Friday, 5 July 2019

તમે તો કશું બોલશો જ નહીં, પપ્પા.

તમે તો કશું બોલશો જ નહીં, પપ્પા.   

ઘણી વાર એવું બનતું હોય છે, કે પત્નીના મૃત્યુ પછી, એના પ્રત્યેના પ્રગાઢ પ્રેમના કારણે ઘણા યુવાન પતિઓ ફરીવાર લગ્ન નથી કરતાં. કોઈવાર પુત્ર કે પુત્રી પ્રત્યેના અપાર પ્રેમને કારણે  ઘણા વિધુર  પિતાઓ ફરી લગ્ન નથી કરતાં. કુંદનલાલ પણ આવા જ પિતાઓમાંના એક હતાં. પત્નીના મૃત્યુ બાદ એકના એક પુત્ર અનિલને એ સાવકી માના હાથમાં ઉછેરવા નહોતા માગતાં. એટલે યુવાન વયે વિધુર થયા હોવા છતાં, અને  ત્રણેક સારા ઘરેથી માંગા આવવા છતાં, એમણે ફરી વાર પરણવાનો ઈન્કાર કર્યો.

એમણે પોતાની તમામ લાગણીઓ અને શક્તિ, મા- વિહોણા બાળક અનિલને મોટો કરવામાં લગાડી દીધી. જીવન ધીરે ધીરે થાળે પડતું ગયું. પિતા – પુત્રની એક મજાની દુનિયા વસી રહી. અનિલ મોટો થયો, યુવાન થયો, એનું પોતાનું એક લાગણી જગત રચાયું. એમાં એક દિવસ દીપા નામની યુવતિએ પ્રવેશ કર્યો. પિતાને પોતાના મનની તમામ વાતો જણાવતા અનિલે આ વાત પણ એમને  જણાવી. આધુનિક વિચાર ધરાવતા કુંદનલાલે અનિલની પસંદગી સહર્ષ મંજુર રાખી, અને દીપા પુત્રવધૂ બનીને એમના ઘરમાં આવી.

વર્ષોથી સ્ત્રી વિહોણા ઘરમાં એક સ્ત્રીના પ્રવેશથી ઘણું બધું બદલાયું. કુંદનલાલ આ બદલાવ માટે બધી રીતે તૈયાર જ હતાં. આમ પણ અનિલની ખુશીથી વધારે મોટી ખુશી એમને મન બીજી કોઈ નહોતી. એટલે એમણે બધું સાહજિકતાથી સ્વીકાર્યું. અનિલની જોબમાં પ્રમોશન થયું, અનિલે સરસ મજાની કાર લીધી, અનીલે સુખ સગવડના બધા લેટેસ્ટ સાધનો ઘરમાં વસાવ્યા. આવા નાના નાના ખુશીના સમાચારો મળતા રહ્યા અને સમય સારી રીતે પસાર થતો રહ્યો. કુંદનલાલે પણ પુત્ર – પુત્રવધૂને સ્વતંત્રપણે સમય માણવા મળી રહે એ રીતે પોતાનું એક અલિપ્ત જીવન ગોઠવી લીધું.

સવારે ઊઠીને પોતાની ચા જાતે બનાવી લેવી, પોતાની રૂમમાં શાંતિપૂર્વક ધ્યાન કરવું. નાહીને મંદિર સુધી આંટો મારી આવવો, વળતાં ઘરે આવતાં દીપાને પૂછીને જોઈતાં શાકભાજી અને  ફળો લેતા આવવું. આવીને દીપા જમવા બોલાવે ત્યાં સુધી સદવાચન કરવું. જમીને થોડીવાર રૂમમાં ટહેલવું, આરામ કરવો, સાંજે બગીચામાં આંટો મારવો અને પોતાની ઉમરના દોસ્તો સાથે ગપસપ કરવી. આવીને અનિલ સાથે  થોડી ઘણી વાતોની આપ લે કરવી,  સાંજનું હળવું ભોજન લેવું. રૂમમાં આવીને માળા કરવી અને વહેલા સૂઈ જવું. લગભગ આ જ એમનો હંમેશનો જીવનક્રમ.

વિધુર થયા બાદ આટલા વર્ષોમાં કુંદનલાલને ખુશીના સમાચાર તો ઘણા મળ્યા, પરંતુ અંતરમાં સાચો ઊમળકો જગાવે એવા સમાચાર  તો આજે જ મળ્યા, અને તે  પૌત્ર જન્મની વધાઈના સમાચાર. ‘મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું લાગે’  એ વાત આજ સુધી એમણે માત્ર સાંભળી જ હતી. પણ એ વાત એમણે ત્યારે અનુભવી, જ્યારે પુત્રવધૂ દીપા નાનકડા નિહાલને લઈને હૉસ્પિટલમાંથી ઘરે આવી.

નાનકડા બાળકને રમાડવા આવનાર સૌનો એક સવાલ તો લગભગ કોમન જ હોય છે, ‘બાબો કોના જેવો દેખાય છે?’ ખરી વાત તો એ છે કે તાજું જન્મેલું બાળક ઘણી વાર દર્શનપ્રિય નથી હોતું. પણ ‘વાંદરા જેવો દેખાય છે’ એમ તો કહેવાય નહીં, એટલે મમ્મીના તરફના સગા ‘મમ્મી જેવો’  અને પપ્પાના સગા ‘પપ્પા જેવો’ એવું ગપ્પું મારી મૂકે. અહીં મને એક જોક યાદ આવે છે:   રમેશ: તને જોઈને કોઈ પણ કહી શકે કે આપણા પૂર્વજો વાંદરા હતા. મહેશ: અને તને જોઈને કોઈ પણ કહી શકે કે માણસ આજે પણ વાંદરો જ છે.

જોકની વાત જવા દઈએ, પણ હવે દાદા બનેલા કુંદનલાલના જીવનક્રમમાં ફેરફાર થયો હતો. રગશિયા ગાડાની જેમ ચાલતા જીવનમાં હવે નિહાલ રૂપી આનંદનો ઉમેરો થયો હતો. નિહાલને નિહાળવામાં અને રમાડવામાં એમનો દિવસ ક્યાં પસાર થઈ જતો તે ખબર  પણ પડતી નહીં. પણ કહેવત છે ને કે ‘દિવસ પછી રાત આવે છે, અને સુખ પછી દુ:ખ આવે છે‘  કુંદનલાલના જીવનમાં પણ કંઈ આવું જ બનવા માંડ્યું. એમનો આ આનંદ ઝાઝો ટક્યો નહીં. એમાં વિષાદનો ઉમેરો થયો અને વિષાદનું કારણ હતું  દીપા અને અનિલનું વર્તન, કુંદનલાલ સાથેનું નહીં પણ નાનકડા નિહાલ સાથેનું વર્તન. 
દીપા અને અનિલનુ નિહાલ સાથેનું એમેચ્યોર વર્તન જોતાં કુંદનલાલને મનોમન થતું, મા-બાપ બનવાના પણ ક્લાસીસ હોવા જોઈએ અને એક્ઝામ પણ હોવી જોઈએ. જે પતિ–પત્ની આ પેરેન્ટ્સહૂડ્ની પરીક્ષામાં પાસ થાય એમને જ મા-બાપ બનવાની પરમિશન આપવી જોઈએ. અને જે લોકો પરમિશન વગર પેરેન્ટ્સ બને એમને ભારે સજાની જોગવાઈ હોવી જોઈએ.’ પણ આ તો થયાં કુંદનલાલનાં વિચારો. દીપા – અનિલને જ્યારે જ્યારે એમણે આ સમજાવવાની કોશિશ કરી, ત્યારે ત્યારે અનિલે  સંભળાવ્યું, ‘પપ્પા, તમે મને ઉછેર્યો એ વાત બરાબર. પણ ત્યારે જમાનો જુદો હતો અને હવે જમાનો જુદો છે. તમને આજના જમાનાની શું ખબર?’ કુંદનલાલ કંઈ વધુ કહેવા ગયા તો અનિલે કહી દીધું, ‘પપ્પા, તમે તો કશું બોલતાં જ નહીં’ અને કુંદનલાલ ચુપ થઈ ગયાં.

નિહાલની પ્રથમ વર્ષગાંઠ ખુબ ધામધુમથી ઊજવી. મોંઘામાંનો બેંક્વેટ હોલ ભાડે રાખ્યો. મોડર્ન ટાઈપનું ડેકોરેશન,  જાતજાતની વાનગીઓ વાળી મોંઘી ડીશનું આયોજન,  ડી. જે. નું લાઉડ મ્યુઝીક.  બધાં આમંત્રિત મહેમાનોએ દીપા અનિલની વાહ વાહ બોલાવી.  અને જેનું ફંક્શન હતું એ નિહાલ ? આ ભીડ અને ઘોંઘાટ ડરીને, ગભરાઈને ખુબ રડ્યો. કુંદનલાલની કેટલી કાકલૂદી પછી દીપા અનિલે નિહાલને ઘરે લઈ જવાની રજા આપી.  કુંદનલાલ એને ઘરે લઈ આવ્યા. મહેમાનોને વળાવીને દીપા અનિલ મોડેથી ઘરે આવ્યા, ત્યારે નિહાલ દાદાની નિશ્રામાં શાંતિથી સૂઈ ગયો હતો.

બીજા દિવસે અનિલને જુદી જુદી સ્કુલોના ફોર્મ ભરતો જોઈને કુંદનલાલે એને પૂછ્યું, ‘શેના ફોર્મ્સ ભરી રહ્યો છે, બેટા?’ ત્યારે અનિલે એમને કહ્યું, ‘નિહાલને માટે સ્કુલ એડમિશનના ફોર્મ્સ ભરી રહ્યો છું, પપ્પા’  ‘અત્યારથી ?’  કુંદનલાલે આશ્ચર્યથી પૂછ્યું. ‘પપ્પા, આપણે તો ઘણા મોડાં છીએ. મારા ફ્રેન્ડ દીપેને તો જે દિવસે એને ત્યાં બેબી આવી એ જ દિવસે જુદી જુદી ચાર સ્કુલોમાં ફોર્મ્સ ભરી દીધા હતાં’  ‘ઓહ !  મને લાગે છે કે એક જમાનો એવો પણ આવશે જ્યારે બાળકનો જન્મ થવાનો હશે એ પહેલાં જ સ્કુલોમાં ફોર્મ્સ ભરવાં પડશે.’ કુંદનલાલે નિસાસો નાખતાં કહ્યું અને પછી ઉમેર્યું, ‘અમારા જમાનામાં તો ૬ થી ૭ વર્ષે બાળકને સ્કુલમાં દાખલ કરતાં’  ‘એ જમાનો ગયો પપ્પા. હવે જો એવું કરવા જઈએ તો આપણું બાળક પછાત જ રહી જાય.’ અનિલ બોલ્યો.
દીપા અને અનિલે ફોન પર વાતો કરી કરીને અને જાતે પણ દોડાદોડી કરીને, ભારે ડોનેશન આપીને,  નિહાલને ઘરથી ચાર કીલોમીટર દૂર  આવેલા કોઈ પ્લેગૃપમાં દાખલ કર્યો. કુંદનલાલે દીપા અનિલને ઘણું વાર્યા, ‘આટલા નાના બાળકને બોલવા ચાલવા અને કુદરતી હાજતનું ભાન ન હોય, એને શા માટે સ્કુલમાં દાખલ કરો છો ? એને બેઝિક જ્ઞાન આપણે જાતે જ ઘરે ન આપી શકીએ? ‘પણ નિહાલને શહેરની નંબર વન ફેમસ સ્કુલમાં એડમિશન મળવાથી હરખ પદૂડાં થયેલાં દીપા અનિલ બોલ્યા, ‘તમને આમાં કંઈ ખબર ન પડે, તમે તો કશું બોલશો જ નહીં, પપ્પા.’ અને કુંદનલાલ ચુપચાપ જુની આંખે નવો તમાશો જોઈ રહ્યા. સવાર સવારમાં અર્ધી ઊંઘેથી ઊઠીને આંખો ચોળતો કે ક્યારેક રડતો રડતો નિહાલ સ્કુલમાં જતો અને કુંદનલાલ આંખો બંધ કરી નિસાસો નાંખતા, તો દીપા બોલતી, ‘હાશ ! હવે બે કલાક હું છુટ્ટી !’ 

પછી તો નિહાલ નર્સરીમાં આવ્યો, જુનિયર કે.જી. અને પછી સિનિયર કે.જી. દીપા અને અનિલ તો એમની આ નિહાલ નામની પ્રોપર્ટીના સમગ્ર વ્યક્તિત્વ વિકાસના પ્રોજેક્ટમાં આદુ ખાઈને, ના ના આદુ નહીં – પીઝા-બર્ગર  ખાઈને મંડી પડ્યા હતાં. કોઈ પણ મહેમાન ઘરમાં આવે એટલે, ‘નિહાલ બેટા, અંકલને બા બા બ્લેકશીપ સંભળાવો,   A B C D , 1 2 3 4 , બોલી બતાવો, ડાન્સ કરી બતાવો, આંટીને તારા ડ્રોઈંગ્સ દેખાડો.’ શરૂઆતમાં તો નિહાલ આનાકાની પણ કરતો. પણ પછી મમ્મીની ધાક ધમકીથી ચાવી દીધેલાં રમકડાંની જેમ શરૂ થઈ જતો. કુંદનલાલ વ્યથિત હૃદયે આ તમાશો જોતાં અને ન સહેવાય ત્યારે રૂમમાં જઈ પોતાની જાતને બંધ કરી લેતાં.

નિહાલ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ દીપા અનિલની  એની પાસેથી ભણતરમાં   Grade ની અપેક્ષા વધતી જ ગઈ. નિહાલ પણ એમને ખુશ રાખવા પોતાની મરજી વિરુધ્ધ જઈને પણ ખુબ મહેનત કરતો. દીપા અનિલ કહેતાં, ‘અમારો નિહાલ બહુ જ બ્રિલિયન્ટ અને ઈંટેલીજન્ટ છે. અમારે એને ડૉક્ટર જ બનાવવો છે.’ કુંદનલાલ આ સાંભળતાં ત્યારે મનોમન કહેતાં, ‘હા, તમારે મન તો નિહાલ તમારી માલિકીની એક ચીજ જ છે ને. જેમ બીજા  લોકો નક્કી કરે કે અમારે ફર્નિચર તો સાગના લાકડાનું જ બનાવવું છે, એમ તમે લોકે નક્કી કર્યું કે અમારે નિહાલને તો ડૉક્ટર જ બનાવવો છે, કદી એની મરજી પૂછી છે?’ પણ તેઓ ચુપ જ રહેતાં, કારણકે એમને ખબર હતી કે પોતે કશું પણ કહેવા જશે તો દીપા અનિલ એમને આ જ કહેવાના, ‘પપ્પા, તમે તો કશું બોલતાં જ નહીં’

નિહાલનું બાળપણ ભણતરના બોજ સાથે પત્યું. એની ઉંમરના અન્ય બાળકો રમતાં હોય, ફરતાં હોય, મોજ મસ્તી કરતાં હોય, ત્યારે આપણો ભાવિ ડૉક્ટર નિહાલ સાયન્સ અને મેથ્સના સર સાથે માથાં ખપાવતો હોય. અનિલને એના બીઝનેસ અને દીપાને એની ક્લબ – કીટી પાર્ટીઓ, સોશીયલ એક્ટીવીટીમાંથી નિહાલ માટે સમય ન બચતો. પણ નિહાલ માટે એમણે જડબેસલાક ટ્યુશનો ગોઠવી દીધા હતાં. કુંદનલાલે એક બે વાર બન્નેને કહ્યું પણ ખરું, ‘ભગવાને આવો સારો દીકરો આપ્યો છે, તો થોડો સમય એની સાથે પણ વીતાવો’  પણ દીપા અનિલનું તો એક જ બ્રહ્મવાક્ય, ’તમે તો કશું બોલશો જ નહી,  પપ્પા.’ 

કુંદનલાલને એક વ્યાખ્યાનમાં સાંભળેલી વાત યાદ આવતી :  ‘અત્યંત ધનવાન રોશનશેઠ માંદા પડ્યા, અને એમને હોસ્પિટલમાં દાખલ કર્યા. સરસ મજાની ફાઈવસ્ટર હોસ્પિટલ હતી. નીટ એન્ડ ક્લીન રુમ,  અને ફ્લાવર વોઝમાં સજાવેલાં ફુલોથી  સુગંધીદાર રૂમ. એકદમ ડીસન્ટ ડૉક્ટર્સ અને સુંદર યુવાન નર્સો. જે કોઈ ખબર કાઢવા આવતું તે આ બધું જોઈને દંગ રહી જતું. ત્યાં એક દિવસ રોશનશેઠના બાળપણના દોસ્ત રસિકભાઈ મળવા આવ્યા, બોલ્યા, ‘વાહ રે ભેરુ, શું ઠાઠ છે તારો ?  કહેવું પડે ભાઈ.‘   આંખમાં પાણી સાથે રોશનશેઠે રસિકભાઈ ને મનની વાત કહી જ દીધી, ‘રસિક, આ હોસ્પિટલ સરસ છે, સ્ટાફ પણ ખુબ વિવેકી છે, બધું જ સરસ છે, પણ મને અહીં એકલતા લાગે છે.  તું મારા પુત્ર સાહિલને કહે ને કે એ દરરોજ થોડો સમય કાઢીને મારી પાસે અર્ધો કલાક બેસે.’

‘જરૂર કહીશ’ રસિકભાઈએ પોતાના દોસ્ત રોશનશેઠને સાંત્વન આપ્યું. જ્યારે રસિકભાઈએ સાહિલને આ વાત કહી ત્યારે સાહિલે માત્ર એમને આટલું જ કહ્યું, ‘ અંકલ, હું જ્યારે નાનો હતો,  મને પપ્પાના સાથની ખુબ જરૂરત હતી. ત્યારે પપ્પાને મારા માટે સમય નહોતો, હવે મારી પાસે પપ્પા માટે સમય નથી,  હિસાબ એકદમ ચોખ્ખો છે.  એમણે નાનપણમાં મને આયા વડે ઊછેર્યો, હવે હું એમને ઘડપણમાં નર્સ વડે સાચવું. માટે તમે પાસે બેસવાની વાત ન કરશો, એ સિવાય કહો તે કરવા તૈયાર છું’

નિહાલને લઈને કુંદનલાલના મગજમાં સેંકડો વિચારો આવતાં અને શમી જતાં હતાં. કેમ કે એમને ઘરમાં બોલવાની સ્વતંત્રતા નહોતી. નિહાલ બારમાંમાં આવ્યો અને ઘરમાં જાણે ‘બોર્ડની એક્ઝામ’ નામનું સુનામી વાવાઝોડું આવ્યું. સુનામી તો થોડા સમયમાં શમી ગયું હતું, પણ આ વાવાઝોડું તો આખું વર્ષ ચાલ્યું. દીપા અનિલ તરફથી ઘરમાં ટી.વી., રેડિયો, વીડીયો , અરે મોટેથી બોલવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી.  નિહાલને વાંચવામાં ડીસ્ટર્બ ન થવું જોઈએ. નિહાલને ખાવામાં પણ રીસ્ટ્રીક્શન લાદવામાં આવ્યું. બહારનું નહીં ખાવાનું – તબિયત બગડે, ભાત નહીં ખાવાના – ઊંઘ આવે, કોઈના ઘરે કે પાર્ટીમાં નહીં જવાનું – ટાઈમ બગડે. બસ – વાંચો વાંચો અને વાંચો જ. આ બધી પાબંદીઓથી નિહાલ અંદરથી સખત રીતે ત્રાસી ગયો હતો, પણ મમ્મી – પપ્પા આગળ.. No Arguments. કુંદનલાલ તો બિચારા બને ત્યાં સુધી પોતાની રૂમમાં જ પૂરાઈ રહેતાં. સાંજે ગાર્ડનમાં જતાં તે રાત્રે જ ઘરે આવતાં.

એમ ને એમ  પરીક્ષાઓ આવી અને પતી પણ ગઈ. નિહાલની સાથે સાથે કુંદનલલને પણ હાશ થઈ. પણ દીપા અનિલ ?  ‘જોઈએ રીઝલ્ટ કેવું આવે છે’  કહીને નિરાંતની અને આનંદની પળોને પણ ચૂંથી કાઢતાં. એક દિવસ આવ્યો જ્યારે રીઝલ્ટ હતું. દીપા અનિલ ખુબ જ ટેંશનમાં હતાં. બન્નેના હાર્ટબીટ્સ માપો તો એબનોર્મલ આવે અને બ્લડપ્રેશર માપો તો હાઈ આવે. સમય થયો એટલે નિહાલ સ્કુલમાં રીઝલ્ટ લેવા ગયો. કુંદનલાલ નિહાલને ગીફ્ટ આપવા એનો ફેવરીટ પિયાનો લેવા ગયાં. આવીને એમને પિયાનો પલંગ નીચે છુપાવી દીધો કે જેથી નિહાલને સરપ્રાઈઝ આપી શકે. પિયાનો જોઈને નિહાલ કેવો ખુશ થશે એ વિચારે કુંદનલાલના હોઠ પર સ્મિત આવી ગયું.

નિહાલ રીઝલ્ટ લઈને ઘરે આવ્યો ત્યારે એનો ચહેરો સાવ ઊતરી ગયો હતો. ધાર્યા હતા ૯૦% અને આવ્યા ૭૫%. દીપા અનિલના તો જાણે બારે વહાણ ડૂબી ગયાં.ઘરમાં કોઈ સ્વજનનાં મૃત્યુ જેવું વાતાવરણ છવાઈ ગયું. નિહાલ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. કુંદનલાલે એને બાથમાં લઈને સાંત્વન આપ્યું. નિહાલ બોલ્યો, ‘દાદાજી, હવે મને મેડિકલમાં એડમિશન નહીં મળે.’ કુંદનલાલે એના માથે હાથ ફેરવતાંકહ્યું, ‘કંઈ નહીં બેટા, એ સિવાય પણ કેરિયર બનાવવા માટે ઘણી લાઈનો છે.’
આ સાંભળીને દીપા અનિલ બન્ને ઊકળી ઊઠ્યા, ‘તમારા લાડ પ્યારે જ એને બગાડ્યો છે. પપ્પા, આટલા ટકાએ તો એને કોમર્સમાંય એડમિશન નહીં મળે.’ ‘પણ અત્યારે તમે લોકો...’ કુંદનલાલ દીપા અનિલને  કંઈ સમજાવવાનો પ્રયત્ન કરે તે પહેલાં જ બન્ને બોલી ઊઠ્યા, ‘તમે તો કશું બોલશો જ નહીં, પપ્પા.’ આ સાંભળીને નિહાલ આંસુ લૂછતો પોતાની રૂમમાં જતો રહ્યો, અને કુંદનલાલ ભગ્ન હ્રદયે પોતાની રૂમમાં જતાં રહ્યાં. અનિલ ઓફિસ ચાલ્યો ગયો, દીપા એની રૂમમાં જતી રહી અને  ખાવાનું પણ રઝળી પડ્યું.

સાંજે દીપાએ કુંદનલાલને સાદ પાડીને બોલાવ્યા ત્યારે જ એ રૂમની બહાર આવ્યા. દીપાએ કહ્યું, ‘જુઓને પપ્પા, ક્યારની બોલાવું છું પણ નિહાલ જવાબ જ નથી આપતો. કેટલા બારણા ખખડાવ્યાં પણ દરવાજો જ નથી ખોલતો. આ સાંભળતાં જ કુંદનલાલને ધ્રાસ્કો પડ્યો. એમણે પણ નિહાલને જોર જોરથી બૂમો પાડી,  બારણાં ખખડાવ્યાં પણ કોઈ રિસ્પોન્સ ન મળ્યો. છેવટે અનિલને ઓફિસેથી બોલાવ્યો. એણે બારણાને ખુબ જોરથી ધક્કો માર્યો, આગળો તૂટી ગયો અને બારણા ખુલી ગયાં.
નિહાલની લાશ રૂમના પંખા પર લટકતી હતી. નિહાલને ભલે મેડિકલમાં એડમિશન ન મળ્યું પણ એણે તો સ્વર્ગની લાઈન પકડી લીધી હતી.  હવે એના મમ્મી પપ્પાને એના એડમીશનનું કોઈ ટેન્શન નહોતું. દીપા અનિલ તો  નિહાલની લાશ જોઈ ફસડાઈ પડ્યા અને આક્રંદ કરવા લાગ્યા. કુંદનલાલ એમની રૂમમાં જઈને પિયાનો લઈ આવ્યા, એમની આંખોમાંથી ટપકેલાં આંસુથી ગીફ્ટ પેપરનો લાલ રંગ રેલાઈ રહ્યો જે એમની આંખોમાં ફેલાઈ રહ્યો. એ ચિત્તભ્રમની દશામાં બબડ્યાં,’ જુઓ દીપા – અનિલ, તમારો ભાવિ ડૉક્ટર દીકરો કેવો શાંતિથી સૂતો છે. હવે તમને એનું કોઈ ટેંશન નથી.’ આ વખતે બે માંથી કોઈ બોલ્યું નહીં, ‘પપ્પા,તમે તો કશું બોલશો જ નહીં.’

(સંતાનોની કેરિયર માટે એમની પાછળ આદુ ખાઈને મચી પડતાં મા–બાપો ને આ લેખ એક ખાસ ભેટરૂપે)

  

લક્ષ્મણ રેખા. (દેવદૂત - વાર્તા - ૨)

લક્ષ્મણ રેખા.              


-ઓય મા, રસોડાના સીંક નીચેની કચરાપેટીમાં કચરો નાંખવા જતા રોમાથી હળવી ચીસ નખાઈ ગઈ. એના હાથમાંથી કચરો ભરેલી સૂપડી છટકી ગઈ અને કચરો રસોડામા આમ તેમ વેરાયો.
-શું થયું ? દિવાનખાનામા બેસીને ન્યૂઝ વાંચી રહેલો હર્ષદ રસોડામા આવ્યો. રસોડામા વેરાયેલા કચરાને જોઇને એણે ફરીથી પૂછ્યું, ‘શું થયું ?’
-જુઓને, કેટલો મોટો વાંદો ! ત્યાં કચરાપેટીની પાછળ. રોમાએ આંગળી ચીંધીને કહ્યું.
-ઓહ ! ચીસ તો તેં એવી પાડી કે જાણે ઘરમાં વાઘ ઘુસી આવ્યો હોય.
-તમે ય શું ? ઘરમાં વાઘ ક્યાંથી ઘુસી આવવાનો હતો ?  એ તો વાંદો હતો.
-તું આખ્ખો દિવસ ઘરમાં બેસીને કરે છે શું? ઘર ચોખ્ખું રાખતી હોય તો કમ સે કમ વાંદા તો નહીં થાય ઘરમાં. હર્ષદે થોડી રુક્ષતાપૂર્વક કહ્યું.
-દર બે અઠવાડિયે રસોડાના બધા કબાટો સાફ કરું છું, અને ફિનીટ પણ છાંટુ છું. છતાંય ઘરમાં વાંદા ક્યાંથી આવી જાય છે તે જ ખબર નથી પડતી.
-આમ પણ તને કઈ વાતની ખબર પડે છે ? હરવાફરવા અને ગામગપાટામાંથી  ફુરસદ મળે તો ને ? સાવ ફુવડ છે તું.
કહીને હર્ષદ પાછો દિવાનખાનામાં પેપર વાંચવા જતો રહ્યો. અને હર્ષદના વાકબાણથી ઘવાયેલી રોમાની આંખોમાં આંસુ ઊભરાયા. એના મનમાં મંથન ચાલ્યું,   ‘શું  હું ખરેખર ફુવડ છું ?  સ્ત્રીઓને ઘરમાં કેટકેટલાં કામો હોય, પુરુષોને શું ખબર પડે? ઘરની સાફ-સફાઈ ઉપરાંત  શાકભાજી – અનાજ – કઠોળ – કરિયાણું -મસાલા લાવવાના,  સાફ કરીને- સમારીને વ્યવસ્થિત ભરવાના,  ઘરનાની,  સગા-વહાલાઓની તથા  મહેમાનોની સગવડ સાચવવાની. વ્યવહારો સાચવવાના, લાઈટ બીલ - ગેસબીલ ભરવા જવાનું. એક પતે ત્યાં બીજા બાર કામ તૈયાર જ ઉભા હોય.

આ બધાં જ કામો પોતે એકલી, સમયસર અને કુશળતા પૂર્વક કરતી આવી છે. હર્ષદને તો સવારે ૧૦ થી સાંજે ૬ સુધીની નોકરી. નોકરી પતી અને ઘરમાં આવ્યા એટલે એ તો રાજા. એ પોતે કંઈ કામ કરે નહીં અને રોમા એને કંઈ કામ સોંપે તો એને ગમે પણ નહીં. શનિવારે અર્ધો દિવસ અને રવિવારે આખો દિવસ છુટ્ટી. એને પગાર સહિતનો આરામ અને પોતાને વગર પગારની, છુટ્ટી વિનાની ચોવીસ કલાકની નોકરી. એનો પણ વાંધો નહીં, પોતે સહર્ષ સ્વીકારે, પણ એક માણસ  ક્યારેક તો બીજા માણસ પાસે એપ્રીશીયેશનની આશા રાખે કે નહીં ? ક્યારેક જરાક અમથું સ્માઈલ, કે જરાક હળવો પ્રેમભર્યો સ્પર્શ ? પણ ના, પોતાનાં તો કરમ જ ફુટેલા તે હર્ષદને પરણીને આ ઘરમાં આવી.’

-શું થયું બેન, કચરો કેમ કરતાં વેરાયો ?  રોમા ન જાણે ક્યાં સુધી આમ વિચારોના વમળમાં અટવાયા કરત, પણ એની કામવાળીએ આવીને એને કચરો વેરાયાનું કારણ પૂછ્યું અને રોમાની વિચાર ધારા તૂટી.
-જો ને, અહીં કચરાપેટી પાસે એક મોટો વાંદો છે. 
-દવા છાંટી દઉં બેન? મરી જશે.
-મેં દસ મિનીટ પહેલાં જ ફિનીટ છાંટ્યું છે, છતાં મૂવો મરતો જ નથી.
-બેન, બજારમાં ‘લક્ષ્મણરેખા’ મળે છે, લાવીને અહીં દોરી દો. જેવો વાંદો લક્ષ્મણરેખા ઓળંગશે કે તરત જ મરી જશે.
રોમાએ કામવાળી પાસે બજારમાંથી લક્ષ્મણરેખાની સ્ટીક મંગાવી, અને કીચનમાં સીંક નીચેના કબાટમાં કચરાપેટી પાસે  એની લાઈન  દોરી દીધી. વાંદો એ રેખા પાર કરીને આ બાજુ આવ્યો અને થોડી જ વારમાં મરી ગયો. કામવાળી કામ કરીને ગઈ અને  હર્ષદ જમીને ઓફિસે ગયો, પછી એકલી પડેલી રોમા ફરી વિચારોના ચગડોળે ચઢી. એને કામવાળીના શબ્દો, ‘લક્ષ્મણરેખા ઓળંગશે એટલે  મરી જશે.’ વારંવાર યાદ આવવા લાગ્યા. ‘શું પોતે પણ સમાજે દોરેલી લક્ષ્મણરેખા નહોતી ઓળંગી ? શું પોતે પણ નહોતી મરી ? હર્ષદ સાથેનું આ જીવન, જીવન ઓછું અને મોત વધારે  નથી ?’ અને રોમા પોતાના ભૂતકાળમાં સરી પડી.
મમ્મી - પપ્પા, નીતાબેન - સુરેશભાઈના ઘરે રોમા ખુબ જ લાડ કોડથી ઉછરી. મમ્મી - પપ્પા બન્નેની લાડકી દિકરી હતી. એટલે એ પાણી માંગે તો દૂધ હાજર થતું. રોમા હતી પણ પરાણે વહાલી લાગે એવી રૂપકડી, દેખાવે સુંદર અને સ્વભાવે ચબરાક. પાંચ વર્ષની થઈ એટલે સ્કુલમાં મૂકી તો ત્યાં પણ પોતાની હોંશિયારીને લીધે શિક્ષકોમાં પ્રિય થઈ. સુરેશભાઇ - નીતાબેનને એક છોકરાની – વારસદારની ઝંખના હતી, જે  રોમા સાત વર્ષની થઈ  ત્યારે પૂરી થઈ. એમને ત્યાં દિકરાનો જન્મ થયો. રોમાને એક નાનકડો ભાઇ મળ્યો, એ ખુશખુશાલ થઈ ગઈ. એણે જ ભાઈનું નામ ‘આનંદ’ પાડ્યુ. ઘરમાં ફરીથી ખુશીની લહેર ફરી વળી. સુરેશભાઈ અને નીતાબેનના આંનદનો કોઈ પાર નહોતો. આનંદ આ ઘરમાં આનંદ લઈને આવ્યો હતો.
પણ ભગવાન પણ ગજબનો ખેલાડી છે. એ બધાંને બધું સુખ એક સામટું નથી આપી દેતો. ઢગલાબંધ સુખની વચ્ચે એકાદ એવું કાતિલ દુ:ખ એવું મૂકી દે કે જીવતેજીવ માણસને મરી ગયાનો અહેસાસ થાય. રોમાના ઘરમાં પણ એવું જ બન્યું. નીતાબેને એક દિવસ સુરેશભાઈને કહ્યુ, ‘જુઓને, આપણે બોલાવીએ ત્યારે આનંદ જોઈએ એવો રિસ્પોન્સ નથી આપતો. સુરેશભાઈને પણ એ બાબતે થોડો શક તો પડ્યો જ હતો, પણ સંવેદનશીલ નીતાબેનને એ બરાબર ઓળખતા હતા, એટલે એમને  સાંત્વન આપતાં કહ્યું, ‘નીતા, કોક છોકરું ઝડપથી શીખે તો કોક છોકરું ધીમે ધીમે શીખે. આપણી રોમા ખુબ ચપળ હતી, ખાતાપીતાં, બોલતાચાલતાં એ  બધું ઝડપથી શીખી ગઈ હતી, એટલે આનંદ તને ધીમો લાગતો હશે. પણ તું અધીરી ન થા, સમય આવ્યે એ પણ બધું જ શીખી લેશે. બધું બરાબર થઈ રહેશે, ધીરજથી કામ લે અને  ઉપરવાળા પર શ્રધ્ધા રાખ.”
સુરેશભાઈની વાત નીતાબેનને ગળે તો ન ઉતરી, ત્યારે તો એમને પોતાનું મન મનાવ્યું. પણ થોડા દિવસો બાદ સુરેશભાઈને પોતાને જ  નીતાબેનની વાત સાચી લાગી. એટલે તેઓ તરત આનંદને ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટને ત્યાં લઈ ગયા. ડોક્ટરે આનંદને બરાબર તપાસીને કહ્યું, ‘તમારા બાળકની માનસિક પ્રગતિ ખુબ ધીમી છે, એને લીધે શારિરીક વિકાસ પણ ઓછો છે.’ ‘એનો ઈલાજ શું ?’ નીતાબેન અધીરાઈથી પૂછી બેઠા. ‘ઈલાજથી એમાં ચોક્કસ થોડો સુધારો થઈ શકે છે, પણ તમારે ખુબ જ ધીરજથી કામ લેવું પડશે.” ડૉક્ટરે કહ્યું.  સુરેશભાઈ - નીતાબેનને ધ્રાસ્કો પડ્યો. સુરેશભાઈ પોતે પણ અંદરથી હચમચી ઊઠ્યા હતા, પણ તરત એ સ્વસ્થ થયા અને એમણે નીતાબેનને સાંત્વન આપ્યું,

સેકન્ડ ઓપીનીયન લેવા માટે  તેઓ આનંદને શહેરના બીજા પ્રખ્યાત ચાઈલ્ડ સ્પેશિયાલીસ્ટને ત્યાં બતાવી આવ્યા. એમનો પણ મત એ જ હતો, તેઓ ભલે કહે, ‘મેન્ટલી ચેલેંજ્ડ ચાઈલ્ડ’, પણ ચોખ્ખા શબ્દોમા એનો અર્થ થાય, ‘મેન્ટલી રિટાર્ડેડ ચાઈલ્ડ.’ સુરેશભાઈ અને નીતાબેનના સુખી જીવન પર વીજળી પડી. અને એની થોડી ઘણી અસર રોમાના જીવન પર પણ થઈ. રોમાને પણ એટલું તો સમજાઈ ગયું કે- ‘પોતાનો ભાઈ આનંદ બીજા બધાં છોકરાઓ જેવો નોર્મલ ચાઈલ્ડ નથી.’  એણે તો આ સત્ય ખુબ જ સરળતાથી સ્વીકારી લીધું. અને એટલે જ એનું વર્તન આનંદ તરફ એ જ સ્વાભાવિકતા ભર્યું રહ્યું, કદાચ પહેલા કરતા પણ વધુ પ્રેમાળ રહ્યું. જે ઘરમાં મેન્ટલી રિટાર્ડેડ ચાઈલ્ડ હોય, એ મા-બાપની વ્યથા ની વાત અહીં પેપર પર શબ્દો દ્વારા ઉતારવી કે પૂરેપૂરી વર્ણવવી અશક્ય છે. એ જેણે અનુભવી હોય એ જ જાણી શકે. પૂરી જીંદગીની જવાબદારી અને પળેપળનું પારાવાર દુ:ખ. આવા સંતાનના મા-બાપ સુખેથી મરવાનું પણ વિચારી ના શકે. ‘અમારા મર્યા પછી આનું કોણ?  કોણ એને સંભાળશે?’ એ  વિચાર અહર્નિશ એમને સતાવે.

રોમાના ઘરમાં પણ થોડો સમય શોક અને ગમગીની નું વાતાવરણ છવાયેલું રહ્યું. પણ પછી ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડતી ગઈ. ‘દુ:ખનું ઓસડ દહાડા’  મતલબ સમય જ બધા દુખોની દવા છે. ફરી બધા પોતપોતાના રાબેતા મુજબના કામમાં પરોવાઈ ગયાં. રોમા અને આનંદ મોટાં થતાં ગયાં.  ઘરમાં સૌએ આનંદની આ સ્થિતિને સ્વીકારી લીધી. ‘જે સ્થિતિ બદલી શકાય તે બદલો, અને જે બદલી ન શકાય તે સ્વીકારો’ એમાં જ શાણપણ છે.’  મોટાંઓ કરતાં બાળકો આ વાત જલદી સમજી જાય છે, અને સ્વીકારે પણ છે. એટલે રોમા તો આનંદપૂર્વક ભાઈ આનંદ સાથે પળો વિતાવતી. નીતાબેનેનો સમય આનંદની કાળજી કરવામાં જતો, એમણે મન સાથે સમાધાન કરી લીધું હતું, પણ સુરેશભાઇ ?

સુરેશભાઈ ઉપર ઉપરથી સ્વાભાવિકતાનો, સાહજિકતાનો ડોળ કરતા, પણ આનંદની સ્થિતિએ એમના લાગણી તંત્રને હચમચાવી મૂક્યું હતું.  જ્યારે જ્યારે તેઓ આનંદને જોતાં, ત્યારે ત્યારે એમને દિલમાં શારડી ફરતી હોય એવું લાગતું. એમનું દિલ સારા એવા પ્રમાણમાં જખમી થઈ ચૂક્યુ હતું. જીવનમાંથી અને બીઝનેસમાંથી એમનો રસ ઓછો થતો જતો હતો. બધું જ અહીં છોડીને ક્યાંક ચાલ્યા જવાની અદમ્ય ઈચ્છા એમને વારંવાર થતી હતી. પણ પત્ની અને બે બાળકોની જવાબદારીએ એમને રોકી રાખ્યા હતા. નીતાબેન એમની મનોસ્થિતિ સારી રીતે સમજતા હતાં. એટલે એમને પ્રેમપૂર્વક સમજાવતાં, ‘પરિસ્થિતિનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો, હિમ્મતથી મુકાબલો કરો અને ભગવાન પર શ્રધ્ધા રાખો.’

નીતાબેનની સમજાવટની અસર એમના પર કેટલી થતી, એ તો એક સુરેશભાઈ જ જાણે અને બીજા રામ જાણે. પણ દિલ અને દિમાગની આવી કશ્મકશમાં એક દિવસ સુરેશભાઈને હળવો હાર્ટએટેક આવ્યો. એમને હોસ્પિટલના  ICU માં દાખલ કરવા પડ્યા. ઘરનું વાતાવરણ ફરી એકવાર ડહોળાઈ ગયું. પાંચ દિવસ પછી સુરેશભાઈને ઘરે લાવ્યા, દવા-માવજત અને આરામ પછી ધીમે ધીમે તેઓ સ્વસ્થ થયાં. બીઝનેસમાં પાછા ધ્યાન દેતા થયા, પછી ઘરનું વાતાવરણ પાછું થાળે પડ્યું. જીંદગીની ઘટમાળ પાછી રાબેતા મુજબની ચાલવા લાગી. રોમા હવે સ્કુલનો અભ્યાસ પૂરો કરીને કોલેજમાં આવી. સ્કુલમાં સારા માર્ક્સ આવ્યા હતા, એટલે સારી કોલેજમાં  સરળતાથી એડમીશન મળી ગયું. એ ખુબ ખુશ હતી. કોલેજમાં પણ સારા માર્ક્સ લાવીને પછી ઉચ્ચ અભ્યાસ કરી, સારી કેરિયર બનાવવાની એની મહત્વકાંક્ષા હતી. મમ્મી - પપ્પાનો એ માટે એને પૂરેપૂરો સપોર્ટ હતો.
 કોલેજના પહેલા જ દિવસે નીતાબેને એક મા તરીકેની ફરજ રુપે રોમાને વહાલથી ગળે લગાવીને, પાસે બેસાડીને, હાથમાં એનો  હાથ લઈને ગંભીર સ્વરે કહ્યું, ‘રોમા બેટા,  તું અમને અત્યંત વહાલી છે. હવે તું કોલેજમાં આવી છે. ત્યાં તને ફ્રીડમ મળશે, અનેક પ્રકારના લોકો પણ મળશે. ત્યારે એક ખુબ જ મહત્વની વાત તને કહેવાની હું જરુરી સમજુ છું. બેટા, તું ખુબ સમજી વિચારીને સારા મિત્રો બનાવજે. સ્ત્રી અને પુરુષના સંબંધોમાં એક લક્ષ્મણરેખા હોય છે, તું કદી પણ એ રેખા ઓળંગીશ નહીં. કેમ કે એમ કરતાં પુરુષ તો સહેલાઈથી  જવાબદારીમાંથી છટકી જાય  છે, પણ સહન કરવાનું સ્ત્રીના ભાગે જ આવે છે. મારી બાએ પણ મને આ વાત આ રીતે સમજાવી હતી, ‘પુરુષ તો તાંબાનો લોટો ગણાય, ઘસ્યો એટલે પાછો ઉજળો. પણ સ્ત્રી એટલે કાચનું વાસણ, એકવાર તડ પડી એ પડી, સંધાય નહીં અને સંધાય તો પણ  સૌને દેખાય.’ માટે બેટા રોમા, પહેલેથી જ ચેતીને ચાલજે, જેથી પાછળથી પસ્તાવાનો વારો નહીં આવે.’

રોમાએ મમ્મીની વાત બહુ ધ્યાનથી સાંભળી અને કહ્યું, ‘મમ્મી, હું મારી જાતની બરાબર કાળજી રાખીશ, તું જરાય ચિંતા કરતી નહીં. હું મારું પૂરું ધ્યાન ભણવામાં લગાડીશ.’ ‘હા બેટા, તું હોંશિયાર છે, તારા માટે અમને ગર્વ છે, તારે જેટલું ભણવું હોય એટલું ભણ, પછી તારા માટે સારો છોકરો શોધીને અમે તને પરણાવીશું.’ નીતાબેન બોલ્યા. ‘મમ્મી, ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ’ રોમાએ કહ્યું અને બન્ને હસી પડ્યાં. મમ્મીની શીખામણ ધ્યાનમાં રાખીને રોમાએ કોલેજના અભ્યાસમાં મન પરોવ્યું. રોમા હસમુખી, મિલનસાર અને હોંશિયાર હતી. દેખાવડી પણ હતી, એટલે કોલેજમાં છોકરાઓના આકર્ષણનું કેંદ્ર બની હતી. પણ મમ્મીની વાત ખ્યાલમાં રાખીને રોમાએ ખુબ સમજી, વિચારીને ઓછા અને સારા દોસ્ત જ બનાવ્યા હતા. એને રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં રસ હોવા છતાં, એ બધાથી અલિપ્ત રહીને એ કોલેજથી સીધી ઘરે જ આવતી. મમ્મીને કામમાં મદદ કરતી. આનંદને બગીચામાં લઈ જઈને ફૂલ છોડ બતાવતી, ગીતો સંભળાવતી. આનંદ તો રોજ  મોટીબેનના આવવાની અધીરાઈથી પ્રતિક્ષા કરતો.

કોલેજના  ફર્સ્ટ ઇયરમાં રોમા ફર્સ્ટ ક્લાસમાં પાસ થઇ અને ઘરમાં ખુશીની લહેર ફરી વળી. બીજા વર્ષમાં રોમાને ભણવામાં એક સબ્જેક્ટમાં થોડી ડીફીકલ્ટી આવી રહી હતી. એણે એના ફ્રેંડ સર્કલમાં પૂછ્યું, તો એક ફ્રેંડે પ્રોફેસર સંદિપનું નામ સજેસ્ટ કર્યું. પ્રોફેસરે રોમાની ડીફીકલ્ટી સોલ્વ કરી આપી. પછી ક્યારેક ક્યારેક ન સમજાય તે ચેપ્ટર સમજવા રોમા, સંદિપની મદદ લેવા લાગી. સંદિપ પણ યુવાન હતો, અપરિણીત હતો. એને આ તેજસ્વી, યુવાન અને દેખાવડી યુવતિ રોમાનો સાથ ગમવા માંડ્યો. રોમાને પણ સંદિપનો સહચાર ગમવા માંડ્યો.  પછી તો બન્નેની મુલાકાતો વધતી ગઈ.  કેન્ટિનમાં, રેસ્ટોરન્ટમાં, થીયેટરોમાં, બગીચામાં આ મુલાકાતો થવા લાગી. ક્યારેક રોમા સંદિપની રૂમ પર પણ મળવા જવા માંડી. રોમા સંદિપને મળવા રૂમ પર જાય ત્યારે, સંદિપનો રૂમ પાર્ટનર વિશાલ કામને બહાને બહાર જતો રહે, અને બન્ને યુવાન હૈયાને મનગમતું એકાંત મળી રહેતું. સંદિપ આવા વખતે હળવી છુટછાટ લેતો. રોમાને ચુંબન અને ગાઢ આલિંગન આપતો. રોમા ક્યારેક આનાકાની કરે તો સંદિપ એને લગ્ન કરવાનું વચન આપીને મનાવી લેતો. રોમા પણ આખરે તો એક સ્ત્રી જ હતી ને, એને આ વિજાતીય આકર્ષણ ગમવા લાગ્યું હતું.

એક્વાર રોમા સંદિપની રૂમ પર ગઈ ત્યારે વિશાલ બહારગામ ગયો હોવાથી બન્નેને સારું એકાંત મળ્યું. સંદિપે આ તકનો લાભ લઈ રોમા પાસે ‘શારિરીક ઐક્ય’ ની માગણી મૂકી. રોમા આ સાંભળીને ભડકી ઊઠી. એને એની મમ્મીની ચેતવણી યાદ આવી અને એણે સાફ ઈન્કાર કર્યો. સંદિપ એનાથી રીસાઈ ગયો,અને રોમાને ત્યાંથી ચાલી જવાનું અને ફરી ક્યારેય પાછા ન મળવાનું કહ્યું. રોમા મૂંઝાઈ, છેવટે પ્રેમીની જીદ આગળ હારી ગઈ. એ દિવસે રોમા સ્ત્રી અને પુરુષ વચ્ચેની ‘લક્ષ્મણરેખા’ ઓળંગી ગઈ. જો કે પાછળથી એને ખુબ પસ્તાવો થયો, પણ સંદિપે ‘લગ્ન તો કરવાના જ છે ને, પછી આવી મર્યાદા અને સંકોચ  શા માટે ?‘ કહીને એને પ્રેમથી મનાવી લીધી. અને બન્નેનું મિલન ચાલુ રહ્યું.

પરંતુ બીજા જ મહિને રોમાને નિયત તારીખ વીતીને થોડા દિવસો થઈ ગયા, છતાં પીરીયડમાં ન આવતાં ધ્રાસ્કો પડ્યો. એણે સંદિપને વાત કરી. સંદિપે એને પ્રેગનન્સી ટેસ્ટની કીટ લાવી આપી. આ ટેસ્ટ પોઝીટીવ આવ્યો. ધરતીકંપ થાય અને ધરતી ધ્રૂજી ઊઠે એમ રોમા આ રીઝલ્ટથી ધ્રૂજી ઊઠી. પોતે કેવી ભયંકર ભુલ કરી બેઠી છે, તેનો એને હવે ખ્યાલ આવ્યો. એણે સંદિપને કહ્યું, ‘સંદિપ હું તારા બાળકની મા બનવાની છું, આપણે વહેલી તકે લગ્ન કરી લેવા જોઈએ.’ આ સાંભળતાં જ સંદિપ ભડકી ઊઠ્યો. ‘ડોન્ટ બી સીલી, રોમા,  તારો અભ્યાસ હજી બાકી છે, અને  મારે આ પ્રોફેશનમાં કેરિયર બનાવવાની છે. સો જસ્ટ નાઉ, મેરેજ ઇસ નોટ પોસીબલ.’  ‘પણ એ વગર બીજો ઉપાય પણ શું   છે ?’ રોમા રડતાં રડતાં બોલી. ‘એબોર્શન’   ખુબ જ સ્વાભાવિકતાથી સંદિપ બોલ્યો.  ‘વ્હોટ ?  એબોર્શન?  આ તુ શું કહે છે, સંદિપ. આપણા પ્રેમની નિશાની રૂપ બાળકની તું હત્યા કરવાનું કહે છે ?’ રોમા ચિત્કારી ઊઠી.‘ રોમા પ્લીઝ, નો ઈમોશનલ બ્લેક મેઈલીંગ. આ જ એક પ્રેક્ટીકલ રસ્તો છે, ટ્રાય ટુ અંડરસ્ટેંડ પ્લીઝ.’ રોમા લાચારીથી સંદિપની વાત સાંભળી રહી, અને સંદિપ એને એકલી મૂકીને ચાલી ગયો.
રોમા હતાશ પગલે ઘરે આવી. એના મનમાં વિચારોનું તુમુલ યુધ્ધ જામ્યું હતું. સંદિપના આવા બેપરવાહ વલણથી રોમાને એના તરફ ભયંકર ક્રોધ જન્મ્યો હતો. અને પોતાની ભુલ પ્રત્યે એને પારાવાર પશ્ચાતાપ થતો હતો. ખાસ કરીને મમ્મીની આટલી સ્પષ્ટ ચેતવણી છતાં પોતે ભુલ કરી બેઠી હતી, અને એ ભુલની સજા હવે એક નિર્દોષ જીવને થવાની હતી. ’એબોર્શન’ નો સીધો મતલબ થતો હતો, ‘જીવહત્યા’, અને તે પણ કેવી ક્રૂર રીતે. રોમાએ થોડા સમય પહેલા જ ‘એબોર્શન’ ને લગતો એક વીડીયો જોયો હતો. એમાં જીવતા ગર્ભસ્થ શિશુના અંગ ઉપાંગોને તોડીને જે રીતે બહાર લાવી  ગર્ભપાત કરવામાં આવે છે, તે જોયા પછી એનાથી સાંજનું ખાણું નહોતું ખાઈ શકાયું. એણે આવું કરતી વ્યક્તિઓ અને ડૉક્ટરના ઉપર મનોમન ફિટકાર વરસાવ્યો હતો. અને આજે હવે પોતે જ આવું કરવા જઈ રહી હતી ?

‘નહીં, પોતે કોઈ સંજોગોમાં એબોર્શન નહીં જ કરાવે’  પોતે આ બાળકને જન્મ આપશે અને ઉછેરશે.’ એવો મક્કમ નિર્ધાર રોમાએ કર્યો.  એણે સંદિપને મળવાનું બંધ કરી દીધું. આ બનાવ પછી સંદિપને પણ હવે રોમામાંથી રસ ઓછો થઈ ગયો હતો. રોમાને ક્યારેક આત્મહત્યાના વિચારો આવી જતા, પણ એટલી હિંમત એનામાં નહોતી. ‘ન જીના રાસ આયા, ન મરના મન ભાયા જાઉં કહાં મૈ જાઉં કહાં ?’ લગભગ એવી સ્થિતિ રોમાની થઈ ગઈ હતી. રોમા સાવ સુનમુન થઈ ગઈ હતી, અભ્યાસમાંથી એનો રસ ઊડી ગયો હતો, જમવામાંથી રુચી જતી રહી હતી, ભાઈ આનંદની સાથે પણ યંત્રવત વર્તતી હતી, એને આવી ખોવાયેલી ખોવાયેલી રહેતી જોઈને નીતાબેનથી ન રહેવાયું. એક દિવસ એકાંતમાં રોમાને પાસે બેસાડીને નીતાબેને પૂછ્યું, ‘બેટા, સાચું કહેજે, તને શું થયું છે ? કેમ આમ સુનમુન રહે  છે ?’ પહેલા તો રોમા વાત કહેતા ખંચકાઈ. નીતાબેને એને માથે પ્રેમથી હાથ પસવારતા કહ્યું, ‘બેટા, હું તારી મા છું,  જે કંઈ હોય તે ખુલ્લા દિલે કહે,’ અને રોમા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. એણે નીતાબેનને બધી વાત કહી. નીતાબેન તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયાં, જાણે એમના માથે તો આભ તૂટી પડ્યું.
પણ પછી સ્વસ્થ થઈને પરિસ્થિતિ સંભાળી લેતાં એમણે કહ્યું, ‘રોમા,ચાલ. મને તારા એ સંદિપ પાસે લઈ જા. જરૂર પડશે તો હું ખોળો પાથરીને સંદિપને લગ્ન માટે સમજાવીશ’ રોમાએ પહેલા તો ના જ પાડી, પણ પછી નીતાબેનની જીદ આગળ હારીને એ  મમ્મીને સંદિપની રૂમ પર લઈ ગઈ. સંદિપ તો રૂમ પર નહોતો પણ એના રૂમ પાર્ટનર વિશાલે સમાચાર આપ્યા કે, ‘સંદિપ અહીંની નોકરી છોડીને અમેરિકા ચાલી ગયો છે. એણે ત્યાં એના પપ્પાના એક ધનવાન મિત્રની દિકરી સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે.’ પોતાની ભુલ બદલ રોમા ઘરે આવીને ખુબ રડી, એણે નીતાબેનની વારંવાર માફી માંગી. નીતાબેને કહ્યું, ‘કેટલીક ભુલ ભુલી જવામાં જ સાર છે, બેટા. હવે નાલેશીમાંથી બચવાનો એક જ રસ્તો છે, એબોર્શન’ રોમા કંઈ ન બોલી.
જ્યારે સુરેશભાઈએ આ વાત જાણી ત્યારે એમને ખુબ જ આઘાત લાગ્યો. એ રાત્રે એમને હાર્ટએટેકનો બીજો હુમલો આવ્યો. એમને ફરીથી હોસ્પિટલના ICU માં દાખલ કરવા પડ્યા. સુરેશભાઈ હોસ્પિટલમાં હતાં ત્યારે રોમાના દિમાગમાં વિચારોનું તુમુલ યુધ્ધ જામ્યું હતું. એક તરફ એ એબોર્શન કરાવી જીવહત્યા નહોતી કરવા માંગતી, તો બીજી તરફ એ લાચાર મા- બાપને નાલેશી ભરી જીંદગીથી બચાવવા પણ માંગતી હતી.’ આખી રાતની કશ્મકશ પછી એણે નક્કી કરી લીધું, ‘હવે મમ્મી-પપ્પાને વધુ દુખ નથી પહોંચાડવું.’ અને સુરેશભાઈ હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી એક દિવસ રોમાએ નીતાબેન સાથે જઈને ચુપચાપ એબોર્શન કરાવી લીધું.
એ દિવસે રોમાએ નકોરડો ઉપવાસ કર્યો અને અઠવાડિયા સુધી એ ઘરની બહાર ન નીકળી. એણે કોલેજનો અભ્યાસ અધૂરો મૂકી દીધો. ઘરમાં પણ  જે કંઈ કામ કરતી તે યંત્રવત કરતી. નીતાબેન અને સુરેશભાઈ એની દશા જોઈને ખુબ દુખી હતા, પણ તેઓ જાણતા હતા કે ‘દુખનું ઓસડ દહાડા’ એમણે રોમાને  સ્વસ્થ થવાનો સમય આપ્યો, જેથી એને લાગેલા ઘા રૂઝાય. લગભગ છ  મહિના પછી  નીતાબેને એને લગ્ન કરી લેવા સમજાવી. પણ રોમાને તો પુરુષ જાતમાંથી જ વિશ્વાસ ઊઠી  ગયો હતો, એણે લગ્નની ના પાડી. એક વર્ષ પછી નીતાબેને રોમાને સમજાવ્યું કે, ‘લગ્ન વગર એકલી સ્ત્રી એ સમાજમાં રહેવું બહુ અઘરું છે.’  રોમામાં હવે વધુ દલીલો કરવાની શક્તિ, ખરેખર તો ઈચ્છા જ નહોતી રહી.

એ મમ્મી-પપ્પાને વધુ દુ:ખી કરવા નહોતી માંગતી. એટલે એણે ચાવી દીધેલા રમકડાંની જેમ મમ્મીને લગ્ન માટે હા પાડી. જ્ઞાતિમાં અને શહેરમાં તો એ સંદિપ સાથેના અફેરના કારણે વગોવાઈ ગઈ હતી, એટલે કોઈ મૂરતિયો મળે એમ નહોતું. એટલે વતન જઈને  સુરેશભાઈના એક મિત્રના દૂરના સગાનો પુત્ર હર્ષદ કે જેને રોમા પસંદ આવી હતી,એની સાથે સાદાઈથી લગ્ન પતાવી દીધા. રોમાના પક્ષે તો પસંદ ના પસંદનો સવાલ જ નહોતો, એ ચુપચાપ પરણી ગઈ. હર્ષદ ઓછું ભણેલો અને તુંડ મિજાજી હતો. વાતવાતમાં રોમા પર ગુસ્સે થઈ જતો. રોમા શાંત રહેતી, પણ એના મનમાં અજાણ્યો ડર હમેશા રહ્યા કરતો,  ‘જે દિવસે હર્ષદને પોતાના અને સંદિપના કિસ્સાની જાણ થશે, તે દિવસે પોતાનું શું થશે ?’  એ સતત માનસિક તણાવમાં રહેતી. હર્ષદને અનુકૂળ થઈને જીવવાનો પ્રયત્ન કરતી. ‘કાશ ! પોતે મમ્મીની વાત માની હોત અને સંબંધમાં લક્ષ્મણરેખા ન ઓળંગી હોત તો આજે એ કારકિર્દીના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોત !’  રોમા આવા વિચારોમાં ડૂબેલી હતી ત્યાંજ ડોરબેલ વાગી, એણે દરવાજો ખોલ્યો, સામે જ હર્ષદ ઊભો હતો.

-કેમ આજે વહેલા ઘરે આવી ગયા ? તબિયત તો ઠીક ...   રોમા વાક્ય પૂરું કરે તે પહેલાં તો એના ગાલ પર      સટાક  કરતો એક જોરદાર તમાચો પડ્યો.
-નીચ, કુલટા, મોજમજા યાર સાથે કરી અને લગ્ન મારી સાથે ? મને ફસાવ્યો ?’  હર્ષદનો ગુસ્સાભર્યો અવાજ સંભળાયો
-મને માફ કરો, એ મારી ભુલ હતી. હું ભુતકાળ ભુલી ચુકી છું, તમે પણ ભુલી જાઓ, પ્લીઝ.’ રોમા હર્ષદનો પગ પકડીને કરગરી રહી.
-એ ન બને, તું અત્યારે જ મારા ઘરમાંથી નીકળી જા. પગ છોડાવીને  હર્ષદે એને ધક્કો મારતા કહ્યું.
- અત્યારે હવે હું ક્યાં જાઉં ? રોમા ચોધાર આંસુએ રડી પડી.
-તારા યારના ઘરે જા અથવા જહન્નમમાં જા, પણ અહીંથી ટળ.

હર્ષદે રોમાને વાળ પકડીને ઘરની બહાર કાઢી મૂકી. ગામના નાકે સુધી જઈને રોમા થોભી. ઘડીભર એને થયું, મમ્મીપપ્પા પાસે પાછી જાઉં ? પણ પછી એનો વિચાર બદલાયો,  પિયર પાછા જઈ પોતાના દુ:ખી મા-બાપને એ વધારે દુ:ખી નહોતી કરવા માંગતી. ભૂતકાળમાં ‘લક્ષ્મણરેખા’ ઓળંગવાની ભુલ કરી બેઠેલી રોમા આજે ‘જીવનરેખા’ ઓળંગવાની બીજી ભુલ કરવા નદીની દિશામાં ચાલી નીકળી. એ વખતે એના મનમાં આ જ શબ્દો ગૂંજતા હતાં, ‘લક્ષ્મણરેખા ઓળંગશે તે મરશે.’ 

સ્વાગતની તૈયારી. દેવદૂત-વાર્તા-૧

સ્વાગતની તૈયારી.         


‘નીમા બેટા,  બ્રેકફાસ્ટ તૈયાર છે, ચા બનાવું કે કોફી પીવી છે?’  રોમાબેને સવારે લગભગ આઠ વાગ્યે રસોઇ માટે આવતી છોકરીની મદદથી આલુપરાઠા તૈયાર કરી, ઉપર બેડરુમમાં  લેપટોપ પર ઓફિસનું કામ કરી રહેલી પુત્રી નીમાને ઇન્ટરકોમ પર પૂછ્યું.

‘મમ્મી, થોડું કામ બાકી છે તે પતાવીને આવુ છું, અનન્યાને કહો કે ક્લાસમા જવા તૈયાર થઈ જાય.’ રોમાબેને અનન્યાને નાસ્તો કરાવી, લંચબોક્સ આપી તૈયાર થવા કહ્યું. ડ્રાયવર રાજુ આવ્યો એટલે અનન્યા નાનીમા અને મમ્મીને બાય બાય કહીને ક્લાસમા જવા નીકળી ગઈ. અનુપ તો સવારે ૮.૩૦ વાગ્યે જ ઓફિસ જવા નીકળી જતો. ઓફિસ પહોંચીને એ ડ્રાયવર સાથે પોતાની કાર ઘરે મોકલી દેતો, જેથી અનન્યાને સ્કુલ/ક્લાસમા  જવા  કે સાસુમા રોમાબેનને મંદિરે કે ડૉક્ટરને ત્યાં જવામા કામ આવે. લગભગ ૯.૩૦ વાગ્યે નીમા કામ પતાવીને, તૈયાર થઈને નીચે આવી. ‘મમ્મી બહુ મોડુ થઈ ગયું છે,  બ્રેકફાસ્ટ કરવાનો સમય નથી. તુ ખાઇને તારી દવા લઈ લેજે, બાય.’ રોમાબેન એને કશું કહે તે પહેલા તો નીમા સેંડલ પહેરીને નીચે ઉતરી ગઈ.

જો કે રોમાબેનને ખબર હતી કે આમ પણ નીમાને કહેવાનો કંઇ અર્થ નહોતો, એને કામ આગળ ખાવા-પીવાનુ મહત્વ ઓછું હતું. એ પોતાનું ધાર્યું જ કરતી, કોઇનું સાંભળે એવી ય ક્યાં હતી ? નાનપણથી જ જીદ્દી હતી.  કુટુંબમા બે  ભાઇઓની વચ્ચે નીમા એકલી બહેન  હતી, અને પાછી પપ્પાની લાડકી હતી. એનો લાભ નીમા બરાબર ઊઠાવતી. જે  જોઇએ તે મેળવીને જ રહેતી. ભણવામા હોંશિયાર હતી તો ફેશનમાય પાછી પડે એવી નહોતી. એટલે આ રુપાળી - ફેશનેબલ છોકરીની આગળ પાછળ ફરનારા મજનુઓ પણ ઘણા હતાં. પૈસાદારોના નબીરાઓ ઉપરાંત કેટલાક સાધારણ ઘરના છોકરાઓ પણ હતા જેમના  દિલ આ સુંદરીને જોઇને ધડકતા. પણ આ બધામા એક અલગારી હતો અનુપ. પોતાના મમ્મી-પપ્પાની સાધારણ સ્થિતિનું એને જ્ઞાન હતું, તો કેવી રીતે પોતાનું માન જળવાય તેનુ ભાન પણ હતું. એ ફેશન અને છોકરીઓથી દૂર જ રહેતો અને પોતાનું પુરું ધ્યાન ભણવામા જ  પરોવતો, જેથી સારી રીતે પાસ થઈને સારી જોબમા જઈ શકાય અને પોતાના ફેમિલીને પૈસેટકે સધ્ધર કરી શકાય.

પણ કહેવાય છે કે પ્રેમ પર કોઇનો કાબુ નથી હોતો. વળી એવું પણ કહેવાય છે કે  ‘જોડીઓ ઉપરવાળો બનાવે છે.’ ઉપરવાળાએ આ ઉત્તર-દક્ષિણ ધ્રુવને એકવાર મેળવી આપ્યા. એન્યુઅલ ફંક્શનના  ડ્રામામા આ બે કલાકારો ભેગા થઈ ગયા. અને પછી....’એ સનમ જીસને તુમ્હે ચાંદસી સુરત દી હૈ,  ઉસી માલિકને મુજે ભી તો મુહબ્બત દી હૈ’  એ નિયમ મુજબ બન્ને એક-બીજાના પ્રેમમા પડી ગયા.  જ્યારે બન્નેના ઘરે આ વાતની ખબર પડી ત્યારે બન્નેના ઘરેથી જોરદાર વિરોધ થયો. અનુપના ઘરે ’એ પૈસાદાર ઘરની છોકરી આપણા સાધારણ ઘરમાં ગોઠવાશે નહી.’ અને નીમાના ઘરે, ’એ સાધારણ ઘરમાં આપણી લાડકોડમા ઉછરેલી નીમાને ફાવશે નહી.’ ટુંકમા બન્નેના ઘરનાનો સૂર એક જ હતો, ‘સંબંધ તો સરખે-સરખાં હોય ત્યાં જ જામે અને ટકે.’ પણ પ્રેમીઓને આવી વાતોથી શું લાગે-વળગે ? બન્ને પોતપોતાના નિર્ણયમા અડગ રહ્યા, છેવટે મા-બાપે નમવું પડ્યું,  નીમા-અનુપ પરણી ગયા.

નીમાએ પરણ્યા પછી પણ પોતાના સ્વભાવમા કે રહેણી-કરણીમા કોઇ ફેરફાર ના કર્યો. અનુપના મમ્મી-પપ્પાએ પોતાની જાતને બદલવાનો અને દિકરા-વહુને અનુકૂળ થવાનો શક્ય એટલો પ્રયત્ન કર્યો. પણ નીમાને એની ક્યાં પડેલી હતી ? એ તો ‘મસ્ત રહો મસ્તીમે આગ લગે બસ્તીમે’ વાળી ફોર્મ્યુલા અપનાવીને પોતાનામાં મસ્ત રહેતી.  અરે તોય વાંધો નહોતો, પણ નીમા તો મોં-ફાટ હતી. નાના-મોટાનું માન રાખ્યા  વિના જે મનમા આવે તે બોલી દેતી. મોડી ઉઠતી, ઘરના કામમા વેઠ ઉતારતી. તોય મોટું મન રાખીને અનુપના પપ્પાનુ સૂત્ર- ‘Adjustment is better than Argument.’  મુજબ  અનુપના મમ્મીએ બધી જ જવાબદારી ઉપાડી લીધી હતી. પણ અનુપની બહેન ક્યારેક નીમાને સાચી વાત સંભળાવી દેતી, અને નીમા ઘરમા મહાભારત ખડું કરી દેતી. અનુપની સ્થિતી ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી થતી. છેવટે હારીને દિકરીના લગ્ન કરી લીધા બાદ  ‘The more you Leave, the more you Live.’ મુજબ દિકરા-વહુને અમદાવાદમાં એમના સંસારમા એમની રીતે રહેવા છોડી દઈને, અનુપના મમ્મી-પપ્પા વડોદરા પોતાના ઘરે રહેવા જતા રહ્યા.

નીમાને લગ્ન પહેલાથી જ એક સારી કંપનીમા જોબ મળી ગઈ હતી. જ્યારે અનુપે એક સાધારણ જોબ લઈને સાથે સાથે એમ.બી.એ પણ કરી લીધું. એ પછી અનુપને પણ એક મલ્ટીનેશનલ કંપનીમા સારી જોબ મળી ગઈ અને મહેનત કરીને એ આજે સી.ઈ.ઓ.ની પોસ્ટ પર પહોંચી ગયો હતો. બન્ને સારું કમાતા હતા. અમદાવાદના સેટેલાઇટ જેવા પૉશ એરિયામા ૪ બેડરુમનો લકઝુરીયસ ફ્લેટ-પેન્ટહાઉસ હતું. શહેરના પ્રખ્યાત ઇન્ટિરીયર ડેકોરેટર પાસે છુટથી પૈસા ખરચીને  ફ્લેટને શણગાર્યો હતો. કોઇ આવે તો બે ઘડી જોઇ રહે એવો ભવ્ય ફ્લેટ હતો. ડ્રોઇંગરુમનો દરવાજો ખોલતાં જ જમણી બાજુ ગણેશજીના દર્શન થતાં. એ કલાત્મક ગણેશજી જ નહી નહી ને દોઢ-બે લાખના હશે.

એક તરફ ભારતીય શૈલી મુજબનું જમીન સરસું ગાદીવાળું સિટિંગ અને બીજી બાજુ ખુબસુરત સોફાસેટ તો ત્રીજી બાજુ લાકડાનો કલાત્મક હિંચકો અને પૌરાણિક શૈલીની એની સાંકળ. વિશાળ કીચન અને એને અડીને એન્ટીક ડાયનીંગ ટેબલ. ત્રણ બેડરુમ એક જ ફ્લોર પર અને ત્રણેને અનુરુપ અલગ અલગ ફર્નિચર. ડ્રોઇંગરુમમાથી ઉપર જતી કલાત્મક સીડી. ઉપરના માળે અનુપ-નીમાનો બેડરુમ અને ટી.વી. લૉંજ. પછી ટેરેસ અને ટેરેસમા આવેલું એરકડીશન્ડ પર્સનલ જીમ. સારા એવા પૈસા ખર્ચીને આ ફ્લેટને સજાવ્યો હતો. નીમા બધા આગળ પોરસાઇને કહેતી કે, ‘આ બધું અમે જાત મહેનતે કમાઇને વસાવ્યું છે.

પણ  અનુપ મનમા સમજતો કે - મમ્મી-પપ્પાએ બહુ કરકસર કરીને અમને બન્ને ભાઇ-બહેનને ભણાવ્યા અને પરણાવ્યા. મારું ભણતર અટકે નહી, અને બહેનના લગ્ન અટકે નહી તે માટે પપ્પાએ વડોદરાનું પોતાનુ ઘર સુધ્ધાં ગીરવે મૂકીને પૈસા લીધા છે. એટલું જ નહી મમ્મી-પપ્પા હજુ પણ વડોદરામા ખુબ સાદુ જીવન જીવી રહ્યા છે, અને અહી પોતે અત્યંત  વૈભવી જીવન. પણ એનાથી નીમાને કંઇ જ કહી શકાતુ નહિ. એ જાણતો હતો કે, ’Advice is seldom welcome, and one who needs it most, always likes it the least.’  વીસ વર્ષના લગ્નજીવનને અંતે અનુપ એટલુ જાણી ચૂક્યો હતો કે, ‘સુખ-શાંતિથી રહેવું હોય તો નીમા આગળ પોતાના મમ્મી-પપ્પાનું ને બહેનનુ નામ બને એટલું ઓછું લેવું.’ નીમાને મન તો પોતાનું ફેમિલી એટલે નીમા-અનુપ અને અનન્યા.

પણ આ ફેમિલીમા એક સભ્યનો ઉમેરો થયો. ના ના..એમને બીજુ બાળક આવ્યું એવુ નહી પણ... નીમાના પપ્પા ગુજરી ગયા અને એના ભાઇઓ વચ્ચે સંપતિની બાબતમા ઝઘડો થયો. બન્ને ભાઇઓએ સંપતિ પર કબજો કરી લીધો અને મા ને અવગણવા લાગ્યા, ત્યારે નીમાએ પોતાની મમ્મીને પોતાની સાથે રાખવા અનુપને સમજાવી લીધો. આમ પણ અનુપ પાસે નીમાની હા મા હા કરવા સિવાય બીજો રસ્તો જ ક્યાં હતો ? કહેવાય છે ને કે-- ‘In Married life, one partner is always right, and the other is Husband.’  અને રોમાબેન- નીમાના મમ્મી એમની સાથે રહેવા આવી ગયા.

નીમાએ ઘરને મેન્ટેન કરવા બે કામવાળી રાખી હતી.સવારે ૮ થી ૩ સુમન આવતી અને બપોરે ૨ થી રાત્રે ૧૦ સુધી મંજુ આવતી. ઘરની સાફ-સફાઇ અને રસોઇ કામ બધું જ આ બન્ને સંભાળતી. આ સિવાય બહારથી ચીજ વસ્તુઓ લાવવી- બેંકના કામ-કાજ કરવા અને બીલો ભરવા વગેરે કામ ડ્રાયવર રાજુ કરતો. કામકાજ કરવામા આળસુ એવી નીમા કામ-કાજ કરાવવામા એકદમ એક્સપર્ટ હતી. સામ-દામ-દંડ-ભેદ બધું જ એ અજમાવતી. જેના પર રીઝે તેને ન્યાલ કરી દેતી, અને જેના પર ખીજે તેને પાયમાલ કરી દેતી. ‘સોબત કરતા  શ્વાનની બે બાજુનું દુખ, ખીજ્યું કરડે પીંડીએ ને રીઝ્યું ચાટે મુખ.’ એ વાત એને બરાબર લાગુ પડતી. બધા આ વાત સમજતા અને નીમા સાથે આર્ગ્યુમેન્ટ કરવાથી દુર રહેતા. કેમકે ‘Argument wins the Situation, but lose the Relationship.’

અનન્યા સાંજે  ઘરે આવી ત્યારે કંઇ મુંઝાયેલી લાગતી હતી. નીમા ઓફિસથી ૭ વાગ્યે ઘરે આવી. અનુએ નીમા સાથે વાત કરવા ધારી પણ નીમાએ ’મારે  અત્યારે એક ઇમ્પોર્ટંન્ટ મીટીંગ છે પછી કાલે વાત કરીશું’ કહીને તે ઘરની બહાર નીકળી ગઈ.  અનુપ રાત્રે ઘરે આવ્યો ત્યારે નીમા ઘરે નહોતી, એણે અનુપને મેસેજ કરીને પોતનો પ્રોગ્રામ જણાવી દીધો હતો. અનન્યા,અનુપ અને રોમાબેને ડીનર કર્યું. પછી અનન્યા, ‘ડેડી, હું પ્રીતિના ઘરે જાઉં છું.’ કહીને  નીકળી. પ્રીતિનું ઘર સોસાયટીમા જ હતું એટલે અનુપે, ‘ભલે બેટા, જલદી આવજે.’ કહ્યું.

રાત્રે દસ વાગ્યા છતાં ન તો નીમા આવી કે ન તો અનન્યા આવી. અનુપે જોયું તો  મોબાઇલમા નીમાનો મેસેજ હતો કે એને ઘરે આવતાં મોડું થશે. પછી અનુપે અનન્યાને મોબાઇલ પર કોલ કર્યો તો ખબર પડી કે એનો મોબાઇલ તો ઘરમા જ પડ્યો છે. એટલે એણે પ્રીતિના ઘરે ફોન કર્યો, તો ખબર પડી કે પ્રીતિ તો ઘરે જ છે અને અનન્યા એના ઘરે ગઈ જ નથી. પ્રીતિએ કહ્યું, ‘અંકલ, તમે ઉર્વીના ઘરે પૂછો, અનુ કદાચ ત્યાં હશે.’ અનુપે ઉર્વીના ઘરે પૂછ્યું અનુ ત્યાં પણ નહોતી. અનુપે અનન્યાની બીજી ૩-૪ ફ્રેન્ડ્સના ઘરે પણ ફોન કરીને પૂછ્યું પણ અનુ ક્યાંય નહોતી. હવે અનુપ અને રોમાબેન બન્ને ઘભરાયા, ‘આટલી રાત્રે અનુ કયાં ગઈ  હશે ?’ અનુપે નીમાને ફોન કરીને વાત જણાવી તો નીમા પણ મીટીંગમાથી, ’સોરી સર, મારે અરજંટલી ઘરે જવું પડશે.’ કહીને ઘરે આવી ગઈ.

આખી સોસાયટીમા અને બધા દોસ્તો-સગાઓને ત્યાં જોઇ વળ્યા. સોસાયટીના  છોકરાઓ આજુબાજુ બધે બાઇક લઈને ફરી વળ્યા પણ અનુ ક્યાંય ના મળી. નીમા અને રોમાબેન તો રડવા જેવા થઈ ગયા. એક-બે ફ્રેંડ સાથે પોલીસ સ્ટેશને જઈને અનુપે ફરીયાદ લખાવી. આખી રાત સોસાયટીના માણસો જાગ્યા. અનુપના ઘરમા તો જાણે ઘેરો સન્નાટો  છવાઇ ગયો. નીમા અને રોમાબેન તો ધ્રુસકે ધ્રુસકે રડતા રહ્યા. રોમાબેનનું બી.પી. લૉ થઈ જવાથી એ તો ચક્કર આવીને ઢળી પડ્યા. ડૉક્ટરે એમને ઘેનનું ઇંજેક્શન આપીને સુવડાવી દીધા. નીમા એ ઘરના મંદિરમા દીવો પ્રગટાવી, ‘અનન્યા હેમખેમ આવી જાય તો સોળ સોમવાર નકોરડા કરીશ.’ એવી  પ્રતિજ્ઞા લીધી.  અનુપ તો આઘાતથી અવાચક જ થઈ ગયો. પછી જ્યારે કળ વળી ત્યારે એને એના મમ્મી-પપ્પાનો ખ્યાલ આવ્યો. અનુપે ‘મમ્મી-પપ્પાને  જણાવીએ.’  કહ્યું ત્યારે નીમાએ, ‘એ લોકો અહી આવીને શું કરશે ? નકામા ચિંતા કરશે.’ કહીને બોલાવવાની ના પાડી. અનુપના ફ્રેંડે ન્યૂઝપેપરમા ‘મીસીંગ’ ની જાહેરખબરમા ફોટો આપવાની વાત કરી, પણ નીમાએ ’એમા તો આપણી છોકરી બદનામ થઈ જાય, થોડી રાહ જોઇએ’  કહીને ના પાડી. બીજા દિવસે નીમા અને અનુપ બન્નેએ ઓફિસમાથી રજા લઈ લીધી અને  અનુના કંઇ સમાચાર મળે કે તે પાછી ફરે તેની કાગડોળે રાહ જોઇ રહ્યા. પડોશીઓ ખાવાનું લઈ આવ્યા, ખાવાનો ખુબ આગ્રહ કર્યો, પણ કોઇના ગળેથી કોળિયો ઉતરે તેમ નહોતો.

અનુપ એના ફ્રેંડસાથે પોલીસ સ્ટેશનમા પણ જઈ  આવ્યો. પોલીસ ઇંસ્પેક્ટરે કહ્યું કે ‘રેલ્વે સ્ટેશન, બસ ડેપો, હોસ્પિટલો, મોર્ગ ...બધે તપાસ કરી છે, પણ તમારી છોકરીનો પત્તો મળ્યો નથી’  ‘સાહેબ, કંઇ પણ કરો, પણ  મારી દિકરીને  શોધી આપો.’  અનુપ હાથ જોડી આજીજી કરી રહ્યો.  ઇંસ્પેક્ટરે કહ્યું, ‘ચિંતા ના કરો, અમારી તપાસ ચાલુ જ છે, કંઇ પણ ખબર મળશે એટલે તમને તરત જ જાણ કરીશું.’  અને અનુપ ભગ્ન હ્રદયે ઘરે આવ્યો. નીમા પણ વ્યગ્રતાથી એની રાહ જોઇ રહી હતી, ‘કંઇ ખબર મળ્યા ?’ એ અધીરાઇથી પૂછી રહી. ‘ખબર મળશે એટલે તરત જાણ કરશે’  અને અનુપ અનન્યાના રુમમા જઈ ચોધાર આંસુએ રડી પડ્યો. એ રાત્રે દોસ્તના આગ્રહથી બધાએ બે-બે કોળિયા ખાધું પણ ખાવાનુ જાણે કડવું ઝેર જેવું લાગ્યું. ‘ક્યાં હશે મારી દીકરી ? જીવતી હશે કે....? એની સાથે કોઇએ કંઇ ?’  આગળની કલ્પના ભયંકર લાગતી. એક એક ક્ષણ  એક એક યુગ જેવી લાગતી હતી.

ત્રીજા દિવસે સાંજે  ૫ વાગ્યે ડોરબેલ વાગી. બધાની દિલમા આનંદની જગ્યા ઉદાસીએ  લઈ લીધી હતી. આંસુ પણ સુકાઇ ગયા હતા. અનુ અનુ નુ રટણ મનમા અહર્નિશ ચાલતું હતું.’ ડોરબેલ સાંભળીને  અનુપે બારણું ખોલતાં અનુને સામે ઉભેલી જોઇ. એક પળ તો એ અવાચક થઈને જોતો જ રહ્યો. ‘આ વસ્તવિકતા છે કે સપનું ?  એણે આંખો ચોળી. ‘હું અંદર આવું, પપ્પા ?’ એવો અનુનો અવાજ સાંભળીને એ હોશમા આવ્યો, અનુને જોરથી ભેટી પડ્યો. આંખમાથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યો. અનુનો અવાજ સાંભળીને અંદરથી નીમા અને રોમાબેન પણ દોડી આવ્યા. અનુને જોઇને તેઓ પણ લાગણીના આવેગથી એને ભેટી પડ્યા. ત્યાં મિલનનુ અદભૂત દશ્ય સર્જાયું.

 પછી શરુ થઈ નીમા તરફ્થી અનુની ઉલટ-તપાસ. અનન્યા આ માટે તૈયાર જ હતી. એને કહ્યું, ‘મમ્મી, આપણો તો ૧૬ વરસનો જ સાથ અને એ છૂટતાં ૨ દિવસમા તું આટલી બેબાકળી બની ગઈ ? તો તેં ક્યારેય દાદાદાદી નો  વિચાર કર્યો ? એમણે મારા પપ્પાને ૨૫ વરસ સુધી મોટા કર્યાં ને પછી ૨૦ વર્ષોનો વિયોગ ? તને ક્યારે પણ એમની મનોસ્થિતીનો ખ્યાલ આવ્યો છે ?’ નીમા  તો અનુની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. અનુપ બોલ્યો, ‘બેટા, આવો વિચાર તને ક્યાંથી આવ્યો ?’
અનુ બોલી, ‘મમ્મી-પપ્પા, તમે તો દાદા-દાદી પ્રત્યેની તમારી ફરજ  ભુલી ગયા હતા. એમની આર્થિક જરુરિયાતો તો ઠીક, એમને  મળવા જવાનું ય ઠીક,  તમે તો  ફોન કરીને એમની તબિયતના સમાચાર પુછવા જેટલી ય સમજણ વિસરી બેઠા હતા. એ લોકો ય મનથી સમાધાન કરી ચૂક્યા હતા કે, ‘દિકરો એના સંસારમા સુખી છે ને બસ, આપણે આનાથી વધારે ભગવાન પાસે બીજુ શું જોઇએ ?’ મમ્મીના ડરને કારણે હું કશું બોલતી નહી પણ ખાનગીમા એમની ખબર રાખતી હતી. મને વડોદરાના મનુકાકા મારફતે ખબર મળી કે દાદાને માઇલ્ડ હાર્ટએટેક આવ્યો છે એટલે  હું મનુકાકા સાથે દાદાદાદીની ખબર પૂછવા ગઈ હતી. હવે હું કોઇનાથી ય ડર્યા વિના તમને લોકોને કહું છું કે, ‘હું હવેથી દાદા-દાદી સાથે રહેવા જાઉ છું. તમને લોકોને ખબર આપવા અને મારો સામાન લેવા જ આવી છું, આજે મને કોઇ રોકશો નહી.’

‘પણ બેટા...’ અનુપ કશું કહેવા જાય તે પહેલા નીમા બોલી ’અનુ, તારે એવું કંઇ કરવાની જરુર નથી. હું જાતે જ જઈને એમને પગે પડીને, એમની માફી માંગીને એમને આપણી સાથે રહેવા આવવા મનાવી લઉં છું, કેમ કે મને હવે ખબર પડી ગઈ છે  કે મા-બાપને માટે  સંતાનનાનો  વિરહ શું હોય છે, ચાલો અનુપ આપણે જઈએ ?’ આ સાંભળીને રોમાબેન બોલ્યા, ‘શુભ કામમા વાર શું ? તમે લોકો તૈયાર થઈને  ઉપડો, હું વેવાઇના સ્વાગતની તૈયારી કરુ છું.’