Wednesday, 22 July 2020

પરિવર્તન.

પરિવર્તન.         પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

‘આજનું છાપું જોયું તમે ? લખ્યું છે, નવા બંધાઈ રહેલા બ્રીજનો કેટલોક ભાગ તૂટી પડતાં દટાઈ જવાથી ચાર મજૂરોનું મૃત્યુ અને બીજા કેટલાક મજુરો પણ દટાયા હોવાની આશંકા...’

  ‘હા, પણ...’

  ‘હજી આગળ તો સાંભળો,  બિલ્ડરકિંગ ગણાતા શહેરના જાણીતા બિલ્ડર રમેશભાઈ શાહની ધરપકડ અને પોલીસ દ્વારા કડક પૂછપરછ.’    

‘હા, પણ હવે...’   

‘હવે નહીં તો પછી ક્યારે તમે મારી વાત સમજશો ? દીકરા ઉપર દબાણ કરીને એને તો આપણાથી અળગો કરી જ ચુક્યા છો, હવે દીકરીની ઈચ્છાને કચડીને એને પણ...’     સુધાબહેન આક્રોશથી બોલ્યા અને પછી  છાપું સુમનરાય તરફ ફગાવીને રસોડામાં ચાલી ગયા, આંખોમાંથી અશ્રુઓની ધાર વહી નીકળી, એમને આજથી છ મહિના પહેલા ઘરમાં બની ગયેલો બનાવ યાદ આવી ગયો.

‘આજ સુધીમાં તને ઘણી છોકરીઓ બતાવી પણ તને તો કોઈ છોકરી પસંદ જ નથી આવતી. આ  મેઘનાબહેનની  દીકરી  રાજુલમાં શું ખોટ છે ? દેખાવે નમણી છે,  ફેશનેબલ છે, પૈસેટકે સધ્ધર ઘરની છે. ઋષિન બેટા, આમને આમ તો બધી સારી સારી છોકરીઓ પરણી જશે. પછી જેવીતેવી સાધારણ ઘરની છોકરી મળશે તો તને ગમશે ?’ અકળાયેલા સુધાબહેને પરણવા લાયક દીકરા ઋષિનને પૂછ્યું.

‘ના  નહિ ગમે.’  ઋષિને ટૂંકાક્ષરી જવાબ આપ્યો.

‘મમ્મી, મારા ભાઈ શું  કોઈનાથી કંઈ કમ છે ? હેન્ડસમ છે, ભણેલાગણેલા છે, ભાઈના માટે  જેવીતેવી સાધારણ  છોકરી આપણે લાવીએ પણ શા માટે ?’  રૂમમાં બેસીને  બુક વાંચી રહેલી ઋષિનની નાની નટખટ બહેન રમ્યા હસીને બોલી.

‘હું પણ એ જ તો કહું છું,  કે  રાજુલ જેવી સ્માર્ટ  છોકરીને ના પાડવાનું કારણ શું છે એ તો કહીશ કે નહિ ?’

‘કારણ તો....’   આગળ શું કહેવું તે એને સમજાયું નહિ, એટલે ઋષિન આટલું બોલીને અટકી ગયો,

‘તારા મનમાં શું છે એ બોલને બેટા, અચકાય છે શા માટે ?’  સુધાબહેને એને પ્રેમથી પૂછ્યું.

‘કારણ તો એ જ છે,  કે  એ મારા કરતાં હાઈટમાં ઓછી છે.’

‘જાવ જાવ ભાઈ,  આવું સાવ ખોટું ના બોલો. રાજુલની હાઈટ તમારાથી માંડ ત્રણ-ચાર ઇંચ ઓછી હશે.’

‘તને શું ખબર ?  તું ચુપ રહેને ચિબાવલી.’  ઋષિને રમ્યા સામે જોઈ ડોળા કાઢ્યા.

‘રમ્યાની વાત ખોટી તો નથી, ઋષિન. મને પણ એની હાઈટ ઓછી છે એવું તો નથી લાગતું. અને ધારો કે  હાઈટ જરાતરા ઓછી હોય તો પણ એ તે કંઈ કારણ છે એને નાપસંદ કરવાનું ?’

‘વો પરી કહાઁસે લાઉં તેરી દુલ્હન જિસે બનાઉં, કે ગોરી કોઈ પસંદ ન આયે તુજકો, કે છોરી કોઈ પસંદ ન આયે તુજ કો....ઓ... ઓ... ઓ ....’   રમ્યાએ રાગડો તાણીને, જીભ કાઢીને, અંગુઠો બતાવીને મોટાભાઈને ચીઢવતા કહ્યું. 

‘તું મારા હાથનો માર ખાવાની થઇ લાગે છે. ’  ઋષિને ચીઢાઈને રમ્યાને કહ્યું, પછી બોલ્યો,

‘મમ્મી, હું શરીરની કે કદની હાઈટ માટે નથી કહેતો,  વેવલેન્થ એટલે કે વિચારોની હાઈટ માટે કહું છું.’

‘તું  અમને કંઈ  સમજાય એવું બોલ, રાજુલમાં શું ખોટ છે એ વાત કર.’

‘મોમ, તું તો રાજુલ માટે આદુ ખાઈને મારી પાછળ પડી ગઈ છે. મને વિચારવાનો થોડો સમય તો આપ.’

ખરેખર તો  ઉમરલાયક દીકરા પર, એના લગ્ન માટે પોતાના વિચારોનું દબાણ કરવામાં સુધાબહેન જરા પણ માનતા નહોતા. પણ પતિની એ બાબતે તાકીદના કારણે આજે સુધાબહેન  ઋષિનને રાજુલ માટે ફોર્સ કરી રહ્યા હતા.

ગઈ રાત્રે બેડરુમમાં સુમનરાયે  સુધાબહેનને  કહ્યું હતું, ‘જો સુધા, રાજુલના ફાધર રમેશભાઈ એમના કન્સ્ટ્રકશનના ધંધામાં કરોડો રૂપિયા કમાયા છે, નાતના આગેવાન છે, મોટા મોટા નેતાઓ સુધી એમની લાગવગ છે. એમની એકની એક દીકરી રાજુલ બોલવે ચાલવે ચબરાક છે, સુંદર અને ગોરી તો એટલી છે કે જાણે હિન્દી પિક્ચરની હિરોઈન જ જોઈ લો. તું આ તારા લાડકા દીકરાને સમજાવ કે વધારે પડતો ભાવ ખાવાનું બંધ કરે, સમજી ?’

 ‘હું તો બધું સમજેલી જ છું, પણ તમે સમજો તો સારું કે – યુવાન છોકરાને એની મરજી વિરુદ્ધ લગ્ન માટે દબાણ કરવું સારું નહીં,’  હોઠ સુધી આવી ગયેલાં શબ્દોને પતિ સાથે  મહાયુદ્ધ થતું અટકાવવાના હેતુસર ગળી જઈને  સુધાબહેન બોલ્યા, ‘તમારી બધી વાત બરાબર, પણ રાજુલ ગ્રેજ્યુએટ પણ નથી થઇ, અને આપણો ઋષિન તો સી.એ.સી.એસ. થયેલો છે. એ બંનેનું મેન્ટલલેવલ પણ તો મેચ થવું જોઈએ ને ?’ 

બોલતાં તો સુધાબહેન બોલી ગયાં, પછી એમને પોતાને જ  લાગ્યું કે – ‘આખી દુનિયામાં કયા અને કેટલા પતિપત્નીનું મેન્ટલલેવલ મેચ થતું હશે ? પોતાની જ વાત લઇ લે, તો પોતે એમ.એ. બી.એડ. થયેલા, તક મળી હોત તો એ પી.એચ.ડી. પણ થઇ ગયા હોત અને પતિ સુમનરાય ? એમની વાતચીત, વિચારો અને વર્તન પરથી  અનુમાન કરવાનું મુશ્કેલ નથી કે એ કેટલું ભણ્યા હશે. પોતાને પસંદ કરવા આવ્યા ત્યારે ભલે એમણે કહ્યું કે પોતે  કોમર્સ ગ્રેજ્યુએટ થયેલા છે, પણ  આજ સુધી સુધાબહેનને નથી તો એમના કોઈ સર્ટીફીકેટ મળ્યા, કે નથી તો એ વાતની ખાતરી થઇ.’

લગ્નજીવનની  શરૂઆતમાં સુધાબહેને ઘણીવાર સુમનરાય આગળ ઉત્સાહથી પોતાના પ્રગતિશીલ વિચારો રજુ કરવાના પ્રયત્નો કર્યા હતા, પણ સુમનરાય એટલે ‘મિસ્ટર પરફેક્ટ’ ની ભ્રમણામાં રાચતો એક ઘમંડી જીવ. છેવટે સુધાબહેને - ‘ભેંસ આગળ ભાગવત કરવી નકામી છે.’ એમ માનીને પ્રયત્નો છોડી દીધાં હતા. ‘તું વળી ક્યાં આ મેન્ટલલેવલની માથાકૂટ લઈને બેસી ગઈ ? ભણીગણીને પણ બૈરાઓએ તો આખરે રસોડું જ સંભાળવાનું છે ને ? અને વરની હોશિયારી એ કેટલું ભણ્યો છે, એના પરથી નહીં પણ એ કેટલા રૂપિયા કમાઈને  લાવે છે, એના પરથી મપાય છે, સમજી ?’ સુમનરાયે પોતાની ‘કૂપમંડૂક’ એટલે કે ‘કૂવામાંના દેડકા’ જેવી વિચારસારણી રજુ કરી.

સુધાબહેનના હ્રદયમાં એક શૂળ ઉઠી,  ‘કમાવા અને ખાવાપીવા સિવાય પણ માણસને સારી રીતે જીવવા માટે બીજું ઘણું બધું જોઈતું હોય છે,  હુંફ  – લાગણી – પ્રેમ – આદર - પ્રોત્સાહન – પ્રતિભાવ – સહકાર –વગેરે.’ પણ  પતિને કંઈ કહેવું એટલે ‘પથ્થર પર પાણી’ રેડવું.’  એમ સમજી સુધાબહેન ચુપ જ રહ્યા.   કાશ ! પોતાના મમ્મીપપ્પાએ જ્યારે મુરતિયા તરીકે સુમનરાય વિશે  પૂછ્યું,  ત્યારે ચુપ રહેવાને બદલે, શરમસંકોચ છોડીને પોતાના દિલની વાત માબાપને કરી શક્યા હોત ! આમને પરણવાની ના પાડી શક્યા હોત તો કેટલું સારું થાત ! પણ ‘અબ પછતાવે હોત ક્યા જબ ચિડીયા ચુગ ગઈ ખેત ?’ એ વિચારે એમના મુખ પર  દુખની એક લહેરખી આવી ગઈ.

‘મોમ પ્લીઝ.  તું મારી વાત સમજવાનો પ્રયત્ન કર. મારે રાજુલ જેવી  કોઈ સુંદર પરી નથી જોઈતી, મારે તો એક સીધીસાદી અને સરળ હ્રદયની જીવનસાથી જોઈએ છે.’  મમ્મીને દુઃખી જોઇને ઋષિને એમને પ્રેમભરી એક ‘જાદુની ઝપ્પી’ આપીને કહ્યું.

‘બેટા, તને કોઈ બીજી છોકરી પસંદ છે ?’  ઋષિન રાજુલને શા માટે ના પાડી રહ્યો છે તેનું કારણ જાણવા માટે સુધાબહેને એને પૂછ્યું. એ સાથે જ પોતે દીકરાને એની પસંદગી રજુ કરવાની તક આપી રહ્યા છે, એ વાતે એમને સંતોષ થયો.

‘તમને લોકોને કઈ રીતે સમજાવું ? મમ્મી,  હું અને રાજુલ એકાંતમાં મળ્યા, ત્યારે એણે મને પૂછ્યું કે  ઘરમાં અને એક્સટેનડેડ ફેમીલીમાં ડસ્ટબીન કેટલા છે ?’

‘એટલે વળી શું ?’ સુધાબહેને નવાઈથી પૂછ્યું.

‘એકઝેટલી મમ્મી !  મેં પણ એને આ જ સવાલ પૂછ્યો. તો એણે મને કહ્યું, ‘તું તો સાવ ડમ્બ છે, એટલું ય સમજતો નથી ? ડસ્ટબિન  એટલે  ડોહાડગરા.  મતલબ કે - તારા મમ્મી – પપ્પા સિવાય તારા  કુટુંબમાં બીજા ઘરડાં લોકો -  મીન્સ કે  – દાદા – દાદી - કાકા – કાકી - મામા – મામી - માસી – માસા - ફોઈ – ફૂવા  વગેરે કેટલા જણા છે ?’ 

‘ઓહ !’  સુધાબહેન  આ વાત સાંભળીને આઘાત પામી ગયા.

‘યસ, મોમ, મેં પણ એનો સવાલ સાંભળીને એકઝેટલી આવું જ ફિલ કર્યું, અને આવો જ ઉદગાર કાઢ્યો.’ 

‘તો પછી આ રાજુલની વાત જવા દે, એના સિવાય જે ત્રણ છોકરીઓ જોઈ હતી, કેતકી, વસુધા અને સીમા, એમાંથી તને કોઈ મનમાં બેસે છે ખરી ?’  સુધાબહેને ઉત્સુકતાથી ઋષિનને પૂછ્યું. 

‘મમ્મી, એ બધી પણ, હોટલોમાં ખવડાવે પીવડાવે – શોપિંગ કરાવે – મુવી જોવા લઇ જાય – ગાર્ડનમાં ફેરવે – પોતાના મોજશોખનો ખ્યાલ રાખે એવો પતિ ઈચ્છનારી, પતિને પોતાની એકલીની જ મિલકત ગણે એવી, અને પરણીને સાસુ – સસરાથી અલગ રહેવાના સપના જુએ એવી – એકલપેટી છોકરીઓ હતી. મારે એવી કોઈ સ્વાર્થી છોકરી સાથે હરગીજ પરણવું નથી. તમે લોકો મારા માટે પૈસેટકે સુખી કે દેખાવે પરી જેવી રૂપાળી છોકરી  જોવાને બદલે, કોઈ સાધારણ ઘરની પણ સંસ્કારી  છોકરી કે જે વડીલોને ડસ્ટબીન ગણવાને બદલે એમને માન આપે, કેર કરે, અને મારા જેવા પ્રગતિશીલ  વિચારો ધરાવે એવી,  ટૂંકમાં કહું તો મારી સાથે જેનું મેન્ટલલેવલ મેચ થાય એવી છોકરી શોધો.’

સુધાબહેન આ સાંભળીને વિચારમાં પડી ગયા, એ જોઇને રમ્યા રમતિયાળ અંદાજમાં બોલી, ‘લો, આ તો કાંખમાં છોકરું અને ગામ આખામાં શોધ્યું, એવું કરી રહ્યા છો તમે લોકો.’

‘એટલે તું કહેવા શું માંગે છે ?’  રમ્યાની સામે જોઇને ઋષિન અને મમ્મી બંને એકસાથે બોલી પડ્યા.

‘ભાઈ  તમે આ રક્ષાબંધન પર મને એક નવો ડ્રેસ અપાવવાનું કબુલ કરો તો તમને કહું.’ રમ્યા બોલી.

‘જા રે જા, આવી મોટી  નવો ડ્રેસ લેવાવાળી. તને તો કાયમ મારા ખિસ્સા કેમ ખાલી કરવા તેવા આઇડીયા જ સુઝે છે, ખરું ને ?’

‘નવો ડ્રેસ તને  હું અપાવીશ. બોલ રમ્યા, તું શું કહેતી હતી ?’ સુધાબહેને ઉત્સુકતાથી પૂછ્યું.

‘યે હુઈ ના બાત ! જોયું ભાઈ,  મમ્મી કેવી  ઉદાર છે, અને તમે કેવા કંજૂસ છો તે.’

‘જા રે જા  લુચ્ચી.’

‘તમે બંને લડવાનું બંધ કરો, અને રમ્યા તું બોલ, તારા ધ્યાનમાં ઋષિન માટે કોઈ સારી છોકરી છે ?’

‘છે ને. તમે લોકો એને ઓળખો પણ છો, એટલું જ નહિ ઘણીવાર મળી પણ ચુક્યા છો.’

‘કોણ, તારી  ફ્રેન્ડ સૌમ્યા ?’  રમ્યાની વાત સાંભળીને ઋષિન અચાનક  બોલી ઉઠ્યો.

‘જોયું મમ્મી તેં ? એક જ ધડાકે ભાઈના મનની વાત કેવી પકડાઈ ગઈ.’  રમ્યા શરારતી અવાજે બોલી.

‘જા ને હવે.  મારા મનમાં એવું કંઈ નથી.’ ઋષિનને બીજું કંઈ સુઝ્યું નહિ એટલે એ બોલ્યો.

‘એવું કંઈ ના હોય તો તમે હવે એવું કંઈ વિચારો ભાઈ.  મમ્મી, સૌમ્યા એના નામ પ્રમાણે જ સ્વભાવે પણ સૌમ્ય છે, ઈન્ટેલીજન્ટ છે, એટલું જ નહીં ફેમીલી ઓરીયેન્ટેડ પણ છે. એના વિચારો પણ ભાઈના વિચારોની જેમ પ્રગતિશીલ અને પોઝીટીવ છે, અને સૌથી અગત્યની વાત તો એ છે કે....’

‘કે ?’ ઋષિને અધીરાઈથી પૂછ્યું.

‘કે સૌમ્યા ભાઈને પસંદ પણ કરે છે.’

‘તો તેં અત્યાર સુધી અમને કંઈ કહ્યું કેમ નહિ ?’ સુધાબહેન ખુશીથી બોલ્યા તો ખરા પણ પછી ‘પતિદેવ’  સુમનરાય, પૈસાદાર ઘરની રાજુલને પડતી મુકીને સાધારણ ઘરની આ સૌમ્યાને પસંદ કરશે કે કેમ એ વિચારે એમની ખુશી વરાળ થઇ ગઈ. તો પણ આશાભર્યા અવાજે એમણે કહ્યું,  ’ઋષિન, હું તારા પપ્પાને વાત કરી જોઉં.’

‘યે હુઈ ના બાત, દે તાલી !’ રમ્યાએ કહ્યું, ઋષિને એને તાલી આપી એટલે રમ્યાએ હસીને કહ્યું, ‘ભાઈ તમારી તો લોટરી લાગી ગઈ.’  અને ઋષિન  ‘થેન્ક્સ મોમ.’ કહીને મમ્મીને વળગી પડ્યો.

સાંજે જમ્યા પછી, બધા ડ્રોઈંગરૂમમાં બેઠા હતા ત્યારે સુધાબહેને, ઋષિન, રમ્યા અને પોતાની પસંદગીની કન્યા  સૌમ્યા માટેની વાત સુમનરાયને કહી, જે સાંભળીને  સુમનરાય ખુબ જ ગુસ્સે થઇ ગયા અને બોલ્યા,  ‘ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તૈલી ? છોકરાંઓ તો અણસમજુ છે, પણ તું તો તારી બુધ્ધિ વાપર. જો ઋષિન, રાજુલને પરણવાની હા પાડે  તો રમેશભાઈ  ઋષિનને પોતાના ધંધામાં પાર્ટનર બનાવવા તૈયાર છે. એટલું જ નહીં આપણને એક મોટી ગાડી  અને ત્રણ બેડરૂમનો ફ્લેટ આપવા પણ તૈયાર છે. લક્ષ્મી સામે ચાલીને ચાંલ્લો કરવા આવી રહી છે, ત્યારે તમે બધાં મોઢું ધોવા જાવ એવા ગમાર છો’

‘પણ તમે સાંભળો તો ખરા..’ સુધાબહેને એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ સુમનરાય તો ‘મારે કંઈ સાંભળવું  નથી, અને તમે લોકો પણ કાન ખોલને સાંભળી લો, આ ઘરમાં રહેવું હશે તો તમારે હું કહું એમ જ  કરવું પડશે, સમજ્યા ?’ પપ્પાની વાત સાંભળીને  ઋષિન અને રમ્યા સોફામાંથી ધીરેથી ઉઠીને ચુપચાપ પોતપોતાની  રૂમમાં જતા રહ્યા.

‘ગમાર અમે બધાં નહીં પણ તમે છો, જે દીકરાને કોરો ચેક સમજીને લગ્નના બજારમાં વટાવવા નીકળ્યા છો.’ એવા શબ્દો થૂંકની સાથે ગળી જઈને સુધાબહેન બોલ્યા, ‘છોકરાઓ હવે યુવાન થયા છે, એમની સાથે આપણે સાચવીને  ધીરજથી કામ લેવું જોઈએ.’ ‘છોકરાંઓની સાથે કેમ બોલવું  એ હવે તું મને શીખવાડશે ? તું બહુ ભણી છે, તે મને ખબર છે, પણ એનો અર્થ  એવો નથી કે  તું મને  શિખામણ આપવા બેસી જાય. બહુ હોંશિયાર હોય તો આ તારા છોકરાને જ સમજાવને.’ સુમનરાયનો પિત્તો ગયો, એ ઉઠીને ગુસ્સાથી પગ પછાડતા બેડરૂમમાં જતા રહ્યા.  

સુધાબહેનની આંખોમાં આંસુઓનું પુર ઉમટ્યું. એ મોડે સુધી સોફામાં બેસી રહ્યા. પછી  બેડરૂમમાં સુવા ગયા, પણ આજે નીદ્રાદેવી એમનાથી રિસાઈ ગયા હતા, મોડે સુધી એ પથારીમાં પડખા ઘસતા પડી રહ્યા. છેવટે  ‘મેં તો વગર વિચાર્યે  ખોટું પાત્ર પસંદ કરી લીધું છે, અને એની સજા પણ ભોગવી રહી છું, પણ મારા દીકરાની સાથે એવું નહિ થાય, એ માટે હું પુરેપુરી કાળજી લઈશ, પછી ભલે ને મારે પતિની વિરુદ્ધ  કેમ ન જવું પડે ?’ એવો  એક અડગ નિશ્ચય કર્યો, પછી તેઓ નિદ્રાધીન થયા.

આ બનાવના થોડા જ સમયમાં ઋષિન અને  સૌમ્યા કોર્ટમેરેજ કરીને પરણી ગયા, અને સુમનરાયનું ઘર છોડીને એક નાનકડો ફ્લેટ ભાડે લઈને ત્યાં રહેવા જતા રહ્યા. આ કાર્યમાં સુમનરાયથી છાનામાના કરી શકાય, એ બધી જ મદદ રમ્યા અને સુધાબહેને એમને કરી. એમાં  સૌમ્યાના મમ્મીપપ્પાનો પણ પુરેપુરો સપોર્ટ રહ્યો.

‘સુધા, રમ્યાને આગળ ભણવા માટે અમેરિકા જવું હોય તો ભલે જાય.’ સુમનરાયે રસોડામાં આવીને વિચાર વમળમાં અટવાયેલા સુધાબહેનને ધીરેથી કહ્યું. સુધાબહેનને પોતાના કાન પર વિશ્વાસ નહીં બેઠો, પતિમાં આવેલા આ સુખદ પરિવર્તનને એ  અવિશ્વાસથી તાકી રહ્યા. ‘મારી સામે આમ શું જોઈ રહી છે ? સાચું કહું છું, રમ્યા આવે ત્યારે એને કહેજે કે અમેરિકા જવાની તૈયારી શરુ કરે.’ સુધાને આ વાત કહેતી વખતે સુમનરાયને – ‘પોતાના નાના ભાઈની તેર વર્ષની દીકરી સુહાની એને મોબાઈલ ન અપાવવાના નજીવા કારણસર ગળે ફાંસો ખાઈને મરી ગઈ’ એ વાત યાદ આવી ગઈ.

‘તમને ખબર છે, રમ્યા આ વાત સાંભળશે ત્યારે શું કહેશે ?’ સુધાબહેન ઉત્સાહમાં આવીને બોલ્યા.

 ‘ના, તું જ કહી દે ને એ શું કહેશે ?’ સુમનરાયે પૂછ્યું.

 ‘એ  ખુશીથી ઝૂમી ઉઠશે અને પછી કહેશે – યે હુઈ ના બાત, દે તાલી ! બોલતા સુધાબહેનથી તાલી લેવા માટે પતિ સુમનરાય તરફ હાથ લંબાવાઈ ગયો. અને એમના આશ્ચર્ય વચ્ચે સુમનરાયે હસીને એમને તાલી આપી, અને પહેલી જ વાર પતિ પત્ની બંને એકસાથે હસી પડ્યા.  


Tuesday, 21 July 2020

અમારું નહીં આપણું.


અમારું નહીં આપણું.           પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

‘અમારે ત્યાં તો કોઈ આવું  મોડે સુધી સૂઈ રહીને સવારે ૯ વાગ્યે ઊઠે એવું નથી બનતું, પછી ભલે ને આગલે દિવસે કેટલા પણ મોડા સૂતા હોય, બધાએ સવારે ટાઈમસર ઉઠી જવાનું એટલે ઉઠી જ જવાનું.’

વહુ અમૃતા જ્યારે સવારે ૯ વાગ્યે ઊઠી ત્યારે સહેજ નારાજગીથી, જરા કઠોર શબ્દોમાં સાસુજી રસીલાબહેને ઉપર મુજબનું વિધાન એને સંભળાવ્યું. હજી તો  દસ દિવસ પહેલા જ પરણેલા અને પરણીને હનીમુન કરવા ગયેલા પુત્ર અક્ષય અને પુત્રવધુ અમૃતા ગઈ કાલે  રાત્રે જ ઘરે પાછા ફર્યા હતા. બધા માટે બહારગામથી લાવેલા તે ગીફ્ટ આપવામાં, અને બધા સાથે બેસીને વાતો કરવામાં રાત્રે સુતા એક વાગી ગયો હતો.

બીજા બધા તો કાયમની ટેવ મુજબ સવારે વહેલા એટલે કે પોતપોતાના નિયત સમય પ્રમાણે ઉઠી ગયા હતા, માત્ર અમૃતા જ મોડી એટલે કે નવ વાગ્યે ઉઠી હતી. અમૃતાના મોડા ઉઠવાથી અકળાયેલા રસીલાબહેને એને જરા આકરા શબ્દોમાં આ ઘરની રીતરસમ અંગે જણાવી દીધું. મમ્મીનું આવું વચન સાંભળીને ત્યાં હાજર રહેલો  દિકરો અક્ષય સ્તબ્ધ થઇ ગયો, અને પતિ રમેશભાઈ પણ એક ક્ષણ તો અવાચક થઈ ગયા. ‘હવે શું થશે?’ ની ફિકરમાં શું કહેવું તે બે માંથી એકે ને સુઝ્યું નહીં. ‘વાતને કઈ રીતે વાળી લેવી કે પરિસ્થિતિને કઈ રીતે કાબુમાં લેવી ?’  એ વિશે હજી તો અક્ષય કંઈ વિચારે અને કંઈ કહે તે પહેલાં તો – અમૃતા જ બોલી પડી, ‘પણ અમારે ત્યાં એવું નહીં, મમ્મીજી. રાત્રે સૂતા મોડું થયું હોય તો બીજે દિવસે સવારે મોડા ઊઠવાની છૂટ.’

અમૃતાના આ વાક્યે જાણે ધરતીકંપ થયો. અક્ષય અને રમેશભાઈ બન્ને ધ્રૂજી ગયા. આ ઘરમાં વડીલોની સામે આ રીતે સ્પષ્ટપણે કે નિર્ભિક રીતે આવું વિધાન કરવાની અક્ષય કે પ્રકાશ, બેમાંથી એક પણ છોકરાએ હિંમત કરી નહોતી. છોકરાંઓની તો વાત છોડો, પતિ  રમેશભાઈ પણ પત્ની રસીલા આગળ મૃદુતાથી અને સંપૂર્ણ માનપૂર્વક પોતાની વાત રજૂ કરતાં. સાચી વાત કહેવાની સૌને છૂટ હતી, પણ એક મર્યાદામાં રહીને અને ખુબ નમ્રતાપૂર્વક, અનુકૂળ સમય જોઈને સૌ પોતાની વાત રસીલાબહેન સામે રજૂ કરતાં. અને વાત યોગ્ય હોય રસીલાબહેન દ્વારા એનો સ્વીકાર પણ જરૂર થતો જ. ઘરનું વાતાવરણ ખુબ જ શાલીન અને સંસ્કારમય હતું.

રસીલાબહેન છોકરાઓની અને પતિની ખુબ કાળજી રાખતા, બધાને ભાવતા ભોજન બનાવતા, બધાના સમય સાચવતા, ઘરનો તમામ વહીવટ કુશળતાપૂર્વક કરતા. મહેમાનોની આગતા સ્વાગતા અને સગા વહાલાઓ સાથેનો વહેવાર પણ ખુબ સારી રીતે સાચવતા. એટલે જ પતિ અને બાળકો ઘરની કોઈ પણ બાબતે નચિંત રહીને પોતાના ક્ષેત્રે પ્રગતિ કરી શકતા હતા. આજ સુધી પતિ અને બંને બાળકો, બાળકો શાના હવે તો જુવાનો  પર એમની એક એકહથ્થુ સત્તા ચાલતી હતી. રસીલાબહેન ખુબ પ્રેમાળ હતા, પણ એમને ગુસ્સો ખુબ જલદી આવતો, જો કે એટલો જ જલ્દી ગુસ્સો ઉતરી પણ જતો. ઘરમાં બધાએ  એમના આ સ્વભાવને સ્વીકારી લીધો હતો.

અમૃતાના બોલ્ડ જવાબની  રસીલાબહેન પર શું  અસર થશે અને એનું રીએક્શન શું આવશે તે જાણવા પિતા – પુત્ર બન્ને અધ્ધર શ્વાસે જોઈ રહ્યા, એટલું જ નહિ હવે પછી જે વાકયુદ્ધ થશે એના સમાધાનનો રસ્તો શું, એ પણ વિચારી રહ્યા. થોડીવાર માટે તો  રસીલાબહેનના મુખભાવ તંગ થયા, પછી જરાવાર એ વિચારવા રહ્યા, આંખો બંધ કરીને બેત્રણ  ઊંડા શ્વાસ લીધા, પછી આંખો ખોલીને ધીમા સ્વરે કહ્યું,

-અમૃતા,  પ્રકાશ (નાનો  દિકરો) નું ટીફિન લેવા ૧૧ વાગ્યે  ડબ્બાવાળો  આવી જશે, અને તારા પપ્પા (રમેશભાઈ) પણ જમીને ૧૨ ની બસમાં વડોદરા જવાના છે, કિચનમાં ચાનાસ્તાના વાસણો એમ જ પડ્યા છે, હજી શાક સમારવાનું બાકી છે, અને લોટ બાંધવાનો પણ બાકી છે, અધૂરામાં પૂરું આજે મહારાજે (કુક) અચાનક રજા પાડી દીધી છે, અને અત્યારે સવારના નવ વાગી ગયા છે, સમય ઓછો છે અને કામ વધુ છે, એટલે મારાથી ટેન્શનમાં એવું બોલાઈ ગયું, સોરી, બેટા.
અને સ્તબ્ધતા તૂટી. અક્ષય અને રમેશભાઈ, બંનેએ નિરાંતનો શ્વાસ લીધો. પણ તેઓ નવાઈથી રસીલાબહેન સામે જોઈ રહ્યા. એમણે રસીલાબહેનને આટલી વિનમ્રતાથી બોલતા કે આટલી સહેલાઈથી માફી માગતા ક્યારેય જોયા નહોતા. ‘સાસુજી’ની માનદ પદવી પામેલા રસીલાબહેનમાં આવેલો આ મજાનો બદલાવ એમને ગમ્યો તો ખરો, પણ હવે આગળ શું થશે  એ જાણવા તેઓ ઉત્સુકતાપૂર્વક બંનેને જોઈ રહ્યા. 

- મમ્મીજી,  હું ઘરમાં હોઉં ત્યારે તમારે ઘરના કામકાજ અંગે કોઈ પણ જાતનું ટેન્શન લેવાનું નથી, હવે હું આવી ગઈ છું એટલે તમારી જવાબદારીમાં ભાગ તો પડાવીશ જ, એટલું જ નહિ આપણે જરૂર પડશે ત્યારે ઘરના જેન્ટ્સ મેમ્બરોની મદદ પણ લઈશું. શું કહો છો, અક્ષય તમે અને પપ્પાજી તમે,  અમને  કામમાં મદદ કરશોને ?

‘પણ અમને તો રસોઈ બનાવતા નથી આવડતી’ અક્ષય અને રમેશભાઈ બંને એકસાથે બોલી ઉઠ્યા. ‘ભલે ને રસોઈ બનાવતા ન આવડે, બીજા નાના મોટા કામમાં તો મદદ કરી જ શકો ને ?’ અમૃતા બોલી. ‘એ લોકોને કિચનનું કંઈ કામ નથી આવડતું’ રસીલાબહેન બોલ્યા. ‘નથી આવડતું તો આપણે શીખવશું’ અમૃતા હસીને બોલી અને પછી ઉમેર્યું, ‘પણ મમ્મીજી, હમણા તો તમે મારી એક વાત સ્વીકારો એવું હું ઈચ્છું છું.’
‘કઈ વાત?’  રસીલાબહેન નવાઈથી અમૃતાને તાકી  રહ્યા.

‘મમ્મી, હું તમારી પુત્રવધૂ છું, એટલે કે પુત્રથી પણ વધુ – વધારે છું. હવે પછી તમે મને જ્યારે પણ કંઈપણ  કહો ત્યારે, ‘અમારે ત્યાં આવું ન હોય’ ના બદલે ‘આપણે ત્યાં આવું ન હોય’  એમ કહેવાનું છે, અને હક્કપૂર્વક કહેવાનું છે.. કેમ કે હવે હું સંપૂર્ણપણે - કાયદાકીય રીતે તો ઘરની સભ્ય બની જ ચૂકી છું, પણ ભાવનાત્મક રીતે પણ તમારા સૌની સાથે જોડાઈ ચૂકી છું’  અમૃતા બોલી.  ‘તારી વાત મને મંજૂર છે, બેટા’  કહીને રસીલાબેને એને ગળે લગાવી લીધી.

’તો ચાલો, મમ્મી. આપણે આપણા કર્મક્ષેત્રે સંચરીએ એટલે કે રસોડામાં જઈએ ?’ અમૃતા બોલી અને સૌ હસી પડ્યા, અને આખું ઘર એક હળવાશ અને પ્રસન્નતાથી છલકાઈ ગયું.

આ ચલ કે તુજે મૈ લેકે ચલું.


આ ચલ કે તુજે મૈ લેકે ચલું.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

વેકેશન પડ્યું એટલે જીયા અને જહાન, બંને બાળકો બહારગામ ફરવા લઇ જવાની જીદ કરવા માંડ્યા. થોડા સમય પહેલાં જ લોન લઈને અતુલે આ બે બેડરૂમ - હોલનું ઘર ખરીદ્યું હતું, એના હપ્તા ચાલુ હતા. બાળકોને  સ્કુલમાં જવા આવવા માટે તો  સ્કૂલબસ આવતી હતી, પણ એમને ક્લાસમાં લેવા મુકવા જવા માટે વાહનની જરૂરીયાત હતી. રક્ષાબંધન, વર્ષગાંઠ અને કેટલાક પ્રસંગોમાં મળતી ભેટના તેમ જ ઘરખર્ચમાં કરકસર કરીને નિરાલીએ થોડા પૈસા બચાવ્યા હતા, બાકીના પૈસા અતુલે એક ફ્રેન્ડ પાસે ઉછીના લઈને નિરાલી માટે એક સ્કુટી ખરીદી લીધું. એટલે બાળકોને ક્લાસમાં લેવા મુકવા જવાની સગવડ તો થઇ ગઈ.

આવા સંજોગોમાં બાળકોની બહારગામ ફરવા લઇ જવાની જીદને લઈને અતુલ અને નિરાલીએ વિચારી જોયું, તો બંનેને લાગ્યું કે બહારગામ ફરવા જવા માટે તો પૈસાનો મેળ પડે એમ નથી. બાળકોને જ્યારે આ વાત કરી ત્યારે બંને બાળકો નિરાશ થઇ ગયા. એવામાં નિરાલીના ભાભીનો ફોન આવ્યો, ‘નીરાલીબહેન, તમારા ભાઈ તમને ખુબ યાદ કરે છે, અને તમારો લાડકો ભત્રીજો આર્જવ પણ જીયા અને જહાનને મિસ કરે છે. બાળકોને વેકેશનની રજા પણ છે, તો તમે ચારે જણ વેકેશન માણવા વડોદરા આવી જાવ, આપણે અહીંથી સરદાર સરોવર ફરવા જઈશું.’ જીયા – જહાન તો મામાના ઘરે જવાના વિચાર માત્રથી ઉત્સાહિત થઇ ગયા.

અતુલને ઓફિસમાં અગત્યનું કામ હોવાથી એને તો રજા મળે એમ નહોતું. એટલે નિરાલી એકલી જ બાળકોને લઈને થોડા દિવસ માટે પિયર ગઈ. હરવા ફરવામાં અને મોજ મસ્તી કરવામાં વેકેશન ક્યાં પૂરું થઈ ગયું તે ખબર પણ ન પડી. અતુલ એમને લેવા આવ્યો, એટલે બધા અમદાવાદ પાછા ફર્યા. બીજે દિવસે સવારે અતુલ ઓફીસ ગયો, બાળકો સ્કુલમાં ગયા, પછી નિરાલીએ બેગ ખાલી કરી,  ફર્નીચર સાફ કર્યું, ઘરમાં થોડું ઠીકઠાક કર્યું. કામવાળી ઝાડુ – પોતું અને વાસણ કરીને ગઈ, પછી મેગેઝીન વાંચતા  નિરાલી થોડી આડી પડી. ઉઠીને ફ્રેશ થઈને એ બજારમાં શાકભાજી  લેવા ગઈ. પાછા વળતા  સોસાયટીના પાર્કિંગમાં સ્કુટી પાર્ક કરતી વખતે એની નજર ગઈ, તો પાર્કિંગ એરીયામાં શેફાલીની રેડ મર્સિડીઝ કાર એને દેખાઈ નહીં, ‘ઉપડયા હશે મેડમ કોઈ મોલમાં  શોપિંગ કરવા, મારે શું ?’ એમ મનોમન બબડીને નિરાલી લીફ્ટમાં દાખલ થઇ.

શાકભાજીની થેલીઓ ઘરમાં મુકીને નિરાલી પડોશમાં રહેતી શીલાને ત્યાં દહીં મેળવવા માટેનું  મેળવણ લેવા ગઈ. પડોશીઓના હાલચાલ પૂછતાં શીલાએ  કહ્યું,: ‘નિરાલી, તું તો અહીં હતી નહીં, એટલે તને કદાચ એ વાતની ખબર નહિ હોય’  ‘કઈ વાતની ખબર નહિ હોય ?’ નિરાલીએ પૂછ્યું. ‘અરે ! યાર, ચારપાંચ દિવસ પહેલાં જ શેફાલી અને એના હસબન્ડની વચ્ચે જોરદાર  ઝઘડો થયેલો.’ ’અચ્છા ! કઈ બાબતમાં ઝઘડો થયો ?’ નિરાલીને શીલાની  વાતમાં રસ પડ્યો.

 ‘ઝઘડો તો – સાચી ખોટી વાત તો ભગવાન જાણે, પણ એવું સાંભળવા મળ્યું  કે - મુકેશભાઈની ઓફીસમાં ઇન્કમટેક્સ વાળાના દરોડા પડ્યા, ઇન્કમટેક્સવાળાએ મુકેશભાઈની ઓફીસ અને આખું ઘર ફેંદી નાખ્યું, ઘરમાં હતાં એટલા રોકડા રૂપિયા અને ઘરેણા કબજે લીધાં, બેંકના ખાતાઓ અને લોકર્સ સીલ કર્યા.’
‘ઓહ ! પછી શું થયું ? નિરાલીને વાત સાંભળીને ઉત્સુકતા થઇ.
‘પછી  મુકેશભાઈએ શેફાલીને થોડા દિવસ સાવચેત રહેવા અને ખોટા ખર્ચાઓ બંધ કરવા સૂચનાઓ આપી,  તો શેફાલીએ ગુસ્સે થઈને મુકેશભાઈને ઘણું એલફેલ સંભળાવ્યું.’ શીલાએ માહિતી આપી.
‘ઓહ ! મને તો આ બધી વાતની કંઈ ખબર જ નથી. અતુલે પણ આ બાબતમાં મને કંઈ વાત જ નહિ કરી.’ નિરાલીએ આશ્ચર્ય પામીને કહ્યું.
‘અતુલભાઈ તો આમ પણ કેટલા શાંત સ્વભાવના છે, કોઈના ઝઘડામાં ક્યારેય  રસ લેતા નથી.’ શીલાએ કહ્યું. ‘
‘હા, એ વાત સાચી. એ ભલા અને એમનું કામ ભલું. પણ પછી શું થયું ?

 ‘શેફાલીના અણીયાળા શબ્દોથી મુકેશભાઈ  છંછેડાયા અને બોલાચાલી દરમ્યાન એમણે શેફાલીને વાંઝણી કહ્યું. પછી તો શેફાલીની કમાન છટકી, અને એ બે જણ વચ્ચે ભયંકર ઝઘડો થયો. શેફાલી ઘર  છોડીને પોતાના પિયર જતી રહી. અને એણે મુકેશભાઈની સામે માનહાનીનો દાવો કરીને, કોર્ટમાં છુટાછેડાની અરજી દાખલ કરી.’  શીલાએ કહ્યું.  

‘આ તો બહુ ખરાબ થયું, મુકેશભાઈ તો બધી તરફથી મુશ્કેલીમાં મુકાઈ ગયા.’ શીલાની વાત સાંભળીને નિરાલી વિચારમાં પડી, એને  પોતે વેકેશનમાં વડોદરા ગઈ તે પહેલાનો બનાવ યાદ આવ્યો. ‘બજારમાંથી શાકભાજી અને કરિયાણું ખરીદી લાવીને, પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગ એરીયામાં સ્કુટી પાર્ક કરતી વખતે નિરાલીએ જોયું તો,  નવીનકોર, ચકચકિત લાલ  રંગની મર્સિડીઝ કાર પાર્ક કરીને, બ્રાન્ડેડ કપડાના ચાર પાંચ બોક્ષ લઈને ઉંચી એડીના સેન્ડલ પહેરીને ગર્વીલી ચાલે શેફાલી કારમાંથી ઉતરી. લીફ્ટમાં પણ શેફાલીના કીમતી કપડામાંથી આવતી વિદેશી પરફ્યુમની તીવ્ર મીઠી સુગંધ શેફાલીના નાકમાં ઘુસી ગઈ.

થોડી ક્ષણ માટે બંનેની નજરો મળી, નિરાલીએ સ્માઈલ આપ્યું, પણ શેફાલીએ તે જોયું ન જોયું કરીને પોતાના આઈફોનમાં વ્યસ્ત થઇ ગઈ. આમ તો નિરાલીને બધી જ સુગંધ ખુબ જ પ્રિય હતી, પણ આજે એને શેફાલીના મોંઘામાંના  ઈમ્પોર્ટેડ પરફ્યુમની સુગંધમાંથી શેફાલીના ઘમંડની બદબૂ આવી, એની  હાજરીથી એક જાતનો અણગમો થઇ આવ્યો. એણે શેફાલી સામેથી નજર ખસેડી લીધી.  ‘શેફાલીનું  આઠમા માળે આવેલું ભવ્ય પેન્ટહાઉસ, એની પોતાની મર્સિડીઝ કાર, અને એના હસબન્ડ મુકેશભાઈની જગુઆર કાર, છોકરાઓની ઝંઝટ નહિ, બંને પતિપત્ની  પોતપોતાની રીતે ફાવે ત્યાં જવા માટે છુટ્ટા. બંનેની  વરસની ઓછામાં ઓછી એક વિદેશની ટુર તો ખરી જ. ભગવાન જાણે એનો હસબન્ડ શું ય ધંધો કરતો હશે તે પૈસાની રેલમછેલ. અને પોતાની પાસે ? એક નાનકડી સ્કુટી, અતુલ પાસે સેકન્ડહેન્ડ મારુતિકાર, બે બેડરૂમનું ઘર, એમાં સાધારણ એવું ફર્નીચર.’  શેફાલી વિષે વિચારતાં  નિરાલીને શેફાલીના ભાગ્યની અદેખાઈ થઇ આવી.

‘તું શું વિચારમાં પડી નિરાલી ?’ શીલાએ પૂછ્યું. અને નિરાલી વિચારોમાંથી જાગૃત થઈને હસીને બોલી, ‘અરે ! કંઈ નહીં, આ શેફાલીની વાત સાંભળીને જરા નવાઈ લાગી. પણ એના વિષે  પછી નિરાંતે વાત કરીશું. હમણાં તો તું મને  મેળવણ આપી દે, એટલે હું જાઉં. હજી જમવાનું બનાવવાનું બાકી છે,  છોકરાઓ અને અતુલ આવતાં જ હશે.’

મેળવણ લઈને આવેલી નિરાલીને પોતાના બે બેડરૂમના સાધારણ ઘરમાં  પ્રવેશતાં જ એક અદભુત પ્રસન્નતાનો અહેસાસ થયો. અતુલનું પ્રિય ગીત ‘આ ચલકે તુજે મૈ લેકે ચલું એક ઐસે ગગનકે તલે, જહાં ગામ ભી ન હો આંસુ ભી ન હો બસ પ્યાર હી પ્યાર પલે, એક ઐસે ગગનકે તલે....’ ગીત ગણગણતા નિરાલીએ હળવાશભર્યા મૂડમાં આવીને  સાંજની રસોઈની શરૂઆત કરી.

Wednesday, 29 April 2020

નવજીવન. (પ્રેરણાત્મક વાર્તા)


નવજીવન. (પ્રેરણાત્મક વાર્તા)     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

સરલાબહેન અર્ધ નિદ્રામાં હતાં, અને એ કરુણ દ્રશ્ય એમને ફરીથી દેખાયું. એ સાથે જ એ ઝબકીને જાગ્યા. આટલી ઠંડીમાં પણ  આખા શરીરે પરસેવો વળી ગયો. જ્યારથી એ કમનસીબ બનાવ બન્યો, ત્યારથી એટલે કે લગભગ ચૌદ-પંદર દિવસથી એમની ઊંઘ વેરણ થઇ ગઈ હતી. સુતા - જાગતા કે કોઈ કામ કરતા હોય ત્યારે અચાનક એ દ્રશ્ય એમની આંખ સામે આવી જાય, અને એ છળી ઊઠે.
એમણે જાગીને સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો, સાડીના પાલવથી ચહેરા પરનો પરસેવો લૂછ્યો. પલંગની બાજુમાં મુકેલા જગમાંથી ગ્લાસમાં કાઢીને બે ઘૂંટડા પાણી પીધું. સામેની દીવાલ પર લગાવેલા ઘડિયાળમાં જોયું તો સવારના પાંચ વાગ્યા હતા. એમના રોજનો ઊઠવાનો સમય થઇ ગયો હતો. પલંગમાંથી પગ નીચે મૂકતાં પહેલા જ એમણે પોતાની બે હથેળીઓ પર નજર માંડી, અને  ટેવવશ એમના મુખેથી શ્લોક સરી પડ્યો, 
‘कराग्रे वसते लक्ष्मिः करमध्ये सरस्वति । करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम् ॥‘
પલંગ પરથી માંડ માંડ  જમીન પર પગ મુકીને તેઓ નીચે ઉતર્યા, ડગમગતી ચાલે બાથરૂમમાં  ગયા, બ્રશ કરીને ડ્રોઈંગરૂમમાં આવ્યા. આટલું કરતાં તો જાણે કેટલાય માઈલ સુધી ચાલીને આવ્યા હોય એમ તેઓ થાકી ગયા, સોફામાં ધબ દઈને બેસી પડ્યા, અને હાંફતી છાતી પર હાથ મુકીને ભરાઈ આવેલા શ્વાસને નોર્મલ કરવાનો પ્રયાસ કરવા લાગ્યા.  પછી આંખ ઉઠાવીને જોયું ત્યારે ડ્રોઈંગરૂમમાં સામેની દિવાલ પર લટકતી પોતાના બાર વર્ષના પૌત્ર સુમેહની સુખડના હાર ચઢાવેલી તસવીર પર નજર ગઈ, એ જોઇને ફરીથી છાતીમાં ડૂમો ભરાઈ આવ્યો. અને અત્યાર સુધી  ખાળી રાખેલો આંસુઓનો  બંધ તૂટી પડ્યો, એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.
ત્યાં જ એમના મુખ પર એક કોમળ હથેળીનો સ્પર્શ થયો. એમની પૌત્રી સીમોનીએ પોતાના હાથથી  એમના આંસુ લૂછતાં કહ્યું, ‘દાદી, તમે રડો નહિ, પ્લીઝ’ એ જ વખતે બેડરૂમમાંથી બહાર આવેલો એમનો  પુત્ર રોહિત બોલ્યો, ‘મમ્મી, ડોકટરે તમને કહ્યું છે ને કે રડવાથી તમારી તબિયત પર ખરાબ અસર થશે. માટે તમે હવે રડવાનું બંધ કરો અને થોડા રીલેક્સ થાવ’ પાછળથી આવેલી સરલાબહેનની પુત્રવધુ સોનાલીએ  કહ્યું, ‘મમ્મી, તમારે માટે હું ચા-નાસ્તો લઇ આવું. ચા – નાસ્તો કરીને તમે તમારી બ્લડ પ્રેશરની દવા લઇ લો, અને પછી આરામ કરો.’    
ચા – નાસ્તો કરીને બ્લડ પ્રેશરની દવા લઈને સરલાબેન પ્રાત:કર્મ પતાવવા પોતાની રૂમમાં આવ્યા. નાહી પરવારીને સેવાપૂજા કરતી વખતે આંસુઓના રેલા ફરીથી એમના ગાલ પર વહી નીકળ્યા, એ બોલ્યા, ‘મારા વહાલા, આ તને શું સુઝ્યું ? મારા જેવા પાકટ પાનને છોડીને કુમળી કળી જેવા મારા બાળકને તારા ઘરે બોલાવી લીધો ? અમે તારો  એવો તે શું ગુનો કરી નાખ્યો જેની આવી સજા તેં અમને કરી ?
અને તાજેતરમાં બની ગયેલો એ કમનસીબ બનાવ સરલાબહેનના દિલો દિમાગમાં કોઈ સિનેમાના રીલની માફક ભજવાયો. વાત જાણે એમ બની હતી કે આજથી લગભગ પંદર દિવસ પહેલા એક સવારે સ્કુલમાં જવા માટે તૈયાર થઈને સુમેહ  ફ્લેટના પગથીયા ઉતરી રહ્યો હતો. રોજ કરતાં આજે એ પાંચ મિનીટ મોડો હતો, એટલે સ્કુલવાન છૂટી ન જાય એટલા માટે  ઉતાવળે પગથીયા ઉતરવા ગયો. હડબડાટીમાં એના જ હાથમાં રહેલી વોટરબોટલ એના પગમાં અટવાઈ અને અડબડિયું ખાઈને છ સાત પગથીયા એકસામટા કુદાવીને એ ઉંધા માથે પટકાયો.  
એ સાથે જ એનું માથું પગથીયાની અણીયાળી ધાર સાથે જોરથી અથડાયું. અને લોહીની ધાર ફૂટી નીકળી, એનાથી એક કારમી ચીસ પડાઈ ગઈ. ચીસ સાંભળીને બિલ્ડીંગનો  વોચમેન  દોડી આવ્યો, એણે  ફટાફટ  ઉપર જઈને રોહિતભાઈને આ બનાવાની જાણ કરી. એ સાથે જ રોહિતભાઈ અને સોનાલીબહેન દોડતાં નીચે આવ્યાં. પપ્પાના કહેવાથી સીમોની એની દાદીને  લઈને લિફ્ટમાં નીચે ઉતરી. અવાજ સાંભળીને પડોશીઓ પણ દોડી આવ્યા. સુમેહને આ હાલમાં જોઇને બધા લોકો  ઘભરાઇ ગયા. તરત જ કોઈએ એમ્બ્યુલન્સ બોલાવી. દીકરી સીમોનીને દાદીનું અને ઘરનું ધ્યાન રાખવાનું કહીને રોહિત-સોનાલી, એમ્બ્યુલન્સમાં  સુમેહને  નજીકની હોસ્પિટલમાં લઇ ગયા.
હોસ્પિટલ પહોંચતાં જ ત્યાં હાજર ડોક્ટરે પરિસ્થિતિની ગંભીરતા સમજીને પોતાના સ્ટાફને ‘ઓપરેશન થિયેટર’ તૈયાર કરવાની સુચના આપી. અને  જરૂરી ટ્રીટમેન્ટ શરુ કરી દીધી. સુમેહને  લોહી ખુબ જ વહી ગયું હતું. એનું બ્લડપ્રેશર સતત નીચું જઈ રહ્યું હતું, પલ્સ પણ ધીમી થઇ રહી હતી. એનું  બ્લડગ્રુપ ટેસ્ટ કરીને હોસ્પિટલના બ્લડસ્ટોરેજમાંથી લોહીની બોટલ્સ તૈયાર રાખવાની સુચના અપાઈ ગઈ. પછી  એને તરત જ ઓપરેશન થિયેટરમાં લઇ જવાયો.
ઓપરેશન થિયેટરમાં લઇ જવાતાં સુમેહને જોઇને સોનાલીએ ડોક્ટરને રડમસ અવાજે પૂછ્યું, ‘ડોક્ટર, મારો દીકરો બચી તો જશે ને ?’ ડોકટરે એને ધીરજ બંધાવતાં કહ્યું, ‘અમે અમારાથી બનતું બધું જ કરીશું, બાકી તો બધું ઉપરવાળાના હાથમાં. ગોડ ઈસ ગ્રેટ.’ અને ઓપરેશન થિયેટરના બારણાં બંધ થયાં અને બહાર લાલ બલ્બ ઝબૂકી ઉઠ્યો. 
સોનાલી રોહિતના ખભા પર માથું મુકીને ધ્રુસકેધ્રુસકે રડી પડી. રોહિતે પોતાનું દુખ છુપાવીને એને કહ્યું, ‘સોનાલી, પ્લીઝ. શાંત થઇ જા. રડવાથી આપણો સુમેહ સાજો નહિ થઇ જાય. આપણે બંને ઈશ્વરને  પ્રાર્થના કરીએ, મારનારો એ છે તો તારનારો પણ એ જ છે.’ આ આકસ્મિક બનાવાની ખબર જેને જેને મળી, એ બધા સગાં-વહાલાંઓ અને પડોશીઓ હોસ્પિટલમાં મળવા આવી ગયા, અને રોહિત – સોનાલીને સાંત્વન આપીને ધીરજ બંધાવતાં ગયા.
હોસ્પિટલમાં આવવાની ના કહી હતી, અને તબિયત નરમ ગરમ ચાલ્યા કરતી હતી, એટલે સરલાબહેન સીમોની સાથે ઘરે હતાં. પણ એમના જીવને જરાય ચેન નહોતું પડતું. ઘરના મંદિરીયામાં, કૃષ્ણની પ્રતિમા આગળ બેસીને, આંખો બંધ કરીને, હાથ જોડીને, ઉચક જીવે તેઓ પોતાના જીવ જેટલા વહાલા સુમેહને બચાવી લેવા પ્રભુને સતત આજીજી કરતા રહ્યા. સીમોની પણ બેચેન તો હતી જ, પણ એણે એના દાદીને સંભાળવાના હતા એટલે પોતાની જાતને મજબુત કરીને એ દાદીને સંભાળી રહી હતી.
કહેવાય છે કે, ‘માણસના જન્મ અને મરણનો સમય પ્રભુએ નક્કી કર્યો જ હોય છે એ પ્રમાણે જ થાય છે. એના પર કોઈનો કાબુ નથી હોતો.’ સુમેહ પણ આટલું જ આયુષ્ય લઈને આવ્યો હતો. અનેક પ્રયાસો છતાં ડોક્ટર એને બચાવી ન શક્યા. ઉચ્ચક જીવે ઓપરેશન થિયેટરની બહાર બેઠેલા રોહિત - સોનાલીને ડોકટરે ઓપરેશન થિયેટરની બહાર આવીને કહ્યું, ‘Sorry, we can’t save him. Sumeh is brain dead. He is on Ventilator.’
સોનાલી  આઘાતની મારી અવાચક થઇ ગઈ, જાણે પુતળું જ જોઈ લો. રોહિતે ડોક્ટરને પૂછ્યું, ‘ડોક્ટર અમે સુમેહને જોઈ શકીએ ? ‘Yes, you can. Please come in.’ રોહિતે સોનાલીને ઢંઢોળી અને એને સંભાળીને  ઓપરેશન થિયેટરમાં જ્યાં સુમેહને રાખ્યો હતો ત્યાં લઇ ગયા. સુમેહની આવી સ્થિતિ જોઇને સોનાલીની આંખમાંથી અવિરત અશ્રુધાર વહેવા લાગી. રોહિતની મનોસ્થિતિ પણ  ડગમગી ગઈ હતી. સવારે ઉઠ્યો ત્યારે તો સુમેહ હસતો-રમતો-બોલતો-જીવતો-જાગતો હતો, અને અત્યારે ? એને વિચાર આવ્યો, ‘મમ્મીને કેવી રીતે ખબર આપું કે એમના લાડકા પૌત્રનું અસ્તિત્વ હવે ‘ventiletor’ નામના મશીન પર ટકી રહ્યું છે, જેવું મશીન હટાવ્યું કે ખેલ ખલાસ’
પણ ઘણા અણગમતા કામ આપણે કરવા જ પડતા હોય છે. રોહિતે જ્યારે ઘરે જઈને સુમેહના ખબર મમ્મી અને પુત્રી સીમોનીને આપ્યા ત્યારે એ અત્યંત ગમગીન થઇ ગઈ. અને સરલાબહેન ? એ તો બેભાન થઈને ઢળી જ પડ્યા. ડોકટરે આવીને એમનો ઉપચાર કર્યો અને પછી ઘેનનું ઇન્જેક્શન આપીને સુવડાવી દીધા. પોતાના ભાઈ-ભાભીને મમ્મીનું ધ્યાન રાખવાનું સોંપીને રોહિત પાછો હોસ્પિટલ આવ્યો.
ડોકટરે એમને પોતાની કેબીનમાં બોલાવીને  કહ્યું, રોહિતભાઈ – સોનાલીબહેન, તમારો પુત્ર તો આ દુનિયામાં હવે પાછો ફરે એવી શક્યતા સહેજ પણ નથી. પણ એના થકી તમે ધારો તો ત્રણ  વ્યક્તિને જીવનદાન આપી શકો એમ છો.’ ‘અમને તમારી વાત સમજાઈ નહિ, ડોક્ટર. અમે કઈ રીતે કોઈને જીવનદાન આપી શકીએ ?’ બંને એકસાથે  પૂછી બેઠા. ‘Organ Donation’ થી. ડોકટરે કહ્યું. અને પછી ઉમેર્યું, ‘સુમેહનું બ્રેઈન ડેડ થઇ ગયું છે, પણ એનું હૃદય હજી ધબકી રહ્યું છે, એ પણ વેન્ટીલેટર છે ત્યાં સુધી જ. એટલે એની આંખોનું દાન કરો તો કોઈ અંધ માણસને દ્રષ્ટિ મળશે. અને એની  કિડની અને લીવર બીજા બે માણસને જીવનદાન આપી શકશે.’
રોહિત અને સોનાલીએ એકબીજાની સામે જોયું અને પછી વિચારમાં પડ્યા. એમણે એકબીજા ઘણી ચર્ચા – વિચારણા  કરી. પછી  ડોક્ટર સાથેની  લાંબી વાતચીત પછી રોહિત – સોનાલીએ નક્કી કર્યું કે ‘સુમેહ એવી સ્થિતિમાં છે, જ્યાંથી એનું આ દુનિયામાં પાછા ફરવું શક્ય નથી. પણ એના થકી એક માણસને દ્રષ્ટિ અને બે માણસને જીવનદાન મળી શકે એમ છે, અને જીવનદાનથી મોટું બીજું કોઈ દાન નથી. મૃત્યુ પછી પણ પોતાનો પુત્ર પોતાના અંગો દ્વારા અન્યના શરીરમાં ધબકતો રહે તો એના જેવું પુણ્યનું  કામ બીજું કોઈ નથી’ એમ વિચારીને બંનેએ સુમેહના ‘Organ Donation’ માટે સંમતિ આપી દીધી.
સરલાબહેને જ્યારે આ વાત જાણી ત્યારે તેઓ પુત્ર અને પુત્રવધુ પર ખુબ નારાજ થયા, એમને પોતાના પૌત્રના  ‘Organ Donation’ એટલે કે ‘અવયવ દાન’ ની વાત જરાય ન ગમી. અને એમના આ નિર્ણયનો વિરોધ કર્યો. એમનું માનવું હતું કે ‘મૃત્યુ પછી દેહની વાઢકાપથી મરનારનો જીવ અવગતે જાય છે.’ રોહિત – સોનાલીએ  એમને બહુ સમજાવ્યા, કહ્યું, ‘મમ્મી, સુમેહ તો મૃત્યુ પામીને પણ એક વ્યક્તિની દુનિયામાં અજવાળું લાવશે, અને બીજા બે વ્યક્તિને જીવાડશે. અને જીવનદાનથી મોટું બીજું કયું પુણ્ય હોઈ શકે ? આવું પુણ્ય કરનારનો આત્મા કઈ રીતે અવગતે જાય ?’ છેવટે સરલાબહેન મનેકમને આ વાત માનવા તૈયાર થયા, અને સુમેહની આંખો અને અવયવોનું દાન કરવામાં આવ્યું.
‘મમ્મી, તમારી રૂમમાંથી બહાર આવો, જુઓ તમને મળવા કોણ આવ્યું છે ?’ ભગવાનની મૂર્તિની સામે મૂર્તિમંત બનીને બેઠેલા સરલાબહેન રોહિતની બુમ સાંભળીને વર્તમાનમાં પાછા ફર્યા. ધીમે ધીમે એ પોતાના રૂમમાંથી બહાર આવ્યા. જોયું તો  પચ્ચીસેક વર્ષનો એક યુવાન, એક ચાલીસેક વર્ષના લાગતા ભાઈ અને એક પચાસથી બાવન વર્ષની મહિલા ડ્રોઈંગરૂમમાં સોફામાં બેઠા હતા. સરલાબહેન બહાર આવ્યા એટલે એ ત્રણેય ઉભા થઇ ગયા અને એમને પગે લાગ્યા.
સરલાબહેન આગંતુકોને ઓળખી ન શક્યા એટલે મૂંઝવણમાં પડ્યા. સીમોનીએ કહ્યું, ‘દાદી, તમને યાદ છે, આજે  કયો દિવસ છે ?’ સરલાબહેને નકારમાં માથું ધુણાવ્યું એટલે સીમોની બોલી, ‘દાદી, આજે સુમેહનો  બર્થડે છે.’ ‘જ્યારે મારો લાડકો  સુમેહ જ આ દુનિયામાં નથી રહ્યો, ત્યારે મારે માટે તો બધા દિવસો એક સરખા દુખના ડુંગરા જેવા છે, બેટા’ બોલીને સરલાબહેને નિસાસો નાખ્યો.  રોહિતે કહ્યું, ‘મમ્મી, આજે સુમેહની વર્ષગાંઠના દિવસે ખાસ આ લોકોની મરજીને માન આપીને  એમને આપણા ઘરે બોલાવ્યા છે, તેઓ આપણને કશું કહેવા માંગે છે.’ ‘સુમેહના મૃત્યુનો ઘા હજી રૂઝાયો નથી, ત્યારે આ ત્રણ અજાણ્યા માણસોને  ઘરે બોલાવવાનો શું મતલબ છે ?’ તે સરલાબહેનને ન સમજાયું, એટલે તેઓ ચુપ જ રહ્યા.
પેલો યુવાન સોફામાંથી ઉભો  થયો, અને આગળ વધીને એણે રોહિતભાઈના પગ પકડી લીધા, બોલ્યો, ‘તમારા પુત્રની આંખો થકી આ સુંદર અને અદભુત જગતને હું જોઈ શક્યો છું. મારા જીવનના અંધારા દુર કરીને તમે સૂરજનો પ્રકાશ ફેલાવ્યો છે, મારા જીવનને તમે જીવવા લાયક  બનાવ્યું છે. તમારો આભાર માનું એટલો ઓછો છે, મેં  પણ મૃત્યુ પછી મારી આંખોનું દાન કરવાનું નક્કી કર્યું છે’ એની વાત સાંભળીને સૌને ખુબ ખુશી થઇ.
યુવાન સાથે આવેલા આધેડ ભાઈએ  ગળગળા અવાજે હાથ જોડીને કહ્યું, ‘તમારા પુત્રની કિડનીના કારણે હું આજે જીવિત છું, તમે મારી પત્નીને વિધવા અને મારા બાળકોને અનાથ – લાચાર થવામાંથી ઉગારી લીધા છે, ભાઈ તમારો આભાર માનું એટલો ઓછો છે, મેં પોતે તમારા પુણ્યકાર્યથી પ્રભાવિત થઈને મારા ફેમિલીને કહી દીધું છે, કે મારા મૃત્યુ પછી મારા અવયવો કોઈને કામ લાગે એમ હોય તો તમે અવશ્ય એમ કરવાની પરવાનગી આપજો.’ આધેડ બહેન બોલ્યા, તમે મને તમારા પુત્રનું લીવર દાનમાં આપ્યું જેના કારણે હું આજે જીવિત છું, અને મારા પૌત્રનું મોઢું જોવા ભાગ્યશાળી બની છું. મેં નક્કી કર્યું છે, કે મૃત્યુ પામીશ ત્યારે આ નશ્વર દેહનું દાન કરીશ, જેથી મેડીકલના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા એ કામમાં આવે.’
થોડીવાર પછી એ ત્રણે જણા વારંવાર સૌનો આભાર પ્રદર્શિત કરીને ગયા. એ ત્રણેયની વાત સાંભળીને   સરલાબહેનને સમજાયું કે આ લોકો શા માટે ઘરે આવ્યા હતા. પોતાનો પૌત્ર મૃત્યુ પામીને પણ અમર થઇ ગયો, બીજા લોકોને કામમાં આવ્યો, તે જાણીને એમના જીવને એક જાતના આનંદની – ગૌરવની લાગણી થઇ. પુત્ર અને પુત્રવધુ સામે સરલાબહેને પોતાના પૌત્રના  ‘અવયવ દાન’ નો  કરેલો વિરોધ યાદ આવ્યો. એમને પોતાની ભૂલ સમજાઈ. ‘Organ Donation’  એટલે કે ‘અવયવ દાન’ નું   મહત્વ હવે એમને સમજાયુ. ‘જાગ્યા ત્યારથી સવાર’ એમ મનોમન બોલીને એમણે પોતે પણ પોતાના  મૃત્યુ પછી, ‘અવયવ દાન’ કે  ‘દેહદાન’  કરવાનો નિશ્ચય બધાની સામે જણાવ્યો, ત્યારે સૌએ એમને એમના આ ‘જીવનદાન’ ના નિશ્ચય બદલ બિરદાવ્યા.