Wednesday, 22 July 2020

સીમાને કોણ સમજાવે? .

સીમાને કોણ સમજાવે? .     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-સીમા, આજે તેં ફરીથી બટાકાનું શાક બનાવ્યું ? આ અઠવાડિયામા ત્રીજી વખત તેં બટાકા બનાવ્યા.

-સતીશ, સોમવારે તો બટાકાની સુકી ભાજી કરેલી, બુધવારે જ્ઞાતિ ભોજનમાં હોય છે એવું મસ્ત રસાદાર બટાકાનું શાક બનાવેલું અને આજે શુક્રવારે  ફરાળી સ્ટાઈલ નું બટાકાનું શાક બનાવ્યું છે. આટલી વેરાયટી રાંધુ છું તો ય તને પસંદ નથી ?

-વેરાયટી રાંધવા બદલ હું તારો ખુબ આભારી છું, સીમા. પણ મને બટાકો વાયડો પડે છે, એનાથી મને ગેસ થાય છે. અને આજે તો તું ભીંડા બનાવવાની હતી ને ?

-હા, ભીંડા જ બનાવવાની હતી, હું ભીંડા લેવા બજારમાં પણ ગઈ હતી, પણ ૮૦ રૂપિયે કિલોનો ભાવ સાંભળી ભીંડા લીધા વગર જ પાછી આવી.

-ઘણું સરસ, તો પછી તું એમ જ કરને, રોજ બટાકા જ રાંધ, એ જ સસ્તામાં સસ્તા હશે, ખરું  ને ? 

-આવું શું કરે છે, સતીશ ?

-હું પણ તને એ જ કહું છું, સીમા, આવું શું કરે છે ?  હું તને ઘરખર્ચ માટે પુરતા પૈસા નથી આપતો ? આ મહીને પણ તને ત્રીસ હજાર રૂપિયા આપ્યા હતા ને ? આજે તો હજી ૧૮ તારીખ થઇ છે, એટલામાં પૈસા  પુરા પણ થઇ ગયા ?

-તું ત્રીસ હજાર આપે છે,  એની હું ક્યા ના પાડું છું. પણ તું જુએ છે ને કે એક તો આ મોંઘવારી અને ઉપરથી સગા-વહાલાઓ અને વટ–વ્યવહાર સાચવવાના, પૈસા ક્યાં પુરા થઇ જાય છે તે જ ખબર નથી પડતી.

-નથી ખબર પડતી તો હવે ખબર રાખ, પણ ખાવાની બાબતમાં કંજુસી ન કર. તને રોજ છાશ બનાવવાનું કહું છું તો તે પણ ક્યારેક બનાવે છે અને ક્યારેક નથી બનાવતી. પૈસાનું બરાબર આયોજન કરતી હોય તો ત્રીસ હજારમાં રોજ જુદા જુદા શાક અને રોજ છાશ બનાવીજ શકાય, અને તો પણ પૈસા વધે.

-એટલે તમારું કહેવું એમ છે કે હું પૈસાનું આયોજન બરાબર કરતી નથી, એમ જ ને ?

-એમ તો એમ સમજ. ગુરુવારે તેં આપણા ઘરે કિટી પાર્ટી રાખેલી, એમાં બહારથી પીઝા, બર્ગર ને નાચોઝ મંગાવેલા. એવા ખોટા ખર્ચ કરવાને બદલે ઘરમાં નાસ્તો બનાવતી હોય તો પૈસા બચે કે નહિ ?

-ઘરમાં નાસ્તો બનાવવામાં મને કશો વાંધો છે જ નહીં. પણ શેફાલી, અંગીરા, મોના, સુષ્મા.. બધા જ પોતપોતાના ઘરે કિટીપાર્ટી  રાખે ત્યારે બહાર ઓર્ડર આપીને જ નાસ્તો મંગાવે છે, ઉપરથી કોલ્ડ ડ્રીન્કસ, કુલ્ફી કે આઈસ્ક્રીમ પણ હોય જ. હું બટાકાપૌઆ, ઉપમા કે લોચાપુરી બનાવું ને સાથે ચા, તો એ લોકો આપણા વિશે શું ધારે ? એવું જ ને કે  લોકો તો સાવ મુફલીસ છે.’ અને  એમાં તો તારું જ ખરાબ દેખાય ને ?

-તું મારા ખરાબ દેખાવા વિશે સહેજ પણ  ચિંતા ન કર. પૈસાના પ્રદર્શનના આધારે બહારના લોકો મારા વિશે શું કહે તેની મને પડી નથી. અઠવાડિયે ત્રણવાર બટાકા ખાવા કરતા કોઈ મને ‘સાવ મુફલીસ છે’ એવું સંભળાવી જાય તો તે સાંભળવાનું સારું છે, એમાં મને કોઈ મુશ્કેલી નથી.

-પણ મને છે ને.

-તારી આ જ તકલીફ છે. ‘સબ સે બડા રોગ, ક્યા કહેંગે લોગ’ એમાં ને એમાં જ તું ખેંચાઈ જાય છે.

-સમાજમાં રહીએ છે, તો એટલું ખેંચાવું તો પડે જ.

-એની કોણ ના પાડે છે ? મારું તો ફક્ત એટલું જ કહેવું છે કે - ‘ચાદર હોય એ પ્રમાણે માણસે પગ પસારવા જોઈએ.’

-તારા કહેવાનો મતલબ શું છે ?

-એ જ કે, તારી મોટી બહેન અમેરિકાથી આવવાની હતી ત્યારે તેં દેખાડો કરવા આપણા ઘરના સોફાના કવર, પરદા, બેડશીટ બધું સારું હોવા છતાં બદલી નાખીને ખોટો ખર્ચ કર્યો હતો કે નહિ ?

-બહેન તો એના ઘરે દર બે વર્ષે બધું બદલે છે, જ્યારે આપણે તો પાંચ વર્ષે બદલ્યું.

-ફરીથી તને એ જ કહું છું, ‘લાંબા સાથે ટુંકો જાય, મરે નહિ તો માંદો થાય.’  તારી બહેનને પોસાતું હોય તો દર વર્ષે બધું બદલે, આપણને ન પોસાતું હોય તો આપણે બદલવાની જરૂર ખરી ? ખોટો ખર્ચ કર્યો એમાં FD  તોડવી પડી ને ?

-તને તો મારા બધા ખર્ચ ખોટા જ લાગે છે.

-તું કરે એવું તો લાગે જ ને ? બહેનના છોકરાઓને મોલમાં લઇ જઈને  મોંઘામાના બ્રાન્ડેડ કપડાં અપાવવાની કોઈ જરૂર હતી ?

-જરૂર હતી ત્યારે જ તો અપાવ્યા. આપણે અપાવતા જ હોઈએ ત્યારે એ લોકો  જે બ્રાન્ડના કપડાં પહેરતા હોય તે બ્રાન્ડના કપડાં અપાવવા જોઈએ એવું હું માનું છું, સસ્તામાના અપાવીએ તો એ પહેરે પણ નહિ.

-અને આપણા છોકરા સસ્તામાના કપડાં પહેરે તેનું કઈ નહિ ? તું તારા જ ડ્રેસ જોને, કેવા ઘસાયેલા છે. આ તો ‘ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો’ એવું થયું.

-ઘરમાં આપણે ગમે તે પહેરીએ, કોણ જોવા આવવાનું છે ?

-કોઈ જોવા આવવાનું હોય તો જ આપણે સારી રીતે રહેવાનું ? તારી તો થીઅરી જ મારા ગળે નથી ઉતરતી. અને બીજી વાત, આપણે એ લોકોને મોંઘામાં મોંઘી  હોટલમાં લઇ જઈને  સાડા સાતસો રૂપિયાના ભાવની ગુજરાતી થાળી મંગાવી, તો પણ એ લોકોને ખાવાનું ભાવ્યું નહિ. બીજીવાર પંજાબી હોટલમાં લઇ ગયા, તો આઠસો પર પર્સન ના ભાવે લંચ કેટલું મોંઘુ પડ્યું તે તું વિચાર. ઉપરાંત એમણે શહેરમાં ફેરવ્યા, મુવી દેખાડ્યું તે ખર્ચ જુદો.

-એ બધો ખર્ચ થયો એટલે જ તો પછી ભીંડાને બદલે બટાકા કર્યા.

-અચ્છા! તો તેં ‘હાથી નિકાલ ગયા ઔર દુમ રહ ગઈ’ જેવું કર્યું ? 

-એક જ તો બેન છે મારી, ને તે પણ  ત્રણ વર્ષે આવે છે.

-સારું છે, એક જ બહેન છે અને  ત્રણ વર્ષે જ આવે છે, નહીતર મારે ખર્ચ સરભર કરવા ક્યાંક પાર્ટ ટાઈમ જોબ કરવાનો વારો આવત. અથવા બોસને કહેવું પડત, ‘સર, મારે મહેમાનોને પોષવા લોન જોઈએ છે, આપશો ?’

-સતીશ, તું જરા અમથી વાતને ક્યાં થી ક્યાં લઇ જાય છે?

-સીમા, અત્યારે ભલે તને વાત જરા અમથી લાગતી હોય, પણ વાત અત્યંત મહત્વની છે. આપણે જો આમ બિનજરૂરી ખર્ચ માટે  બચત તોડતા રહીશું, તો જ્યારે જરૂર હશે ત્યારે – આપણા બાળકોના હાયર એજ્યુકેશન માટે કે આપણા ઘડપણ માટે – પૈસા જોઇશે ત્યારે હશે નહિ. મારા હાથપગ નહિ ચાલે તે વખત કોની પાસે પૈસા માંગવા જઈશું ?

સતીશની વાત વિચારવા જેવી હતી, ખરેખર તો આવો વિચાર સીમાને આવવો જોઈતો હતો. કેમ કે ઘરના બજેટનું  આયોજન પુરુષ કરતા પણ  સ્ત્રી સારી રીતે કરી શકે.  પણ સીમાનો ઉછેર જ એ રીતે થયો હતો કે એને આવી સમજણ પડતી નહોતી. વળી સીમાનું વાંચન પણ ખાસ નહિ, એને લીધે એની વિચારધારા પણ વિકસેલી નહિ. ફ્રેન્ડ સર્કલ પણ એવું જ, પૈસાદાર હોવાને લીધે ખાઈપીને મોજ કરવામાં માને એવું. પરિણામે  સીમા આડેધડ ખર્ચ કરતી અને નહિ કરવી જોઈએ ત્યાં - ખાવા પીવામાં અને પહેરવાના કપડામાં એણે કરકસર કરવી પડતી.

‘અમે કઈ ગરીબ નથી’ એવી મનોદશા ધરાવતી સીમા સગાઓના ઘરે જવાનું થાય, ત્યારે મોંઘામાં મોંઘી મીઠાઈઓ લઇ જઈને સારું દેખાડવામાં માનતી, પછી ભલે પોતાના ઘરમાં સસ્તામાના લોટ અને ખાંડ લાવવા પડે. સગામાં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈની બર્થ ડે પાર્ટી હોય, તો વટ પડી જાય એવી મોંઘી ગીફ્ટ લેતી, કોઈને આપતી વખતે કવરમાં પાંચસોથી નાની નોટ મુકવામાં એને નાનમ લાગતી. પોતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને નહિ, પણ સામેવાળાની હેસિયત પ્રમાણે એ વ્યવહાર કરવામાં માનતી. જ્યારે સતીશ માનતો કે જો ‘પૈસાનું આયોજન બરાબર કરવામાં આવે,  દર મહીને ઘરનું બજેટ બનાવવામાં આવે કે આવક પ્રમાણે જાવક રાખવામાં આવે તો વધુ સારી રીતે જીવી શકાય. અને ખોટી કરકસર કરાવી પડે નહિ અને પોતાના જ સારા ભવિષ્યને માટે બચત પણ કરી શકાય. ’ એની વાત સાચી હતી, પણ આ વાત સીમાને કોણ સમજાવે ?


કંજૂસ.

કંજૂસ.                                       પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

ઘરની ડોરબેલ વાગતા જ ઈશિતાએ બારણું ખોલ્યું, જોયું તો સામે એક અજાણ માણસ રાહુલની ટ્રોલીબેગ લઈને ઉભો  હતો, એ બોલ્યો, ‘બહેન, મારી રીક્ષામાં સાહેબની આ બેગ રહી ગઈ હતી, મારું ધ્યાન ગયું એટલે હું તે પાછી આપવા આવ્યો છું. સોસાયટીના ગેટ પર પુછતાં ચોકીદારે તમારું ઘર બતાવ્યું. જુવો, આ બેગ તમારી જ છે ને?’ 

-હા હા, અમારી જ બેગ છે, આજે મારા હસબન્ડ કોઈ રીક્ષામાં બેગ ભૂલી આવ્યા હતા. ઈશિતાએ બેગ જોઇને કહ્યું.

-ચેક કરી લો બહેન, જેવી મળી એવી જ લઇને આવ્યો છું.

-જોવાની જરૂર નથી ભાઈ, તમે બેગ પાછી આપવા આવ્યા એ જ બતાવે છે કે તમે પ્રમાણિક માણસ છો.

ઈશિતાએ બેગ જોઈ, લોક બરાબર લાગેલું હતું. એણે રીક્ષાવાળાનો આભાર માન્યો અને પાંચસો રૂપિયા આપવા માંડ્યા, જે લેવાનો એણે ઇનકાર કરી દીધો. એણે પૂછ્યું, ‘સાહેબ નથી ઘરમાં ?’

-ના, એ બહાર ગયા છે, તમારે એમનું કંઈ કામ હતું ?’

-એ ધીમેથી બોલ્યો: ‘બેન, સાહેબને કહેજો કે – આજકાલ તો રીક્ષાવાળા પણ બહુ ફાટ્યા છે, મનમાની કરવા લાગ્યા છે’ એ વાત સાચી નથી.

-આવું કેમ કહો છો, ભાઈ તમે ? ઈશિતાને નવાઈ લાગી એટલે એણે પૂછ્યું.

-બેન, એ તમે સાહેબને જ પૂછી લેજો, હું રજા લઉં હવે.

ઈશિતાને વિચારમાં મુકીને  રીક્ષાવાળો તો ચાલી ગયો. થોડીવાર  પછી  રાહુલ આવ્યો. રીક્ષામાં ભુલાઈ ગયેલી પોતાની બેગ પાછી આવેલી જોઈને એને આશ્ચર્ય થયું.

-બેગ ક્યાંથી મળી ? એણે ઈશિતાએ પૂછ્યું.

-રીક્ષાવાળો આપી ગયો.

-અરે વાહ ! તારા કહેવા મુજબ એના મનમાં રામ વસ્યા ખરા. રાહુલે હસીને કહ્યું. એ ખુશ થઇ ગયો, એણે બેગ ખોલીને જોયું તો બધી વસ્તુઓ બરાબર હતી.

‘આજકાલ તો રીક્ષાવાળા પણ બહુ ફાટ્યા છે, મનમાની કરવા લાગ્યા છે, એ વાત સાચી નથી.’  ઈશિતાએ કહ્યું અને રાહુલ ચમક્યો, એણે ઈશિતાની સામે પ્રશ્નાર્થ નજરે જોયું.

-રીક્ષાવાળાએ મને કહ્યું કે આ વાત હું તને જણાવું. હવે તું  મને એ  કહે કે એ આવું કેમ બોલ્યો ?

રાહુલ શું બોલે? એ ચુપ જ રહ્યો. વાત જાણે આ મુજબ બની હતી.

સુરતથી અમદાવાદની ટ્રેનમાં સફર કરીને આવેલો રાહુલ આજે સવારે જ અમદાવાદના મણીનગર રેલ્વેસ્ટેશન પર ઉતર્યો. એના હાથમાં એક કપડા ભરેલી  ટ્રોલીબેગ અને ખભા પર એક લેપટોપ બેગ હતી. સામાન ઊંચકીને એ સ્ટેશન ની બહાર આવ્યો. ટ્રોલીબેગ હાથમાં ઊંચકીને એ સ્ટેશનના પગથિઆ ઉતરવા લાગ્યો. સામે રિક્ષાવાળાઓ ટોળામાં એને ઘેરી વળ્યા.

 ‘ચાલો સાહેબ, આ બાજુ આવી જાઓ’  ‘સેટેલાઈટ જવું છે, સાહેબ?’  ‘બોલો સાહેબ, ક્યાં જવું છે?’ સ્ટેશન પર ઉતરતા જ રીક્ષાવાળાના કલશોરથી એ ઘેરાઈ ગયો. ‘આનંદનગર જવું છે, સીમા હોલ પાસે, આવીશ?’ રાહુલે એક રીક્ષાવાળાને પૂછ્યું.  ‘હા, સાહેબ’ રીક્ષાવાળો ગ્રાહક મળવાની આશાથી ખુશ થઇને બોલ્યો. રાહુલ રીક્ષામાં બેઠો અને મીટર ચાલુ કરવા કહ્યું. રીક્ષાવાળાએ  કહ્યું. ‘દોઢસો રૂપિયા થશે, સાહેબ’ ‘કેમ, રીક્ષાનું મીટર બંધ છે?’ રાહુલે  પૂછ્યું. ‘મીટર પર પણ એટલા જ થાય, સાહેબ,’  રીક્ષાવાળો ગ્રાહક જતું ન રહે તેથી ઉતાવળ કરીને બોલ્યો. રાહુલ તરત જ રીક્ષામાંથી ઉતરી ગયો અને કહ્યું, ‘કસ્ટમર સાથે ચીટીંગ કરે છે? મીટર બંધ રાખીને ઉચ્ચક પૈસા માંગે છે?’

‘શું થયું? શું થયું?’ કહેતા બીજા રીક્ષાવાળા એને ફરીથી ઘેરી વળ્યા. હવે  રાહુલનું મગજ વિચારવાના કામમાં લાગી ગયું. ‘મારી પાસે સામાન ક્યાં એટલો બધો છે કે રીક્ષામાં જવું પડે. આ સામેથી જ તો બી.આર.ટી.એસ. ની બસ ઉપડે છે. રીક્ષામાં દોઢસો રૂપિયા આપીને ગરમીમાં બફાઈને જવા કરતાં બી.આર.ટી.એસ.ની મસ્ત મજાની એસી બસમાં જવું શું ખોટું? મારે તો  ‘સસ્તું ભાડું અને સિધ્ધપુરની જાત્રા’ થશે. માણેકબાગ સ્ટેન્ડ પર  ઉતરીને રીક્ષા કરી લઈશ તો પણ ખાસા રૂપિયા બચશે.’ અને રિક્ષા વાળાઓના ‘સાહેબ, આ બાજુ આવો’ ના અવાજને અવગણીને એણે બી.આર.ટી.એસ. ના બસસ્ટેન્ડ તરફ ચાલવા માંડ્યું.

બસ સ્ટેન્ડ પર પહોચીને માણેકબાગની ટીકીટ લઈને એ બસની રાહ જોતો ઉભો રહ્યો. ‘અત્યારે ઈશિતા સાથે હોત તો મને બસમાં બેસતો જોઇને એ કહેત, ‘સાવ કંજૂસ છે તું રાહુલ’ ‘ઈશિતા ભલેને મને કંજૂસ કહે, પણ આ રીતે થોડા પૈસા બચતા હોય તો બચાવવા જ જોઈએ. આ કંઈ કંજુસાઈ ન કહેવાય, આને કરકસર કહેવાય. પૈસા કમાવા કેટલા અઘરા છે એને શું ખબર ?’  રાહુલ મનોમન વિચારી રહ્યો. બસ આવી અને  મણીનગરથી જ ઉપડતી હતી એટલે લગભગ ખાલી જ હતી. એને બેસવાની જગ્યા મળી ગઈ.

બસમાં બેઠા પછી ટ્રોલીબેગ પગ પાસે મુકીને લેપટોપબેગ ખોળામાં મુકીને એ રીલેક્શ થયો. એણે શર્ટના ખીસ્સામાંથી મોબાઈલ કાઢીને ઈશિતાને ફોન કરવા વિચાર્યું, પણ પછી થયું, ઈશિતા સવાલો પૂછીને જો જાણશે કે  મણીનગરથી હું બસમાં બેઠો છું તો કારણ વગર એ મારા પર ચીઢાશે. એના કરતા ફોન કર્યા વગર ડાયરેક્ટ  ઘરે જ પહોચી જાઉં, ને એને ‘સરપ્રાઈઝ’ આપું. એણે મલકાઈને મોબાઈલ પાછો ખિસ્સામાં મૂકી દીધો અને નિરાંતે બેઠો. ‘આ તો ઠીક છે કે હવે પોતે પૈસેટકે સધ્ધર થયો છે, બાકી થોડા વર્ષો પૂર્વે જ પોતાની જીંદગી કેવી સંઘર્ષમય હતી.’ રાહુલને  બસમાં બેઠા બેઠા પોતાના ભૂતકાળની વાતો  યાદ આવી ગઈ.

પોતાના ઈશિતા સાથેના  લગ્ન પછીનો તરતનો સમય ગાળો સંઘર્ષમય હતો. નવી નવી નોકરી હતી. માતાપિતા વતનમાં મહેસાણા રહેતા હતા અને પોતે પત્ની સાથે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક બેડરુમ નો  નાનો ફ્લેટ ભાડે લઈને રહેતો હતો. સ્કુટર નહોતું એટલે ઘરથી લાલ દરવાજા અને ત્યાંથી ગાંધીરોડ,  એમ બે બસ બદલીને નોકરી પર જવાનું હતું. એક કંપનીમાં એકાઉન્ટ્સ લખવાનું કામ મળ્યું હતું. પગાર ઘણો ઓછો હતો.

હજી હમણા જ ઘર માંડ્યું હતું એટલે ઘરમાં સુખ સગવડના ખાસ સાધનો નહોતા. આ વર્ષો પહેલાની વાત છે, તે વખતે તો મોબાઈલ પણ નહોતા, લેન્ડલાઈન વાળા ફોન પણ સોસાયટીમાં બે ચાર ઘરમાં જ હતા.ઘર માં ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન જેવા કોઈ સાધનો પણ નહોતા. ગણી શકાય એટલા બે જણને જરૂર પુરતા વાસણો, ગેસનો ચૂલો, સીલીન્ડર, એક પલંગ અને એક કબાટ.  

ઈશિતાને વાંચવાનો ખુબ શોખ, એટલે ઘરના  કામકાજથી પરવારીને  એ વાંચવાનો સમય કાઢી લેતી. આજુ બાજુ વાળાના ઘરેથી બુક્સ લાવીને અને લાઈબ્રેરીમાં જઈને પુસ્તકો લાવીને વાંચતી. ન્યુઝપેપરની પસ્તી – દુધની ખાલી પોલીથીન બેગ – વેચીને જે પૈસા આવે એમાંથી પુસ્તક ખરીદતી. કપડાં ઘરેણા કરતા પણ એને બુક્સ માં વધારે રસ પડતો. અને રાહુલ પણ એના આ શોખને પોસતો, એને પોતાને પણ અવનવું વાંચવાનો શોખ હતો જ ને?

બસ મણીનગરથી જેમ જેમ આગળ વધતી ગઈ એમ એમ રાહુલના વિચારો પણ ચાલતા ગયા. લગ્નના બે વર્ષ પછી ઈશીતાની પ્રેગનન્સીના ખુશ ખબર મમ્મીપપ્પાને આપ્યા ત્યારે તેઓ કેટલા ખુશ ખુશાલ થઇ ગયેલા? પહેલા દીકરા ગૌરવનો જન્મ અને ચાર વર્ષ પછી દીકરી સીમૌલીનો જન્મ. પોતાનું કુટુંબ પૂર્ણ બન્યું. રાહુલે બે નોકરી બદલી, રાહુલનું પ્રમોશન થયું, લોન લઈને એક બેડરુમના ભાડાના ફલેટમાંથી બે બેડરુમના પોતાના ફ્લેટમાં શિફ્ટ થયા. ઘરમાં ટીવી, ફ્રીઝ, ફર્નીચર વધ્યું. પહેલા સ્કુટર લીધું અને પછી કાર લીધી. ઉત્તરોત્તર રાહુલની અને છોકરાઓની પ્રગતિ થતી ગઈ. બંને સંતાનો ભણવામાં તેજસ્વી હતા. ગૌરવ  એન્જીનીયર અને સીમૌલી ડોક્ટર થઇ. બંનેને સારે ઘરે પરણાવ્યા. મમ્મીપપ્પા ક્યારેક અમદાવાદ આવતા અને ક્યારેક એ લોકો મહેસાણા જતા.

ઉભેલા પેસેન્જરનો ધક્કો લાગતા રાહુલની વિચારધારા તૂટી, એ ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછો ફર્યો. બસમાં પેસેન્જરો ચઢતાં ગયા અને લગભગ આખી બસ ભરાઈ ગઈ. રાહુલ પોતાના સામાનને સાચવી રાખીને સહેજ સંકોચાઈને બેઠો. ઉભેલા મુસાફરોના  ધક્કા એને લાગતા રહ્યા. અંજલી થીયેટર બસસ્ટોપ પર તો એનું લેપેટોપ ખોળામાંથી પડી ગયું. લેપટોપ બેગમાં હતું એટલે સારું હતું. એણે વાંકા વાળીને પગ પાસે પડેલું લેપટોપ લઈને પાછું  ખોળામાં વ્યવસ્થિત મુકતા, પોતાની પાસે ઉભેલા પેસેન્જરને કહ્યું: ‘ભાઈ, જરા સરખા અને દુર ઉભા રહો ને, કેટલા ધક્કા મારો છો?’  

જરાય જીભાજોડી કર્યા વગર એ પેસેન્જર દૂર જતો રહ્યો અને તરત જ પછીના સ્ટોપ પર ઉતરી ગયો.  ત્યાં જ રાહુલનો હાથ શર્ટના ખિસ્સા પર ગયો, ખિસ્સું ખાલી હતું.  ‘અરે ! મારો મોબાઈલ ક્યાં?’ એ હાંફળો ફાંફળો થઇ ગયો. એને શર્ટના અને પેન્ટના ખિસ્સામાં પણ તપાસ્યું, લેપટોપ બેગમાં જોયું, ઉભા થઇ પોતાની સીટ પર, સીટ નીચે અને  આમતેમ શોધ્યું, પણ મોબાઈલ ક્યાંય  દેખાયો નહી.’મારો મોબાઈલ ખોવાયો’ એ બુમ પાડી ઉઠ્યો. આજુબાજુના પેસેન્જરો અને  કંડકટર પણ એનો મોબાઈલ શોધવામાં લાગી ગયા, પણ મોબાઈલ મળ્યો  નહિ, રાહુલ નિરાશ થઇ ગયો.

કોઈએ એને ‘પોલીસ કમ્પ્લેન’ કરવાની સલાહ આપી.  કંડકટરે એને સાંત્વન આપતા કહ્યું, ‘તમારો બીજો ફોન નબર લખાવો, ફોન મળશે તો તમને પહોચાડીશું. રાહુલને ફોન પાછો મળવાની આશા નહોતી, છતાં ઈશિતાનો મોબાઈલ નંબર એને લખાવ્યો અને વિલા મોઢે માણેકબાગ સ્ટોપ પર ઉતાર્યો. રીક્ષા પકડવા માટે એ સ્ટોપ પરથી રસ્તો ક્રોસ કરીને એક બાજુ પર ગયો, એ સ્કુટરવાળાએ જોરદાર બ્રેક ન લગાવી હોત તો વિચારમગ્ન રાહુલ સાથે અથડાઈ જાત. ‘છતી આંખે  આંધળાની  જેમ ચાલે છે’ સ્કુટર વાળો બબડતો બબડતો સ્કુટર હંકારી ગયો. ‘આંધળો હું છું કે તું ?’ રાહુલ મનોમન ધૂંધવાઈ ઉઠ્યો, એને થયું, ‘એને પકડીને બે અડબોથ ઠોકી દઉં’

‘સીમા હોલ’ એણે એક રીક્ષાવાળાને કહ્યું. રીક્ષાવાળાએ ત્યાં જવાનો ઇનકાર કર્યો તો રાહુલ ગુસ્સાથી બરાડ્યો, ‘નથી આવવું તો રીક્ષા શું કામ વસાવી છે, વેચી કેમ દેતો નથી?’ ‘મારી મરજી’ કહીને રીક્ષાવાળાએ બેફિકરાઈ દર્શાવી.  ‘આવાની તો પોલીસમાં કમ્પ્લેન જ કરવી જોઈએ’ રાહુલ બોલ્યો. બીજા બે રીક્ષાવાળાએ પણ સીમા હોલ જવાની ના પાડી. રાહુલ વધારે ચીઢાયો. એ થોડે આગળ ગયો, ત્યારે એને એક રીક્ષા મળી. રાહુલે  ટ્રોલીબેગ રીક્ષાના પાછળના ભાગે  મૂકી અને લેપટોપ બેગ પોતાની બાજુમાં મૂકી.  રીક્ષામાં બેસીને એ બોલ્યો, ‘સીમા હોલ લઇ લો.’  પછી બબડયો,  ‘આજકાલ તો રીક્ષાવાળા પણ બહુ ફાટ્યા છે, મનમાની કરવા લાગ્યા છે.’

રીક્ષાવાળો કઈ પણ બોલ્યા વગર ચુપચાપ રીક્ષા ચલાવવા માંડ્યો.  સીમાહોલ આવતા જ રાહુલે રીક્ષા સોસાયટીમાં લેવડાવી અને પોતાનું બિલ્ડીંગ આવતા જ મીટર પ્રમાણે જે પૈસા થયા તે આપીને લેપટોપ બેગ લઈને એ ઉતરી ગયો. એનો ચહેરો ઉતરેલો હતો. ડોરબેલ દબાવી તો ઈશિતા એ હસતા મોઢે દરવાજો ખોલ્યો:

-હાય હેન્ડસમ, આવી ગયો તું? ખબર છે મેં તને કેટલો મિસ કર્યો? ઈશિતાએ એને એક હેતભર્યું આલિંગન આપ્યું, રાહુલે પરાણે સ્માઈલ કર્યું,  ઈશિતાએ રાહુલની પાસે માત્ર લેપટોપ બેગ જોઈને પૂછ્યું, ‘તારી ટ્રોલી બેગ ક્યાં?’ હવે રાહુલ ચમક્યો, રીક્ષામાંથી ઉતાવળમાં ઉતરતાં એ ફક્ત લેપટોપ બેગ લઈને જ ઉતરી ગયો હતો, રીક્ષાની પાછળ મુકેલી ટ્રોલીબેગ તો લેવાનું ભુલાઈ જ ગયું. અને રીક્ષાવાળો તો એને ઉતારીને જતો પણ રહ્યો.

-ઓહ ગોડ! ઈશિતા. ટ્રોલી બેગ તો રીક્ષામાં જ રહી ગઈ, હવે?

-હવે શું ?રીક્ષાવાળાના મનમાં રામ વસતા હશે તો બેગ પાછી આપવા આવશે, નહિ તો રામરામ. ઈશિતાએ કહ્યું.

-આજનો તો દિવસ જ ખરાબ છે, બસમાં મોબાઈલ ચોરાયો અને રીક્ષામાં બેગ ખોવાઈ.

-તું બસમાં આવ્યો? ઈશિતાએ આશ્ચર્યથી પૂછ્યું.

-સોરી, ડીયર. પણ મારી પાસે સામાન ખાસ નહોતો એટલે રીક્ષાના દોઢસો રૂપિયા ખર્ચવાનો જીવ ન ચાલ્યો.

-આટલા પૈસા કમાયા છતાં કંજૂસ નો કંજૂસ જ રહ્યો તું. દોઢસો રૂપિયા બચાવવાના લોભમાં કેટલાનું નુકસાન થયું, જનાબ? ઈશિતા બોલી. રાહુલે એને ‘સોરી’ કહ્યું, અને પછી બોલ્યો, ‘હું  પોલીસચોકીમાં કમ્પલેન લખાવી આવું?  

-પહેલા તારા મોબાઈલનું સીમકાર્ડ બંધ કરાવી દે અને પછી બાજુવાળા નેહલભાઈને સાથે લઇને  પોલીસચોકીએ જા. સેટેલાઈટ પોલીસચોકીમાં એમની ઓળખાણ છે. રાહુલ નેહલને લઈને પોલીસ ચોકીએ ગયો. ત્યાંથી પાછો આવ્યો, ત્યારે પોતાની ટ્રોલીબેગ પાછી મળી ગયેલી જોઇને એને ખુશી થઇ. સાથેસાથે રીક્ષાવાળાને માટે બોલાયેલા પોતાના શબ્દો,  ‘આજકાલ તો રીક્ષાવાળા પણ બહુ ફાટ્યા છે, મનમાની કરવા લાગ્યા છે.’ બદલ પસ્તાવો થયો.

 


તો?

તો?            પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

અમોલે  મૉલમાં ફરીને  નીપાએ લીસ્ટમાં લખ્યા મુજબની લગભગ બધી જ ચીજો ટ્રોલીમાં એકત્રિત કરી. ‘કંઈ રહી તો નથી જતું ને?‘  લીસ્ટ પર ફરીવાર નજર નાંખીને ચેક કર્યું, એક બે ચીજ રહી જતી હતી, તે પાછો આંટો મારીને એ લઇ આવ્યો, અને ફરી લીસ્ટ ચેક કરીને પછી ‘બધી જ ચીજ આવી ગઇ છે’ એવા મનોમન વિધાનથી  સંતોષપૂર્વક  એ કેશ  કાઉન્ટર તરફ આગળ વધ્યો. દર વખતે તો એ અને નીપા બન્ને સાથે આવીને જ ખરીદી કરતા. ખરેખર તો નીપા જ ખરીદી કરતી અને પોતે ટ્રોલી લઈને એની સાથે સાથે ચાલતો.  

બધું લેવાય જાય એટલે નીપા ગ્રીન સિગ્નલ આપે પછી અમોલ ટ્રોલી કેશ કાઉન્ટર પર લઈ લે. નીપા ચીજો ચેક કરી કરીને ટ્રોલીમાંથી કાઢીને કાઉન્ટર પર મૂકે. બીજી તરફ એટેડન્ટ થેલીમાં સામાન ભરી આપે. નીપા એના પર્સમાંથી મેમ્બરશીપ કાર્ડ આપે, એ કાર્ડમાં પોઈંટ્સ જમા થાય અને અમોલ એની પર્સમાંથી પૈસા અથવા ક્રેડિટ કાર્ડ આપે એટલે પેમેન્ટ થાય. એક્ઝિટ ડોર પર બીલ અને ચીજવસ્તુઓ ચેક થાય એટલે બન્ને કાર પાસે આવીને, સામાન મૂકી રવાના થાય.’ હું તો તારો કૂલી, કેશિયર અને ડ્રાઈવર છું’ અમોલ  કહેતો અને નીપા એના જવાબમાં, ‘હા, એ ખરું. પણ સૌથી અગત્યની વાત તું ભૂલી જાય છે અને તે એ કે તું મારો વર છે.” એ કહેતી અને બન્ને હસી પડતા.

અમોલને આ બધી પ્રોસીજર ( ભીડમાં બધે ફરવાનું – ભાવ જોવાના – પેમેન્ટ માટેની લાંબી લાઈનમાં ઉભા રહેવાનું)  નો બહુ જ કંટાળો આવે. એ નીપાને કહેતો, ‘આના કરતા આપણા કરિયાણા વાળાને ફોન પર લીસ્ટ પ્રમાણે ચીજ વસ્તુઓ નોંધાવીને મંગાવી લે તો એ  ફ્રી હોમ ડીલીવરી કરે કે નહીં ?’  નીપા કહેતી, ‘મોલમાં ઘણી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળતું હોય, અમુક ચીજમાં એક પર એક ફ્રી પણ હોય, શાક વીણીને અને જેટલું જોઈએ એટલું (૧૭૫ ગ્રામ પણ ) લેવાય, વસ્તુઓની ઘણી બ્રાન્ડ્સ હોય એટલે કમ્પેરીઝન કરીને રીઝનેબલ વસ્તુ લેવાય, ઉપરાંત મેમ્બરશીપ કાર્ડમાં પોઈંટ્સ જમા થાય, અમુક પોઇંટ્સ જમા થાય એટલે એના પર પણ વસ્તુ ફ્રી મળે.

કરિયાણાવાળાને ત્યાં આવું કંઈ મળે નહીં, ઉપરાંત કારીયાણાવાળા ને ત્યાં ગરમી હોય, જ્યારે મોલમાં તો એસી ની ઠંડક હોય, તને તો ખબર જ છે કે મને ઠંડક કેટલી પ્રિય છે, મારી ફેવરીટ સીઝન પણ શિયાળો છે.’ ‘હા, અને હું તને કાયમ કહું છું કે તારે તો અમેરિકા કે લંડન જેવા શીતપ્રદેશમાં જન્મ લેવા જેવો હતો.’ અમોલ હસીને કહેતો. નીપા કહેતી, ‘અરે ! તું જોજે ને, આવતા જન્મમાં હું ઉત્તર કે દક્ષીણ ધ્રુવ પ્રદેશમાં જ જન્મવાની છું.’ નીપા હસીને અમોલને કહેતી. ‘હા, પછી ‘એસ્કીમો’ ની જેમ ‘ઇગ્લુ’ માં રહેજે , અમોલ હસીને કહેતો.

‘પણ મોલમાં ફરી ફરીને જોવામાં આપણી કેટલી શક્તિ વેડફાય અને  કેટલો બધો સમય બગડે?’ અમોલ ફરીથી દલીલ કરતો.  ‘ઘરમાં તો તું તારા કામમાં અને હું મારા કામમાં વ્યસ્ત થઇ જઈએ છીએ, જ્યારે અહી  આપણે ખરીદીના બહાને તો સાથે સમય વીતાવી શકીએ છીએ ને? તું  મને એ તો કહે કે સમય બચાવીને તારે કરવુ છે  શું ? ટીવી. પર મેચ જોશે અથવા મોબાઈલ પર વોટ્સ એપ અને ફેસબુક કરશે કે ગેમ રમશે એ જ ને?’ નીપા કહેતી.‘તમારા લોકો (સ્ત્રીઓ) ની સામે કોઈ પણ દલીલ કરવી જ નકામી’  એમ બબડીને અમોલ ચુપ થઈ જતો.

છતાંય દર વખતે એ પરાણે નીપા સાથે મોલમાં ખરીદી માટે તો જતો જ. પણ આજની વાત જુદી હતી. આજે તો એણે એકલા જ ખરીદી માટે મોલમાં આવવું પડ્યું. ઘરમાં સાબુ, કઠોળ, શાકભાજી, દહીં, તેલ બધું જ ખલાસ થવા આવ્યું હતું, બન્ને આજે ખરીદી માટે આવવાના જ હતા. પણ આગલા દિવસે જ ઘરમાં અતિથીઓ એટલે કે સગામાથી ચાર પાંચ  મહેમાનો અચાનક  આવી પહોંચ્યા. ખરેખર તો એ લોકો ડાકોર જવા નીકળ્યા હતા, પણ અમદાવાદની નજીક આવીને એમની ગાડી બગડી. એટલે ગાડી રીપેર કરવા આપીને એ લોકો અમોલના ઘરે આવ્યા. ગાડી રીપેર થઈને આવે ત્યાં સુધી રોકાવાના હતા. એટલે નીપાએ ‘બધી ચીજવસ્તુઓ  એક જગ્યાએથી જ મળી જશે’  એમ સમજાવીને  અમોલને મોલમાં ખરીદી કરવા મોકલી આપ્યો અને  પોતે બધા માટે ચા નાસ્તાની સગવડ કરવામાં પરોવાઈ.

અમોલ બધી ચીજ વસ્તુઓ ભેગી કરીને ટ્રોલી લઈને કેશ કાઉન્ટર પર આવ્યો, ત્યાંજ એની નજર એની આગળ ટ્રોલી લઈને ઉભેલી એક સુંદર યુવતિ તરફ ગઈ. એણે પીળા રંગની લોંગ કુર્તી  અને બ્લ્યુ રંગનું જેગીન્ગ્સ પહેર્યું હતું. સ્ટાઈલમા કપાવેલા રેશમી છુટ્ટા વાળ ખભા સુધી લહેરાતા હતા. કાનમાં લાંબા ઇઅરરિંગ્સ શોભતા હતા. એક હાથમાં બ્રેસલેટ અને બીજા હાથમાં ઘડિયાળ પહેરેલું હતું. એણે લગાવેલા ઈમ્પોર્ટેડ પરફ્યુમની સુગંધ અમોલના નાકને તરબતર કરી ગઈ. અમોલની નજર એ યુવતી સાથે મળી કે તરત એ યુવતિએ પરિચિતતાનું સ્મિત આપ્યું.

 ‘વસુ?’  એ ઉત્સાહ પૂર્વક બોલી ઊઠ્યો, પછી જરા ખંચકાઈને સુધાર્યું, ‘વસુંધરા?’

 ‘હા, અમોલ, હું વસુ’

 ‘અહીં ક્યાંથી?’  અમોલે આશ્ચર્ય વ્યક્ત કર્યું. 

‘અહીં જોબ કરું છું, ગયા મહિને જ મુંબઈથી અહીં અમદાવાદમા ટ્રાંસફર મળી.’

‘સરસ, ઘણું સરસ’ અમોલ ઉત્સાહમાં આવી ગયો.

વસુંધરા અને અમોલે બન્નેએ વારાફરતી પેમેન્ટ કર્યું અને સામાન લઈને મોલની બહાર નીકળ્યા.

-કયા એરિયામાં રહે છે ? કેવી રીતે જઈશ ?  અમોલે પૃચ્છા કરી.

-સેટેલાઈટ રહું છું, રીક્ષામાં જઈશ.  વસુંધરાએ કહ્યું.

-સેટેલાઈટ મારે રસ્તામાં જ પડે છે, ચાલ મારી સાથે, મારી કારમાં તને તારા ઘરે મૂકી જાઉં. અમોલે કહ્યું.

વસુંધરા આનાકાની કર્યા વગર અમોલ સાથે કારમાં બેઠી.

‘આપણું સાત દોસ્તોનું ગૃપ કેટલું સરસ હતું.  જ્યાં જઈએ ત્યાં સાથે ને સાથે જ.’ અમોલે કાર ડ્રાઈવ કરતાં કરતાં કોલેજ જીવનના જુના દિવસો યાદ કરાવ્યા.  એક પછી એક વાત કાઢીને અમોલ બોલતો જ ગયો અને  વસુંધરા ચુપચાપ સાંભળતી રહી. સાંભળતા સાંભળતા એ અમોલને - આગળથી  ડાબે...હવે જમણે... કહીને પોતાના ઘરનો રસ્તો બતાવતી ગઈ.

‘બસ, મારું ઘર આવી ગયું.’  એક એપાર્ટમેન્ટ આગળ એણે અમોલને ગાડી ઊભી રાખવા કહ્યું. અમોલ એક ક્ષણ વિચારમાં એને તાકી રહ્યો અને પછી બોલ્યો,

-વસુ, એક વાત કહું, તું ખરાબ તો નહી લગાડે ને ?

-ના, બોલ શું કહેવું છે ? વસુ બોલી.

-વસુ, તે વખતે તુ મને બહુ જ ગમતી, હજુ પણ ગમે છે.

-હં, વસુએ ખાલી હોંકારો કર્યો.

-વસુ, કોણ જાણે કેમ પણ હું તને એ વખતે આ વાત કહેવાની હિંમત ન કરી શક્યો. ‘કદાચ તું ના  પાડી દે તો ?’ એવો મનમાં ડર લાગ્યો હશે, કે પછી હું કમાતો નહોતો એટલે મને આત્મવિશ્વાસ ન આવ્યો હોય.

-હં, હસુએ પાછો હોંકારો કર્યો. 

-વસુ, માની લે કે તને મેં તે વખતે લગ્ન માટે પ્રપોઝ કર્યું હોત તો ?’

વસુંધરા એક ક્ષણ અમોલની સામે તાકી રહી, પછી દરવાજો ખોલીને કારમાંથી ઉતરી, કારનો દરવાજો બંધ કર્યો. અને જરા ઝૂકીને, કારની વીન્ડોમાંથી અમોલની સામે જોઈને  હસીને બોલી,

- ‘તો  ?‘  અમોલ શ્વાસ રોકીને એને સાંભળી રહ્યો. વસુ બોલી, ‘ આવા ‘તો ?’ નામના પ્રશ્નનો  કોઈ જવાબ નથી હોતો, અમોલ, જે વખતે જે થવાનું હોય તે જ થાય છે, એના વિશે વિચારવું નકામું છે. થેન્ક્સ ફોર લીફ્ટ, બાય બાય.

અને પાછળ જોયા વિના વસુંધરા સડસડાટ ચાલતી થઇ.


તાળાને અનુરુપ ચાવી.

તાળાને અનુરુપ ચાવી.                         પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી

મીના અને એની ફ્રેન્ડ શીલા માર્કેટમાથી ખરીદી કરીને, પાછા વળતા સોસાયટીમા દાખલ થયા. પાર્કિંગ એરીયામા કાર પાર્ક કરીને બન્ને કારમાથી બહાર નીકળ્યા, અને જોયું તો મીનાની પુત્રવધૂ  અદિતી એના પુત્ર રાહુલને પાર્કિંગ એરિયામા એક સ્કુટર પર બેસાડીને એક વાડકામાથી દાળ-ભાત ખવડાવી રહી હતી. દોઢેક વર્ષનો પુત્ર રમત કરતાં કરતાં ખાતો હતો, એટલે થોડુ ખાવાનું એના કપડા પર, સ્કુટર પર અને નીચે જમીન પર પડતું હતું.

એક પળ માટે આ અરુચિકર દ્રશ્ય જોઇને મીનાના મનમા અણગમાનો ભાવ આવી ગયો. પરંતુ બીજી જ પળે એણે અણગમો મનમા જ છુપાવીને, કોમળ સ્વરે અદિતીને કહ્યું, ‘બેટા, આ શું કરે છે તું ? રાહુલને અહીં પાર્કિંગપ્લેસમાં શા માટે ખવડાવે છે ?’ અદિતીએ સ્વબચાવ કરતા કહ્યું, ‘શું કરુ મમ્મી, બહુ ટ્રાય કરી પણ રાહુલ ઘરમા બેસીને ખાતો જ નથી, એટલે છેવટે અહીં લઈ આવી. અહીં બધાને જોતો જોતો ખાઇ લે છે.’ મીનાએ કહ્યું, ‘તારી વાત બરાબર છે બેટા, પણ આ પબ્લિક પ્લેસ છે, અહીં કેટલાય લોકો આવતા - જતાં હોય,  બધાની નજર એકસરખી ના પણ હોય. આપણા લાડક્વાયા રાહુલને કોઇની ખરાબ નજર લાગી જાય, અને એ નજરાઇ જાય તો ?’

અદિતી મીનાની વાત સાંભળીને વિચારમા પડી, પછી એણે  કહ્યું, ‘ઓહ! મમ્મી. મને તો એ વાતનો ખ્યાલ જ ના રહ્યો, સારું થયું તમે મારું ધ્યાન દોર્યું તો. હવેથી એને ગમે તે રીતે સમજાવીને ઘરમા જ ખવડાવીશ.’ અને અદિતી રાહુલને લઈને તરત જ ચોથા માળે આવેલા એમના ફ્લેટમા જતી રહી. શીલા આશ્ચર્યથી મીનાની સામે જોઇ રહી હતી, તે જોઇને મીના હસી અને બોલી, ‘શીલા,તને મારી આવી વાત સાંભળીને નવાઇ લાગે છે ને ?’ શીલાએ કહ્યું, ‘હા યાર. નવાઇ તો લાગે જ છે. તું એક મોડર્ન વિચાર ધરાવતી આધુનિક નારી છે. એક પ્રખ્યાત  કંપનીમા ઉચ્ચ હોદ્દા પર રહી ચુકી છો. મેં તને ક્યારે પણ અંધશ્રધ્ધામા માનતી જોઇ નથી તેથી તારી ‘નજર લાગી જાય’ વાળી વાતથી મને  આશ્ચર્ય જરુર થયું છે.’

મીના હસીને બોલી, ‘એમા એવું છે ને શીલા,  જેને જે લાકડીથી હાંકી શકાય એને માટે તે લાકડી વાપરવી એવું હું જાત અનુભવે શીખી છું. અદિતી આજકાલના જમાનાની છોકરી છે. એને જો હું સીધે સીધું કહેત કે રાહુલને અહીં જમાડે છે તે સુરુચિપૂર્ણ નથી, એને ઘરમા જઇને ખવડાવ. તો એ મારી સાથે હજાર આર્ગ્યુમેંટ કરત. વાદવિવાદને અંતે કદાચ એ ઉગ્ર થઈને મને એમ પણ કહેત કે તમારે મને શીખવવાની જરુર નથી કે મારે છોકરાને કેમ ઉછેરવો.’

શીલાએ પુછ્યું, ‘પણ આ નજર લાગી જાય વાળી અંધશ્રધ્ધા ની વાત ના સમજાઇ.’ મીના બોલી, ‘તું પૂરી વાત સાંભળ  તો ખરી. અંધશ્રધ્ધા અદિતીને એની મમ્મી પાસેથી વરસામા મળી છે, અને મેં જોયું છે કે એ એને મક્કમતા પૂર્વક વળગી રહેવા માંગે છે. એટલે વાદ-વિવાદના  શસ્ત્રના બદલે મેં એની સામે અંધશ્રધ્ધાનું, એનું જ શસ્ત્ર વાપર્યું. અને તેં જોયું ને કે એ કેવું બ્રહ્માસ્ત્ર પુરવાર થયું. કેટલી સહેલાઇથી એણે મારી વાત માની લીધી. અને તું જોજે, હવેથી એ હમેશા રાહુલને ઘરમા બેસાડીને જ ખવડાવશે.’

શીલા અહોભાવથી મીનાને તાકી રહી અને હસીને બોલી, ‘કહેવું પડે યાર, તું તો બહુ ચાલાક નીકળી. હવે ખબર પડી, જોબમા તું કેવી રીતે ઉચ્ચ હોદ્દા પર પહોંચી અને વર્ષો સુધી ટકી રહી તે. માન ગયે જનાબ.’ મીનાએ શીલા સામે આંખ મીંચકારતા કહ્યું,’ એ તો એમ જ હોય સખી! તાળાને અનુરુપ ચાવી લગાડીએ તો ઓછી  મહેનતે તાળું ઝટ ખુલી જાય.’ અને બન્ને સખીઓ હસી પડી.


પરફેક્ટ મેચ.

પરફેક્ટ મેચ.              પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી

રોહિત એંજીનિયર થઈ ગયો અને એક સારી મોટી કંપનીમા ઊચ્ચ હોદ્દા પર નોકરીમા જોડાઇ ગયો એટલે એના મમ્મી-પપ્પાએ એના માટે છોકરીઓની માહિતી એકઠી કરવાનું શરુ કરી દીધું. રોહિત  હેન્ડસમ  અને સ્ટાઇલીશ હતો, વળી કપડા પણ મોંઘા અને બ્રાન્ડેડ પહેરતો એટલે વધારે શોભી ઊઠતો. ઘર પણ ઊંચુ અને ખાનદાન. સ્વાભાવિક છે કે આવા મુરતીયાની લગ્નબજારમા પણ માંગ વધુ જ હોય. પરણુ પરણુ કરતાં રોહિતને એના પરણેલા મિત્રો ચીઢવતા, ‘અલ્યા, લગ્ન એ તો લાકડાના લાડુ છે, જે ખાય તે પણ પસ્તાય અને જે ના ખાય તે પણ પસ્તાય.’ પરણવા માટે તૈયાર રોહિત કહેતો, ‘ભલે, તો હું તમારા લોકોની જેમ એ લાડુ ખાઈને પસ્તાવાનું પસંદ કરીશ.’

પોતાની ‘સ્વપ્નની રાણી’ વિશેના રોહિતના ખ્યાલો બહુ સ્પષ્ટ હતા. ‘એવી છોકરી જેનું સ્મિત માધુરી દિક્ષીત જેવું હોય, હાઇટ તબુ જેવી હોય, વાળ દિપીકા પદુકોણે જેવા હોય, આંખો અનુશ્કા શર્મા જેવી હોય, હોઠ બેબો એટલે કે કરીના કપુર જેવા હોય, બ્યુટી કેટરીના કૈફ જેવી હોય. જે એજ્યુકેટેડ હોય, સોફિસ્ટીકેટેડ હોય, ફેશનેબલ અને અપટુડેટ હોય...’ ઘણા સ્વપ્નીલ યુવાનો જીવનસાથી માટે  રોહિત જેવા ‘ખયાલી પુલાવ’ પકાવતા હોય છે અને પછી વાસ્તવિકતા સ્વીકારીને સમાધાન કરી જે મળી એ છોકરી સાથે પરણી જતા હોય છે.

રોહિતની પહેલી મુલાકાત ગોઠવાઇ શહેરના એક મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટની પુત્રી પ્રિયા સાથે. પ્રિયાએ બી.કોમ. પછી એમ.બી.એ. કર્યું હતું,  એની હાઇટ સારી હતી અને દેખાવે રુપાળી હતી. ડ્રેસિંગ સેન્સ પણ સારી હતી. આધુનિક વડીલોએ મુલાકાત દરમ્યાન બન્નેને એકાંતમા વાતચીત કરવાનો મોકો પણ કરી આપ્યો. ‘ફોન દ્વારા બે દિવસમા જવાબ જણાવીશું’ કહીને બન્ને પક્ષ છુટા પડ્યા. પ્રિયા તરફથી તો હા હતી પણ મમ્મી-પપ્પાએ પુછ્યું તો રોહિતે  કહ્યું, ‘પ્રિયા આમ બધી રીતે બરાબર છે, પણ એ મારા માટે પરફેક્ટ મેચ નથી.’ ’પરફેક્ટ મેચ કેમ નથી?’ એવું જ્યારે પપ્પાએ પુછ્યું તો રોહિતે કહ્યું, ‘એને જોઇને મારા દિલમા જે  ‘ક્લીક’ થવું જોઇએ તે થતું  નથી.’ ‘પહેલી મુલાકાતમા એવું ના પણ થાય, પણ મળતા રહો તો થાય પણ ખરું’ મમ્મીએ રોહિતને કહ્યું પણ રોહિતનું મન ના જ માન્યું એટલે પ્રિયા ચેપ્ટર ક્લોઝ થયું.

થોડા દિવસ પછી રોહિતની મુલાકાત ગોઠવાઇ આરતી સાથે. આરતી ડૉક્ટર -  એમ.બી.બી.એસ. હતી. આરતી ઇન્ટેલિજન્ટ અને સૌમ્ય હતી. પોતાનું ક્લીનીક હતું અને પ્રેકટીસ પણ ઠીક ઠીક હતી. એ અત્યંત રુપાળી તો નહોતી પણ પહેલી નજરે ગમી જાય એવી તો હતી જ. રોહિત – આરતી મળ્યા અને ‘પછી જવાબ આપીશું’ કહીને છુટા પડ્યા. આ વખતે પણ રોહિતનો એના મમ્મી-પપ્પાને જવાબ હતો, ‘આરતી ઇસ ઓકે. બટ ધેર ઇઝ સમથીંગ મીસીંગ ઇન હર, વીચ આઇ વોન્ટ. શી ઇઝ નોટ માય પરફેક્ટ મેચ.’

હવે રોહિતના મમ્મી-પપ્પા મુંઝાયા, વિચારમાં પડ્યા, ‘રોહિતની પરફેક્ટ મેચ કેવી હશે?’  રોહિતની  ત્રીજી મુલાકાત ગોઠવાઇ અનન્યા સાથે, કોઇ પણ યુવાન પહેલી મુલાકાતમા જ ’હા’ પાડી દે તેવી  લાવણ્યમયી હતી અનન્યા. બ્યુટિ વીથ બ્રેઇન હતી. આર્કિટેક્ચરનો અભ્યાસ  કર્યો હતો અને ‘ઈન્ટિરીયર  ડેકોરેટર’ તરીકે નામના કમાવાની મહત્વાકાંક્ષા હતી એની. પણ આપણા રોહિતભાઇ. અનન્યાને જોઇને એનું દિલ ધક-ધક નહોતું કરતું, અનન્યામા પણ એને કશુંક ખુટતું હતું, એ એની પરફેક્ટ મેચ નહોતી. મમ્મી-પપ્પાએ એ પછી પણ રોહિતને ૫-૬ છોકરીઓ બતાવી, પણ રોહિતને એમાંની  કોઇ પોતાની ‘સ્વપ્નની રાણી’ લાગી નહીં.

મમ્મી-પપ્પા હવે કંટાળ્યા હતા. અરે ! રોહિતનો ખાસ  દોસ્ત પણ સમજી નહોતો  શકતો  કે આવી  સારી છોકરીઓ રોહિતને ગમતી કેમ નથી. એના પુછવાથી રોહિતે  કહ્યું,:

‘નથી ગમતી તો મને નથી ગમતી કોઇ, એનુ કારણ ના પુછ યાર,

જ્યારે મળી જશે મારી પરફેક્ટ મેચ, હા પાડતા નહી લગાડું વાર.’

રામ જાણે ક્યારે આવશે તારી પરફેક્ટ મેચ......અને અંતે એ ઘડી આવી ખરી. રોહિતના એક ખાસ દોસ્ત આનંદની બહેન  અમિતાના લગ્ન લેવાયા. લગ્ન સમારંભમા અમિતાની  વડોદરા રહેતી ફ્રેંન્ડ સોનલ આવી. સોનલને જોઇને પહેલી નજરમા જ રોહિતનું દિલ ધક ધક કરવા લાગ્યું. એના બત્રીસે કોઠે દીવા સળગી ઊઠ્યા. ‘બસ આ જ મારી સ્વપ્નની રાણી, આજ મારી પરફેક્ટ મેચ.’ રોહિત  બોલી ઊઠ્યો. અમિતાએ કહ્યું, ‘ સ્વપ્ન ના જુવો રોહિતભાઇ, સોનલની વડોદરામા એક છોકરા સાથે વાતચીત ચાલી રહી છે, એક-બે દિવસમા જવાબ પણ આવી જશે.’

રોહિત તો આ સાંભળીને ઠંડો જ પડી ગયો. પણ પછી આનંદ અને અમિતાને કહેવા લાગ્યો, ‘પ્લીઝ, તમે લોકો કંઇ પણ કરો પણ સોનલ સાથે મારું ગોઠવી આપો. એ જ મારી સ્વપ્નમૂર્તિ છે, એના વિના હું નહી રહી શકું. એજ મારી પરફેક્ટ મેચ છે.’ ‘એ કઈ રીતે, રોહિતભાઇ, આજે તમે પહેલી વાર જ તો સોનલને મળ્યા છો?’ અમિતાએ પુછ્યું.  ‘તને એ નહી સમજાય અમિતા. યાર, આનંદ, હવે તો તુ જ મને કંઇ મદદ કર.’

‘ઓકે, ઓકે. રોહિત. હું અને અમિતા સોનલને મનાવી જોઇયે.’ ‘થેંક્સ, યાર. અને હું મારા મમ્મી-પપ્પાને વાત કરું છું.’ રોહિતે કહ્યું.

આનંદ અને અમિતાના સતત પ્રયત્નથી છેવટે રોહિત - સોનલની મુલાકાત ગોઠવાઇ. બન્નેના મમ્મી-પપ્પા પણ મળ્યા. વિગતવાર વાતચીત થઈ. રોહિતને પોતાની ‘ડ્રિમગર્લ’ હાથવેંતમા લાગી. અંતે રોહિતની અધીરાઇનો અંત આવ્યો, સોનલના તરફથી રોહિત માટે ‘હા’ આવી. રોહિત તો આનંદથી ઊછળવા લાગ્યો. રોહિતના મમ્મી-પપ્પાએ પણ નિરાંત અનુભવી, ‘છેવટે છોકરો  ડાળે વળગ્યો ખરો.’ દસ દિવસમા સારો દિવસ જોઇ બન્નેની સગાઇ થઈ. રોહિત તો સાતમા આસમાનમા  વિહરવા લાગ્યો. લગ્નનું મુહુરત ૬ મહિના પછીનું નીકળ્યું. રોહિત - સોનલ હવે એકબીજાને વારંવાર મળવા લાગ્યા, ફોન પર વાતચીત થવા લાગી. એક - બીજાને ઓળખવા લાગ્યા.

કોણ જાણે કેમ પણ લગ્નનો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો, તેમ તેમ રોહિતની બેચેની વધવા લાગી. ના સમજાય એવો અજંપો એને ઘેરી વળ્યો હતો. એને આમ મુંઝાયેલો - મુંઝાયેલો જોઇને આનંદે પુછ્યું, ‘શું વાત છે, યાર. આજકાલ તું કંઇ ખોવાયેલો ખોવાયેલો લાગે છે ? સોનલ સાથે કંઇ ઝઘડો તો નથી થયોને ?’

‘ના, ના. એવું કંઇ નથી, બધું બરોબર છે. છતાં મને હવે રહી રહીને એમ કેમ લાગે છે, કે સોનલમાં કંઇ ખૂટે છે, એ મારી પરફેક્ટ મેચ નથી.’ રોહિતે આખરે પોતાના જીગરી દોસ્ત સામે પોતાના દિલની વાત કહી જ દીધી. આનંદે એની પીઠ પર ધબ્બો મારતા કહ્યું, ‘બસ, આટલી જ વાત છે, ને ? લગ્નનું બીજું નામ જ સમાધાન છે. જો કે આ સમાધાન બન્ને પક્ષે હોય છે. સાંભળ, આ દુનિયામા કોઇને  પણ એની પરફેક્ટ મેચ મળી છે કે તને મળશે ?’  આનંદ ખડખડાટ હસી પડ્યો અને રોહિત માથું ખંજવાળતો એની સામે જોઇ રહ્યો.

જોક:

પત્ની: હું તમને કેવી લાગું છું?    પતિ: A B C D E F G H I J K…..

પત્ની: એટલે?   પતિ: Attractive, Beautiful, Cute, Daring, Elegant, Fashionable, Great, Hot…..

પત્ની:  અને  I J K…?    પતિ: I am  Just Kidding.


બેટી કુછ ભી માંગે તો ..

બેટી કુછ ભી માંગે તો ..                 પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-હલ્લો, કોણ બોલો ?

-ફોન તમે કર્યો છે, પહેલાં તમે કહો કે તમે કોણ બોલો છો ?

-હું ઈન્સ્પેક્ટર રાઠોડ બોલું છું. તમે ઉર્વશીના ઘરેથી બોલો છો ?

-હા, હું ઉર્વશીની મમ્મી બોલું છું.

-ઉર્વશીને એક્સિડન્ટ થયો છે, તમે વી.એસ. હોસ્પિટલ આવી જાઓ.

- ઈન્સ્પેક્ટર સાહેબ જલદી કહો, શું થયું છે મારી ઉર્વશીને ? એ સલામત તો છે ને ?

-હા, સલામત છે. તમે હોસ્પિટલ પહોંચો, પછી વાત કરીએ.

ઉર્વશી સવારે ટ્યુશન ક્લાસમાં એનું એક્ટિવા લઇને જવા નીકળી તે પછી  લગભગ ચાલીસેક મિનિટમાં ઈન્સ્પેક્ટર રાઠોડનો ઉર્વશીની મમ્મી શીલાબહેન પર ફોન આવ્યો. શીલાબહેન તો રડવા જ માંડ્યા. પડોશમાં રહેતા મીનાબહેને આ જોયું,  તેઓ તરત શીલાબહેનના ઘરે આવ્યા અને એમને રડવાનું કારણ પૂછ્યું. જ્યારે એમણે જાણ્યું કે ઉર્વશીને અકસ્માત થયો છે, અને એના પપ્પા આનંદભાઇ બહારગામ ગયા છે, ત્યારે એમણે પોતાના પતિ મહેશભાઈને  ફોન કરીને તરત ઘરે આવવા જણાવ્યું. મહેશભાઈની ઓફિસ ઘરની નજીક હતી એટલે તેઓ તરત પોતાની કાર લઈને આવ્યા, એમાં ત્રણે જણ હોસ્પિટલ પહોંચ્યા.

હોસ્પિટલમાં ઉર્વશી બેભાન પડી હતી. એક ટ્રકને ઓવરટેક કરવા જતાં એનું એક્ટિવા સામેથી આવતી કાર સાથે અથડાયું હતું. હેલ્મેટ પહેરી હોવાથી ઉર્વશીનું માથું બચી ગયું, પણ કારનું પૈડું એના એક પગ પરથી ફરી વળતાં એનો પગ કચડાઈ ગયો અને એ બેભાન થઈ ગઈ. કારચાલક તો ટોળું જમા થાય તે પહેલાં જ પોતાનો જીવ બચાવીને, કાર લઈને ભાગી ગયો હતો.  ત્યાં જમા થયેલા ટોળામાંથી કોઈએ એમ્બ્યુલન્સ બોલાવી અને  એને હોસ્પિટલ પહોંચાડી. અકસ્માતનો કેસ હોવાથી પોલીસને પણ બોલાવાઇ. ઈન્સ્પેક્ટર રાઠોડે ઉર્વશીના મોબાઈલમાંથી ‘હોમ’ ના નંબર પર ફોન કરીને શીલાબહેનને જાણ કરી.

શીલાબહેન તો બેભાન ઉર્વશીને  જોઈને હોસ્પિટલમાં જ ફસડાઈ પડ્યાં. મીનાબહેને એમને હિંમત આપી. જરુરી કાર્યવાહી-કાગળીયાં કરીને ઉર્વશીને ઓપરેશન થીયેટરમાં લઈ ગયા. ઉર્વશી બચી ગઈ પણ આ  એક્સિડન્ટ માં એણે પોતાનો એક પગ ગુમાવ્યો. ઉર્વશી માત્ર સોળ વર્ષની હતી, એણે ખોટી રીતે ઓવરટેક કર્યું હતું અને એની પાસે ડ્રાઈવીંગ લાયસન્સ પણ નહોતું એટલે કારચાલક સામે કોઇ કાનૂની કાર્યવાહી પણ કરી શકાય એમ નહોતી.

ઉર્વશીએ જ્યારે પોતાની સોળમી વર્ષગાંઠ પર એના પપ્પા પાસે એક્ટિવા માગ્યું, ત્યારે ઉર્વશીની મમ્મી શીલાબહેને, ઉર્વશીના પપ્પા આનંદભાઇને વાર્યા હતાં. ‘ઉર્વશી હજી નાની છે, એની પાસે લાયસન્સ ન આવે ત્યાં સુધી એક્ટિવા અપાવાય નહીં’  પણ ઉર્વશીએ કહ્યું, “મારી બધી ફ્રેન્ડ્સ પાસે બાઈક છે, મને પણ બાઈક જોઈએ.’  ‘અને પોલીસ પકડશે અને લાયસન્સ માંગશે ત્યારે ?’ શીલાબહેને કહ્યું.  ‘કોઈ પકડતું નથી, અને પકડે તો પચ્ચીસ-પચાસ રૂપિયા આપી દઈએ તો પોલીસ પણ જવા દે છે. મારા બધા ફ્રેન્ડસ એવું જ કરે છે.’ ઉર્વશીએ બહુ સ્વાભાવિકતાથી કહ્યું.

શીલાબહેનને આ વાત જરા પણ પસંદ ન આવી. પણ આનંદભાઈએ,  “એ સાસરે જતી રહેશે પછી થોડી જ કંઈ આપણી પાસે માંગવા આવવાની છે ?” કહીને ઉર્વશીને એક્ટિવા અપાવ્યું. અને આજે ઉર્વશી એ ભૂલની ભોગ બની ગઈ. એણે નાની ઉંમરે પગ ગુમાવવાનો વારો આવ્યો. આ કિસ્સામાં વાંક કોનો ? નાની ઉંમરે લાયસન્સ વગર એક્ટિવા ચલાવનાર ઉર્વશીનો ? એક્સિડન્ટ કરનાર કારવાળાનો ? કે ઉર્વશીની માગણીને તાબે થઈને એને કાચી ઉંમરે એક્ટિવા ચલાવવા આપનાર એના પપ્પાનો ?

આ કિસ્સો મને એટલા માટે યાદ આવ્યો કે  આજે  મેં વોટ્સએપ પર એક મેસેજ વાંચ્યો:

‘બેટી કુછ ભી માંગે તો બીના સોચે લાકર દેના ! ક્યોં કિ ઉસકી શાદી કે બાદ જબ આપ ઉસે કુછ ભી દોગે, તો ઉસકે શબ્દ યહી હોંગે-  ઇસ કી ક્યા જરૂરત થી પાપા ?’  આ મેસેજની નીચે લખ્યું હતું, ‘Don’t  Forget’

વિચાર્યા વગર આવા આવા મેસેજ વહેતા મૂકતાં મિત્રોને મારું કહેવું એવું છે, કે “બેટી બચાઓ  બેટી પઢાઓ” વગેરે વગેરે સૂત્રોથી બેટીના ગુણગાન ગાનારાઓ બેઝીક રૂલ્સ પણ ભૂલી ગયાં લાગે છે. બેટી હોય કે બેટો, સંતાન તો આખરે સંતાન છે. એ નાસમજ હોય પણ મા - બાપે નાસમજ થવાની જરૂર નથી.  સંતાનોને બહુ માથે ચઢાવવાની જરૂર નથી. પરિણામોની એને ખબર ના હોય, પણ તમને તો હોય છે ને ? તો સંતાનોને સાચી સમજ આપવાની ફરજ મા-બાપની છે, તમે એ ફરજ ચૂકશો નહીં, બસ, એટલું જ કહેવું છે.