Friday, 5 July 2019

પ્રભુની બક્ષિસ.

પ્રભુની બક્ષિસ.            


એક ખાનગી નર્સિંગ હોમના વેઈટીંગ રૂમમાં, વિમળાબેન સોફાની પોચી સીટમાં ઉચાટભેર બેઠા હતા. નજર વારંવાર લેબર રૂમના દરવાજા પર જઈને પાછી વળતી હતી. સામેની દીવાલ પર, શ...  શ...  શ...  લખાણ સાથેનું એક અત્યંત ક્યુટ બેબીનું, હોઠ પર આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઈશારો કરતુ પોસ્ટર લગાવેલું હતું. એના પર નજર પડતાં જ વિમળાબેનના મોં પર ક્ષણભર માટે એક અજબ પ્રસન્નતા અને વાત્સલ્યની લહેર આવી ગઈ. પણ પછી નજર ફરી પાછી લેબર રૂમના દરવાજા પર જતા ડીલીવરી માટે અંદર ગયેલી વહાલસોઈ દીકરી નીપાની યાદ આવતાં જ જીવ ફરી ઉચાટમાં આવી ગયો.
‘હે મારી અંબા મા,  સ્ત્રીની પ્રસુતિ એટલે એનો બીજો જનમ, મારી દીકરીની આ પ્રસુતિ હેમખેમ પાર પાડજે, એને અને સંતાનને હેમખેમ રાખજે.’ એમ મનોમન પ્રાર્થના કરીને પછી વિમળાબેને પતિની સામે જોયું. વિનયભાઈએ આંખોના ઇશારે ‘બધું બરાબર થઇ જશે, ચિંતા ન કર’ એમ કહ્યું.  ઓપરેશન રૂમનો દરવાજો ખૂલ્યો, લેડી ડોક્ટર બહાર આવ્યા અને હસીને બોલ્યા, ‘કોન્ગ્રેચ્યુલેસન્સ, વિમળાબેન-વિનયભાઈ, તમે બંને નાની અને નાના બન્યા છો, લક્ષ્મીજી પધાર્યા છે, બંનેની તબિયત સારી છે, દસ – પંદર મીનીટમાં નીપાને  રૂમમાં લાવીશું.’

‘લ્યો, નાનીમા. ખુબ ખુબ અભિનંદન ! હવે તો રાહત થઇ ને ?’ વિનયભાઈ બોલ્યા. ‘હા, ખુબ ખુબ પાડ મારી અંબામાનો, તમારે આખી રાતનો ઉજાગરો છે, થાક્યા હશો, હવે તમારે ઘરે જવું હોય તો જાવ,’ ‘અરે, તને શું લાગે છે, હું એટલો બધો થાકી ગયો હોઈશ કે લક્ષ્મીજીનું મોં જોયા વગર જ જતો રહીશ ? તારે એકલીએ જ એ લહાવો લેવો છે કે ?’  વિનયભાઈએ કહ્યું. આ સાંભળીને વિમળાબેન હસ્યા. નીપાને રૂમમાં લઇ આવ્યા એટલે એટલે વિનયભાઈએ એને માથે હાથ પસવારીને અને વિમળાબેને ઓવારણા લઈને ખુશી વ્યક્ત કરી. નાનકડી મજાની અને નીપાની પ્રતિકૃતિ સમાન એની ઢીંગલી જેવી દીકરીને જોઈને તો બંને આનંદવિભોર થઇ ગયા, બંનેને નીપાનું બાળપણ સાંભરી આવ્યું.  

‘ચાલ બેટા, હવે હું જાઉં અને જીજ્ઞેશને મોકલું, એણે તાકીદથી કહ્યું છે કે ‘મને તરત જ જણાવજો કે હું મામો બન્યો છું કે મામી ?’ ત્રણે જણ આ સાંભળીને હસી પડ્યા. ‘નીપાને સાસરે ખબર આપી દેજો’ વિમળાબેને વિનયભાઈને યાદ કરાવ્યું. ‘ત્યાં ખબર આપવાની શી ઉતાવળ છે, મમ્મી. આપણે ઘરે જઈશું પછી ફોન કરીશું.’ નીપાએ ઉદાસ સ્વરે કહ્યું. ‘બેટા, આપણી ફરજ આપણે નહીં ચૂકવાની, એમની વાત એ જાણે’ નીપાની ઉદાસી અને વિમળાબેન આવું બોલ્યા તેનું પણ એક કારણ હતું. સાસરે વળાવેલી દીકરીના સીમંતવિધિ વખતે જ કંઈ ગરબડ હોવાની ગંધ વિમળાબેનને આવી ગઈ હતી. ઔપચારિક રીતે નીપાના સાસરીયાઓએ વિધિ પતાવી હતી, પણ કોઈના મોં પર હોવો જોઈએ એવો ઉત્સાહ દેખાતો નહોતો. સીમંત કરીને નીપાને ઘરે લાવ્યા પછી બે મહિનામાં માત્ર બે વાર જ જમાઈનો ફોન આવેલો, અને એક જ વાર જમાઈ મળવા આવ્યા હતા.
આ બધું જોઇને વિમળાબેને નીપાને પૂછ્યું પણ ખરું, ‘બેટા, બધું બરાબર છે કે ? તું સાસરે સુખી તો છે ને ?’ ‘હા, મમ્મી. બધું બરાબર છે, તું ચિંતા ન કર.’ કહીને નીપાએ વાતને ટાળી દીધેલી, પણ પીઢ માની અનુભવી આંખે પારખી લીધું હતું કે નીપા સાસરે સુખી નથી. ‘કદાચ નીપાને બાળક આવી જાય પછી બધું બરાબર થઇ જશે’ એમ વિચારીને આ લાગણીશીલ માએ ચુપકીદી સેવી લીધી હતી. પણ બાળકીના આવ્યાની ખબર નીપાના સાસરે મોકલ્યાના બે દિવસ પછી પણ ત્યાંથી કોઈ નીપાને મળવા કે બેબીને જોવા ન આવ્યું ત્યારે માની આંતરડી કકળી ઊઠી. ‘એવી તે મારી દીકરીની શું ભૂલ થઇ કે જમાઈનો ફોન સુધ્ધાં ન આવ્યો ? ‘ કેટલા લાડકોડમાં દીકરીને મોટી કરી હતી, સારા સંસ્કાર આપ્યા હતા, સારું શિક્ષણ આપ્યું હતું, એના માટે મૂરતિયો શોધવામાં પણ ખુબ ચીવટ રાખી હતી.

કેટલા બધા છોકરાઓ જોયા, એમાં આ મલય શાંત અને સોહામણો લાગ્યો હતો. ઘરના માણસોનો સ્વભાવ પણ ગમ્યો હતો. એક નાનકડું ટેનામેન્ટ અને એક કાર. ભાઈ – બહેનોમાં એક મલય અને એનાથી નાની બહેન શ્વેતા, શ્વેતાની સગાઇ થઇ ગયેલી અને એનો ફિયાન્સ ઓસ્ટ્રેલીયા ભણવા ગયેલો. એ લોકોને નીપા ગમી અને નીપાને મલય ગમ્યો, અને સગાઇ કરી. લગભગ ત્રણેક મહિના  બંને સાથે ફર્યા, એકબીજાને ઓળખ્યા, પછી લગ્ન થયા. શ્વેતા તો ‘ભાભી ભાભી’ નું રટણ કરતા થાકતી નહીં, સાસુ સસરાને પણ નીપાથી કોઈ ફરિયાદ નહોતી, એ ઘરનું કામકાજ ઉલટભેર કરતી, સૌનું માન રાખતી. લગ્નના દોઢ વર્ષ સુધી તો બધું બરાબર ચાલ્યું, પછી એવું તે શું બન્યું કે સાસરીયાઓએ મોં ફેરવી લીધું ? વિચાર વંટોળ ને ખંખેરીને વિમળાબેને નક્કી કર્યું કે પોતે ધીરે ધીરે બધી વાત નીપા પાસે કઢાવશે.

નીપાએ તો દિલોજાનથી ફૂલ જેવી દીકરીની સંભાળ લેવી શરુ કરી, જાણે એ જ એક માત્ર એના ભવિષ્યનો આધાર હોય એમ. નામ પાડ્યું ફોરમ, એટલે કે સુવાસ – સુગંધ – ખુશ્બુ. ફોરમના  આવવાથી ખુશખુશાલ બનેલ મામા જીજ્ઞેશ તો એને ‘પરી’ કહીને જ બોલાવતો, અને નાના અને નાનીના આનંદનો કોઈ પાર નહોતો, ૨૪ કલાકનો દિવસ પણ આ ઢીંગલીના કારણે નાનો લાગતો હતો. નીપાના સાસરે વારંવાર આમંત્રણ  આપ્યા છતાં છઠ્ઠીના દિવસે, અગિયારમાં દિવસે કે સવા મહીને પણ કોઈ ન આવ્યું. પછી નીપાએ મમ્મી – પપ્પાને, પોતાના સાસરે ફોન કરવાની કડક મનાઈ કરી. ફોરમ ધીમે ધીમે મોટી થતી ગઈ. એ ક્યારે ઉંધી પડતા શીખી, એ ક્યારે ઘૂંટણીએ ચાલતા શીખી, એ ક્યારે પહેલી વાર ‘મા’ બોલી,  વગેરે ઘટનાઓ નીપાની દિમાગી ડાયરીમાં સચવાવા માંડી.
નીપાની કડક મનાઈ છતાં ફોરમની પહેલી વર્ષગાંઠે વિમળાબેને ડરતા ડરતા વેવાણને આમંત્રણ આપવા  ફોન કર્યો. ત્યારે વેવાણે કાનમાં વાગે અને હ્રદયમાં જખમ થાય એવો સવાલ કર્યો, ‘કોણ નીપા ? અને કોણ ફોરમ ?  દીકરી જણનાર કોઈ નીપાને અમે ઓળખતા નથી, હવેથી ફોન કરી હેરાન ન કરશો.’ ત્યારે દીકરીની મા વિમળાબેન ગમ ખાઈ ગયા. ‘દીકરી જણી તો એમા જવાબદાર કોણ, તમારો દીકરો જ ને ? મેડીકલ સાયન્સ તો એમ જ કહે છે.’ એમણે હોઠ સુધી આવી ગયેલા શબ્દોને પાછા વાળી દીધા, કેમ કે એ સમાધાનનો રસ્તો ખુલ્લો રાખવા માગતા હતા, આખરે તો દીકરીના ભવિષ્યનો સવાલ હતો.
પણ સામા પક્ષે સમાધાન ક્યાં ખપતું જ હતું ? ફોરમની પ્રથમ વર્ષગાંઠ ના દિવસે જ એના નિષ્ઠુર પિતાએ એટલે કે મલયે વકીલ મારફત છૂટાછેડાના પેપર્સ સહી કરવા મોકલી આપ્યા. નીપાએ કઠોર શબ્દોમાં કહી દીધું, ‘કોઈપણ કારણ કે વાંક ગુના વગર આવી સજા ન હોય, હું છૂટાછેડા નહિ આપું, જાવ થાય તે કરી લો.’ નીપાનું આખું ઘર મલયના આવા વર્તનથી વિષાદમાં ડૂબી ગયું. ‘દીકરી જણનાર તમારી દીકરી અમને કોઈ કાળે ખપે નહીં’ એમ નીપાના સાસરીયાઓએ ભલે કહ્યું, પણ અસલી વાત બહાર આવ્યા વગર રહી નહીં. વહેતા પવનમાં વાત આવી કે – નીપા સાથે લગ્નના દોઢેક વર્ષ પછી, મલયની ભૂતકાળની પ્રેમિકા શેફાલી એને ફરી ક્યાંક મળી ગઈ. પૈસાદાર અને ફેશનેબલ શેફાલીની સગાઇ બે વાર તૂટી ગયા પછી એને લાયક કોઈ મૂરતિયો મળ્યો નહીં, એટલે એણે મલય સાથે નિકટતા વધારી.

હવે બંને પરણવા માંગે છે,  એટલે મલયને નીપાથી છૂટાછેડા જોઈએ છે. વિનયભાઈ આ સાંભળીને ખુબ ગુસ્સે થયા, ‘અરે ! લગ્ન એ કંઈ ગુડ્ડા ગુડ્ડી નો ખેલ છે કે એકથી મન ભરાઈ ગયું એટલે બીજી ગુડ્ડી લઇ આવ્યા ?’ વિમળાબેન ને તો બે દિવસ ખાવાનું પણ ન ભાવ્યું, રડી રડીને આંખો સુજી ગઈ. જીજ્ઞેશે  કહ્યું, ‘હું જઈને જીજાજીને સમજાવું ?’ નીપા ગુસ્સે થઈને બોલી, ‘ત્યાં જવાની કંઈ જરૂર નથી,  આજથી મારે હવે મલયની સાથે કે એ ઘર સાથે કોઈ સંબંધ નથી.’ તે છતાં જ્ઞાતિના કેટલાક આગેવાનોને સાથે લઇ જઈને વિનયભાઈએ મલય અને એના મમ્મી પપ્પાને સમજાવવાની ટ્રાય કરી જોઈ, પણ ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારીની જેમ પુત્રપ્રેમમા આંધળા થયેલા એ લોકો એક ના બે ન થયા. એકમાત્ર નીપાની નણંદ શ્વેતાએ સમજદારી દાખવી ભાઈ અને મમ્મી પપ્પાને કહ્યું, ‘આપણે ભાભીને ઘરે પાછા લઇ આવવા જોઈએ.’

શ્વેતાને ધમકાવીને એ લોકોએ અંદર મોકલી આપી અને વિનયભાઈ અને બીજા લોકોને પણ જવાની આડકતરી સુચના આપી. આગેવાનોએ વિનયભાઈને ઘરે આવીને કહ્યું, ‘તમે કહો તો એમની સામે કોઈ પગલા લઈએ, નોટીસ મોકલીએ, એમણે દીકરી નીપાને બોલાવવી જ પડે એવું કંઈ કરીએ.’ આ સાંભળી રહેલી નીપાએ કહ્યું, ‘મન, મોતી અને કાચ તૂટ્યા પછી સંધાય નહીં. મારે હવે ત્યાં પાછું જવું જ નથી.’ ફોરમ દોઢ વર્ષની થઇ એટલે નીપાએ જોબ શોધી લીધી. ‘મારી સાથે આવી ક્રૂર મજાક કરવા બદલ હું મલયને  કદી માફ નહીં કરું, એને છૂટાછેડા તો કોઈ કાળે નહીં આપું.’ એમ મનમાં નક્કી કરીને નીપા પોતાના નાનકડા વિશ્વમાં ઓતપ્રોત થઇ ગઈ.

ફોરમની બીજી વર્ષગાંઠ નજીક આવી રહી હતી. નીપા જોબ પરથી સીધી એને માટે ફ્રોક લેવા મોલમાં પહોંચી. પિંક અને વ્હાઈટ કલરનું ફ્રીલવાળું એક મસ્ત ફ્રોક પસંદ કરીને એને પેક કરવાનું કહીને એ કાઉન્ટર પર પૈસા ચુકવવા માટે આવી. ત્યારે બાજુમાં આવીને ઉભી રહેલી એની નણંદ શ્વેતાએ પેમેન્ટ કરી દેતા કહ્યું, ‘મારી વહાલી ભત્રીજી  ફોરમને એની  ફોઈ તરફથી આ નાનકડી ભેટ’  નીપાએ વિરોધ કરતા કહ્યું, ‘મારી દીકરીનો ખર્ચ હું પોતે ઉઠાવી શકું છું, મારે એ માટે કોઈ પરાયાના સહારાની જરૂર નથી.’  શ્વેતાએ કહ્યું, ‘જાણું છું, નીપાભાભી. મલયભાઈએ તમારી સાથે ઘણો અન્યાય કર્યો છે. મને તમારા માટે અહોભાવ અને ફોરમ માટે સાચી લાગણી છે. મારો વિશ્વાસ કરો ભાભી.’ ‘શ્વેતા સાચું કહે છે, ભાભી. તમે જે ખુમારીથી ફોરમને ઉછેરી રહ્યા છો તે કાબિલે તારીફ છે.’ પાછળથી કાઉન્ટર પર આવેલા શ્વેતાના ફિયાન્સ સુહાસે કહ્યું.
‘ભાભી, તમે ચાહો તો ભાઈની સાન ઠેકાણે લાવવામાં અમે બંને તમને મદદ કરવા તૈયાર છીએ. 

 આમ પણ એમની દશા – ધોબીનો કુતરો ન ઘરનો કે ન ઘાટનો - એના જેવી થઇ છે. તમે છૂટાછેડા નથી આપ્યા અને શેફાલી લગ્ન વગર એમની સાથે રહેવા આવવા નથી માંગતી, બંને વચ્ચે આ બાબતે ખુબ ઝઘડા થાય છે, એમના કર્યાની સજા એમને બરાબર મળી ગઈ છે, તમારા ગયા પછી ભાઈ આમ પણ હવે થોડા નરમ પડ્યા છે, તમે કહો તો એમને સમજાવીને તમને પાછા બોલાવી લઈએ.’ શ્વેતા બોલી. ‘શ્વેતાબેન, હું તો માનું છું કે - આવ નહીં આદર નહીં, નહીં નયનમાં સ્નેહ, તુલસી વહાં ન જઈએ ચાહે કંચન બરસે મેહ, આથી  હવે ત્યાં પાછા આવવાનો સમય નીકળી ગયો છે,’ કહીને નીપા ત્યાંથી ચાલી નીકળી, શ્વેતા અને સુહાસ એક નિશ્વાસ નાખીને એને જતી જોઈ રહ્યા.

બીજે દિવસે ખબર નહિ કેમ, નીપાને શું સુજ્યું તે એણે છૂટાછેડાના કાગળ પર સહી કરીને મલયને મોકલી આપ્યા, પછી એ ચોધાર આંસુએ અને ડૂસકે ને ડૂસકે રડી પડી. થોડીવાર પછી સ્વસ્થ થઈને મોં ધોયું, વાળ ઓળ્યા, હિંચકે બેઠી અને પછી હિંચકાને ઠેસ મારતા મનોમન બોલી, ‘મલય, ભલે તેં મને ન ચાહી, પણ મેં તો તને પૂરા દિલથી ચાહ્યો હતો. મને ફોરમ જેવી મજાની દીકરી આપવા બદલ તારો ગુનો માફ કરું છું, અને તને આપણા સંબંધના બંધનમાંથી મુક્ત કરું છું.’

અને એ દિવસે ફોરમ સાથે રમતી નીપા, વિનયભાઈ અને વિમળાબેન ને ખુબ જ બદલાયેલી લાગી. સ્ફટિક શી પારદર્શક – વાદળ જેવી હલકી ફૂલકી – પતંગિયા જેવી પ્રસન્ન અને ચંદ્રમાં જેવી શીતળ. કદાચ બીજાની ભૂલને ઉદારતા પૂર્વક માફી આપનારને પ્રભુની આવી જ મજાની બક્ષિસ મળતી હશે ?    

પ્રેમનો અસ્ત કે ઉદય ?

પ્રેમનો અસ્ત કે ઉદય ?     

પરોઢિયું ક્યારનું વીતી ચૂક્યું હતું. સૂરજ દાદાના આગમનની જાણ એમના છડીદાર કૂકડાએ ‘કૂકડે કૂક’ કરીને નહોતી કરી, પણ આધુનિક ઘડિયાળની કોયલે ‘કૂ ઉ કૂ ઉ ‘ કરીને કરી દીધી હતી. શહેરથી થોડે દૂર આવેલા રમણીય વિસ્તારમાં શેઠ મનોહરપ્રસાદના ભવ્ય બંગલાનો નીચેનો ભાગ જાગીચૂક્યો હતો, અને ત્યાં દૂધવાળાની તેમ જ  ન્યુઝ પેપરવાળાની ચહલ પહલ શરુ થઈ ગઈ હતી. રસોડામાંથી ચા કોફીની સુગંધ સાથે પરોઠાની સુગંધ પણ આવતી હતી. સવારના નાસ્તાની તૈયારી થઈ ચૂકી હતી.
પરંતુ બંગલાના ઉપરના ભાગે નાના શેઠ વિનયની રૂમમાં હજી નિદ્રાદેવીનું સામ્રાજ્ય જામેલું હતું. બારી પર ઝૂલતાં રેશમી પરદાઓ સૂરજના કિરણોને બારીમાંથી અંદર આવતાં રોકવાની કોશિશ કરી રહ્યા હતા. જાણે કહી રહ્યા હતા, વિનય શેઠ હજી ઊંઘે છે, પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ’ પરંતુ એ જ વખતે આ શાંત વાતાવરણને તોડતો એક મુલાયમ સ્વર રૂમની બહાર પડઘાયો, ‘વિનયભાઈ, એ ય વિનુભાઈ.’ અને વિનયથી ચારેક વર્ષ નાની બહેન, સુકોમળ સ્વરની સામ્રાજ્ઞી સલોનીએ વિનયની રૂમમાં પ્રવેશ કર્યો.
વિનય અને સલોની, બન્ને ભાઈ બહેન જેટલું ઝઘડતાં એટલું જ – બલ્કે એનાથી બમણું હેત એક બીજા પર હતું, ઊચ્ચ મધ્યમ વર્ગના સંતાનોમાં હોવી જોઈએ એટલી તુમાખીનો આ બન્ને ભાઈ બહેનમાં સદંતર અભાવ હતો. એનું કારણ હતું એમના મમ્મી પપ્પા દ્વારા એમનો સંસ્કારમય અને શિસ્તમય ઉછેર. સલોની એની ઉંમરના પ્રમાણમાં એની મમ્મી જેવી શાંત સ્વભાવની હતી, સૌમ્ય હતી અને સાદગી સભર હતી. જ્યારે વિનય એની ઉંમરના પ્રમાણમાં હોવો જોઈએ એટલો જ ચંચળ હતો, નટખટ નવયુવાન હતો. એટલે જ તો એમના મમ્મી સુજાતાબેન કહેતાં –

-છોકરીઓ  ડાહી,  શાંત અને માતાની લાગણી સમજનાર હોય છે, જ્યારે છોકરાઓ તોફાની.
-એ સાસરે જશે ને ત્યારે જ તને મારી કિંમત સમજાશે.  વિનય મીઠી રીસથી કહેતો.
-હું સાસરે જવાની જ નથી ને, સમજ્યા ભાઈ. સલોની જીભ કાઢીને અંગુઠો બતાવીને કહેતી.
-એ તો બધી છોકરીઓ પહેલા આવું જ કહેતી હોય છે, અને પછી વખત આવે ક્યારે પરણીને સાસરે જતી રહે છે ખબર પણ નથી પડતી. પણ તું સાસરે જશે ને તે દિવસે હું ફટાકડા ફોડીશ, તને ધામ ધૂમથી વિદાય કરીશ, સમજી ?
-એ તો એ દિવસે જોયું જશે, ભાઈ. હમણા તો બહુ બણગા ફૂંકો છો, ફટાકડા ફોડીશ. પણ ત્યારે તો જોજો ને તમારી આંખોમાંથી શ્રાવણ ભાદરવો જ વહેશે. અને એ બધું તો પછીની વાત છે, પહેલાંતો તમારે જ પરણવાનું આવશે, ભાભી આવશે ને એ જ તમને તો સીધા દોર કરશે.

-તું ભલે ને કહે, હું કંઈ એમ કોઈનાથી પણ ડરી જાઉં એવો નથી, તું જોજે.
-બેટા વિનય, તું પહેલા પરણ તો ખરો, પછી બોલજે. - પપ્પાએ હસીને કહ્યું.
-હેં પપ્પા, પરણવાનું શું એટલું બધું અઘરું છે ?
-હા, બેટા. આ તો ‘લાકડાના લાડુ છે, જે ખાય એ પણ પસ્તાય અને ન ખાય એ પણ પસ્તાય.’ માણસ એકવાર પરણી તો જાય, પણ સ્ત્રીને એટલે કે પત્નીને સમજવાનું કામ બહુ અઘરું છે. આખી જીંદગી પણ ઓછી પડે. ન માનતો હોય તો પૂછ તારી મમ્મીને.
-તમે પણ શું ? બાળકો આગળ આવી વાતો કરો છો ? સુજાતાબહેન હસીને મીઠો છણકો કરીને કહેતાં.
અને સૌ હસી પડતાં. આમ હસતું, કિલ્લોલતું સુખી કુટુંબ હતું. ચાલો, આપણે પાછા મૂળ વાત પર આવીએ ? સલોનીએ વિનયની રૂમમાં પ્રવેશ કર્યો અને બારી પરના પરદા સહેજ હટાવી રૂમમાં જરા અજવાળું કર્યું. સલોનીનો અવાજ સાંભળીને વિનયે સહેજ આંખો ખોલી.
-ભાઈ તમે જાગી ગયા ?
-તું બૂમો પાડે તો ભલભલા ભાગી જાય, હું તો માત્ર જાગી ગયો છું.
-રહેવા દો હવે તમે ભાઈ, તમને જગાડવાનું કંઈ સહેલું નથી. ઢોલ નગારાં વાગે ને તો ય નહીં જાગો એવા એક નંબરના ઊંઘણશી છો તમે.
-પણ તારા લગ્નનાં ઢોલ નગારાં વાગશે ત્યારે હું ચોક્કસ જાગી જઈશ, બાય ગોડ પ્રોમીસ.
-મારા કરતાં તો તમારા લગ્નનાં ઢોલ નગારાં પહેલાં વાગશે, ભાઈ.
-હેં સુલુ, સાચું કહે છે તું ? તારા મોઢામાં ઘી- સાકર. અરે ના, તારા મોઢામાં કેડબરી.
-કેમ ભાઈ, તમને પરણવાની આટલી બધી ઉતાવળ છે ?
-બધા લગનના નામથી ડરે છે, પણ આ બંદા તો હિમ્મતવાન છે, એકદમ તૈયાર છે.
-લાગે છે કે તમે કોઈ છોકરી પસંદ કરી લીધી છે, પપ્પાને વાત કરું ?
-શાની વાત ?
-એ જ કે- વિનયભાઈએ છોકરી પસંદ કરી લીધી છે, તો છોકરીને ત્યાં કહેણ અને શુકન મોકલાવો અને આપણે ત્યાં ગોળધાણા એટલે કે મીઠાઈ વહેંચાવો.
-ખબરદાર, સુલુડી. પપ્પા સામે જો કંઈ આડું અવળું બોલી છે ને તો.
-તો તમે શું કરશો ભાઈ ?
-કંઈ નહીં તું જા.
-અરે, પણ હું તો તમારી પેન લેવા આવી છું. પેન આપોને પ્લીઝ.
-કેમ, તારી જેમ તારી પેન પણ ખોટકાઈ ગઈ છે કે ?
-ના, અમે બન્ને સલામત છીએ. પણ આ તો આજે મારી એક્ઝામ છે, એટલે મને તમારી પેન જોઈતી હતી.
-અરે હા, આજે તો તારી એક્ઝામ છે, નહીં ? તારા જેવી સ્કોલર સ્ટુડન્ટને આમ તો શુભેચ્છાની જરૂર નહીં. તેમ છતાં ફર્સ્ટ રેન્ક માટે ‘ઓલ ધ બેસ્ટ’
-થેંક્યુ, ભાઈ. પેન લીધી છે,  હું જાઊં છું  અને હવે તમે પણ જાગી જાઓ. નવ વાગી ગયા છે, અને મમ્મીએ નાસ્તો બનાવી દીધો છે.
-હેં, નવ વાગી ગયા ? મેં તને કેટલી વાર કહ્યું કે તારે મને ૮ વાગ્યે ઊઠાડી દેવો.
-પણ ભાઈ, તમારી કોલેજ તો સાડા દસ વાગ્યાની છે, અને તમારે તો બાઈક લીધી કે ચાલ્યા. તમારે ક્યાં બસ પકડવાની છે તે મોડું થઈ જવાનો ડર ?
-પણ બસસ્ટોપ પર તો જવાનું છે ને ?
-બસસ્ટોપ પર ? બસસ્ટોપ પર કેમ જવાનું ?  કંઈ સમજાયું નહીં.
-અરે કંઈ નહીં, તું જા, તારે મોડું થશે.
સલોની ગઈ અને વિનય ફટાફટ બાથરૂમમાં ઘુસી ગયો. માયગોડ! નવ વાગી ગયા. નીકળતા મોડું થશે તો આજે પણ એ બસસ્ટોપ વાળી ‘દેવી’ ના દર્શન નહીં થાય. કાલે મમ્મીને માર્કેટ લઈ ગયો એટલે મળાયું નહીં. આજે તો હવે કોઈ પણ હિસાબે એને મળવું જ છે. જે દિવસે એના દર્શન ન થાય એ દિવસ જ નકામો. વિનયની કોલેજમાં આમ તો ઘણી સુંદર સુંદર યુવતીઓ છે. ખુદ વિનયના ક્લાસમાં અને એના ગૃપમાં નજર ઠરે એવી સ્વરૂપવાન કન્યાઓ છે. એમાંની થોડી તો વિનયની ફ્રેંડ્સ પણ છે. વિનયને નમિતા યાદ આવી ગઈ. નમિતા પણ સુંદર છે અને  ઈંટેલિજન્ટ પણ ખરી. એ વિનયને પસંદ પણ કરે છે, એવું એના વર્તન પરથી લાગે છે. પણ  વિનય જ એને ભાવ આપતો નથી.

વિનયને તો બસસ્ટોપ વાળી છોકરી ગમી ગઈ છે. થોડા સમય પહેલાં જ વિનય એના ફ્રેન્ડ અલ્પેશ સાથે બસસ્ટોપ ની બાજુમાં પાનના ગલ્લા પાસે ઉભો હતો ત્યારે અચાનક બસસ્ટોપ પર એ  દેખાઈ. રામ જાણે એનામાં શું દેખાયું તે વિનયને એ પહેલી નજરમાં જ ગમી ગઈ. પછી તો એને જોવાનો રોજ નો ક્રમ બની ગયો. અને એનો એકતરફી પ્રેમ પાંગરવા લાગ્યો. એ સુંદરીએ વિનયના મનોરાજ્ય પર કબજો જમાવી દીધો હતો. નામ તો નહોતું ખબર પણ વિનયે એની ગૌર ત્વચાને કારણે મનોમન એનું નામ પાડ્યું હતું, ‘શ્વેતા’ શ્વેતાના કારણે એ બરાબર દસ વાગ્યે બસ સ્ટોપ પર પહોંચી જતો. આમ તો એને પાન ખાવાની ટેવ નહોતી, પણ ટાઈમ પસાર કરવા એ ક્યારેક પાન ખાઈ લેતો. ક્યારેક બન્ને જણ સિગરેટની મોજ પણ માણી લેતાં.
જો કે શ્વેતાને બસસ્ટોપ પર આવતી જુએ કે તરત જ વિનય સિગરેટ ફેંકી દેતો.  એની હાજરીમાં એને સંકોચ થતો. વિનયના મતે શ્વેતાની આંખોમા વ્યસનને ઓગાળી નાંખવાની તાકાત હતી. શ્વેતા હમેશા વિનય તરફ એક નજર નાંખીને અલિપ્ત શી બસ માટેની લાઈનમાં ઊભી રહેતી. બસ આવે ત્યારે પણ બધા તરફ એક અછડતી નજર કરી શ્વેતા બસમાં ચઢી જતી. વિનય તો એની આ એક નજરથી જ ઘાયલ થઈ જતો. એની મનગમતી ચીજ પોતાની સાથે લઈને જતી રહે છે એમ લાગતાં બસ આવે ત્યારે એ હમેશા એક નિસાસો નાંખતો.  વિનય અલ્પેશ સાથે  બસસ્ટોપની બાજુમા આવેલા પાનના ગલ્લે ઊભો હતો, અને શ્વેતાને પહેલ વહેલી જોઈ ત્યારથી જ શ્વેતાના દર્શન હવે એના માટે (રવિવાર અને રજાના દિવસો બાદ કરતાં) રોજનો ક્રમ બની ગયો હતો. એમા કોઈ વાર બ્રેક પડે તો વિનયનો મૂડ ઓફ થઈ જતો, એ દિવસ નકામો ગયો એવું એને લાગતું.
અલ્પેશ એને પૂછતો પણ ખરો, ‘ વિનુ, મને તો આ છોકરી એવી કંઈ ખાસ  નથી લાગતી. તું એનામાં એવું તે શું જોઈ ગયો છે કે તારી આજુ બાજુ આંટા મારતી અને તને પસંદ કરતી બીજી સરસ છોકરીઓને પણ તું ભાવ નથી આપતો ?’ વિનય હસીને એના ખભે ધબ્બો મારીને કહેતો, ‘એ તને નહીં સમજાય મારા દોસ્ત,એ માટે તો તારે મારી નજરથી જોવું પડે’ (ખાખરાની ખીસકોલી શું જાણે સાકરનો સ્વાદ ?) આપણા ગમા અણગમાની ફોર્મ્યુલા તદ્દ્ન મૌલિક હોય છે. કોઈએ આપણું કશું જ ન બગાડ્યું હોય તો પણ એ વ્યક્તિ અકારણ જ નથી ગમતી,  અને જેની સાથે કંઈ જ નિસ્બત ન હોય તે વ્યક્તિ પણ આપણને અકારણ જ ગમવા માંડે છે. કોઈની સાથે વર્ષો સુધી નજીક રહ્યા છતાં નિર્લેપ જેવા રહીએ છીએ, અને કોઈને પહેલી વાર જ જોઈને એની સાથે આત્મીયતા થઈ જાય છે. મનુષ્યના મનનું આ વિજ્ઞાન કોઈને સમજાય એવું નથી.

વિનયનું પણ એવું જ હતું. એની ક્લાસ મેટ નમિતા પણ સુંદર હતી, સમજદાર હતી, એને પસંદ પણ કરતી હતી અને એની આસ પાસ પણ ફરતી હતી. એક બે  વાર તો નોટ્સ લેવાને બહાને એના ઘરે પણ આંટા મારી ગઈ હતી. પણ વિનયના મન મંદિરમાં તો શ્વેતાની મૂર્તિ વસી હતી એટલે નમિતાની હરકતો  એની નજરે નહોતી આવતી. અથવા સાચુ કહીએ તો એ એને નજરઅંદાજ કરતો હતો. શ્વેતા – હળવેથી સ્પર્શી લેવાનું મન થાય એવા એના લાંબા, સુંવાળા, રેશમી અને કાળા વાળ. ડૂબી જવાનું મન થાય એવી સાગરની ગહેરાઈઓ વાળી પાણીદાર આંખો. ‘હમ કો તો જાન સે પ્યારી હૈ તુમ્હારી આંખે, હાય કાજલ ભરી મદહોશ યે પ્યારી આંખે’  શ્વેતાની આંખો જોઈને વિનયને આ ગીત યાદ આવી જતું. એના પરવાળા શા ગુલાબી હોઠ અને કમળની દાંડી જેવી નાજુક -  લાંબી - પાતળી આંગળીઓ. તાજા માખણ માંથી બની હોય એવી એની શ્વેત કાયા. જાણે નખશીખ સૌંદર્યમૂર્તિ ! વિનય એની પાછળ પાગલ થઈ ગયો હતો, પણ હજી સુધી એને પોતાના દિલની વાત જણાવવાની હિંમત નહોતો કરી શક્યો.

વિનયે વાંચ્યું હતું કે ‘સ્ત્રીઓ નજર માત્ર થી પુરુષોની વૃત્તિ પારખી જતી હોય છે.’ વિનયને આશા હતી કે શ્વેતા પણ પોતાનો એના તરફનો અનુરાગ એક ન એક દિવસ જરુર અનુભવશે. અલ્પેશ નો આ બાબતમાં જુદો જ મત હતો. એ કહેતો, ‘વિનય, પહેલા તો તું નક્કી કર કે આ છોકરી પ્રત્યે તને ખરેખર પ્રેમ છે કે માત્ર આકર્ષણ જ છે. તેં તો માત્ર એનો દેખાવ જ જોયો છે, એના ગુણ, શોખ, સ્વભાવ, કુળ કે બીજી કોઈ વાતની તને ક્યાં કંઈ ખબર જ છે ?’

વિનય કહેતો, ‘ એ જે હોય તે, મારી ઈચ્છા શ્વેતા સાથે આખી જિંદગી વિતાવવાની છે.’ અલ્પેશ કહેતો, ‘જો એવું જ હોય તો પછી તુ આગળ વધ. આમ દૂરથી ક્યાં સુધી ફિલ્ડિંગ ભર્યે રાખીશ ? હિંમત કરી એની પાસે જા, વાતચીત કર, એને બાઈક પર લિફ્ટ આપ, એના ઘરે જા, એના મનની વાત જાણ.’ વિનય સ્વભાવે શરમાળ નહોતો પણ એ ઉતાવળ કરીને પ્રેમની બાજી બગાડવા નહોતો માંગતો. એને આશા હતી એક દિવસ શ્વેતા પોતાના પ્રેમ ને પારખશે અને સ્વીકારશે. એ ધીરજથી પ્રેમની બાજી જીતવા માંગતો હતો. જ્યારે અલ્પેશ કહેતો હતો કે ટ્રેન સ્ટેશનથી છૂટી જાય તે પહેલાં એને પકડી લેવી જોઈએ.
એકવાર તો અલ્પેશની વાત માની લઈને વિનયને મનમાં થયું પણ ખરું કે શ્વેતા વિશે વધુ માહિતી મેળવવી જ જોઈએ. પણ કેવી રીતે ? શું કરું ? એક દિવસ બસસ્ટોપ પર એ આવે ત્યારે એની સાથે વાતચીત કરું ? કે પછી એની સાથે બસમાં ચઢી જાઉં ? એની પાછળ પાછળ જઈને એની ઓફિસનું સરનામું મેળવી લઉં ? અને પછી ઓફિસમાંથી કોઈને સાધીને ઘરનું સરનામું મેળવી લઉં ? પછી તો સીધો જ એના ઘરે જઈને ડાયરેક્ટ એને જ પૂછી લઉં, ‘શ્વેતા તું મને ગમે છે, તું મારી સાથે લગ્ન કરીશ ? હું તને પૂરી ઉંમર ચાહીશ અને તને હમેશા સુખમાં રાખીશ.’ પણ આટલું વિચારતાં જ એને પરસેવો વળી ગયો. એણે આ બાબતમાં અલ્પેશની મદદ લેવાનું વિચાર્યું.

બીજા દિવસે સવારે એ અને અલ્પેશ  બસસ્ટોપ પર ગયા, પણ એ દિવસે શ્વેતા આવી જ નહીં. ત્રીજો દિવસ, ચોથો દિવસ, આખું અઠવાડિયું પસાર થઈ ગયું પણ શ્વેતા દેખાઈ નહીં. હવે વિનય અકળાયો પણ એ કરી પણ શું શકે ? શ્વેતાને શોધે તો પણ ક્યાં શોધે ? અલ્પેશ પણ એને શોધવા પૂરો પ્રયત્ન કરી રહ્યો હતો પણ કામયાબી મળતી નહોતી. ફક્ત એટલી જ માહિતી મળી કે એ નજીકની એક સોસાયટીમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી અને ક્યાંક બહાર ગામથી એક મહિના માટે જ આવી હતી. વિનયની તો દુનિયા જ લુંટાઈ ગઈ. એ યંત્રવત કોલેજ જવા લાગ્યો. મમ્મી, પપ્પા અને સુલુએ જ્યારે ‘શું થયું છે, ચહેરો કેમ પડી ગયો છે ? મૂડ કેમ ઓફ છે ?’ એવા સવાલો વારા ફરતી  પૂછ્યા પછી એ સાવધ થઈ ગયો. અને વધુ સમય પોતાની રૂમમાં અને કોલેજમાં વીતાવવા લાગ્યો. શ્વેતા એને ખુબ જ યાદ આવતી હતી.  એક દિવસ વિનય કોલેજથી આવ્યો ત્યારે એની મમ્મી સુજાતાબહેને એને સમાચાર આપ્યા.

-વિનુ, અજયકાકાના સમીરે પ્રેમલગ્ન કર્યા.
-અચ્છા ? ક્યારે ? કોની સાથે ?
-અનુશ્રી નામની છોકરી સાથે, બન્નેની ઓફિસ પાસપાસે જ આવેલી હતી. જતાં આવતાં પ્રેમ થઈ ગયો.
-અરે વાહ ! પણ તને કોણે કહ્યું ?
-આજે બંન્ને અહીં ઘરે આવ્યા હતા. છોકરી સરસ છે, સાદી, સુંદર અને વિવેકી. 
-સરસ. પણ સમીર તો મુંબઈમાં જોબ કરે છે ને ? તો પછી એ બન્ને અહીં કેવી રીતે ?
-એ જ વાત તને કરું છું. અજયભાઈ અને અંગીરાબેન બન્ને પોતાના દીકરા સમીરના પ્રેમલગ્નના વિરૂધ્ધમાં છે, કેમ કે છોકરી મહારાષ્ટ્રિયન છે. બન્ને જણાએ ગુસ્સામાં આવીને કહી દીધું કે – ‘એ મરાઠી છોકરી અમારા ઘરમાં કોઈ પણ હિસાબે ન જોઈએ.’ અનુશ્રી અનાથ છે, એટલે પણ એની સામે એમનો વાંધો છે.
-ઓહ ! પણ સમીરે એમને સમજાવ્યા નહીં ?
-બહુ સમજાવ્યા. અપમાન થવાના ડર છતાં ખુદ અનુશ્રીએ એમને ઘરે જઈને આજીજી કરી કે ‘હું આ ઘરના તમામ રીત રિવાજો શીખી લઈશ અને પાળીશ પણ ખરી’ પણ  એ બેમાંથી કોઈ માનવા તૈયાર જ ન થયા. એટલે છેવટે  સમીર અને અનુશ્રીએ કોર્ટમાં જઈને પ્રેમલગ્ન કરી લીધાં.
-અચ્છા, અહીં એ લોકો ફરવા આવ્યા હશે.
-ના, એ લોકો પરમેન્ટટલી અહીં જ ટ્રાંસફર થઈ ગયા છે. સમીરે એની જ ઓફિસમાંથી અહીં ટ્રાંસફર લીધી છે અને અનુશ્રીએ અહીં બીજી એક કંપનીમાં જોબ લીધી છે.
-મમ્મી, એ લોકો આપણા ઘરે રોકાયા નહીં ?
-મેં કહ્યું, પણ હમણાં થોડા દિવસ પહેલાં જ એક ફ્લેટ ભાડે લીધો છે, બધું ગોઠવવાનું બાકી જ છે. એટલે રોકાયા નહીં. સરનામું આપી ગયા છે. એકાદ દિવસ આપણે જઈ આવીશું.
-ઓકે. મોમ.
કહીને વિનય એની રૂમમાં ગયો. બીજે દિવસે એ બસસ્ટોપ પર ગયો તો વાવાઝોડાની જેમ અલ્પેશ આવ્યો અને એના હાથમાં કાગળની એક ચબરખી મૂકી, અને બોલ્યો,
-આ લે, તારા સ્વર્ગની સીડી.  
-આ શું છે ? કંઈ સમજાય એવું તો બોલ.
-અરે તારી ડ્રીમગર્લના ઘરનું સરનામું છે.
-શું વાત કરે છે ? ક્યાંથી શોધી લાવ્યો ?
-તું તારે આમ ખાને ગુટલી ગણવાની સાથે તારે શું કામ ?
-દોસ્ત હો તો ઐસા. માન ગયે જનાબ.

 શ્વેતાના ઘરનું સરનામું અલ્પેશ પાસે મેળવીને વિનયના બત્રીસે કોઠે દીવા ઝગમગી ઊઠ્યા. કાગળને એણે પ્રેમપત્રની જેમ ચૂમી લીધો.  હર્ષના આવેશમાં એ અલ્પેશને ભેટી પડ્યો. રવિવારે સવારે એના ઘરે  જવાનું નક્કી કર્યું. અલ્પેશે વિનયને એકલા જઈ આવવાનું કહ્યું પણ એ ન માન્યો. એટલે વિનયના આગ્રહને લીધે જ અલ્પેશ પણ એની સાથે ગયો. સરનામા વાળા ઘરે પહોંચ્યા ત્યારે વિનયના હ્રદયના ધબકાર વધી ચૂક્યા હતા. વિનયે ફરીવાર ફ્લેટનો નંબર ચેક કરી લીધો. ડોરબેલની સ્વીચ દબાવતાં એનો હાથ ધ્રૂજી ગયો. શ્વેતાને એનું આગમન ગમશે કે નહીં ? એ પોતાનું સ્વાગત કરશે કે અપમાન ? એક મિનિટમાં તો એના મગજમાં કંઈ કેટલાય વિચારો આવી ગયા અને દરવાજો ખૂલ્યો.
-અરે વિનય, આવ આવ. તું આવ્યો તે ગમ્યું, ખુબ ખુશી થઈ તને જોઈને.
વિનયે જોયું તો સામે અજયકાકાનો સમીર ઊભો હતો. વિનય સમીરને અહીં જોઈને ગુંચવાયો. એને થયું કે અલ્પેશની કંઈ ભુલ થઈ લાગે છે. શ્વેતાના ઘરને બદલે સમીરના ઘરનું સરનામું આવી ગયું લાગે છે.
-અરે એય  વિનય, શું વિચારમાં પડી ગયો ?
-અરે કંઈ નહીં, તું તો ભારે છુપો રૂસ્તમ નીકળ્યો. ચુપચાપ લવમેરેજ કરી લીધા. વિનયે પોતાની જાતને સંભાળી લીધી અને હસીને સમીરને કહ્યું.
-કરવા પડ્યા, યાર. મમ્મી પપ્પાનો વિરોધ હતો એટલે.
-ઠીક છે, યાર. એમને તો પપ્પા મનાવી લેશે. જો, આ મારો દોસ્ત અલ્પેશ છે.
-હલ્લો અલ્પેશ, આવ,  બેસ ને.
-સમીર, મારા ભાભી  ક્યાં છે ? સંતાડી રાખ્યાં છે કે ? ઓળખાણ તો કરાવ.
-સ્યોર, એ કીચનમાં છે, મારા માટે નાસ્તો બનાવે છે. હમણાં બોલાવું. અનુ, એ અનુ, બહાર આવ, જો તો કોણ આવ્યું છે.
-એ આવું છું. અંદરથી એક મંજુલ સ્વર સંભળાયો. અને એની પાછળ એક સૌંદર્યમૂર્તિ બહાર આવી.
-અનુ, આ મારો કઝીન વિનય છે, અને વિનય આ અનુશ્રી, તારી ભાભી.
-નમસ્તે ભાભીજી. 
કહેવા જોડાયેલા વિનયના હાથ એમ જ અધ્ધર રહી ગયા. એ અવાચક શો અનુશ્રીને જોઈ રહ્યો. સામે ઊભી હતી પોતાની આરાધ્ય દેવી શ્વેતા. જેને પોતે મનોમન અનહદ ચાહતો હતો એ જ આવી હતી પોતાની ભાભીના સ્વરૂપે. એ શૂન્યમનસ્ક થઈને તાકી રહ્યો અને અનુશ્રીએ એની સામે એક પરિચિત  સ્મિત કર્યું.
-વિનય, અનુશ્રીની નવી જોબ હતી એટલે એ મારા કરતાં એક મહિનો અહીં વહેલી આવી ગઈ હતી. મને મારી જુની જોબમાં ટ્રાંસફર મળતાં વાર લાગી. અનુએ ત્યાં સુધીમાં અમારા માટે એક ફ્લેટ ભાડેથી નક્કી કરી રાખ્યો. એટલે સારુ પડ્યું. છે ને તારી ભાભી સ્માર્ટ ? કેમ કંઈ બોલતો નથી ?

વિનય શું બોલે ? એના પ્રથમ પ્રેમનો ઉદય થાય તે પહેલાં જ અસ્ત થઈ ગયો. ભારે હૈયે પ્રેમિકાના હાથની નહીં પણ ભાભીના હાથની ચા પીને,  નાસ્તો કરીને એ ઘરે આવ્યો. ઉદાસ મને એ  ચુપચાપ પોતાની રૂમમાં ગયો. થોડી જ વારમાં એના ઘરના દ્વારે  નમિતાનો  કોમળ સ્વર સંભળાયો, ‘આન્ટી, વિનય ઘરે છે ? મારે એની પાસે  નોટ્સ લેવાની છે.’ અને  વિનયની જાણ બહાર આ નમિતાના પ્રેમનો ઉદય થવા જઈ રહ્યો હતો.  


વ્યસન નામનો દાનવ.

વ્યસન  નામનો   દાનવ.               

ઉનાળાની બળબળતી બપોરે, બેડરુમમા  એ.સી. ની  ઠંડક વચ્ચે,  તંદ્રામાથી સરયુબહેન ઉઠયા  અને ઘડિયાળમા જોયું. સાડાત્રણ થયા હતા. ‘બાની ચાનો  ટાઈમ  થઈ ગયો.’ એમ મનોમન બોલીને એમણે બાથરુમમા જઈ મોં ધોયુ, વાળ ઓળ્યા અને કીચનમા આવી ચા બનાવવા મૂકી. “દીકરી  પ્રીતિ એના લગ્નના ઉમેદવાર છોકરા સાથે બપોરના શોમા ફિલ્મ જોવા ગઇ હતી.  ત્યાંથી એ લોકો કોફી શોપ જવાના હતા. એટલે એને આવતા લગભગ ૪.૩૦ થી ૫ વાગી જશે.”  એમ વિચારતા સરયુબહેને પોતાની અને સાસુમાની ચા કપમા  ગાળી અને બન્ને કપ લઇને ડ્રોઇંગરુમમા આવ્યા.

સરયુબહેન ચા પીતા પીતા વિચારે ચડયા, ’બસ, એકવાર પ્રીતિનુ પ્રેમલ સાથે ગોઠવાઇ જાય તો પોતે ગંગા નાહ્યા. આવતા મહિને પ્રીતિ અઠ્ઠાવીસ વરસની થશે. પ્રીતિ ઘરના અને બહારના કામમા હોશિયાર છે. ભણવામા  એવી એક્સપર્ટ છે કે હમેશા ફર્સ્ટક્લાસ લાવે છે. બી.કોમ.ની  સાથે  કોમ્પ્યુટરમાય એની માસ્ટરી છે. જોબમા એકદમ  પરફેક્ટ છે એટલે જ ઓફિસમા બોસનો જમણો હાથ છે. બસ, સ્વભાવમા થોડી રાંક છે. આજના જમાનાની છોકરીઓ તો કેટલી બોલ્ડ હોય છે. પ્રીતિની હાઇટ ઓછી અને દેખાવે સાધારણ, પોતાના ઉપર પડી  છે ને.’

હા,સરયુબહેનની હાઇટ ઓછી અને દેખાવે પણ સાધારણ, પણ એમનુ ઘર સધ્ધર એટલે એમના લગ્ન સારી હાઇટ બોડી ધરાવતા, સ્નેહલરાય સાથે થયા. કેટલાક લોકો આ જોડીને ‘અમિતાભ-જયાની જોડી’ પણ કહેતા. એમના જમાનામા તો મા-બાપ પોતાના સંતાનો માટે જીવનસાથી પસંદ કરતા. અને સંતાનો પણ મા-બાપની  વાત માનીને એમણે શોધેલા પાત્ર સાથે પરણી જતા.  સ્નેહલ-સરયુના એરેંજડ મેરેજ થયેલા. જો કે તે વખતે સ્નેહલને જીવનસાથી પસંદ કરવાની છુટ અપાઇ હોત તો એ પણ આ સાધારણ સરયુને બદલે કોક બ્યુટીફૂલ મોડર્ન મોનીકાને પરણ્યા હોત. આ વાત વિચારતા સરયુબહેનને હસવું આવી ગયું.

 સ્નેહલના મમ્મીપપ્પા સાધારણ સ્થિતિના, સ્નેહલના પપ્પા મેટ્રિક સુધીજ ભણેલા. એક  ઓફિસમા વરસોથી નામુ લખવા જતા. સાથે ત્રણચાર  ટ્યુશન પણ કરતા. એ વખતે આજના જેટલી  મોંઘવારી નહોતી. કરકસરથી લોકો રહેવા ટેવાયેલા હતા. અવનવી  વસ્તુઓની લાલસા કે દેખાદેખી નહોતા. જરૂર હોય તો જ વસ્તુઓ ઘરમા આવતી. ઘણીવાર તો  જરૂર હોવા છતા લોકો વસ્તુ વિના ચલાવી  લેતા અથવા અડોશપડોશ માથી લાવીને વસ્તુ વાપરતા. પરસ્પર લેણદેણને કારણે લોકો એકબીજા સાથે લાગણીના સમ્બંધથી બંધાયેલા હતા. એકબીજાના સુખે સુખી હતા.  લોકો ઉદાર હતા, પરમાર્થી હતા. જીન્દગી ગરીબીમા પણ મજાની હતી. વસ્તુની કિમત હતી. વ્યક્તિઓની કિમત હતી. વડીલોની માનમર્યાદા હતી. કાળજી હતી. કુટુમ્બભાવના પ્રબળ હતી. સ્નેહલના પપ્પાએ બાપ-દાદાનુ ઘર ગીરવી મૂકી રુપીયા  વ્યાજે  લઇ બે દિકરીઓને સાધારણ પણ  સુખી ઘરે પરણાવી હતી. સ્નેહલ ભણવામા હોશિયાર  હતો એટલે ડોક્ટર બનવાનુ સ્વપ્ન જોયું હતું. સ્કોલરશીપ માટે ખુબ પ્રયત્નો કર્યા પણ મેળ ના પડયો.

સ્નેહલના પપ્પા જે ઓફિસમા વરસોથી નામુ લખતા હતા એ  શેઠને  વાત કરીને રુપીયા ઉધાર માંગ્યા રુપીયા આપવાને બદલે શેઠે સલાહ આપી, ‘જુઓ ભાઇ, આજે તો તમે દિકરાને માટે કરજ લેવા તૈયાર થયા  છો, પણ એ જ દિકરો ગરજ સરી કે વૈધ વેરી જેવું કરશે. સધ્ધર થયા પછી તે હાથ અધ્ધર કરી દેશે. કમાતો  થાય એટલે દિકરાને મા-બાપ નો  વાંક દેખાવા લાગે. અને પરણ્યા પછી તો એને એના મા-બાપ દુશ્મન જ લાગે. પુત્રવધૂ સારી મળે તો ઠીક, નહિતર એ પણ વરને  ચડાવે, વર ની કમાણી ઉપર ફક્ત એનો જ હક્ક. પુત્રવધૂ માને કે એનો વર તો ‘સેલ્ફમેઇડ’ (જાતે જન્મેલો, જાતે જ મોટો થયો, જાતે જ બોલતા ચાલતા  શીખી ગયો ?  દિકરોય જાણે કે હવે આખી જિંદગી આની સાથે જ ગુજારવાની છે, તો એની હા એ હા કરવામા જ સાર છે. મારું કહ્યું માનો તો દિકરાને ડોક્ટર બનાવવા દેવું કરવું માંડી વાળો અને એને કોઈ સારી જગ્યાએ કામે લગાડી દો.’ સ્નેહલના પપ્પાએ  દબાતા સ્વરે કહ્યું, ‘મારો દિકરો એવું નહીં કરે, મને એના પર  સંપુર્ણ વિશ્વાસ છે. છતાંય માનો કે એ એવું કરે તો તમારું દેવું હું ચુકવી આપીશ, બસ ?’

‘ક્યાંથી ભરશો દેવું ?  દિકરીઓને પરણાવતી વખતે ઘર તો ગીરવે મુકી દીધું છે.’ શેઠે રોકડું પરખાવ્યું. સ્નેહલના પપ્પા આ વરવી વાસ્તવિક્તાના અપમાનજનક ઘુંટ ગળે ઉતારી, હતાશ થઈ ઘરે પાછા  ફર્યા. સ્નેહલ પપ્પાનુ પડી ગયેલું મોં જોઈને સમજી ગયો. એણે પપ્પાને સાંત્વના આપતા કહ્યું, ‘પપ્પા,તમે ચીંતા ના કરો. હું પાર્ટ ટાઇમ જોબ સાથે   બી.એસસી. કરીશ.’ અને સ્નેહલે એના કહ્યા મુજબ કર્યું. કમાયો, બહેનને સારે ઘરે પરણાવી. પોતે પણ મમ્મીપપ્પાએ પસંદ કરેલી છોકરી સરયુ સાથે પરણ્યો. બે સંતાન પ્રીતિ અને પ્રતિક નો પિતા બન્યો. પ્રતિકના જન્મ પછી સ્નેહલના પપ્પા મ્રુત્યુ પામ્યા. સ્નેહલના મમ્મી એટલે કે બા એ સાંસારિક બાબતોમાથી નિવૃતિ લઈ, આધ્યાત્મિક વાંચન અને પ્રભુભક્તિમા મન પરોવ્યું. અત્યંત સરળ સ્વભાવ અને પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લેવાની વ્રુત્તિના કારણે  બા એ પોતનુ જીવન સરળતાથી ગોઠવી લીધું.  
પ્રીતિ પણ એના પપ્પાની જેમ ભણવામા હોશિયાર હતી. સ્વભાવમા પણ એના પપ્પાની જેમ માઇલ્ડ નેચરની હતી. ઘરકામમા એક્સપર્ટ હતી. એ 23 વરસની  થઈ ત્યારે  એડવોકેટ થયેલા મનનનુ માગું  આવ્યું.  સ્નેહલભાઈ એ કહ્યું, ‘આપણે બા ને પુછીએ તો ?’ ‘એમા બાને શું પુછવાનુ ? છોકરો સારો છે, ઘર સારુ છે. વળી બા આવી ઘરની બાબતોમા માથુ મારતા જ નથી.’ સરયુબહેને કહ્યું. ‘સરયુની ઉપરવટ જઈને કંઇ કરવું એનો મતલબ કજિયાને આમંત્રણ આપવું અને ઘરની શાંતિને જોખમમા મુકવી.’   એટલું આટલા  વરસોના લગ્નજીવનના અનુભવમાથી શીખેલા સ્નેહલરાયે, ‘તો પછી તું જાણે.’ કહીને બધું સરયુ પર છોડી દીધું. સરયુબહેને ધામધુમથી પ્રીતિના એંગેજમેંટ  ગોઠવી કાઢયા. સ્નેહલના મમ્મી કશું બોલ્યા નહી.
પણ જો એમને પુછ્યું હોત તો એમણે જરૂર કહ્યું હોત કે, ‘ઘર ભલે સધ્ધર છે, પણ માણસો બહુ લાલચુ અને લોભિયા છે.’ સંતાનો જ્યારે વડીલોની અવગણના કરે છે ત્યારે પોતાના સંતાનોનુ  હમેશા ભલુ ઇચ્છતા મા-બાપ એ વખતે અપમાનના ડરથી ચુપકિદી સેવી લે છે. મા-બાપના મ્રુત્યુ પછી સંતાનો એમનુ શ્રાધ્ધ કરે છે, લાખો રુપિયાનુ દાન કરે છે, ઘરમા એમના ફોટા લગાવે છે. પણ એ બધું નકામું છે. કમનસીબે સંતાનોને આ વાત ત્યારે જ સમજાય છે, જ્યારે એમના સંતાનો એમની સાથે આવું કરે છે. કદાચ આને જ . ‘હિસ્ટ્રી રિપીટ્સ ઇટ્સેલ્ફ’ કહેવાતું હશે? થનાર ઘટના થયા કરે છે. બહુ થોડા અપવાદોમા મા-બાપ અને સંતાનો એક્મેકને સમજીને, લાગણીને માન આપીને સુમેળથી રહે છે. આવા ઘરોમા ધરતીનું સ્વર્ગ ઉતરે છે.
સરયુએ પ્રીતિનુ સગપણ મનન સાથે ધામધુમથી કર્યું. 

જ્યારે વડિલો લગ્નની તારીખ લખવા સામસામે બેઠા, ત્યારે મનનના પપ્પાએ કહ્યું ‘પહેલા  પ્રીતિને 21 જોડ કપડા, 20 તોલા સોનુ, મનનને સોનાની વીંટી અને ચેઇન, રેમન્ડનો  સુટ, બાઇક, અને ઓફિસસ્પેસ આપવાનુ કબુલો તો જ લગ્નની તારીખ નક્કી થાય.  સ્નેહલરાય અને સરયુબહેન તો આ સાંભળીને આશ્ચર્યવિમુઢ થઇ ગયા. બહુ કાકલુદી કરી. પણ મનનના પપ્પા ના માન્યા. છેવટે મનનને સમજાવ્યો તો એણે કહ્યું, ‘વહેવારની વાતો તો વડિલો નક્કી કરે, એમા મારે શું કહેવાનુ હોય ?’  પ્રીતિએ જ્યારે આ વાત સાંભળી ત્યારે એને પહેલા આઘાત લાગ્યો. પછી એણે ગુસ્સાથી અને મક્કમતાથી કહ્યું,’ આવા લોભિયા અને નમાલા છોકરા સાથે મારે પરણવું જ નથી.’  મમ્મી-પપ્પાની સ્થિતિ જોઇને એ રડી પડી. એંગેજમેંટ તુટી ગયા.    
ફરીથી પ્રીતિ માટે મૂરતીયા જોવાનુ શરુ થયું. પણ બે વરસના ગાળામા કંઇ મેળ ના પડયો. એવામા પ્રીતિની ઓફિસમા શશાંક નામે છોકરો જોડાયો. પાંચ છ મહિનામા સાધારણ પરિચયમાંથી પ્રીતિ-શશાંક એકબીજાની નજીક આવ્યા. એકબીજાને પસંદ કરવા લગ્યા. શશાંકે પ્રીતિને પ્રપોઝ કર્યું. પ્રીતિએ એના મમ્મી-પપ્પાને  વાત કરી. બન્નેના વડિલો મળ્યા, વાતચીત કરી. અને પાત્ર યોગ્ય લાગતા  વાત પાકી કરી. શશાંકના દાદાના અવસાનને છ મહિના થયા હતા એટલે  બીજા છ મહિના પછી વરસી વાળી દઇને લગ્ન કરવા એવું બન્ને પક્ષે નક્કી થયું. સહુ ખુશ હતા. પણ આ છ માસના ગાળામા પ્રીતિને ખ્યાલ આવી ગયો કે શશાંક વહેમીલો છે. પ્રીતિ ક્યાં  જાય છે, કોને કોને મળે છે, શું વાતો  કરે છે વગેરે તમામ બાબતો શશાંક નોંધતો અને પુછતો. પ્રીતિ અકળાઇ ઉઠી, ‘લગ્ન પહેલા  જ જો આ મારી આટલી ઉલટતપાસ કરે છે તો લગ્ન બાદ મારુ શું થશે ?’ રડતા રડતા પ્રીતિએ મમ્મી-પપ્પાને તમામ વાત કરી. તેઓને ખુબ આઘાત લાગ્યો. પછી શાંતિથી વિચાર કરીને આ સંબંધ તોડી નખ્યો. બે વારના  સંબંધ વિચ્છેદથી પ્રીતિનુ મન લગ્નબંધનમાથી ઉઠી ગયું.

એણે એના મમ્મી-પપ્પાને લગ્ન ન કરવાનો ઇરાદો જણાવી દીધો. પણ, ‘અમે ના હોઇએ ત્યારે તારુ કોણ ?’ કહીને એમણે પ્રીતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જે કોઇ સગા સંબંધી કે  ઓળખીતા પાળખીતા મળે તેને સરયુબહેન કહેતા, ‘મારી પ્રીતિને લાયક કોઇ છોકરો ધ્યાનમા હોય તો બતવજોને.’ લોકો મૂરતીયો બતાવતા પણ ખરા. પણ ‘દૂધનો દાજ્યો છાશ ફૂંકીને  પીએ.’ એમ સરયુબહેન છોકરાની અને એના કુટુંબીજનોની ચારેકોરથી તપાસ કરતા અને નાનકડી પણ ખામી દેખાય તો ના પાડી દેતા. લોકો પણ પછી તો , ‘આ તો દૂધમાથી પોરા કાઢે છે.’ એમ કહીને છોકરાઓ બતાવવાનુ બંધ કરી દીધું. આમ ને આમ પ્રીતિ અઠઠાવીસ વરસની થઇ ગઇ.

પ્રતિક ૨૬ વરસનો થયો. એણે એમ.બી.બી.એસ.. કર્યું. પોતાના માટે પોતાના જ ફિલ્ડની છોકરી વિનીને શોધી કાઢી. સરયુબહેને, ‘વિની મહારાસ્ટ્રીયન  છે, આપણા ઘરમા સૂટ નહી થાય.’ એવો વાંધો ઉઠવ્યો. પણ પ્રતિકે મક્કમપણે કહ્યું, હું પરણીશ તો વિનીને જ.’  સરયુબહેન ચુપ થઇ ગયા. પ્રીતિના સદનસીબે  દૂરના એક સંબંધીના તરફથી આઇ શ્પેશિયાલિસ્ટ થયેલા ડોક્ટર પ્રેમલનુ માંગુ આવ્યું. પ્રેમલનુ પોતાનુ ક્લિનીક હતું અને પ્રેકટીશ પણ સારી હતી. પોતાનો બંગલો હતો, પોતાની કાર હતી. અને ’સોનેપે સુહાગા’ જેવી વાત તો એ હતી કે પ્રેમલ કે એના મમ્મી-પપ્પાને ‘કંકુ અને કન્યા’ સિવાય કશું જોઇતુ નહોતું. આમ ‘દીવો લઇને શોધવા જઇએ તો પણ આવું ઘર કે આવો વર ના મળે’ એમ વિચારીને સરયુબહેને પ્રીતિને કહ્યું, ‘બેટા, લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે ત્યારે મોં ધોવા નથી જવું.  હા કહી દે.’ પહેલી મુલાકાતમા જ પ્રિતિ-પ્રેમલ એકબીજાને પસંદ આવ્યા.  પ્રેમલે પ્રીતિને પોતાની સાથે પહેલી ફિલ્મ જોવાનુ અને પછી કોફી શોપમા જવાનુ  આમંત્રણ આપ્યું. ત્યારે સરયુબહેન પોતાની ખુશીને વ્યક્ત કર્યા વિના ના રહી શક્યા.’બેટા, પિંક કલરનો પંજાબી  ડ્રેસ અને એને મેચ થતો અમેરિકન ડાયમંડનો સેટ પહેરજે. ’પ્રીતિએ પણ મનોમન મલકીને મમ્મીની વાત માન્ય રાખી.

સરયુબહેન ચા પી રહ્યા અને ડોરબેલ  વાગી. એમણે દરવાજો ખોલ્યો. ‘જલદી આવી ગઇ, બેટા. કોફીશોપ ના ગયા ?’ એમ પુછતા એમણે પ્રીતિને આવકારી. પણ પ્રિતી તો  સામુ જોયા વિના કે કશું બોલ્યા વિના, ચંપલ કાઢી, પર્સ લઇને સીધી બેડરુમમા જતી રહી. સરયુબહેનને ધ્રાસ્કો પડયો તેઓ પ્રીતિના બેડરુમમા ગયા. ‘શું થયું, કેમ ઉદાસ છે, બેટા ?’ એ પૂછી બેઠા. ‘મમ્મી,મારે પ્રેમલ સાથે લગ્ન નથી કરવા.’ હતી એટલી હિંમ્મત ભેગી કરીને પ્રીતિ બોલી અને નીચું જોઇ ગઇ, એની આંખોમા આંસુ હતા. સરયુબહેનને એ ન સમજાયું કે ‘પહેલી મુલાકાતમા એકબીજાને પસંદ કરી ચૂકેલા પ્રિતિ-પ્રેમલની આ બીજી મુલાકાતમા એવું તે શું બની ગયું  કે પ્રીતિ લગ્ન જ કરવાની ના પડે છે ? શું થિયેટરના અંધકારમા પ્રેમલે પ્રીતિ સાથે કંઇ અણછાજતી છૂટછાટ લેવાનો પ્રયત્ન કર્યો હશે ?’

‘પણ પ્રીતિ બેટા એવુ તે શું બની ગયું કે તુ આમ સાવ લગ્નની  જ ના પાડે છે ?’ સરયુબહેને એને પુછ્યું. ‘મમ્મી  પ્રેમલ છેલ્લા દસ વરસથી સિગરેટ પીએ છે’  પ્રીતિ બોલી. ‘બસ, આટલી જ વાત ? તેં તો મને ઘભરાવી મૂકી.’ સરયુબહેન બોલ્યા.  ‘મમ્મી,તને આ વાત નાની લાગે છે ? તુ જાણે છે ને કે સિગરેટ પીવાથી હેલ્થ પર કેવી અસર થાય.  કેન્સર જેવી ભયંકર બિમારી થઇ શકે.’  પ્રીતિ બોલી. ‘બેટા, બધા સિગરેટ પીનારાને કેન્સર  થતું નથી હોતું. અને  જેમને  કેન્સર  થાય છે તે બધા કંઇ સ્મોકિંગ કરતા નથી હોતા. જોને તારા પપ્પા જ ક્યાં સિગરેટ નથી  પીતા ?’

‘ઓહ ! મમ્મી, તને હવે હું શું કહું ? તું પપ્પાનુ સ્મોકિંગ ચલાવી લે છે એટલે મારે પણ શું પ્રેમલનુ સ્મોકિંગ ચલાવી લેવાનુ ?’ ‘હું એવુ ક્યાં કહુ છું, બેટા. તુ પ્રેમથી એને સમજાવીશ તો એ સ્મોકિંગ  છોડી  દેશે.’ ‘મમ્મી, ખોટું  ના લગાડીશ. પણ સાચી વાત તો એ છે કે તેં કેટલા પ્રયત્નો કર્યા, પ્રેમથી સમજાવ્યા, રિસાઇ ગઇ, અબોલા લીધા, ઉપવાસ કર્યા. તો પણ પપ્પા માન્યા ? સ્મોકિંગ છોડ્યું ? અરે !  એમના ફ્રેંન્ડ  ડોક્ટરકાકાએ કેટલું  ચેતવ્યા, ‘હવે તો સિગરેટ છોડ નહિતર----‘ ‘બેટા, તારી વાત સ્વીકારુ છું. પણ આપણે જીવનમા ક્યારેક અને ક્યાંક તો સમાધાન સ્વીકારવું જ પડે.’

‘પણ આવી ગંભીર વાતમા સમાધાન ?’ ‘પ્રીતિ, માંડમાંડ સારું માંગુ આવ્યું છે ત્યારે આવા નજીવા કારણસર તું ના પાડેતે મને યોગ્ય નથી લાગતું.’ ‘ભલે તો પછી મમ્મી, તમને લોકોને યોગ્ય લાગે તેમ કરજો.’ સ્નેહલરાય રાત્રે ઘરે આવ્યા ત્યારે સરયુબહેને બધી વાત કરી. ઘરની કોઈ વાતમાં માથું ણ મારતા સરયુના સાસુ પહેલીવાર  બોલ્યા, બેટા, પ્રીતિને પરાણે પરણાવશો નહી.’ કહીને માળા કરવા રુમમા જતા રહ્યા.

-અરે ! પ્રેમલ  સિગરેટ  પીએ  છે એટલે લગ્ન માટે ના પાડી દેવાની ? એમ તો તમે પણ ક્યાં સિગરેટ નથી પીતા ?
-સાંભળ સરયુ, હું પણ વરસોથી સિગરેટ પીઉ છું. છેલ્લા એકાદ વરસથી તો મને ખોરાક ગળે ઉતારતા પણ તકલીફ પડતી હતી. ડોક્ટરને બતાવતા ય ડર લાગતો હતો કે ક્યાંક કેન્સર  ના હોય. પણ  દર્દ જ્યારે હદથી વધી ગયું તો મેં ગયા અઠવાડીયે જ ડોક્ટરને બતાવ્યું. એમણે કહ્યા તે બધા ટેસ્ટ કરાવ્યા. મને અન્નનળીનુ  કેન્સર છે. સારવાર ખુબ યાતનાજનક હશે. એ પછી પણ સાજા  થવાના ચાન્સ ઘણા ઓછા છે. હવે તું જ કહે, આપણી દિકરીને પણ જો આવી જ  પરિસ્થિતિમાથી પસાર થવાનુ આવે તો એની શું દશા થાય ? હવે તું જ નક્કી કર કે તારે એને પ્રેમલ સાથે પરણાવવી છે કે કેમ ?

સરયુબેન તો ‘વ્યસન નામના  દાનવ’  ની બન્ને તરફ્ની આવેલી આંધીમા અટવાઇને અવાચક થઇ ગયા.       

રુચિની ચિઠ્ઠી.

રુચિની ચિઠ્ઠી.                

-શું કરીશું આપણે હવે?  પુત્રવધૂ વનિતા કંઇ કામ અંગે ઘરની બહાર ગઇ અને પતિ-પત્ની એકલા પડ્યા એટલે જયેશભાઇ, પત્ની જયાબહેનને અધિરાઇ પૂર્વક પૂછી બેઠા, અને પછી ઉમેર્યું...
-વહુ - દિકરો વનિતા-વરુણ આપણને રોકાઇ જવા માટે આગ્રહ તો ખૂબ કરે છે, અને આપણને પણ એમની સાથે રહેવા  લાલચ થઈ  જાય છે. આ વખતે તો વળી દસ દિવસ વનિતાએ આપણી સરભરા પણ ખૂબ કરી છે. ખૂબ આદર-સત્કારથી રાખ્યા છે. એ આપણને અહીં જ રોકાઇ જવા આગ્રહ કરી રહી છે, પણ મારા અંતરમા કોઇ અદ્ર્શ્ય ભય છે..

-અત્યારે આપણે બે જણ આપણા મહેસાણાના ઘરમા આરામથી રહીએ છીએ. સરસ મજાનું જીવન ગોઠવાઇ ગયું  છે. આપણુ જીવન સીધું સાદુ છે. જરુરીયાતો ઓછી છે. અને આપણને ચાલી રહે એટલી મૂડી છે આપણી પાસે. પણ ક્યારેક મને ભવિષ્યની ચિંતા સતાવે છે. આપણને બે માથી કોઇને લાંબી કે મોટી માંદગી આવી તો શું ? અથવા તો બે માથી એક નહી હોઇએ ત્યારે શું ? એવે વખતે દિકરા - વહુની સાથે રહેતા હોઇએ તો નભી જઈએ, શું કહો છો તમે ?

-જો જયા, તને તો ખબર જ છે કે નભી જવાની વાતમા હું માનતો નથી. ‘બે માથી એક ના હોય ત્યારે શું ?’ એવી ભવિષ્યની ચિંતા પણ હું કરતો નથી. હું તો વર્તમાનમા સુખેથી જીવનારો માણસ છું. છતાંય તારી ઈચ્છા વરુણ –વનિતા સાથે રહેવાની હોય તો મારી ના પણ નથી. પણ હું ઇચ્છુ છું કે તુ કોઇ પણ નિર્ણય લે તે પહેલા એક્વાર શાંતિથી વિચારી લે.
-તમારી સાથે આટલા વર્ષ રહી છું એટલે તમારા વિચારોને સારી રીતે સમજુ છું અને તમારી સાથે સમ્મત પણ છું, દેસાઇ. પણ મારું માનું હ્રદય એક ના એક દિકરા માટે અદ્મ્ય ખેંચાણ અનુભવે છે.

-જયા, એક ના એક દિકરા પ્રત્યેની તારી લાગણી હું સમજું છું. તેં કેટલી માવજતથી એને ઉછેર્યો છે. એની આંખમા આંસુ આવે તો પણ તું કેટલી વિહ્વળ થઈ જતી તે હું જાણું છું. નાનપણમા માંદા રહેતા વરૂણની કેટલી કાળજી તેં કરી છે. કેટલી  ચીવટપૂર્વક તેં  એને ભણાવ્યો છે. એનો અભ્યાસ ના બગડે તે માટે તેં તારા મોજશોખ ઉચા મૂક્યા છે તે મને ખબર છે. હું તારી માતા તરીકેની એકે એક ગતિવિધિનો સાક્ષી છું.

-અને તમે પણ તમારી પિતા તરીકેની ફરજ ક્યારે ય નથી ચૂક્યા. વરુણ નાનો હતો અને ક્યારેક લાઇટ જતી રહેતી તો એને અંધારામા ડર લાગવાથી રડવા માંડતો, ત્યારે તમે એને અગાશીમા લઈ જઈને આકાશમાના તારા અને ચંદ્ર બતાવીને છાનો રાખતા. સ્કુલમા હતો ત્યારે અભ્યાસમા મદદ કરતા. કોલેજમા એડમીશન વખતે ઓફીસમાથી રજા લઈને કેવી દોડાદોડ કરી હતી ? અરે, એકવાર સાયકલ શીખતી વખતે એ પડ્યો અને એનો હાથ ભાંગી ગયો હતો તો તમે ઉંચા જીવે એને ઓર્થોપિડિક હોસ્પિટલમા લઈને દોડ્યા હતા તે મને બરાબર યાદ છે. એના હાથે પાટો રહ્યો એ ત્રણ અઠવાડિયા દરમ્યાન  એને નવડાવવાની જવાબદારી તમે બરાબર નીભાવી હતી તે યાદ છે ને?

-હા જયા, મારાથી પણ એની મુશ્કેલી જોવાતી નહી. એની આંખમા આંસુ આવતા તો દિલ મારુ રડતું. એનું હસતુ મોઢું જોઇને જ મારી સવાર સુધરતી. અને છતા પણ એની ખોટી જીદ ક્યારેય પૂરી નહોતી કરી  પિતા તરીકે જે સંસ્કાર આપવા જોઇએ તે આપ્યા. એનામા હું મારું બચપણ નિહાળતો. એ સરસ રીતે ભણ્યો, સિવીલ એન્જીનિયર થયો, મને સંતોષ છે, બસ.
-હા, આપણે એને  સંસ્કાર અને લાડ પ્યાર આપવામા કે એની જરુરિયાતો પુરી કરવામા ક્યારેય ઓછા નથી ઉતર્યા. આપણે જે  શીખ્યા છીએ કે, ‘ લાગણીશીલ થવું, પણ લાગણીવશ ના થવું.’ એ એની પરવરિશમા સારુ કામ આવ્યું.  બસ, આ એના લગ્ન વખતે છોકરી ની પસંદગીમા જ આપણે માર ખાઇ ગયા. છોકરી અને ઘર તેમ જ કુટુંબ વિશે ખુબ સારુ સાભળેલું. શરુઆતમા તો બધું બરાબર ચાલ્યું, પણ પછી ધીરેધીરે વનિતાનું વર્તન બદલાતું ગયું. આપણે બે, એને આંખમા કણાની જેમ ખુંચવા લાગ્યા. આપણને એ એવોઇડ કરવા માંડી. આપણે વનિતા ને માટે ધાર્યું હતુ કેવું અને નીકળી કેવી ?

-જયા, હવે એ વાતનો અફસોસ કરવાથી શું મળે ?  તેં તો  સાભળ્યું છે  ને કે, ’જોડી ઓ  ઉપરવાળો જ બનાવે છે.’  તો એની મરજીનો સ્વીકાર કર. હવે જે થઈ ગયું છે તે ભુલી જા અને હવે શું કરવું છે તે નક્કી કર.
-હા, તમારી વાત તો સાચી છે. ‘ઢોળાયેલા દૂધનો અફસોસ કરવાથી શું વળે ?’  હવે તો આગળ શું કરવું છે તે જ વિચારવાનું. બન્ને જણે આ દસ દિવસમા આપણને સાચવ્યા પણ ખૂબ અને હવે બન્ને જણ આપણને રોકાઇ જવાનો ખૂબ આગ્રહ કરી રહ્યા છે. દિલ કહે છે, ‘રોકાઇ જા- આવો મોકો કદાચ ફરીવારના મળે.’ અને દિમાગ કહે છે, ’કંઈ ગરબડ જરુર છે, કારણ વગર વનિતાને અચાનક પ્રેમ જાગી જાય એ સંભવ નથી.’  હું ખૂબ જ અવઢવમા છું. ખાસ કરીને વરુણ સાથેના આપણા લગાવના હિસાબે રહી જવા મન આતુર છે, પણ કોક અજાણ્યો ડર મનના ખૂણે છે, જેનાથી મન રોકાઇ જતાં પાછું પડે છે.
-ભૂતકાળના અનુભવ પર અધારિત તારો ડર હું જાણું છું, જયા. અને મને પણ એ જ આશંકા છે કે પુત્ર - પુત્રવધૂ એકલા પડ્યા છે એટલે હમણા ખોટે - ખોટો પ્રેમ દેખાડે છે. પણ થોડા જ દિવસમા આપણાથી કંટાળી જશે, ત્યારે ફરીથી સ્વતંત્રપણે રહેવાની કાર્યવાહી આરંભી દેશે, ખરેખર તો મારે જાણવું છે કે અચાનક આપણા માટે જાગી ઉઠેલી એમની લાગણી પાછળનું ખરું કારણ શું છે ? એ લોકો શા માટે આપણને રોકાવા માટે અતિ આગ્રહ કરી રહ્યા છે. મને તો દાળમા કંઇ કાળું લાગે છે. પણ ખરી વાત શું છે તે જાણવું તો જાણવું પણ શી રીતે ? તને કંઇ ખ્યાલ આવે છે ખરો આ બાબતે ?

-તમારી આશંકા કદાચ ખરી હોય, એમનો પ્રેમ કોઇ સ્વાર્થ પ્રેરિત હોય. એમનુ કામ નીકળી જાય પછી, ‘ગરજ સરી અને વૈધ વેરી.’  અને તો તો દેસાઇ, સાથે રહીને ફરી જુદા થવાનુ આવે ને તો મારું તો હૈયું જ બેસી જશે.
-હું જાણુ છું, વરુણ તને કેટલો વહાલો છે તે. પણ હવે એની અને આપણી દુનિયા અલગ છે, જયા. બાળકો મોટા થાય એટલે એમને એમની રીતે જીવવા દેવા જોઇયે. અને આપણે આપણી રીતે જીવવું જોઇયે.
-બસ, તો પછી. એ બન્ને ખુશ રહે તો મારું દિલ પણ રાજી. આપણી એક ની એક પૌત્રી ઋચિના સારી રીતે લગ્ન થઇ ગયા એટલે ગંગા નાહ્યા. આપણે હવે આપણા ગામ, આપણે ઘરે જઇએ.

વાત જાણે આમ હતી. જયેશભાઇ અને જયાબહેનનો એક નો એક પુત્ર વરુણ. બન્નેને એ ખુબ વહાલો. એમનુ કુટુંબ બહુ પૈસાદાર નહી, સાધારણ ગણાય. પણ ખાનદાની અને સંસ્કારિતા પૂરેપૂરી. એમને મન ભણતરનુ ખુબ જ મહત્વ. જયાબેન બી.એ. થયેલા અને લગ્ન પછી બી.એડ. પાસ કરેલું. વરુણ પણ સીવીલ એંજીનિયર થયો અને સારી જોબ પર લાગ્યો એટલે કન્યાઓના માંગા આવવાના શરુ થયા. ત્રણ-ચાર જાણીતા કુટુંબ માથી અમૂલખભાઇની વનિતા સુંદર, નાજુક, નમણી અને ઓછબોલી.એટલે સૌની નજરમા વસી ગઇ. સામે છેડે અમૂલખભાઇના ઘરે વનિતા સહિત સૌને સોહામણો વરુણ પસંદ આવ્યો. એટલે ‘ચટ મંગની પટ બ્યાહ.’ થઇ ગયું. અને વનિતા પરણીને આ ઘરમા પુત્રવધૂ તરીકે ગોઠવાઇ ગઈ.

જયેશભાઇ - જયાબહેને વનિતાને પુત્રવધૂ તરીકે લાવ્યા ત્યારે જ મનોમન નક્કી કરેલું કે ‘આપણને પુત્રી નથી પણ વનિતાને જ આપણી દિકરી ગણીશું.’  અને એમણે એ માટે દિલથી પ્રયત્નો પણ કર્યા. વરુણ - વનિતા ફરવા જાય ત્યારે જયાબેન એ જોડીને જોઇને ખુશ થતા. વનિતા મોર્ડન, વેસ્ટર્ન, સ્લીવલેસ ડ્રેસ પહેરે તો પણ જયેશભાઇ કે જયાબહેન વાંધો  ન લેતા. મન થાય ત્યારે વનિતા પિયર રહેવા જતી તો પણ કંઇ ના કહેતા. વનિતા સવારે મોડી ઊઠતી, ઇચ્છા થાય તો જ ઘરકામમા મદદ કરાવતી, તો પણ જયાબહેન મોટું મન રાખીને ચલાવી લેતા. ‘PEACE AT ANY COST.’  નુ સૂત્ર જયેશભાઈ અને જયાબહેને  આત્મસાત કરી લીધું હતું.

વરુણ - વનિતાને ઘરમા પ્રાયવસી મળે તે માટે જયેશભાઇ - જયાબહેન ક્યારેક વરુણને રજા હોય ત્યારે સગા-સબંધીના ઘરે મળવા જતા. એક બે વાર તો આઠ-દસ દિવસની જાત્રા પર પણ જઇ આવ્યા. પણ આ બધું કરવા છતાં વનિતા બહુ ખુશ નહોતી લાગતી.વરુણ સાથે તો એ બરાબર રહેતી પણ જયાબહેન - જયેશભાઇ ઘરમા જાણે કોઇ ત્રાહિત વ્યક્તિ હોય એમ એમની સાથે વર્તતી. બહુ  અતડી અતડી લાગતી. ખુબ કોશિશ કરી છતાં જયાબેન સમજી ના શક્યા કે વનિતાને કયાં ઓછું આવતું હતું.
ધીમે ધીમે વનિતાએ વરુણને પણ પોતાના વશમા કરી લીધો. પહેલા મમ્મી - પપ્પા સાથે ખાસ્સો સમય વીતાવતો વરુણ હવે એમની સાથે ખપ પૂરતું જ બોલતો. પહેલા બધી જ વાત કરતો વરુણ હવે ઘણીવાર જરુરી વાતો પણ  કહેતો નહી. વનિતા કહે તેમ જ કરતો. બન્ને જણ બહાર જાય તો ક્યાં જાય છે કે ક્યારે પાછા ફરશે તે પણ  જણાવતા નહી. રાહ જોઇ જોઇને જયેશભાઇ - જયાબહેન જમી લેતા, સુઇ જતા. આમ એક જ ઘરમા રહેવા છતાં બન્ને કપલનુ જીવન અલગ અલગ ટાપુ જેવું થઇ ગયું હતુ.

એકવાર જયાબહેનની તબિયત ખરાબ હતી. સવારથી તાવ આવતો હતો. એ પથારીમાથી ઉભા થવા ગયા તો ચક્કર આવી ગયા. જયેશભાઇ એ એમને પથારીમાથી ઉઠવાની ના કહી. અને વનિતાને ચા બનાવવા કહ્યું તો એણે મોઢું બગાડીને ચા બનાવી આપી. જયેશભાઇ જયાબહેનને ડોક્ટરના દવાખાને લઈ ગયા. આવીને જોયું તો ઘરમા વરુણ કે વનિતા કોઇ ના મળે. એમણે વરુણને ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે મીટીંગ હોવાથી વરુણ જલદી ઓફિસ ચાલ્યો ગયો અને વનિતાની નાની બહેનને જોવા છોકરો આવવાનો હતો એટલે એ એના પિયર ગઈ હતી. જયેશભાઇને બહુ ગુસ્સો આવ્યો, અને જયાબહેનને બહુ દુખ થયું, પણ તેઓ કરી પણ શું શકે ? મનોમન સમસમીને બેસી રહ્યા. જ્યારે વરુણ ઓફિસથી આવી ગયો અને વનિતા પિયરથી આવી ગઈ ત્યારે જયેશભાઇએ પોતાની નારાજગી વ્યક્ત કરી. વરુણ તો કઈ ના બોલ્યો પણ વનિતા પગ  પછાડતી રુમમા જતી રહી અને ધડામ લઈને રુમનો દરવાજો બંધ કરી દીધો. પછી વરુણે ખૂબ મનાવી ત્યારે બહાર આવીને રસોઇ બનાવી.

એક્વાર કેટલાક મહેમાન ઘરે જમવા આવવાના ના હતા. વનિતાએ એ દિવસે, ‘મારી તબિયત બરાબર નથી’ કહીને ધરાર જયાબહેનને મદદ ના કરાવી. જયાબહેને એકલે હાથે દસ જણની રસોઇ બનાવી. મહેમાનો ગયા પછી  વનિતા વરુણ સાથે બહાર ફરવા નીકળી ગઈ. જયાબહેનને વનિતાના આવા વર્તનથી ગુસ્સો તો બહુ આવ્યો પણ ઘરની શાંતિ ના જોખમાય એટલે તેઓ ચુપ જ રહ્યા. આવા તો નાના મોટા અનેક બનાવ બનતા ગયા. જયાબહેન જેટલુ સમાધાનકારી વલણ અપનાવતા ગયા, વનિતા એટલી જ બિંદાસ્ત બનતી ગઈ. જયાબહેને વરુણને એક બે વાર પોતાની વાત સમજાવવનો પ્રયત્ન કરી જોયો.પણ વનિતાએ વરુણને એવો તો પોતાના વશમા કરી લીધો હતો કે એ કંઈ સમજવા તૈયાર જ નહોતો. છેવટે જયેશભાઇ - જયાબહેને દિકરા - વહુની જિંદગીમાથી ખસી જવાનું નક્કી કર્યું. વડોદરાનું ઘર એમના હવાલે કરીને બન્ને જણ મહેસાણાના પોતાના ઘરે રહેવા ચાલ્યા ગયા.

ત્યારપછી વરુણને મળવાનુ મન થાય ત્યારે બન્ને જણ બે-ચાર દિવસ વડોદરા રહેવા આવતા. વનિતાને જ્યારે ડિલીવરી વખતે પિયર જવાનુ થયું ત્યારે જયેશભાઇ અને જયાબહેને વડોદરા રહેવાની તૈયારી બતાવી.પણ વનિતાએ એમને કહ્યું, ‘મમ્મી-પપ્પા, તમે વરુણની કે આ ઘરની જરા પણ ચિંતા ના કરતા.  અહીં કામવાળી અને રસોઇવાળી રાખી લીધી છે. તમને વડોદરાની ધમાલ અને ગરમીમા ફાવશે નહી.’ ‘સમજદારકો ઇશારા કાફી હૈ.’  વનિતાની ઇન્ડાયરેક્ટ વાત,’તમારી  અહીં કોઇ જરુરીઆત નથી. રખેને વરુણ મારી ગેરહાજરીમા પાછો મા - બાપ નો થઇ જાય   તો ?’ બન્ને જણ સમજી ગયા અને એકલા રહેતા વરુણની ચિંતા કરવા સિવાય એ લોકો કંઇ કરી ના શક્યા.

જયેશભાઇએ તો વનિતાના સ્વભાવ પરિવર્તનની આશા જ છોડી દીધી હતી. પણ જયાબહેનના દિલના ખૂણે ઊંડે ઊંડે પણ આશા હતી કે વનિતા ‘મા’ બનશે એટલે એનો સ્વભાવ બદલાશે. એ થોડી ‘ઉર્મીલ’ બનશે અને કૂણી પડશે. માત્રુત્વ એના દિલમા સ્નેહની સરવાણી પેદા કરશે. અને એમની વચ્ચેના સંબંધોમા સુધાર થશે. પણ એવું કંઇ ના થયું. ઉલટાની મા બનેલી વનિતા તો ઔર છકી ગઈ, જાણે ‘કડવી કારેલી ને વળી લીમડે ચઢી.’ એણે તો સાસુ-સાસરા સાથેના સંબંધો સાવ લિમીટેડ કરી નાખ્યા.  જયાબહેનને દુ:ખ તો બહુ થતું. માનુ દિલ કેટલીય વાર દિકરાને જોવા-મળવા તરફડતું. પણ જ્યાં દિકરાને જ મા ને મળવાની જ પડી ના હોય તો ? મળવાની વાત તો દૂર રહી, વરુણ માતા-પિતાને ફોન પણ ભાગ્યે જ કરતો. એ લોકો ફોન કરતા ત્યારે પણ, ‘હં, કેમ છો ? મજામા ? થોડો કામમા છું.  પછી વાત કરું છું.’  કહીને ટાળી દેતો. જયાબહેન મનોમન દિકરાના આવા રુક્ષ વર્તનથી દુ:ખી થતા. ક્યારેક રડી પડતા. જયેશભાઇ એમને સાંત્વન  આપતા. ઘરકામ, મિત્ર-મંડળ નો સંગાથ, રામકથા, બાગ વગેરે જગ્યાએ જઇને સમય પસાર કરતા.

બન્નેને થતું, ‘આપણને જો એક દિકરી  ભગવાને આપી હોત તો કેટલું સારુ થાત. એ દિલમા ઘૂઘવતા લાગણીના પૂરનો પડઘો જરુર પાડત.’ છોકરાઓની ઝંખનામા સ્ત્રી ભ્રુણ હત્યા કરનારા મા-બાપોને એમને પોકારી પોકારીને કહેવાનું મન થતું,’ શા માટે તમારા વહાલના ઝરણાને તમે જાતે જ સૂકાવી નાખો છો ?’ પછી એ મનોમન પ્રભુને પ્રાર્થના કરતા કે, મારા દિકરાને સદબુધ્ધિ આપજે અને સદા સુખી રાખજે.’ સંસારની આ બધી પળોજણ ભુલવા માટે એમણે સદવાચનમા મનને પરોવી દીધું હતું.

દિકરા વરુણના ઘરે દિકરી રુચિનો જન્મ થયો ત્યારે દાદા-દાદી બનેલા જયેશભાઇ - જયાબેન હરખઘેલા થઇ ગયા હતા. વરુણના સાસરે રુચિને રમાડવા જવાના પ્રસંગે જયેશભાઇ - જયાબહેન વડોદરા ગયા અને પછી વરુણના આગ્રહથી ત્યાં રોકાયા. દિકરા સાથે ગાળવા મળેલા આ આનંદભર્યા દિવસોએ જયાબહેનના મુરઝાયેલા  મનને જાણે નવજીવન આપ્યું. જયાબહેન રોજ વરુણને ભાવતી વાનગી બનાવતા. વરુણ સાથે રહેવા મળ્યું તો માના દિલને શાતા વળી. પણ સુખના એ દિવસો લાંબા ના ટક્યા.  વનિતા રુચિને લઇને સવા મહિને ઘરે આવી. નાના બાળક સાથે ઘરના કામકાજમા વનિતાને મદદરુપ થવાની ઇચ્છા રાખનાર જયાબહેનને વનિતાએ પોતાના રુક્ષ વર્તનથી જણાવી દીધું કે, ‘હવે હું આવી ગઇ છું, અને તમે જઇ શકો છો.’

જયેશભાઇ - જયાબહેન પાછા મહેસાણા આવી ગયા.ત્યાર પછી એ લોકો ભાગ્યે જ વડોદરા જતા. રુચિને રમાડવાનુ-જોવાનુ ખુબ મન થતું, પણ વનિતાનુ વર્તન યાદ આવતા પગ ના ઉપડતા. વનિતા પોતે તો ‘મહેસાણા તો ગામડું છે, મને ત્યાં ના ગમે.’ કહીને ન આવતી કે ન વરુણ - રુચિને મોકલતી. હા, રુચિ  સમજણી થઇ ત્યારથી વનિતાથી છાનોમાનો દાદા - દાદીનો ફોનથી સંપર્ક રાખતી. પણ રુચિના લગ્ન નિર્ધાર્યા ત્યારે ચમત્કાર થઇ ગયો. આમંત્રણ આપવા વનિતા પોતે વરુણને લઇને મહેસાણા આવી. બન્ને જણ પુરા બે દિવસ એમની સાથે રહ્યા. અને જતા જતા વનિતાએ અતિ આગ્રહપૂર્વક કહ્યું, ‘મમ્મીજી-પપ્પાજી, તમારી એકની એક પૌત્રીના લગ્ન છે. જલદી-જલદી આવી જજો. અમે તો તમને અત્યારે જ અમારી સાથે લઇ જાત, પણ શું થાય, અમારે અહીંથી બારોબાર અમદાવાદ જવાનુ છે. પણ હા, તમારે જેમ બને એમ જલદી આવી જવાનુ છે, અને હા, લગ્ન પછી પાછા મહેસાણા આવવા તૈયાર ના થઇ જતા. હવેથી તમારે અમારી સાથે વડોદરા જ રહેવાનુ છે. તમારા સિવાય અમારું છે ય કોણ ?’

વનિતાના આ અતિ  આગ્રહથી જયેશભાઇ-જયાબહેન આશ્ચર્યમા મૂકાઇ ગયા. એક્બીજાની સામે જોઇ ઇશારાથી વાત કરી, ‘વનિતા તો કાચીંડો છે. ક્યારે રંગ બદલે કહેવાય નહી. દેખતે હૈં આગે આગે હોતા હૈ ક્યા?’ જયેશભાઇ-જયાબહેન રુચિના લગ્નના દસ દિવસ પહેલા વડોદરા આવ્યા. કામકાજની ધમાલ વચ્ચે પણ વરુણ-વનિતાએ એમનું  ભાવભીનું સ્વાગત કર્યું. રુચિના લગ્ન સારી રીતે પતી ગયા. રુચિ સાસરે ગઇ, સગા-સબંધીઓ પણ ગયા અને ઘર સુનુ સુનુ થઇ ગયું. જયેશભાઇ-જયાબહેન પણ મહેસાણા જવા તૈયાર થયા પણ વનિતાએ એમને ન જવા દીધા, આમ કહીને કે, ‘મમ્મીજી-પપ્પાજી, આ પણ તમારું જ ઘર છે ને, હવે અહીં જ રહો, મારી સાથે, તમારા દિકરાની સાથે.’

-શું વિચારમા પડી જયા, મહેસાણા જવું છે કે અહીં વડોદરામા રહેવું છે? ભૂતકાળના વિચારોમાં ખોવાયેલા જયાબહેન જયેશભાઈના સવાલથી પાછા જાગૃત થયા.
-અરે, મને યાદ આવ્યું દેસાઇ, રુચિએ વિદાય વેળાએ મારા કાનમા કહ્યું હતું, ‘દાદી,તમારી થેલીમા મેં એક ચિઠ્ઠી મૂકી છે. મમ્મી-પપ્પા ઘરમા ન હોય ત્યારે તમે વાંચજો.’
-ઓહ ! તો બોલતી કેમ નથી. જા, જલદી અને  લાવ એ ચિઠ્ઠી.
અને જયાબેને એ ચિઠ્ઠી લાવીને જયેશભાઇને આપી. અને કહ્યું, ‘લ્યો,વાંચી સંભળાવો, દેસાઇ’

જયેશભાઇએ ઘરનો મુખ્ય દરવાજો બંધ કર્યો અને ચીઠ્ઠી વાંચવા માંડી. ‘પરમ પૂજ્ય દાદાજી અને દાદીમા, ચિઠ્ઠી લખવાનો અત્યારે સમય નથી, ઘણા કામ કરવાના બાકી છે અને ઘરમા મહેમાનો પણ છે. છતાં મેટર એક્દમ અરજંટ છે એટલે લખ્યા વિના પણ ચાલે એમ નથી. મારી મમ્મીનું બદલાયેલું વર્તન  જોઇને તમને નવાઇ તો જરૂર લાગતી હશે. મને પણ નવાઇ લાગી હતી. એટલે મેં છાનામાના તપાસ કરી. તો પપ્પાના સવાલના જવાબમા મેં મમ્મીનું કહેવુ સાંભળી લીધું. મારા જ મમ્મી-પપ્પાની આ વાત તમને કહેતા દુખ તો થાય છે, પણ....હકીકત  એવી છે કે મમ્મીએ નક્કી કર્યું છે કે તમને પ્રેમભર્યા વર્તનથી જીતી લેવા અને વડોદરા રહેવા મનાવી લેવા. થોડા દિવસ પછી ગમેતેમ કરીને મહેસાણાનું ઘર વેચી દેવા સમજાવી લેવા, વડોદરાનું ઘર પણ વેચી દેવું. બન્ને ઘરના પૈસામાથી વડોદરામા ત્રણ બેડરુમનો ફ્લેટ લઇ લેવો. દાદાજી-દાદીમા, હું મમ્મીને સારી રીતે જાણું છું, એ ‘ગરજ સરી કે વૈધ વેરી’  જેવું કરશે. અને એટલે જ તમને વિનંતી કરું છું કે  તમે મમ્મીની વાતોમા આવ્યા વગર મહેસાણા પાછા જતા રહેજો. હું ક્યારેક તમને મળવા ત્યાં આવીશ. મમ્મીને આ વાતનો અણસાર આવવા ન દેશો. ચિઠ્ઠી વાંચીને તરત ફાડી નાખજો. Take care. Love you grandma-grandpa. ‘  એજ. લિ.  તમારી  વહાલી રુચિ.

રુચિની ચિઠ્ઠી સાંભળી જયાબહેની આંખોમાથી આંસુઓની ધાર ચાલી. જયેશભાઇ પણ ક્ષણભર તો અવાક થઈ ગયા. પછી સ્વસ્થ થઈને  એમણે જયાબહેનને  સાંત્વન આપતા કહ્યું, 

‘ચાલ જયા, સામાન પેક કરીએ. આ ભ્રામક સગપણની માયાજાળ તોડીને આપણે જઇએ આપણી વહાલપની દુનિયામા.’  અને બન્ને જણ ચાલી નીક્ળ્યા મહેસાણાની વાટે. મનમા આ ગીતની પંક્તિ મમળાવતા, ‘ આપણા મલકના માયાળુ માનવી, માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન, રિયોને આપણા મલકમાં, હાલોને આપણા મલકમાં …’