Friday, 27 December 2024

 પ્રાયવસી : (લઘુકથા)    પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.  

ત્રીસેક વર્ષની પરિણીત દીકરી ડાઈનિંગ ચેર પર બેસીને એની ફ્રેંડની વેડિંગ એનિવર્સરી પર પોતે જાતે તૈયાર કરેલાં એક સરસ મજાનાં રાધા-કૃષ્ણના પેઇન્ટિંગને આખરી ઓપ આપી, એને બાજુ પર રાખીને, એની સાથે આપવાનાં કાર્ડ પર કોઈ સંદેશ લખી રહી હતી. બરાબર એ જ વખતે ઘરમાં આંટા મારીને એ દિવસનો પાંચ હજાર ડગલાં ચાલવાનો ગોલ પૂરો કરવા ચાલી રહેલી,  લગભગ સાઠેક વર્ષની  એની મમ્મીએ ઉત્સુકતાને કારણે દીકરી કાર્ડમાં શું લખે છે એ જોવા ડોકિયું કર્યું.

તને બધામાં તાકાતાક કરવા જોઈએ નહીં ? પણ આમાં જોવા જેવુ શું છે ? કોઈવાર તો માણસને પ્રાયવસી જોઈએ કે નહીં ? પ્લીઝ, ગિવ મી અ સ્પેસ. દીકરીએ કાર્ડ પર હાથ ઢાંકી દેતાં કહ્યું.

અને મા થોડી ઓઝપાઈ ગઈ. તરત ત્યાંથી દૂર ખસી ગઈ. પતિનાં મૃત્યુ પછી આ દીકરી જ તો પોતાનું ધ્યાન રાખતી હતી. પણ ભૂલેચૂકે દીકરીનાં કહેવા મુજબ એનાં પ્રાયવેટ જગતમાં પગ મુકાઇ જતો, અનાયાસ પ્રવેશ થઈ જતો એ હાઇપર સેન્સિટિવ થઈ જતી અને એ વખતે વિચાર્યા વિના જે કંઇ પણ મનમાં આવે તે બોલી દેતી હતી. ખાવા – પીવાનું – તબિયતનું એ  ખૂબ ધ્યાન રાખતી હતી. પણ પોતાની ભાવનાઓ, લાગણીઓ અને સ્વમાનનું શું ?  

વ્યથિત થયેલાં મનને બીજી દિશામાં વાળવા માટે ભગવદ ગીતાનું પુસ્તક લઈને મા ગેલેરીમાં  જઈને બેઠી. બૂકમાર્ક જોઈને અધૂરા પેજથી મનોમન વાંચવાનું શરૂ કર્યું. રસોઽહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિસૂર્યયોઃ ।  પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષં નૃષુ ॥ ૮॥

 હે કુંતીપુત્ર! હું જળમાં સ્વાદ છું અને સૂર્ય-ચંદ્રનો પ્રકાશ છું. હું વૈદિક મંત્રોમાં પવિત્ર ઉચ્ચારણ ॐ (ઓમ) છું;  હું આકાશમાં ધ્વનિ છું અને મનુષ્યોમાં સામર્થ્ય છું.

આટલું વાંચ્યા પછી એની સજળ થયેલી આંખોથી આગળનાં શબ્દો ધૂંધળા થયાં. એનું ધ્યાન  ગીતાવાંચનથી  વિમુખ થયું. કોઈવાર તો માણસને પ્રાયવસી જોઈએ કે નહીં ?’ દીકરી દ્વારા બોલાયેલાં આ શબ્દો યાદ આવતાં જ એ ભૂતકાળમાં સરી પડી. પોતે યુવાન હતી. લગ્નને  ચાર વર્ષ જ થયા હતાં. દીકરી બે વર્ષની હતી, નિર્દોષ હતી, બહુ વહાલી હતી. પણ કેટલીય વાર આ જ વહાલી દીકરીએ રાત્રે અચાનક જાગી જઇને, રડીને, પતિ સાથેનાં પોતાનાં પ્રેમની મહત્વની પ્રાયવેટ પળોમાં પ્રવેશ કરીને ભંગ પડાવ્યો હતો.  તે છતાં પોતે  કદી પણ આ રીતે હાઇપર થઈને કોઈવાર તો માણસને પ્રાયવસી જોઈએ કે નહીં ?’ એવું વિચારીને દીકરી સાથે રૂક્ષતાથી વર્તી નહોતી.

એકવાર તો માર્કેટથી આવીને લોટ, શાકભાજી, ફળો, કરિયાણું વગેરે ભરેલી બાસ્કેટ કિચનમાં મૂકીને પાણીનો ગ્લાસ લઈને ડ્રોઇંગરૂમમાં આવીને, હાશ! કરીને હજી એ માંડમાંડ બેઠી હતી. ગ્લાસમાંથી પાણીનો પહેલો ઘૂંટડો જ ભર્યો હતો. ત્યાં જ કિચનમાંથી દીકરીનો ગભરાયેલો અવાજ આવ્યો, મમ્મી....”  અને એ દોડીને કિચનમાં પહોંચી. જોયું તો દીકરીએ આખી બાસ્કેટ ઊંધી વાળેલી, એમાંથી બટાકા, સફરજન રગડી પડેલા. લોટથી ભરેલી પ્લાસ્ટિકની થેલી ફાટી ગયેલી અને લોટ દીકરીની આજુબાજુ વેરાયેલો.

મમ્મી હવે મને વઢશે, એવા ડરથી ગભરાયેલી દીકરી બોલી ઉઠેલી, મમ્મી, મારે જાણવું હતું કે માર્કેટમાંથી તું શું લાવી છે ?’ બધુ વેરવિખેર થયેલું જોઈને પોતાને ગુસ્સો તો આવ્યો હતો. પણ પોતે રૂડ થઈને  તને બધામાં તાકાતાક કરવા જોઈએ નહીં ? એવું ક્યારેય એને કહ્યું નહોતું.

મમ્મી, આઈ એમ સોરી. મારે તને આવું કહેવું જોઈતું નહોતું.  કહેતી દીકરીએ ગેલેરીમાં ગીતાનું પુસ્તક લઈને બેઠેલી મમ્મીને પાછળથી આવીને ગળે  હાથ વીંટાળ્યો અને હળવેથી એક કિસ એનાં ગાલ પર કરી દીધી. મા એ તરત જ પોતાની આંખોમાં આવેલાં ઝળઝળિયાં લૂછતાં કહ્યું, બેટા, હું જાણું છું કે તને નથી ગમતું છતાં જાણે અજાણે તારી વાતમાં માથું મારી દઉં છું, આઈ એમ રિયલી સોરી. મા બોલી. ઇટ્સ ઓકે મોમ. ઘરનાં મંદિરમાં  દીવો કરવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલ, દીવો કરીને સ્તુતિ બોલી લઈએ. દીકરીએ માનો હાથ પકડીને એને ઊભી કરી અને મા આગલું પાછલું બધુ ભૂલી જઇને ગીતાજીને બંધ કરી આંખે અડાડી દીકરી સાથે મંદિરીએ દીવો કરવા જવા માટે ઊભી થઈ ગઈ. 

 

No comments:

Post a Comment