-હે પ્રભુ, મારી બાળકીને બચાવી લે.
આંખ બંધ કરી, હાથ જોડીને સરિતા પ્રભુને
વિનવી રહી.
‘સરિતા, જલદી કર. દવાખાને જવાનુ મોડું થાય છે.’ પતિ નવીનની બૂમ સાંભળતા જ બેબાકળી બનેલી સરિતા બહાર દોડી ગઈ. ગઈકાલે રાતના નવીન સાથેના ઝગડા બાદ એને કંઈ પણ કહેવાની હિંમત સરિતામાં નહોતી, એટલે એ ચુપચાપ એની સાથે રિક્ષામા બેસી ગઈ.
ત્રણ બહેનોમા સરિતા સૌથી નાની અને સૌની લડકી પણ ખરી. એની માની લાંબી ચાલેલી માંદગી, હોસ્પિટલનું કમર તોડી નાખે એવું બીલ, માનું મૃત્યુ, જ્ઞાતિના કુરિવાજો અને મોટી બે બહેનોના લગ્ન. એમાં એના પિતા આર્થિક રીતે સાવ ઘસાઇ ગયેલા.
સરિતાને આગળ ભણવાનું, ભણીને પગભર થવાનું અને પિતાને આર્થિક ટેકો કરવાનું ઘણું
મન.પણ પિતા ગરીબી આગળ લાચાર. વળી જ્ઞાતિના યોગ્ય મુરતિયાના મા-બાપ પોતાના દીકરાઓને
કોરો ચેક સમજીને મન ફાવે એટલું દહેજ માંગતા. એટલે સુખી અને સમૃદ્ધ ઘરના પણ બીજવર
એવા નવીનનું વિના દહેજનું માંગુ આવ્યું ત્યારે પિતાએ ભારે હ્રદયે એને પરણાવી
દીધી. અને સમજદાર સરિતા પરણી પણ ગઈ.
પ્રથમ પત્નીથી બે દીકરીના પિતા બનેલા નવીનને હવે
વારસદાર જોઇતો હતો. એટલે સરિતા જ્યારે ‘મા
બનવાની છે,’ એમ જાણ્યું, ત્યારે નવીને એની ઈચ્છા વિરુધ્ધ ગર્ભપરીક્ષણ કરાવ્યું. ‘દીકરી છે.’ એમ જાણ્યું ત્યારે નવીને ગર્ભપાત
કરાવવાનો નિર્ણય લીધો. સરિતા ઘણું કરગરી, પણ એનું કંઇ
ના ચાલ્યું. અને આજે નવીન એને ગર્ભપાત કરાવવા દવાખાને લઈ આવ્યો.
રીક્ષામાંથી ઉતારીને દવાખાનાનુ પગથીયું ચઢતા અન્યમનસ્ક એવી સરિતાએ કહ્યું, ‘તમે એ તો વિચારો કે મારા પિતાએ પણ જો આ રીતે
મારી માતાને ગર્ભપાત કરાવ્યો હોત, તો તમારી બે દીકરીઓની
સંભાળ લેવા માટે મારા પિતાની ત્રીજી દીકરી એવી હું તમને મળત ખરી?’ નવીન આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. પગથીયા પર જ ઉભો રહી ગયો. એણે સરિતાનો હાથ
પકડી લીધો. સરિતા ધ્રુજી ઊઠી. નવીન બોલ્યો, સરિતા, તારી વાત સાચી છે, મારી ભૂલ થઇ ગઈ.ચાલ આપણે ઘરે જઈએ
અને બન્ને જણ મળીને આપણી ત્રીજી દીકરીને હેતથી ઊછેરીએ’ અને
આ સાંભળતાં જ સરિતાનો ચહેરો મલકી ઊઠ્યો.
No comments:
Post a Comment