Wednesday 22 July 2020

પ્રસ્તાવના : ‘શુભ ચિંતક’ (વાર્તાસંગ્રહ – ૨) પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

પ્રસ્તાવના : ‘શુભ ચિંતક’ (વાર્તાસંગ્રહ – ૨) પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી. 

આપણે  નાના બાળક હોઈએ ત્યારે, દાદા, દાદી, મમ્મી કે પપ્પા વાર્તાની શરૂઆત કરે ‘એક હતો રાજા અને એક હતી રાણી...’ અને સહેજ થોભે એટલે ગાલને હથેળી પર ટેકવીને અધીરાઈથી આપણે પૂછી બેસીએ, ‘પછી શું થયું ?’ વાર્તા કહેનાર હસીને આપણા ગાલ પર હળવી થપકી લગાવીને કહે, ‘થોડી ધીરજ રાખ, કહું તો છું’ બાળપણમાં સાંભળેલી કે વાંચેલી વાર્તાઓ આપણા ભાવજગત પર મોટી અસર કરતી હોય છે. એટલે જ આપણા વડીલો સમજી વિચારીને આપણો  વિકાસ થાય એવી વાર્તાઓ કહે છે. મોટા થયા પછી પણ આપણા મનના એક ખૂણે પેલું જિજ્ઞાસુ બાળક તો જીવતું જ હોય છે. એટેલે આપણને વાર્તા અથવા જીવનમાં બનતા બનાવ સાથે એક પ્રકારનો લગાવ તો હોય જ છે.

એ વાત ધ્યાનમાં રાખીને હું બની શકે એટલી હકારાત્મક, રચનાત્મક અને વ્યક્તિ તરીકે આપણા સમાજે ઘડેલા નૈતિક મુલ્યો જળવાય એવી વાર્તાઓ લખવાનો પ્રયત્ન કરું છું. સંસારમાં જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ થાય છે, એમ આપણા જીવનમાં પણ દુખ પછી સુખ અને સુખ પછી દુખ આવતા જ હોય છે.એટલે બધી જ વાર્તાઓના સુખાંત જ હોય એવું નથી હોતું. પણ બનાવના દુખાંતે  પણ આપણને કોઈક શીખ તો મળતી જ હોય છે. એવો હકારાત્મક અભિગમ અપનાવીને હું વાર્તાઓ લખવાનો અને મારા વાચકોને રીઝવવાનો પ્રયત્ન કરું છું. આ વાર્તાસંગ્રહ ‘શુભચિંતક’ માં નાની મોટી ૩૪ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને  શક્ય એટલી સરળ અને રસમય શૈલીમાં લખવાનો પ્રયત્ન કર્યો છે.

‘લેખિની’ મેગેઝીન દ્વારા ઇનામ વિજેતા વાર્તા ‘ત્રીજી દીકરી’ થી આ પુસ્તક ‘શુભચિંતક’ ની શરૂઆત થાય છે. એક જ પાનાની આ વાર્તામાં ટૂંકમાં પણ સચોટ રીતે આપણા સમાજમાં દીકરી પ્રત્યે પૂર્વગ્રહ ધરાવનારને જે કહેવાનું છે તે મેં કહી દીધું છે.  ઘણી ટીપીકલ સાસુઓ ‘અમારા ઘરમાં તો આમ જ થાય’ એવું કથન, નવી આવનારી પુત્રવધૂને વારે વારે કહેતી હોય છે. ‘અમારું નહિ પણ આપણું’ એ વાર્તામાં આવી સાસુ હોય ત્યારે પુત્રવધુએ શું કરવું એની વાત કરી છે. ‘પરિવર્તન’ માં આપખુદ પતિનું હૃદયપરિવર્તન કઈ રીતે થયું, એની વાત છે.

જુવાનીના જોશમાં આપણે ઘણી ભૂલો જાણે અજાણે કરી બેસતા હોઈએ છીએ, એનો અહેસાસ થાય ત્યારે અફસોસ સિવાય કંઈ કરી નથી શકતા એની વાત મેં ‘ડીચ’ નામની અર્ધા પાનાની ટૂંકી વાર્તા દ્વારા કહી દીધું છે. સરમુખત્યાર  સાસુઓને ખબર નથી હોતી કે નવવધુને એમના કટુવચનો રૂપી કાચની કરચો હાથમાં નહીં, હૈયામાં વાગતી હોય છે, અને લાંબા ગાળે એનું પરિણામ શું આવે તે મેં વાર્તા ‘કાચની કરચો’ માં વ્યક્ત કરી છે. ‘જે હશે તે ચાલશે’ વાર્તામાં મેં ‘માન ન માન મૈ તેરા મહેમાન’ નું મનોવલણ ધરાવનારને પદાર્થપાઠ શીખવ્યાની વાત કહી છે. 

બાળકોના રોલ મોડેલ તરીકે પેરન્ટસે કઈ વાત ધ્યાનમાં રાખવી જોઈએ એની વાત ‘શોર્ટ એન્ડ સ્વીટ’ રીતથી ટચુકડી વાર્તા ‘મેનર્સ’ મા કહી છે. બાળકો યુવાન થાય, પરણે અને પછી માબાપથી અલગ થાય તો એને કઈ રીતે સ્વીકારવું તેની વાત મેં ‘માંડવાળ ખાતું’ નામની વાર્તાથી કહી છે. ‘કઈ બાર યૂં હી દેખા હૈ’ મનને પ્રસન્ન કરનારી  હળવીફૂલ વાર્તા છે. ‘ભલુ થયું ભાંગી જંજાળ’ વાર્તા પણ બાળકોના નિસ્પૃહી વલણથી દુખી થનાર કોઈ માબાપને કદાચ ઉપયોગી થઇ શકે. ’બદલાયેલા બા  વાર્તા વાંચીને  બા  બદલાઈ શકે તો ઘરમાં સુખ શાંતિ સ્થપાય. ‘ભર ઊનાળે ચોમાસું’ વાર્તા થોડી વિવાદાસ્પદ છે. દરેક કિસ્સામાં આવું થાય જ એવું નથી હોતું, પણ થઇ શકે એવી શક્યતા છે. ‘સમૂહ ભોજન’ વાર્તામાં દીકરી પોતાની માતાને એનું ભુલાયેલું કર્તવ્ય યાદ કરાવે છે.   

‘સદાચાર’ વાર્તા એક વફાદાર અને સંવેદનશીલ પતિની વાત છે. ‘સબક’ વાર્તામાં રસ્તો ભૂલેલી દીકરીને એની ચકોર માતા પાઠ ભણાવે છે, પણ આપણા સમાજમાં આવું જવલ્લે જ થાય છે. ‘ઓર્થોડોક્સ વુમન’ એ પતિની ગેરમાન્યતાની વાત છે. ‘બીજાનો મહેલ જોઇને પોતાની ઝૂંપડી સળગાવવી નહિ’ એવું દર્શાવતી વાર્તા ‘આ ચલકે તુજે મૈ લેકે ચલું’ વાચકોને જરૂર ગમશે. ‘અનુશ્રી’ વાર્તાની નાયિકાની વાત તો સાવ અનોખી  છે. ‘જીંદાદિલ સુધામાસી’ તમને નવું શીખતા રહેવાની પ્રેરણા આપશે.’પછાત’ વાર્તા આપણા સમાજની વરવી વાસ્તવિકતા છે. ‘નિર્મળ પ્રેમ’ મા પતિ પત્નીના કલુષિત થયેલા મનને કઈ રીતે સ્વચ્છ કરે છે એ જણાવ્યું છે.

‘બેટી કુછ ભી માંગે તો’ વાર્તા દરેક માબાપે વાંચવી, વિચારવી અને અનુસરવી જોઈએ. ‘પરફેક્ટ મેચ’ મળવી કે ન મળવી એ તમારી વિચારસરણી પર આધારિત છે. ‘નવજીવન’ એક કરુણ અને વાસ્તવિક તે છતાં પ્રેરણાત્મક વાર્તા છે. ‘તાળાને અનુરૂપ ચાવી’ મળી જાય તો મઝા જ મઝા છે. ‘તો ?’ નામની વાર્તા આવા પ્રશ્નોના કોઈ જવાબ નથી હોતા એ દર્શાવે છે. ‘કંજૂસ’ બનવાથી ક્યારેક ફાયદો થતો હશે, પણ ક્યારેક નુકસાન પણ થાય છે.’સીમાને કોણ સમજાવે ?’ આ વાર્તામાં આવતી સીમા જેવી બધી સીમાઓએ જાતે જ સમજવા જેવી આ વાત છે. ‘માડી તારા મંદિરીએ’ કાળક્રમે હૃદયપરિવર્તન પામેલા ગામડિયા રોમિયોની વાત છે. 

‘આખલાના શીંગડા’ થી બચતા આવડી જાય તો આ સંસારના અર્ધા દુખો ઓછા થઇ જાય. ’માયકાંગલો’ આપણે માનીએ છે પણ હમેશા એવો હોતો નથી. ‘જીવનકી ડોર બડી કમજોર’ અમારી સોસાયટીમાં બનેલા કરુણ બનાવનો ચિતાર છે, જેનાથી ‘દરેકનો મૃત્યુ સમય નિશ્ચિત હોય છે’ ની વાત પાકી થાય છે. અને અંતે ‘શુભચિંતક’ આવી વ્યક્તિ દરેકના જીવનમાં હોય તો કેવું સારું ? એવી શુભેચ્છા દર્શાવીને આ વાર્તાથી વાર્તાસંગ્રહ અહી પૂરો કરું છું.

આપણા ઘરોમાં, સોસાયટીમાં, સમાજમાં અને આપણી આજુબાજુ બનતી વાસ્તવિક ઘટનાઓનું અવલોકન કરીને લખાયેલી આ ૩૪  વાર્તાઓ, બની શકે એટલી સરળ અને રસમય શૈલીમાં લખી છે. જે લખવાનો મારો હેતુ વાચકોને પ્રસન્નતા આપવાનો જ છે. વાચકોને એ જરૂર પસંદ આવશે એવી આશા છે. પ્રિય વાચકો, નીચે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપ્યા છે, આપના પ્રતિભાવ આવકાર્ય છે, જરૂરથી મોકલશો, અને હંમેશા પ્રસન્ન રહેજો.

પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

એ-૨૦૪, શાલીન ઓટીયમ, કોર્પોરેટ રોડ,

પ્રહલાદ નગર, શાલિન બંગલોની પાછળ, અમદાવાદ-૩૮૦૦૧૫.

મોબાઈલ : 9327227770.   E mail : pallavimistry@gmail.com


શુભચિંતક.

શુભચિંતક.            પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

બાર વર્ષની બાળકી પર બળાત્કાર કરીને, એને મારી નાંખીને નજીકની ઝાડીમાં ફેંકી દેનાર યુવકને, લોકોના ટોળાએ ઘેરી લીધો અને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી દીધો.’ સવારના ચા પીતી વખતે  છાપું વાંચતી નીતાનું  ધ્યાન આ સમાચાર પર પડ્યું. ‘હે ભગવાન, હવે આ દેશમાં નાની નાની બાળકીઓ પણ સલામત નથી રહી, આવા નરાધમોનો તો આવો જ અંજામ હોવો જોઈએ. લોકોના હાથે નહીં મરે તો એને કોર્ટમાં જજે ફાંસી આપી દેવી  જોઈએ.’ આક્રોશમાં આવીને  નીતાથી બોલાઈ ગયું.

‘તારે કોઈ પણ જાતના નેગેટીવ ન્યુઝ ડીટેલમાં વાંચવા નહીં, તારા મન પર એની અસર બહુ જલ્દી થઇ જાય છે.’ એના પતિ અમરે કહ્યું, એટલે  નીતાએ છાપું બાજુ પર મૂકી દીધું, અને મોબાઈલમાં વોટ્સ એપ પર  પોતાની નજર દોડાવી. ‘સંબંધો તો પતંગિયા જેવા હોય છે, જોરથી પકડો તો મરી જાય, છોડી દો તો ઉડી જાય, અને જો પ્રેમથી હળવે રહીને પકડો તો તમારા હાથમાં પોતાનો રંગ છોડી જાય છે.’લોકોને પણ સવાર સવારમાં જબરો ટાઈમ મળી જાય છે, આવા સંદેશા લખીને શેર કરવાનો, એમ મનોમન બબડીને  નીતા મોબાઈલ ટીપોય પર મૂકીને ત્યાં પડેલા કપરકાબી લઈને રસોઈ કરવા માટે કિચનમાં ગઈ.  

અમર જમીને ઓફિસે ગયો, ઘરના કામકાજથી પરવારીને નીતા સોફામાં સહેજ આડી પડી ત્યાં જ એના મોબાઈલની રીંગ વાગી.  ‘હેલો  સંધ્યા, બહુ દિવસે  તેં મને યાદ કરી ?’ મોબાઈલની સ્ક્રીન પર સખી સંધ્યાનું નામ વાંચી એ બોલી. ‘નીતા, તું એકલી જ છે, કે ત્યાં બીજું કોઈ છે ?’ સંધ્યાએ પૂછ્યું. ‘એકલી જ છું, પણ કેમ એવું પૂછ્યું ?’ નીતાને નવાઈ લાગી. ‘નીતા, સાંભળ. આજે મેં ન્યુઝ પેપરમાં એક સમાચાર વાંચ્યા, અને તું યાદ આવી.’ સંધ્યા બોલી. ‘એવા તે વળી શું સમાચાર છે કે જે  વાંચીને તને મારી યાદ આવી ?’ નીતાએ ઉત્સુકતાથી પૂછ્યું. ‘આમ જોઈએ તો સમાચાર ખરાબ છે, પણ પછી વિચારીએ તો તારા માટે એ સારા છે એવું લાગે છે’

‘વાતમાં મોણ નાખ્યા વગર કહી દે ને યાર, કે સમાચાર શું છે.’ નીતા અધીરાઈથી બોલી ઉઠી. ‘સાંભળ નીતા, નવીન એક બાર વર્ષની બાળકી પર બળાત્કાર કરીને એને મારી નાખીને ઝાડીમાં ફેંકવા જતાં લોકોના હાથે ઝડપાઈ ગયો, અને લોકોએ એને ઢોરમાર મારીને મારી નાખ્યો.’ સંધ્યા એકીશ્વાસે બોલી ગઈ. નીતાને એના કાન પર વિશ્વાસ ન બેઠો, એણે ખાતરી કરવા પૂછ્યું, ‘કોણ ?’ ‘નવીન, નવીન વાઘેલા, આપણી ક્લાસમેટ અમીના ભાઈનો ફ્રેન્ડ, અને તારો....’ સંધ્યાએ આગળના શબ્દો જાણી જોઇને અધ્યાહાર રાખ્યા. સમાચાર સાંભળીને નીતાના હાથમાંથી ફોન સરી ગયો, અને સંધ્યા, ‘હલો’ ‘હલો’ કરતી રહી.     

‘નવીન વાઘેલા ? મારો નવીન બળાત્કારી ?’ નીતાને સખત આઘાત લાગ્યો. એણે દોડીને છાપું લીધું, સમાચાર વાંચતા છાપું  એકવાર તો એના હાથમાંથી સરકી ગયું. ધ્રુજતા હાથે છાપું ફરીથી હાથમાં લીધું,  પૂરા સમાચાર જાણ્યા ત્યારે તો એનું હૃદય એટલા જોરથી ધડકવા માંડ્યું, કે એને લાગ્યું કે હમણાં પોતાને હાર્ટએટેક આવી જશે. નવીન માત્ર બળાત્કારી અને ખૂની જ નહોતો, એ જુગારી અને દારુડીયો પણ હતો. પહેલાં તો એનું મન માનવા જ તૈયાર ન થયું, કે એક વખતનો પ્રેમી નવીન આટલી હદે અધમ ?

 નીતાને કોલેજના દિવસોની યાદ તાજી થઇ ગઈ. નવીન, કોલેજમાં નીતાની સાથે ભણતી એની ખાસ ફ્રેન્ડ અમીના ભાઈનો એ ફ્રેન્ડ હતો, અમીએ જ નીતાની ઓળખાણ નવીન સાથે કરાવી હતી. નવીન એમનાથી એક વર્ષ આગળ હતો. એક વખતે કોલેજના બસ સ્ટોપ પર ઉભેલી નીતાને જોઇને નવીને પોતાની બાઈક પર એને લીફ્ટ આપવાની ઓફર કરી. નીતા પહેલા તો થોડી ખંચકાઈ, પણ પછી નવીનના આગ્રહને લીધે બાઈક પર બેસી ગઈ. પછી ક્યારેક ક્યારેક લીફ્ટ લેતા લેતા એનો સંકોચ ઓછો થયો.. એક દિવસ નવીન એને આગ્રહ કરીને કોફી પીવા માટે  કોફીહાઉસ લઇ ગયો, અને પછી તો એમની મુલાકાતો વધતી ગઈ. નીતાને આ ફેશનેબલ અને છેલબટાઉ નવીન ગમવા માંડ્યો હતો, એને નવીનનું અદમ્ય આકર્ષણ થવા લાગ્યું હતું.  માત્ર ચાર જ મહિનાની ઓળખાણમાં  નીતાને લાગ્યું કે પોતે નવીન વિના અધુરી છે. એને નવીન સાથે પ્રેમ થઇ ગયો. નવીન તો આ સંબંધ પ્રત્યે જરા પણ  સીરીયસ નહોતો, પણ નીતા નવીનને જીવનસાથીના રૂપમાં મેળવવાના સ્વપ્ન જોવા લાગી હતી.

‘નીતા બેટા, તારા માટે મનુકાકાના દીકરા અમરનું  માંગુ આવ્યું છે, છોકરો  દેખાવે સારો છે, સી..એ. થયેલો છે, કુટુંબ ખાનદાન છે, વળી સામેથી માંગુ આવ્યું છે. તો રવિવારે આપણે એમને ઘરે બોલાવીએ ?’ મનુભાઈએ દીકરી નીતાને પૂછ્યું. નીતા આ સાંભળતાં જ વિચારમાં પડી ગઈ, એટલે એની મમ્મી શીલાબહેને પૂછ્યું, ‘નીતા, તું  કેમ કંઈ બોલતી નથી ? આ બાબતે તારો શું વિચાર છે ?’ નીતાના ઘરનું  વાતાવરણ મોડર્ન અને પારદર્શક હતું, એટલે નીતાએ કહ્યું, ‘મમ્મી – પપ્પા, હું તમને કહેવાની જ હતી. હું નવીન નામના એક છોકરાને પસંદ કરું છું,  મારી ફ્રેન્ડ અમીના ભાઈનો એ ફ્રેન્ડ છે અને મને ગમે છે. જો તમને વાંધો ન હોય તો હું એને મળવા માટે આપણા ઘરે બોલાવું ?’

શીલાબહેને પતિ સામે પ્રશ્નાર્થ નજરે જોયું. મનુભાઈ પાકા વેપારી માણસ હતા. બધી બાજુનો વિચાર કરીને પગલું ભરે એવા ધીર ગંભીર અને ડાહ્યા માણસ. એમણે પત્નીને આંખના ઇશારે જવાબ આપી દીધો. શીલાબહેન પણ  સાચા રૂપમાં મનુભાઈના સહચરી હતા, પતિની વાત એ સાનમાં સમજી ગયા. મનુભાઈએ નીતાના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને  બોલ્યા, ‘બેટા, તને નવીન ગમતો હોય તો એને મળવામાં અમને વાંધો નથી. તારા ભવિષ્યનો સવાલ છે, એટલે મળ્યા બાદ એના વિશે  તપાસ કરાવીને જો યોગ્ય લાગ્યો તો અમે તારા લગ્ન એની સાથે કરાવવા તૈયાર છીએ.’  નીતા તો આ સાંભળીને એટલી ખુશ થઇ ગઈ કે પપ્પાને વળગી જ પડી, અને મમ્મીના ગાલે કિસ કરી લીધી. એ રાત્રે પોતાના બેડરૂમમાં પતિ-પત્નીએ  દીકરીના સારા ભવિષ્ય માટે શું કરવું તે બાબતે કરવા જેવી વાતો કરી લીધી.

નીતાએ તો બીજે દિવસે કોલેજમાં જઈને અતિ ઉત્સાહથી નવીનને આ ખુશખબર સંભળાવ્યા. નવીને ખુશ થવાનો ડોળ તો કર્યો, પણ એને મન તો ટાઈમપાસ માટે આ નીતા નામની એક્ટીવીટી સારી હતી, પણ લગ્ન ? નીતા જેવી સાધારણ ઘરની દીકરી સાથે લગ્ન કરીને શું ફાયદો ?  હા, લગ્નનું વચન આપીને નીતાનો જેટલો લાભ લઇ શકાય એટલો લઇ લેવો, એવી નિયત એ ધરાવતો હતો ખરો. પણ ખરેખર પરણવા માટે તો એ કોઈ કરોડપતિ શેઠની એકની એક દીકરીને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માંગતો  હતો, જો કે હજી સુધી કોઈ આવી માછલી એની જાળમાં ફસાઈ નહોતી, પણ નવીન એમ જલદી હિંમત હારે એવો નહોતો, એના પ્રયત્નો ચાલુ જ હતા.  

‘એય, શું વિચારમાં પડ્યો ? મને તો એમ હતું કે તું આ સમાચાર સાંભળીને ખુશ થઇ જઈશ, પણ તું તો...’  નીતાએ નવીનને સહેજ નિરાશ થઈને પૂછ્યું,  ત્યારે નવીને સજાગ થઇ જઈને નીતાને પોતાની બાંહોમાં સમાવી લઈને, ગાલે કિસ કરીને ખુશી વ્યક્ત કરવાનો અભિનય કર્યો. નીતા ભોળી હતી, એ ખુશ થઇ ગઈ, પછી  એ શરમાઈ ગઈ. એને તો ગાવાનું મન થયું, ‘આજ મૈ ઉપર, આસમાં નીચે, આજ મૈ આગે જમાના હૈ પીછે..’  એ બોલી, ‘બોલ, તું ઘરે ક્યારે આવે છે ?’ ‘ઘરે, ઘરે શા માટે ?’ નવીનથી બોલાઈ ગયું. ‘શા માટે તે મમ્મી-પપ્પાને મળવા’ નીતા બોલી. ‘આવીશ, ઘરે પણ આવીશ.’ નવીને કહ્યું અને પછી ઉતાવળે ઉમેર્યું, ‘નીતા, અત્યારે મારે એક અર્જન્ટ કામ છે, એટલે જવું પડશે, આપણે કાલે મળીએ ?’ કહીને નીતાના જવાબની રાહ જોયા વગર એ ચાલતો થયો. નીતાને નવીનનું આવું વર્તન વિચિત્ર  લાગ્યું, પણ પછી મન મનાવીને એ ક્લાસમાં ગઈ.   

કોલેજમાં નિયમિત મળતો નવીન ‘કાલે આવીશ, કાલે આવીશ’ કહીને પાંચ – છ દિવસ સુધી ઘરે  મળવા ન આવ્યો, એટલે નીતા ઉદાસ હતી. ‘એના મનમાં શું ચાલી રહ્યું છે, તે આજે તો એની સાથે ચોખવટ કરી જ લેવી છે’ એમ વિચારીને નીતા કોલેજ ગઈ, પણ નવીન એને ક્યાંય નજરે ન ચઢ્યો. નીતાએ નવીનને ફોન લગાડ્યો, તો ‘ધીસ નંબર ઈસ ટેમ્પરરીલી આઉટ ઓફ ઓર્ડર’ આવ્યે રાખ્યું.  એટલું જ નહીં એ પછી કોલેજમાં નવીન એને ક્યારેય નજરે ન ચઢ્યો. એ રહેતો હતો તે હોસ્ટેલમાં પણ નીતા તપાસ કરી આવી, પણ એનો ક્યાંય પત્તો નહોતો. એ ક્યાં ગયો તે અમી કે એના ભાઈને પણ જાણ નહોતી. બહુ લાંબા સમય સુધી એનો કોઈ પત્તો ન મળ્યો, એટલે નીતા પાસે  હવે એને ભૂલી જવા સિવાય કોઈ રસ્તો નહોતો.

ભણવાનું પૂરું થયું એટલે નીતા મમ્મી – પપ્પાએ પસંદ કરેલા મુરતિયા અમર સાથે પરણી ગઈ. મમ્મી – પપ્પાની વાત સાચી જ હતી, અમરનો અને એના મમ્મી – પપ્પાનો સ્વભાવ ખુબ સારો હતો. નીતાનું લગ્નજીવન ખુશહાલ હતું. પણ  ક્યારેક  ક્યારેક એને નવીનની યાદ આવી જતી, તો એ એક દુસ્વપ્ન સમજીને ભૂલી જવાની ટ્રાય કરતી. આજે છાપામાં જુગારી, દારૂડિયો અને બળાત્કારી તરીકે પકડાયેલા અને લોકોના હાથે મૃત્યુ પામેલા નવીનના સમાચાર વાંચીને એને અત્યંત આઘાત લાગ્યો, એની આંખોમાંથી આંસુઓ સરી પડ્યા, ક્યાંય સુધી એ સુનમુન થઈને બેસી રહી.

‘જો નવીનને પરણી હોત તો મારું શું થાત ? આખું જીવન બરબાદ થઇ ગયું  હોત. થેંક ગોડ !  સારું થયું કે નવીન મારી જિંદગીમાંથી સમયસર દૂર થઇ ગયો.’ નીતાએ વિચાર્યું. પણ નીતાને  ક્યાં ખબર હતી કે, એના મમ્મીપપ્પાએ નવીન વિશે પુરેપુરી તપાસ કરાવી હતી. અને પછી એના કુલક્ષણો વિશે જાણીને, પોતાની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે એની સાથે એક ‘ડીલ’  કરી હતી, ‘જો નવીન, નીતા સાથેના તમામ કોન્ટેક્ટ છોડી દે તો એને દર મહીને  દસ હજાર રૂપિયા આપવામાં આવશે. નવીને દસ ના બદલે પંદર હજાર માંગ્યા હતા, નીતાના પપ્પા તો  એ માટે પણ તૈયાર થઇ ગયા હતા.

’દીકરીના જીવનભરના સુખ કરતાં રૂપિયા કંઈ વધારે મહત્વના થોડા જ હતા ?’  હા, એમણે નવીનને કડક ચેતવણી જરૂર આપી હતી, ’જે દિવસે મને ખબર પડશે કે તેં નીતાનો સંપર્ક કર્યો છે, એ દિવસથી તને રૂપિયા  મળવાના બંધ થઇ જશે. નવીન કંઈ મૂરખ થોડો જ હતો કે ‘સોનાના ઈંડા મુકતી મરઘીને મારી નાંખે ? એ બેશરમને તો વગર મહેનતે દર મહીને મળતાં પંદર  હજાર રૂપિયા સદી ગયા હતા. એણે નીતા સાથેનો સંપર્ક પુરેપુરો તોડી નાંખ્યો હતો.

એક ફિલ્મનું ગીત છે ને - ‘કોઈ લાખ કરે ચતુરાઈ કરમકા લેખ મીટે ના રે ભાઈ....’ એટલે માણસ ગમે તેટલી ચતુરાઈ કરે પણ ‘કર્મનો સિધ્ધાંત’ કોઈને છોડતો નથી. નવીનને પણ ન જ છોડ્યો, અને આખરે એ કમોતે મર્યો. નવીનના અપમૃત્યુથી  આજે નીતાના મમ્મી પપ્પા નવીનના સકંજામાંથી મુક્ત થઈ ગયા હતા. જો કે નીતા આ વાતથી સંપૂર્ણપણે અજાણ હતી. (આમ પણ  કેટલા સંતાનોને જાણ હોય છે  છે કે - પોતાના મમ્મીપપ્પા હંમેશા પોતાના ‘શુભચિંતક’ હોય છે, અને એ માટે તેઓ કેટલા જોખમો ઉઠાવે છે, કેટલી કુરબાનીઓ આપે છે ?)


તર્પણ

તર્પણ : (વાર્તા)                    પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

“બે વજહ ઘર સે  નીકલનેકી જરૂરત ક્યા હૈ, મૌત સે આંખે મિલાને કી જરૂરત ક્યા હૈ ? સબ કો માલુમ હૈ બાહર કી હવા હૈ કાતિલ, યું હી કાતિલ સે ઉલઝને કી જરૂરત ક્યા હૈ ?  જિંદગી એક નેમત હૈ ઉસે  સંભાલ કે રખો, કબ્રગાહો કો સજાને કી જરૂરત ક્યા હૈ ? દિલ બહલાને કે લિયે ઘર મેં વજહ હૈ કાફી, યું હી ગલિયો મેં ભટકને કી જરૂરત ક્યા હૈ ?”

‘ગુલઝાર’ જી ની આ ફેમસ પંક્તિઓ  સલોનીના મોબાઈલમાં કોઈએ મોકલી, જે ૨૦૨૦ ના ચાલુ વર્ષમાં આવી પડેલા  ‘કોરોના કાળ’ ના માહોલમાં હર એક ઇન્સાન માટે એકદમ બંધ બેસતી આવતી હતી. અને સલોનીની નજર એ પંક્તિઓ સાથે હાથમાં પેન પકડીને ઉભેલા ગુલઝારજી ની તસવીર પર જડાઈ ગઈ.

એના મનમાં  નવ વર્ષ  પહેલા બનેલો બનાવ  આબેહુબ તાજો થયો. એ દિવસે મોડી પડેલી સલોનીએ ક્લાસમાં જવા માટે  કોલેજના કોરીડોરમાં ઝડપભેર પગલાં ભર્યા, ઉતાવળમાં એક યુવાન સાથે એ અથડાઈ પડી, એની બુક્સ એના હાથમાંથી ઉછળીને જમીન પર પડી ગઈ. અને સવાર સવારમાં મમ્મી સાથે ઝઘડીને આવેલી સલોનીના મુખમાંથી સ્વસ્તિવચનો (અપશબ્દો) નીકળી પડ્યા. પેલા યુવાને એને સ્માઈલ આપતાં હળવેથી ગાયું,   बोलिये सुरीली बोलियां, खट्टी मीठी आँखों की रसीली बोलियां...”

પોતાના ફેવરીટ શાયર ગુલઝારજીની પંક્તિઓ સાંભળતાં જ સલોનીનો  ગુસ્સો વરાળ થઇને હવામાં ગાયબ થઇ ગયો. એને પોતાની ભૂલ થયાનો અહેસાસ થતાં જ પેલા યુવાનને ‘સોરી’ કહ્યું, અને બુક્સ લેવા એ નીચે ઝુકી. બરાબર એ જ વખતે યુવાન પણ એને બુક્સ લેવામાં મદદ કરવા માટે નીચે ઝૂક્યો. અને બંનેના માથા ટકરાયા, આ વખતે બંનેના મોંમાંથી એકસાથે  ‘સોરી’ નીકળી ગયું અને બંને હસી પડ્યા. સલોની એ યુવાનને ‘થેન્ક્સ’ કહીને બુક્સ લઈને ક્લાસ તરફ દોડી, એ સાથે જ એને પેલા યુવાનના સ્વરે ગુલઝારજી ની બીજી પંક્તિ સાંભળવા  મળી, देखो, आहिस्ता चलो, और भी आहिस्ता ज़रा, देखना, सोच-सँभल कर ज़रा पाँव रखना,

હં, આ પણ મારા જેવો જ કોઈ ગુલઝારજી નો ફેન લાગે છે, અત્યારે તો મોડું થઇ ગયું છે, પણ આને ફરી મળવું પડશે જરૂર. અને સલોની એને ફરી મળી પણ ખરી, યુવાન ‘દિલચશ્પ’ લાગ્યો એટલે  મુલાકાતનો સીલસીલો ચાલુ થઇ ગયો. ‘જોડી ઓ ઉપરવાળો બનાવે છે’ એવું સલોનીએ એની મમ્મીના મોઢેથી ઘણીવાર સાંભળેલું, પણ એ વાત એ માનતી થઇ અમરને મળ્યા બાદ. પ્રથમ ઉપરછલ્લો  પરિચય થયો, પછી દોસ્તી થઇ, અને પછી આ દોસ્તી પ્રેમમાં પરિણમી. સલોની બી.એસ.સી. કરીને જોબ પર લાગી ગઈ, અને અમર ડૉકટર થયો. એ પછી અમરે જ સલોનીને કહ્યું, ‘મને તારી સાથે આખી ઉમર વિતાવવાનું ગમશે, તારો શો વિચાર છે ?’ મસ્તીખોર સલોનીએ અમરને સતાવવા કહ્યું, ‘સોચેંગે તુમ્હે પ્યાર કરે કે નહી, યે દિલ બેકરાર કરે કે નહી ?’ અમર હસીને બોલ્યો, ‘મૈ અકેલા બહોત દેર ચલતા રહા અબ સફર જીન્દગાનીકા કટતા નહિ, ઈસલીયે જનાબ, આપ સોચીયેગા જરૂર, પર ઇતના ભી મત સોચના કી બાત તય કરનેમે હી ઉમર બીત જાય’ અને પછી આ બંને પ્રેમીપંખીડા વડીલોની સહમતીથી  પરણી ગયા.

‘મમ્મીઈઇઈઇ... ‘ ઊંઘમાંથી જાગી ઉઠેલી પીન્કીની બુમ સાંભળીને  સલોની ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછી ફરી, અને ડ્રોઈંગરૂમના સોફામાંથી સફાળી ઉઠીને જ્યાં પિન્કીને સુવડાવી હતી, એ બેડરૂમમાં દોડી ગઈ. કોઈ ભયંકર સપનાથી છળી ઊઠી હોય એમ ઘભરાઈ ગયેલી  પિન્કીને એણે પોતાના આલિંગનમાં લઈને એની પીઠ પર હાથ પસવારતા મુક સાંત્વન આપ્યું.  ‘મમ્મી, પપ્પા...પપ્પા... ક્યારે આવશે ?‘ પીન્કીએ ધ્રુસકા ભરતા પૂછ્યું. ‘હા, બેટા, પપ્પા આવશે, બધા  પેશન્ટને તપાસી લેશે પછી પપ્પા આવશે હોં.’ સલોનીએ પિન્કીને જુઠું આશ્વાસન આપ્યું અને પોતાનું રુદન રોકવા નીચેના હોઠને ઉપરના હોઠ વડે જોશથી બંધ કર્યો. ‘મમ્મી,પપ્પા, હવે મને મળ્યા વગર, મને વહાલી કર્યા વગર પાછા જતા તો નહિ રહે ને ? પીન્કીએ સલોની સામે જોઇને પ્રશ્નાર્થ નજરે પૂછ્યું. ‘ના, બેટા, હવે પપ્પા એવું નહિ કરે હોં.’ સલોનીએ જોર જોરથી ધડકતા પોતાના હૃદયને માંડ માંડ કાબુમાં રાખીને પિન્કીને કહ્યું. અત્યારે પપ્પા વગર ટળવળતી પિન્કીને હકીકત જણાવવા કરતાં એને સંભાળવાની ખાસ જરૂર હતી.

એક મહિના પહેલા હોસ્પીટલમાં  કોરોના પેશન્ટની સારવાર કરવા ગયેલો અમર, સલોની અને પિન્કી કોરોનાથી સેફ રહે એટલા માટે દરરોજ ઘરે આવવાને બદલે હોસ્પીટલની બાજુમાં આવેલી હોટલમાં જ રોકાયો હતો. કોરોના પેશન્ટની સારવારમા કોઈ વાર જમવાનું ચુકાઈ જતું, પણ અત્યંત બીઝી હોવા છતાં  દિવસમાં એકવાર વિડીઓ કોલ કરીને સલોની અને પીન્કી સાથે  વાત કરવાનું એ ચૂકતો નહિ. પાંચ વર્ષની પિન્કીને કોરોના રોગ વિષે વિગતવાર ખબર તો નહોતી, પણ એને એટલી ખબર હતી કે આખા વર્લ્ડમાં આવી ગયેલો આ એક બહુ ખરાબ રોગ છે, જેના કારણે બાળકો સ્કુલમાં જઈ શકતા નથી, સોસાયટીના ગ્રાઉન્ડમાં જઈ એકબીજા સાથે રમી શકતા નથી, માણસો માસ્ક પહેર્યા વગર બહાર નીકળી શકતા નથી. અને સૌથી ખરાબ વાત તો એ છે કે પપ્પા ઘરે આવતા નથી, મોબાઈલથી જ વાત કરે છે. 

પંદર દિવસ પહેલાની એક સવારે અમરનો ફોન આવ્યો, ‘સલોની, મારો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે’ આ સાંભળતાં જ સલોની ડઘાઈ ગઈ, હિંમત ભેગી કરીને એ બોલી, ‘ અમર પ્લીઝ તું ઘરે આવી જા, હોમ ક્વોરેનટાઇન થઇ જા. આપણે બેસ્ટ ડૉકટરની એડવાઈઝ લઈને તારી સારવાર ચાલુ કરી દઈએ.’ ‘સલોની, હું ઘરે આવીશ તો પીન્કી મારાથી  દુર રહી શકશે નહિ. અને એને ચેપ લાગશે, તો તને પણ ચેપ લાગશે, બેટર ઓપ્શન એ જ છે કે હું અહી હોસ્પીટલમાં જ સારવાર લઉં.’ ‘અમર, પંદર દિવસથી તમને માત્ર વીડિઓ મા જ જોયા છે, તમને જોવાની ઈચ્છા તીવ્ર થઇ છે, પ્લીઝ એકવાર મળી જાવ’ થોડીવાર સન્નાટો છવાયો, પછી અમર બોલ્યો, ‘ઠીક છે, સલોની. હું પણ તમને બંનેને મળવા તડપી રહ્યો છું.  હું ઘરે આવું છું, પણ ઘરના કંપાઉંડની વોલ પાસે બહાર ઉભો રહીશ. તમે બંને મને  જોઈ લેજો અને હું તને અને પિન્કીને જોઈ લઈશ. પછી હોસ્પિટલમાં પાછો ફરી જઈશ, અને સારવાર માટે દાખલ થઇ જઈશ.

અને અમર આવ્યો, દૂરથી પ્રિય પત્નીને અને કાળજાના કટકા જેવી દીકરી પીન્કીને મન ભરીને જોઈ લીધા. પીન્કી દોડીને પપ્પાને વળગી પડવા માંગતી હતી, સલોનીએ એને માંડ  માંડ પકડી રાખી હતી. બંને છેડે શ્રાવણ-ભાદરવો જેવી અશ્રુઓની ધાર અવિરત ચાલુ હતી. અને અમર પોતાનું કાળજું કઠણ કરીને ‘બાય-બાય’ ની સાઈનમાં હાથ હલાવીને ચાલી ગયો હતો. પીન્કીએ રડી કકળીને આખું ઘર માથે લીધું, ’પપ્પા, મને વળગીને વહાલી કર્યા વગર  ગયા જ કેવી રીતે ?’ સલોનીએ સમજાવવાની લાખ કોશિશ કરી, પણ પીન્કી માની નહિ. એણે કંઈ ખાધું પીધું નહિ, રડી રડીને થાકી ત્યારે ડ્રોઈંગરૂમમાં નીચે જમીન પર જ સુઈ ગઈ. સલોનીએ ઊંઘી ગયેલી પિન્કીને બેડમાં સુવડાવી. આ બંનેની હાલત જોઇને પડોશીઓની આંખો પણ ભીની થઇ ગઈ.

અમર દૂરથી મળીને ગયો તે પછીના ના રોજે રોજ અમરની બગડતી જતી તબિયતના સમાચારે સલોનીની ઊંઘ ઉડાડી દીધી હતી. એને ટ્રીટમેન્ટ આપી  રહેલા ડૉકટર સાથે રોજ સલોનીની બે ત્રણ વાર વાત થતી.. ’આજે અમરનું  ઓક્સિજન લેવલ ઘટીને આટલું થયું, અને ઓક્સિજન માસ્ક લગાવવું પડ્યું.’  ‘આજે અમરના ૮૦ % લંગ્સ ઈફેક્ટ થયા છે.’  ‘આજે બ્લડ કલોટ થવાથી હાર્ટને અસર થઇ એટલે વેન્ટીલેટર પર મુકવા પડ્યા છે.’ ‘આજે અમરના બ્રેનમાં ઓક્સિજન ન પહોંચવાને કારણે  બ્રેનના  અમુક ટકા હિસ્સાને નુકસાન થયું છે.’  એક એક સમાચાર સલોનીના દિલ પર હથોડીના ઘા ની જેમ ઝીંકાતા હતા. એક એક દિવસ એને એક વરસ જેવો મોટો લાગતો હતો. અમરના સાજા થવાની આશા ઉત્તરોત્તર ઘટતી જતી હતી. દિવસે દિવસે  જાણે મોત અમરની પાસે આવી રહ્યું હતું, અને સલોની  સાવ લાચાર હતી. અમરને બચાવવાની વાત તો દૂર રહી, પુરા એક મહિનાથી સલોની એને મળી પણ નહોતી. અને સલોની અને પીન્કીને ‘બાય-બાય’ કરીને  ગયેલા અમરે બરાબર પંદર દિવસ પછી આજે  દુનિયાને પણ ‘બાય-બાય’ કરી દીધું.

‘આખી ઉમર વિતાવવાનું’ વચન આપીને અમર માત્ર નવ વર્ષના મધુર લગ્નજીવન પછી સલોનીને છોડીને પરલોકની સફરે ઉપડી ગયો હતો. સલોનીના જમા પાસામાં હોય તો અમરના પ્રેમની નિશાનીરૂપ એક માત્ર દીકરી પીન્કી હતી. અમર હવે માત્ર સલોનીના શ્વાસમાં અહેસાસ બનીને રહી ગયો હતો. પણ સલોનીએ તો હજી જીવવાનું હતું, પિન્કીને માટે. એણે પોતાની ડાયરીમાં લખ્યું, ‘ન નશ્વર દેહ ઘરમાં આવ્યો, ન મુખના અંતિમ દર્શન થયા, ન અગ્નિ અપાયો, ન તર્પણ થયું, જો કંઈ થયું તો બસ એટલું થયું કે એક નિશાની રહી એના પ્રેમની અને ભારતના એક સપૂતનું જીવન દેશને અર્પણ થયું.’  સલોનીની આંસુઓથી ધૂંધળી બનેલી નજર હાર ચઢાવેલા અમરના ફોટા તરફ ગઈ, ‘આપણી વહાલી દીકરીને મોટી કરવાની જવાબદારી તેં લીધી છે, એનાથી મોટું તર્પણ મારા માટે બીજું શું હોઈ શકે ?’ જાણે અમરની પાણીદાર આંખો ફોટામાંથી સલોનીને કહી રહી હતી.      


જીવનકી ડોર બડી કમજોર.

જીવનકી ડોર બડી કમજોર.     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી અધતન ‘શેલ્બી’ હોસ્પિટલના ICU  વિભાગમાં બેડ પર સૂતેલા જેકિશનભાઈએ પ્રયત્નપૂર્વક આંખો ખોલી. પ્રથમ તો આંખો સામે અંધારું છવાયેલું લાગ્યું, પણ ધીરે ધીરે પાંપણો ખોલી તો દિમાગ પર પણ અંધારું છવાઈ ગયું હોય એમ લાગ્યું.

થોડીવાર માટે ‘પોતે ક્યાં છે ?’ એ યાદ કરવાનો પ્રયત્ન કર્યો, પરિણામ સ્વરૂપે માથામાં એક ભયંકર સણકો આવ્યો. એમણે પોતાનો જમણો હાથ ઉંચો કરી માથા સુધી લઇ જવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં સફળતા ન મળી. હાથ પર જાણે કોઈએ મણબંધી વજન ખડકી દીધું હોય એવું લાગ્યું, મોમાંથી એક ઉન્હકારો નીકળી ગયો, એ આંખો મીંચી ગયા.

જેકિશનભાઈ કશું બોલવાનો પ્રયત્ન કરે તે પહેલાં એમના હાથ પર એક કોમળ અને વાત્સલ્યસભર હાથ મૂકાયો. એમણે ધીરેથી આંખો ખોલી, એક આકાર પહેલાં ઝાંખો અને પછી સ્પષ્ટ દેખાયો. એ એમની દીકરી પૂર્વી હતી. હવે મગજે કામ કરવાનું શરુ કર્યું. ‘પૂર્વી, તું વડોદરાથી અમદાવાદ ક્યારે આવી ?’ એમણે પૂછ્યું.

‘હું ક્યાં છું ? મારા હાથને, માથાને, દેહને શું થયું છે ? આખાય શરીરમાં આ  કળતર શાનું છે ?’ વહાલસોઈ દીકરીને જોતાં જ જેકિશનભાઈએ એકસામટા અનેક સવાલો પૂછી લીધા. પૂર્વી કંઈ જવાબ આપે તે પહેલાં જ ડયુટી પરની નર્સ જઈને ડોક્ટરને બોલાવી લાવી. ડોકટરે જેકિશનભાઈને તપાસીને દવા અને ઇન્જેક્શન આપ્યા. પૂર્વીની સામે જોઈને કહ્યું, ‘પેશન્ટને આરામની ખુબ જ જરૂર છે, એમને વધુ વાતો કરાવશો નહીં.’

કશું બોલવા ઈચ્છતા પપ્પાને પૂર્વીએ કહ્યું, ‘પપ્પા, અત્યારે તમે કશું બોલશો કે વિચારશો નહીં, તમારે આરામની ખાસ જરૂર છે.’ એટલું કહેતા પૂર્વીએ આંખોમાં ધસી આવેલા આંસુઓના ઘોડાપુરને, નીચલા હોઠ પર ઉપલો હોઠ દબાવીને માંડ માંડ ખાળ્યું.  પિતાનું ઓઢવાનું સરખું કર્યું અને દોઢ દિવસની બેભાન અવસ્થામાંથી માંડ માંડ બહાર આવેલા પિતાના કપાળે હેતભર્યો હાથ પસવાર્યો.

પણ એમ કોઈના કહેવાથી કશું નહિ વિચારવાના આદેશને અનુસરે, તો માણસનું મન અમથું  અમથું  તો ‘મર્કટ’ જેવું કહેવાય નહીં ને ?  જેકિશનભાઈએ આંખો બંધ કરી એ સાથે જ એમનું દિમાગ કામે લાગી ગયું. ‘પોતે અહીં હોસ્પિટલના બિછાને ક્યાંથી અને કેવી રીતે આવ્યા ?’ એ સવાલે એમના મગજનો કબજો લીધો.  દોઢ દિવસનું અંતર સ્મૃતિના સહારે વિતાવીને એ મનથી દીકરાના ઘરે પહોંચી ગયા. અને આખોય બનાવ કોઈ ‘ડોક્યુમેન્ટરી ફિલ્મ’ ના રીલની જેમ એમની બંધ આંખોમાંથી પસાર થવા લાગ્યો.

એ દિવસે બેંક હોલીડે હતો. આમ તો ‘મોક્ષદા એકાદશી’ હતી, પણ રજા હતી ‘મોહરમ’ની. મુસ્લિમ બિરાદરો માટે એ માતમ એટલે કે શોકનો દિવસ ગણાય, પણ કોને ખબર હતી કે એ દિવસ જેકીશનભાઈના કુટુંબ માટે પણ શોકનો દિવસ બની જશે ? બે દિવસ પહેલાં જ ઓફીસના કામ અંગે રાજકોટ આવેલો એમનો દીકરો એમને આગ્રહ કરીને અમદાવાદ થોડા દિવસ રહેવા માટે લઇ આવ્યો હતો.

વર્ષોથી રાજકોટ રહેતા જેકિશનભાઈ અને એમના પત્નીને અમદાવાદ કરતા રાજકોટમાં વધુ ગમતું. સરખે સરખી ઉમરના ગોઠીયાઓ સાંજે ચાલવાને બહાને બાગમાં ભેગા થતા. અને અલક મલકની વાતો પર કલાકો સુધી ગપાટા મારતા. એક ખુબ જ આત્મીયતાના સંબંધો સ્થપાઈ ચુક્યા હતા. અમદાવાદ પુત્રના ઘરે તેઓ પ્રસંગોપાત આવતા, પણ થોડા જ દિવસમાં રાજકોટ સાંભરી આવતું.

અમદાવાદ આવવાનું મુખ્ય આકર્ષણ રહેતું પૌત્રી પીન્કીનું. પીન્કી દાદાદાદીના હૈયાનો હાર હતી, તો આ બાજુ પીન્કીને પણ એમની એટલી જ માયા હતી. દાદાદાદી રાજકોટ હોય ત્યારે એલોકો અને પૌત્રીની કલાકો સુધી ફોન પર વાતો થતી. એમાં પીન્કીની એના મમ્મી-પપ્પા માટેની ફરિયાદ પણ આવી જતી. ‘હું અમદાવાદ આવીશ ત્યારે તારા મમ્મી-પપ્પાને લડીશ, હોં.’ એમ દાદા કહેતા ત્યારે પીન્કી હસી પડતી. એનું આ હાસ્ય એમના માટે પ્રાણવાયુ સમાન હતું.

જેકિશનભાઈને ધીરે ધીરે બધું યાદ આવી રહ્યું હતું.  એ રજાનો દિવસ હતો, પણ પોતાના જેવા રીટાયર્ડ માણસ માટે તો શું હોલીડે કે શું વર્કિંગ ડે - બધા દિવસો સરખા. અને આમ પણ ઘડપણમાં ઊંઘ ઓછી જ થઇ જતી હોય છે, એટલે મોક્ષદા એકાદશીને દિવસે પણ પોતે ટેવવશ ૬ વાગ્યે ઊઠી ગયા, ઈશ્વર સ્મરણ કર્યું અને બ્રશ કર્યું, એટલે પત્ની દીનાબેન ચા બનાવી લાવ્યા. બંનેએ ગેલેરીમાં હિંચકે બેસીને નિરાંતે ચા પીધી.

પછી પોતે નહાવા ગયા અને દીનાબેને પોતાના દુખતા પગે તેલમાલિશ કર્યું. નાહીને  તૈયાર થઈને બંને જણા મંદિર જઈને પાછા આવ્યા, ત્યાં સુધીમાં દીકરો મહેશ - પુત્રવધુ ચૈતાલી અને પૌત્રી પીન્કી બધા જાગી ગયા હતા. પીન્કી દોડીને દાદાજીના ખોળામાં  બેસી ગઈ અને એમને પૂછ્યું, ‘દાદાજી, આજે ભગવાનજીએ કેવા કલરનો ડ્રેસ પહેર્યો હતો ?’ દાદાજી જવાબ આપે તે પહેલા એણે ઉત્સાહથી કહ્યું, ‘દાદાજી, આજે હું મારી ફ્રેન્ડ હેતાના ઘરે જવાની છું, એના ડેડી અમને મુવી જોવા લઇ જવાના છે.’

‘અરે વાહ ! આજે તો મારી લાડકી દીકરી પિક્ચર જોવા જવાની’ કહીને એમણે પીન્કીને વહાલ કર્યું. ચૈતાલી પિન્કીને નવડાવવા લઇ ગઈ એટલે જેકિશનભાઈ ટીવી પર સમાચાર જોવા બેઠા. મહેશને એના કોઈ ફ્રેન્ડનો ફોન આવ્યો એટલે, ‘કલાકેકમાં આવું છું’ કહીને એ કાર લઈને બહાર ગયો. પિન્કીને તૈયાર કરીને પછી ચૈતાલી અને દીનાબેન સિઝનના ચોખા સાફ કરવામાં વ્યસ્ત થયા.

ત્યાંજ ઘરનો ફોન રણક્યો, જેકિશનભાઈએ ઉપાડ્યો તો હેતાના પપ્પા સુધીરભાઈનો ફોન હતો, એમણે ખબર અંતર પૂછીને પછી  કહ્યું, ‘મહેશને કહોને પિન્કીને ઘરે મૂકી જાય.’ ફોન મૂકીને જેકિશનભાઈએ ચૈતાલીને પૂછ્યું, ‘હું પિન્કીને રીક્ષામાં હેતાના ઘરે મૂકી આવું ?’ ચૈતાલીએ કહ્યું, ‘પપ્પાજી, આટલી સવારમાં અહીં રીક્ષા મળશે નહીં, કાયનેટીક પડ્યું છે, તમને ચલાવતા ફાવે તો એના પર પિન્કીને મૂકી આવો.’

જેકિશનભાઈ રાજકોટમાં પણ સ્કુટર પર બધે જતા જ હતા, એટલે એમણે ટીવી સ્વીચઓફ કર્યું,  અને સ્કુટરની ચાવી લીધી. પીન્કી તો ખુશીથી ઝૂમી ઉઠી, ‘હે.. આજે તો મને દાદાજી મૂકવા આવવાના અને તે પણ સ્કુટર પર.’  ‘બાય મમ્મી – બાય દાદી ‘ કહેતા પીન્કી હોંશભેર દાદાજીની આંગળી પકડી ઘરમાંથી બહાર નીકળી ત્યારે કોઈને પણ કલ્પના નહોતી કે આ એનું આખરી ‘બાય બાય’ હતું.

પિન્કીને કાયનેટીક પર પાછળ બેસાડીને સોસાયટીની બહાર નીકળીને જેકિશનભાઈ આનંદનગરના ટીવીએસ સર્કલના ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા, ત્યારે જ પાછળથી માલ ભરેલા ટેમ્પોએ સ્કુટરને જોરદાર ટક્કર મારી. આ ધક્કાથી પાછળ બેઠેલી પીન્કીના દાદાજીની કમર ફરતે વીંટળાયેલા નાના હાથ છૂટી ગયા, એ સડક પર પછડાઈ અને એના નાજુક શરીર પરથી ટેમ્પાનું એક વ્હીલ ફરી ગયું.

એક કોમળ દર્દનાક ચીસથી આખું વાતાવરણ ગાજી ઉઠ્યું, અને ત્યાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું. જેકિશનભાઈ પણ એક બાજુ પડ્યા, સડકની કિનારે પડેલ પથ્થર સાથે માથું પછડાયું અને તરત બેભાન થઇ ગયા. જેકીશન ભાઈને આ આખોય બનાવ યાદ આવ્યો અને તેઓ કમકમી ઉઠ્યા. ભાનમાં આવતા જ એમને પહેલો સવાલ એ થયો કે –‘હું ક્યાં  છું, મને આ શું થયું છે ?’ અને પછી તરત બીજો સવાલ થયો, ‘પીન્કીનું શું થયું ? એ ક્યાં છે ? એ કેમ છે ?’

આ સવાલો પૂર્વીને પૂછતી વેળા એ અત્યંત વિહ્વળ બની ગયા. અનેક શંકાકુશંકા થી મન ભરાઈ ગયું. પૂર્વી વિમાસણમાં પડી, પિતાની આવી ગંભીર હાલતમાં એમને પીન્કીના મોતના સમાચાર આપવા કે ન આપવા? ત્યાં જ નર્સ આવી અને ડોક્ટરની સૂચના મુજબ પેશન્ટને ઘેનનું ઇન્જેક્શન આપ્યું. જેકિશનભાઈ ગાઢ નિદ્રામાં સરી રહ્યા હતા, ત્યારે પૂર્વીના મનમાં એક જ વાત રમતી હતી, ‘કિસકો ખબર હૈ કહાં છૂટ જાયે, જીવનકી ડોર બડી કમજોર.’      

 


માયકાંગલો.

માયકાંગલો.             પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

‘દાગતર સાયેબે શું કીધું?’ ડૉકટરે દર્દી રમેશભાઈને તપાસી લીધા પછી એમને અને રમીલાબહેનને કેબીનની બહાર બેસવાનું કહીને, દર્દીના  ઉપચાર બાબતે રમેશભાઈના દીકરા સુરેશ સાથે વિગતવાર ચર્ચા કરી લીધી. સુરેશ બહાર આવ્યો એટલે રમીલાબહેને સુરેશને ડૉકટરે શું કહ્યું તે અંગે પૂછ્યું. વાત જાણે એમ બની હતી કે ગુજરાતના એક ગામડામાં  રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઈની તબિયત ઘણા વખતથી સારી નહોતી રહેતી. ગામમાં ડૉકટરની દવા લાંબો સમય લીધા પછી પણ તબિયતમાં ખાસ ફેર ન પડ્યો, એટલે પતિ – પત્ની શહેરમાં જઈ મોટા ડૉકટરને બતાવવાનું વિચારતા જ હતા. એમાં ગામના ડૉકટરે સામેથી એમને શહેરના દવાખાને તપાસ અર્થે જવા સૂચન કર્યું, મોટો દીકરો સુરેશ મુંબઈમાં રહેતો હતો એટલે બંને જણાએ મુંબઈ જઈ મોટા ડૉકટરને બતાવવાનું નક્કી કર્યું.

ફોન કરીને મુંબઈ રહેતા મોટા દીકરા સુરેશને આ અંગે જણાવ્યું,  અને ડૉકટરનો  ટાઈમ (એપોઇન્ટમેન્ટ)   લેવાનું કહ્યું. સુરેશે બીજે દિવસે ફોન કરીને માબાપને કહ્યું કે ડૉકટર બહારગામ ગયા છે, ત્યાંથી આવશે એટલે પોતે એપોઇન્ટમેન્ટ લઈને જણાવશે. એ વાતને અઠવાડિયું વીતી ગયું છતાં સુરેશ તરફથી કોઈ ફોન  ન આવતા રમેશભાઈએ સુરેશને ફરી ફોન કર્યો. સુરેશે કહ્યું, ‘હું મારી ઓફીસના કામકાજમાં વ્યસ્ત હતો એટલે એપોઇન્ટમેન્ટ લેવાનું ભૂલી ગયો છું, કાલે  ડૉકટર સાથે વાત કરીને તમને જણાવું છું.’ બીજા દિવસે સુરેશનો ફોન આવ્યો કે ડૉકટરે આવતા અઠવાડીયે ગુરુવારની   એપોઇન્ટમેન્ટ  આપી છે, તમે બંને જણ બુધવાર સુધીમાં મુંબઈ આવી જાવ.’  

રમેશભાઈ અને રમીલાબહેન બુધવારે દીકરા સુરેશના ઘરે મુંબઈ પહોંચી ગયા, ગુરુવારે ડૉકટરને બતાવ્યું. ડૉકટરે રમેશભાઈને તપાસીને એમને બહાર બેસવાનું કહીને સુરેશ સાથે વિગતવાર ચર્ચા કરી. રમીલાબહેનના સવાલ ‘દાગતર સાયેબે  શું કીધું ?’ ના જવાબમાં સુરેશે ‘ઘરે જઈને તમને વિગતે વાત કહું છું.’ એમ કહ્યું એટલે બંને જણ અધીરાઈ પૂર્વક ઘરે પહોંચવાની રાહ જોઈ રહ્યા. ઘરે પહોચીને સુરેશે એની પત્ની સીમાની હાજરીમાં મા - બાપુને કહ્યું, ‘ડૉકટરે કહ્યું છે કે બાપુની એક  કિડની ફેઈલ થઇ ગઈ છે, અને બીજી પણ થોડી નબળી પડી છે. ઓપરેશન કરાવીને એક કિડની બદલાવવી પડશે.’ આ સાંભળતાં જ રમેશભાઈ અને રમીલાબહેનના મોં પર  ચિંતાના વાદળો ઘેરાઈ આવ્યા. ‘ઓપરેશન ક્યારે કરાવવાનું કહ્યું છે ?’ રમેશભાઈએ પૂછ્યું. ‘જેમ બંને એમ જલદી, પણ એ માટે તમારી બોડીને મેચ થાય એવી કિડની મળવી જોઈએ.’   

સાંજે ડીનર લીધા પછી વહુ – દીકરો ક્લબમાં જવા માટે પોતાની રૂમમાં કપડાં બદલવા ગયા, ત્યારે ગુસપુસ અવાજે વાત કરી રહ્યા હતા. સીમા કહી રહી હતી,’ આ વળી નવી ઉપાધી આવી, ખર્ચાના ખર્ચા ને ઉપરથી કેટલાય દિવસો સુધી  ચાકરી કરવી પડશે તે જુદી.’ ‘તારી વાત તો સાચી છે, પણ હું દીકરો છું, અને એ સગા મા-બાપ છે, તે ઉપચાર કરાવ્યા વગર કંઈ છૂટકો છે ?‘ ‘તમે એકલા જ દીકરા છો કે ? મહેશ પણ તો એમનો દીકરો જ છે ને ? એની કંઈ ફરજ ખરી કે નહીં ?’ સીમા નારાજગીથી બોલી. ‘એ માયકાંગલો ? શેક્યો પાપડ પણ ભાંગી ન શકે, એ વળી મા- બાપ માટે શું કરવાનો ?’ સુરેશે કહ્યું. અને બંને જણ ક્લબમાં જવા નીકળી ગયા.

પતિ પત્ની ઘરમાં એકલા પડ્યા એટલે રમેશભાઈ અને રમીલાબહેન ‘હવે શું કરશું ?’ એવા વિચારમાં પડ્યા. ‘મહેશને ફોન તો કરો’ રમીલાબહેને કહ્યું. ‘એ માયકાંગલો વળી આમાં શું કરી શકવાનો હતો ?’ રમેશભાઈએ નિસાસો નાખીને જાણે સુરેશની વાતનો પડઘો પાડતા હોય એમ કહ્યું. રમીલાબહેન હજી કંઈ બોલવા જાય એ પહેલાં  જ રમેશભાઈના મોબાઈલની રીંગ વાગી. મહેશનો જ ફોન હતો, નિરાશ થયેલા રમેશભાઈ મહેશને કંઈ કહેવા નહોતા માંગતા, એટલે રમીલાબહેને જ ફોન ઉપાડ્યો. ‘મા, ડૉકટરે  બાપુને  શું કીધું ?’ ચીંતાતુર અવાજે એણે પૂછ્યું. રમીલાબહેને એને બધી વાત કરી. મહેશે કહ્યું, ‘મા, બાપુને કહેજે  કે  ચિંતા ન કરે, ભગવાનના આશીરવાદથી બાપુ સાજા થઇ જાહે.’  

રમેશભાઈ અને રમીલાબહેનને બે દીકરા,  સુરેશ અને મહેશ. એમાં સુરેશ બધી રીતે હોંશિયાર. ભણવામાં, રમત ગમતમાં, સંસ્કૃતિક પ્રોગ્રામમાં બધામાં આગળ, અને મહેશ બધી રીતે પાછળ. ગામના લોકો રમેશભાઈ આગળ સુરેશના  વખાણ કરે, ત્યારે એમની છાતી ગજ ગજ ફૂલે. પણ મહેશની વાત નીકળે ત્યારે એ ચુપ થઇ જાય. સુરેશને જોઇને એમનું મન હરખાય, ગર્વનો અનુભવ થાય, પણ મહેશને જોઇને એ નિસાસો નાખે, ‘જો ને એક જ મા બાપના બે દીકરા તો પણ કેટલો ફરક ?’  રમેશભાઈ જ્યારે જ્યારે આવું બોલે ત્યારે રમીલાબહેન એમને સમજાવે કે ભગવાને આપેલા બંને દીકરાને હરખા ગણવા, એમની વચ્ચે હરખામણી કરવી નહિ, પણ રમેશભાઈ પત્નીની વાત માને નહિ.

સુરેશ ભણવામાં હોંશિયાર એટલે એ ગામની નિશાળનું બાર ધોરણ સુધીનું ભણતર પૂરું કરીને શહેરમાં  કોલેજનું ભણવા ગયો. શહેરની હોસ્ટેલમાં રહીને  ભણવાથી તે સ્માર્ટ બન્યો, ફેશનેબલ પણ બન્યો. ભણી રહ્યા પછી એને ગામડું નાનું અને પછાત લાગવા માંડ્યું. એણે શહેરમાં જ નોકરી શોધી લીધી. નોકરીમાં સ્થિર થયા બાદ એણે પોતાની પસંદની છોકરી પણ શહેરમાંથી જ  શોધી લીધી અને પરણી પણ ગયો. એને તો હવે પોતાના મા બાપ પણ અભણ અને સંકુચિત માનસના લાગવા માંડ્યા, એટલે એણે ગામડે આવવાનું પણ ઓછું કરી નાખ્યું. ખેતી અને ઢોર – ઢાંખર હોવાથી રમેશભાઈ – રમીલાબહેન મુંબઈ ઓછું જ જતા. મહેશને તો મુંબઈ જવાનું જરાય ગમતું નહિ, એ ભલો ને એનું ગામ, એનું કામ અને એના ભાઈબંધો ભલા.

મહેશને ભણવામાં બહુ રસ નહોતો એટલે એણે ગામની સ્કુલમાં ફક્ત બાર ધોરણ સુધી ભણ્યા બાદ, બાપુ રમેશભાઈને ખેતીમાં મદદ કરવા માંડી. ગામના સરપંચની નવમું પાસ થયેલી અને સારી દેખાતી છોકરી સીતાને આ સીધો સરળ મહેશ ગમી ગયેલો, એટલે એણે પોતાના મનની વાત માને કહીને, બાપુ દ્વારા સામેથી જ  રમેશભાઈના  ઘરે મહેશ માટે  લગ્નનું કહેણ મોકલાવેલું. ‘ક્યાં પોતાનું સાધારણ ઘર, અને ક્યાં સરપંચ ચમનભાઈનું ભર્યું ભાદર્યું ઘર ? ક્યાં ચપળ અને  સુંદર દેખાતી સીતા અને ક્યાં સીધો સાદો મહેશ ?’ રમેશભાઈને નવાઈ તો લાગી, પણ રમીલાબહેને કહ્યું, ‘જોડી તો ઉપરવાળો બનાવે છે, ત્યારે જ તો મારા મહેશ માટે સામેથી આવું સારું માંગુ આવ્યું ને ?’ મહેશને મન તો પોતાના મા- બાપુની આજ્ઞા શિરોમાન્ય, એમના કહેવાથી એ  સીતાને પરણી ગયો. સીતા આ ઘરમાં ‘દૂધમાં સાકર ભળે’ એમ ભળી ગયેલી, ચારે જણા સુખ શાંતિ અને સંપથી રહેતા, અને ત્યાં જ આ અચાનકની તકલીફ આવી પડી. રમેશભાઈની  કિડની ફેઈલ થઇ ગઈ, ઓપરેશન કરાવવાનું આવ્યું.

મહેશે સીતાને બાપુની તબિયત અંગે વાત કરી, એટલે સીતાએ કહ્યું, ‘આપણે પહેલા તો અહીના ડૉકટર પાસે આજે જ જઈને એમની સલાહ લઇ લઈએ.’ બંને જણાએ ડૉકટર  પાસે જઈને જાણી લીધું કે  ‘બેમાંથી એક પણ દીકરાની કિડની મેચ થાય તો રમેશભાઈની  કિડની બદલી શકાય.’ બીજે જ દિવસે સીતાએ મહેશના હાથમાં બે લાખ રૂપિયા મૂક્યા અને કહ્યું, ‘હું અહીનું કામકાજ સંભાળી લેવા, તમે વહેલી તકે મુંબઈ ઉપડો અને તમારી કિડની કામ લાગે તો આપીને બાપુને બચાવી લો’ ‘પણ આ રૂપિયા તું કાંથી લાવી ?’ એવા મહેશના સવાલના જવાબમાં હસીને એણે કહ્યું, ‘ચોરી કરીને નથી લાવી, મારા માબાપુએ મારા લગન વખતે મને આપવા માટે બચાવીને રાખેલા, પણ તમે તો દહેજ લેવાની જ ના પાડી, એ જ રૂપિયા માબાપુએ આપણને જરૂર પડી એટલે આઈપા છે. મહેશની આંખમાં આવેલાં ઝળઝળીયાં જોઇને સીતાએ કહ્યું, ‘અરે, આવા વખતે કામ નઈ લાગે તો એ રૂપિયા હું કામના?’ તે છતાં તમને લેવાનું નઈ ગમતું હોય તો આપણા ખેતરના પાકના પૈસા આવશે એટલે ટુકડે ટુકડે એમને પાછા આપી દઈશું, હવે અહીની ચિંતા કર્યા વિના જાવ, અને બાપુને સાજા કરીને પાછા લઇ આવો.’

મહેશે જ્યારે પોતાની કિડની આપીને રમેશભાઈનો જીવ બચાવ્યો, દવાખાનાનું બીલ ભર્યું અને ખડે પગે બાપુની ચાકરી કરીને સાજા કરીને ઘરે લઇ આવ્યો, ત્યારે સાજા થઈને આવેલા રમેશભાઈના પસ્તાવાનો પાર નહોતો, પતિપત્ની એકલા હતા, ત્યારે એમણે પોતાની ભૂલ કબુલ કરતાં કહ્યું, ‘રમીલા, તું તો કહેતી રહી, પણ હું જ મારા સાચા હીરા જેવા દીકરાને પારખી નઈ શક્યો, કાયમ મહેશને માયકાંગલો માનતો રીયો, પણ અનુભવ થીઓ ત્યારે જ ખબર પડી કે મહેશ નહીં, પણ માયકાંગલો દીકરો તો સુરેશ જ  છે.’  આ સાંભળીને રમીલાબહેને રમેશભાઈને  કહ્યું, ‘સુરેશના બાપુ, એક વાત નક્કી  રાખો કે હરખામણી કરવાથી  તો દુઃખ જ મલે, એટલે કોઈ દિ’ કોઈની હરખામણી કોઈ હાથે કરવી નઈ, બધા પોતપોતાની જગાએ બરાબર જ છે,  જુવો ને આપણા હાથની જ પાંચ આંગળી કાં હરખી છે ?’ અને રમેશભાઈ પત્નીની આ સમજદારી જોઈને મલકી રહ્યા.


આખલાના શીંગડા.

આખલાના શીંગડા.      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

‘માસી, તમે મારી મમ્મીને સમજાવશો ?’ સ્વાતિએ શારદામાસીને જરા ખંચકાતા અવાજે સવાલ કર્યો.

સ્વાતિ, શારદામાસીની દીકરી આરતીની ફ્રેન્ડ હતી, એટલે વારંવાર આ ઘરમાં આવતી જતી રહેતી હતી. શારદાબહેન એક ખાનગી સ્કુલમાં ઘણા વર્ષો પ્રિન્સીપાલપદે રહી ચુક્યા હતા, હજી ગયા વર્ષે જ તેઓ આ પદેથી નિવૃત્ત થયા હતા, હવે તેઓ અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેતા હતા. ‘કાઉન્સેલિંગ’ એ એમની મનગમતી પ્રવૃત્તિ હતી. પોતાની સમસ્યા લઈને આવતા લોકોના પ્રોબ્લેમ વિષે અભ્યાસ કરીને, પ્રોબ્લેમ દૂર થાય એવું સોલ્યુશન બતાવવામાં એમને અનેરો આનંદ થતો.

સ્વાતિ આ વાત જાણતી હતી, એટલે જ એ પોતાના ઘરની સમસ્યા લઈને શારદામાસી સમક્ષ ઉપસ્થિત થઇ હતી. ‘બોલ બેટા, શું થયું તને તારી મમ્મી સાથે ?’ શારદાબેને સ્વાતિને સહાનુભુતિ પૂર્વક પૂછ્યું. ‘મને મમ્મી સાથે કંઈ નથી થયું, માસી, પણ મારા ભાભીને...’ બોલતાં બોલતાં સ્વાતિ ક્ષણભર રોકાઈ એટલે શારદાબેને એના ખભે હાથ મૂકતા કહ્યું, ‘હા, બોલ બેટા, ભાભી અને મમ્મી વચ્ચે શું થયું ?’

સ્વાતિને ઘરમાં બનેલો સવારનો કિસ્સો યાદ આવી ગયો. મમ્મીએ મોનાભાભીને કહ્યું, ‘આજે સાંજે હું અને તારા પપ્પા સ્મિતા આન્ટીના ઘરે જવાના છીએ’.  ‘કેટલા વાગ્યા સુધીમાં પાછા આવશો?’ મોનાભાભીએ મમ્મીને પૂછ્યું. ‘’સાતેક વાગ્યાની આસપાસ પાછા આવી જઈશું.’  ‘જમવાના ત્યાં છો કે અહી ઘરે ?’ ‘અહીં ઘરે આવીને જ જમીશું’ ‘ના, આ તો સ્મિતાઆન્ટી  આગ્રહ કરે અને તમે ત્યાં જ જમી લેવાના હો તો મને કહો તો મને ખબર પડે કે મારે તમારા લોકોનું જમવાનું બનાવવું કે નહીં એટલે પૂછ્યું.’ ‘સ્મિતાઆન્ટીએ ફોન કર્યો, ત્યારે જમવાની કોઈ વાત નથી થઇ.’ ‘અને એ આવવાના હોય ત્યારે કાયમ આપણે એમને  જમવાનો  આગ્રહ કરીએ છીએ.’

‘આપણા ઘરની રીત પ્રમાણે, આપણા સ્વભાવ પ્રમાણે આપણે લોકોને બોલાવતા હોઈએ છીએ, એમાં શું ?’ ‘આપણે આપણો સ્વભાવ અને આપણા ઘરની રીત હવે બદલવી જોઈએ એમ તમને નથી લાગતું, મમ્મી ?’ આખું બોલવાના સ્વભાવવાળા મોનાભાભીએ  સાસુમાને સંભળાવી દીધું. ’કોઈ આપણને જમાડે તો જ આપણે એમને જમાડવાના ? સંબંધમાં પણ ગણતરી કરીકરીને લોકોને  બોલાવવાના ? આપણે પણ સ્વાર્થના જ સંબંધો રાખવાના ? આ ઘરમાં મને એટલી પણ સ્વતંત્રતા નહીં કે હું ઘરે આવનારને જમવાનું કહી શકું ?’ મમ્મીએ દુખી થઈને પૂછ્યું. ‘મમ્મી, હવેના જમાનામાં સંબંધોમાં લાગણીવેડા નહીં ચાલે, પ્રેકટીકલ થવું પડે, નહીંતર લોકો એનો ગેરલાભ લે.’ મોનાભાભીએ એમના સ્વભાવ પ્રમાણે ‘તડ અને ફડ’ રીતે કહી દીધું.

અને પછી મમ્મી અને ભાભી વચ્ચેની આ રામાયણ (કે મહાભારત ?) લાંબી ચાલી. ભાભીએ તોબરો ચઢાવ્યો અને મમ્મી પહેલા ગુસ્સે થઇ ગઈ, પછી એની રૂમમાં જઈને રડવા લાગી. સ્વાતિ મમ્મી અને ભાભીની આ શાબ્દિક ટપાટપીથી વ્યથિત થઇ, ભાભીના ઉગ્ર સ્વભાવને જોતાં એમને કંઈ કહેવાનું  ઉચિત ન લાગતાં એણે મમ્મીને સમજાવી. આવા તો કેટકેટલા કિસ્સા સ્વાતિને યાદ આવી ગયા, પણ ઘરની વાત બહાર કરાય કે નહીં એના અવઢવમાં એ હતી, એ મૌન રહી એટલે શારદાબેને કહ્યું,

‘જો બેટા, દર્દની દવા જોઈતી હોય તો ડોક્ટરને દર્દ વિષે કહેવું તો પડે જ, તો જ ડોક્ટર એની અસરકારક દવા આપી શકે.’ શારદામાસીની વાત સાંભળીને સ્વાતિએ સંકોચ છોડીને એની મમ્મી અને ભાભીના ઘર્ષણના ત્રણ ચાર કિસ્સા કહી સંભળાવ્યા. શરદામાસીએ ધ્યાનપૂર્વક સ્વાતિની વાત સાંભળી, પછી વિચાર કરીને બોલ્યા, ‘ઠીક છે, સ્વાતિ બેટા, તું એકવાર તારા મમ્મીને અહી લઇ આવ, અથવા તારા ભાભી ન હોય ત્યારે મને તારા ઘરે લઇ જજે.’

એ પછીના અઠવાડિયે  ભાભી જ્યારે બે દિવસ માટે એમના પિયર રહેવા ગયા, ત્યારે સ્વાતિ શારદામાસીને પોતાના ઘરે લઇ આવી. બે બહેનપણીઓની મમ્મીઓ તરીકે ઔપચારિક ઓળખાણ તો હતી જ, અને સ્વાતિએ, ‘મમ્મી, આ શારદામાસી મારા ફેવરીટ આંટી છે, અને માસી આ મારી લવલી લવલી મોમ’ કહીને વાતાવરણ હળવું બનાવી દીધું અને પછી, ‘મમ્મી, તું માસી સાથે નિરાંતે વાત કર, હું આપણા બધા માટે ચા નાસ્તો બનાવી લાવું છું.’ કહીને મમ્મી માસી સાથે નિસંકોચપણે વાત કરી શકે એટલા માટે પોતે કિચનમાં  સરકી ગઈ.

‘કેમ છો, મઝામાં ? ઘરમાં બધા કેમ છે ?’ જેવી આડીઅવળી વાત પત્યા પછી શારદામાસીએ સ્વાતિની મમ્મીને પૂછ્યું, સીમાબેન, મારી એક વાતનો જવાબ આપો, ધારો કે તમે કંઈ ખરીદવા માટે બજારના રસ્તે જઈ રહ્યા છો,  અને સામેથી એક ધારદાર મોટા શીંગડાવાળો આખલો  નિરંકુશપણે તમારી તરફ ધસી આવતો તમે જુઓ તો તમે શું કરો ?’ સીમાબેનને આ સવાલ સાંભળીને આશ્ચર્ય થયું, થોડીવાર માટે તેઓ શારદાબેનને તાકી રહ્યા, પછી બોલ્યા, ‘તો હું રસ્તાની સાઈડમાં ખસી જઈને એને જવાની જગ્યા કરી આપું.’  ‘કેમ એવું ? રસ્તો કંઈ એના બાપનો થોડો છે ? તમે શા માટે ખસી જાવ ? તમે એની સામે ટટ્ટાર ઉભા ન રહો ?’

‘કેવી વાત કરો છો, શારદાબેન તમે ? મારી અક્કલ મારી ગઈ છે તે જંગલી આખલા સામે બાથ ભીડું ?’  ‘બાથ ભીડો તો શું થાય ?’ શારદાબેને માર્મિક અવાજે પૂછ્યું. ‘તો તો એ મને એના ધારદાર શીંગડાથી લોહીલુહાણ જ કરી મૂકે ને ?’ સીમાબેને કહ્યું. ‘સાવ સાચી વાત છે સીમાબેન. તમારી પુત્રવધૂ પણ એના ધારદાર વાક્યોથી તમારા લાગણીતંત્રને લોહીલુહાણ જ કરે છે, છતાં તમે એની સાથે વારંવાર શાબ્દિક બાથ ભીડો છો, શા માટે ?’ સીમાબેન વિચારમાં પડી ગયા, એમને શારદાબેનની વાત સાચી લાગી. ‘મારાથી એની આર્ગ્યુમેન્ટ સાંભળીને રહેવાતું નથી અને બોલાઈ જાય છે.’ એમણે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો.

‘તો તમે નક્કી કરો કે તમારી પુત્રવધૂ જ્યારે તમારી સામે ઉશ્કેરણીજનક કોઈ વાત બોલે, તો તમારે એની સામે બોલવું નહીં, આર્ગ્યુંમેન્ટ ન કરવી અને શાંત રહેવું.’  શારદાબેને કહ્યું. એ જ વખતે ચા નાસ્તાની ટ્રે લઈને પ્રવેશી રહેલી સ્વાતિએ કહ્યું, ‘હા, મમ્મી. તું નક્કી કર કે હવેથી તું ભાભીની આર્ગ્યુમેન્ટનો જવાબ નહિ આપે. કેમ કે તમારા બંનેના ટકરાવથી ઘરનું વાતાવરણ કલુષિત થાય છે અને આપણે સૌ દુખી થઈએ છીએ.’ ‘’આ વાત તું તારી ભાભીને પણ સમજાવી શકે ને ?’ સીમાબેને મનમાં ઘોળાતો સવાલ દીકરીને પૂછી જ લીધો. ‘ચોક્કસ સમજાવી  શકું, પણ મમ્મી, સાચુ કહું તું ભાભી કરતાં વધુ અનુભવી છે, વધારે સમજદાર છે, અને મારા દિલની વધારે નજીક છે, ભાભીની નજદીક આવતા મને હજી થોડો સમય લાગશે. અને બીજી વાત, ભાભીને તો મારા ભાઈ ઘણીવાર સમજાવતા જ હોય છે, મને વિશ્વાસ છે કે એમને પણ આ વાત સમજાશે જ, પણ થોડો સમય લાગશે.’

‘તો ?’ સ્વાતિએ મમ્મી સામે જોયું. ‘તો હવેથી એક વાત નક્કી, હું આખલાના શીંગડામાં માથું નહીં ભરાવું, બસ ?’ સીમાબેન હસીને બોલ્યા, અને સ્વાતિ અને શરદામાસી પણ હસી પડ્યા.    

 

 


માડી તારા મંદિરીયે...

માડી તારા મંદિરીયે...             પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

રોજના  ક્રમ મુજબ હીરુ સૂરજ ઉગે એ પહેલાં કૂવે પાણી ભરવા પહોંચી ગઈ, પણ આજે એ કૂવો અને સવાર એને રોજ જેવા ન લાગ્યા. એણે  બેડું અને ઇઢોંણી માથેથી ઉતારીને કૂવાની પાળે મૂક્યા, હાથમાંની ડોલ તો આવતાની વારમાં જ મૂકી દીધી હતી. એ માથે હાથ દઈને  કૂવાની પાળે આવેલા પથ્થર પર બેસી પડી.

રોજ તો એ કૂવે આવતાં જ ગીતો ગણગણતી જાય, પક્ષીઓના ચહુકારને અને મોરના ટહુકારને મનમાં ભરતી જાય, એના પગની પાયલની ઘૂઘરી  પણ જાણે ઘંટડી  બનીને આ કુદરતના સંગીતમાં સાથ પુરાવે, બાજુના આંબાની કોક ડાળીમાં છુપાયેલી એકાદી કોયલ ટહુકે અને હીરૂના હાથ વીજળીવેગે કૂવામાંથી પાણી ખેંચવા માંડે. બેડું અને ડોલ પળભરમાં ભરાઈ જાય, આનંદથી તરબતર થયેલા હીરૂના મનની જેમ જ.

રબારીવાસની બીજી બહેનો રૂપા, મંગળા, કજરી અને જમના પાણી લેવા કૂવે આવે ત્યાં સુધીમાં તો હીરૂના ઘરનું પાણી ભરાઈ પણ ગયું હોય અને ઘર આંગણું વળાઈને ચોક્ખું ચટ્ટ થઇ ગયું હોય. બકરીઓ અને ગાયને રાખવાનો વાડો પણ એકદમ સાફ સુથરો,  અને ઘર - ઘર શું એની ઝૂંપડી પણ ચોક્ખી ચટ્ટાક. એના  પોતાના કપડા પણ એના જેવા રૂપાળા, અને એના વર અને છોકરાના કપડા પણ સાફ સુથરા જ હોય.

પણ આજે ? આજનો દિવસ હીરુ માટે અલગ જ હતો. આજે ન તો એને પંખીઓના અવાજ સંભળાતા હતા, ન તો એના પગમાં ઉભા રહેવાનું જોર હતું ન તો એના હાથમાં ગરગડીથી કૂવામાંથી પાણી ખેંચવાનું. બસ, એના મનમાં એક અજબ પ્રકારનો શોરબકોર હતો. ગઈકાલે જ ઘરમાં વીતી ગયેલા પ્રસંગના દ્રશ્યો એક પછી એક એની નજર સામેથી ફિલમની પટ્ટીની જેમ પસાર થવા લાગ્યા.

દીકરા અને દીકરીની સગાઈનો પ્રસંગ હતો. ખુબ જ હોંશભેર તૈયારી કરી હતી. રબારીવાસની બાજુની જ સોસાયટીમાં એ જેને ઘરે ઘરકામ કરતી હતી એ ભાભીની પાસે અગાઉથી કામના રૂપિયા ઉધાર લીધા હતા. એનો ઘરવાળો જે શેઠના ઘરે રખેવાળીનું કામ કરતો હતો એમની પાસેથી પણ રૂપિયા ઉધાર લીધા હતા. અને થોડા રૂપિયા તો પોતે બચાવીને રાખેલા એ કાઢ્યા હતા.

હોંશભેર જમના અને કજરીની સાથે ખાસ, શહેરમાં જઈને દીકરાની થનાર વહુના માટે પગની વજનદાર પાયલ, ચણીયા-ચોળી-ઓઢણી, આજના જમાનાને અનુરૂપ ઉંચી એડીના ચપ્પલ , મેકઅપ નો સામાન, પર્સ, હાથરૂમાલ, ચૂડી-ચાંદલા, બક્કલ ન જાણે કેટકેટલી વસ્તુઓ રૂપિયાની પરવા કર્યા વિના એ હોંશભેર ખરીદી લાવી હતી.  

ત્રણ દીકરી અને એક દીકરાની મા એવી હીરૂના સોળેક વર્ષના દીકરા જગનની સગાઇ બાજુના ગામમાં તેરેક વર્ષની મીના સાથે કરી હતી, ‘સાટા’ માં એની ચોથા નંબરની પાંચ વર્ષની દીકરી ઈમુની સગાઇ મીનાના કાકાના નવ વર્ષના દીકરા સુમન સાથે કરી હતી. આ ‘સાટુ’ એટલે અદલા-બદલી.  જે ઘરમાંથી  દીકરાના માટે વહુ લાવે એ જ ઘરમાં (કાકાનું અથવા કુટુંબી જનોનું ઘર પણ ચાલે) પોતાની દીકરી પરણાવવી પડે.

જેમ વહુને ચીજ વસ્તુઓ આપીએ એમ એ લોકો એમની વહુને (આપણી દીકરીને ) ચીજ વસ્તુઓ આપે. આ રિવાજનો એક ફાયદો એ કે વહુનો વાંક કાઢીને ઘરમાંથી કાઢી મૂકવાનો કોઈ વિચાર જ ન કરે, કેમ કે સામે આપણી દીકરી પણ એ ઘરમાં વહુ તરીકે આપેલી જ હોય. રબારી જાતમાં સાટાની આ રીત પ્રચલિત હતી.

સવાલ એ હતો કે સગાઈના  દિવસે એવું તે શું  બન્યું કે હીરુનું હીર ઝાંખું પડી ગયું ? વાત જાણે એમ બની હતી કે - રિવાજ મુજબ ઘરના અને રબારી વાસના ત્રણ ચાર પુરુષો જઈને સગાઇનો દિવસ નક્કી કરી આવ્યા હતા. ઘરમાં પહેલો જ શુભ પ્રસંગ હતો એટલે સૌનો ઉત્સાહ માતો નહોતો. આખા રબારીવાસના લોકોને ખાવા આવવાનું કહી દીધું હતું, એક પણ ઘર બાકી નો’તું રાખ્યું. 

હીરુએ હોંશભેર વહેલી સવારથી જ મહેમાનોને પોંખવાની – સ્વાગતની તૈયારી બરાબર કરી લીધી હતી. આગલે દિવસે પુરુષોએ બજારમાં  જઈને સીધું સામાન લાવી રાખ્યું હતું. રબારીવાસની અડોશ પડોશની બહેનો સવારથી જ રસોઈમાં મદદ કરવા આવી ગઈ હતી. ‘સાથી હાથ બઢાના, સાથી રે. એક અકેલા થક જાયેગા મિલકર કદમ બઢાના’ એ હિસાબે આજે કામ કાજ થતા હતા.

પુરુષોએ ફળિયામાં ખાટલા આડા કરીને એના પર ગાદલા અને ધોયેલી ચાદરો પાથરી દીધી હતી. સમય થયો એટલે મહેમાનો આવી પહોંચ્યા. એમનું ચાપાણીથી સ્વાગત કરવામાં આવ્યું. પછી રિવાજ મુજબ સગાઈની વિધિ અને આપવા લેવાનું કામકાજ કરવામાં આવ્યું. આપેલી ચીજવસ્તુઓ એક બીજાને ખુબ જ ગમી. તે પછી મહેમાનોને ભાવતા ભોજન જમાડવામાં આવ્યા. ભોજન જમીને તેઓ રાજી પણ થયા.

જમીને કલાકેક આરામ કરીને મહેમાનો સાંજ ઢળતા રવાના થયા. બધું બરાબર પત્યું. બધાના મોઢા પર ખુશીની ચમક હતી, પણ હીરુ ? એનું ચિત્ત ઠેકાણે નહોતું, એનું મન એના વશમાં નહોતું. એ કામકાજ કરતી હતી પણ અન્યમનસ્ક જેવી. ફળીયાવાળા સૌ લોકો  પ્રસંગના વખાણ કરી, કામકાજમાં મદદ કરાવી પોતપોતાના ઘરે ગયા.

જમનાએ તો જતા જતા કહ્યું પણ ખરું, ‘હીરુ, તારે તો અવે એક મોટું કામ પઇતું, કાલ ઊઠીને તારા દીકરાના લગન થાહે, રૂમઝુમતી તારી વઉ આવી જહે પછી તને પગ વાળીને બેહવા મલહે.’  હીરુ એની સામે જોઇને મ્લાન એવું મલકી,  ‘હં ..’ એમ બોલી, પણ એના મનમાં તો બીજા જ વિચારો ચાલતા હતા.

હીરુના ઘરવાળાએ પણ કહ્યું, ‘હીરુ, આપણે હારા કામ કઈરા અહે તે આપણને હારી વઉ અને હારો જમાઈ  તો મઈલા ને હારા હગાઓ પણ મઈલા.’ અવે આપણે બેઉ પાસા કામ કાજે લાગી જેઇને  પૈહા ભેગા કરીએ, ને તું જોજેને, આપણા દીકરા દીકરીના લગન હો ધામ ધૂમથી કરહું.’  ‘હં ‘  કહીને હીરુએ ખોટું ખોટું મલકીને ઘરવાળાના હોંશિલા સૂરમાં પોતાનો બોદો બોદો સૂર પુરાવ્યો.

એવું તો શું બન્યું હીરુ સાથે ? મહેમાનો આવ્યા ત્યાં સુધી તો એ ઠીકઠાક હતી અને અચાનક શું બની ગયું? વાત જાણે એમ બની હતી કે – હીરુના મનમાં વમળ પેદા કરવાનું કારણ હતો વેવાઈની સાથે આવેલો વેવાઈનો  દૂરનો સગો  પ્રતાપ. પ્રતાપને આવેલો જોઇને હીરુના હોશ ઉડી ગયા હતા, એને વર્ષો પહેલાની વાત યાદ આવી ગઈ.

ત્યારે  હિરુ માત્ર ચૌદ વર્ષની હતી, ખુબ રૂપાળી અને ઘાટીલી હીરુની પાછળ પાછળ ગામના ઉતાર જેવો પ્રતાપ ફરતો રહેતો, એની છેડતી કરતો. એનાથી બચવા ભાગતી ફરતી ગભરુ હરણી જેવી હીરુ. મા તો હતી જ નહિ અને પોતાના  બાપુના ગુસ્સાને સારી રીતે જાણતી હીરુ  એમને  પ્રતાપની  સતામણીની વાત કરતા ડરતી.

પણ એકવાર પ્રતાપે રસ્તે જતી હીરુનો હાથ પકડ્યો અને પ્રેમાલાપ કરવા લાગ્યો, હીરુના બાપુ આ જોઈ ગયા, ડરી ગયેલી હીરુ તો બિચારી એક ઝાડની ઓથે ભરાઈ ગઈ. હીરૂના બાપે કડીયાળી ડાંગથી પ્રતાપની સારી રીતે ધોલાઈ કરી અને ધમકી પણ આપી, ‘આજે તો તને જવા દઉં સું, પણ ફરીવાર આવી હલકાઈ  કરી સે  તો ગામમાં રેવું ભારે થઇ પડહે.’  બીજે દિવસે પ્રતાપ ગામમાંથી રફુચક્કર થઇ ગયો, પછી એના કોઈ સમાચાર ન મળ્યા.

આજે વેવાઈ વસ્તારમાં એણે ફરી દેખા દીધી. એને જોઇને આટલા વર્ષે પણ હીરૂને એની તે વખતની ગુસ્સાથી લાલચોળ આંખો અને ‘તને તો જોઈ લેવા’ ની ધમકી યાદ આવી ગયા, એના ધબકારા વધી ગયા, એણે મનોમન મા જગદંબાને પ્રાર્થના કરી, ‘હે મા, તારી આ દીકરીનો પ્રસંગ આ ખરાબ માણસ બગાડે નહીં તે જોજે.’ અને જાણે માએ પ્રાર્થના સાંભળી, માએ દીકરીનો પ્રસંગ સાચવી લીધો.

પ્રતાપ તો જેમ આવ્યો હતો એમ જ વેવાઈ સાથે જતો રહ્યો, પણ હીરુનો છૂપો ડર ન ગયો. એ આખી રાત હીરુને ઊંઘ ન આવી. સવારે કૂવે પાણી લેવા આવી ત્યારે પણ મનમાં વિચારોનું તોફાન હતું, ‘પેલો ડામીસ મારા દીકરા દીકરીની સગાઇ તોડાવે નઈ તો હારું.’ પથ્થર પર બેઠેલી હીરુ  આજે તો પુતળા જેવી જ લાગતી હતી.  

-‘હીરુ.’ અવાજ સાંભળીને વિચારોમાં ગરકાવ એવી હીરુ ચમકી, અને પ્રતાપને સામે જોઇને ડરનું માર્યું એનું હૃદય ધબકારો  ચૂકી ગયું. એ પત્થર પરથી ઊઠીને ભાગવાનો વિચાર કરતી હતી, ત્યાં જ બે હાથ જોડીને પ્રતાપ બોલ્યો,

-હીરુ, જરાય ઘભરાતી નઈ. ઉં અવે પેલ્લાનો પરતાપ નથી રિયો, ઠેર ઠેરની  ઠોકરો ખાઈ ખાઈને  હું હવે હુધરી ગીયો સું. તારા દીકરા અને દીકરીને મારા આશીરવાદ સે. મનમાં મારો કોઈ ભો’ ઓય તો કાઢી નાખજે, એટલું કે’વા જ રોકાણો સુ. જાઉં સુ, સુખી થાજે.

અને પ્રતાપ ત્યાંથી ચાલી નીકળ્યો. હીરુ ચાલી જતા પ્રતાપની પીઠને તાકી રહી. પછી ઉગતા સૂરજને જોઇને એ પણ ઉત્સાહથી ઉભી થઇ, એના હાથ પગ માં જોમ આવ્યું, હાથ જોડીને માડીનો આભાર માન્યો, અને કૂવામાંથી પાણીનું બેડું સીંચતા એ ગણગણી ઉઠી, ‘માડી તારા મંદિરીયે આરતીની,  ઝીણી ઝીણી ઝાલરૂં હંભળાય.’