજી માંદા હતા ત્યારે નાળીયેરપાણી વાળો દર બે દિવસે એમને માટે બે નાળીયેર આપી જતો. એકવાર એ આવ્યો ત્યારે એને પૈસા આપવા સાસુજીએ પોતાનું પર્સ ખોલીને કહ્યું, ‘અરે ! આમાં સો સો રૂપિયાની ત્રણ નોટ હતી, અત્યારે બે જ નોટ છે, એક નોટ ક્યાં ગઈ? જશુબેન (કામવાળી) તો બહુ જુના અને વિશ્વાસુ છે, એ કંઈ લે એવા નથી. પ્રીતિ કંઈ બોલી નહીં, પણ એને લાગ્યું કે સાસુમા એના પર શક કરી રહ્યા છે. સાંજે સસરા ઘરે આવ્યા ત્યારે સાસુજીએ એમને પોતાની પર્સમાંથી સો રૂપિયા ખોવાયાની વાત કરી. સસરા બોલ્યા, મારી પાસે બધી પાંચસોની નોટ જ હતી, એટલે સો ની  એક નોટ મેં તારી પર્સમાંથી રીક્ષાવાળાને આપવા માટે લીધી હતી, સોરી, તને કહેવાનું ભૂલી ગયો હતો. પ્રમાણિક સ્વભાવ ધરાવતી પ્રીતિને સસરાજીની આ વાત સાંભળીને હૈયે હાશ થઇ, પણ સાસુજીએ પોતાના પર કરેલા શક બદલ એ અંતર ખુબ જ ઘવાયું.

એકવાર પ્રીતિને ‘યુરીન ઇન્ફેકશન’ થયું. એણે વારંવાર બાથરૂમ જવું પડતું. એકવાર એ તાર પર સુકાયેલા કપડા ઉતારીને ઘડી કરીને બાથરૂમની સેલ્ફ પર મુકવા ગઈ, સાસુજી સમજ્યા કે બાથરૂમ ગઈ છે, એ કપડાં ગોઠવીને બહાર આવી ત્યારે એણે સાસુજીનો ગુસપુસ અવાજ સાંભળ્યો, એ ટચલી આંગળી ઉંચી કરીને  રમીલામાસીને કહી રહ્યા હતા, ‘દિવસમાં કોણ જાણે આમ પણ કેટલીવાર જાય છે.’ પ્રીતિને  થયું, ‘હવે તો હદ થાય છે, બાથરૂમ જવા માટે પણ નિયમો ? દિવસમાં અમુક જ વાર જવાનું એવું ?’ સાસુજીના સ્વભાવની રુક્ષતા એને ખુબ જ કઠી. એનું મન ભરાઈ આવ્યું, બેડરુમમાં જઈને એ રડી પડી.

રોજના નિયમ મુજબ જમીને, રસોડાનું કામકાજ પતાવીને એ  રાત્રે પ્રણવ સાથે બહાર ગઈ, ત્યારે એણે પ્રણવને બપોરે ઘરમાં બનેલી વાત કરી. પ્રણવ આ ઘરમાં મમ્મીની સર્વોપરિતા અને પ્રીતિની ઘુટન સમજતો હતો. એણે બહારગામ જોબ માટે અરજીઓ કરવા માંડી. અને ચાન્સ મળતા જ ઘરથી દૂરની જગ્યાએ જોબ લઇ લીધી. પ્રીતિને લઈને એ દુર જતો રહ્યો. સંબંધમાં દૂરી આવવાનું કારણ એ જ હતું કે - ‘કાચની કરચો હાથમાં નહીં, હૈયામાં વાગી હતી.’


ડીચ.

ડીચ.    પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

‘ઓહ ! આઈ એમ સોરી.’  એક ભવ્ય મોલના કોરીડોરમાં ચિંતનની સાથે ભૂલથી અથડાઈ ગયેલી એક અત્યંત સ્વરૂપવાન મોડર્ન યુવતીના મુખમાંથી શબ્દો સરી પડ્યા.

‘હે યુ ? રૂપલ ?’  રૂપલને જોઇને ચિંતન  બોલી ઉઠયો.

‘યેસ, એન્ડ યુ આર ચિંતન, એમ આઈ રાઈટ ?’ રૂપલ હસી તો લાગ્યું કે જાણે ઘંટડીનો રણકાર થયો.

‘યુ લુક સિમ્પલી બ્યુટીફૂલ એન્ડ ગોર્જીયસ’  હસતી વખતે રૂપલના ગાલમાં પડેલા ખંજનને જોઇને ચિંતન બોલી ઉઠ્યો.

‘થેન્ક્સ.’ રૂપલ બોલી.

‘આનંદ .....’ થોડે જ આગળ જઈ રહેલા સફેદ ટી શર્ટ અને બ્લ્યુ જીન્સમાં એક સોહામણા લાગતાં યુવાનને રૂપલે સાદ પાડીને બોલાવ્યો.

‘યસ, ડીયર ?’ આનંદે પાછા વળીને જોયું, અને રૂપલની પાસે આવ્યો.

‘આનંદ, મીટ માય કોલેજ ફ્રેન્ડ ચિંતન. એન્ડ ચિંતન,  હી ઈઝ માય હસબંડ આનંદ. અમે કાલે જ  અહી સ્વીત્ઝરલેન્ડ  ફરવા માટે આવ્યા છીએ.’

‘હલો,’ આંનદ અને ચિંતને એકબીજાને શેકહેન્ડ કરતા કહ્યું. થોડી ઔપચારિક વાતો કરીને ત્રણે છુટા પડ્યા.

ચાલી જતી રૂપલની કમનીય પીઠ જોતા, ચિંતનને કરોડપતિ બાપની એકની એક ‘બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ’ પણ અત્યંત કર્કશા એવી પોતાની પત્ની માયા યાદ આવી. અને એને પહેલી જ વાર રૂપલને કોલેજ લાઈફમાં ‘ડીચ’ કરવા બદલ પસ્તાવો થયો.     

 


પરિવર્તન.

પરિવર્તન.         પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

‘આજનું છાપું જોયું તમે ? લખ્યું છે, નવા બંધાઈ રહેલા બ્રીજનો કેટલોક ભાગ તૂટી પડતાં દટાઈ જવાથી ચાર મજૂરોનું મૃત્યુ અને બીજા કેટલાક મજુરો પણ દટાયા હોવાની આશંકા...’

  ‘હા, પણ...’

  ‘હજી આગળ તો સાંભળો,  બિલ્ડરકિંગ ગણાતા શહેરના જાણીતા બિલ્ડર રમેશભાઈ શાહની ધરપકડ અને પોલીસ દ્વારા કડક પૂછપરછ.’    

‘હા, પણ હવે...’   

‘હવે નહીં તો પછી ક્યારે તમે મારી વાત સમજશો ? દીકરા ઉપર દબાણ કરીને એને તો આપણાથી અળગો કરી જ ચુક્યા છો, હવે દીકરીની ઈચ્છાને કચડીને એને પણ...’     સુધાબહેન આક્રોશથી બોલ્યા અને પછી  છાપું સુમનરાય તરફ ફગાવીને રસોડામાં ચાલી ગયા, આંખોમાંથી અશ્રુઓની ધાર વહી નીકળી, એમને આજથી છ મહિના પહેલા ઘરમાં બની ગયેલો બનાવ યાદ આવી ગયો.

‘આજ સુધીમાં તને ઘણી છોકરીઓ બતાવી પણ તને તો કોઈ છોકરી પસંદ જ નથી આવતી. આ  મેઘનાબહેનની  દીકરી  રાજુલમાં શું ખોટ છે ? દેખાવે નમણી છે,  ફેશનેબલ છે, પૈસેટકે સધ્ધર ઘરની છે. ઋષિન બેટા, આમને આમ તો બધી સારી સારી છોકરીઓ પરણી જશે. પછી જેવીતેવી સાધારણ ઘરની છોકરી મળશે તો તને ગમશે ?’ અકળાયેલા સુધાબહેને પરણવા લાયક દીકરા ઋષિનને પૂછ્યું.

‘ના  નહિ ગમે.’  ઋષિને ટૂંકાક્ષરી જવાબ આપ્યો.

‘મમ્મી, મારા ભાઈ શું  કોઈનાથી કંઈ કમ છે ? હેન્ડસમ છે, ભણેલાગણેલા છે, ભાઈના માટે  જેવીતેવી સાધારણ  છોકરી આપણે લાવીએ પણ શા માટે ?’  રૂમમાં બેસીને  બુક વાંચી રહેલી ઋષિનની નાની નટખટ બહેન રમ્યા હસીને બોલી.

‘હું પણ એ જ તો કહું છું,  કે  રાજુલ જેવી સ્માર્ટ  છોકરીને ના પાડવાનું કારણ શું છે એ તો કહીશ કે નહિ ?’

‘કારણ તો....’   આગળ શું કહેવું તે એને સમજાયું નહિ, એટલે ઋષિન આટલું બોલીને અટકી ગયો,

‘તારા મનમાં શું છે એ બોલને બેટા, અચકાય છે શા માટે ?’  સુધાબહેને એને પ્રેમથી પૂછ્યું.

‘કારણ તો એ જ છે,  કે  એ મારા કરતાં હાઈટમાં ઓછી છે.’

‘જાવ જાવ ભાઈ,  આવું સાવ ખોટું ના બોલો. રાજુલની હાઈટ તમારાથી માંડ ત્રણ-ચાર ઇંચ ઓછી હશે.’

‘તને શું ખબર ?  તું ચુપ રહેને ચિબાવલી.’  ઋષિને રમ્યા સામે જોઈ ડોળા કાઢ્યા.

‘રમ્યાની વાત ખોટી તો નથી, ઋષિન. મને પણ એની હાઈટ ઓછી છે એવું તો નથી લાગતું. અને ધારો કે  હાઈટ જરાતરા ઓછી હોય તો પણ એ તે કંઈ કારણ છે એને નાપસંદ કરવાનું ?’

‘વો પરી કહાઁસે લાઉં તેરી દુલ્હન જિસે બનાઉં, કે ગોરી કોઈ પસંદ ન આયે તુજકો, કે છોરી કોઈ પસંદ ન આયે તુજ કો....ઓ... ઓ... ઓ ....’   રમ્યાએ રાગડો તાણીને, જીભ કાઢીને, અંગુઠો બતાવીને મોટાભાઈને ચીઢવતા કહ્યું. 

‘તું મારા હાથનો માર ખાવાની થઇ લાગે છે. ’  ઋષિને ચીઢાઈને રમ્યાને કહ્યું, પછી બોલ્યો,

‘મમ્મી, હું શરીરની કે કદની હાઈટ માટે નથી કહેતો,  વેવલેન્થ એટલે કે વિચારોની હાઈટ માટે કહું છું.’

‘તું  અમને કંઈ  સમજાય એવું બોલ, રાજુલમાં શું ખોટ છે એ વાત કર.’

‘મોમ, તું તો રાજુલ માટે આદુ ખાઈને મારી પાછળ પડી ગઈ છે. મને વિચારવાનો થોડો સમય તો આપ.’

ખરેખર તો  ઉમરલાયક દીકરા પર, એના લગ્ન માટે પોતાના વિચારોનું દબાણ કરવામાં સુધાબહેન જરા પણ માનતા નહોતા. પણ પતિની એ બાબતે તાકીદના કારણે આજે સુધાબહેન  ઋષિનને રાજુલ માટે ફોર્સ કરી રહ્યા હતા.

ગઈ રાત્રે બેડરુમમાં સુમનરાયે  સુધાબહેનને  કહ્યું હતું, ‘જો સુધા, રાજુલના ફાધર રમેશભાઈ એમના કન્સ્ટ્રકશનના ધંધામાં કરોડો રૂપિયા કમાયા છે, નાતના આગેવાન છે, મોટા મોટા નેતાઓ સુધી એમની લાગવગ છે. એમની એકની એક દીકરી રાજુલ બોલવે ચાલવે ચબરાક છે, સુંદર અને ગોરી તો એટલી છે કે જાણે હિન્દી પિક્ચરની હિરોઈન જ જોઈ લો. તું આ તારા લાડકા દીકરાને સમજાવ કે વધારે પડતો ભાવ ખાવાનું બંધ કરે, સમજી ?’

 ‘હું તો બધું સમજેલી જ છું, પણ તમે સમજો તો સારું કે – યુવાન છોકરાને એની મરજી વિરુદ્ધ લગ્ન માટે દબાણ કરવું સારું નહીં,’  હોઠ સુધી આવી ગયેલાં શબ્દોને પતિ સાથે  મહાયુદ્ધ થતું અટકાવવાના હેતુસર ગળી જઈને  સુધાબહેન બોલ્યા, ‘તમારી બધી વાત બરાબર, પણ રાજુલ ગ્રેજ્યુએટ પણ નથી થઇ, અને આપણો ઋષિન તો સી.એ.સી.એસ. થયેલો છે. એ બંનેનું મેન્ટલલેવલ પણ તો મેચ થવું જોઈએ ને ?’ 

બોલતાં તો સુધાબહેન બોલી ગયાં, પછી એમને પોતાને જ  લાગ્યું કે – ‘આખી દુનિયામાં કયા અને કેટલા પતિપત્નીનું મેન્ટલલેવલ મેચ થતું હશે ? પોતાની જ વાત લઇ લે, તો પોતે એમ.એ. બી.એડ. થયેલા, તક મળી હોત તો એ પી.એચ.ડી. પણ થઇ ગયા હોત અને પતિ સુમનરાય ? એમની વાતચીત, વિચારો અને વર્તન પરથી  અનુમાન કરવાનું મુશ્કેલ નથી કે એ કેટલું ભણ્યા હશે. પોતાને પસંદ કરવા આવ્યા ત્યારે ભલે એમણે કહ્યું કે પોતે  કોમર્સ ગ્રેજ્યુએટ થયેલા છે, પણ  આજ સુધી સુધાબહેનને નથી તો એમના કોઈ સર્ટીફીકેટ મળ્યા, કે નથી તો એ વાતની ખાતરી થઇ.’

લગ્નજીવનની  શરૂઆતમાં સુધાબહેને ઘણીવાર સુમનરાય આગળ ઉત્સાહથી પોતાના પ્રગતિશીલ વિચારો રજુ કરવાના પ્રયત્નો કર્યા હતા, પણ સુમનરાય એટલે ‘મિસ્ટર પરફેક્ટ’ ની ભ્રમણામાં રાચતો એક ઘમંડી જીવ. છેવટે સુધાબહેને - ‘ભેંસ આગળ ભાગવત કરવી નકામી છે.’ એમ માનીને પ્રયત્નો છોડી દીધાં હતા. ‘તું વળી ક્યાં આ મેન્ટલલેવલની માથાકૂટ લઈને બેસી ગઈ ? ભણીગણીને પણ બૈરાઓએ તો આખરે રસોડું જ સંભાળવાનું છે ને ? અને વરની હોશિયારી એ કેટલું ભણ્યો છે, એના પરથી નહીં પણ એ કેટલા રૂપિયા કમાઈને  લાવે છે, એના પરથી મપાય છે, સમજી ?’ સુમનરાયે પોતાની ‘કૂપમંડૂક’ એટલે કે ‘કૂવામાંના દેડકા’ જેવી વિચારસારણી રજુ કરી.

સુધાબહેનના હ્રદયમાં એક શૂળ ઉઠી,  ‘કમાવા અને ખાવાપીવા સિવાય પણ માણસને સારી રીતે જીવવા માટે બીજું ઘણું બધું જોઈતું હોય છે,  હુંફ  – લાગણી – પ્રેમ – આદર - પ્રોત્સાહન – પ્રતિભાવ – સહકાર –વગેરે.’ પણ  પતિને કંઈ કહેવું એટલે ‘પથ્થર પર પાણી’ રેડવું.’  એમ સમજી સુધાબહેન ચુપ જ રહ્યા.   કાશ ! પોતાના મમ્મીપપ્પાએ જ્યારે મુરતિયા તરીકે સુમનરાય વિશે  પૂછ્યું,  ત્યારે ચુપ રહેવાને બદલે, શરમસંકોચ છોડીને પોતાના દિલની વાત માબાપને કરી શક્યા હોત ! આમને પરણવાની ના પાડી શક્યા હોત તો કેટલું સારું થાત ! પણ ‘અબ પછતાવે હોત ક્યા જબ ચિડીયા ચુગ ગઈ ખેત ?’ એ વિચારે એમના મુખ પર  દુખની એક લહેરખી આવી ગઈ.

‘મોમ પ્લીઝ.  તું મારી વાત સમજવાનો પ્રયત્ન કર. મારે રાજુલ જેવી  કોઈ સુંદર પરી નથી જોઈતી, મારે તો એક સીધીસાદી અને સરળ હ્રદયની જીવનસાથી જોઈએ છે.’  મમ્મીને દુઃખી જોઇને ઋષિને એમને પ્રેમભરી એક ‘જાદુની ઝપ્પી’ આપીને કહ્યું.

‘બેટા, તને કોઈ બીજી છોકરી પસંદ છે ?’  ઋષિન રાજુલને શા માટે ના પાડી રહ્યો છે તેનું કારણ જાણવા માટે સુધાબહેને એને પૂછ્યું. એ સાથે જ પોતે દીકરાને એની પસંદગી રજુ કરવાની તક આપી રહ્યા છે, એ વાતે એમને સંતોષ થયો.

‘તમને લોકોને કઈ રીતે સમજાવું ? મમ્મી,  હું અને રાજુલ એકાંતમાં મળ્યા, ત્યારે એણે મને પૂછ્યું કે  ઘરમાં અને એક્સટેનડેડ ફેમીલીમાં ડસ્ટબીન કેટલા છે ?’

‘એટલે વળી શું ?’ સુધાબહેને નવાઈથી પૂછ્યું.

‘એકઝેટલી મમ્મી !  મેં પણ એને આ જ સવાલ પૂછ્યો. તો એણે મને કહ્યું, ‘તું તો સાવ ડમ્બ છે, એટલું ય સમજતો નથી ? ડસ્ટબિન  એટલે  ડોહાડગરા.  મતલબ કે - તારા મમ્મી – પપ્પા સિવાય તારા  કુટુંબમાં બીજા ઘરડાં લોકો -  મીન્સ કે  – દાદા – દાદી - કાકા – કાકી - મામા – મામી - માસી – માસા - ફોઈ – ફૂવા  વગેરે કેટલા જણા છે ?’ 

‘ઓહ !’  સુધાબહેન  આ વાત સાંભળીને આઘાત પામી ગયા.

‘યસ, મોમ, મેં પણ એનો સવાલ સાંભળીને એકઝેટલી આવું જ ફિલ કર્યું, અને આવો જ ઉદગાર કાઢ્યો.’ 

‘તો પછી આ રાજુલની વાત જવા દે, એના સિવાય જે ત્રણ છોકરીઓ જોઈ હતી, કેતકી, વસુધા અને સીમા, એમાંથી તને કોઈ મનમાં બેસે છે ખરી ?’  સુધાબહેને ઉત્સુકતાથી ઋષિનને પૂછ્યું. 

‘મમ્મી, એ બધી પણ, હોટલોમાં ખવડાવે પીવડાવે – શોપિંગ કરાવે – મુવી જોવા લઇ જાય – ગાર્ડનમાં ફેરવે – પોતાના મોજશોખનો ખ્યાલ રાખે એવો પતિ ઈચ્છનારી, પતિને પોતાની એકલીની જ મિલકત ગણે એવી, અને પરણીને સાસુ – સસરાથી અલગ રહેવાના સપના જુએ એવી – એકલપેટી છોકરીઓ હતી. મારે એવી કોઈ સ્વાર્થી છોકરી સાથે હરગીજ પરણવું નથી. તમે લોકો મારા માટે પૈસેટકે સુખી કે દેખાવે પરી જેવી રૂપાળી છોકરી  જોવાને બદલે, કોઈ સાધારણ ઘરની પણ સંસ્કારી  છોકરી કે જે વડીલોને ડસ્ટબીન ગણવાને બદલે એમને માન આપે, કેર કરે, અને મારા જેવા પ્રગતિશીલ  વિચારો ધરાવે એવી,  ટૂંકમાં કહું તો મારી સાથે જેનું મેન્ટલલેવલ મેચ થાય એવી છોકરી શોધો.’

સુધાબહેન આ સાંભળીને વિચારમાં પડી ગયા, એ જોઇને રમ્યા રમતિયાળ અંદાજમાં બોલી, ‘લો, આ તો કાંખમાં છોકરું અને ગામ આખામાં શોધ્યું, એવું કરી રહ્યા છો તમે લોકો.’

‘એટલે તું કહેવા શું માંગે છે ?’  રમ્યાની સામે જોઇને ઋષિન અને મમ્મી બંને એકસાથે બોલી પડ્યા.

‘ભાઈ  તમે આ રક્ષાબંધન પર મને એક નવો ડ્રેસ અપાવવાનું કબુલ કરો તો તમને કહું.’ રમ્યા બોલી.

‘જા રે જા, આવી મોટી  નવો ડ્રેસ લેવાવાળી. તને તો કાયમ મારા ખિસ્સા કેમ ખાલી કરવા તેવા આઇડીયા જ સુઝે છે, ખરું ને ?’

‘નવો ડ્રેસ તને  હું અપાવીશ. બોલ રમ્યા, તું શું કહેતી હતી ?’ સુધાબહેને ઉત્સુકતાથી પૂછ્યું.

‘યે હુઈ ના બાત ! જોયું ભાઈ,  મમ્મી કેવી  ઉદાર છે, અને તમે કેવા કંજૂસ છો તે.’

‘જા રે જા  લુચ્ચી.’

‘તમે બંને લડવાનું બંધ કરો, અને રમ્યા તું બોલ, તારા ધ્યાનમાં ઋષિન માટે કોઈ સારી છોકરી છે ?’

‘છે ને. તમે લોકો એને ઓળખો પણ છો, એટલું જ નહિ ઘણીવાર મળી પણ ચુક્યા છો.’

‘કોણ, તારી  ફ્રેન્ડ સૌમ્યા ?’  રમ્યાની વાત સાંભળીને ઋષિન અચાનક  બોલી ઉઠ્યો.

‘જોયું મમ્મી તેં ? એક જ ધડાકે ભાઈના મનની વાત કેવી પકડાઈ ગઈ.’  રમ્યા શરારતી અવાજે બોલી.

‘જા ને હવે.  મારા મનમાં એવું કંઈ નથી.’ ઋષિનને બીજું કંઈ સુઝ્યું નહિ એટલે એ બોલ્યો.

‘એવું કંઈ ના હોય તો તમે હવે એવું કંઈ વિચારો ભાઈ.  મમ્મી, સૌમ્યા એના નામ પ્રમાણે જ સ્વભાવે પણ સૌમ્ય છે, ઈન્ટેલીજન્ટ છે, એટલું જ નહીં ફેમીલી ઓરીયેન્ટેડ પણ છે. એના વિચારો પણ ભાઈના વિચારોની જેમ પ્રગતિશીલ અને પોઝીટીવ છે, અને સૌથી અગત્યની વાત તો એ છે કે....’

‘કે ?’ ઋષિને અધીરાઈથી પૂછ્યું.

‘કે સૌમ્યા ભાઈને પસંદ પણ કરે છે.’

‘તો તેં અત્યાર સુધી અમને કંઈ કહ્યું કેમ નહિ ?’ સુધાબહેન ખુશીથી બોલ્યા તો ખરા પણ પછી ‘પતિદેવ’  સુમનરાય, પૈસાદાર ઘરની રાજુલને પડતી મુકીને સાધારણ ઘરની આ સૌમ્યાને પસંદ કરશે કે કેમ એ વિચારે એમની ખુશી વરાળ થઇ ગઈ. તો પણ આશાભર્યા અવાજે એમણે કહ્યું,  ’ઋષિન, હું તારા પપ્પાને વાત કરી જોઉં.’

‘યે હુઈ ના બાત, દે તાલી !’ રમ્યાએ કહ્યું, ઋષિને એને તાલી આપી એટલે રમ્યાએ હસીને કહ્યું, ‘ભાઈ તમારી તો લોટરી લાગી ગઈ.’  અને ઋષિન  ‘થેન્ક્સ મોમ.’ કહીને મમ્મીને વળગી પડ્યો.

સાંજે જમ્યા પછી, બધા ડ્રોઈંગરૂમમાં બેઠા હતા ત્યારે સુધાબહેને, ઋષિન, રમ્યા અને પોતાની પસંદગીની કન્યા  સૌમ્યા માટેની વાત સુમનરાયને કહી, જે સાંભળીને  સુમનરાય ખુબ જ ગુસ્સે થઇ ગયા અને બોલ્યા,  ‘ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તૈલી ? છોકરાંઓ તો અણસમજુ છે, પણ તું તો તારી બુધ્ધિ વાપર. જો ઋષિન, રાજુલને પરણવાની હા પાડે  તો રમેશભાઈ  ઋષિનને પોતાના ધંધામાં પાર્ટનર બનાવવા તૈયાર છે. એટલું જ નહીં આપણને એક મોટી ગાડી  અને ત્રણ બેડરૂમનો ફ્લેટ આપવા પણ તૈયાર છે. લક્ષ્મી સામે ચાલીને ચાંલ્લો કરવા આવી રહી છે, ત્યારે તમે બધાં મોઢું ધોવા જાવ એવા ગમાર છો’

‘પણ તમે સાંભળો તો ખરા..’ સુધાબહેને એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ સુમનરાય તો ‘મારે કંઈ સાંભળવું  નથી, અને તમે લોકો પણ કાન ખોલને સાંભળી લો, આ ઘરમાં રહેવું હશે તો તમારે હું કહું એમ જ  કરવું પડશે, સમજ્યા ?’ પપ્પાની વાત સાંભળીને  ઋષિન અને રમ્યા સોફામાંથી ધીરેથી ઉઠીને ચુપચાપ પોતપોતાની  રૂમમાં જતા રહ્યા.

‘ગમાર અમે બધાં નહીં પણ તમે છો, જે દીકરાને કોરો ચેક સમજીને લગ્નના બજારમાં વટાવવા નીકળ્યા છો.’ એવા શબ્દો થૂંકની સાથે ગળી જઈને સુધાબહેન બોલ્યા, ‘છોકરાઓ હવે યુવાન થયા છે, એમની સાથે આપણે સાચવીને  ધીરજથી કામ લેવું જોઈએ.’ ‘છોકરાંઓની સાથે કેમ બોલવું  એ હવે તું મને શીખવાડશે ? તું બહુ ભણી છે, તે મને ખબર છે, પણ એનો અર્થ  એવો નથી કે  તું મને  શિખામણ આપવા બેસી જાય. બહુ હોંશિયાર હોય તો આ તારા છોકરાને જ સમજાવને.’ સુમનરાયનો પિત્તો ગયો, એ ઉઠીને ગુસ્સાથી પગ પછાડતા બેડરૂમમાં જતા રહ્યા.  

સુધાબહેનની આંખોમાં આંસુઓનું પુર ઉમટ્યું. એ મોડે સુધી સોફામાં બેસી રહ્યા. પછી  બેડરૂમમાં સુવા ગયા, પણ આજે નીદ્રાદેવી એમનાથી રિસાઈ ગયા હતા, મોડે સુધી એ પથારીમાં પડખા ઘસતા પડી રહ્યા. છેવટે  ‘મેં તો વગર વિચાર્યે  ખોટું પાત્ર પસંદ કરી લીધું છે, અને એની સજા પણ ભોગવી રહી છું, પણ મારા દીકરાની સાથે એવું નહિ થાય, એ માટે હું પુરેપુરી કાળજી લઈશ, પછી ભલે ને મારે પતિની વિરુદ્ધ  કેમ ન જવું પડે ?’ એવો  એક અડગ નિશ્ચય કર્યો, પછી તેઓ નિદ્રાધીન થયા.

આ બનાવના થોડા જ સમયમાં ઋષિન અને  સૌમ્યા કોર્ટમેરેજ કરીને પરણી ગયા, અને સુમનરાયનું ઘર છોડીને એક નાનકડો ફ્લેટ ભાડે લઈને ત્યાં રહેવા જતા રહ્યા. આ કાર્યમાં સુમનરાયથી છાનામાના કરી શકાય, એ બધી જ મદદ રમ્યા અને સુધાબહેને એમને કરી. એમાં  સૌમ્યાના મમ્મીપપ્પાનો પણ પુરેપુરો સપોર્ટ રહ્યો.

‘સુધા, રમ્યાને આગળ ભણવા માટે અમેરિકા જવું હોય તો ભલે જાય.’ સુમનરાયે રસોડામાં આવીને વિચાર વમળમાં અટવાયેલા સુધાબહેનને ધીરેથી કહ્યું. સુધાબહેનને પોતાના કાન પર વિશ્વાસ નહીં બેઠો, પતિમાં આવેલા આ સુખદ પરિવર્તનને એ  અવિશ્વાસથી તાકી રહ્યા. ‘મારી સામે આમ શું જોઈ રહી છે ? સાચું કહું છું, રમ્યા આવે ત્યારે એને કહેજે કે અમેરિકા જવાની તૈયારી શરુ કરે.’ સુધાને આ વાત કહેતી વખતે સુમનરાયને – ‘પોતાના નાના ભાઈની તેર વર્ષની દીકરી સુહાની એને મોબાઈલ ન અપાવવાના નજીવા કારણસર ગળે ફાંસો ખાઈને મરી ગઈ’ એ વાત યાદ આવી ગઈ.

‘તમને ખબર છે, રમ્યા આ વાત સાંભળશે ત્યારે શું કહેશે ?’ સુધાબહેન ઉત્સાહમાં આવીને બોલ્યા.

 ‘ના, તું જ કહી દે ને એ શું કહેશે ?’ સુમનરાયે પૂછ્યું.

 ‘એ  ખુશીથી ઝૂમી ઉઠશે અને પછી કહેશે – યે હુઈ ના બાત, દે તાલી ! બોલતા સુધાબહેનથી તાલી લેવા માટે પતિ સુમનરાય તરફ હાથ લંબાવાઈ ગયો. અને એમના આશ્ચર્ય વચ્ચે સુમનરાયે હસીને એમને તાલી આપી, અને પહેલી જ વાર પતિ પત્ની બંને એકસાથે હસી પડ્યા.  


Tuesday, 21 July 2020

અમારું નહીં આપણું.


અમારું નહીં આપણું.           પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

‘અમારે ત્યાં તો કોઈ આવું  મોડે સુધી સૂઈ રહીને સવારે ૯ વાગ્યે ઊઠે એવું નથી બનતું, પછી ભલે ને આગલે દિવસે કેટલા પણ મોડા સૂતા હોય, બધાએ સવારે ટાઈમસર ઉઠી જવાનું એટલે ઉઠી જ જવાનું.’

વહુ અમૃતા જ્યારે સવારે ૯ વાગ્યે ઊઠી ત્યારે સહેજ નારાજગીથી, જરા કઠોર શબ્દોમાં સાસુજી રસીલાબહેને ઉપર મુજબનું વિધાન એને સંભળાવ્યું. હજી તો  દસ દિવસ પહેલા જ પરણેલા અને પરણીને હનીમુન કરવા ગયેલા પુત્ર અક્ષય અને પુત્રવધુ અમૃતા ગઈ કાલે  રાત્રે જ ઘરે પાછા ફર્યા હતા. બધા માટે બહારગામથી લાવેલા તે ગીફ્ટ આપવામાં, અને બધા સાથે બેસીને વાતો કરવામાં રાત્રે સુતા એક વાગી ગયો હતો.

બીજા બધા તો કાયમની ટેવ મુજબ સવારે વહેલા એટલે કે પોતપોતાના નિયત સમય પ્રમાણે ઉઠી ગયા હતા, માત્ર અમૃતા જ મોડી એટલે કે નવ વાગ્યે ઉઠી હતી. અમૃતાના મોડા ઉઠવાથી અકળાયેલા રસીલાબહેને એને જરા આકરા શબ્દોમાં આ ઘરની રીતરસમ અંગે જણાવી દીધું. મમ્મીનું આવું વચન સાંભળીને ત્યાં હાજર રહેલો  દિકરો અક્ષય સ્તબ્ધ થઇ ગયો, અને પતિ રમેશભાઈ પણ એક ક્ષણ તો અવાચક થઈ ગયા. ‘હવે શું થશે?’ ની ફિકરમાં શું કહેવું તે બે માંથી એકે ને સુઝ્યું નહીં. ‘વાતને કઈ રીતે વાળી લેવી કે પરિસ્થિતિને કઈ રીતે કાબુમાં લેવી ?’  એ વિશે હજી તો અક્ષય કંઈ વિચારે અને કંઈ કહે તે પહેલાં તો – અમૃતા જ બોલી પડી, ‘પણ અમારે ત્યાં એવું નહીં, મમ્મીજી. રાત્રે સૂતા મોડું થયું હોય તો બીજે દિવસે સવારે મોડા ઊઠવાની છૂટ.’

અમૃતાના આ વાક્યે જાણે ધરતીકંપ થયો. અક્ષય અને રમેશભાઈ બન્ને ધ્રૂજી ગયા. આ ઘરમાં વડીલોની સામે આ રીતે સ્પષ્ટપણે કે નિર્ભિક રીતે આવું વિધાન કરવાની અક્ષય કે પ્રકાશ, બેમાંથી એક પણ છોકરાએ હિંમત કરી નહોતી. છોકરાંઓની તો વાત છોડો, પતિ  રમેશભાઈ પણ પત્ની રસીલા આગળ મૃદુતાથી અને સંપૂર્ણ માનપૂર્વક પોતાની વાત રજૂ કરતાં. સાચી વાત કહેવાની સૌને છૂટ હતી, પણ એક મર્યાદામાં રહીને અને ખુબ નમ્રતાપૂર્વક, અનુકૂળ સમય જોઈને સૌ પોતાની વાત રસીલાબહેન સામે રજૂ કરતાં. અને વાત યોગ્ય હોય રસીલાબહેન દ્વારા એનો સ્વીકાર પણ જરૂર થતો જ. ઘરનું વાતાવરણ ખુબ જ શાલીન અને સંસ્કારમય હતું.

રસીલાબહેન છોકરાઓની અને પતિની ખુબ કાળજી રાખતા, બધાને ભાવતા ભોજન બનાવતા, બધાના સમય સાચવતા, ઘરનો તમામ વહીવટ કુશળતાપૂર્વક કરતા. મહેમાનોની આગતા સ્વાગતા અને સગા વહાલાઓ સાથેનો વહેવાર પણ ખુબ સારી રીતે સાચવતા. એટલે જ પતિ અને બાળકો ઘરની કોઈ પણ બાબતે નચિંત રહીને પોતાના ક્ષેત્રે પ્રગતિ કરી શકતા હતા. આજ સુધી પતિ અને બંને બાળકો, બાળકો શાના હવે તો જુવાનો  પર એમની એક એકહથ્થુ સત્તા ચાલતી હતી. રસીલાબહેન ખુબ પ્રેમાળ હતા, પણ એમને ગુસ્સો ખુબ જલદી આવતો, જો કે એટલો જ જલ્દી ગુસ્સો ઉતરી પણ જતો. ઘરમાં બધાએ  એમના આ સ્વભાવને સ્વીકારી લીધો હતો.

અમૃતાના બોલ્ડ જવાબની  રસીલાબહેન પર શું  અસર થશે અને એનું રીએક્શન શું આવશે તે જાણવા પિતા – પુત્ર બન્ને અધ્ધર શ્વાસે જોઈ રહ્યા, એટલું જ નહિ હવે પછી જે વાકયુદ્ધ થશે એના સમાધાનનો રસ્તો શું, એ પણ વિચારી રહ્યા. થોડીવાર માટે તો  રસીલાબહેનના મુખભાવ તંગ થયા, પછી જરાવાર એ વિચારવા રહ્યા, આંખો બંધ કરીને બેત્રણ  ઊંડા શ્વાસ લીધા, પછી આંખો ખોલીને ધીમા સ્વરે કહ્યું,

-અમૃતા,  પ્રકાશ (નાનો  દિકરો) નું ટીફિન લેવા ૧૧ વાગ્યે  ડબ્બાવાળો  આવી જશે, અને તારા પપ્પા (રમેશભાઈ) પણ જમીને ૧૨ ની બસમાં વડોદરા જવાના છે, કિચનમાં ચાનાસ્તાના વાસણો એમ જ પડ્યા છે, હજી શાક સમારવાનું બાકી છે, અને લોટ બાંધવાનો પણ બાકી છે, અધૂરામાં પૂરું આજે મહારાજે (કુક) અચાનક રજા પાડી દીધી છે, અને અત્યારે સવારના નવ વાગી ગયા છે, સમય ઓછો છે અને કામ વધુ છે, એટલે મારાથી ટેન્શનમાં એવું બોલાઈ ગયું, સોરી, બેટા.
અને સ્તબ્ધતા તૂટી. અક્ષય અને રમેશભાઈ, બંનેએ નિરાંતનો શ્વાસ લીધો. પણ તેઓ નવાઈથી રસીલાબહેન સામે જોઈ રહ્યા. એમણે રસીલાબહેનને આટલી વિનમ્રતાથી બોલતા કે આટલી સહેલાઈથી માફી માગતા ક્યારેય જોયા નહોતા. ‘સાસુજી’ની માનદ પદવી પામેલા રસીલાબહેનમાં આવેલો આ મજાનો બદલાવ એમને ગમ્યો તો ખરો, પણ હવે આગળ શું થશે  એ જાણવા તેઓ ઉત્સુકતાપૂર્વક બંનેને જોઈ રહ્યા. 

- મમ્મીજી,  હું ઘરમાં હોઉં ત્યારે તમારે ઘરના કામકાજ અંગે કોઈ પણ જાતનું ટેન્શન લેવાનું નથી, હવે હું આવી ગઈ છું એટલે તમારી જવાબદારીમાં ભાગ તો પડાવીશ જ, એટલું જ નહિ આપણે જરૂર પડશે ત્યારે ઘરના જેન્ટ્સ મેમ્બરોની મદદ પણ લઈશું. શું કહો છો, અક્ષય તમે અને પપ્પાજી તમે,  અમને  કામમાં મદદ કરશોને ?

‘પણ અમને તો રસોઈ બનાવતા નથી આવડતી’ અક્ષય અને રમેશભાઈ બંને એકસાથે બોલી ઉઠ્યા. ‘ભલે ને રસોઈ બનાવતા ન આવડે, બીજા નાના મોટા કામમાં તો મદદ કરી જ શકો ને ?’ અમૃતા બોલી. ‘એ લોકોને કિચનનું કંઈ કામ નથી આવડતું’ રસીલાબહેન બોલ્યા. ‘નથી આવડતું તો આપણે શીખવશું’ અમૃતા હસીને બોલી અને પછી ઉમેર્યું, ‘પણ મમ્મીજી, હમણા તો તમે મારી એક વાત સ્વીકારો એવું હું ઈચ્છું છું.’
‘કઈ વાત?’  રસીલાબહેન નવાઈથી અમૃતાને તાકી  રહ્યા.

‘મમ્મી, હું તમારી પુત્રવધૂ છું, એટલે કે પુત્રથી પણ વધુ – વધારે છું. હવે પછી તમે મને જ્યારે પણ કંઈપણ  કહો ત્યારે, ‘અમારે ત્યાં આવું ન હોય’ ના બદલે ‘આપણે ત્યાં આવું ન હોય’  એમ કહેવાનું છે, અને હક્કપૂર્વક કહેવાનું છે.. કેમ કે હવે હું સંપૂર્ણપણે - કાયદાકીય રીતે તો ઘરની સભ્ય બની જ ચૂકી છું, પણ ભાવનાત્મક રીતે પણ તમારા સૌની સાથે જોડાઈ ચૂકી છું’  અમૃતા બોલી.  ‘તારી વાત મને મંજૂર છે, બેટા’  કહીને રસીલાબેને એને ગળે લગાવી લીધી.

’તો ચાલો, મમ્મી. આપણે આપણા કર્મક્ષેત્રે સંચરીએ એટલે કે રસોડામાં જઈએ ?’ અમૃતા બોલી અને સૌ હસી પડ્યા, અને આખું ઘર એક હળવાશ અને પ્રસન્નતાથી છલકાઈ ગયું.

આ ચલ કે તુજે મૈ લેકે ચલું.


આ ચલ કે તુજે મૈ લેકે ચલું.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

વેકેશન પડ્યું એટલે જીયા અને જહાન, બંને બાળકો બહારગામ ફરવા લઇ જવાની જીદ કરવા માંડ્યા. થોડા સમય પહેલાં જ લોન લઈને અતુલે આ બે બેડરૂમ - હોલનું ઘર ખરીદ્યું હતું, એના હપ્તા ચાલુ હતા. બાળકોને  સ્કુલમાં જવા આવવા માટે તો  સ્કૂલબસ આવતી હતી, પણ એમને ક્લાસમાં લેવા મુકવા જવા માટે વાહનની જરૂરીયાત હતી. રક્ષાબંધન, વર્ષગાંઠ અને કેટલાક પ્રસંગોમાં મળતી ભેટના તેમ જ ઘરખર્ચમાં કરકસર કરીને નિરાલીએ થોડા પૈસા બચાવ્યા હતા, બાકીના પૈસા અતુલે એક ફ્રેન્ડ પાસે ઉછીના લઈને નિરાલી માટે એક સ્કુટી ખરીદી લીધું. એટલે બાળકોને ક્લાસમાં લેવા મુકવા જવાની સગવડ તો થઇ ગઈ.

આવા સંજોગોમાં બાળકોની બહારગામ ફરવા લઇ જવાની જીદને લઈને અતુલ અને નિરાલીએ વિચારી જોયું, તો બંનેને લાગ્યું કે બહારગામ ફરવા જવા માટે તો પૈસાનો મેળ પડે એમ નથી. બાળકોને જ્યારે આ વાત કરી ત્યારે બંને બાળકો નિરાશ થઇ ગયા. એવામાં નિરાલીના ભાભીનો ફોન આવ્યો, ‘નીરાલીબહેન, તમારા ભાઈ તમને ખુબ યાદ કરે છે, અને તમારો લાડકો ભત્રીજો આર્જવ પણ જીયા અને જહાનને મિસ કરે છે. બાળકોને વેકેશનની રજા પણ છે, તો તમે ચારે જણ વેકેશન માણવા વડોદરા આવી જાવ, આપણે અહીંથી સરદાર સરોવર ફરવા જઈશું.’ જીયા – જહાન તો મામાના ઘરે જવાના વિચાર માત્રથી ઉત્સાહિત થઇ ગયા.

અતુલને ઓફિસમાં અગત્યનું કામ હોવાથી એને તો રજા મળે એમ નહોતું. એટલે નિરાલી એકલી જ બાળકોને લઈને થોડા દિવસ માટે પિયર ગઈ. હરવા ફરવામાં અને મોજ મસ્તી કરવામાં વેકેશન ક્યાં પૂરું થઈ ગયું તે ખબર પણ ન પડી. અતુલ એમને લેવા આવ્યો, એટલે બધા અમદાવાદ પાછા ફર્યા. બીજે દિવસે સવારે અતુલ ઓફીસ ગયો, બાળકો સ્કુલમાં ગયા, પછી નિરાલીએ બેગ ખાલી કરી,  ફર્નીચર સાફ કર્યું, ઘરમાં થોડું ઠીકઠાક કર્યું. કામવાળી ઝાડુ – પોતું અને વાસણ કરીને ગઈ, પછી મેગેઝીન વાંચતા  નિરાલી થોડી આડી પડી. ઉઠીને ફ્રેશ થઈને એ બજારમાં શાકભાજી  લેવા ગઈ. પાછા વળતા  સોસાયટીના પાર્કિંગમાં સ્કુટી પાર્ક કરતી વખતે એની નજર ગઈ, તો પાર્કિંગ એરીયામાં શેફાલીની રેડ મર્સિડીઝ કાર એને દેખાઈ નહીં, ‘ઉપડયા હશે મેડમ કોઈ મોલમાં  શોપિંગ કરવા, મારે શું ?’ એમ મનોમન બબડીને નિરાલી લીફ્ટમાં દાખલ થઇ.

શાકભાજીની થેલીઓ ઘરમાં મુકીને નિરાલી પડોશમાં રહેતી શીલાને ત્યાં દહીં મેળવવા માટેનું  મેળવણ લેવા ગઈ. પડોશીઓના હાલચાલ પૂછતાં શીલાએ  કહ્યું,: ‘નિરાલી, તું તો અહીં હતી નહીં, એટલે તને કદાચ એ વાતની ખબર નહિ હોય’  ‘કઈ વાતની ખબર નહિ હોય ?’ નિરાલીએ પૂછ્યું. ‘અરે ! યાર, ચારપાંચ દિવસ પહેલાં જ શેફાલી અને એના હસબન્ડની વચ્ચે જોરદાર  ઝઘડો થયેલો.’ ’અચ્છા ! કઈ બાબતમાં ઝઘડો થયો ?’ નિરાલીને શીલાની  વાતમાં રસ પડ્યો.

 ‘ઝઘડો તો – સાચી ખોટી વાત તો ભગવાન જાણે, પણ એવું સાંભળવા મળ્યું  કે - મુકેશભાઈની ઓફીસમાં ઇન્કમટેક્સ વાળાના દરોડા પડ્યા, ઇન્કમટેક્સવાળાએ મુકેશભાઈની ઓફીસ અને આખું ઘર ફેંદી નાખ્યું, ઘરમાં હતાં એટલા રોકડા રૂપિયા અને ઘરેણા કબજે લીધાં, બેંકના ખાતાઓ અને લોકર્સ સીલ કર્યા.’
‘ઓહ ! પછી શું થયું ? નિરાલીને વાત સાંભળીને ઉત્સુકતા થઇ.
‘પછી  મુકેશભાઈએ શેફાલીને થોડા દિવસ સાવચેત રહેવા અને ખોટા ખર્ચાઓ બંધ કરવા સૂચનાઓ આપી,  તો શેફાલીએ ગુસ્સે થઈને મુકેશભાઈને ઘણું એલફેલ સંભળાવ્યું.’ શીલાએ માહિતી આપી.
‘ઓહ ! મને તો આ બધી વાતની કંઈ ખબર જ નથી. અતુલે પણ આ બાબતમાં મને કંઈ વાત જ નહિ કરી.’ નિરાલીએ આશ્ચર્ય પામીને કહ્યું.
‘અતુલભાઈ તો આમ પણ કેટલા શાંત સ્વભાવના છે, કોઈના ઝઘડામાં ક્યારેય  રસ લેતા નથી.’ શીલાએ કહ્યું. ‘
‘હા, એ વાત સાચી. એ ભલા અને એમનું કામ ભલું. પણ પછી શું થયું ?

 ‘શેફાલીના અણીયાળા શબ્દોથી મુકેશભાઈ  છંછેડાયા અને બોલાચાલી દરમ્યાન એમણે શેફાલીને વાંઝણી કહ્યું. પછી તો શેફાલીની કમાન છટકી, અને એ બે જણ વચ્ચે ભયંકર ઝઘડો થયો. શેફાલી ઘર  છોડીને પોતાના પિયર જતી રહી. અને એણે મુકેશભાઈની સામે માનહાનીનો દાવો કરીને, કોર્ટમાં છુટાછેડાની અરજી દાખલ કરી.’  શીલાએ કહ્યું.  

‘આ તો બહુ ખરાબ થયું, મુકેશભાઈ તો બધી તરફથી મુશ્કેલીમાં મુકાઈ ગયા.’ શીલાની વાત સાંભળીને નિરાલી વિચારમાં પડી, એને  પોતે વેકેશનમાં વડોદરા ગઈ તે પહેલાનો બનાવ યાદ આવ્યો. ‘બજારમાંથી શાકભાજી અને કરિયાણું ખરીદી લાવીને, પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગ એરીયામાં સ્કુટી પાર્ક કરતી વખતે નિરાલીએ જોયું તો,  નવીનકોર, ચકચકિત લાલ  રંગની મર્સિડીઝ કાર પાર્ક કરીને, બ્રાન્ડેડ કપડાના ચાર પાંચ બોક્ષ લઈને ઉંચી એડીના સેન્ડલ પહેરીને ગર્વીલી ચાલે શેફાલી કારમાંથી ઉતરી. લીફ્ટમાં પણ શેફાલીના કીમતી કપડામાંથી આવતી વિદેશી પરફ્યુમની તીવ્ર મીઠી સુગંધ શેફાલીના નાકમાં ઘુસી ગઈ.

થોડી ક્ષણ માટે બંનેની નજરો મળી, નિરાલીએ સ્માઈલ આપ્યું, પણ શેફાલીએ તે જોયું ન જોયું કરીને પોતાના આઈફોનમાં વ્યસ્ત થઇ ગઈ. આમ તો નિરાલીને બધી જ સુગંધ ખુબ જ પ્રિય હતી, પણ આજે એને શેફાલીના મોંઘામાંના  ઈમ્પોર્ટેડ પરફ્યુમની સુગંધમાંથી શેફાલીના ઘમંડની બદબૂ આવી, એની  હાજરીથી એક જાતનો અણગમો થઇ આવ્યો. એણે શેફાલી સામેથી નજર ખસેડી લીધી.  ‘શેફાલીનું  આઠમા માળે આવેલું ભવ્ય પેન્ટહાઉસ, એની પોતાની મર્સિડીઝ કાર, અને એના હસબન્ડ મુકેશભાઈની જગુઆર કાર, છોકરાઓની ઝંઝટ નહિ, બંને પતિપત્ની  પોતપોતાની રીતે ફાવે ત્યાં જવા માટે છુટ્ટા. બંનેની  વરસની ઓછામાં ઓછી એક વિદેશની ટુર તો ખરી જ. ભગવાન જાણે એનો હસબન્ડ શું ય ધંધો કરતો હશે તે પૈસાની રેલમછેલ. અને પોતાની પાસે ? એક નાનકડી સ્કુટી, અતુલ પાસે સેકન્ડહેન્ડ મારુતિકાર, બે બેડરૂમનું ઘર, એમાં સાધારણ એવું ફર્નીચર.’  શેફાલી વિષે વિચારતાં  નિરાલીને શેફાલીના ભાગ્યની અદેખાઈ થઇ આવી.

‘તું શું વિચારમાં પડી નિરાલી ?’ શીલાએ પૂછ્યું. અને નિરાલી વિચારોમાંથી જાગૃત થઈને હસીને બોલી, ‘અરે ! કંઈ નહીં, આ શેફાલીની વાત સાંભળીને જરા નવાઈ લાગી. પણ એના વિષે  પછી નિરાંતે વાત કરીશું. હમણાં તો તું મને  મેળવણ આપી દે, એટલે હું જાઉં. હજી જમવાનું બનાવવાનું બાકી છે,  છોકરાઓ અને અતુલ આવતાં જ હશે.’

મેળવણ લઈને આવેલી નિરાલીને પોતાના બે બેડરૂમના સાધારણ ઘરમાં  પ્રવેશતાં જ એક અદભુત પ્રસન્નતાનો અહેસાસ થયો. અતુલનું પ્રિય ગીત ‘આ ચલકે તુજે મૈ લેકે ચલું એક ઐસે ગગનકે તલે, જહાં ગામ ભી ન હો આંસુ ભી ન હો બસ પ્યાર હી પ્યાર પલે, એક ઐસે ગગનકે તલે....’ ગીત ગણગણતા નિરાલીએ હળવાશભર્યા મૂડમાં આવીને  સાંજની રસોઈની શરૂઆત કરી.